કથા સપ્તાહ - ગાઇડ (ગાતા રહે મેરા દિલ... - ૪)

Published: 6th December, 2012 08:34 IST

‘આફતાબ, આપણે સિકંદરા નથી જવું.’ ફાતિમાબેગમના આદેશે આફતાબ સહેજ ચોંક્યો, પણ દેખાવા ન દીધું.


અન્ય ભાગ વાંચો

1  |  2 | 3 | 4


સમીત (પૂર્વેશ) શ્રોફ


નાતાલના આજના દિવસની શરૂઆત જ કંઈક વિચિત્રપણે થઈ હતી. આમ તો પોતે ક્વૉલિસ લઈ ફૉરેનર ટૂરિસ્ટને ફતેહપુર-સિક્રી લઈ જવાની વર્દી કાદિરે ગઈ સાંજે સોંપી હતી, પણ સવારે ચાવી લેવા ઑફિસે પહોંચ્યો તો પ્લાન બદલાઈ ગયેલો :

‘આજે તમારા માટે સ્પેશ્યલ વર્દી છે.’ આમ કહેતો કાદિર રહસ્યમય મલક્યો હતો કે પછી મને એવો વહેમ થયેલો? જે હોય એ, પણ વર્દી સાચે જ વિશિષ્ટ નીકળી.

‘આપણાં ફાતિમાશેઠાણીને મન્ન્ાતની ચાદર ચડાવવા સિકંદરા લઈ જવાનાં છે.’

ઇસ્માઇલશેઠે ઘર માટે અલગ કાર રાખી હતી, પણ બાપ-દીકરો જૂતાંની ફૅક્ટરીએ કાર લઈ જતા હોઈ માલકણે અહીંથી ગાડી મગાવી હશે... જોકે રઝિયા પણ આવવાની હોય તો! ઘરે એકલી રહીને તે શું કરશે? જોકે રાત્રે મોબાઇલ પર વાત થઈ ત્યારે તો તે સિકંદરા જવાનું બોલી નહોતી, કદાચ શેઠાણીએ સવારે નક્કી કર્યું હોય... પ્રિયતમાનો સથવારો પામવાની તેની ઉમંગ પર ટાઢું પાણી રેડતો હોય એમ કાદિરે કરડા સ્વરે ટકોરેલો, ‘એમાં બહુ ખુશ ન થા. માલકણ એકલાં જ આવવાનાં છે.’

આ ટકોરનો અર્થ શું? રઝિયા માટેની કાદિરની ઝંખના હું જાણું છું, એમ શું અમારું મિલન તે પામી ગયો છે? પાછલા દસ-પંદર દિવસથી તેના વર્તાવમાં રૂક્ષતા પ્રવેશી છે એના મૂળમાં ક્યાંક...

ધારો કે કાદિર જાણતો હોય તો પણ શું? અમારી મહોબ્બત પાક છે, સાથે જીવવા-મરવાના અમે કૉલ દીધા છે...

ખુદને સમજાવતાં આફતાબે કાર શેઠના આંગણે પાર્ક કરી. ઝરૂખે રઝિયા નહોતી. સામાન્યપણે ઇસ્માઇલશેઠ ઘરે આવતા મુલાજિમને લસ્સી પાયા વિના જવા ન દે, ફાતિમાબેગમ પણ એવાં તકેદારીવાળાં, પણ આજે તેઓ ઝડપભેર પાછલી સીટે ગોઠવાઈ ગયાં, બોલ્યાંય ઉતાવળે, ‘ઝટ હંકાર, ભાઈ!’

ના, સાથે રઝિયા નહોતી, બેગમ એકલાં જ જવાનાં હતાં! સહેજ નિરાશ બનેલા આફતાબે કાર હાઇવે તરફ વાળી ત્યાં નવા આદેશે અસમંજસ જન્માવી : બેગમે સિકંદરા જવાનો પ્લાન બદલી નાખ્યો કે શું!

‘કાર એવી જગ્યાએ પાર્ક કર,

જ્યાં આપણે અડધોએક કલાક શાંતિથી વાતો કરી શકીએ.’

તેમનો સ્વર સંયત હતો. શેઠાણીએ મારી જોડે શું વાત કરવાની હોય?

રઝિયા!

આફતાબના કાળજે ચીરો પડ્યો. કાદિરનું સ્મિત ઝબક્યું : ચોક્કસ આ એનો જ દાવ!

આફતાબની ધારણા સાચી હતી. તેનું-રઝિયાનું તારામૈત્રક જોઈ જનાર કાદિર હતો. આફતાબની લાગણી એકપક્ષી હોત તો કાદિરે ત્યાં ને ત્યાં તેની ધુલાઈ કરી હોત, પણ રઝિયાને આફતાબ તરફ ઢળેલી જાણ્યા પછી કળથી કામ લેવાનું હોય. રૂપાળી, દોલતમંદ રઝિયા, મારી જ થવી ઘટે! આફતાબને હું ફાવવા નહીં દઉં... અસલમ-ઇસ્માઇલશેઠનો સ્વભાવ કાદિર જાણતો હતો. એ બન્ને રઝિયાની મરજી પહેલાં પૂછશે, આફતાબની દરિદ્રતા તેમને બહુ વાંધાજનક ન જણાય. મામુજાન તો આમેય આફતાબને પ્રોત્સાહિત કરતા હોય છે... હા, ફાતિમામામીને, નોકર સાથેનો દીકરીનો સંબંધ અકળાવી જશે, તેમની કાનભંભેરણી ધાર્યા અંજામ આણી શકે!

પિસ્તાલીસેક વરસનાં ફાતિમાબેગમ જાજરમાન સન્ન્ાારી હતાં, એમ ભોળવાય એવાંય નહોતાં, પરંતુ દીકરી નોકરની સોબતમાં ભેરવાઈ છે જાણી કોઈ પણ મા બેબાકળી થવાની. પાછું ફાતિમાને પિયર-સાસરું સધ્ધર હોવાનું થોડું અભિમાન પણ ખરું. મારી રઝિયા મામૂલી ડ્રાઇવરને પરણે? ન બને? આફતાબનો તેમને આછોપાતળો ખ્યાલ હતો, છોકરો દેખાવડો છે, ઈમાનદાર પણ હશે, પણ એથી કંઈ મારી રઝિયાને લાયક તો ન જ ઠરે!

‘રઝિયા તો નાદાન, મામીજાન, ખરો હરામી તો આફતાબ છે. મામાના તેના પર ચાર હાથ છે એટલું હું શું બોલું, તેની ચાલચલગત મને ક્યારેય સારી લાગી નથી. તેની નજર આપણી દોલત પર છે. રઝિયાને ભોળવી એ જ તેના હલકટ ચારિત્રની સાબિતી પૂરે છે.’

આ બધા તર્ક કામ કરી ગયા. દીકરી બગાવત પર ઊતરી આવે એ પહેલાં તેની જાણ બહાર તેમના પ્રણયસંબંધનો ફેંસલો કરવા ફાતિમા તત્પર બન્યાં. જોકે એ પહેલાં તેમણે બેટી પર ચાંપતી નજર રાખી પ્રીતની ખાતરી સ્વયં કરી લીધેલી. કાદિરનો સ્વાર્થ તેમને ન ગંધાયો, ઊલટું, તેની નમકહલાલીને તેમણે બિરદાવી હતી!

‘આફતાબ તારી આવક, ઉછેર, આપણાં બે ખાનદાન વચ્ચેનો ભેદ પૂછી-દર્શાવી મારે તને ઠેસ નથી પહોંચાડવી...’ કાર પાર્ક થતાં તેમણે સીધી શરૂઆત કરી, ‘તેં રઝિયાને ફસાવી છે એવો આરોપ પણ નહીં મૂકું, બસ, એટલું જાણી લે કે આ સંબંધ અમને ક્યારેય મંજૂર નહીં હોય.’

આફતાબની ગરદન ઝૂકી ગઈ.

આ વિશે તમે રઝિયાને પૂછ્યું એવું પૂછી ન શકાયું.

‘રઝિયા માટે અમે વિલાયતનો છોકરો શોધીએ છીએ. અમેરિકામાં તેનાં નાનીએ બે-ચાર મુરતિયા શોધી રાખ્યા છે. ક્યાં એ વૈભવ ને ક્યાં...’ તે અટક્યાં. આફતાબને ઝંખવાતો જોઈ થોડી ગ્લાનિ થઈ, પરંતુ દીકરીના સુખદ ભાવિ ખાતર મારે આ પગલું લેવું જ રહ્યું, ‘આફતાબ, કોઈ ચિઠ્ઠી-ચપાટી, ફોટા વગેરે હોય તો સાંજ સુધીમાં મને આપી દેજે. પાછળથી મને કોઈ પ્રૉબ્લેમ નહીં જોઈએ.’

તેમણે મને બ્લૅકમેઇલિંગ કરવા જેવો હલકટ ધાર્યો? દીકરીને ફૉરેન પરણાવવા માગતાં તમે જાણો પણ છો કે કાદિરની નજર રઝિયા પર છે? એટલે તો તેણે આ હોળી સળગાવી છે! આફતાબને કાદિરના સ્મિતનો ભેદ સમજાઈ ચૂક્યો હતો. મારી દુનિયા ઊજડવાની એનો તેને આનંદ હતો!

‘નોકરી છોડાવી મારે તારા પેટ પર લાત નથી મારવી, બદલામાં એટલું ઇચ્છું છું કે રઝિયાને ઝરૂખામાં ઊભી નિહાળવાનું બંધ... ખાનગી વાતો-છૂપી મુલાકાતો-તમામનો આજથી અંત આવી જવો જોઈએ.’

આફતાબે હૈયે કળતર અનુભવ્યું

‘રઝિયાને રિસ્પૉન્સ આપવો બંધ કરશે એટલે આપોઆપ તે તારું પોલાપણું પામી જવાની...’

પણ મારી મહોબ્બત નક્કર છે - આવું કહેવાયું નહીં. માવતર સામે બંડ પોકારવામાં રઝિયા માનતી નથી. તેમના આર્શીવાદ વિના અમે નિકાહ કરવાનાંય નહોતાં, હવે જ્યારે તેમનો ફેંસલો સ્પષ્ટ છે ત્યારે મારે એ જ કરવું ઘટે, જે રઝિયાના હિતમાં હોય!

ત્યાગ.

‘જી માલકણ, તમે કહ્યું એમ જ થશે.’

તેના રણકામાં જામેલી પીડા ફાતિમાએ સ્પર્શી ગઈ. છોકરો પાણીદાર હીરા જેવો લાગ્યો. તેની ચાલચલગત બાબત કાદિરને ગલતફહમી થઈ હોવી જોઈએ. પછી વિચાર ખંખેર્યો : મારે લાગણીમાં તણાવું નથી. ગરીબને પરણી મારી રઝિયા સુખી નહીં થાય, મેં જે કર્યું એ ઠીક જ હતું!

‘યાદ રહે, તારા માલિકને ભોળવી આ મામલે અમારી વચ્ચે ફાટ પડાવવાનું વિચારશો પણ નહીં. મારો ફેંસલો તો પણ નહીં બદલાય.’

ધારી અસર થયાનું નોંધી ફાતિમાબાનુ સીટને અંઢેલ્યાં, અવાજનો રણકો બદલ્યો, ‘ચાલ ભાઈ, હવે ઘર તરફ લઈ લે.’

આફતાબે કાર એવી હંકારી જાણે મહોબ્બતનો જનાજો લઈ જતો હોય!

€ € €

દીકરો દુ:ખી હોવાનું મા-બાપને પરખાયું, પણ આફતાબે કશો ફોડ પાડ્યો નહીં. બીજા દિવસે કામ પર ગયો ત્યારે રાતનો ઉજાગરો આંખોમાં નિહાળી કાદિર ખંધું મલક્યો હતો, એના પ્રત્યેય દુર્લક્ષ્ય રાખ્યું. ફાતિમાબાનુના એક ફેંસલાએ તેની દુનિયા ઊજડી ચૂકી હતી, જિંદગીનો જાણે ઉદ્દેશ્ય રહ્યો નહોતો. મમ્મી-અબ્બુનો ખ્યાલ ન હોત તો શહેર છોડી દીધું હોત... રઝિયાનું મુખડું ન જોવા મનને કેટલી વાર મારવું પડ્યું. મોબાઇલ સ્વિચ-ઑફ કરી મૂકેલો. કયા મોંએ તેને કિસ્મતનો ફેંસલો સંભળાવવો?

રાત્રે મકાનની છત પરથી તાજમહલનો ઘુમ્મટ જોતો. કડવું હાસ્ય ઊપસતું : તાજમહલની સોગાત અમીરોને શોભે, ગરીબે તો  પ્યારનો મકબરો પોતાના દિલમાં જ દફનાવી દેવાનો હોય છે!

ગુરુવારની સવારે આશંકા હતી એવું જ બની ગયું. રઝિયાએ તેને તાજના પ્રવેશદ્વારે આંતર્યો, ‘તું મારાથી નાસતો કેમ ફરે છે, અફતાબ?’

‘કેમ કે મને સમજાઈ ગયું છે, રઝિયા કે હું મૃગજળ પાછળ દોડી રહ્યો હતો...’ કાળજું કઠણ કરી આફતાબે સ્મિત ઊપજાવ્યું, ‘અમ્મીએ મારા માટે દુલ્હન શોધી છે, જે તારાથી ક્યાંય વધુ ખૂબસૂરત છે! તેને જોતાં જ તારા પ્રત્યેની મહોબ્બત હવા થઈ ગઈ. બહુ જલદી નિકાહનું નિમંત્રણ મોકલીશ... આવીશને, મને સહેરામાં જોવા?’

કેટલી ક્રૂરતાથી પોતે રઝિયાનું હૈયું ભાંગ્યું! તેના મુખ પર અંકાતી વેદના રગ-રગમાં વીંછીના ડંખની જેમ ચૂભી આફતાબને, પણ શું થાય!

સાંજ ઢળી તોય તેની બેચેની ન ઓસરી. મોડી રાત્રેય તે નિરુદ્દેશ ભટકતો રહ્યો, ત્યાં...

અરે, આ તો કાદિર!

સૂમસામ ગલીના ખૂણે ભરાઈએ વિદેશી પર્યટકને શું આપી રહ્યો છે? દબાતા પગલે આફતાબ નજીક સર્યો.

‘એન્જૉય સર, આલા દરજ્જાનું ચરસ છે,’ ભાંગી-તૂટી અંગ્રેજી બોલતા કાદિરનો શબ્દેશબ્દ આફતાબના કાને પડતો હતો, ‘યા, સર, ઇન્ડિયન બુલબુલ પણ તમારી રૂમ પર પહોંચી જશે.’

યા અલ્લાહ!

કાદિર આવા નાપાક ધંધા પણ કરે છે? આફતાબનું  દિમાગ ધમધમી ઊઠળ્ું.

વિદેશીએ ધરેલા ડૉલરની થોકડી બંડીની અંદર સરકાવતો કાદિર બીજા છેડેથી વંજો માપી ગયો એની ઘણી વારે આફતાબને ભાન આવ્યું : તેં મારા પ્રણયમાં ફાચર મારી, કાદિર, મેં મારો પ્યાર હંમેશ માટે કુરબાન કર્યો, પણ તું રઝિયાને શું, શેઠજીના ભરોસાને લાયક નથી એ હવે હું સાબિત કરીશ!

બે નંબરી ધંધો કાદિર રાત્રે આઠના ઑફિસ-ટાઇમ પછી જ કરતો હોય... એ સમયે હું તારા પર નજર રાખીશ, તારો પર્દાફાશ થઈ જવાનો, કાદિર... બહુ જલદી!

€ € €

‘તમે કેમ મૂડમાં નથી

લાગતા, અભિ?’

શુક્રવારની બપોરે આગ્રાની હોટેલમાં થાળે પડતાં જ લજ્જાએ પૂછી લીધું, ‘મુંબઈથી નીકળ્યાં ત્યારના તમે અપસેટ છો. દિલ્હીદર્શનમાં પણ મૂંગા-મૂંગા રહ્યા... રૂમ-સર્વિસના વેઇટર પર વિનાકારણ વરસી પડ્યા, કુતુબમિનારના ગેટકીપર સાથે બાઝી પડ્યા... તમારા ગુસ્સાથી હું ટેવાઈ છું, બટ ધેર વૉઝ સમથિંગ અનયુઝુવલ...’

અભિ શું જવાબ આપે?

ફરવા નીકળતાં પહેલાં સ્વામીજીની લીધેલી મુલાકાતનો સાર કોઈને કહેવાય એમ નહોતો...

‘તમારી માતાની માંદગીના મૂળમાં છે તમારી દીકરી... તેનું આગમન તમારી માતા માટે શુભ નથી. માતાની સલામતી ઇચ્છતા હો તો પુત્રીનો ત્યાગ કરો... તમે દિલ્હી-આગ્રા જવાનાં છોને? ત્યાંના માનવમહેરામણમાં તેને ત્યજી આવો! બાકી તેને પાછી આણશો તો તમારી મા ઝાઝું નહીં જીવે.’

આ તે કેવી કસોટી! મા પ્રત્યે સ્નેહ હતો એમ દીકરીયે વહાલી હતી. તેને ત્યજવાના વિચારે ધ્રુજારી છૂટતી એમ માના અમંગળે કંપારી પ્રસરી જતી. બાકી બાબાજીના વચનમાંથી તેની શ્રદ્ધા ડગી નહોતી. તેમણે તો ઘણું કહેલું કે ઉપાય આસાન નથી, કદાચ ઉચિત પણ નથી... રાવીના આગમન પછી જ મા માંદી રહેવા લાગી એ પણ હકીકત છે. દીકરીને અહીંથી પાછી લઈ જવાનો અર્થ છે, માને આગ ચાંપવાની તૈયારી રાખવી! મન એવી દલીલ કરતું કે માએ તો જીવન જીવી લીધું, જ્યારે રાખી હજી ખીલતી કળી... પાછું એ જ મન અવળું ફરી એમ કહેતું કે મા વૃદ્ધ થઈ એટલે ફેંકી દેવા જેવી ગણાય?

આવી કશમકશમાં ફરવાનો મૂડ ક્યાંથી જાગે? લજ્જાને કહીશ તો પણ તે સ્વામીજીને હસી નાખશે... દિલ્હીમાં તો મારાથી રાવીને ત્યજાઈ નહીં, શું આગ્રામાં હવે બનશે?

અભિને જાણ નહોતી કે બનાવટી દાઢી-મૂછ  લગાવી ચૌધરીના નામે વિશ્વાનંદ સતત પોતાની પાછળ ઘૂમે છે. મૉલ કે પબ્લિક પ્લેસ પર જેવો તે રાવીને ત્યજે કે તેનો કબજો લઈ લેવાની તેની ચાલ છે. દિલ્હીમાં એવું બન્યું નહીં, હવે આગ્રામાં પણ ન બને તો બેબીને ઉઠાવી લેવા સિવાય છૂટકો નહોતો?

‘બોલો, અભિ...’

લજ્જાના તકાજાએ તેને ઝબકાવ્યો. એ જ વખતે ઇન્ટરફોન રણકતાં જવાબ લેવામાંથી ઊગરી જવાયું.

અભિએ રિસીવર ઉઠાવતાં

સામેથી સંભળાયું,

‘ગુડ આફ્ટરનૂન. યૉર

ટેક્સીડ્રાઇવર-કમ-ગાઇડ આફતાબ, સર.’

(આવતી કાલે સમાપ્ત)


અન્ય ભાગ વાંચો

1  |  2 | 3 | 4
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK