કથા સપ્તાહ - દેવના દીધેલ (શંકા-કુશંકા ૧ )

Published: 3rd October, 2011 16:15 IST

સવારની ચાનો સ્વાદ બગડી ગયો હોય એમ કપ મોઢે માંડવાની ઇચ્છા મરી પરવારી. સ્પીકરમાં ગુંજતા લતાનાં ભજનોમાં હળવો સાદ પુરાવી હરિનામ ભજવામાં ચિત્ત ન ચોંટ્યું. મલબાર હિલના આલીશાન ફ્લૅટની પહેલા માળની બાલ્કનીમાં કતારબંધ ગોઠવેલા ક્યારાઓમાં જળસિંચનનો નિત્યક્રમ પણ તૂટ્યો. થોડી વારે સ્પીકર બંધ થતાં નિ:શબ્દ વહેતા સમયમાં હીંચકાનો આછેરો કિચૂડાટ જ દીવાનખંડમાં પડઘાતો રહ્યો, ક્યાંય સુધી.

 

 

સમીત (પૂર્વેશ) શ્રોફ

હાય રામ!

સમાચારપત્રના અહેવાલે દેવયાનીબહેનની છાતીમાં ધ્રાસકો બોલ્યો : વળી પાછી એકલવાયા વૃદ્ધની હત્યા થઈ! મુંબઈ શહેરમાં આ થવા શું બેઠું છું?

સવારની ચાનો સ્વાદ બગડી ગયો હોય એમ કપ મોઢે માંડવાની ઇચ્છા મરી પરવારી. સ્પીકરમાં ગુંજતા લતાનાં ભજનોમાં હળવો સાદ પુરાવી હરિનામ ભજવામાં ચિત્ત ન ચોંટ્યું. મલબાર હિલના આલીશાન ફ્લૅટની પહેલા માળની બાલ્કનીમાં કતારબંધ ગોઠવેલા ક્યારાઓમાં જળસિંચનનો નિત્યક્રમ પણ તૂટ્યો. થોડી વારે સ્પીકર બંધ થતાં નિ:શબ્દ વહેતા સમયમાં હીંચકાનો આછેરો કિચૂડાટ જ દીવાનખંડમાં પડઘાતો રહ્યો, ક્યાંય સુધી.

‘વાલકેશ્વરમાં ભરબપોરે સિત્તેર વર્ષીય વૃદ્ધની કરપીણ હત્યા!’

છાપાનો સચિત્ર હેવાલ મથાળા સહિત તેમના દિમાગમાં ઘૂમરી ખાઈ રહ્યો છે :

પત્નીના નિધન પછી સંસારમાં એકલા પડેલા વિશ્વવનાથ મહેતા નિવૃત્ત જીવન ગાળતા. સવારે જૉગિંગ અને સાંજે પત્તાંની ક્લબે જવાની તેમની રોજિંદી ટેવ.વાલકેશ્વર જેવા પૉશ વિસ્તારમાં રહેતા આદમીનું આર્થિક સ્ટેટસ સધ્ધર હોય જ, વિશ્વનાથ શારીરિક દૃષ્ટિએ પણ ફિટ હતા. તેમના બાહુબળનો ખ્યાલ હત્યારાને પણ હોવો જોઈએ. કદાચ એટલે જ બપોરે બે-અઢીના સુમારે વિશ્વનાથની હત્યા કરનારે પહેલાં તેમને માથામાં ફટકો મારી બેહોશ કર્યા, પછી ધારદાર ચાકુથી ગળાની ધોરી નસ કાપી નાખ્યાનું પ્રાથમિક તારણ છે. સાંજે વિશ્વનાથ ક્લબે ન પહોંચતાં તેમના મિત્રોએ તપાસ આદરી ત્યારે ખૂન થયાની જાણકારી મળી. સરળ સ્વભાવના વિશ્વનાથને કોઈ જોડે દુશ્મનાવટ નહોતી. ઉપરાંત ઘરની તિજોરી ખુલ્લી અને ખાલી હોવાને કારણે લૂંટના ઇરાદે તેમની હત્યા થઈ હોવાનું જણાય છે. પોલીસતપાસ ચાલુ છે... આટલું લખી નાનકડા બૉક્સમાં પત્રકાર ઉમેરે છે કે પાછલા ત્રણ મહિનામાં વૃદ્ધની હત્યાનો મુંબઈમાં આ ત્રીસમો બનાવ છે! અર્થાત્ દર ત્રીજા દિવસે એક હત્યા! વિરારથી વાલકેશ્વર સુધીના પટ્ટામાં પોલીસના ચોપડે નોંધાયેલી હત્યાઓમાં બે ચીજ ધ્યાન ખેંચનારી છે - એક : ભોગ બનનારની એકલતા અને બીજી : તેની આર્થિક સધ્ધરતા! ઉકેલાયેલા કેસોનું તારણ સૂચવે છે કે મોટા ભાગે આવા કિસ્સામાં ઘરનોકર ઘાતકી નીવડતા હોય છે.

ટ્રીન-ટ્રીન...

ટેલિફોન રિંગના તીણા અવાજે દેવયાનીબહેન ઝબક્યાં. વિચારવમળ સમેટી ફોન તરફ વળતાં નજરથી દીવાલ-ઘડિયાળનો સમય નોંધ્યો : સાડાઆઠ! તો-તો અમેરિકાના ઍટલાન્ટા શહેરથી મારાં દીકરા-વહુનો જ ફોન હોવો જોઈએ... દેવયાનીબહેનનું અનુમાન સાચું નીકળ્યું.

‘ગુડ મૉર્નિંગ, મમ્મી!’

દેવયાનીબહેનની ક્ષુબ્ધતા પૂરેપૂરી ઓસરી નહોતી. અન્યથા તેમણે દીકરાને રાબેતા મુજબનો મીઠો ઠપકો આપ્યો હોત: માન્યું કે બે-અઢી દાયકાથી અમેરિકા સ્થાયી થયેલા તમને અંગ્રેજી શિષ્ટાચારની ફાવટ વધુ હોય, પણ અહીં મારા કાન તો સવાર-સવારમાં ‘જય શ્રીકૃષ્ણ’ સાંભળવા જ ટેવાયા હોય એ કેમ વીસરી જાય છે મારા હોનહાર દીકરા!

સંસ્કાર-સંસ્કૃતિ પરત્વેનો દેવયાનીબહેનનો ઝોક જાણીતો હતો. એકના એક પુત્રને શરૂથી તેમણે આ વિશે સભાન રાખેલો : ડૉક્ટર થઈ ફૉરેન વસવાનું તારું સ્વપ્ન મને એક જ શરતે માન્ય રહેશે - ત્યાં જઈ તું કુળની માન-મર્યાદા વિસારીશ નહીં. જેવો દેશ તેવો વેશની ઉક્તિ સાચી હોવા છતાં માત્ર એને આધાર બનાવી પિમી રંગઢંગે રંગાઈ જવામાં શાણપણ નથી.

જોકે મેડિસિનનું ભણતા અમરે જીવનસાથી તરીકે તેની સહાધ્યાયી આકૃતિને પસંદ કરતાં દેવયાનીબહેનનું અડધું ટેન્શન દૂર થયેલું. ન્યાતીલા સંબંધે આકૃતિનું ઘર-કુળ જાણીતું હતું. નમણી-નાજુક આકૃતિએ તેમનું મન મોહી લીધેલું. હોંશભેર મા-બાપે દીકરાને પરણાવેલો. લગ્નના ત્રીજા મહિને અમર-આકૃતિ અમેરિકા ઊપડ્યાં. ત્યાં જઈ બે-ત્રણ વર્ષ તો ભણવામાં કાઢ્યાં. એમડી થઈ અમરે પોતાનું ક્લિનિક ખોલ્યું, જ્યારે સાઇક્રિયાટ્રિસ્ટમાં સ્પેશ્યલાઇઝેશન કરી આકૃતિએ ગવર્નમેન્ટ હૉસ્પિટલમાં જૉબ સ્વીકારી. પાંચમા વર્ષે પૌત્ર અંશના જન્મ નિમિત્તે દાદા-દાદી, નાના-નાનીની જોડી પૂરા છ મહિના સુધી અમર-આકૃતિએ નવા જ ખરીદેલા મેન્શનમાં રહી હતી, કેવા યાદગાર એ દિવસો!

અમર-આકૃતિનો સતત આગ્રહ રહેતો : મમ્મી, પપ્પાને બૅન્કની જૉબમાં વીઆરએસ લેવાનું સમજાવી તમે બન્ને અહીં શિફ્ટ થઈ જાઓ તો અમનેય એકલું નહીં લાગે...
મોંઘેરા બેબી-સિટિંગને કારણે અમેરિકામાં બાળઉછેર માટે પેરન્ટ્સને ગ્રૅન્ડ પેરન્ટ્સની જરૂર વર્તાતી હોય છે, પણ દીકરા-વહુના કિસ્સામાં આવું ધારવું અન્યાયકર્તા ગણાય. અહીં તો મા-બાપનું ઘડપણ સાચવવાની નેમ હતી.

‘તારા પપ્પાથી મુંબઈ નહીં છૂટે, પણ હું આવતી-જતી રહીશ.’

વર્ષે એક વાર કંઈ નહીં તો મહિનોમાસ માટેય દેવયાનીબહેન ઍટલાન્ટાનો આંટોફેરો કરી લેતાં. અમર-આકૃતિની પ્રગતિથી, ખાસ તો તેમનાં વાણી-વ્યવહારમાં ટકી રહેલા ભારતીયપણાથી હૈયે સંતોષ વ્યાપ્યેલો. અમરે જમાવેલું મિત્રવતુર્ળ ઉચ્ચ બૌદ્ધિકતા ધરાવવાની સાથે પરંપરાગત ગુજરાતીતાને અનુસરનારું હતું એનોય આનંદ અને અંશ તો તેમનો હેવાયો. પોતે ગ્રૅજ્યુએટ એટલે સરળ અંગ્રેજીમાં અંશને રામ, કૃષ્ણ, ઈસપની વાર્તાઓ વર્ણવતાં. દોઢબે વર્ષે આઠ-દસ દિવસ પૂરતા ઇન્ડિયાની લટાર મારવાની ટેવવાળાં અમર-આકૃતિ જોડે પધારતા પૌત્રને દાદી સિદ્ધિવિનાયક, માધવબાગનાં દર્શને લઈ જતાં,ઘૂઘરા-ઊંધિયુંનો રસાસ્વાદ કરાવતાં.

સુખનાં સંભારણાંમાં થોડા દુ:ખના છાંટા પણ હતા. વર્ષોનાં આ વહેણમાં પતિનો સાથ છૂટ્યો, વેવાઈ-વેવાણ પાછાં થયાં. આકૃતિનાં ભાઈ-ભાભી બહેનના પગલે યુએસ મૂવ થઈ ચૂકેલાં એટલે નિકટના ગણાય એવા સંબંધીઓ મુંબઈમાં રહ્યા નહોતા. ગર્ભશ્રીમંતાઈ ઉપરાંત પતિની બચતમૂડીને કારણે દીકરા-વહુ પર આર્થિક અવલંબન સહેજે નહોતું અને હોત તોય અમર-આકૃતિ એવું વર્તાવા ન દે. વૈધવ્ય પછી દેવયાનીબહેને અમેરિકા જ શિફ્ટ થવાનું હોય, તેમને એ ગમ્યું પણ હોત, પરંતુ હેલ્થને કારણે લાચાર બન્યાં. વાનો વ્યાધિ ત્યાંની ઠંડકમાં વધુ વકરતો. છ મહિના અગાઉની છેલ્લી મુલાકાતમાં તેમણે કહી દીધેલું : હવે હું તો ઍટલાન્ટા આવવાથી રહી. પાંસઠ વર્ષે શું પ્લેનમાં ઊડાઊડ કરવી! હવે તમારે જ ઇન્ડિયા આવવાનું, અમેરિકાની ધરતીને મારા આ અંતિમ જુહાર!

‘ઘરડેઘડપણ તું સાવ એકલી રહેશે, મમ્મી?’ અમરનો કંઠ ભીંજાયેલો.

‘સ્વજન જ્યારે સદેહે હાજર ન હોય ત્યારે તેના સ્મરણનો સથવારો કરી લો તો એકલતા કનડતી નથી... મુંબઈમાં દેવદર્શનનો લહાવો માણી શકીશ, સોશ્યલ ફંક્શનમાં હાજરી પુરાવી ઍક્ટિવ રહીશ.’
સાસુને મૂકવા આવેલી આકૃતિએ રિટર્ન થતાં અગાઉ પાકો બંદોબસ્ત ગોઠવી આપ્યો હતો. આખા દિવસની આયા બાંધી, સવાર-સાંજની રસોઈ માટે રાંધવાવાળીની વ્યવસ્થા કરી, માસિક ખર્ચની અમુક રકમ ઘેરબેઠાં તેમને મળી જાય એવું ગોઠવવાની સાથે દર મહિને રૂટીન ચેક-અપ માટે ફૅમિલી ડૉક્ટર સોરાબજી હાઉસ-વિઝિટ કરી જાય ત્યાં સુધીની તકેદારી રાખી.

એ દૃષ્ટિએ, દેખીતી રીતે દેવયાનીબહેનને કશી અગવડ નહોતી, પણ શહેરમાં બનતી ઘટનાઓએ તેમના ચિત્તમાં વમળો સર્જવાનાં ક્યારનાં શરૂ કરી દીધાં હતાં : હું પણ એકલવાયી વૃદ્ધા, પાછી શ્રીમંત! જમાનો બહુ ખરાબ આવ્યો છે. આમ તો આયા કજરી કે કુક સ્મૃતિ આત્મીયતા દાખવતાં હોય છે, પણ કોની મતિ ક્યારે ફરે એ કેમ કહેવાય! આવી પ્રજા આડીતેડી વાતોમાંથીયે ઘરમાં રહેલી મૂડી-મતાની જાણકારી મેળવી લેતી હોય છે. કબાટમાં પચાસેક હજારની કૅશ ઉપરાંત નાના-મોટા દાગીના ગણીને અઢી-ત્રણ લાખનો દલ્લો તો સહેજે નીકળે... જોખમ ઓછું કરવા જ તો ગયા મહિને હીરાનાં લવિંગિયા કાઢી તેમણે જૂઠાં મોતીનાં સાદાં ટૉપ્સ પહેરવા માંડ્યાં હતાં! કામવાળા સમક્ષ બબડી લેતાં : હું તો ઘરમાં રોકડ કે દાગીનો કશું રાખતી જ નથી...

‘હલો, મમ્મી?’

અમરના સાદે તે જાગૃત બન્યાં. ઓહ, પોતે રિસીવર પકડી ઊભાં છે!

‘બોલ દીકરા, તમે સૌ કુશળ છોને?’

‘યા, વી આર પરફૅક્ટલી ઑલરાઇટ... તું કેમ છે? તારા સ્વરમાં પહેલાં જેવો રણકો નથી વર્તાતો હમણાંનો. સહેજે અસુખ જેવું વર્તાતું હોય તો ડૉ. સોરાબજીને તેડાવી લેજે, જરૂર લાગે તો હું આવી જાઉં?’

‘ના...હં... એવું કંઈ જ નથી. આ તો છાપાના સમાચાર અપસેટ કરી મૂકે છે. રોજ હત્યા અને બળાત્કારની દુર્ઘટનાની ખબરો.’ દેવયાનીબહેને સાવધાની રાખી : મુંબઈ એકાકી વૃદ્ધો માટે સલામત નથી રહ્યું એમ કહેવાથી બિચારાં દીકરા-વહુ મારી ચિંતામાં અડધાં થઈ જશે... જોકે ફોનનો હવાલો સામા છેડે આકૃતિએ લીધો ત્યારે જાણ થઈ કે તેઓ અહીંના હાલચાલથી સાવ જ બેખર પણ નથી.

‘મમ્મી, મુંબઈના અપડેટ્સ ચિંતાજનક છે જ. ખાસ કરીને એકલી રહેતી વ્યક્તિઓએ સાવધ રહેવું ઘટે.’

‘હં.’

‘મમ્મી, મારી દૂરની કઝિન શ્રીદેવીનો ખ્યાલ છે? જી, ન્યુ યૉર્કમાં સેટલ થઈ છે તે જ... લાસ્ટ વીક તેના સસરાના માથેથી ઘાત ગઈ. વાશીમાં એકલા રહેતા તેના શ્વશુરજી પર નોકરે હુમલો કરી બે લાખની મતા તફડાવી. શ્રીદેવીના સસરાએ જોકે દંગ થઈ જવાય એવી સમયસૂચકતા દાખવી. લૂંટારા સમક્ષ મર્યાનો ડોળ કર્યો અને જેવો તે ઘર બહાર નીકળ્યો કે બાલ્કનીમાં દોડી જઈ બૂમાબૂમ કરી બદમાશને ઝડપાવી દીધો!

પોલીસતપાસમાં પછીથી જાણ થઈ કે મુંબઈમાં ઘરનોકરનાં કામ કરનારો બિહારમાં ખૂન કરીને ભાગેલો આરોપી છે!’

‘હાય-હાય...’ દેવયાનીબહેન મોં વકાસી ગયાં, ‘જોકે શ્રીદેવીના સસરા રહ્યા પુરુષ. એકલી બાઈમાણસને આવું સૂઝેય નહીં. મારા જેવીનું તો હાર્ટફેલ જ થઈ જાય!’ આખરે તેમનો ડર ડોકાયો.

‘ડરો નહીં, માત્ર થોડી સાવધાની જરૂરી છે, મમ્મી. મને તો શ્રીદેવીના શ્વશુરે અનુભવે મેળવેલો પદાર્થપાઠ ગમ્યો. એ અનુસાર, મમ્મી આપણે આપણા ઘરનોકરોની પ્રાથમિક માહિતી નજીકના પોલીસ-સ્ટેશને આપી
રાખવી ઘટે, જેથી તેનો કોઈ પોલીસ-રેકૉર્ડ હોય તો એની જાણ થાય અને ઘરમાં દાખલ કરતી વેળા આપણા મનમાં સંદેહ ન રહે.’

આકૃતિએ ઉમેર્યું, ‘મને લાગે છે મમ્મી, આપણે પણ કજરી-સ્મૃતિની વિગતો પોલીસમાં દેવી જોઈએ, તમે માત્ર બન્નેનાં ફોટા અને વિગત તૈયાર રાખજો. મારા ભાઈનો ફ્રેન્ડ નિહાર તમારી પાસેથી માહિતી લઈ પોલીસ-સ્ટેશનની કાર્યવાહી નીપટાવી આપશે. અમરે તેની જોડે વાત કરી લીધી છે.’

દીકરા-વહુની કાળજીથી માનું હૈયું ગદ્ગદ થયું.‘જોકે આપણે ચિંતા કરવા જેવું નથી. પહેલે માળે આપણી સામેનો ફ્લૅટ ભલે ખાલી હોય, બિલ્ડિંગમાં અન્ય નેબર્સ બહુ કાઇન્ડ અને હેલ્પફુલ છે. ઇન્ટરકૉમથી પરમિશન લઈને જ વૉચમૅન અજાણ્યા આગંતુકને પ્રવેશવા દે છે, લિફ્ટમૅનની હાજરી પણ આવનારાને ચોંપમાં રાખે છે...’

દેવયાનીબહેન કહી ન શક્યાં કે આટઆટલા બનાવ બન્યા પછી વૉચમૅન, લિફ્ટમૅન કે ઈવન મિલ્કમૅન પર તો ભરોસો રાખવો ખાસ દુષ્કર છે!

‘વ્યર્થ ચિંતા ન કરશો, મમ્મી. લો અંશ જોડે વાત કરો.’

‘હાય દાદી! કહેતી હો તો હું ઇન્ડિયા આવી જાઉં... ઇન ફૅક્ટ, મારે તો મેડિસિન મુંબઈમાં જ ભણવું છે. પપ્પા-મમ્મીની કૉલેજમાં. સો ઍટ ઍની ટાઇમ આઇ વિલ બી ઇન મુંબઈ!’

‘તું તો મારો વહાલો દીકરો, પણ બેટા, અભ્યાસ બાબત મા-બાપને પૂછીને નર્ણિય કરજે. બાકી તમને જોવા મારી આંખો તરસતી જ હોય છે.’ ડૂમો ખાળી તેમણે ગળું ખંખેર્યું.

‘ચલ, હવે તારી ગર્લફ્રેન્ડની ખાતાવહી ખોલ. પેલી ધોળી છોકરી જોડે બહુ આગળ નથી વધ્યોને!’

અમેરિકાની પાછલી મુલાકાતમાં દેવયાનીબહેને સત્તરેક વર્ષના પૌત્રની અમેરિકન ક્લાસફ્રેન્ડ ક્રિસ્ટીના સાથેની ઘનિષ્ઠતા નોંધી હતી. પોતાનો અણગમો જાહેર કરવાનું તે ચૂક્યાં નહોતાં : નિર્દોષ મૈત્રીનો મને વાંધો નથી, બાકી પરદેશી કન્યાને વહુ તરીકે સ્વીકારવામાં અણખટ જાગે એટલી જુનવાણી તો હું ખરી જ!

‘મમ્મી, એ તબક્કાને હજી ઘણી વાર છે.’ કહી અમરે ચર્ચા પર પડદો પાડી દીધેલો. છતાં તક મળ્યે પૌત્ર સાથે સંબંધનું સ્ટેટસ ચકાસ્યા વિના રહેતાં નહીં, અને અંશ દાદીથી સચ છુપાવતો નહીં. ‘દાદી અત્યારે તો મેં માત્ર સ્ટડીઝ પર ફોકસ કરવા ધાર્યું છે.’

હરખ અનુભવતાં દેવયાનીબહેને ફોન મૂક્યો એવી જ દરવાજાની ઘંટડી રણકી. કજરી જ હોવી જોઈએ... લૉક ખોલતાં તેમને અવઢવ થઈ. પોલીસમાં માહિતી આપવાનો સુઝાવ કજરી-સ્મૃતિને સ્વીકાર્ય બનશે ખરો?

(ક્રમશ:)

(આ વાર્તા સાથે મૂકવામાં આવેલી તસવીર માત્ર પ્રતીકાત્મક છે)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK