કથા-સપ્તાહ - ગાઇડ (ગાતા રહે મેરા દિલ... - ૨)

Published: 4th December, 2012 07:33 IST

‘વૉટ ધ હેલ!’ અભિમન્યુની ત્રાડે મુંબઈના ઘરની દીવાલો ધ્રુજાવી દીધી. બાપડો ઘરનોકર રામજી થરથરતો હતો, દોઢ વરસની ઢીંગલી જેવી દીકરી રાવીને સુવડાવવા ગયેલી લજ્જા દીવાનખંડમાં દોડી આવી.


અન્ય ભાગ વાંચો

1  |  2


(સમીત (પૂર્વેશ) શ્રોફ)‘શું થયું, અભિ? રવિવારની બપોરે આરામ કરવાને બદલે તમે ઘાંટા કેમ પાડો છો! રાવી માંડ સૂતી...’

એકશ્વાસે બોલતી લજ્જાને પોતાનો જ અવાજ ઊંચો જતો લાગ્યો એટલે સ્વર સંયત કર્યો, ‘પ્લીઝ, કામ-ડાઉન.’

અભિમન્યુએ આંખ મીંચી ઊંડો શ્વાસ લીધો એ દરમ્યાન હાથ જોડી રામજીને કરગરી લીધું : તારા સાહેબ કહે એ સાંભળી લેજે, સામું બોલીશ તો તેમનો ગુસ્સો ઓર વકરશે એ તું તો જાણે છે!

‘ધીસ ઇઝ બિયૉન્ડ માય ટૉલરન્સ લિમિટ, લજ્જા...’ અભિનું દિમાગ હજીયે ફાટફાટ થતું લાગ્યું, ‘રામજીએ મારા શૂઝને પૉલિશ નથી કર્યા! ધિસ પીપલ... દિવાળીમાં બોનસ લેવાનું ચૂકતા નથી, પણ કામ આવે ત્યાં ઠાગાઠૈયા!’

રામજી આવો નથી... કહેવાની ઇચ્છા લજ્જાએ દબાવી રાખી. ફાયદો શું? ત્રીસ વરસના લગ્નજીવનમાં લજ્જાએ સ્વીકારી લીધું હતું કે શૉર્ટ-ટેમ્પર્ડ અભિ ગુસ્સે ભરાય ત્યારે કોઈનો નહીં! અને ગુસ્સો પણ તેને નાની-નાની, ક્ષુલ્લક બાબતોમાં આવી જાય... શાકમાં મીઠું ઓછું પડે તો થાળી ફગાવી દે, કાર પર ધૂળનો લસરકો દેખાય તો સફાઈ કરનાર વૉચમૅનને ખખડાવે, બ્લૅકબેરીમાં સિગ્નલ નહીં મળે તો ફોન વેચનારને પાણીથી પાતળો કરી નાખે! લજ્જાના પિયરમાં સૌ અભિથી ડરતા, ‘અમારા જમાઈ તો દુર્વાસાનો નવો અવતાર છે,’ એવું કહેનાર માને જોકે દીકરીની કાબેલિયત પર ભરોસો હતો : અમારી લજ્જા તેને નિભાવી જાણશે!

લજ્જામાં રૂપ હતું, શાણપણ હતું અને સૂઝ-સમજ હતાં. વિવાહથી લગ્નના સમયગાળામાં અભિનો તેજ મિજાજ પરખાઈ ગયેલો. ગામ રહેતાં સાસુએ જ ચોખવટ કરેલી : મારો દીકરો જબાનનો તીખો છે, પણ દિલનો સાફ, હં! સાચું કહું તો તે નાનો હતો ત્યારે બહુ માંદો રહેતો. મને તો લાગે છે દવાની ગરમી તેના મગજ પર ચઢી ગઈ છે!

આને માત્ર દવાની સાઇડ ઇફેક્ટ ન માનતાં એવું ગણવું જોઈએ કે માંદગી, પરેજી અને સારવારના ચક્કરે ઉદ્ભવતું ચીડચડાપણું અભિના સ્વભાવનો ભાગ બની ગયું, જે ગુસ્સામાં રજૂઆત પામતું.

‘કદી તાવ, તો કદી ઊલટી. કદી કમળો તો કદી ટાઇફોઈડ! ક્યારેક તો લાગતું કે અમારો એકનો એક દીકરો ઝાઝું નહીં ખેંચે... ડૉક્ટર, વૈદ્ય, હકીમ બધાનાં પગથિયાં ઘસ્યાં, મંદિર-દરગાહ, બાધા-આખડી કશુંય બાકી ન રાખ્યું...’ કહેતાં સાસુમાની આંખોમાં ચમકારો ઊપસ્યો હતો, ‘ત્યાં ગામમાં પીરબાબાનું આગમન થયું. સૂફી સંત એવા તે ચમત્કારી સાધુ મનાતા. તેમના હાથે અભિને પીંછી ફેરવ્યા પછી માંદગીનો પ્રકોપ એવો ભાગ્યો કે બીમારી આપણા ઘરનો રસ્તો ભૂલી ગઈ! અભિ હશે ત્યારે ૧૨-૧૩ વરસનો...’

એવી વય જ્યાં જિંદગીના સારા-નરસા અનુભવથી માનસિકતા ઘડાતી હોય, સ્વભાવનું બંધારણ આકાર પામતું હોય. શક્ય છે દવા-પરેજીથી અભિની રોગપ્રતિકારક શક્તિ વિકસી હોય, બાકી પીંછી ફેરવવાથી મંદવાડ દૂર થાય એ શ્રદ્ધા કે પછી વહેમનો વિષય થયો. લજ્જાને આમાં બહુ આસ્થા નહોતી, એમ સામાની શ્રદ્ધાને હસી નાખવાનો અવિવેક પણ તેનામાં નહોતો.

‘પીરબાબા બે-ચાર અઠવાડિયાં ગામ રહ્યા હશે, ફરી ક્યારેય દેખાયા નહીં, હું તો માનું છું, મારા અભિ માટે ઈશ્વરે જ તેમને દેવદૂત તરીકે મોકલ્યા! તેમના આર્શીવાદરૂપ મોરપંખ આજેય મારા દેવસ્થાનમાં છે, જેનું હું નિયમિત પૂજન કરું છું.’

લજ્જાને આમાં કશું ખોટું નહોતું લાગ્યું. દીકરાને સાજો કરનાર પીર મા માટે ભગવાનસમાન જ હોવાનો! વલસાડ નજીકના વતનમાં ખેતી સંભાળતા શ્વશુરજી પણ એવા જ આસ્થાળુ હતા, ને આવા વારસો અભિમાં ઊતરવો સ્વાભાવિક હતો.

પીરબાબાવાળા કિસ્સાને કારણે સંત-ફકીરના આર્શીવાદ લેવાનું તત્વ અભિના સ્વભાવમાં વણાઈ ગયેલું. એમાં પાંચેક વરસ અગાઉ સીએ થઈ જૉબ માટે મુંબઈ શિફ્ટ થયા પછી જુહુના ઘરની નજીક આવેલા બાબા રામર્તીથના આશ્રમે જવાનું બન્યું.

પડછંદ કાયા, પ્રભાવશાળી મુખાકૃતિ અને અંતરમાં ઊતરી જતો ઘેઘૂર કંઠ... ભગવાંધારી રામર્તીથબાબાનો ચડતો સિતારો હતો. ચાલીસની નાની વયે તેમને અનેક વિદ્યાઓ સાધ્ય હોવાનું કહેવાતું. અલબત્ત, આસારામ કે શ્રી શ્રી રવિશંકર જેવા ધર્મગુરુઓ જેટલું તેમનું નામ ગાજ્યું નહોતું, પણ એમ તો મુંબઈમાં વિશાળ ચોગાન ધરાવતો આશ્રમ ઊભો કરવો પણ જેવી તેવી વાત ન ગણાય. અનેક શ્રીમંતો તેમના ભક્ત હતા. ચાલીસેક જેટલા અનુયાયી ધરાવતા બાબાના આશ્રમમાં સ્ત્રીપ્રવેશ વજ્ર્ય હતો. ધ્યાન-યોગ તેમની વિશેષતા હતી, હિમાલયમાં વસતા તેમના ગુરુ વિદ્યાનંદની પાદુકાની પૂજા કરતા રામર્તીથનાં પ્રવચનોમાં સંસારની માયા મિથ્યા હોવાનો પડઘો પડતો, સ્વામીજી દરેક કષ્ટ દૂર કરી શકે છે એવો તેમના અનુયાયીઓ દાવો કરતા.

પહેલી જ મુલાકાતમાં અભિ તેમનાથી અંજાયો. ત્રીજી વારે તેમના આશિષ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું ને એના બીજા જ દિવસે નોકરીમાં પ્રમોશન મળતાં અભિ પૂર્ણપણે તેમના શરણમાં આવી ગયો. ગઈ કાલે બાબા માથે હાથ મૂકી કહે કે ‘તુમ્હારી તરક્કી હોગી’ ને બીજે દા’ડે બઢતીનો લેટર મળે એ જોગાનુજોગ નહીં, બાબાજીની કૃપાદૃષ્ટિ જ ગણવી જોઈએ!

બહુ ઊલટભેર અભિએ વાગ્દત્તા સમક્ષ બાબાના ચમત્કારનો ચિતાર આપ્યો હતો. માએ પીરબાબાનું પીછું લગાવ્યું તો દીકરાએ ઘરમંદિરમાં રામર્તીથનો ફોટો મૂક્યો હતો. સાસુ-સસરાને આમાં કશું અજુગતું લાગ્યું નહોતું. ઊલટું મુંબઈ આવતા ત્યારે શ્વશુરજી અચૂક દીકરા જોડે આશ્રમે જતા ને સાસુમા હોંશભેર સીધું બાંધી આપતા - આશ્રમમાં દાન અર્થે!

શરૂમાં તો લજ્જાનેય અભિની આસ્થા વાંધાજનક નહોતી જણાઈ... હોય, બાબાજીમાં માનવાથી અભિને પોતાનું કલ્યાણ થતું લાગતું હોય તો એમાં ખોટું શું? અઠવાડિયે બે વાર તે નોકરીએથી આવી બાબાનું પ્રવચન સાંભળવા જાય એનો વિરોધ શું કામ કરવો? ક્યારેક તે હસતી ખરી, ‘બાબાજીને કહોને તમારો ક્રોધ શાંત થાય એવી કોઈ જડીબુટ્ટી આપે!’ ખરેખર તો આશ્રમમાં મેડિટેશનથી અભિના ગુસ્સામાં ઉતાર આવે એવીયે લાલચ લજ્જાને ખરી. જોકે એ બન્યું નહોતું. બલ્કે, આશ્રમ જવામાં પાંચ-પંદર મિનિટ આમતેમ થઈ તો તેનો ગુસ્સો ફાટતો!

પતિના તામસી ગુણને લજ્જાએ સહજતાથી સ્વીકારી લીધેલો. અભિ ક્રોધિત હોય ત્યારે પોતે મગજ ઠંડું રાખતી. ચાંદની રાતમાં હાથમાં હાથ પરોવી લટાર મારીએ એવું રોમૅન્સિઝમ અભિને સૂઝતું નહીં. સૌંદર્યની પ્રશસ્તિ પણ ભાગ્યે જ કરે, રસતરબોળ વાતો કરવાનું તેને ફાવતું નહીં. અને છતાં તેના વ્યવહારમાં લજ્જા લાગણીની ઉષ્મા અનુભવી શકતી. લજ્જા સિવાય કોઈની કંપનીમાં ફરવા ન જાય, લજ્જાની તબિયતમાં કચાશ જણાય તો પાધરીક ઑફિસમાં રજા મૂકી દે, ગુસ્સામાં ક્યારેક વધુપડતું વઢાઈ ગયું હોય તો સૉરી ન કહે, પણ રાતે નાકા પરથી આઇસક્રીમ લઈ આવે. ન બીજી રોકટોક, ન કશી ખટપટ. પતિનો પ્રણય શામાં પડઘાય છે એ પારખતાં પત્નીને આવડી જાય તો દામ્પત્યમાં કશી ફરિયાદ ન રહે... એ દૃષ્ટિએ લજ્જા સુખી હતી, સંતુષ્ટ હતી.

પિત્તો ગુમાવવાના પતિના લક્ષણને નગણ્ય ગણવાની વૃત્તિ દાખવનારી લજ્જાએ સાસુ-સસરાનું મન જીતી લીધું હતું, એમ તેનો સંસાર એકંદરે સુખમય હોવાની પિયર સુરતમાં સૌને ધરપત હતી. એમાં બાળકના આગમનના ખુશખબરે રોનક

પ્રસરાવી દીધી.

‘બેજીવી વહુને ખીજવાતો નહીં...’ માતા કિશોરીબહેન દીકરાને ઘૂંટાવતાં, ‘ગર્ભસ્થ શિશુ સુધી બાપનું વહાલ પહોંચવું જોઈએ, ગુસ્સો નહીં!’

અભિ બિચારાએ આ માટે ટ્રાય કરી પણ હશે, પરંતુ નાકામ રહેલો. લજ્જા પર ભલે ગુસ્સે ન થાય, તેના ગરમ મિજાજનો ભોગ બીજા તો બનતા જ રહેતા. બીજી કોઈ પણ પત્નીની જેમ લજ્જા પણ ઇચ્છતી કે મારું સંતાન બિલકુલ અભિ જેવું હોય... ‘બસ, તેના નાકના ટેરવે ગુસ્સો ન જોઈએ!’ ઉન્માદની ક્ષણોમાં તે અભિનો કાન કરડીને કહેતી. આવા સમયે પતિના ગુસ્સાની બીક ન રહેતી. એમ તો ક્યારેક તે પતિને ટટળાવતીયે ખરી ને કદી રમતિયાળ અંદાજમાં પજવતી પણ ખૂબ. અભિ ત્યારે કહ્યાગરા કંથ જેવો બની રહેતો. લજ્જા માટે આ પળો જ મહત્વની હતી.

‘લજ્જા, આપણું બાળક તામસી નહીં થાય...’

પ્રેગ્નન્સીના છઠ્ઠા મહિને અભિએ ઊલટભેર કહી આગાહી પાછળનું કારણ જણાવ્યું હતું, ‘આ જો બાબાજીએ ભસ્મ આપી છે... રોજ રાતે પાણીમાં પલાળી એનું આચમન કરીશ તો મનવાંછિત સંતાન પામીશ એવા તેમના આશિષ છે.’

ભસ્મનું પડીકું લેતાં લજ્જાએ હોઠ કરડેલો. આશ્રમમાં નિયમિત જનારા અભિએ રામર્તીથના નિકટના ભક્તોમાં સ્થાન મેળવી લીધું હોય, સ્વામીજીના તેના પ્રત્યેના અનુગ્રહની નવાઈ પણ ન હોય, પરંતુ ભસ્મ લેવાથી ઇચ્છિત ગુણવાળું સંતાન મેળવવાનો દાવો વધુપડતો ગણાય! મેડિકલ સાયન્સ જે ન કરી શકે એ બાબાજીની ભસ્મ કરી શકે? તેણે પેટ પર હાથ મૂક્યો : શિશુ માટે એ સલામત ગણાય ખરું?

લજ્જાની બુદ્ધિ ના પાડતી હતી એમ ઇનકારમાં પતિની આસ્થા ભંગ થવાનો ડર હતો. તેના મને જ પૂછ્યું : પોતાના સંતાનને હાનિ પહોંચે એવું અભિ થવા દે ખરા? જવાબ ‘ના’માં મળ્યો અને લજ્જાએ વિના આનાકાની ભસ્મ આરોગેલી.

માત્ર ને માત્ર પતિનું મન રાખવાની એ ચેષ્ટા હતી. બાકી લજ્જાએ ધાર્યું હોત તો આ વિશે પહેલેથી જ દલીલબાજી માંડી હોત. બઢતીવાળા પ્રસંગના અનુસંધાનમાં તે કહી થાકી હોત કે આમાં બાબાજીનો કોઈ ચમત્કાર નથી. એપ્રિલ મહિનામાં કંપનીમાં ઇãન્ક્રમેન્ટ - પ્રમોશનના લેટર્સ મળતા જ હોય છે એવી કૉમન સેન્સ વાપરી તેમણે તરક્કીના ‘આશિષ’ આપ્યા, બાકી તમને પ્રમોશન મળ્યું તમારી મહેનત અને યોગ્યતાના કારણે! લજ્જાનો તર્ક ખોટો નહોતો, પરંતુ સાચી વાત ખોટા સમયે, ખોટી જગ્યાએ કહેવાય તો વધુ અનર્થ સર્જી દે છે એવી તેની સમજ પણ એટલી જ સાચી હતી!

પતિની શ્રદ્ધાને પડકારવા જેવું હજી સુધી તો બન્યું નથી.

હા, દીકરી અવતર્યાના ખબરે અભિ બોલી પડેલો : પુત્ર જનમ્યો હોત તો બાબાજીના ખોળામાં મૂકી આર્શીવાદ અપાવત, કન્યાનો તો તેઓ ઓછાયો પણ નહીં લે! લજ્જાને આનું ખોટું લાગેલું ને તેણે જતાવેલું પણ ખરું : બાળક પોતે જ ઈશ્વરના આર્શીવાદસમું હોય છે, તેને બીજા કોઈના આશિષની આવશ્યકતા નથી! લજ્જાની વાણીના ભારે દલીલનો અવકાશ નહોતો છોડ્યો. કબૂલ થતો હોય એમ અભિએ હેતથી બાળકીને ઊંચકી ચૂમી લીધી હતી. નામ પણ તેણે જ શોધ્યું : રાવી!

દીકરીના જન્મની ખુશીનો ઊભરો શમે એ પહેલાં વીજળી ત્રાટકી. કિશોરીબહેનને કૅન્સર નીકળ્યું. કેમોથેરપીની સારવારે લ્યુકેમ્યામાંથી ઊગરી તો ગયાં, પરંતુ એ તબક્કો પતિ, પુત્ર અને વહુ માટે ખૂબ કઠિન ગુજર્યો. માધવભાઈ ભાંગી પડેલા, અભિ હેબતાયેલો, ટ્રીટમેન્ટ માટે મુંબઈ આવેલાં સાસુની શુશ્રૂષા અને નવજાત દીકરીની સારસંભાળ - લજ્જા ક્યાંય ઊણી નહોતી ઊતરી. શ્વશુરની હિંમત બંધાવતી, સાસુમાં જીવવાનું જોમ જગાડતી, અભિને સાચવી લેતી.

‘મૃત્યુને આટલું નજદીકથી મેં કદી નિહાળ્યું નથી. લજ્જા, હું ડરી ગયો છું... મા નહીં હોય એ સ્થિતિ જ મને અસહ્ય લાગે છે!’ અભિ ક્યારેક રડી પડતો.

મા પ્રત્યેનું પતિનું અટૅચમેન્ટ લજ્જાથી અજાણ્યું નહોતું. પિતા કરતાં અભિ માની વધુ નજીક હતો. મારી માંદગીમાં માએ જાત ઘસી છે, વ્રત-એકટાણાં શું નથી કર્યું! વહાલ તો પપ્પાનું પણ એટલું જ, ને તોય મા એ મા!

‘અચ્છા, ગુસ્સો ફૂંકનારને રડવું પણ આવે છે, હં!’ હળવાશથી કહી લજ્જા વાત વાળી લેતી. પતિનું મનોબળ મક્કમ કરવાના ઇરાદે બાબાજી પર શ્રદ્ધા રાખવાનું કહેતી.

મા સાજી થઈ વતનભેગી થઈ ત્યારે કેટલો ખુશ થયેલો અભિ! જોકે પછી પણ કિશોરીબહેનને નાની-મોટી સ્વાસ્થ્યની તકલીફો રહ્યા જ કરી. ઘરે નાવણિયામાં પડી જતાં બે મહિનાનો ખાટલો થયો, દાંતનું ચોકઠું આવ્યું, ડાયાબિટીઝ નીકળ્યો... અભિ-લજ્જા મા-બાપને મુંબઈ રહી જવા વીનવતાં, પણ સાજા થતાં જ તેઓ વતનની વાટ પકડી લેતાં : મુંબઈના વૈભવ કરતાં અમારા ગામની સાદગી સારી!

ગયા મહિને માના મોતિયાના ઑપરેશન પછી તેઓ વળી ગામભેગા થયાં ત્યારનું અભિના મનમાં રમતું હતું : ડિસેમ્બરમાં મારે કમ્પલ્સરી એલટીએ લેવાનું છે, તો ક્યાંક ફરી આવીએ, રાવીના જન્મ પછી આમેય ક્યાંય જવાયું નથી. લજ્જાએ પ્રસ્તાવ વધાવી લીધો, દિલ્હી-આગ્રાનું ડેસ્ટિનેશન ફાઇનલ થયું. પ્રવાસને આખરી ઓપ આપવા અભિ ટૂર એજન્ટને ત્યાં આજે જવાનો હતો, પણ શૂઝને પૉલિશ્ડ ન જોઈ તેણે મગજ ગુમાવ્યું.

બિચારા રામજીએ તો માલિકની વઢ સાંભળી લીધી, પણ કોઈ માથાફરેલે વસમો પ્રત્યાઘાત પાઠવ્યો તો? અમંગળ આશંકા લજ્જાને ફફડાવી ગઈ!

(ક્રમશ:)


અન્ય ભાગ વાંચો

1  |  2

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK