કથા સપ્તાહ : દેવના દીધેલ (શંકા-કુશંકા 3)

Published: 5th October, 2011 21:07 IST

ઘડીભર માટે દીવાનખંડમાં વહેલો સમય થંભી ગયો. ‘મુઝે મત મારો...’ ફર્શ પર સરકતી વૃદ્ધા કરગરતી હતી, ‘જાને દો મુઝે...’ પ્રત્યાઘાતમાં નોકરાણીએ ખંધુ હસી વૃદ્ધાની કમરે લટકતા ચાવીના ઝૂડા પર તરાપ મારી, ‘અબ તૂ જા!’ કહી તેની ગળચી દબાવતી ગઈ...

 

 

અગાઉના ભાગ વાંચો

ભાગ 1 | ભાગ 2

 

- સમીત (પૂર્વેશ) શ્રોફ

ઘડીભર માટે દીવાનખંડમાં વહેલો સમય થંભી ગયો.

‘મુઝે મત મારો...’ ફર્શ પર સરકતી વૃદ્ધા કરગરતી હતી, ‘જાને દો મુઝે...’

પ્રત્યાઘાતમાં નોકરાણીએ ખંધુ હસી વૃદ્ધાની કમરે લટકતા ચાવીના ઝૂડા પર તરાપ મારી, ‘અબ તૂ જા!’ કહી તેની ગળચી દબાવતી ગઈ...

બળ્યું આ ટીવી!

ઘડીક ટીવીસ્ક્રીન પર તો ઘડીક ડોક ઢાળી ગયેલી કજરી પર દૃષ્ટિપાત કરતાં દેવયાનીબહેને અકળાઈને ટીવી બંધ કરતાં વૃદ્ધા-નોકરાણી ગાયબ થઈ ગયાં.

‘બા, મારો રઘુ નિર્દોષ છે. ખૂનના સમયે તો તે તીનબત્તીના કર્નલસાહેબને ત્યાં કામે ગયેલો. કાલે હું આખો દિવસ અહીં હતી. મારા ધણીએ ખૂન કર્યું હોય, કરવાનો હોય તો તેની તાણ વર્તાયા વિના રહેત ખરી? અને રઘુ મારાથી છાનું કંઈ કરે જ નહીંને!’

સંસારની કોઈ પણ jાીને પતિ પર આટલો ભરોસો રાખવો પરવડે નહીં.

‘એમ તો પોલીસે પણ રઘુને અમથો તો નહીં જ પકડ્યો હોયને!’

‘કેસ બંધ કરવા પોલીસ ધારે એ કરી શકે. ભણેલા, શ્રીમંતો સાથે એનો વર્તાવ જુદો હોતો હશે, બાકી ગરીબનો બેલી બનવામાં કોને રસ છે?’

‘ઓહ, આમાં મારી શ્રીમંતાઈ પ્રત્યેનો દ્વેષ તો નથી ડોકાતોને!’

‘બા, તમે જ અમારાં તારણહાર બનો. મારા રઘુ ખાતર વકીલની વ્યવસ્થા ગોઠવી આપો.’

કજરીના વિલાપમાં દર્દ હતું. રઘુ જોડે તેનાં પ્રેમલગ્ન હતાં. મારો રઘલો બીજા જેવો પિયક્કડ નથી, પરjાી સામું જોતો નથી એવું બધું તે બોલતી રહેતી ખરી... ‘મારા રઘુને કંઈ થયું તો હું આગ લગાવી દઈશ.’

તેના શબ્દો દેવયાનીબહેનને ધþુજાવી ગયા. સીધી ‘ના’ પાડવામાં જોખમ વર્તાયું.

‘તમે જ કહો બા, ખૂન કરનારો મુંબઈથી પોબારા ભણી જાય કે પોતાના ઝૂંપડામાં પોલીસની પ્રતીક્ષા કરતો બેઠો રહે?’

કજરીની આ દલીલ તર્કબદ્ધ હતી એ તો સ્વીકારવું પડે...

અવઢવમાં પડેલાં દેવયાનીબહેનને સ્મૃતિના આગમને રાહત અર્પી. સહાનુભૂતિપૂર્વક કજરીની કથની સાંભળી સ્મૃતિએ જ માર્ગ ચીંધ્યો.

‘તું ચિંતા ન કર કજરી. તમે બન્ને કદાચ વીસરી ગયાં કે મહિનાએકથી મેં વધુ એક ઘરે રસોઈકામ બાંધ્યું છે, જેના માલિક નીરજભાઈ હાઈ ર્કોટના વકીલ છે! તેઓ જરૂર કોઈ રસ્તો કાઢશે...’

જમવાનું રાંધી બન્નેએ વિદાય લીધી. ન તો દેવયાનીબહેનને રસોઈ ચખાડવાનું સૂઝ્યું કે ન તો કજરીને થોડીઘણી આર્થિક મદદ કરવાનો વ્યવહાર યાદ આવ્યો એટલાં મૂંઝાયાં હતાં તેઓ!

શું કરવું? જેના ધણી પર હત્યાનો આરોપ છે તેવી કજરીને આયા તરીકે રાખવી કે પછી કાલથી જ રુખસત આપી દેવી?

* * *

‘આખી રાત વિચારતાં મને લાગ્યું વહુ કે હમણાં જેમ છે એમ ચાલવા દેવું... જીવ પર આવેલી વ્યક્તિને છંછેડવામાં મજા નથી. બીજી ગણતરી એવી પણ મૂકી કે એક મર્ડરમાં ભેરવાયેલો તરત તો બીજી કતલની હિંમત નહીં દાખવે.’

‘તમે ઠીક જ વિચાર્યું, મમ્મી.’ આકૃતિએ ફોન પર સધિયારો પાઠવ્યો, ‘રઘુને કારણે કજરી પર પણ પોલીસની નજર હોવાની જ. અને તમે કહો છો એમ સ્મૃતિ હાઈ ર્કોટના વકીલને ત્યાં કુક તરીકે જતી હોય તો તેનો ક્રિમિનલ રેકૉર્ડ શૂન્ય જ હોવો જોઈએ... છતાં આજે નહીં તો કાલે તેમની વિગત પોલીસ-સ્ટેશને પહોંચાડજો જરૂર!’

આટલા પૂરતી તો વાત ટળી, પરંતુ એથી દેવયાનીબહેનના ચિત્તમાં સર્જાતાં વમળ ઓછાં શમ્યાં?

* * *

‘હાય અંશ.’

‘હલ્લો ટીના.’

નામ તો તેનું હતું ક્રિસ્ટીના, પણ અંશ ટૂંકાવીને ટીના કહેતો. પેલી કારણ પૂછતી તો મલકીને ખુલાસો કરતો : ટીના નામ ઇન્ડિયન લાગે છે!

અમર-આકૃતિની સંસ્કારનિશ્રામાં ઊછરેલા અંશમાં ભારતીયપણું મોજૂદ હતું. તેની વાતોમાં ઘણી વાર દાદીમાનો રેફરન્સ ડોકાતો. કદાચ એટલે જ અમેરિકાની ટીનએજ જનરેશનમાં તે નોખો પડતો. હાઈ સ્કૂલના સહાધ્યાયીનું આ નોખાપણું ક્રિસ્ટીનાને આકર્ષતું : અંશ, અમેરિકન કલ્ચરમાં ટીનએજથી જ ડેટિંગ શરૂ થઈ જતું હોય છે એટલે તેં ડેટ પર જવાનો પ્રસ્તાવ મૂક્યો એની મને નવાઈ નહોતી લાગી, પણ તારા સંયમિત વર્તને મને જીતી લીધી. બીજું કોઈ હોત તો અવળુંસવળું ધારી લેત. ક્લાસના ટૉપરેન્કર અને સ્કૂલના મોસ્ટ ડિઝર્વિંગ બૉય માટે ગમે એવું ધરાય પણ કેમ!

અંશનું મિત્રવતુર્ળ વિશાળ હતું, એમાં ટીના જોડેની તેની મૈત્રી ક્લોઝ ગણાતી છતાં મૈત્રીમાં રહેલા અંતરથી બન્ને છેડા વાકેફ પણ હતા. અંશનું પ્રથમ કમિટમેન્ટ સ્ટડીઝ પ્રત્યે હતું. માતા-પિતાની જેમ પંકાયેલા ડૉક્ટર તરીકેની નામના રળવી હતી તેણે. એક દાયકા સુધી લગ્ન વિશે વિચારાય પણ કેમ! એમાંય દાદીમાની ટકોર પછી તે સાવધ થઈ ગયેલો, ક્રિસ્ટીનાથી અંતર જાળવતો : મારી નિકટતાથી તેનામાં જીવનભરના સાથનો વહેમ નહીં જન્મવો જોઈએ! બાકી અંતરમાં પ્રેમ જાગ્યો હોય તો દાદી, પેરન્ટ્સને મનાવવાની કુનેહ અંશમાં હતી જ.

અંશ ભૂલ્યો તો એટલું જ કે દૂરી ક્યારેક આકર્ષણના અãગ્નમાં ઘીનું કામ કરતી હોય છે! ક્રિસ્ટીનાનું ખેંચાણ વધવા લાગ્યું. મૈત્રીની નિર્દોષતા વળોટી તે કપટના રણમાં પ્રવેશી : અંશને ચલિત કરું, તેના ચારિhયનો સોદો મારા કૌમાર્યથી કરી જાણું તો હું ખરી અમેરિકન!

વસ્ત્રોની છૂટછાટ લઈ તેણે મંડરાવા માંડ્યું. ત્રીજા કોઈને ખ્યાલ આવે ન આવે, અંશની છઠ્ઠી ઇãન્દ્રય જાગી ચૂકી હતી. ટીનાને ભાળી તે દૂર સરકી જતો.

આજે જોકે તે ટાળવા મથે તો પણ ટીના ટળવાની નહોતી, ‘અંશ આવતી કાલે સેટરડે નાઇટ... ઘરે નાનકડી પાર્ટી થþો કરી છે. યુ હૅવ ટુ કમ.’

શનિવારની સાંજ સુધીમાં લગભગ દર કલાકે પાર્ટી રિમાઇન્ડ કરાવતા મેસેજીસ ક્રિસ્ટીના તરફથી આવતા રહ્યા. આકૃતિએ કહ્યું ત્યારે તો જાણે હદ થઈ ગઈ : અંશ, ટીનાનો મારા પર ફોન હતો - આન્ટી, અંશને મારે ત્યાં પાર્ટીમાં જરૂર મોકલજો! સાંભળીને થોડું અચરજે થયું કે તું મમાઝ બૉય તો નથી ગણાતોને!
જવાબમાં આછું હસી લઈ અંશે પાર્ટીમાં જવાની તૈયારી કરવા માંડી. જોકે પહોંચ્યા પછી ખ્યાલ આવ્યો કે પોતાની સાથે ચીટિંગ થઈ છે. ક્રિસ્ટીનાના પેરન્ટ્સ આઉટ ઑફ સ્ટેશન હતા અને પાર્ટીમાં પોતે એકમાત્ર મહેમાન હતો! ગ્રુપમાં પાર્ટીનું ગાણું ગાનાર ટીનાએ કૅન્સલેશનનો સંદેશો સૌને પહોંચાડવાની ઉસ્તાદી દાખવી હતી, અંશ સિવાય!

‘સો... ઇફ ધેર ઇઝ નો પાર્ટી...’

ઊઠવા જતાં અંશના ખોળામાં બેસી તેણે તપોભંગનો પ્રયાસ આદર્યો.

‘આ એક્સક્લુઝિવ મોમેન્ટ્સ પાર્ટીથી કમ ક્યાં છે! માત્ર આપણે બે જ... કોઈ પણ આવરણ વિનાનાં!’

ક્રિસ્ટીનાનો સાદ હાંફતો હતો. અંગોમાં કામ દહેકતો હતો. પુરુષને પામવાનો આ શૉર્ટકટ કદી નિષ્ફળ નીવડ્યો નથી. સેક્સ બિફોર મૅરેજની અમેરિકામાં નવાઈ ક્યાં છે?

‘લૂક, વૉટ આઇ પઝેસ યુ. ઑફર યુ-’ ગાઉન સરકાવી એ માત્ર આંતરવસ્ત્રોમાં ફૂટડા દેહનું પ્રદર્શન કરતી ઊભી રહી. ભલભલો પર્વત પીગળી જાય એવો એ યૌવનતાપ હતો. છેલ્લી ઘડીએ સંસ્કારરૂપી લગામથી હણહણતા કામઅfવને નાથવામાં અંશ સફળ રહ્યો.

‘ટીના, મને તારા તરફથી

આવા વર્તનની અપેક્ષા નહોતી. ડિસગ્રેસ થઈ તેં આપણી મૈત્રીની સાથે રિસ્પેક્ટ પણ ગુમાવી.’

ગાઉનનો ઘા તેના બદન પર કરી અંશે ચાલતી પકડી. ઘવાયેલી ટીનાને એમાં અંશનો મેઇલ ઈગો દેખાયો, પોતાના સૌંદર્યનું અપમાન જણાયું. કઈ jાી પોતાના રૂપની અવગણના ખમી શકે? એમાંય ટીનાએ તો ખાનગીમાં પોતાની સખીઓને કહી રાખ્યું
હતું - આજે હું અંશને વટલાવવાની! એ બધાને મારે શું કહેવું?

શું કહેવું...

ધમધમતા મગજમાં પ્રકાશ પથરાયો

- સોમવારે અંશ સ્કૂલે પહોંચ્યો ત્યારે વાતાવરણમાં સૌની નજરમાં કશોક બદલાવ ભાળ્યો. લૉકરરૂમના તેના ખાનાના દરવાજે લખ્યું  હતું - યસ, આઇ ઍમ ઇમ્પોટન્ટ! ધીરે-ધીરે આસપાસ ટોળું જમા થયું. એમાં મિત્રો પણ હતા અને હિતશત્રુ પણ.
‘રહેવા દે અંશ, નૅપ્કિનથી લખાણ ભૂંસી નહીં શકાય...’ ટીનાએ પહેલો ઘા કર્યો, ‘ઇમ્પોટન્સી પર્મનન્ટ ડિફેક્ટ ગણાય છે, આફટર ઑલ.’

‘નૉનસેન્સ. ટીના, આ તારું જ કારસ્તાન છેને? તને સહેજે શરમ ન આવી!’

‘નામર્દ તું હોય એની શરમ મને શું કામ આવે!’ નેત્રો પહોળાં કરી ટીનાએ ચ્યુઇંગ ગમ ચગળી.

‘આ ડિક્લેરેશન ખોટું હોય તો સાબિત કરી બતાવ, રાઇટ નાઓ! હું  તો તરસી જ છું.’

અંશનાં જડબાં તંગ થયાં. વળગવા જતી ટીનાને તેણે ધક્કો માર્યો.

‘નાઓ ધીસ પ્રુવ્ઝ વૉટ. આઇ સેઇડ યુ આર ઇમ્પોટન્ટ!’ રોષથી ટીનાનાં નાખોરાં ફૂલ્યાં. ટોળા તરફ નજર ફેરવી, ‘હજીયે જેને ખાતરી જોઈતી હોય તો અંશનું પેન્ટ ઉતારી ચેક કરી લો!’

એવી હરકત અલબત્ત, કોઈએ કરી નહીં છતાં પ્રત્યેક નજરમાં પોતે નપુંસક ઠરી ચૂક્યાનું સાફ વર્તાયું અંશને!

વાય... મેં સંસ્કારની પૂંછડી પકડી રાખી એટલે જને! ગળથૂથીનો વારસો દાદીમા પાસેથી જ સાંપડ્યો ગણાય... ઇમ્પોટન્ટનો સ્ટૅમ્પ લાગ્યા પછી મારું જીવન કેટલું દોહ્યલું બનવાનું એનો તમને ખ્યાલ પણ છે, દાદીમા?

અંશે ડ્રૉઅરના દરવાજે મુઠ્ઠી પછાડી. તેની ગુંજમાં ઉપહાસ પડઘાતો લાગ્યો.

* * *

‘કોણ છે, કજરી?’

હીંચકાની બેઠકેથી સાદ પાડતાં દેવયાનીબહેને ડોક ફેરવી તો કજરી ઝડપથી કોઈને દરવાજેથી વિદાય કરતી જણાઈ. ખરી બપોરે તેનો કોઈ સાગરીત હશે? મારે તેને જાણી રાખવો ઘટે! સફાળાં ઊભાં થઈ તે મુખ્ય દરવાજા તરફ ગયાં, ‘કોણ હતું?’ જાળી ખોલી તેમણે પૅસેજમાં ડોકિયું કર્યું, ‘કોની સાથે ગુસપુસ કરતી
હતી તું?’

કડક ઉઘરાણી જેવા તેમના સવાલમાં પારાવાર શંકા છલકાતી હતી.

‘ગુસપુસ! અરે, બા તે તો

ખાખરા-ચકરીવાળી બાઈ હતી... તેને અંદર બોલાવત તો તમારી નીંદરનો સમય બગડત એટલે ઉતાવળે રવાના કરી. આમેય નાસ્તાનો સ્ટૉક તો છે જ!’

કજરી રસોડા બાજુ વળી, ‘તમતમારે ઊંઘો, હું વાસણ નીપટાવી દઉં...’

મોં બગાડી દેવયાનીબહેને રૂમ તરફ પગ ઉપાડ્યા. હમણાંના તેઓ બેડરૂમનું ડબલ લૉક ચડાવીને જ સૂવાનું રાખતાં : દીવાનખંડમાંથી કજરીને હાથ સાફ કરવો હોય તો કરે, મારે તો જીવ સલામત રહે એ ઘણું! જોકે ક્યારેય કોઈ ચીજ આઘીપાછી થઈ નહોતી એ વાત જુદી.

‘બા કાલે હું બપોર પછી આવીશ. ર્કોટમાં તારીખ છે.’

રઘુની ધરપકડને વીસ દિવસ થઈ ચૂક્યા હતા. સ્મૃતિના રેફરન્સથી નીરજભાઈએ રઘુનો કેસ લડવાનું સ્વીકાર્યું હતું. ખરેખર તો તેમણે સેશન્સ ર્કોટના વકીલ રામાનુજને ભલામણ કરી હતી. કેસનું હિયરિંગ રામાનુજ સંભાળવાનો હતો. રઘુના જામીન જોકે મંજૂર થયા નહોતા : મુંબઈમાં થતી વૃદ્ધોની હત્યા ભલે સિરિયલ-કિલરનું કારસ્તાન નથી, આવા આરોપીને મુક્ત કરવામાં જોખમની અવગણના કરી શકાય નહીંની ટિપ્પણી સાથે ન્યાયમૂર્તિએ રિમાન્ડ કબૂલ રાખ્યા, આવતી કાલની તારીખ આપી હતી...

‘પોલીસ રઘુ વિરુદ્ધ કશું જ પુરવાર કરી શકવાની નથી, રામાનુજસાહેબ કહેતા હતા કે એની પાસે નક્કર પુરાવો જ નથી. મિડિયાની હો...હા ટાળવા બિચારા મારા વરને પકડી રાખ્યો છે!’

‘ડૉક્ટર પેશન્ટથી ગંભીર બીમારી છુપાવે એમ વકીલ પણ સાચું નહીં કહેતા હોય... બાકી પોલીસને તારા વર જોડે શું દુશ્મની હોય!’ તેમણે ઓકી નાખ્યું.

‘એટલે?’ કજરી સહેજ ડઘાઈ,

‘બા, તમને રઘુ પર ભરોસો નથી - મારા પર...!’

‘વખત જ બૂરો છે મારી બાઈ.’ દેવયાનીબહેન સુફિયાણી ઢબે બોલી ગયાં, ‘આજના જમાનામાં સગા દીકરા પર ભરોસો મૂકવા જેવો નથી!’ તોય પેલી હતપ્રભ જેવી રહી એટલે વાળી લીધું, ‘જોકે તું તો ઘરની ગણાય...’

તેમની વાણીમાં સાદ પુરાવતો ફોન રણક્યો.

‘કોણ દેવીબહેન? કંઈ સાંભળ્યું?’ સામેથી મંદિરની બેઠકવાળાં ગૌરીબહેનનો ઉત્તેજના-આઘાતભર્યો સ્વર પડઘાયો, ‘માયાબહેનનું ખૂન થયું! કહે છે કે મિલકતના ઝઘડામાં વીસ વર્ષના સગા પૌત્રે દાદી પર ગોળીબાર કરી તેમનું ઢીમ ઢાળી દીધું અને થાણે જઈ ગુનાની કબૂલાત કરી દીધી... બિચ્ચારાં માયાબહેન!’

દેવયાનીબહેન ફસડાઈ પડ્યાં. ઓટલાબેઠકનાં સભ્ય તરીકે માયાબહેન જિંદગીના એક હિસ્સા જેવા હતાં. તેમના અણધાર્યા અંજામનો આંચકો લાગે જ, વિશેષ તો મૃત્યુના સ્થિતિસંજોગે તેમને થીજવી દીધાં. આજસુધી વૃદ્ધોની હત્યા-હત્યારા બાબત ઘણું વાંચ્યું અને સાંભળ્યું, પણ પરિચિત વતુર્ળમાં કોઈની કતલ થયાનો

આ પ્રથમ બનાવ હતો. અહીં ઘરનોકર નહીં, ઘરનો જ ઘાતકી બન્યો હતો!

અરેરે, દેવના દીધેલ જ જ્યારે દુશ્મન બને ત્યારે એ દુ:ખડું કોને રડવું?

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK