કથા સપ્તાહ - જોગ-વિજોગ (વિધિના લેખ - ૨)

Published: 1st November, 2011 17:46 IST

ધનતેરસના પૂજન પછી, ચોગાનમાં થનારા કાર્યક્રમની ચહેલપહેલ રાજમહેલમાં બે દિવસથી વરતાવા લાગી હતી. મંડપની તૈયારી, બેઠકની વ્યવસ્થા, સ્ટેજ-શણગાર, સાઉન્ડ સિસ્ટમ, એલઇડી સ્ક્રીનની ગોઠવણી, ખાણીપીણીનો પ્રબંધ... સમીર-અર્જુનસિંહે બહારનાં કામ સંભાળ્યાં તો વહુઓએ મહેમાનોની આગતાસ્વાગતા, ઉતારાની જવાબદારી સંભાળી.

 

અન્ય ભાગ વાચો

1 | 2


સમીત (પૂર્વેશ) શ્રોફ

ચારેય જાણતાં-સમજતાં કે આયોજનમાં કચાશ રાજમાતા જરાય ચલાવી ન લે. પોતે મોંથી ઠપકો ન આપે, પણ તેમનો જીવ દુભાય એવું કરવું જ શું કામ જોઈએ?

આપણા સાંસ્કૃતિક કલાવારસાને જાળવી રાખનારા કલાજીવોને સન્માનવાની પ્રથા અંતર્ગત શરૂ થયેલા વાર્ષિકોત્સવનું આ પાંચમું વર્ષ છે. રાજકુટુંબના પાંચ સભ્યોની સમિતિ સન્માનયોગ્ય કલાકારની વરણી કરે, અને એ વિનાઅપવાદે હિંમતગઢવાસી જ હોવો ઘટે. શાલ, પ્રશસ્તિપત્ર ઉપરાંત પાંચ લાખનો પુરસ્કાર પણ નિશ્ચિત. આ આખી પ્રક્રિયામાં મીનળદેવી અંગતપણે રસ લે : કલા અમૂલ્ય હોય છે, એનું અવિરત પ્રદાન કરતા કલાકારને બિરદાવવો સમાજની ફરજ બને છે... આપણા આયોજનનો આ જ હેતુ છે. એ નિમિત્તે વિવિધ ક્ષેત્રની નામાંકિત હસ્તીઓ આપણા આંગણે પધારી જનતાને કલારસની લહાણી કરે, લોકોની અભિરુચિ કેળવાય એથી રૂડું શું?

લેખન, વાદ્યવાદન, ચિત્રકામ, નૃત્ય પછી આ વર્ષે ગાયનકલાનો ક્રમ બન્યો. એમાંય, દીકરાના દેહાંતના આઠ મહિના પછી, પ્રથમ વાર જાહેરમાં પ્રોગ્રામ દેવા તૈયાર થનારા આલોકબાબુના હકારે આતુરતા ભડકાવી હતી. સમારંભ, અલબત્ત, આમંત્રિતો માટે હતો. આમઆદમી એનો આનંદ માણી શકે એ માટે પ્રોગ્રામનું લાઇવ ટેલિકાસ્ટ લોકલ ચૅનલ પર થવાનું હતું ખરું.

‘ઉર્વશી-લાવણ્યા, પંડિત બ્રિજનાથના રિલેટિવ્ઝનું વિશેષરૂપે ધ્યાન રાખજો. આપણે માત્ર માન નથી આપવાનું, કલાકારનું મન જાળવતાં પણ આવડવું જોઈએ...’ મીનળદેવીની શિખામણ વજૂદવાળી હતી. પંડિતજી માટે તો વર્ષગાંઠનો દિવસ આયખાના ઓચ્છવ જેવો ગણાય. સાગમટે પધારનારાં તેમનાં સગાં-વહાલાં કાજે પૅલેસના ખર્ચે શ્રેષ્ઠ હોટેલમાં ઉતારો બુક થયો હતો. ટ્રાન્સર્પોટ માટે મિની એસી લક્ઝરી કોચ ભાડે કરાયો હતો. વહુનાં પિયરિયાં સહિત કુટુંબીજનોની રોકાણવ્યવસ્થા પૅલેસ કૉમ્પ્લેક્સમાં, મુખ્ય મહેલની ઉત્તરે આવેલા રાણીનિવાસમાં થયેલી, પ્રોગ્રામ્સની બપોરે આવી, બીજી સાંજે નીકળી જનારા આલોકબાબુ, તેમનાં પત્ની કરુણાદેવી અને પુત્રી નેહાલીનો રાતવાસો પૅલેસના મહેમાનખંડમાં હતો, જ્યારે છ જેટલા સાજિંદા મુખ્ય ગેસ્ટહાઉસમાં રોકાવાના હતા. માનવંતા મહેમાનોની રસરુચિ મુજબનો ઇન્તઝામ જાળવવા અગાઉથી સૂચિ મગાવી લેવાઈ હતી. પૅલેસનો તમામ કર્મચારીગણ ખડે પગે ફરજમાં કાર્યરત હતો.

‘મૉમ... જુઓ તો આપણાં હીરો-હિરોઇન આવી પહોંચ્યાં.’

રવિવારની બપોરે સમીરસિંહે ઉમળકાભેર સાદ પાડ્યો. આમ તો રાજપૂતી શિષ્ટાચાર અનુસાર મીનળદેવીને રાજમાતા તરીકે સંબોધવાની પ્રણાલી હતી. અંગત પળે કે પ્રસંગે દીકરા-વહુ મા કહેવાની મરજી પાળી લેતાં.

સમીરસિંહના સાદે આખો પરિવાર મહેલના મુખ્ય હૉલમાં હાજર થઈ ગયો. કેતુ-તર્જનીને જોઈ રાજમાતાએ પ્રથમ તો તેમનાં ઓવારણાં લીધાં.

‘મોમ..’ પડખે ઊભેલી દેરાણીને ઠોંસો મારી ઉર્વશીએ નૈન નચાવ્યાં, ‘પૃથ્વીરાજ સંયુક્તાનું હરણ કરીને આવ્યો હોય તો ભોંયરામાં છુપાવી દઈએ!’

‘બસ-બસ,’ હસવું ખાળી રાજમાતાએ બનાવટી કડપ દાખવ્યો, ‘મારાં છોકરાંવને કોઈએ હેરાન કરવાનાં નથી. કેતુ-તર્જની, હું તમને મહેમાન ગણતી નથી, એટલે ફટાફટ ફ્રેશ થઈ મારાં દીકરા-વહુની જેમ કામે લાગી જાઓ, જોઉં.’

‘જી, રાજમાતા.’ તર્જનીએ ટહુકો પૂર્યો.

જોકે લાંબા ગાળે હિંમતગઢ પધારેલી જાસૂસબેલડીને એમ સસ્તામાં છોડવાનો કોઈનો મૂડ નહોતો.

‘ભાભી, તમે કંઈ જોયું!’ કલાક પછી ફ્રેશ થઈ ભાવતાં ભોજન આરોગી ગલગોટાના હાર ગૂંથવા બેઠેલી તર્જનીની આજુબાજુ ગોઠવાઈ દેરાણી-જેઠાણીએ મશ્કરી માંડી, ‘ગરદન ફરતે દુપટ્ટો વીંટાળી કોઈ બેઠું છે!’

‘મુંબઈની નવી ફૅશન હશે.’ તર્જનીને સહેજ સંકોચાતી ભાળી ઉર્વશીદેવીએ સાડલાનો છેડો દાંતમાં દબાવ્યો.

‘નવી ફૅશન નહીં, ભાભી, પિયુના લવબાઇટ્સ છુપાવવાની જૂની ટેક્નિક છે!’ લાવણ્યાએ પાધરોક દુપટ્ટો ખેંચતાં તર્જનીની ગરદને પડેલાં લાલ ચકામાં સ્પષ્ટ ઉજાગર થયાં.

‘બાપ રે. ડિટેક્ટિવસાહેબ અત્યારથી આટલું જોશ ઠાલવે છે તો... સુહાગરાતે શું થશે!’

શરમાતી તર્જનીએ હથેળીમાં ચહેરો છુપાવ્યો તો બીજી બાજુ સમીર-અર્જુનસિંહની જોડીએ અનિકેતને રિમાન્ડ પર લીધો.

‘મુંબઈથી હિંમતગઢની અઢી કલાકની કાર-ડ્રાઇવમાં તેં એકે તક ન ઝડપી? સાવ જ કોરાં રહ્યાં!’

‘મોટા ભાઈ, મુંબઈ-હિંમતગઢનો ડ્રાઇવ-રન અઢી કલાકનો છે એમ કોણે કહ્યું?’ કેતુ લુચ્ચું હસ્યો, ‘અમને તો ચાર કલાક લાગ્યા!’

હસી-મજાકની સાથે કામકાજમાં પણ વેગ આવ્યો. રાત સુધીમાં મોટા ભાગની તૈયારી આટોપાઈ ગઈ.

‘તમે આવ્યાં એ મને બહુ ગમ્યું, તર્જની. માણસે થોડી નવરાશ માણતાં પણ શીખવું જોઈએ. બાકી તમારો પ્રોફેશન તો એવો છે કે દુનિયામાં ક્રાઇમરેટ ઘટવાનો નથી અને તમને ફુરસદ મળવાની નથી!’

સૂતી વેળા રાજમાતાએ આગમનના હરખભેગી માવતરને દાઝે એવી શિખામણ આપી. તર્જની રાબેતા મુજબ તેમના ખંડમાં સૂવાની હતી.

‘એટલે તો રજાનો જોગ ગોઠવાતાં આવી ચડ્યાં, રાજમાતા... એમાં જોકે આલોકબાબુનું આકર્ષણ પણ ખરું.’

આઠ મહિના અગાઉ, દીકરાને ગુમાવ્યા પછી આઘાતથી સ્વર થીજી ગયો હોય એમ આલોકબાબુએ તમામ કૉન્સર્ટ્સ, કૉન્ટ્રેક્ટ્સ રદ કરી દીધેલા... ચાહકોને સતત થતું કે પોતાના પ્રિય સ્વરકાર ફરી કદી ગાશે ખરા? છેવટે હિંમતગઢમાં એ સેતુ સંધાવાનો.

‘આમ તો આલોકબાબુનો મને અંગત પરિચય નથી... સાચું પૂછો તો મેં તેમને એટલા સાંભળ્યા પણ નથી, હા મારાં દીકરા-વહુને તેમની ગાયકીનો લગાવ ખરો.’

‘હી ઇઝ ટ્રુલી જિનિયસ, રાજમાતા.’ રજાઈ ઓઢતાં તર્જની બોલી, ‘ઇન ફૅક્ટ, મારા-કેતુના કાનોને પણ લતાજી સિવાય કોઈનો સ્વર સ્પર્શતો નથી, પરંતુ ગઝલક્ષેત્રે આલોકબાબુના યોગદાનને અવગણી શકાય નહીં. વિરહ-વિજોગનું દર્દ આમેય તેમના ગળામાં માફકસરનું હતું, જે હવે તો એની પરાકાષ્ઠાએ હશે...’

‘મેં જાણ્યું તેમના દીકરાના અકસ્માત વિશે... સમીરે એમ પણ કહ્યું કે તેમની વાઇફ ગુજરાતી છે... સાથે ઓરમાન દીકરી પણ ખરી.’ રાજમાતાએ સહાનુભૂતિભર્યો નિ:સાસો નાખ્યો, ‘કુદરત ક્યારેક બે હાથે આપી ચાર હાથે લઈ લે એનું વસમું તો લાગે જ. દીકરી તો પરણીને સાસરે જશે, કરોડો કમાવાનો પછી અર્થ શું?’

કરોડોની સંપત્તિ અને સાવકી દીકરી... તર્જનીના જાસૂસી દિમાગમાં વિનાકારણ ખટપટ સર્જાવા લાગી: સમર્થના ઍક્સિડન્ટને આ ઍન્ગલથી કદાચ કોઈએ નિહાળ્યો નહીં હોય!

‘બ્રિજનાથજીના સન્માન પ્રસંગે પહેલાં અમે શાસ્ત્રીય ગાયકનો વિકલ્પ વિચાર્યો. પછી છોકરાઓને થયું, આપણે આલોકજીને પૂછી તો જોઈએ... એ જવાબદારી સમીરે ઉપાડી અને અમારા અચરજ વચ્ચે, ફોન પર જ તે સંમત થયા... આખરે દુ:ખ વિસારી જીવનમાં આગળ વધે તે માણસ ડાહ્યો.’

તર્જનીએ હોંકારો પૂર્યો. ધાર્યું હોત તો આલોકબાબુ મુંબઈમાં કૉન્સર્ટ રાખી ધડાકાભેર પુનરાગમન કરી શક્યા હોત... પણ એટલો આત્મવિશ્વાસ હજી કદાચ જાગૃત ન થયો હોઈ એ હિસાબે નવી શરૂઆત નાના પાયે કરવામાં શાણપણ છે. તેમની કૉન્સર્ટની નોંધ હિંમતગઢ સિવાય બીજે ક્યાંક ભાગ્યે જ લેવાઈ હશે. મુંબઈનાં અખબારોના એન્ટરટેઇનમેન્ટ સેક્શનમાં પણ આનો ઉલ્લેખ નથી!

‘જોકે તેમણે એટલું જરૂર કહ્યું કે શ્રોતાઓની અપેક્ષા કેટલી હદે સંતોષી શકીશ એ નથી જાણતો, મારામાં વિશ્વાસ જગાડવા તમારા શોને ટ્રાયલરૂપે લઉં છું એમ જ માનજો... તેમની નિખાલસતા જ બતાવે છે, તર્જની કે કલાકાર તરીકે આલોકબાબુ કેવા ઊંચા છે,’ મીનળદેવીએ આશાવાદ ઉચ્ચાર્યો, ‘તેમનો અવાજ ઉઘાડવામાં હિંમતગઢ નિમિત્ત બનશે તો એ આપણા ધન્યભાગ ગણાય.’

તર્જનીને થયું એ માટે કાલ રાતથી વધુ રાહ પણ ક્યાં જોવાની છે?

* * *

ચંદા હૈ તૂ મેરા સૂરજ હૈ તૂ
ઓ મેરી આંખો કા તારા હૈ તૂ!

જેને માટે પોતે હોંશભેર લોરી ગાતા એ ખરેખર આંખને બદલે આસમાનનો તારો થઈ બેઠો!

દીકરાની તસવીર સામે મીટ માંડી ઊભેલા આલોકબાબુની આંખે ઝળઝળિયાં બાઝ્યાં.

‘નો, ડૅડી! આઇ વૉન્ટ માય ઓન કાર! ઘરમાં બધા પાસે પોતાની પર્સનલ કાર છે, હવે મારો વારો. મને અઢારમું બેઠું, આઇ ઍમ ઍન ઍડલ્ટ નાઓ!’

કેટલો શોખ હતો સમર્થને કારનો! ડ્રાઇવરને પટાવી, ચોરીછૂપીથી તે કદી પોતાની મર્સિડીઝ હંકારી લેતો હોવાની જાણ આલોકને થયા વિના ન રહે, પુત્રના પરાક્રમથી પિતા પોરસાય, જ્યારે કરુણા ફફડી ઊઠે : તમે જાણો છો સમર્થ કેટલું રફ હાંકે છે!

‘છોકરા તો રફ ઍન્ડ ટફ જ સારા લાગે કરુણા, એમાં આ તો આજની જનરેશન! વળી, સમર્થ કંઈ મારા જેવો કલાકાર જીવડો નથી, સાયન્ટિસ્ટ બનવાના તેને કોડ છે. આઇ મીન, તેની પાસે મારા જેવી ઠરેલતા અપેક્ષવી જ અર્થહીન છે...’

છતાંય કરુણા ધરાર ન માની એટલે બાપ-દીકરાએ સ્ર્પોટ્સ કારને બદલે સ્વિફ્ટથી સમાધાન સ્વીકારવું પડ્યું. કારની ચાવી સોંપતી વેળા આલોકે પ્રૉમિસ માગેલું : નેવર ડ્રાઇવ રફ. તું ડ્રાઇવિંગ સીટ પર બેઠો હો ત્યારે તારી માનો જીવ અધ્ધર રહેતો હોય છે અને સંતાને માત્ર એ માતાને સધ્ધર કરવાની હોય, અધ્ધર નહીં એ યાદ રાખવું ઘટે. તારી દીદીને જો, કેટલું સ્મૂધ ડ્રાઇવિંગ કરે છે.’

‘માય ગુડનેસ ડૅડી. દીદી સાથે

બેસવા કરતાં બળદગાડામાં બેસો તો જલદી પહોંચો!’

‘અરે, જા... જા...’ નેહાલી સમર્થને મારવા દોડે, આલોકની આંખો ઠરે ને કરુણા મેંશના ટપકા જેવું ટકોરી લે : જાણે, આ છોકરાંઓ ક્યારે મોટાં થશે!

કાશ, બધું એવું ને એવું શાશ્વત રહ્યું હોત...

સમર્થની સ્વિફ્ટ વસાવ્યાને બે-અઢી મહિના થયા હશે. મોટા કૉર્પોરેટ હાઉસે ખંડાલામાં આલોકનો પ્રોગ્રામ રાખ્યો હતો. સામાન્યપણે કૉન્સર્ટમાં આલોક એકલા જ જાય, પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને ભિન્ન રાખવાના તેમના નિર્ણયને કરુણાનો જબરદસ્ત ટેકો હતો. જે શહેરમાં કદી ભાડાનાં ઘરોમાં દિવસો, વર્ષો વીતાવ્યાં ત્યાંના પૉશ એરિયામાં પોતાનો બંગલો હતો, વૈભવ-દોલત, માલમિલકતની કોઈ સીમા નહોતી, પરંતુ એથી સંતાનો છકી ન જાય એનું ધ્યાન રાખ્યું હતું કરુણાએ. ઘરમાં પ્રવેશ્યા પછી આલોક પણ નામ-શોહરતના વાઘા ઉતારી દેતો. સુખને સંજોગોનું ગ્રહણ નડવાનું હોય ત્યારે માણસની મતિ પણ તેનો સાથ છોડી દેતી હોય છે.

‘ડૅડી, કૉન્સર્ટના બીજા દિવસે તમારી-મમ્મીની મૅરેજ ઍનિવર્સરી છે... સો વાય ડોન્ટ વી સેલિબ્રેટ ઇટ ઇન ખંડાલા?’ નેહાલીનો પ્રસ્તાવ

એકઅવાજે સ્વીકારાયો. એવું નક્કી થયું કે કરુણા-નેહાલી આલોક સાથે કૉન્સર્ટના દિને પહોંચી જાય, જ્યારે ફેબ્રુઆરી માસની પ્રીલિમની એક્ઝામ આપી સમર્થ સાંજે પહોંચે...

- પણ સમર્થ પહોંચ્યો જ નહીં...! કરુણાની ભીતિ સાચી પડી, કિસ્મત પરનો મારો ભરોસો બોદો નીવડ્યો... પુત્રના હંમેશના વિજોગે આલોકનું હૈયું ભાંગ્યું. સાધનાખંડમાં રિયાઝ કરવાને બદલે સૂમસામ બેઠા રહેતા. મધરાતના સુમારે દીકરાની તસવીરને તાકતા રહેતા : મને ખબર હોતને મારા લાલ તો વિધાતા પાસે મેં તારું મોત મારા માટે માગી લીધું હોત! દીકરાને જીવતાં જ બાળી દેનારો ઈશ્વર તેમને ક્રૂર લાગતો હતો. જીવવા જેવું રહ્યું શું હવે સંસારમાં?

‘કેમ અમે નથી? તમારી સગાઈ ફક્ત દીકરા જોડે હતી આલોક? મારા પ્રત્યે, દીકરી પ્રત્યે તમારી કોઈ ફરજ નથી? હજી તો નેહાલીને પરણાવવાની છે, તેનાં છોકરાં...’ કરુણા આકરા શબ્દો ફટકારતી. ભાંગી પડેલા માણસને બેઠો કરવા એ જરૂરી હતું.

‘મારી સામે જુઓ, આલોક... સંજોગોએ મારા પર શું નથી વિતાવ્યું? પહેલો પતિ શંકાશીલ મળ્યો, તેના ત્રાસથી છૂટવા છૂટાછેડા લીધા, જુવાનજોધ દીકરો જીવતેજીવ આગમાં ભૂંજાયો - છતાં હું જીવું છું, કેમ કે જીવવું પડે છે, આલોક. બીજું કંઈ નહીં તો નેહાલીનું વિચારીને... સમર્થના ગયા પછી તે કેવી હેબતાઈ ગઈ છે એ તમને દેખાતું નથી? તમે તો ઘરના મોભ આલોક, તમે તૂટ્યા તો અમારું શું? તમને દુ:ખી જોઈ સ્વર્ગે સિધાવેલા સમર્થનેય સુખ નહીં વર્તાય, આલોક...’

આ દલીલ થકી કરુણાના પ્રયાસ ફળ્યા. ઉદાસીની ઘટ્ટતા આછી થઈ, આલોકે રિયાઝ શરૂ કર્યો અને હવે તો કાલે હિંમતગઢમાં પર્ફોર્મ પણ કરવાના...

‘આલોક...’

ખભે પત્નીનો હાથ પડતાં આલોકે ઝટ આંખો લૂછી. ‘સૉરી, આ તો...’

‘હું તમને બહુ સ્વાર્થી લાગતી હોઈશને, આલોક? મારે તો પેટનું જણ્યું બીજું સંતાન છે...’

‘કરુણા!’ આલોકના સ્વરમાં ચીસ ઊઠી, ‘મેં કદી નેહાલીને સમર્થથી અલગ ગણી નથી.’

‘જાણું છું.’ કરુણાએ આ પળેય પતિને જાળવી જાણ્યો, ‘હવે તમારે તેના માટે ગાવાનું છે આલોક. દુ:ખની છાયામાંથી તમે જ અમને બહાર કાઢી શકો! સમર્થના સ્મરણને તમારી શક્તિ બનાવશો તો કાલે તમે સહેજે નબળા નહીં પડો...’ કરુણાએ આલોકના ખભે માથું ટેકવ્યું.

દૂરથી આ દૃશ્ય જોતી નેહાલી ધ્રુસકું દબાવી રૂમમાં દોડી ગઈ. લોકો જેને ભાઈના જવાનો આઘાત ગણે છે એ ખરેખર તો પસ્તાવાનાં આંસુ છે એ કોને સમજાવવું?

કાશ, નવ મહિના પહેલાં ફોનની ઘંટડી રણકી ન હોત!

(ક્રમશ:)

 


 

અન્ય ભાગ વાચો

1 | 2

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK