કથા-સપ્તાહ - ગાઇડ (ગાતા રહે મેરા દિલ...- ૧)

Published: 3rd December, 2012 07:28 IST

કોયલ બોલી, દુનિયા ડોલી... લતાનું ગીત ગણગણતાં તેણે કારના સાઇડ-મિરરમાં દૃષ્ટિ ટેકવી. એમાં પ્રતિબિંબિત થતા ત્રણ માળના મકાનનો ઝરૂખો ખાલી હતો. જેના મીઠા બોલથી મારા હૈયાનું આસન ડોલે છે એ મારી કોયલ ક્યાં?


અન્ય ભાગ વાંચો

1  |  2

સમીત (પૂર્વેશ) શ્રોફ

ના રે. કોયલ તો કાળી. મારી રઝિયાની ખૂબસૂરતીને તો સંગેમરમરના તાજમહલ સાથે જ સરખાવી શકાય!

આફતાબની રગોમાં પ્રણયનો ઉન્માદ ઘેરાવા લાગ્યો. વિશ્વભરના લોકો માટે આગ્રા શહેરનું મુખ્ય આકર્ષણ તાજમહલ ભલે ગણાય, આફતાબને મન તો આગ્રાના તાજ રોડ પર આવેલા રઝિયાના ઘરનો ઝરૂખો દુનિયાની સૌથી દર્શનીય જગ્યા હતી, ખાસ કરીને રઝિયા ત્યાં તશરીફ ફરમાવતી હોય ત્યારે!

યમુના નદીને કિનારે વસેલું આગ્રા શહેર આમ તો આર્યકાળથી અસ્તિત્વ ધરાવે છે, પરંતુ એના વિકાસને ચરમસીમા મળી મુગલકાળમાં. રાજા અકબરે આગ્રાને પોતાની રાજધાની બનાવી, તો શાહજહાંએ તાજમહલના સ્થાપત્યથી એને વિશ્વસ્તરીય પ્રસિદ્ધિ બક્ષી. દુનિયાની સાત અજાયબીઓમાં સ્થાન પામતા તાજને નિહાળવા

દેશી-વિદેશી પર્યટકોનાં ટોળેટોળાં વર્ષભર ઊમડે છે એ હિસાબે ટૂરિઝમ આગ્રાનો મુખ્ય આવકસ્રોત છે. દિલ્હીમાં લાલ કિલ્લો હોવાનું આપણે સૌ જાણીએ છીએ, પરંતુ રેડ ફૉર્ટ આગ્રામાં પણ છે અને તાજ જોવા ગયા હો તો આગ્રાથી ચાલીસેક કિલોમીટરના અંતરે આવેલા ફતેહપુર-સિક્રીની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. મિલિટરી થાણાને કારણે પણ આગ્રા સુરક્ષિત ગણાય છે. ચામડાની બનાવટ જેટલા જ અહીંના પેઠા

મુલ્ક-મશહૂર છે. જોકે ખરીદીની બાબતમાં અહીંની પ્રજા પ્રવાસીઓને છેતરવામાં ઉસ્તાદ છે એ પણ કબૂલવું પડે!

‘આફતાબ, તમે દરેક ટૂરિસ્ટ જોડે આવી ચીટિંગ કરો છો?’

છએક મહિના અગાઉના વાત.

એકવીસના ઉંબરે ઊભેલો આફતાબ ટુરિસ્ટ ગાઇડના વ્યવસાયમાં ઘડાઈ ચૂકેલો. ગરીબ મા-બાપનું તે એકમાત્ર ફરજંદ. પિતા શહેરમાં સાઇકલરિક્ષા ફેરવતા, માતા રજાઈની ફૅક્ટરીમાં કામ કરતી, ભણવાની ધગશ જાગે એવો માહોલ હતો નહીં. શેરીમિત્રો જોડે ધિંગામસ્તીમાં વધુ વખત પસાર થતો. માંડ દસમું ધોરણ પાસ થયેલો આફતાબ બીજી રીતે સ્માર્ટ હતો, દેખાવમાંય રૂડો-રૂપાળો.

‘ક્યાં સુધી યાર-દોસ્તો જોડે ભટકતો રહેશે!’ અબ્બુ અકળાતા, ‘એમ તો ક્યાંથી કહે કે રિક્ષા ફેરવી બાપનો બોજ હળવો કરીએ!’

પોતે નવરો બેઠો તો બાપા ખરેખર રિક્ષાની જવાબદારી ઠોપશે એ બીકે આફતાબે વિચારવા માંડ્યું : ભલે ગમે એ થાય. હું પેડલ મારી રિક્ષા તો નહીં જ ફેરવું - એના કરતાં ટૅક્સી શું ખોટી!

આગ્રામાં ટુરિસ્ટ-ટૅક્સીનો ધીકતો ધંધો છે. ઘણી એજન્સીઓ એસી-નૉન-એસી કાર ભાડે ફેરવે છે, પાકું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી આફતાબે આ દિશામાં પ્રયત્નો આરંભ્યા અને વરસેક અગાઉ શાહજહાં ટ્રાવેલ્સમાં પગારદાર ડ્રાઇવર તરીકે જોડાઈ ગયો. દોઢસો રૂપિયાનો રોજ, પ્રવાસીઓની ટીપ અને તેમને હોટેલ-શૉપિંગમાં ગાઇડ કરવા થકી મળતા કમિશનની આવકથી સંતુષ્ટ

મા-બાપે દીકરાને થાળે પડેલો જાણ્યો. સગાં-વહાલાંમાંથી નિકાહના પ્રસ્તાવ આવવા માંડ્યા, પરંતુ આફતાબને બંધનમાં બંધાવાની ઉતાવળ નહોતી. તેના અંતર પર પહેલી દસ્તક દીધી રઝિયાએ!

વીસેક ગાડી ભાડે ફેરવતા શાહજહાં ટ્રાવેલ્સના સર્વેસર્વા એવા ઇસ્માઇલમિયાંની ષોડષી દીકરી રઝિયા ખૂબસૂરતી હોવાનું આફતાબે સાથીઓ પાસે સાંભળ્યું હતું, મોટા ભાગે દિલ્હીના મોસાળ રહેતી રઝિયાના દીદારની પહેલી તક સાંપડી નોકરીમાં જોડાયાના ચોથા મહિને.

‘આફતાબ,’ ઇસ્માઇલશેઠે કૅબિનમાં તેડાવી સૂચના આપી હતી, ‘કાલે તારે કોઈ વરદી નથીને? તો એક કામ કર. સવારે મથુરા એક્સપ્રેસમાં મારી બેટી રઝિયા તેની નાનીમા જોડે આવી રહી છે, હિફાજતથી તેમને ઘરે પહોંચાડજે. એફ-વન કોચમાં તેમનું રિઝર્વેશન છે...’

માલિકને ઇનકાર ફરમાવવાનો હોય જ નહીં... આફતાબને વયસહજ જિજ્ઞાસા પણ હતી : શું રઝિયા સાચે જ ઝન્નતની હૂર જેવી સુંદર હશે?

બીજી સવારે જવાબ મળી ગયો.

બરાબર નવમાં દસે મથુરા એક્સપ્રેસ પ્લૅટફૉર્મ પર પ્રવેશી. કોચના દરવાજાનું હૅન્ડલ પકડી તે ઊભી હતી... જરીભરતવાળો ગુલાબી ચૂડીદાર, વચ્ચે સેંથી પાડેલા કોરા વાળની ગાલ સાથે રમતી લટ, કાન-ડોકમાં ડેલિકેટ જ્વેલરી, હાથમાં કાચની મૅચિંગ ચૂડીઓનો રણકાર! માખણ જેવો ગોરો વાન, યૌવનથી લચતાં અંગ-ઉપાંગ, નમણા નાકનકશાથી ઓપતા ચહેરાની માસૂમિયતે સીધો આફતાબના હૈયે ઘા કર્યો. ટ્રેન ઊભી રહેતાં જ તે દોડી ગયો, ‘વેલ કમ ટુ આગ્રા.’

તેના હાથમાંથી બૅગ લેતાં

થયેલા અંગુલીસ્પર્શે મીઠી ઝણઝણાટી ફેલાઈ ગઈ.

‘જી, આપ?’

‘હું આફતાબ, આપના અબ્બુનો મુલાજિમ.’

‘ઓહ,’ બીજી બૅગ ઉતારતાં તેણે પૂછી લીધું, ‘કોચમાંથી બીજા પણ ઉતરનારા છે. તમે કેમ ધાર્યું કે હું જ રઝિયા છું?’

તેના પ્રશ્નમાં ઊલટતપાસને બદલે વિસ્મયનો ભાવ હતો. આછું મલકતાં આફતાબથી આપોઆપ બોલાઈ ગયેલું,

‘તાજમહલની ઓળખ તાજમહલ ખુદ હોય છે, બીજી નિશાનીનો એ મહોતાજ નથી હોતો.’

ના, તેની વાણીમાં અવિવેક નહોતો, મર્યાદાનું ઉલ્લંઘન નહોતું... અન્યથા રઝિયાએ સાંખી લીધું ન હોત. મૂલ્યોમાં માનનારી રઝિયાનું આત્મબળ તેની નજાકત જેટલું જ બુલંદ હતું. કૌટુંબિક રૂઢિચુસ્તતાને કારણે દસમા સુધીનું જ ભણતર પામેલી રઝિયાની બુદ્ધિપ્રતિભા તેજ હતી, એમ પરિવાર સામે બંડ પોકારવાના તેના સંસ્કાર નહોતા. કુટુંબની સંસ્કૃતિ સમજાયા પછી તેણે આંખોમાં એવાં સ્વપ્નો આંજ્યા જ નહોતાં, જેનો વાસ્તવિકતામાં મેળ ન બેસે. ડિગ્રી મેળવવાનું તેણે કદી વિચાર્યું નહોતું, કદાચ એટલે પણ અભ્યાસ છૂટવાનો અફસોસ નહોતો. રૂપની દોલતથી તે સભાન હતી, પણ એનું અભિમાન પોષવાથી દૂર રહેતી. અબ્બુ-અમ્મીએ બિનજરૂરી નિયંત્રણ લાદ્યાં નથી એવી તેની સમજ સાચી હતી, આજ્ઞાંકિતપણાનો ગુણ એમાંથી જ વિકસ્યો હતો. મોટા ભાઈ અસલમની તે લાડકી હતી. મોસાળમાં પણ સૌને વહાલી. સુખ, સ્નેહ અને સમજના સમન્વયે ૧૭ની થયેલી રઝિયાનું વ્યક્તિત્વ નિખાર્યું હતું, પણ આફતાબે કરી એટલી કાવ્યાત્મક પ્રશસ્તિ અગાઉ કદી થઈ નહોતી અને એમાં બનાવટ નહોતી.

આકસ્મિકપણે બોલાયેલા આફતાબના શબ્દોએ રઝિયાને સહેજ લજવી મૂકી. ત્યાં નાની નસીમબાનુના સાદે બન્ને સાવધ થયાં,

‘તો આ છે આપણો ડ્રાઇવર!’

તેમના બોલમાં તોછડાઈ નહોતી, છતાં પોતે ડ્રાઇવર હોવાની લાયકાતનું ભાન થયું હોય એમ આફતાબ સહેજ ઝંખવાયો. તેની ઝાંખપ ક્યાંક સ્પર્શી ગઈ. નાનીથી થોડી આગળ થઈ રઝિયાએ કહ્યું, ‘ડ્રાઇવર રોટલો તો પોતાની મહેનતનો જ ખાય છેને, આપબળે કમાતો માણસ કદી નાનો નથી હોતો.’

આફતાબ ઝળહળી ઊઠ્યો : શેઠની દીકરી માત્ર રૂપની પૂતળી નથી, તેનામાં સંવેદનશીલ હૃદય પણ છે!

તેના સ્મિતમાં આભાર પડઘાયો, રઝિયા મલકી ઊઠી.

ઘર સુધીની સફરમાં આફતાબે જાણી લીધું કે નાના-નાની પુત્ર-પૌત્ર પાસે અમેરિકા મૂવ થવાનાં હોવાથી રઝિયા હવે આગ્રા જ રહેવાની. અસલમની શાદી પછી બેએક વરસમાં ઇસ્માઇલમિયાં બેટીને વળાવવાના મૂડમાં છે એવું સાંભળતાં રેઅર-વ્યુ મિરર દ્વારા આફતાબની નજર પાછલી સીટ પર નાની જોડે બેઠેલી રઝિયા સાથે ટકરાઈ હતી, હૈયે એથી સ્પંદન જેવાં શાનાં જાગ્યાં હતાં?

આફતાબ પાસે આનો ઉત્તર નહોતો.

છતાં, એ દિવસ પછી જ્યારે પણ માલિકના ઘરેથી પસાર થવાનું બનતું, નજરમાં રઝિયાના દીદારની બેતાબી ઝળકી ઊઠતી. એવામાં મનગમતું કામ સામેથી મળ્યું. દિલ્હીથી રઝિયાની ત્રણેક સખીઓ આવી હતી અને તેમને આગ્રા દેખાડવાની જવાબદારી ઇસ્માઇલશેઠે આફતાબને સોંપી.

ખરેખર તો પોતાના પુરુષાર્થ અને સૂઝથી ઇસ્માઇલમિયાં બે પાંદડે થયા હતા. થોડા વખતથી અસલમ માટે જૂતાંની ફૅક્ટરી શરૂ કરી હતી, એટલે વધુ ફોકસ ત્યાં રહેતું. ટ્રાવેલ્સનો ધંધો મૅનેજર તરીકે નીમેલો દૂરનો ભાણેજ કાદિર સાચવી લેતો. વયમાં હશે માંડ

૨૩-૨૪નો. અલબત્ત, ઇસ્માઇલની ચાંપતી નજર રહેતી ખરી. જરૂર પડ્યે તેઓ આફતાબને યાદ કરતા, લગનથી કામ કરવાની શીખ આપતા : મહેનતને તારું ઓજાર બનાવીશ તો જિંદગીના જંગમાં અવશ્ય જીતીશ!

રઝિયા અને તેની સખીઓને ફેરવવાનું કામ ઇસ્માઇલ મામુજાને આફતાબને સોંપ્યું એ બહુ રુચ્યું ન હોય એમ એકલા પડતાં કાદિરે સહેજ કરડા અવાજે કહેલું, ‘જરા ધ્યાન સે, આફતાબ. ઘર કી લડકિયાં હૈ, કિસી કી બૂરી નજર નહીં પડની ચાહીએ.’

ગર્ભિત રીતે તે કહેવા માગતો હતો કે કોઈ પર નજર બગાડીશ નહીં! મારી દૃષ્ટિને મૂલવવાનો હક કાદિરને કોણે આપ્યો? હું ઇસ્માઇલશેઠનો પગારદાર છું, કાદિરનો નહીં! ટાઢકથી તેણે સંભળાવ્યું,

‘ચિંતા ન કરે, હજૂર. તમારી બધી બહેનો મહેફૂજ રહેશે.’

આમ તો સગપણની રૂએ રઝિયા કાદિરની દૂરની બહેન થાય, પણ મુસ્લિમ રિવાજ પ્રમાણે તેમની શાદી શક્ય હતી અને કાદિર આ ખ્વાબ પંપાળી બેઠો હોવાનો અણસાર કમ સે કમ આફતાબથી છૂપો નહોતો. એટલે તો તેનાં વેણ કાદિરને કાળજે વાગ્યાં, રઝિયા બહેન હોવાનો ઇશારો સમસમાવી ગયો, પણ શું થાય! આફતાબ સાથે ઝઘડો વહોરી મારે મામુજાનની આંખે નથી ચડવું, મારે તો મારી ઇમ્પ્રેશન જમાવી તક મળ્યે રઝિયાનો હાથ માગવાનો છે! બાકી આફતાબ જેવાની ઔકાત શું? વખત વર્તી કાદિર ગમ ખાઈ ગયો : મેં નાહક જ તેને ટકોર્યો! રઝિયા બાબત આફતાબને હરીફ માનવા જેટલી ર્દીઘદૃષ્ટિ કાદિરને નહોતી.

પરંતુ ત્રણ દિવસના એ સહવાસમાં આફતાબનાં અંતરચક્ષુ અવશ્ય ઊઘડી ગયાં. ટૂરિસ્ટ ટૅક્સી કમ ગાઇડની સર્વિસમાં આગ્રાનાં સ્થાપત્યો, મુગલોનો ઇતિહાસ કંઠસ્થ થઈ ગયેલો. રસપ્રદ શૈલીમાં તેની છણાવટ રઝિયા સહિત તમામને ગમી ગઈ. ખરેખર તો રઝિયાની મોજૂદગી આફતાબને પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા પ્રેરતી એનું આ પરિણામ હતું.

‘લોકો તાજમહલને પ્રેમના પ્રતીકરૂપે બિરદાવે છે... પણ તેના સર્જકે પોતાનાં અંતિમ વર્ષો જેલની કાળકોટડીમાંથી તેને તાકતાં વિતાવ્યાં એ કેવી કરુણા!’ શાહજહાંના અંજામ સાથે તેણે તાજની કથાનું સમાપન કર્યું ત્યારે દરેકનાં હૈયાં બોઝિલ હતાં.

‘હું અહીં પહેલી વાર નથી આવી...’ રઝિયાએ કબૂલેલું, ‘પણ તમે જે રીતે તાજ બતાવ્યો એ દૃષ્ટિએ અગાઉ કદી નહોતો જોયો. તાજ કરતાંય વધુ રોચક તમે વર્ણવેલી શાહજહાં-મુમતાઝની પ્રણયકથા છે.’

‘પોતાની માનીતી રાણીની યાદમાં તાજ બનાવવાનું શાહજહાં જેવા બાદશાહને પરવડે.’ રઝિયાની સખી નગમાની ટકોરમાં વાસ્તવિકતા હતી.

‘કોણે કહ્યું?’ આફતાબ બોલી પડેલો, ‘પ્રિયતમાના સ્મરણમાં પ્રેમીએ વહાવેલાં અશ્રુની કિંમત તાજમહલથી કમ નથી હોતી અને આ ઐશ્વર્ય લાગણીભીના દરેક મનુષ્યને સુલભ હોવાનું!’

રઝિયા અંજાયેલી. ઐતિહાસિક સ્થળોની મુલાકાત પછી આફતાબે સૌને શૉપિંગ માટે ફેરવ્યાં. આફતાબ નિિત દુકાનોએ જ લઈ જતો હતો, ટૅક્સી-ડ્રાઇવરની દુકાનદાર સાથેની સાઠગાંઠ રઝિયાથી છૂપી ન રહી, ચીજવસ્તુના ભાવતાલ-શૉપકીપરના દાવા વગેરે પારખી તેણે સખીઓથી છૂટાં પડતાં જ પૂછેલું - ‘તમે દરેક સહેલાણી જોડે આવી ચીટિંગ કરો છો?’

રઝિયાના પ્રશ્નમાં એવો પણ ભાવ હતો કે મેં તમને આવા નહોતા ધાર્યા!

‘આપણા નગરનું આ પણ એક રૂપ છે, જે મારે તમને દેખાડવું હતું!’ આફતાબના શબ્દોમાં રહેલી સચ્ચાઈએ રઝિયાને જીતી લીધી. શું માણસ કે શું શહેર, જમા-ઉધાર બધામાં હોવાના એ વાત ગાઇડે કેવી સચોટતાથી સમજાવી! ખરીદીમાં બસો-પાંચસો વધુ ગયા એનો અફસોસ ન રહ્યો. બૉસની દીકરી પાસેથી કમિશન ખાવાનો આફતાબનો ઇરાદોય નહોતો, એ રકમ તેણે દરગાહના દ્વારે બેઠેલા ગરીબોમાં વહેંચી અને બસ, એ પળે તેનું નામ રઝિયાના રુદિયામાં કોતરાઈ ગયું!

ધીરે-ધીરે બન્ને પ્રેમના માર્ગે આગળ વધતાં ગયાં. તક મળ્યે આફતાબ માલિકના ઘર આગળ ઊભો રહે ને રઝિયા ઝરૂખે આવી દર્શન દે એવું બનવા લાગ્યું. આજે પણ રઝિયા ઝરૂખે દેખાતાં આફતાબનો ચહેરો ઝગમગી ઊઠ્યો. બન્નેને જાણ નહોતી કે તેમના તારામૈત્રક પર કોઈ ત્રીજાની નજર પણ આજે ચોંટી છે!

(ક્રમશ:)


અન્ય ભાગ વાંચો

1  |  2

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK