અન્ય ભાગ વાચો
સમીત (પૂર્વેશ) શ્રોફ
અહીં ક્રાઇમ હતું, મૉટિવ હતું, હવે બસ ગુનેગારને ઝડપવાનો હતો...
‘તર્જની, નેહાલીને સ્કેચ આર્ટિસ્ટ પાસે લઈ જઈ સત્યજિતનો સ્કેચ તૈયાર કરાવ... એટલે વહેલી સવારમાં આખી ફોજ તેની તપાસમાં ઉતારી દઈએ. દરમ્યાન આલોકબાબુનેય હોંશ આવતાં સત્ય મળી જ રહેવાનું...’
નેહાલીને લઈ તર્જની નીકળી. રાજમાતાને બાજુ પર દોરી કેતુએ ઝડપથી પરિસ્થિતિ સમજાવી. આંખના એક જ ઇશારે બાકીનાને આઘાપાછા કરી મીનળદેવીએ કૉરિડોરમાં એકાંત મેળવી લીધું.
‘કરુણા...’ તેમણે પડખે બેસી કરુણાદેવીના ખભે હાથ મૂક્યો, ‘તારા સુહાગને જોખમમાં મૂકનારની કડી તારા ભૂતકાળ સુધી દોરાય એમ છે.’
કરુણાદેવીના હાવભાવમાં સળવળાટ સર્જાયો.
‘સત્યજિત!’
રાજમાતાના એક જ શબ્દે તેમની છાતી હાંફવા માંડી. હવે અનિકેતે હવાલો લઈ લીધો. સત્યજિતનું મુંબઈમાં આગમન, નેહાલીને મળવું, કૅન્સરની બીમારીથી શરૂ કરી તેના છેલ્લા ફોન સુધીની ઘટના એકશ્વાસે કહી સંભળાવી.
કરુણાદેવી આંખો મીંચી ગયાં.
‘રાક્ષસ!’
ધગધગતા રણ જેવો શબ્દ કેટલી નફરતથી ઉચ્ચારાયો હતો!
‘મારી ભોળી દીકરીને હાથો બનાવી કોહરામ મચાવી ગયો મારા જીવનમાં... કયા જન્મનું વેર વાળ્યું નરાધમે? વ્હેમીલો, અદેખો તો તે હતો જ, ડંખીલો પણ એવો જ નીકળ્યો! જૂઠ બોલ્યો તે. આટલાં વર્ષોમાં ક્યારેય તેણે દીકરીને યાદ નથી કરી, મળવાની આરજૂ નથી જતાવી. અરે દીકરીનેય બીજાના પાપ તરીકે જોનારો માણસ મરીનેય સુધરી ન શકે એ મેં તને સમજાવ્યું હોત નેહાલી, જો તેં મને તેના આગમનનો અણસાર સુધ્ધાં આપ્યો હોત!’
તેમના વિલાપમાં દર્દ હતું.
‘આજે તમને કહું છું, રાજમાતા. સત્યજિતનો પાર્ટનર હતો, અશોક. બિચારો મને બહેન જેવી માનતો. કોઈ ત્રીજાના પાપે અમારા સંબંધની નિર્દોષતા કદી સત્યના ગળે ન ઊતરી. તેનો શંકાખોર સ્વભાવ છેવટે લગ્નવિચ્છેદમાં નિમિત્ત બન્યો... જેના અસ્તિત્વને હું વિસારી ચૂકી હતી, તે માણસ વર્ષો પછી પીઠમાં ખંજર ભોંકી ગયો! સમર્થની હત્યા પછી બદમાશ બીજા મોકાની રાહ જોઈને બેઠો હશે ને કેવા અવસરે હત્યારાએ વાર કર્યો... અનિકેત, મારા દીકરાના કાતિલને મારી સામે હાજર કરો, ત્યાં સુધી મારા માટે અન્ન-પાણી હરામ બરાબર!’
નેહાલીએ પડાવેલા સ્કેચની નકલો ફરતી થઈ, પોલીસ-ર્ફોસ ઉપરાંત સમીર-અજુર્નસિંહે પોતાના સ્ટાફનેય તલાશીમાં જોતરાવ્યો. કેતુએ રાત્રે જ ફોન કરી ચૈતાલી-ચિતરંજનને તેડાવી લીધેલાં. બન્ને તેની ટીમના હોનહાર મેમ્બર્સ હતાં. હોટેલ, ધર્મશાળા, બસસ્ટૅન્ડ, રેલવે-સ્ટેશન બધી દિશાના પ્રયત્નો છતાં સવારના દસ સુધી પરિણામ શૂન્ય હતું.
આલોકને ફોન જે પીસીઓ પરથી થયેલો એ બજારમાં હતું. અર્થાત્ ફોન કરી ભાગવાનો ઇરાદો તો સત્યજિતનો નહીં જ હોય, નહીંતર રેલવે કે બસમથકનું પીસીઓ વાપર્યું હોત... અને છતાં ફોન મૂકી તે ભાગ્યો હોય એ પણ શક્ય તો ખરું જ, એવું હોય તો તે અત્યાર સુધીમાં ક્યાંનો ક્યાં નીકળી ગયો હોય!
કરુણાદેવીને સત્યજિતના વેર-અબાઉટ્સ માલૂમ નહોતા. અશોક સાથે સંપર્ક રહ્યો નહોતો છતાં વર્ષો અગાઉનું જે સરનામું તેમને જાણમાં હતું, દિલ્હીના જે બંગલે તેમનો સંસાર વીત્યો હતો ત્યાં પણ તપાસ કરવાનો આદેશ ટૉપ લેવલેથી પહોંચી ચૂક્યો હતો...
ચોવીસ કલાકની અવધિ વીતે એ પહેલાં ગુનેગારને ઝબ્બે કરવા કેતુ કટિબદ્ધ હતો, પણ વીતતી પ્રત્યેક ઘડી આશંકા જન્માવતી હતી. ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું કામ હતું. કોઈ કરતાં કોઈએ સત્યજિતને જોયાનું સબૂત નહોતું મળતું, કેતુ તેના વચનમાં પાર નહીં ઊતરે?
‘વિશ્વાસ રાખો. અનિકેત-તર્જની એમ હારે એવાં નથી.’ રાજમાતાનો ભરોસો અકબંધ હતો.
* * *
મા-દીકરીએ વળગીને રડી લીધું. નેહાલીનો બોજ હળવો થયો : હવે માની જેમ ડૅડી પણ માફી બક્ષે તો જ જીવન સહ્ય બને!
‘આન્ટી...’ તર્જનીએ સ્કેચ ધર્યો, ‘અત્યારે સત્યજિત કંઈક આવો દેખાય છે.’
અને તસવીર જોતાં કરુણાદેવીનાં નેત્રો ચકળવકળ થયાં, ઝાપટ મારી તેમણે સ્કેચ ખૂંચવ્યો.
‘કોણ કહે છે આ સત્યજિત છે?’
તર્જની ચમકી. નેહાલીના ગળે શોષ પડ્યો, ‘મમ્મી, આ જ તો...’
‘આ સત્યજિત નથી, અરે, આ તો હરનામ છે, સત્યજિતનો સેક્રેટરી. રાજમાતા મેં ન્હોતું કહ્યું, કોઈ ત્રીજાના પાપે મારા-અશોકના સંબંધની નિર્દોષતા સત્યને ન્હોતી સમજાઈ? તે નરાધમ આ જ! ખરેખર તો તેણે બિઝનેસમાં અશોકનો એકડો કઢાવી પોતે તેની જગ્યા લેવી હતી... એમાં પાપિયાએ અમારું લગ્નજીવન ભંગાવ્યું. મને ડિવૉર્સ દેતાં પહેલાં સત્યે પાર્ટનર સાથે છેડો ફાડી હરનામને પ્રમોશન આપેલું, જેની જાણ ર્કોટમાં અશોકે મને કરેલી... એક વાર મુંબઈ આવ્યા પછી એ દિશામાં જોયું પણ કોણે!’
નવા ફણગાએ તર્જની વિચારમાં સરી... હરનામ સત્યજિત બનીને નેહાલીને શું કામ મળે? અને તો પછી સત્યજિત ક્યાં!
* * *
‘જાણીતા ગઝલગાયક આલોકબાબુ પર હૃદયરોગનો હુમલો!’
હિંમતગઢથી દસેક કિલોમીટર દૂર, કિસનપુર ગામના છેવાડે આવેલા મકાનમાં છાપું વાંચતા શખસના હોઠ મલકી પડ્યા : જીવનના છેવાડે માંડેલી ચોપાટનો ખેલ જામ્યો ખરો! હરનામ, તારું બલિદાન એળે નહીં જાય!
ત્યાં અંદરના ઓરડામાં ખખડાટ સંભળાતાં છાપું વીંટાળી સત્યજિત સિંહ ઊભો થઈ ગયો.
* * *
‘સાંભળ્યું? આલોકબાબુ દિવંગત થયા!’
હિંમતગઢના ચોરે ને ચૌટે આ એક જ વાત. બપોરે બે વાગ્યે છકડામાંથી ઊતરતા સત્યજિત તો રોમાંચિત થઈ ઊઠ્યો : હું તો સુખી ન થયો, કરુણા, મેં તનેય સુખી ન થવા દીધી! મને છોડી આખરે તો તું વિધવા જ થઈને? ચાલ, આનો ખરખરો મારી દીકરીને તો કરું!
પીસીઓમાં દાખલ થતાં સત્યજિતને સ્હેજે ખ્યાલ નહોતો કે તે ડિટેક્ટિવની જાળમાં ફસાઈ રહ્યો છે!
* * *
નેહાલીના સેલફોન પર હિંમતગઢનો નંબર ઝબકતાં કેતુની ટીમ કામે વળગી, ગણતરીની મિનિટ્સમાં લોકેશન શોધી કઢાયું.
‘મારા છેલ્લા ફોનથી તને આઘાત લાગ્યો હશે, પણ જાણી લે તારા બાપને - એટલે કે સાવકા બાપને મારવામાંય તું જ નિમિત્ત બની છે! આલોક સમક્ષ સમર્થની હત્યાનો ભેદ ખોલી મેં એમાં તને ભાગીદાર ઠેરવી, જે બિચારો સહી ન શક્યો!’
નેહાલીના હાથમાંથી મોબાઇલ વચકી પડ્યો.
* * *
મેડિકલ સ્ટોર!
હિંમતગઢના માર્કેટનું લોકેશન કન્ફર્મ થતાં દોડી ગયેલાં કેતુ-તર્જનીની ગણતરી સાચી ઠરી. ગુનેગારની માનસિકતા પરપીડનની હતી એ આધારે આલોકના દેહાંતના જૂઠા ખબર ફેલાવવાની ચાલ ફળી. અપરાધી આટલામાં જ ક્યાંક છે... માર્કેટમાં તે શું કરતો હોય? ખાણીપીણીની ખરીદી? ધારો કે તેને કૅન્સર હોવાનું સાચું હોય તો પહેલી જરૂર દવાની પડવાની...
‘જી... હમણાં એક ભાઈ કૅન્સરની દવા લઈ ગયા... પાછલા આઠેક મહિનાથી રેગ્યુલર આવે છે, સાથે ઘેનની દવા પણ ખરી...’
- અને જાસૂસબેલડી સત્યજિતની પાછળ પડી.
* * *
કિસનપુરના ઘરે પહોંચી સત્યજિત હજી તો કમાડ બંધ કરે છે ત્યાં દરવાજે લાત પડી, ‘યૉર ગેઇમ ઇઝ અપ, સત્યજિત સિંહા!’
ટચૂકડી ગન લઈ ઊભેલા કેતુને જોતાં જ સત્યજિત ભયવિહ્વળ બન્યો.
અંદરની રૂમમાં એ જ વખતે કશોક અવાજ સંભળાતાં ગન સંભાળી તર્જની સાવધાનીભેર દોડી ગઈ : અંદર હરનામ જ હોવો જોઈએ!
રૂમનું બારણું જોકે બહારથી બંધ હતું. સત્યે હરનામને પૂરી રાખ્યો હશે? શું કામ? કદાચ કાવતરાનો ભેદ છુપાડવા...
આગળો ખોલતી તર્જનીએ જે જોયું એ માની ન શકાય એમ હતું. કાચુંપાકું કોઈ હોત તો છાતીનાં પાટિયાં ભીંસાઈ ગયાં હોત...
રૂમમાં સમર્થ હતો... બંધનગ્રસ્ત, પરંતુ જીવતોજાગતો!
* * *
અનિકેતની એક જ થપાટે સત્યજિતે અપરાધ કબૂલી લીધો :
ના, કરુણાના કુચારિત્ર્ય વિશે મને આજેય શંકા નથી, નેહાલી મને કદી વ્ાહાલી નહોતી... હરનામનો આમાં બિલકુલ વાંક નહોતો, કરુણા જ વાંકદેખી!
હા, મને બ્લડ-કૅન્સર નીકળતાં કરુણાને દુ:ખી જોવાની બળતરા જાગી. હરનામે મને રસ્તો ચીંધ્યો. નેહાલીને હાથો બનાવી સમર્થની હત્યાનો પ્લાન ઘડી કાઢ્યો... બધું અમારી ધારણા મુજબ જ બનતું ગયું. ડ્રાઇવરને બદલે સમર્થ એકલો જ ખંડાલા આવવા નીકળ્યો...
અમારા પ્લાન મુજબ ઘાટ પહેલાંના વળાંકે હરનામે સમર્થની કારમાં લિફ્ટ માગી, મારી દીકરી બીમાર છે, ઝટ ખંડાલા પહોંચવું જરૂરી છે કહી તેણે આબાદ અભિનય સાથે સમર્થને ભોળવ્યો, પણ તેને શું ખબર કે મોતના ખેલમાં તે ભોળવાઈ રહ્યો છે!
યોજના અનુસાર, ઘાટના જીવલેણ વળાંકે છાતીમાં દુખાવાનું નાટક કરી ગાડી થંભાવી હરનામે સમર્થને બેહોશ કરવાનો હતો, અને પછી કારને ખીણમાં ધકેલી દેવાની હતી... સમર્થના રફ ડ્રાઇવિંગ સાથે દુર્ઘટના બંધબેસતી નીવડે. અકસ્માતની જગ્યા, સમય, ટ્રાફિક બધા પાસાનો અમે અભ્યાસ કરી ચૂક્યા હતા... ફેલ જવાની સંભાવના જ નહોતી, ત્યાં...
ટૅન્કરની ટક્કરે અણધાર્યો પલટો લીધો. નસીબજોગે સમર્થવાળો દરવાજો ખૂલતાં તે બહાર ફંગોળાયો, કદાચ સીટબેલ્ટ નહીં પહેર્યો હોય તેણે... સમર્થ બચ્યો, પણ હરનામ જીવતો ભૂંજાયો!
ઘટનાનો પ્રથમ સાક્ષી ખરેખર તો હું હતો... મેં બેહોશ સમર્થનો કબજો લીધો, તત્કાળ કંઈ ન સૂઝતાં હિંમતગઢની વાટ પકડી... પછી જાણ થઈ કે હરનામને સમર્થ ધારી સૌએ આલોકનો દીકરો મર્યાનું સ્વીકારી લીધું છે!
જીવતા દીકરાનો ગમ મનાવતી કરુણા મને વધુ દયનીય લાગી... આખી દુનિયામાં માત્ર મને ખબર હોય કે સમર્થ જીવતો છે એ ઘટના બદલાની પરાકાષ્ઠારૂપ લાગી, કદાચ એટલે જ મેં સમર્થને જિવાડ્યો... એટલું જ નહીં, યાદદાસ્ત ભૂલી ચૂકેલાને ગાંજા-ચરસના નશામાં, ઘેનની દવાના ડોઝમાં ડુબાડી તેના મજ્જાતંતુ નબળા કરતો રહ્યો! મારા આયુષ્યનાં વર્ષ-બે વર્ષ પછી એ જીવવાલાયક નહીં રહ્યો હોય એનો આનંદ હતો, ભલેને એ તમને પાશવી લાગે!
સમર્થની હત્યામાં નેહાલીને નિમિત્ત બનાવી મારે તેનેય ઝાટકો આપવો હતો... એ ડફર મારા-હરનામનો, અવાજભેદ પારખી ન શકી? મારું માનો, જોઈએ તો ડીએનએ ટેસ્ટ કરાવો, તે બચ્ચી અશોકની જ! તે બદમાશ પછી લંડન જતો રહ્યો, નહીંતર તેનેય...
ત્યાં આલોક ફૅમિલી સહિત હિંમતગઢ આવ્યો હોવાનું જાણ્યું. (ગાળ), દીકરાનો આઘાત થોડાક મહિનામાં વીસરી ગયો? વળી પાછા સૌ કિલ્લોતા થાય એ પહેલાં મારે બીજો ઘા કરવો જ રહ્યો... ને જોયું, એક જ ફોને તેનું હૃદય બંધ કરી દીધુંને! કરુણા, હવે રડતી રહેજે! તારી પાપની દીકરીની વળગીને... તેનું તો મારે મ્ાોં ન્ાહોતું જોવું, એટલે તો હરનામ નેહાલીને સત્ય બની મળ્યો... મને છોડી દે છોકરા, તને બહુ બધી દોલત આપીશ... હું કરોડપતિ છું! મારો હરનામ... તેના બલિદાનનો મલાજો જાળવ બિરાદર!’
સત્યજિતની માનસિકતા પર નિ:શ્વાસ જ નાખી શક્યાં અનિકેત-તર્જની!
* * *
‘લાગે છે કે સમય જતાં હરનામ-સત્ય વચ્ચે સજાતીય સંબંધ બંધાયો હોય તો નવાઈ નહીં... સત્ય હવાલાતમાં છે, સમર્થને ડૉક્ટર્સ એક્ઝામિન કરી રહ્યાં છે... ઑલ વેલ્સ ધૅટ એન્ડ્સ વેલ!’ અનિકેતે કથા પૂરી કરી.
હૉસ્પિટલના કૉરિડોરમાં જ રાજમાતા કેતુ-તર્જનીને વળગી પડ્યાં.
* * *
લાભપાંચમના દિવસે આલોક જાતે ચાલીને આઇસીયુમાંથી બહાર નીકળ્યા. પાંપણ પટપટાવી હાથ પકડીને ઊભેલી પત્ની તરફ જોયું ‘કરુણા... આ... હું આ શું જોઉં છું!’
સામે નેહાલી સમર્થની આંગળી ઝાલી ઊભી હતી.
‘સ્વપ્ન નથી, હકીકત છે, આલોક.’
ઘેરાયેલાં વાદળ વીખરાઈ ચૂક્યાં. ચાર જણનો પરિવાર ફરી એકતાંતણે ગૂંથાયો અને એ રાત્રે રાજમહેલના પ્રાંગણમાં ગોઠવાયેલા આમજનતા માટેના વિશેષ કાર્યક્રમમાં આલોક પુરબહાર ખીલ્યા. ગઝલકિંગ ઇઝ બૅક!
* * *
‘સો... દિવાળીની રજા પૂરી થઈ!’ છઠની સવારે મુંબઈ પરત થતી જાસૂસબેલડીના હૈયે તો જોકે રાજમાતાના ભરોસાને સાર્થક ઠેરવ્યાનો આનંદ જ હતો.
‘દિવાળી ભલે ગઈ, મારું બોનસ બાકી છે, તર્જની!’ કેતુના ઇશારે તર્જની શરમથી રાતીચોળી બની.
કેતુએ કાર સાઇડ પર લીધી. પછી જે બન્યું એ લખવાની મનાઈ છે. હા, વાચકોને કલ્પનાના ઘોડા દોડાવવાની છૂટ છે!
(સમાપ્ત)
અન્ય ભાગ વાચો
30 જુલાઇએ રિલીઝ થશે ગંગુબાઈ કાઠિયાવાડી,પોસ્ટરમાં આલિયા ભટ્ટનો દળદાર લૂક
24th February, 2021 15:30 ISTવિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ મોટેરા હવે બન્યું 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ'
24th February, 2021 13:42 ISTમાસિક ધર્મ સાથે જોડાયેલી પરંપરા પર પ્રકાશ પાથરશે ફિલ્મ 'માસૂમ સવાલ'
24th February, 2021 12:32 ISTMaharashtra: જાલનામાં સ્કૂલ-કૉલેજ અને સાપ્તાહિક બજાર 31 માર્ચ સુધી બંધ
24th February, 2021 11:33 IST