કથા સપ્તાહ - જોગ-વિજોગ (વિધિના લેખ - ૧)

Published: 31st October, 2011 19:21 IST

‘અનિકેત...’ ‘યસ તર્જની.’ લૅપટૉપ બાજુએ સરકાવી ટેબલ પર કોણી ટેકવી અનિકેતે અદબ ભીડી, ‘ઍટ યૉર સર્વિસ.’ કેવો ઠરેલ-ઠાવકો બને છે! બીજું કોઈ સાંભળે તો એમ જ માની લે કે જનાબ મને પૂછ્યા વિના પાણીયે નહીં પીતા હોય! કેતુનાં તોફાન મારે કાને કહેવાં?

 

 

અન્ય ભાગ વાચો

1 | 2

 


સમીત (પૂર્વેશ) શ્રોફ

‘અનિકેત...’


‘યસ તર્જની.’ લૅપટૉપ બાજુએ સરકાવી ટેબલ પર કોણી ટેકવી અનિકેતે અદબ ભીડી, ‘ઍટ યૉર સર્વિસ.’

કેવો ઠરેલ-ઠાવકો બને છે! બીજું કોઈ સાંભળે તો એમ જ માની લે કે જનાબ મને પૂછ્યા વિના પાણીયે નહીં પીતા હોય! કેતુનાં તોફાન મારે કાને કહેવાં?

‘શું વાત છે તર્જની, આજે હું એક્સ્ટ્રા હૅન્ડસમ દેખાઉં છું?’

ત્યારે હોઠ કરડી તર્જનીએ નજર વાળી મૂળ મુદ્દે આવી જવું પડ્યું, ‘કેતુ, આવતા અઠવાડિયે દિવાળી છે, લકીલી આ વખતે વિશેષ અસાઇનમેન્ટ નથી એટલે ધનતેરસથી પાંચમ સુધીની રજાનો જોગ ખેડાયો છે...’
તર્જનીની વાતમાં તથ્ય હતું.

મુંબઈના સૌથી બાહોશ ગુનાશોધક અનિકેત દવેની વર્ક-બુક હંમેશાં છલકાતી જોવા મળે. નાની વયે તેણે સ્થાપેલી ‘ઓમ પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સી’ અતિ ટૂંકા ગાળામાં ઝળહળતી સફળતાને વરી હોય તો એમાં કેતુનાં સાહસ, ધગશ, ચાતુર્ય જેટલો જ ફાળો તર્જનીની કાર્યકુશળતાનો પણ ખરો...  ડિટેક્ટિવ તરીકે અનિકેત તેની મુખ્ય સહાયક તર્જની વિના અધૂરો ગણાય અને જાણનારા તો એમ પણ કહે છે કે તર્જની અનિકેતના અડધા અંગ જેવી છે!

ખરેખર તો અનિકેત-તર્જની એકમેકનાં પૂરક છે. એક વિના બીજું અધૂરું ને જોડી દો તો સંસારનું સૌથી મધુરું જોડું! પાડોશમાં સાથે રહી ઊછરેલાં અનિકેત-તર્જની નાનપણથી એકબીજાનાં હેવાયાં. બાળપણની માયા જુવાનીની પ્રીતમાં બદલાયાનો સ્વીકાર ત્રીજા કોઈ સમક્ષ હજી તેમણે કર્યો નથી. બન્નેના ગર્ભશ્રીમંત પરિવારજનો લગ્નનો દાણો ચાંપે કે બન્ને એકસરખો ઇનકાર ફરમાવી દે : જાસૂસીકામમાં પરણવાની ફુરસદ જ કોને છે! વડીલો અરસપરસ હરખભર્યો ઇશારો કરી લે - જોયું, બન્નેની ગાંઠ કેવી એક છે!

ફૅમિલી મેમ્બર્સ મૂંગા રહી જેનો આ સ્વાદ માણતા એ પ્રણયફાગ એજન્સીના નવલોહિયા સ્ટાફમાં ક્યારેક મીઠી મશ્કરીનું નિમિત્ત બનતો, છતાં કેતુ-તર્જની તો અજાણવટ રાખીને જ રહેતાં... પ્રણયનું વિશ્વ જેટલું અંગત, છેડખાનીનો લુત્ફ એટલો વધુ!

અધરવાઇઝ, જાસૂસબેલડીને રોમૅન્સની નવરાશ સ્હેજે નહોતી... દેખાવમાં અત્યંત સોહામણો અનિકેત પૂર્ણ પુરુષોત્તમના બિરુદને સાર્થક કરનારો હતો, તો લાવણ્યમયી તર્જની સૌંદર્યની સાક્ષાત્ મૂરત જેવી. ચિત્તાસરખો ચપળ અનિકેત મેદાનમાં ઊતરે પછી મજાલ ગુનેગારની કે તે છટકી શકે! કેતુ માસ્ટર માઇન્ડ છે તો તર્જની હરતાફરતા કમ્પ્યુટર જેવી છે, મેમરીમાં પાવરફુલ. નમણી લાગતી તર્જની વીફરેલી વાઘણ બની અપરાધીને ઝડપવા માટે પંકાયેલી છે. અનિકેત-તર્જનીની દિલધડક સાહસગાથાઓ અપરંપાર છે. ઇન્ટરપોલે તેમની સહાય માગી હોય એવુંય બન્યું છે મુંબઈના પોલીસ-કમિશનરથી માંડીને ભારતના રાષ્ટ્રપતિ સુધીની હસ્તી અનિકેત-તર્જનીની કાર્યશૈલીની પ્રશંસક છે. ઝીરો ફેલ્યરની તેમની સિદ્ધિને સ્વયં લતાજી બિરદાવી ચૂક્યાં છે. કેસ સરળ હોય કે અટપટો, ઓમના ઓઠા હેઠળ આવ્યો એટલે ઉકેલાયેલો જ સમજો. અથાક મહેનતની આ યાત્રામાં જવલ્લે જ મળતી વિશ્રામની ઘડીનો જોગ વધાવી જ લેવાનો હોય...

‘વેલ, દીપાવલીની રજામાં જે તારો પ્રોગ્રામ એ જ મારું આયોજન.’

(વાહ રે, કેટલો કહ્યાગરો!)

‘હિંમતગઢ...’

તર્જનીના એક જ શબ્દે કેતુ ખીલી ઊઠ્યો.

હિંમતગઢનો ઉલ્લેખમાત્ર મલકાટભર્યો બની રહેતો, ત્યાંનાં રાજમાતા મીનળદેવીના પ્રતાપે. આહાહા, શાં ગર્વીલાં રાજપૂતાણી. સંસ્કારથી છલોછલ, તેજસ્વિતાથી ઓપતાં અને મમતાથી ભર્યાભાદર્યા. જોતાં જ નતમસ્તક થઈ જવાનો આદરભાવ જન્મે એવાં જાજરમાન.

ત્રણ-ચાર વરસ અગાઉ, જમીનના એક સોદા અંતર્ગત સામી પાર્ટીની ચકાસણી જરૂરી વર્તાતાં રાજનગરનાં ઠકરાણાંની ભલામણથી તેમણે જાસૂસજોડીને તેડાવી અને એ ઓળખાણ હવે તો આત્મીય થઈ ચૂકી છે, મીનળદેવી માટે તેઓ સંતાનવત્ બની ગયાં તો બન્નેને રાજમાતા માવતર જેવાં જ વ્હાલાં હતાં.

અને કેમ ન હોય? રાજમાતાની જીવનશૈલી પણ પ્રેરણારૂપ રહી છે. રજવાડાના વિલીનીકરણ પછી ભૂતપૂર્વ થઈ ગયેલા કંઈકેટલા રાજા-મહારાજા ભપકદાર લાઇફસ્ટાઇલના ગુમાનમાં ખુવાર થઈ ચૂક્યા. હિંમતગઢનું રાજકુટુંબ આમાં સુખદ અપવાદરૂપ રહ્યું. રાજવીની રિયાસત આસપાસનાં ચાલીસ-પચાસ ગામ જેટલી જ હતી, પણ રૈયતમાં રાજાનું માન અદકેરું હતું. લોકકલ્યાણનાં કાર્યો થકી પ્રજાપ્રિયતાનો વારસો મીનળદેવીએ ન માત્ર જાળવી રાખ્યો, બલ્કે વધુ દેદીપ્યમાન બનાવ્યો. નાની વયે વૈધવ્ય પામનારાં મીનળદેવીએ બે દીકરાના ઉછેરની સાથોસાથ જાગીર-જાયદાદનાં કામોમાં ચોંપ રાખી. તેમની અસાધારણ વહીવટી સૂઝના પ્રતાપે રાજનો ખજાનો સમૃદ્ધ થતો રહ્યો. સમાંતરે નહેર, તળાવ ઉપરાંત સ્કૂલ-હૉસ્પિટલ જેવાં સંસ્થાનો સર્જી પ્રજાને સુખી કરવાના ધ્યેયથી તેઓ કદી ચલિત ન થયાં. એટલે તો આજે હિંમતગઢમાં રાજમાતાનો પડ્યો બોલ ઝિલાય છે, જનતા તેમને દેવીસ્વરૂપ માને છે.

મીનળદેવીના પુત્રોએ સંસ્કારની પરંપરા સુપેરે જાળવી માની કેળવણી સાર્થક ઠેરવી છે. આજીવન રાજકારણથી દૂર રહેનારાં રાજમાતાનો જ્યેષ્ઠ પુત્ર સમીરસિંહ અપક્ષ ઉમેદવાર તરીકે પોતાના પ્રદેશનું સંસદમાં પ્રતિનિધિત્વ કરે છે. કાદવમાં કમળની ઉક્તિ તેમને બરાબર લાગુ પડે. પાર્લમેન્ટ સત્ર દરમ્યાન સમીરસિંહે દિલ્હી રહેવાનું થતું, એટલે હિંમતગઢની જાગીરનાં કામકાજ નાના દીકરા અજુર્નસિંહને સોંપી મીનળદેવીએ પોતાને લોકસેવા પૂરતાં સીમિત કરી દીધાં છે. ભાઈઓમાં રામ-લક્ષ્મણ જેવો સ્નેહ છે, મીનળદેવીની વહુઓ પણ સંસ્કારલક્ષ્મી સમાન છે. નાનકડાં પૌત્રો-પૌત્રીને રમાડતાં દાદીમા સમક્ષ કોઈ તેમની લીલી વાડીનો હરખ જતાવે તો તેઓ બહુ નમ્રતાપૂર્વક કહી દે, ઈશ્વરના આશિષ, પૂર્વજોનાં પુણ્ય અને લોકોની દુઆનો આ પ્રતાપ છે... તેમની વાણીમાં દંભ નહોતો, વર્તનની પારદર્શિતા આભાસી નહોતી. મુખવટો ઓઢી શકનારું એ વ્યક્તિત્વ જ નહોતું.

પ્રશસ્તિને અંતરથી અળગી રાખતાં રાજમાતા અભિમાનથી પરેહ હતાં. મીનળદેવીનો યથાર્થ આદર્શવાદ કેતુ-તર્જનીને હંમેશાં અનુકરણીય લાગ્યો છે. પંચાવનને ઉંબરે પહોંચેલાં મીનળદેવી આજેય એવાં મૂર્તિમંત છે. સાદગીમાં પણ ભવ્ય દેખાતાં રાજમાતા આહારની નિયમિતતા, યોગની કસરતને કારણે હંમેશાં સ્ફૂર્તિલા લાગે છે, પંચકલ્યાણી ઘોડી પર સવાર થતાં મીનળદેવીને જોવાં લ્હાવો ગણાય છે.

જાસૂસજોડીને હિંમતગઢ પધારવાનું રાજમાતાનું કાયમી નિમંત્રણ હોય છે અને તક મળ્યે ત્યાંનો આંટોફેરો કરવાનું તર્જની-અનિકેત ચૂકતાં નથી. તેમની ખાતરદારીમાં આખું રાજકુટુંબ ઉલ્લાસથી મંડી પડે એવાં વ્ાહાલાં છે બન્ને સૌને. મીનળદેવીની ગેરહાજરીમાં સમીર-અજુર્નસિંહ, ઉર્વશી-લાવણ્યાભાભી કેતુ-તર્જનીની મીઠી મશ્કરી માંડવાનું ચૂકતાં નહીં. અરે, ખુદ રાજમાતા ક્યારેક ‘હવે કંકોતરી ક્યારે આપવાનાં?’ જેવો સવાલ પૂછી કેતુ જેવા કેતુનેય શરમાવી દેતાં! વળી હિંમતગઢ એટલે પહાડ, સમુદ્ર, નદી-ઝરણાંથી આચ્છાદિત પ્રદેશ. કુદરતપ્રેમીને તો અહીં જલસો જ પડી જાય. હૉર્સરાઇડિંગ, ગોલ્ફ, સ્વિમિંગ... રિલૅક્સ થવા માટે જ નહીં, રિચાર્જ થવા માટેય હિંમતગઢથી શ્રેષ્ઠ ઑપ્શન કોઈ હોઈ જ ન શકે!

‘રાજમાતાનો મારા પર ફોન હતો...’ તર્જનીએ સ્થળપસંદગીનો ખુલાસો કર્યો, ‘હિંમતગઢના સંગીતરત્ન પંડિત બ્રિજનાથના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે ધનતેરસની સાંજે રાજમહેલના પ્રાંગણમાં સંગીતજલસાનું આયોજન છે...’

કલા-સંસ્કૃતિને બિરદાવવાના રાજમાતાના પ્રયાસોના ભાગરૂપે વરસે એક વાર આવા પ્રોગ્રામ ગોઠવાતા હોય છે. આ વેળા દિવાળીનું ટાણું આવ્યું.

‘હજારેક આમંત્રિતોની હાજરીમાં મીનળદેવીના વરદ હસ્તે પંડિતજીનું સન્માન થશે. સાંજે સાત વાગ્યે શરૂ થનારા કાર્યક્રમમાં કલાક પછી ભોજનનો ટૂંકો વિરામ હશે અને ત્યાર પછી, નવથી અગિયારના બે કલાક સૌ સંગીતની મહેફિલ માણશે. શ્રોતાઓને રસતરબોળ કરવા ખાસ મુંબઈથી પધારશે કિંગ ઑફ ગઝલ ગણાતા આલોકબાબુ!’

આલોક ચટ્ટોપાધ્યાય!

નામ પડતાં જ નજર સમક્ષ તેમનું સુરીલું વ્યક્તિત્વ ઊભરાઈ આવે. ઊંચી-પહોળી કદ-કાઠી, ચહેરા પર છલકતું મૃદુ સ્મિત, કુર્તા-પાયજામાનો ટ્રેડમાર્કસમો પોશાક અને મંત્રમુગ્ધ કરતો મખમલી અવાજ...

આજથી ત્રણ દાયકા અગાઉ, વીસ-બાવીસની ઉંમરે મૂળ કલકત્તાનો બંગાળી જુવાન પ્લેબૅક સિંગર બનવાના ઇરાદે મુંબઈમાં કદમ મૂકે છે. રેકૉર્ડિંગ સ્ટુડિયોનાં ચક્કર કાપી ચંપલનાં તળિયાં ઘસાઈ જાય છે, પરંતુ ફિલ્મોમાં બ્રેક મળવો કંઈ આસાન છે! જુવાન પાછો કંઈ માલેતુજારનો દીકરો નથી... કશુંક બની દેખાડવાની જીદમાં જે ઘર છોડ્યું ત્યાં વીલા મોંએ તો પાછા કેમ જવાય? કારમો સંઘર્ષ હિંમત હાર્યા વિના વેઠ્યો તેમણે. હોટેલમાં, નાના-મોટા મેળાવડામાં ગાઈ બે ટંક ભોજન ઉપરાંત ઘરના ભાડા જેટલું તો તે રળી લેતો. સંગીતની તાલીમ મહોલ્લાના રસૂલ ખાં પાસેથી લીધી હોઈ તેનાં

હિન્દી-ઉદૂર્નાં ઉચ્ચારણો સ્પષ્ટ હતાં. કાવ્યકલાની સૂઝ પણ સારી. પોતાના પર્ફોર્મન્સમાં જામેલા હિન્દી ગાયકોનાં ગીતો દોહરાવવાની સાથે પોતે કમ્પોઝ કરેલી ગીત-ગઝલની બંદિશ સંભળાવવાની તક તે ચૂકતો નહીં અને શ્રોતાગણની દાદ પરથી પરખાયું કે તેમને સરળ શબ્દો, સહજ લય ધરાવતી ગઝલોમાં વિશેષ રસ પડે છે... આ સમજે સફળતાનો રાજમાર્ગ કંડાર્યો! આખા એક દાયકાનાં ટાઢ-તડકો સહ્યા પછી જુવાનની ગઝલ કૅસેટકંપનીના માલિકના કાને પડી, તગડા આંકડાની ઑફર સ્વીકાર્યા પછી તે બંગાળીબાબુ અર્થાત્ આલોક ચટ્ટોપાધ્યાયે કદી પાછું વળીને જોયું નથી!

આલોકબાબુનું પ્રથમ આલ્ાબમ ‘સમર્પણ’ સુપરહિટ નીવડ્યું. ગઝલને ક્લાસિસમાંથી માસિસ તરફ આણવાનું શ્રેય તેમને નામે ચડ્યું. ઊગતા સૂરજને સૌકોઈ પૂજે એમ પછી તો નિતનવા કૉન્ટ્રૅક્ટ્સ, દેશ-વિદેશમાં કૉન્સર્ટ્સની કતાર લાગી ગઈ. ફિલ્મો માટેય તેમણે ગઝલ ગાઈ, લતા મંગેશકર સાથે કામ કરવાનું સપનું પણ સાકાર થયું. છતાં આલોકબાબુનો મુખ્ય ઝોક, લોકપ્રિયતાનો અસલી આધારસ્તંભ તો તેમનાં નૉન-ફિલ્મી આલ્બમ્સ જ રહ્યાં. આજે તો ગઝલનો પર્યાય બની ગયા છે આલોકબાબુ.

જોકે નર્યું સુખ તો કોઈની કિસ્મતમાં લખ્યું નથી હોતું. આલોકબાબુએ કારકર્દિીભેગા અંગત જીવનમાં પણ ઘણા ચડાવઉતાર જોયા છે... સંઘર્ષના દિવસોમાં જેમને ત્યાં ભાડે રહેતા તે શેઠ જીવણદાસ મહેતાની ડિવૉર્સી પુત્રી કરુણા સાથે તેમનાં પ્રેમલગ્ન થયાં, કરુણાને ત્યારે પહેલા લગ્નથી ચાર વર્ષની પુત્રી પણ હતી! આલોકનો સિતારો ચમક્યો લગ્નનાં ત્રણ વર્ષ પછી તેમના પ્રથમ અને કરુણાના દ્વિતીય સંતાન તરીકે પુત્રજન્મ પછી!
‘આલોક બહુ અંતર્મુખી છે, પતિ તરીકે અત્યંત સ્નેહાળ...’

આમ તો આલોકબાબુએ પોતાની ફૅમિલીને લાઇમલાઇટથી દૂર રાખેલી, જાહેર જીવનમાં પડેલી વ્યક્તિ પોતાનો એક ખૂણો અંગત રાખવા માગે એમાં ખોટું પણ શું? બહાર કિંગ ગણાતો માણસ ઘરના માટે તો સામાન્ય થઈને જ રહેવા ઇચ્છતો હોય છે. કરુણા પણ ગૃહિણીના રોલથી સંતુષ્ટ હશે... આમજનતાને આલોકની પર્સનલ લાઇફ થોડી વિસ્તારથી જાણવાનો મોકો પાંચેક વર્ષ અગાઉ મળ્યો, બીબીસીએ તેમના પર ડૉક્યુમેન્ટરી બનાવી ત્યારે એમાં પતિને વખાણી કરુણાએ ઉમેર્યું હતું, ‘આલોકનાં જીવનમૂલ્યો અતિ ઉચ્ચ. તે કદી પક્ષપાતી થઈ જ ન શકે. દીકરા-દીકરીમાં પણ સ્હેજે ભેદ નહીં. નેહાલી-સમર્થને સમાન સ્તરે ચાહે. વી આર અ ટ્રુલી હૅપ્પી ફૅમિલી...’

હૅપ્પી ગણાતા કુટુંબનું સુખ આઠ મહિના અગાઉ નંદવાઈ ગયું. માત્ર અઢાર વર્ષની વયે પપ્પાએ ગિફ્ટ કરેલી નવી કાર સેલ્ફ-ડ્રાઇવ કરી ખંડાલા જતાં સમર્થની સ્વિફ્ટને ગોઝારો અકસ્માત નડ્યો. કેમિકલ ટૅન્કરના પીધેલા ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં સામેથી આવતું વાહન અણધાર્યું અથડાતાં કારના બોનેટનો કચ્ચરઘાણ વળી ગયો, જોરદાર ધડાકા સાથે આગ ફાટી નીકળી, એમાં પાછું ટેન્કરનું જ્વલનશીલ પ્રવાહી... જોતજોતાંમાં અગનજ્વાળા લબકારા લેવા લાગી. સ્વિફ્ટમાં એક અને ટેન્કરના ડ્રાઇવર-ક્લીનર મળીને બે એમ કુલ ત્રણ જણ બળી ચૂકેલા. મૃતદેહ જ મળી શક્યા! ટ્રાફિકવિહોણા રસ્તા પર ઘટેલા અકસ્માતમાં પહેલો સાક્ષી સ્થળે પહોંચ્યો ત્યારે આગ ઠરવા આવી હતી અને કાળો ધુમાડો સર્વત્ર ફેલાઈને ઘટ્ટ થઈ ચૂકેલો. કાચાપોચાના હાંજા ગગડી જાય એવું દૃશ્ય હતું. છતાં ક્વૉલિસના માલિકે હિંમત દાખવી પોલીસને જાણ કરી, મદદ આવ્યા સુધીમાં જોકે ટોળું થઈ ગયેલું... આ તરફ, ખંડાલા રર્સિોટમાં અગાઉથી પહોંચી ચૂકેલાં આલોક-કરુણા દીકરાની રાહ જોઈને થાક્યાં ત્યાં નેહાલી રઘવાટભરી ચાલે દોડતી આવી, ‘અહીંથી મુંબઈના રસ્તે ટ્રૅજિક ઍક્સિડન્ટ થયાના ખબર છે...’

સમર્થનો મોબાઇલ લાગતો નહોતો. હે ઈશ્વર, અકસ્માતમાં ભૂંજાનારો અમારો દીકરો તો ન જ હોય... પરંતુ બળેલી કાર સ્વિફ્ટ જ હતી અને એમાં ભસ્મીભૂત થનારો એકમાત્ર ચાલક સમર્થ સિવાય બીજું તો કોણ હોય!
દીકરાના આઘાતજનક અવસાનની વ્યથામાં સંગીતથી રૂસણું લેનારા ગઝલગાયક પૂરા આઠ માસના અંતરાલ પછી પ્રથમ વાર સ્ટેજ પર્ફોર્મન્સ આપી રહ્યા હોય ત્યારે તેમને સાંભળવા જવું તો જોઈએ જ!

ફંક્શનમાં અનિકેત-તર્જનીની હાજરી કેવો રંગ લાવવાની છે એની કોને ખબર હતી!

(ક્રમશ:)


અન્ય ભાગ વાચો

1 | 2

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK