કથા સપ્તાહ - ગાઇડ (ગાતા રહે મેરા દિલ... - ૩)

Published: 5th December, 2012 07:33 IST

‘દિલ્હી-આગ્રા!’ લજ્જાએ ઊછળતા અવાજે ફોન પર શ્વશુરજીને માહિતી આપી, ‘૨૫ ડિસેમ્બર નાતાલને દિવસે અમે અહીંથી બાય પ્લેન નીકળીશું - રાવીની પ્રથમ હવાઈ યાત્રા!


અન્ય ભાગ વાંચો

1  |  2 | 3


સમીત (પૂર્વેશ) શ્રોફ


મંગળ-બુધ-ગુરુ દિલ્હીમાં ઘૂમી ટૅક્સી કરી શુક્રવારે આગ્રા પહોંચીશું. ત્યાં બે રાત્રિનું રોકાણ છે. ઉપરાંત ફતેપુર-સિક્રી જોવાનો પ્લાન છે.’

‘અરે વાહ! ઘૂમો, ફરો, પણ સાચવીને,’ માધવભાઈ બોલતા હતા એમાં દબાયેલા સ્વરની ખાંસી પણ લજ્જાને સંભળાતી હતી, ‘શું થયું પપ્પા? મમ્મી તો ઠીક છેને!’

સોફા પર રાવીને તેડીને બેઠેલા અભિના કાન ચમક્યા. ઇશારાથી તેણે રિસીવર ખૂંચવ્યું તો સામેથી પિતા કહેતા સંભળાયા,

‘કિશોરીને હમણાં શ્વાસની તકલીફ છે,’ હળવો નિસાસો નાખી તેમણે ઉમેર્યું, ‘બિચારીના માથે પનોતી બેઠી હોય એમ લાગે છે. સાચું કહું તો અભિ માંદો રહેતો ત્યારે તેણે સતત પ્રાર્થના કરેલી કે દીકરાની બધી માંદગી મને મળે, એનું જ આ ફળ હોય તો એનો અફસોસ પણ શું હોય!’

અભિની આંખોના ખૂણા ભીંજાયા.

‘બેટા, અભિને આવું બધું કહીશ નહીં હો,’ ટકોરી માધવભાઈએ ધરપતનો ભાવ ઊપસાવ્યો, ‘ડૉક્ટરની દવાથી સારું છે, તમારે ફરવાનો પ્રોગ્રામ કૅન્સલ કરવો પડે એવું નથી. તમતમારે નચિંત મને જજો.’

‘પપ્પા...’

‘અભિ, તું છે! બેટા, સહેજે ફિકર ન કરીશ, તારી મા પાસે

હું છુંને.’

તોય અભિનું મન ન માન્યું. બીજે દહાડે લજ્જા-રાવીને લઈ તે ગામ પહોંચ્યો. વલસાડના ડૉક્ટરેને મળ્યો. દવાથી ફેર હોવાના નિદાને થોડું આશ્વાસન મળ્યું. જોકે માની ક્ષીણ થતી કાયા નિહાળી મનમાં ગાંઠ વાળી કે હવે બહુ થયું, સ્વામીજીને જ મારે કહેવું પડશે કે મારી મા પહેલાં જેવી થઈ જાય એવું કંઈક કરો!

કિશોરીબહેનની મોટી બીમારીમાં તે બાબાજીના શરણે જતો જ. હાથ ઊંચો કરી રામર્તીથ કહેતા કે ઉનકી વિપદા ટલ જાયેગી... મા બીમારીમાંથી બેઠી થતી એ પણ હકીકત હતી.

પણ એક પછી બીજી માંદગીનું ચક્કર ક્યાં સુધી! ના, ના, હવે તો બાબાજીએ ચમત્કાર દેખાડવો જ પડશે.

અભિનો ઇરાદો સાંભળી લજ્જાના હોઠ સુધી આવી ગયું કે બાબાજીના તૂતમાં પડવું રહેવા દો, શ્રદ્ધાને પણ એક સીમા હોવી ઘટે.

લજ્જા શબ્દો ગળી ગઈ. નાહક અભિનું મન ખાટું થશે. મને બાબાજીમાં આસ્થા નથી એમ માની અકળાશે. મમ્મી સાજાં થાય એમાં મને રસ નથી એવું કંઈક ધારી લીધું તો... રામર્તીથને પોતાના ગાઇડ (માર્ગદર્શક) માનનારા અભિને ટકોરવાને બદલે તેણે એટલું જ કહ્યું, ‘જે કરો એ સમજી-વિચારીને કરજો, અભિ. આપણે કોઈનું બૂરું નથી કર્યું એટલે ઈશ્વર આપણી સાથે કશું ખોટું ન થવા દે એની શ્રદ્ધા રાખજો.’

ડોક ધુણાવતાં અભિનું ધ્યાન ગયું. લજ્જાના ખોળામાં બેઠેલી રાવી રમકડું મોંમાં નાખતી

હતી. તેનો પિત્તો હટ્યો, ‘લજ્જા, રાવીનું ધ્યાન રાખ, તે શું કરે છે એ તો જો.’

પિતાના ઘાંટાએ ડરતી હોય એમ રાવી માને બાઝી પડી. રમકડું છોડાવી લજ્જાએ તેના કપાળે ચૂમી ભરી, ‘જોયું બેટા, ડેડીને તમારો કેટલો ખ્યાલ છે!’

અભિની આવી ડાંટ લજ્જાને ગમતી. બીજા પિતાની જેમ અભિને લાડ લડાવવાની ફાવટ નહોતી. તેનું પિતૃત્વ આવા પ્રસંગે ઝબકતું.

થોડું-ઘણું બોલતી-ચાલતી થયેલી દીકરીને તે પિતાનું વહાલ પરખાવતી.

માના વાક્યની ખાતરી કરતી હોય એમ રાવીએ પિતા પર મીટ માંડી. ડ્રાઇવિંગ કરતા અભિએ ગુસ્સો ખાળી સ્મિત ઊપજાવ્યું ને રાવી ખિલખિલાટ હસી પડી.

લજ્જાએ સુખનો અનુભવ કર્યો.

* * *

‘મારા પાર્કિંગમાં બીજાની કાર આવી જ કેમ!’

અભિએ વૉચમૅનનો ઊધડો લીધો. એક તો વલસાડ-મુંબઈનું લૉન્ગ ડ્રાઇવિંગ, એમાં બપોરની ગરમી, પછી પારો ચડે જને!

‘અભિ, તમે બોલવામાં થોડું ધ્યાન રાખો.’ થાળે પડતાં લજ્જાએ ઘણા દિવસનું વિચારી રાખેલું કહેવા માંડ્યું, ‘ગયા રવિવારે તમે રામજીને પણ શૂ પૉલિશ માટે કેવો લબડધક્કે લીધો. ક્યારેક તેમનો પ્રત્યાઘાત અવળો પણ પડે. છાપામાં વાંચતા નથી, આજકાલ મુંબઈમાં કેવા-કેવા બનાવો બને છે! તમારા ઑફિસ ગયા પછી આમાંનું કોઈ આવી અમારા રામ રમાડી જાય એવુંય બને.’

લજ્જાના મનમાં ડર ઘર કરી ગયો એવું નહોતું. માત્ર આ ભયથી અભિનો ગુસ્સો કાબૂમાં આવે એવી નીયત હતી.

‘નૉનસેન્સ,’ ઊલટું, અભિનો પિત્તો હટ્યો, ‘તમારા તરફ કોઈ આંખ ઉઠાવે તો ખરું!’

ત્યારે વધુ દલીલ ન કરતાં લજ્જા સામાન અનપૅક કરવામાં પરોવાઈ.

* * *

‘સ્વામીજી, ભક્ત અભિમન્યુ શાહ પધારી ચૂક્યા છે.’

અનુયાયીના સંદેશાએ રામર્તીથના ચહેરા પર ચમક આણી દીધી. પોતાની સાથે અંગત કક્ષમાં બિરાજમાન સ્વામી વિશ્વાનંદ તરફ દૃષ્ટિપાત કરતાં તેણેય હરખ જતાવ્યો, ‘શિકાર સામેથી જાળમાં આવ્યો છે, મહારાજ!’

ભક્તને શિકાર સમજતા સ્વામીનું આ રૂપ નિહાળી અભિ છળી જાત...

ગુરુ વિદ્યાનંદ પાસેથી અનેક વિદ્યાઓનું જ્ઞાન અને તેમના અંતિમ આશિષ પામી પાદુકા ગ્રહણ કરી ભારતભ્રમણે નીકળેલા રામર્તીથની મૂળ મકસદ તો આધ્યાત્મિકતાની ઊંચાઈ સર કરવાની હતી, પણ પછી દુન્યવી મોહમાયાથી અસ્પૃશ્ય રહી ન શક્યા, ભક્તો-અનુયાયીઓનો સંસાર જમાવી બેઠા.

સંપત્તિ અને સત્તા પાછળ સંસારી જ દોટ મૂકે એવું નથી, ક્યારેક આ રોગ સાધુસંતોનેય લપટમાં લેતો હોય છે. મુંબઈમાં આશ્રમ બનાવ્યા પછીયે રામર્તીથને થોભ નહોતો. તેમના રહસ્યમંત્રી જેવા વિશ્વાનંદે આગમાં ઘી નાખ્યું : તમારું નામ સત્ય સાંઈબાબા કે ઓશો જેવું ગાજવું જોઈએ...

વિશ્વાનંદ તેમનો મુખ્ય કર્તાહર્તા હતો. ગુરુ વિદ્યાનંદે રામર્તીથને સ્ત્રીસંગથી દૂર રહેવાની સલાહ આપેલી, એની ખોટ વિશ્વાનંદ થકી પૂરી થતી, જેની કોઈને જોકે જાણ નહોતી. આશ્રમમાં વિશ્વાનંદની આણ વર્તાતી. રામર્તીથ જેટલા મહાન બનશે એટલી પોતાની મહત્તા પણ વધશે એવી સૂઝે તેણે રામર્તીથની આકાંક્ષાને ફંફોળી હતી.

હિમાલયમાં અંતરધ્યાન થયેલા ગુરુ વિદ્યાનંદનો સંપર્ક ફરી સધાવાનો નહોતો, પરંતુ વિદ્યાદાન દરમ્યાન પ્રાકૃત લિપિમાં લખાયેલા અમુક ગ્રંથોની રામર્તીથને જાણકારી હતી. એના ગહન અભ્યાસ પરથી રામતીર્થે સામી વ્યક્તિના આત્મા પર પ્રભુત્વ મેળવવાની સિદ્ધિ હાંસલ કરવાનું ઠેરવ્યું. પૂરા વરસના અભ્યાસ પછી તેઓ આ વિશેની જરૂરી વિધિ માટે તૈયાર હતા, વિશ્વાનંદનો આમાં સાથ હતો.

પ્રાચીન કાળમાં આ વિધિ કાળભૈરવના મંદિરે થતી. ચારેક મહિના અગાઉ મહિના-માસની ‘જાત્રા’એ નીકળેલા વિશ્વાનંદે આગ્રા-મથુરાના રસ્તે, અંતરિયાળ આવું એક મંદિર શોધી કાઢ્યું હતું. ખરેખર તો ખંડેર બની ચૂકેલું મંદિર નર્જિન વિસ્તારમાં હતું, જે પ્રસ્તુત વિધિ માટે એકદમ યોગ્ય ગણાય, કેમ કે આમાં માનવબલિની આવશ્યકતા પડવાની હતી. એના જોગ માટે ગુરુ-ચેલાએ અભિ પર મદાર બાંધ્યો હતો. વિધિમાં બલિની જે કંઈ લાક્ષણિકતા વર્ણવી હતી એનો બંદોબસ્ત અભિ થકી પાર પડે એમ હતો.

પોતાના અભિ પરના પ્રભાવથી રામર્તીથ માહિતગાર હતા. વળી અઠવાડિયાથી તે રોજ આવી માની માંદગીના ઇલાજ માટે કરગરતો હતો. રામતીર્થે આમાં મોકો જોયો. ધ્યાનમગ્ન બની વિષાદભર્યા સ્વરે તેને કહેતા રહેતા : ઉપાય તો હૈ, પર આસાન નહીં! શાયદ ઉચિત ભી નહીં!

અભિ ઉપાય જાણતાં અધીર બન્યો ત્યારે બીજું પત્તું ફેંક્યું : કુછ પાને કે લિયે કુછ ખોના પડેગા... હૈ તૈયારી?

‘તમે ફોડ પાડીને કહો તો સમજ પડે, બાબાજી.’

- એ ફોડ પોતે આજે પાડવાના હતા, લોઢું ગરમ હતું અને ઘાટ ઘડાઈ જવાની પૂરેપૂરી સંભાવના હતી!

‘આનંદ,

ધારો કે અભિમન્યુ રાજી ન થયો

તો શું કરવું એ ખ્યાલ છેને?’

રામર્તીથે

પાકું કરવાની

ઢબે પૂછ્યું.

અભિને હાથ કરવામાં બીજી અનુકૂળતા આવતા અઠવાડિયાનો તેમનો દિલ્હી-આગ્રાનો પ્રવાસ હતો. પૂનમની મધરાતે કરવાની વિધિની તારીખ પણ એ જ અરસામાં પડતી હતી, કાળભૈરવનું મંદિર આગ્રાથી નજીક પણ હતું!

‘જી, મહારાજ,’ વિશ્વાનંદે કહેવા માંડ્યું, ‘અભિ આપણા જાસામાં નથી આવતો તો આપણે બલિની ઉઠાંતરી કરવાની છે. આ વિશે મેં આગ્રામાં એક જણ સમક્ષ દાણો ચાંપ્યો છે. નામ છે તેનું કાદિર, ટુરિસ્ટ ટૅક્સી કંપનીનો મૅનેજર છે.’

કાળભૈરવનું મંદિર ખોજવા રઝળપાટ કરનારા વિશ્વાનંદે

ઘણી જગ્યાએ કાર ભાડે કરેલી. ત્યારે તે ભગવા વેશમાં નહોતો, નામ પણ બદલી નાખેલું : વી. ચૌધરી! પ્રાચીન મંદિરો પર પુસ્તક લખવું છે એવું કંઈક બહાનું ઊપજાવી કાઢતો.

આગ્રા-મથુરા વિસ્તારની સફર માટે તેણે શાહજહાં ટ્રાવેલર્સની ટૅક્સી હાયર કરેલી. લગભગ ચારેક દિવસ ફરવાનું થયેલું. કાર-ડ્રાઇવર બદલાતાં રહેતાં, પણ કાદિરને મળવાનું રોજ થતું. માણસ પારખવામાં વિશ્વાનંદ કુનેહબાજ હતો. મામુજાનને ત્યાં નોકરી કરતો કાદિર તેમના જેવો જ મોટો આદમી બનવા માગે એવું અનુમાન સહજ હતું. ‘તમારા આગ્રાની હસીનાઓ બહુ જાલિમ છે,’ કહી સુંવાળા સંગાથનો મેળ પાડવાની માગ અમસ્તી જ મૂકી, કાદિરે એ પૂરી કરવાની તત્પરતા દાખવતાં સાબિત થયું કે લક્ષ્મી માટે આ આદમી શૉર્ટ-કટ અપનાવતાં ખંચકાય એમ નથી... ‘સંગેમરમરનો તાજમહલ મામુજાનના ઘરમાં છે, તેમની બેટી રઝિયા...’ વિશ્વાનંદે એવી દોસ્તી જમાવી દીધેલી કે કાદિર આપોઆપ ખૂલ્યો હતો, ‘તેને બીબી બનાવવાનાં મને અરમાન છે.’

‘પણ એ પહેલાં તમારે તેના જેટલા શ્રીમંત થવું પડે,’ વિશ્વાનંદ વતુર્ળ નાનું કરતો જતો હતો, ‘બાકી સસરાના અહેસામંદ થવામાં આપણે માનતા નથી’

‘તેથી જ તો તમારા જેવાને મદદગાર થતો રહું છું...’ તેણે આંખ મીંચકારેલી એમાં વિશ્વાનંદ સાધુપુરુષ નથી એવો સ્વીકાર પણ હતો.

પરપ્રાંતમાં ફરવા આવનારા બધા કંઈ દૂધે ધોયેલા હોતા નથી... એમાં વિદેશી સહેલાણીઓમાં કોઈ ચરસનું બંધાણી નીકળે, ઇન્ડિયન સ્ત્રી-પુરુષની કાયામાં ઘણાને રસ હોય- ગ્રાહક જોઈ પડીકાં બાંધતાં કાદિર શીખી ગયો હતો. પોતાના આ કસબની તેણે કંપનીમાં કોઈને જાણ થવા દીધી નહોતી, કસ્ટમર સાથે તે સીધી ડીલિંગ કરતો, એટલે પણ આખી સાંકળ સ્વ:બંધ રહેલી.

‘મને કદાચ તમારી મદદની જરૂર પડશે...’ વિશ્વાનંદે અધ્યાહાર રાખેલું, ‘વળતર લાખ રૂપિયાનું આપીશ, પણ કામ બાબત એક સવાલ નહીં, માણસને ભૂંજી નાખવાનો હોય તો પણ થથરાવાનું નહીં.’

‘અરે, લાખ રૂપિયામાં તો હું મારા સગા બાપનેય ભૂંજી નાખું!’ કાદિરે લાળ ટપકાવેલી, જરૂર પડ્યે તેની મદદ લેવાનું વિશ્વાનંદે નક્કી કરી લીધેલું.

અત્યારે એનો હેવાલ રામર્તીથને આપી વિશ્વાનંદે ઉમેર્યું,

‘વખત આવ્યે કાદિરની મદદથી કિડનૅપીંગ પાર પાડીશ...’ તેના હોઠ સહેજ ભિડાયા, ‘કામ પત્યે કાદિરનું પત્તું સાફ કરવામાં વાર કેટલી?’

રામર્તીથ સંતુષ્ટ બન્યા. ગુપ્ત્ા વિદ્યાનો ભેદ ગુપ્ત્ા જ રહેવો જોઈએ! મારા-આનંદ સિવાય ત્રીજા કોઈને એની જાણ ન થવી જોઈએ, જેને થાય તે જીવતો બચવો ન જોઈએ! ‘એ વિદ્યાનું સફળ સમાપન આપણને અમાપ શક્તિશાળી બનાવી દેશે, આનંદ! ભારતના વડા પ્રધાન શું, અમેરિકાના રાષ્ટ્રપતિના આત્મા પર આપણું પ્રભુત્વ કેળવાઈ જાય, પછી બાકી શું રહે?’

વિશ્વાનંદના ચિત્તમાં કેફ ઘૂંટાયો. રામર્તીથને આલિંગન કરવાની ઇચ્છા જાગી, પણ સ્વામીજી સજાગ હતા,

‘પહેલાં અભિમન્યુનો નિકાલ આણીએ?’

તેમણે તાળી બજાવી. અડકેલાં દ્વાર ખોલી અનુયાયી પ્રવેશ્યો.

‘ભક્ત અભિમન્યુને મોકલો.’

થોડી વારે દબાતા પગનો સંચાર સંભળાયો. સ્વામીજીના અંગત ઓરડામાં પ્રવેશવાનો અભિ માટે પહેલો અવસર હતો. આને બાબાજીની પરમકૃપા સમજતા અભિને અંદાજો નહોતો કે માનો મંદવાડ નિમૂર્ળ કરવા કાજ સ્વામીજી દીકરીને દૂર કરવાનો પ્રસ્તાવ મૂકવાના છે!

(ક્રમશ:)


અન્ય ભાગ વાંચો

1  |  2 | 3

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK