કથા સપ્તાહ : દેવના દીધેલ (શંકા-કુશંકા 2)

Published: 4th October, 2011 18:20 IST

ના, આગંતુક કજરી નહોતી. છાપાંવાળો મહિનાનું બિલ લઈને ગયો એટલે દરવાજો બંધ કરી દેવયાનીબહેન ફરી હીંચકે ગોઠવાયાં : કજરીને આજે મોડું થયું. કદાચ સાડાઆઠની બસ ચૂકી ગઈ હશે... શિવાજી પાર્ક તરફના સ્લમ એરિયામાં રહેતી પચીસેક વરસની કજરી પહેલાં તો સામેના ઘરે કામ કરતી.

 

અગાઉના ભાગ વાંચો

ભાગ 1

- સમીત (પૂર્વેશ) શ્રોફ

પોતાને ત્યાં આવતી જમના માંદી રહેવા લાગી ત્યારે દેવયાનીબહેન કજરીને કદી-કદી બોલાવી લેતાં. હાથની ચોખ્ખી ને કામની ઝડપી કજરી બટકબોલી હતી એટલે ઘરમાં વસ્તીયે લાગતી. પછી પોતે અમેરિકા જવાનું થયું ને દોઢ મહિને પાછાં આવ્યાં ત્યારે જમના વતનભેગી થઈ ગયેલી ને પાડોશી મુખોપાધ્યાય કલકત્તા મૂવ થવાના હતા એટલે કજરીનેય કામનો ખપ હતો. આકૃતિએ શરત રાખેલી - સવારથી સાંજ સુધી અહીં રહેવાનું, અનાજ-કરિયાણું મમ્મી ગલીના નાકે આવેલા પ્રોવિઝન સ્ટોરમાં ફોન કરી મગાવી લેશે. શાક-પાંદડું આણવાની જવાબદારી તારી. મમ્મીએ વાની પરેજી પાળવાની છે એટલે તેમની તબિયતનું તારે ધ્યાન રાખવાનું... બે ટંકનું જમવાનું મળશે, જોઈએ તો તારા ઘરનું ટિફિન પણ લેતી જજે. બદલામાં મમ્મીની ચાકરી મનથી કરજે. સમજીને? હું અમેરિકાથી તારા માટેય કપડાં-પાઉડર મોકલીશ.’

કજરીએ ખંતભેર કામ ઉપાડી લીધેલાં. સ્મૃતિની ભલામણ પણ તેણે જ આકૃતિને કરેલી : ભાભી, મારા ધ્યાનમાં એક રાંધવાવાળી છે. વરલીના શેઠને ત્યાં હું કામ કરતી’તી ત્યાં તે પણ રસોઈ માટે આવતી. મારાથી થોડી મોટી હશે. બિચારી વિધવા ને માથે છોકરાના ઉછેરની જવાબદારી છે. ગુજરાતી ખાણું લાજવાબ પકવે છે... બીજા દિવસે કજરી જોડે આવેલી સ્મૃતિ શાલીન જણાઈ હતી. તેણે બનાવેલા બટટાપૌંઆ સ્વાદિષ્ટ થયા હતા.

‘તમે બીજે પણ રસોઈ કરવા જશો, એનો મને વાંધો હોય જ નહીં, પરંતુ મમ્મીનો જમવાનો સમય સચવાવો જોઇએ. સવારે અગિયાર અને સાંજે સાત વાગ્યે પહોંચવાનું ફાવશેને? કેમ કે તમારું રહેવાનું પાછું ભાયખલા છે...’ આકૃતિ બધું જ પાકે પાયે કરવામાં માનતી.’ મમ્મીને તેમના સ્વાદાનુસાર ભોજન બનાવી આપજો. તેલ-મીઠાનો વપરાશ અમારે ત્યાં પ્રમાણમાં ઓછો થાય છે એ કહી દઉં...’

કજરી-સ્મૃતિની સેવાથી સંતુષ્ટ થઈને આકૃતિ અમેરિકા પરત થઈ હતી... અને આ છ-આઠ મહિનામાં બન્નેએ ફરિયાદનો મોકો આપ્યો નથી. વચમાં કજરીનો વર માંદો પડતાં તેના ભાગનું કામ સ્મૃતિ કરી આપતી, ક્યારેક એ  રજા પાડે ત્યારે કજરી બા માટે રોટલા ટીપી નાખે. દેવયાનીબહેનને બન્ને જણ ‘બા’ના નામે બોલાવતી. ઓળખાણને વરસથીયે ઓછો સમય થયો હોવા છતાં આત્મીયતાનું, વિશ્વાસનું વાદળ રચાઈ ગયેલું.

એમાં તિરાડ સર્જાવા લાગી હતી પાછલા થોડાક વખતથી! ‘આ કજરી તમારી સાથે ને સાથે જ હોય છે, દેવીબહેન!’

ગયા મહિનાની જ વાત. સાંજે દેવદર્શને નજીકની હવેલીએ નિયમિત જતાં દેવયાનીબહેન જોડે સ્વાભાવિકપણે કજરી હોય જ. મંદિરના ગ્રુપમાં પહેલી વાર તેની વિરુદ્ધ અવાજ ઊઠ્યો હતો.

‘જરા સાવધ રહેજો. આજકાલની નોકરાણીઓનો ભરોસો નહીં! કેવું બને છે આજકાલ, વાંચતાં નથી?’

દૂરના બાંકડે બેઠેલી કજરી સુધી ચર્ચા ન પહોંચે એટલા ધીમા સ્વરે એકલવાયા વૃદ્ધોની સલામતીનો મુદ્દો ચર્ચાતો હતો. રજૂઆત કરનારાં માયાબહેન તો દૃઢપણે માનતાં કે એકલી વ્યક્તિએ નોકર રાખવા કરતાં જાતે કામની ટેવ પાડવી બહેતર! એકલા રહેનારામાં દેવયાનીબહેન સિવાય બીજું કોઈ ગ્રુપમાં નહોતું એટલે તેમણે તો ‘અમેરિકા શિફ્ટ થઈ જાવ’થી માંડીને ‘જાતમહેનત ઝિંદાબાદ’નાં સૂચનો ઝેલવાનાં જ આવ્યાં. દરેક સુઝાવમાં, પ્રત્યેક દલીલમાં તેમને તથ્ય વર્તાયું. આમેય છાપાંના ખબરોથી ચિત્ત ડહોળાયું તો હતું જ.

‘તમે બહુ ભોળાં છો, દેવીબહેન. બીજા પર ઝટ વિશ્વાસ મૂકવાની ટેવ સારી નહીં.’ લગભગ પોતાની જ વયનાં માયાબહેને ખબરદારી દાખવી હતી, ‘હું તો મારા ઘરનાનેય વધુ પડતી છૂટ ન આપું. જોકે એ તેમના હિતમાં જ હોય ને વડીલ તરીકેની ફરજરૂપે થતું હોય, પણ કહેવાનું તાત્પર્ય એ કે નોકરવર્ગને વિશ્વાસને બદલે શકની નજરથી જોવાનું રાખો....’

બસ, ત્યારથી દેવયાનીબહેનનાં આંતરચક્ષુ પર શંકાનાં ચશ્માં ચડ્યાં છે, ને દરેક હત્યા એ વમળને ગહેરું કરતી રહી છે!

એમાં આજે વળી નોકરોની માહિતી પોલીસથાણામાં આપવાનો પ્રસ્તાવ અમેરિકાથી સાંપડ્યો! પણ એ કજરી-સ્મૃતિને રુચશે ખરું?

હીંચકાને ઠેસી મારતાં દેવયાનીબહેને મનોમંથન આદર્યું: કજરી તો ખેર, નીચલા વરણની ગણાય. જોકે સ્મૃતિ ગરીબ તોય કુળવાન તો ખરી જને. તેને અવશ્ય થાણામાં માહિતી આપવાનું પગલું માનભંગસમું ગણાય... તે પોતે બોલીને કદાચ જતાવે નહીં, પણ અપમાનનો બદલો લેવા, ખોરાકમાં ઝેર ભેળવીને મારું પત્તું સાફ કરી દે તો...

ધ્રૂજી ઊઠ્યાં દેવયાનીબહેન ! ગમે એટલું વિચારે કે મારે મારું જ અમંગળ કલ્પવાનું ન હોય, પણ વંઠેલું મન એમ માને ખરું! જાણે ખરેખર વિષ હોજરીમાં ગયું હોય એમ પેટમાં ચૂંથારો થવા લાગ્યો, કપાળે પ્રસ્વેદ ફૂટ્યો, છાતી હાંફવા માંડી. હીંચકાના સળિયે તેમણે મુઠ્ઠી ભીડી : ના, હું એમ નહીં મરું. તારા ડંખીલા ઇરાદાને કામિયાબ નહીં થવા દઉ, નાગણ જેવી સ્મૃતિ!

એ જ વખતે ડોરબેલ રણક્યો.

હાશ!

ઝેર ખાવામાંથી ઊગરી ગયાની રાહત અનુભવતાં દેવયાનીબહેન દરવાજો ખોલવા દોડી ગયાં.

‘સ્મૃતિ તું!’ રસોઇયણને આવકારતાં તેમની નજર ઘડિયાળ પર ગઈ, ‘રોજ નવ વાગતાં સુધીમાં આવી જનારી કજરી નથી આવી, ને અગિયારના ટકોરે આવનારી તું કલાક વહેલી છે! આમ કેમ?’ બાકીનું મનમાં ઉચ્ચાર્યું : ક્યાંક બન્નેએ ભેગાં થઈ મને લૂંટવાનો પ્લાન તો નથી બનાવ્યોને!

તેમની આંખોમાં ઊપસતો ભાવ સ્મૃતિ ખમી ન શકી.

‘જી, રાહુલની પરીક્ષા ચાલે છે એટલે આ અઠવાડિયું થોડી વહેલી આવીશ.’ ઉતાવળી ચાલે તે રસોડામાં દાખલ થઈ. તેના જવામાં દેવયાનીબહેનને ભેદ દેખાયો : સ્મૃતિના મનમાં ચોર હશે તો જ નજર વાળીને સરકી ગઈને! પણ હું તમને ફાવવા નહીં દઉ! આંખ રસોડામાં ને કાન દરવાજે રાખી તેમણે ચોકી ભરવા માંડી.

‘જોતજોતાંમાં નવરાત્રિ પૂરી થવાની ને દિવાળી આવી પહોંચવાની.’

(તું મને વાતોમાં ફોસલાવવા માગે છે, પણ એમ ગાફેલ બને તે બીજા!)

દેવયાનીબહેન તરફથી હં-હાથી વિશેષ પ્રત્યાઘાત મળતાં સ્મૃતિ મૂંગા મોંએ કામ પતાવવા લાગી. તેનેય કદાચ ઉતાવળ હતી.

‘પરીક્ષા આપી રાહુલ આવે એ પહેલાં ઘરે પહોંચી જાઉં.’
‘હં.’
‘બા, હમણાંનાં તમે બહુ બોલતાં કેમ નથી? રાહુલના પેપર બાબત એક શબ્દ ન ઉચ્ચાર્યો તમે! અમેરિકામાં તો બધું બરાબર છેને?’

(ચિંતા તો એવી જતાવે છે, જાણે મારી સગીવહાલી હોય... નાટકિયણ!)

‘કમાલ છે, આજે કજરી નહીં આવી!’ બાઉલ ડાઇનિંગ ટેબલ પર ગોઠવતાં સ્મૃતિ બબડી ત્યારે દેવયાનીબહેનના હોઠ સળવળ્યા.

‘વાહ, એ સવાલ તો મેં તને પહેલાં પૂછ્યો, અંદરોઅંદર કશી મિલીભગત તો નથી કરીને!’

મિલીભગતનો શબ્દપ્રયોગ ખટકે એવો જ હતો. સ્મૃતિના બદલાતા તેવર નિહાળી તેમણે વાળી લીધું, ‘કદાચ તેણે તને કંઈ કહ્યું હોય, બાકી મારા પર તો ફોન નથી આવ્યો.’

‘મનેય તેણે કશી વાત નથી કરી,’ કહી સ્મૃતિએ જવાની તૈયારી આરંભતાં  દેવયાનીબહેન સફાળાં ઊભાં થયાં, ‘જાય છે ક્યાં! તુવેરનું શાક કેવું બન્યું છે એ ચાખ તો ખરી.’

‘બરાબર જ હશે. બા રહેવા દો, મને મોડું થાય છે.’

તેની આનાકાનીથી ઊલટું મનને પુષ્ટિ મળી : જરૂર સ્મૃતિએ રસોઈમાં મારી જાણ બહાર કશુંક ભેળવ્યું હશે, તો જ પોતે ખાવાનો ઇનકાર કરેને! આજે જ કેમ તે જવા માટે ઉતાવળી થાય છે?

‘ના, હં. ચાખ્યા વિના -’ તેમણે સુધાર્યું, ‘થોડું ખાધા વિના જવાનું નથી.’

સહેજસાજ અચરજ દાખવતી સ્મૃતિએ નામ પૂરતું ભોજન આરોગ્યું પછી જ જવા દીધી દેવયાનીબહેને!

સ્મૃતિના ગયા પછી ઝબકરો થયો : અરે, તેનો ફોટો માગવાનું ચૂકી ગઈ હું! કંઈ નહીં, સાંજે વાત.

* * *

‘ગઈ કાલે વધુ એક હત્યા થઈ!’

સાંજની હવેલીની મહિલાબેઠકમાં માયાબહેને વાલકેશ્વરના વિશ્વનાથ મહેતાનો કિસ્સો ઉખેળ્યો.

‘બિચારાનું ઘરમેળે ગળું કપાયું!’

‘હત્યારો કોઈ જાણભેદુ જ હશે’

‘આપણે દર વખતે ઘરનોકર પર શંકા ઠેરવીએ એ ઠીક નથી.’ ગૌરીબહેનના અભિપ્રાયે દેવયાનીબહેન ટટ્ટાર બન્યાં. ‘એટલે?’

‘ખૂનના મામલામાં ઘરનોકર શું, ઘરના જ ઘાતકી બને એવુંય બનતું જ હોયને!’

‘પતિ પત્ન્ાીની સોપારી આપે, ભાઈ બહેનની કતલ કરાવે.’

‘એ તો જેવા જેના સંસ્કાર,’ માયાબહેન બોલી ઊઠ્યાં, ‘છતાં તમારો મુદ્દો એટલા પૂરતો સાચો ખરો કે હંમેશાં નોકર નહીં, હત્યામાં વૉચમૅન પણ સામેલ હોઈ શકે એ માટુંગાના કેસ પરથી સાબિત થયું જને.’

દોઢેક મહિના અગાઉ માટુંગા ઈસ્ટની ગટરમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવેલો. ઉછીના પૈસાની ઉઘરાણી ટાળવા સોસાયટીના વૉચમૅને જ તેની હત્યા કરી હોવાનું ચારેક દિવસ પહેલાં પોલીસે સાબિત કર્યાનો સંદર્ભ દરેકને તાજો થઈ ગયો.

‘સારું છે, દેવયાનીબહેન, તમે રાત માટે કોઈ બાઈ નથી રાખી! અજાણ્યું માણસ રૂમમાં સૂતું હોય તો નીંદર કોને આવે?’

પોતે ઊંઘમાં હોય ને કોઈ ગળું દબાવી દે એ કલ્પના માત્રથી દેવયાનીબહેન થથરી ઊઠ્યાં. આજે તો ઠીક છે, મારા હાથ-પગ ચાલે છે અને રાતવાસા માટે કોઈની જરૂર નથી, પણ આવતી કાલે એવી નોબત આવી તો... દીકરો-વહુ-પૌત્ર અમેરિકા હોય ત્યારે મારે તો અહીં પારકાને સેવામાં રાખીને જ રહેવું પડે, અને એ જ પરાયો વેરી બન્યો તો! હે ઈશ્વર, બીજું બધું કરજે, પણ મને દગા-પ્રપંચભર્યું મોત ન આપીશ!

આવી જ વિચારવશ હાલતમાં ટૅક્સી પકડી. દેવયાનીબહેન બિલ્ડિંગના પ્રવેશદ્વારે પહોંચતાં યાદ આવ્યું, ‘ભાઈ, અહીં જ ઊભી રાખ. સામેથી ફ્રૂટ લેવાનું છે.’

પાઇનૅપલ, ઍપલ ખરીદી તેમણે રસ્તો ક્રૉસ કર્યો ત્યારેય એકસરખા વિચારોમાં જ ગુલતાન હતાં: મંદિરમાં બધાએ કજરીની ગેરહાજરી બાબત નવાઈ જતાવી. આકૃતિએ જણાવેલો માહિતવાળો મુદ્દો એકઅવાજે સ્વીકાર્યો.
‘લાઈએ, મા.’

એક તો દેવયાનીબહેન મનોવિહારમાં ગુમ હતાં, ત્યાં નેપાલી વૉચમૅને સીધી ફ્રૂટની થેલી પકડતાં તે ભડક્યાં : ‘એય, ક્યા કરતે હો!’

તેમની તીણાશે કમ્પાઉન્ડમાં ખુરશી ઢાળી બેઠેલા ચાર-છ પાડોશીઓને ચમકાવ્યા. ‘શું થયું, આન્ટી?’ એકાદે વૉચમૅનને તતડાવ્યો, ‘ક્યું રે ગુરખા, દાદા સમજતા હૈ અપને આપકો!’
‘નહીં...’ ગુરખો થોથવાયો, હું તો બસ માજીને મદદરૂપ થવા..’

દેવયાનીબહેનને પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો. મીઠા સ્વરે ‘સૉરી’ તો કહ્યું, પણ હૈયે ફડકો જાગ્યો : ક્યાંક માનહાનિનો બદલો મારા મોતથી નહીં ચૂકવાયને? ગુરખાનું ભલું પૂછવું!

નાહીધોઈને સ્વચ્છ થતાં મનનો અજંપો ઓસર્યો નહીં. ટીવી ચાલુ કરીને બેઠાં તો એમાંય ખૂનકેસનો ખટલો ચાલતો દેખાયો! ચૅનલ બદલે એ પહેલાં ડોરબેલનો રણકાર ગુંજ્યો : સ્મૃતિ આવી ગઈ!
આવનાર હતી કજરી. એ પણ આવા સમયે!

‘ઓ બા રે...’ આવતાં જ ઠૂઠવો મૂકી દીવાલના ટેકે તે બેસી પડી.

આ વળી શો ખેલ આરંભ્યો કજરીએ! શંકિત બનતાં દેવયાનીબહેનનું ધ્યાન તેની વિખરાયેલી ત્રસ્ત હાલત પર દોરાયું, ‘શું થયું કજરી?’

‘બા, હવે તો તમારો જ આશરો.’ કહેતાં તેણે પગ પકડવાની ચેષ્ટા કરતાં દેવયાનીબહેન બીને પાછળ હટ્યાં. પગ ઉખેડી મને ઊંધે માથે પછાડવાની કે શું!

‘મારા ધણીને બચાવી લો. બા. પોલીસે તેને નાહક જ ગિરફતાર કર્યો છે!’

પોલીસ! ગિરફ્તાર!

‘તમે તો જાણો છો, રઘુ પણ મારી જેમ ઘરકામ કરે છે. ગયા અઠવાડિયે તેણે વાલકેશ્વરમાં નવું કામ બાંધ્યું, તેની હત્યા થતાં પોલીસ આજે રઘુને પકડી ગઈ!’

ત્યારે દેવયાનીબહેનને તાળો બેઠો. સવારે પેપરમાં જેની હત્યા વિશે વાંચ્યું તે વિશ્વનાથના ખૂન બદલ રઘુની ધરપકડ થઈ હતી! આટલી સમજે તેમનાં નેત્રો ચકળવકળ થવા લાગ્યાં.
હત્યારા ધણીની પરણેતર હત્યારણ ન જ હોય એની ખાતરી ખરી? કજરી સાથેનું એકાંત તેમને જીવના જોખમરૂમ લાગવા માંડ્યું

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK