અન્ય ભાગ વાચો
સમીત (પૂર્વેશ) શ્રોફ
અટૅક સમયે અનિકેત પડખે ઊભો ન હોત, અજુર્નસિંહે ઍમ્બ્યુલન્સ ભગાવી ન હોત તો કદાચ આલોકનું ઊગરવું મુશ્કેલ થઈ પડત. સદ્ભાગ્યે ફંક્શનમાં મોજૂદ ડૉ. ત્રિવેદીને યાદ કરી સમીરસિંહે ઍમ્બ્યુલન્સમાં બેસાડી દીધા એ પણ ફાયદામાં રહ્યું.
‘સમીર-ઉર્વશી, તમે અહીંનું સંભાળી લો. શ્રોતાઓની ક્ષમાયાચના માગી પંડિતજીના પ્રસંગનું ઔચિત્ય જાળવજો. સાથે જ મહેમાન પર આવી પડેલી આપત્તિમાં સહભાગી થવાની પણ આપણી ફરજ બને છે, હું હૉસ્પિટલ જાઉં છું, બેમાંથી કોઈ મોરચે આપણે ઊણા ઊતરવાનું નથી...’ રાજમાતાની આજ્ઞા શિરોમાન્ય હોય જ.
પૅલેસની મોટી ગાડીમાં રાજમાતા, કરુણાદેવી, લાવણ્યા ઉપરાંત નેહાલી જોડે તર્જની હૉસ્પિટલ પહોંચી હતી. કરુણાદેવી સ્તબ્ધ હતાં. નેહાલીનું રુદન થમતું નહોતું...
‘નેહાલી...’
અત્યારે, આઇસીયુ બહારના કૉરિડોરના અલાયદા બાંકડે બેસી આંસુ સારતી નેહાલીના ખભે તર્જનીએ હાથ મૂક્યો, ‘હી હૅઝ સર્વાઇવ્ડ. તારા ડૅડી બચી ગયા. નાઓ બી હૅપ્પી ફૉર હિમ.’
‘જાણે શું થવા બેઠું છે!’ બીજા બાંકડે બેઠેલાં કરુણાદેવીએ સાડલાના છેડાથી પાંપણ લૂછી, ‘અમારા સુખને કોની નજર લાગી, રાજમાતા?’
‘હિંમત રાખ બહેન. કસોટી કરનારો ઈશ્વર જ એમાંથી પાર પણ ઉતારતો હોય છે.’ રાજમાતાએ કરુણાદેવીની પીઠ પસવારી, ‘બાકી તો તમને સુખરૂપ વિદાય નહીં આપું ત્યાં સુધી મારો જીવ તો અજંપ જ રહેવાનો! આ તો તમારા દુ:ખમાં અમે નિમિત્ત બન્યાં ગણાઈએ...’
રાજમાતાના વસવસા જેવો જ પડઘો કેતુએ સ્હેજ જુદી રીતે પાડ્યો, ‘જમતી વેળા આલોકબાબુ પર કોઈનો ફોન આવ્યો...’ હેવાલ આપી, ગજવામાંથી આલોકનો મોબાઇલ કાઢતાં કેતુએ ઉમેર્યું, ‘સામેનો સ્વર તો મને નહીં સંભળાયો, પરંતુ તેણે અવશ્ય કંઈક એવું કહ્યું, જેણે ઋજુ કલાકારના હૃદયમાં ભંગાણ સર્જ્યું...’ નવા ફણગાએ સૌ ચોંક્યાં. નેહાલીનાં આંસુ વરાળ થઈ ગયાં. આંખોમાં અકથ્ય વેદના ઊમટી આવી.
‘અને આ ફોન હિંમતગઢના જ એક પીસીઓ પરથી થયો હતો રાજમાતા, એટલું મેં જાણી લીધું.’
હેં!
‘હિંમતગઢના આદમીની એટલી હિંમત કે માનવંતા મહેમાનનું અપમાન કરે!’ રાજમાતાનો પુણ્યપ્રકોપ ઝબક્યો, ‘હિંમતગઢની ધરતી પર એવો તે કયો નરાધમ પાક્યો...’
‘તે જે કોઈ હોય... ચોવીસ કલાકમાં આપની સમક્ષ હશે, રાજમાતા.’
અનિકેતના સંકલ્પનો રણકો તર્જનીએ પારખ્યો. રજાનો જોગ ભૂલી હવે ડિટેક્ટિવ તરીકે કામે લાગવાનું હતું.
‘અનિકેત, ચાલ હિંમતગઢના પોલીસ-કમિશનર જોડે તને મેળવી આપું...’
‘તર્જની...’ અજુર્નસિંહ સાથે નીકળતાં પહેલાં કેતુએ તર્જની જોડે કશી ગુસપુસ કરી લીધી.
* * *
મારી જેમ કેતુને પણ લાગ્યું કે નેહાલી પાસેથી કશી ક્લુ મળી શકે. પિતાના હિતશત્રુઓનો દીકરીને આછો-પાતળો ખ્યાલ હોય...
‘તને શું લાગે છે, નેહાલી?’
ફ્રેશ થવાને બહાને તેને હૉસ્પિટલની કૅન્ટીનમાં લઈ જઈ તર્જનીએ ચર્ચા છેડી. મધરાતના સમયે અહીં અનુકૂળ એકાંત પણ હતું.
‘ફોન કરનારે આલોકબાબુને કશી ધમકી આપી હશે? એવું તે શું કહ્યું હોય કે હૈયું જીરવી ન શકે...’
નેહાલીએ હોઠ કરડ્યો.
‘પાછો ફોન પર તેણે કેવા ટાણે કર્યો! જાણે પ્રોગ્રામ શેડ્યુલથી વાકેફ હોય એમ...’
તર્જનીના વાક્યે-વાક્યે નેહાલીની ભીતરનો ઘુઘવાટ અસહ્ય બનતો જતો હતો...
‘બોલ નેહાલી, તને કોના પર શક છે?’
છેવટે તર્જનીએ સીધું જ પૂછતાં નેહાલીની છાતી હાંફવા માંડી, ટેબલ પર મુઠ્ઠી પછાડતાં તે બોલી ગઈ, ‘તમે શંકાનું પૂછો છો, તર્જની. મને તો ખાતરી છે... ઇટ્સ હી. આ તેનું જ કામ હોઈ શકે...’
‘કોણ, સત્યજિત સિંહા?’
હળવેથી તર્જનીએ ઉચ્ચારેલા નામે નેહાલી થથરી, તમે કેમ જાણ્યું એ પૂછી ન શકાયું છતાં તર્જનીએ તો કહ્યું જ,
‘જન્મદાતા પ્રત્યે તારી નફરત મેં અનુભવી છે, હવે એનું કારણ પણ કહી દે નેહાલી... ફૉર ધ સેઇક ઑફ યૉર બિલ્વડ ફાધર, આલોક ચટ્ટોપાધ્યાય!’
આ એક વાક્યે નેહાલી ઢીલી પડી ગઈ. વિરોધ સુકાઈ ગયો, આનાકાની ઓગળી ગઈ, અવઢવ ન રહી અથવા તો પછી ઊભરો ઠાલવવા તે ખુદ અધીરી બની હોય... ગમે એ કારણ હોય, સ્વસ્થ થઈ તેણે કહેવા માંડ્યું.
‘સત્યજિત સિંહા... નામની ઓળખ સામાન્યપણે ચહેરો હોય છે, પરંતુ એ ચહેરો સ્મરણમાં ઘૂંટાય એ પહેલાં તો હું મારા જન્મદાતાથી છૂટી થઈ ગયેલી... મુંબઈ રહેતા મારા નાનાજીએ દીકરીને પરપ્રાંતીય સાથે શા માટે પરણાવી હશે એ તો નથી જાણતી, કદાચ તેમના બિઝનેસવતુર્ળના પરિચયને કારણે હશે. એમ તો પપ્પા-મમ્મી વચ્ચે શો ખટરાગ હતો એનીયે મને ક્યાં જાણ થઈ? હું હજી બે વર્ષની હતી ત્યાં તો તેઓ અલગ રહેતાં થઈ ગયેલાં. ચોથાના ઉંબરે પ્ાહોંચી ત્યારે વિધિવત્ છૂટાં પડ્યાં. અમે હંમેશ માટે મુંબઈ શિફ્ટ થયાં. મમ્મીએ કદી, ક્યારેય તે પુરુષને મારી સમક્ષ તો ઉલ્લેખ્યો નહોતો. લગ્નનું આલ્ાબમ શું, તેની કોઈ તસવીર સુધ્ધા સંભારણારૂપે રાખી નહોતી... હુંય કદી તે શખસને યાદ કરી રોઈ નહોતી, અમારી વચ્ચે કોઈ સેતુ જ નહોતો, તર્જની...’
‘હં.’
‘અને સાચું પૂછો તો મને તેમની ઊણપે ન્ાહોતી વર્તાઈ... ડિવૉર્સના છ-એક મહિના અગાઉ, નાનાજીના ઘરમાં ભાડેથી રહેવા આવેલા પેઇંગગેસ્ટની માયામાં હું બંધાતી ગઈ. મને ખૂબ રમાડે, ચૉકલેટ અપાવે, હાલરડાં સંભળાવે... મમ્મી સાથેય બગીચામાં હું તેમને લાંબી ચર્ચાઓ કરતી જોતી. નિષ્ફળતાથી ડરવું ન જોઈએ, પછી એ કરીઅરમાં હોય કે લગ્નજીવનમાં! જેવાં તેમનાં વાક્યો મારી સમજ બહાર હતાં, પણ મમ્મીને ઘણું સમજાતાં એટલું હું પારખી શકતી. છૂટાછેડાના ત્રીજા જ મહિને માએ મને પૂછ્યું હતું - અંકલને ડૅડી કહેવાનું તને ગમશે, બેટા? ને હું વ્હલથી તે પુરુષને વળગી પડી હતી. તે હતા આલોક ચટ્ટોપાધ્યાય! સિંગર તરીકે હજી તે જામ્યા નહોતા. ગઝલગાયક તરીકે ઓળખ મળવાની હજી વાર હતી... મુફલિસને પરણવાનો દીકરીનો નિર્ણય બૂમરૅન્ગ તો સાબિત નહીં થાયને? એવી નાના-નાનીની ધાસ્તી ખોટી ઠરી. ડૅડીની ખુમારી તો જુઓ, લગ્ન પછી ઘરજમાઈ તરીકે રોકાવાને બદલે ભાડાની ચાલમાં રહેવા ગયા, પણ તર્જની, અછતના એ દિવસોમાં સુખની કદી ખોટ ન્હોતી વર્તાઈ... પછી તો સમર્થના આગમને કિસ્મત ચમકી, અમારા દિવસો ફર્યા, મારા ડૅડી માત્ર તેવા ને તેવા રહ્યા. હું તેમની ઓરમાન પુત્રી છું એવું ક્યારેય કદી વર્તાવા નથી દીધું, કેમ કે તે મને અણુએ અણુથી પોતાના અંશ તરીકે સ્વીકારી ચૂકેલા...’ શ્વાસ લેવા રોકાઈ નેહાલીએ કથન સાંધ્યું.
‘દીકરીના સુખે સુખી નાનીમા ક્યારેક બોલી જતાં : ઈશ્વર જે કરે એ સારાને માટે! છૂટાછેડા થયા ત્યારે કરુણા માટે જીવ બળતો, તેના ભાવિની ચિંતા જાગતી... આજે થાય છે કે શંકાશીલ પતિથી છૂટી થઈ સીતા તેના રામને પામી! વ્હેમ જેવું કોઈ દૂષણ નથી. પોતાના જ પાર્ટનર સાથે પત્નીનો આડો સંબંધ હોવાના વ્હેમમાં તે નરાધમે મારી ફૂલ જેવી દીકરીને દુખી કરવામાં કસર નહોતી છોડી... જોજોને, તેનાં કયાર઼્ તે ભોગવશે!’
તર્જની પૂરી એકાગ્ર હતી.
‘આનાથી મને મમ્મીના પ્રથમ લગ્નજીવનનો આછેરો અણસાર સાંપડ્યો માત્ર, જેના પર વિશેષ કશું ચર્ચવા જેવું રહ્યું નહોતું... વર્ષોનાં વહેણમાં ભુલાઈ ગયેલા ભૂતકાળની કડી નવ મહિના અગાઉ રણકેલા ફોને સાંધી.’
વળી પાછો ફોન! અને નવ મહિના અર્થાત્ સમર્થના મૃત્યુના મહિના અગાઉ... તર્જનીએ તાળો માંડ્યો.
‘ફોન કરનારે મારો મોબાઇલ નંબર ક્યાંથી મેળવ્યો હશે, નથી જાણતી, પરંતુ તે મારા વિશે ઘણુંબધું જાણતો હોવાની ખાતરી તેની વાતો પરથી થતી ગઈ : હું એમબીએ કરું છું, મારી કારનો નંબર ફલાણો છે, ચાઇનાટાઉન મારી ફેવરિટ રેસ્ટોરાં છે... તે બોલતો ગયો અને હું અવાક્ થતી ગઈ. માંડ પુછાયું - તમે છો કોણ અને મારા વિશે આટલું જાણો છો કઈ રીતે? જવાબ મળ્યો: જન્મદાતા તેની દીકરીની રગ-રગથી વાકેફ હોય, બેટા!’
નેહાલીએ ગળું ખંખેર્યું.
‘તોય મને ઝબકારો ન થયો. હું પૂછી બેઠી - ડૅડી, તમે છો! અવાજ બદલીને કેમ બોલો છો? ત્યારે પળવાર પછી સંભળાયું - આલોક તારો જન્મદાતા ક્યાંથી? તારો બાયોલૉજિકલ ફાધર હું છું- સત્યજિત સિંહા!’
તર્જનીએ તેનો પહોંચી દબાવ્યો.
‘સાંભળીને સન્નાટો છવાઈ ગયો દિમાગમાં. જેની કોઈ ઇમેજ તમારા મનમાં ન હોય તે તમારા અસ્તિત્વનું મૂળ થઈ સામે આવે ત્યારે ડઘાઈ જવાય એવી મારી હાલત હતી. તે કરગરતા રહ્યા : બેટા, આખી જિંદગી તને જોવા-મળવા તરસતો રહ્યો છું... પણ આલોક કે કરુણાએ મને તારી નજીક ફરકવા નથી દીધો. બાપનો હાથ તું તો ખાલી નહીં વાળેને? એમ તેમણે પૂછતાં હૃદયમાં ઝંઝાવાત જાગ્યો. તારી માએ મને બૂરો ચીતર્યો હશે, પણ હું સાવ એવો નથી હં! બાકી હું તો જિંદગીના આખરી તબક્કે પહોંચી ચૂક્યો છું, મને કૅન્સર છે... તેમનો સ્વર ભાંગતો હતો અને મારી લાગણી ચૂર-ચૂર થઈ રહી હતી...’
‘પછી?’ તર્જનીએ સવાલનો ધક્કો દેવો પડ્યો.
‘આલોક-કરુણાથી છાનું રાખી એક વાર તેમને મળવાની વિનંતી હું ઠુકરાવી ન શકી. આખરે અમારો લોહીનો સંબંધ! તાજની રેસ્ટોરાંમાં અમે પહેલી વાર મળ્યાં... હી લુક્ડ ક્વાઇટ હૅન્ડસમ. પોણાછ ફૂટની ઊંચાઈ, ગોરો વાન, ગ્રે સૂટમાં ગરવાઈભર્યું વ્યક્તિત્વ - જોતાં વ્ાહાલ તો ન ઊમટ્યું, પણ આશ્વાસન જરૂર સાંપડ્યું : માણસ ખાનદાન તો લાગે જ છે!’
‘પણ નેહાલી...’ તર્જનીથી પૂછ્યા વિના ન રહેવાયું, ‘માત્ર તેના કહેવા પર તેં માની લીધું કે તે તારા પિતા - આઇ મીન, સત્યજિત સિંહા છે?’
‘તમારી જેમ મને પણ એવી આશંકા હતી જ... પરંતુ સત્યજિતના નામે મને ફોસલાવવામાં કોઈને શું ફાયદો? પછી તો તેમણે જ મોબાઇલમાં અમારો ફૅમિલી ફોટોગ્રાફ દેખાડ્યો : જો, આ હતો આપણો નાનો પરિવાર, સુખી પરિવાર! પછી તે કહેતા રહ્યા : હું શૉર્ટ ટેમ્પર્ડ છું, વ્ાહેમીલો છું, કંઈક અંશે એ બધું સાચું... કરુણાનો વાંક નથી જોતો, પણ તેણે થોડી ધીરજથી કામ લીધું હોત, મારી ગેરસમજને દૂર કરવાની તસ્દી લીધી હોત તો કદાચ બાપ-દીકરી વચ્ચે આટલી મોટી ખાઈ ન સર્જાઈ હોત... મારા પાર્ટનર અશોક સાથે કરુણાને મેં ધાર્યો એવો કોઈ સંબંધ ન હોવાની છૂટાછેડા પછી ખાતરી થઈ ગઈ, પણ ત્યારે બહુ મોડું થઈ ચૂકેલું. કરુણા આલોકને પરણી ચૂકી હતી... તને મળવાની, હેત વરસાવવાની ઘણી ઇચ્છા, ને એટલા જ મારા પ્રયત્નો પણ... ખેર, મારી ભૂલના પાત્તાપમાં ફરી પરણ્યો નથી, મારું જે કંઈ છે એ તારું જ દીકરા... કૅન્સરની બીમારીએ જીવન ઝાઝું બચ્યું નથી એટલે ખાનગી રાહે તારી સાથે સંપર્ક સાધ્યો છે, ઘરમાં કોઈને આની ગંધ સુધ્ધાં આવવા ન દઈશ, મારો ઉલ્લેખ આલોક-કરુણાની મૅરેજલાઇફમાં વમળ સર્જે એવું થવા દઈશ નહીં... લાચાર પિતાને ક્યારેક મળતી રહેજે, બીજું શું!’
તર્જનીને પહેલી વાર સત્યજિત પ્રત્યે અનુકંપા જન્મી.
‘પછી તો અમે ત્રણેક વાર મળ્યાં. હું તેમને પપ્પા કહેતી. ઊલટભેર અમારું સુખ વણર્વતી : ડૅડીએ કદી મને પારકી ગણી નથી, સમર્થ તો અમારા ત્રણેના જીવનનું કેન્દ્ર છે... જોકે તે કાર બહુ રફ હંકારે છે... તે ક્યારેક ન સમજાય એવું મરકી જતા. ત્યાં ખંડાલામાં થનારી ડૅડીની કૉન્સર્ટની માહિતીએ તેમની આંખોમાં ચમક ઊપસાવી : નેહાલી, તેં કહ્યું એમ તારા પેરન્ટ્સની ઍનિવર્સરી કૉન્સર્ટના બીજા દિવસે હોય તો શા માટે એ ખંડાલામાં જ સેલિબ્રેટ ન કરવી? હું પણ ત્યારે ખંડાલામાં હોઈશ, રાતની પાર્ટી પહેલાં, દિવસે જ તારી મમ્મીની માફી માગી લઉં, આલોકની હાજરીમાં, તો જ જીવ ગતે જશે! જવાબમાં મેં દલીલ કરી : એ શક્ય ક્યાં છે? તમે જાણો છો, સમર્થની એક્ઝામ્સ ચાલે છે એટલે અમે ત્રણ તો સાંજે જ નીકળી શકીએ... પરંતુ તે મંડી પડ્યા : સમર્થ એકલો મુંબઈથી ખંડાલા ન આવી શકે! રાત્રે મળીશું તો કદાચ પાર્ટીનો મૂડ બગડશે અને આ થવું તો તેમની ઍનિવર્સરીના શુભદિને જ જોઈએ... ત્યારે હું માની ગઈ.’
વળી સ્હેજ અટકી નેહાલીએ કથન સાંધ્યું.
‘માનો કે બધું જ સત્યજિતની મરજી મુજબ ગોઠવાઈ ગયું... આમ તો સમર્થે ડ્રાઇવર સહિત આવવાનું હતું, પણ તે
સેલ્ફ-ડ્રાઇવનો ચાન્સ ન જ છોડે એટલું તેને જાણનારા જાણે એમ અમનેયે હતું જ... ખંડાલા પહોંચી હું પપ્પાની વાટ જોતી હતી ત્યાં માફી માગતો તેમનો કૉલ આવ્યો: તબિયત લથડતાં આજે નહીં આવી શકું... બસ, પછી તો સમર્થની રાહ જ જોવાની હતી, પણ સમર્થને બદલે અકસ્માતના ખબર મળ્યા...’ ડૂબતા સાદને સ્વસ્થ કરી તે પરાકાષ્ઠા પર પહોંચી, ‘અમે સૌ શોકમાં મગ્ન હતાં, શા માટે પપ્પાની વાતોમાં આવી મેં ખંડાલાનો પ્રોગ્રામ બનાવ્યો... મારું મન વલોવાતું હતું ત્યાં સમર્થની વરસી વાળ્યાના દિવસે ઘટના પછી પહેલી વાર સત્યજિત સિંહાનો ફોન આવ્યો : બીજાની જેમ જે થયું એ બહુ ખોટું થયુંનું જૂઠ નહીં બોલું.... સમર્થના મોતમાં તારો ફાયદો જો. આલોકની કરોડોની મિલકતની હવે તું એકલી વારસદાર! તું શું માને છે? હું હૉસ્પિટલમાં હતો? અરે, તારી કિસ્મતના ભાગીદારને મેં હટાવ્યો... સાંભળીને મારા પર શું વીતી એ શબ્દોમાં કેમ વર્ણવું, તર્જની? હું જડ થઈ ગઈ, મેં કદી નહીં ઇચ્છેલી, માગેલી ‘કૃપા’ વરસાવવાનું કારણ પૂછી ન શકાયું... છતાં સત્યજિત કહેતા રહ્યા : તારી મા આલોકને પરણી એમાં મારે મારી દીકરીનો વિજોગ સહેવો પડ્યો, એ પીડાનો સાક્ષાત્કાર આલોક-કરુણાને પણ થવો જોઈએને! મેં ફોન કટ કર્યો અને ત્યાર પછી ન કદી તે દેખાયા, ન હું તેમના વિશે હરફ ઉચ્ચારી શકી... કયા મોઢે કહું? જાણે-અજાણે પિતાના પાપમાં ભાગીદાર થયાનો પસ્તાવો હવે તો જીવ લઈ લે તો છૂટું!’ નેહાલી ભાંગી પડી. ‘મારા જન્મદાતાનો મારા જીવનપ્રવેશનો જોગ ભઈલાનો હંમેશનો વિજોગ ઘડીને આવવાની જાણ હોત તો...’
નેહાલીના શબ્દોમાં, અશ્રુઓમાં સચ્ચાઈ નીતરતી હતી. તર્જનીને સહાનુભૂતિ થઈ : ઓહ, વિધિના આ તે કેવા જોગ-વિજોગ!
(ક્રમશ:)
બૉડી બનાવવા વપરાતાં ફૂડ-સપ્લિમેન્ટ્સનો ભેળસેળવાળો જથ્થો જપ્ત
25th February, 2021 09:06 ISTસ્કૂલની હૉસ્ટેલમાં રહેતા 229 વિદ્યાર્થીઓ કોરોના-પૉઝિટિવ
25th February, 2021 09:06 ISTપોલીસ-સ્ટેશનમાં પચાસ ટકાની હાજરીનો આદેશ કેટલો વાજબી?
25th February, 2021 09:06 ISTઑડિયો-ક્લિપ અને પૂજા ચવાણ સાથેના ફોટો વાઇરલ થતાં સંજય રાઠોડની મુશ્કેલીઓ વધી
25th February, 2021 09:05 IST