કથા સપ્તાહ - જોગ-વિજોગ (વિધિના લેખ - ૩)

Published: 2nd November, 2011 20:39 IST

‘ભલે પધારો.’ સોમવારની બપોરે. સાજિંદાઓ સહિત પધારેલા આલોકબાબુનું રાજવી પરંપરા અનુસાર આરતી ઉતારી, ફૂલડાં વેરી સ્વાગત થયું. રાજપરિવારનો ઉમળકો આલોકને સ્પશ્ર્યો, કરુણાને ગદ્ગદ કરી ગયો, જ્યારે નેહાલી હજીયે થોડી ગુમસૂમ જણાઈ તર્જનીને. છોકરી હજી ભાઈના આઘાતમાંથી બહાર નથી આવી ને હું વિચારતી હતી કે મિલક્ત માટે તેણે જ તો ઓરમાન ભાઈનો અકસ્માત કરાવ્યો ન હોયને!

 

અન્ય ભાગ વાચો

1 | 2 | 3


(સમીત (પૂર્વેશ) શ્રોફ)


‘અરે વાહ, તૂરિયાં-પાતરાંનું શાક, દહીંવડાં, અને કાજુ-બરફીની મીઠાઈ... કહેવું પડે, રાજમાતા તમે અમારી દરેકની પસંદનો ખ્યાલ રાખ્યો. નેહાલીબેટા તારી ફેવરિટ સ્વીટ ચાખ તો ખરી!’

કરુણાનો અભિગમ સૌને સ્પર્શી ગયો. કાળજું વજ્રનું બનાવી તેણે જ પતિ-પુત્રીને ટકાવ્યાં હોવાનું પરખાઈ ગયું.

‘મેં તો સાંભળ્યું છે કે બંગાળીઓ મચ્છી-ભાત ખાવાના શોખીન હોય છે... નેહાલી, તમને કયું ફૂડ વધારે ભાવે - ગુજરાતી કે બેન્ગાલી?’

તર્જનીના પ્રશ્ને સ્વીટનું બટકું ભરતી નેહાલી એટલું જ બોલી, ‘ગુજરાતી.’

‘એમાં એવુંને તર્જની કે મને પરણીને આલોક પોતે બંગાળી ખાણાનો સ્વાદ ભૂલી ગયા છે, અમે તેમને પૂરા ગુજરાતી બનાવી દીધા છે!’

‘યા, ગુજરાતી રૉક્સ!’

ગઝલકિંગના કંઠે સાંભળવું સૌને ગમ્યું.

‘તર્જની એક મિનિટ.’

જમીને કાફલો ઉતારા તરફ જતો હતો ત્યાં સાદ પાડી નેહાલી તર્જનીને સહેજ દૂર દોરી ગઈ, ‘ડૅડી બંગાળી છે અને મમ્મી ગુજરાતી એટલે તમે મને બે પ્રદેશનાં ફૂડની ચૉઇસનું પૂછી ગયાં... પણ તમે ભૂલ્યાં કે બંગાળ સાથે મારો કોઈ નાતો જ નથી. આલોક ચટ્ટોપાધ્યાય મારા જન્મદાતા નથી.’ પળવાર પિતાને પીઠ પાછળ તાકતી નેહાલીનાં નેત્રોમાં કરુણા ઝબકી, પછી નજર વાળી શ્વાસ ઘૂંટ્યો, ‘મારા બાયોલૉજિકલ ફાધર તો દિલ્હીબેઝ્ડ નૉર્થ ઇન્ડિયન ગણાય- સત્યજિત સિંહા!’ જોશભેર નામ ઉચ્ચારી તે આગળ વધી ગઈ.

પાલક પિતા માટે દ્રવી ઊઠતી છોકરી સગા બાપ પ્રત્યે સાવ જ વિરુદ્ધ છેડાની લાગણી ધરાવે એ ઘટનાએ તર્જનીને વિચારતી કરી મૂકી.

શું નેહાલીની નફરત કરુણાદેવીને આભારી હશે? ઘણી વાર આવું બનતું હોય છે. છૂટાછેડામાં પતિને કારણભૂત ઠેરવી પત્ની સંતાનોની કાનભંભેરણી કરી તેમને પોતાના પક્ષમાં રાખવાની પેરવી આદરે એ શક્ય છે... બાકી માતા-પિતાના ડિવૉર્સ સમયે નેહાલી માંડ ચાર વર્ષની હતી, પિતાનો સારો-નરસો કોઈ જ અનુભવ તેને યાદ નહીં હોય. તેમની સૂરતનું સ્મરણ સુધ્ધાં નહીં હોય, એ હિસાબે પણ આટલી નફરતનું કારણ કરુણાદેવીએ કહેલું વીતક જ હોય!

સત્યજિત સિંહા.

શું તે માણસ ખરેખર ધિક્કારને પાત્ર હતો? આખરે એવું તે શું બન્યું હતું સત્ય-કરુણાના લગ્નજીવનમાં કે મામલો ડિવૉર્સ સુધી પહોંચ્યો? ભાગ્યે જ આ વિશે ક્યાંક કશુંક લખાયું છે... જોકે અત્યારે એમાં ઊંડા ઊતરવાનો અવકાશ નથી... અને જરૂર પણ શી છે?

* * *

બપોર પછીના શુભ મુરતમાં શ્રદ્ધાપૂર્વક ધનતેરસની પૂજા થઈ. રાજમાતાએ સ્વયં મહેમાનોના ઉતારે ફોન કરી પૂજનમાં પધારવાનું આમંત્રણ પાઠવ્યું હતું : પૅલેસમાં ઘણા વખતે સૌ સ્નેહીજનોની હાજરીમાં પૂજાનો અવસર ઊજવાવાનો!

‘આપનો આદેશ કેમ ઠુકરાવાય, રાજમાતા, પરંતુ...’ એકમાત્ર કરુણાદેવીએ ખચકાટ જતાવેલો, ‘મારા દીકરાના વિજોગને હજી વર્ષે નથી થયું એવામાં અમારી હાજરી...’

‘તમારું દુ:ખ હું સમજું છું બહેન, આખરે હું પણ મા! લોહીપાણી એક કરી ઊછરેલા દીકરાને મૃત્યુદેવ ખેંચી જાય ત્યારે માવતરના હૈયે શું વીતે એ વર્ણવવા શબ્દકોશના શબ્દો ઓછા પડે,’ માનું દર્દ પંપાળી રાજમાતાએ કુનેહથી સારવારનો ડોઝ આપ્યો હતો, ‘પણ બહેન, થરથરતી જાંઘે જણેલા સંતાનને જીવતરનાં મૂલ્યો પણ આપણે જ શીખવાડીએ છીએ. તેના જતાં આપણો શીખવેલો પાઠ આપણે જ ભૂલી જઈએ એ કેમ ચાલે? તમે તો બહાદુર છો. કેટલી હિંમતથી

પતિ-દીકરીને સંભાળ્યાં છે. સહેજે સંકોચ કે સંતાપ રાખ્યા વિના આવો. પૂજાનો ઉદ્દેશ જ ઉદ્વેગનું હરણ છે અને મનની શાંતિ એની ફળશ્રુતિ.’

કહ્યાની થોડી જ મિનિટોમાં પધારેલાં આલોક-કરુણા અને નેહાલીને પૂજાદ્વારે નિહાળી રાજમાતા હરખભેર દોડી ગયાં હતાં, ‘તમે આવ્યાં એ બહુ ગમ્યું. પૂજા પછી આપણે સૌ સાંઈધૂન ગાઈશું.’ પછી કરુણાદેવીનો ઇશારો પામી ઉમેર્યું, ‘દરમ્યાન આલોકબાબુ, આપે સ્તુતિ-સ્તવન કરવું હોય તો વાજાપેટી હાજર છે.’

વાતાવરણ જ કંઈક એવું બંધાયું કે આલોકબાબુ પલાંઠી વાળી બેસી ગયા : યશોમતી મૈયા સે બોલે નંદલાલા...

કેટલો સ્પષ્ટ, સ્વચ્છ અને મધુર સ્વર! જાણે કદી ઘવાયો જ નથી...

‘આલોકજી, આપણા સૌના આ નંદલાલા જ કહી ગયા છે - મૃત્યુ શરીરને હોય છે, આત્મા અમર છે.’

અત્યંત ધીમેથી પતિ-પત્નીને જ સંભળાય એમ રાજમાતાએ ઓછામાં ઓછા શબ્દોમાં બધું સમજાવી દીધું. આલોકના ચહેરા પર આભા પ્રગટી.

‘આપ સૌની આજ્ઞા હોય તો અમારી નેહાલીને બહુ ગમતું શ્રીનાથજીનું પદ સંભળાવું...’

તાળીનો લય આપી તેમણે લલકાર્યું : મારા ઘટમાં બિરાજતા...

સૌ અભિભૂત બન્યા. અનિકેતે જોયું તો આંસુ ખાળવાના પ્રયત્નોમાં નેહાલી વારે-વારે આંખો પર રૂમાલ દબાવતી હતી.

તર્જનીએ કરુણાદેવીને કહેતાં સાંભળ્યાં,

‘રાજમાતા, તમને યજમાન કહું કે મોટાં બહેન?’

‘જે કહો એ, પણ માનજો પોતીકી. મારો ખભો-ખોળો બન્ને મજબૂત છે બહેન અને તમારે થોડું રડી લેવાની જરૂર છે!’

કરુણાદેવીની પાંપણ છલકાઈ ઊઠી.

* * *

ક્યાંક ગપ્પાંગોષ્ઠિ તો ક્યાંક વાતોનાં વડાં. ક્યાંક રાજકારણ તો ક્યાંક સમાજકારણ. પૅલેસના હૉલમાં નાનકડો મેળાવડો જામ્યો હતો. તર્જની મહિલાવૃંદમાં ઘેરાઈને બેઠી હતી. થોડે દૂર સમીર-અજુર્નસિંહ વગેરે સાથે ગોઠવાયેલો કેતુ તેમનું ધ્યાન ચૂકવી થોડી-થોડી વારે તર્જનીને ઇશારો કરતો : જરા રૂમમાં આવને! પેલી સામો ડિંગો દેખાડતી : નહીં આવું, જા!

બન્નેના સંકેત સંદેશા કરુણાદેવીએ નોંધ્યા. જુવાનિયાની હરકત પર આછું મલકી ઊઠી તે રાજમાતાના કાનમાં કશુંક ગણગણ્યાં. સહેજ મરકી, ડોક ધુણાવી રાજમાતાએ પુષ્ટિ  કરી : હા, બન્ને પ્રેમમાં છે અને વહેલાં-મોડાં પરણવાનાં છે!

‘કેવું સરસ જોડું. મારી નેહાલી માટે પણ તમારા કેતુ જેવો કોઈ મળી જાય... સમર્થના હાદસા પછી નેહાલી બહુ ભાંગી પડી છે. હસતી-રમતી છોકરી ગુમસૂમ બની ગઈ છે, અમને દુ:ખ ન પહોંચે એટલા ખાતર મૂંગી રહી આંસુ વહાવી લે છે...

ભાઈ-બહેનને બહુ ભળતું હોં રાજમાતા... આલોક સાથે હું આકરી થઈ શકું છું. નેહાલી સાથે એમ વર્તવાનું મારામાં સામથ્ર્ય નથી.’

મીનળદેવીએ નોંધ્યું તો અત્યારે પણ સાથે બેઠી હોવા છતાં નેહાલી અળગી, ક્યાંક ખોવાયેલી લાગી.

‘અરે, તર્જની.’ તેમણે હાંક મારી.

‘જી, રાજમાતા.’

‘નદીતટે હમણાં નવો ગાર્ડન બનાવ્યો એ તમે નહીં જોયો હોય... જાવ જોઉં, તું અને કેતુ લટાર મારી આવો...’ પછી સૂચક સ્વરે ઉમેર્યું, ‘જોડે નેહાલીને પણ લેતાં જાવ.’

ચતુર તર્જની થોડામાં ઘણાની જેમ સમજી ગઈ. નેહાલીનો હાથ પકડી કેતુ સાથે નીકળતી વેળા તર્જની કરુણાદેવીને આંખોથી ધરપત પાઠવવાનું ન ચૂકી.

* * *

રંગબેરંગી ફૂલોના ક્યારા, કતારબંધ રોપેલાં વૃક્ષો, ચાલવા માટેની ખાસ પગદંડી, વડીલો માટે બાંકડા, બાળકો માટે લસરપટ્ટી જેવાં સાધનોથી ઓપતા ગાર્ડનની પછવાડે વહેતી નદી!

‘વાઉ... બ્યુટિફુલ!’ નેહાલીએ કુદરતના સાંનિધ્યમાં તૃપ્તિનો અનુભવ કર્યો. પૅલેસથી ગાર્ડનની ડ્રાઇવમાં જોક્સ - મીઠી નોકઝોકથી અનિકેત-તર્જનીએ અજાણ્યાપણાનો સંકોચે રહેવા દીધો નહોતો.

‘જાણે છે નેહાલી, નદી સુંદર દેખાય છે, કેમ કે એ વહેતી હોય છે...’ કેતુ રેલિંગની પાળે ગોઠવાયો, ‘બંધિયાર પાણી વખત જતાં ગંધાઈ ઊઠે એમ જિંદગીને પણ દર્દના બંધને બાંધી રાખો તો એ કહોવાઈ જવાની. સમયના પ્રવાહમાં દુ:ખદર્દ વહેતાં કરી દો તો સુખની ભરતી ક્યારેક તો સામે મળવાની જ છે.’

(દુ:ખ નહીં, મારે તો પસ્તાવો વહેતો મૂકવો છે!)

‘તારે દોષભાવ પણ અનુભવવાની જરૂર નથી...’ તર્જનીએ સાથ પુરાવ્યો, ‘તારા પેરન્ટ્સની ઍનિવર્સરી સેલિબ્રેટ કરવાનો કાર્યક્રમ તેં ગોઠવ્યો અને એમાં ભાગ લેવા ખંડાલા આવવા નીકળેલા સમર્થને જીવલેણ અકસ્માત થયો એ કેવળ વિધિનું કરવું ગણાય, એમાં તારો શું વાંક?’

(મારો વાંક તમને નહીં સમજાય!)

‘ઊલટું તારે તો સમર્થના હિસ્સાની ડ્યુટી નિભાવી પેરન્ટ્સને ચિયર-અપ કરવાના હોય...’

તર્જનીએ ચપટી વગાડી, ‘આજે તો આપણી પાસે મોકો પણ છે... કેતુ આલોકબાબુના સ્ટેજ કમબૅકને સ્પેશ્યલ ગિફ્ટથી નવાજીએ તો?’

તેની ટ્રિક ફળી. ડિપાર્ટમેન્ટલ સ્ટોરની મુલાકાત દરમ્યાન નેહાલીનું એકાકીપણું આપોઆપ તૂટતું ગયું : ડૅડીને ફોટોફ્રેમમાં રસ નહીં પડે...

શો-પીસ તેમને સહેજે પસંદ નથી... સંગીતની રેકૉર્ડ્સનો ઢગલો છે... યા, ડૅડી રિસ્ટવૉચના શોખીન છે.

બ્રૅન્ડેડ કાંડાઘડિયાળની ગિફ્ટ રૅપ કરાવી ત્રણે નીકળ્યાં ત્યારે નેહાલી ઉત્સાહમાં હતી : જોજોને, ભેટ જોઈ ડૅડી રાજીના રેડ થઈ જવાના...

અને ઉતારે પહોંચતાં જ...

‘ડૅડી, ધેર ઇઝ અ સરપ્રાઇઝ ફૉર યુ!’

નેહાલીનો રણકો આલોક-કરુણાને હરખાવી ગયો. આલોકે રૅપર ખોલ્યું. દીકરી બાપને ઘડિયાળની ખૂબી સમજાવા લાગી : આ વૉચ પહેરીને પ્રોગ્રામમાં જજો ડૅડી, એ તમારો લકી ચાર્મ બનશે!

આંખનાં ઝળઝળિયાં ખાળી કરુણાદેવીએ કેતુ-તર્જનીના હાથ પકડ્યા,

‘તમે સાચે જ અદ્ભુત છો. હવે આલોકનું પર્ફોર્મન્સ પણ નિર્વિઘ્ને પાર પડે એટલે...’

‘સૌ સારાં વાનાં થશે, આન્ટી.’

જોકે ફંક્શનમાં શું થવાનું હતું એની કોઈને ક્યાં જાણ હતી?

* * *

કાર્યક્રમ સમયસર શરૂ થઈ ચૂક્યો. પૅલેસ કૉમ્પ્લેક્સના ઓપન ગ્રાઉન્ડમાં સજાવેલા શામિયાણામાં મહાનુભાવો સ્ટેજ પર બિરાજ્યા, શ્રોતાગણે સામેની ખુરસીઓ ગ્રહણ કરી. સ્વાગત, દીપપ્રાગટ્યની વિધિ સંપન્ન થઈ, પંડિત બ્રિજનાથની જીવનઝાંખી વર્ણવી તેમના યોગદાનની નોંધ લેવાઈ. પ્રશસ્તિના બે બોલ કહી રાજમાતાએ શાલ ઓઢાડી, શ્રીફળ દઈ તેમનું સન્માન કર્યું ત્યારે તાળીઓના ગડગડાટે વાતાવરણ ગાજી ઊઠ્યું:

અનિકેત રસોડાની તૈયારીમાં વ્યસ્ત હતો. તર્જનીને પંડિતજીના પરિવારજનો સાથે પ્રથમ હરોળમાં બિરાજેલા આલોકબાબુની ફૅમિલીની આગતાસ્વાગતાની ડ્યુટી સોંપાઈ હતી. અત્યાર સુધી બધું સમુંસૂતરું પાર ઊતર્યું. હવે ડિનર પછીની આલોકબાબુની કૉન્સર્ટ ધમાકેદાર રહે તો રંગ રહી જાય... અને આલોકનો હળવાશભર્યો મૂડ જોતાં એ શક્ય પણ હતું, પરંતુ...

ડિનરના છેલ્લા કોળિયે આલોકનો સેલફોન રણક્યો. નંબર અજાણ્યો હતો. જમણા હાથે પ્લેટ પકડી, ડાબા હાથે કૉલ રિસીવ કરી કાને માંડ્યો, ‘હલો-’ પછી સિગ્નલ પકડાતું ન હોય એમ ગ્રુપથી થોડા દૂર સરક્યા, ‘યસ?’

‘ખરો બેશરમ માણસ છે તું...’ ઘૂંટાયેલા પુરુષસ્વરમાં સામેથી કહેવાયેલું પ્રથમ વાક્ય સાંભળતાં જ આલોકનાં ભવાં તંગ થયાં. નજીકથી પસાર થતો કેતુ તેમની પ્લેટ પકડી ઊભો રહ્યો.

‘એકના એક દીકરાને વળાવ્યા પછીયે સંસારની, સંગીતની મોહમાયા નથી છૂટતી? આવો જ તારો પિતૃપ્રેમ! દીકરાના વિજોગનું દુ:ખ આઠ મહિનામાં ભૂલી ગયો!’

એક-એક શબ્દ આલોકની છાતીમાં વાગ્યો. પુત્રના સ્મરણે અંતર ભીંજાવા લાગ્યું. સમર્થ વિના મારો અવાજ કેમ ઊઘડશે! આત્મવિશ્વાસ વીખરવા લાગ્યો, પરંતુ હજી તો ટાઇમબૉમ્બ ફૂટવાનો બાકી હતો...

‘દીકરાને તો તું ગુમાવી ચૂક્યો... તેના વિજોગનો જોગ જેને તું પંડની દીકરી ગણી વહાલ વરસાવે છે તે તારી ઓરમાન પુત્રીએ જ ઘડ્યો હતો એનું તને ક્યાં ભાન છે? સમર્થનો ઍક્સિડન્ટ અકસ્માત્ નહોતો, તેની હત્યાની સાજિસ નેહાલીએ પાર પાડી હોવાનો પુરાવો થોડા દિવસમાં તને મળી જશે... ત્યાં સુધી ગુડ લક ઍન્ડ ગુડ બાય!’

શું બકી ગયો આ માણસ! સમર્થની હત્યા... ને એમાં નેહાલીનો હાથ! આલોકને ધરા ગોળ-ગોળ ઘૂમતી લાગી, કપાળેથી પ્રસ્વેદ છૂટ્યો. આઘાતના બોજથી હૃદય ફાટી પડવાનું હોય એમ જમણા હાથની મુઠ્ઠી દબાવી તે ફસડાઈ પડે એ પહેલાં કેતુએ ઝાલી લીધા. ‘અજુર્નસિંહ પૅલેસની ઍમ્બ્યુલન્સ તેડાવો તાત્કાલિક!’ અનિકેતના સાદે તર્જની કટોકટી પામી ગઈ. કરુણાદેવીને આશ્વસ્ત કરતાં રાજમાતાના હૈયે ફડકો પડ્યો : શું ધાર્યું હતું અને શું થઈ ગયું!

(ક્રમશ:)


અન્ય ભાગ વાચો

1 | 2 | 3

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK