કથા સપ્તાહ : સત-અસત (શક્ય-અશક્ય - 5)

Published: 30th September, 2011 19:09 IST

કશાક ખખડાટે, કદાચ કોઈના સાદે, તેજલની નીંદર ઊડી ગઈ. આકાશ ગોરંભાયું હતું, તારલાનો ઓછાયો વર્તાતો ન્ાહોતો. વાતાવરણ કંપાવતાં વાદળાંના ગડગડાટની સાથે જોશભેર વીંઝાતા પવનમાં આસોપાલનાં વૃક્ષો ડોલી રહ્યાં હતાં, એમાં વીજની ચમક શિવના તાંડવનૃત્ય જેવી ભયાનકતા પ્રેરતી. અટાણે કોણ હશે?

 

અગાઉના ભાગ વાંચો

ભાગ 1 | ભાગ 2 | ભાગ 3 | ભાગ 4

 

- સમીત (પૂર્વેશ) શ્રોફ


એક માળના મકાનમાં તેજલ ઉપરની ઓરડી વાપરતી. મુખ્ય દરવાજાને આગળિયો મારી દેવજીકાકા નીચે સૂતા. અંબામાની નિશ્રામાં અહીં કોઈ ભય નહોતો. આંગણાની બત્તી પાડી તેજલે બારીમાંથી ડોકિયું કર્યું એ જ ક્ષણે સાધુની નજર ઊંચકાઈ. પળવારના તારામૈત્રકમાં બન્ને માટે સમય જાણે થંભી ગયો.

આ સ્ત્રીને જોતાં હૈયે સ્પંદન શાના જાગ્યાં? તેજલ નામ હવે સાવ અજાણ્યું કેમ નથી લાગતું! બારીએ ઊભેલી નારીના રૂપનો આ પ્રતાપ છે કે પછી... નિત્યાનંદ બનીને આવેલા રાજને સમજાયું નહીં!

કંઈક એવી જ હાલત તેજલની થઈ. સાધુની આંખે મારી દૃષ્ટિ કેમ જકડી લીધી? કેસરિયાં વjાોમાં દેદીપ્યમાન લાગતી તેમની દેહરેખાઓ મારા ચિત્તમાં કયો સળવળાટ સર્જે છે?
‘દેવી, અતિથિ બની આવ્યો છું.’

આ અવાજ... દેવીનું સંબોધન... હવાના વીંઝણાથી મંદિરમાં ઘંટારવ થયો. મા અંબા રક્ષા કરજો! બીજી પળે તેજલ નિ:સ્પૃહ થઈ, તેનું ધ્યાન પણ ફંટાયું, ‘મહારાજ, આ લોહી શાનું? આપના ચરણે ઘા થયો લાગે છે.’

તેજલ સડસડાટ મેડીનાં પગથિયાં ઊતરી. આગળિયો ખોલી આવકાર આપ્યો, ‘પધારો મહારાજ.’

***

ત્રણ દિવસમાં તો નિત્યાનંદ મહારાજનું આગમન વેજપુરમાં જાણીતું બની ગયું : ભારતભ્રમણે નીકળેલા સાધુપુરુષમાં ગજબની મોહિની છે. પથ્થરની ચોટને કારણે તળિયું ઘવાયા છતાં રુધિરભીના ચરણે ડુંગર ચડ્યા એમાં જ તેમની મા પ્રત્યેની આસ્થા છતી થાય છે. ઈજાવશ હાલતમાં તેમણે ફરજિયાત રોકાવું પડ્યું એટલે હવે નવરાત્રિમાં પણ મહાત્માજીના સત્સંગનો લાભ મળવાનો!

દેશની જનતા એટલી ભોળી છે કે એક ભગવાંધારી ને બીજા ખાદીધારી વરસોથી લૂંટતા હોવા છતાં આજેય લૂંટાતી જ રહે છે! બપોરની વેળા આંગણે ઢાળેલા ઢોલિયામાં આડા પડેલા રાજના હોઠ કટાક્ષમાં વંકાયા : આમ જુઓ તો બાવા બનવાનો ધંધો ખોટનો નથી! ભક્તોએ ધરેલો શુદ્ધ ઘીનો પ્રસાદ આરોગવાનો, બે-ચાર સુફિયાણા ઉપદેશોથી તિજોરી છલકાવાની અને ઍર-કન્ડિશન્ડ આશ્રમમાં તેજલ જેવી સાધ્વી જોડે -

રાજનું સ્મિત સુકાઈ ગયું. આમ જ થતું. તેજલ વિશે વિકારી કલ્પના પણ પોતે કરી નથી શકતો. શું કામ? તેના સદ્ભાવનાભર્યા વ્યવહારને કારણે?

‘યોગીજી, આપને સ્ત્રીસ્પર્શનો  બાધ નથીને?’

ડુંગરની પહેલી રાત્રે પોતાને આવકારી તેણે એવો પ્રશ્ન પૂછ્યો કે રાજની કમર સીધી થઈ જાય : મારા આગમનનું પ્રયોજન પામી તે કટાક્ષ તો નથી વેરતીને? તેને કેમ કહેવું કે તારો સ્પર્શ માણવા જ હું આવ્યો છું!
‘દેવજીકાકાની નીંદરમાં ખલેલ નથી પાડવી. આપ કહો તો હું ઘાબાજરિયું કરી દઉં.’

કેટલી ચોકસાઈપૂર્વક ગરમ પાણીથી મારો ઘા ધોઈ તેજલે પાટો બાંધ્યો હતો. હળદરવાળું દૂધ પીરસી મારું બિછાનું પાથરી તે મેડીની રૂમે ગયેલી. પ્રભાતમાં તેના સુરીલા કંઠે વહેતા ભજનથી પ્રેરાઈ દેવજીની સહાયથી ઝડપભેર પ્રાત:ક્રિયા નીપટાવી મંદિરે પહોંચ્યો હતો. જમણા પગની ઈજાને કારણે ડાબા પગે લંગડી કરવાની ફાવટ આપોઆપ જ આવી ગયેલી જાણે.

‘જય અંબે, દેવી.’ તેજલે ધરેલો પ્રસાદ જમણા હાથના ખોબામાં ઝીલતાં પોતે આમ કેમ બોલી ગયો એનું અચરજ થયું, પણ એમાં તેજલે શું કામ ચોંકવું જોઈએ એ હજીયે નથી સમજાતું!

‘દેવજીકાકા, આજે રસોઈ હું બનાવીશ.’ ચાકરને સાદ પાડી તેજલે પૂછ્યું હતું, ‘રીંગણનું ભડથું ભાવશેને?’

‘એ તો મારું પ્રિય શાક.’

ધાર્યું સાંભળીનેય હેબતાઈ ગઈ હોય એમ તેજલ મને તાકી રહેલી.

બીજી બપોરે મેં કંટાળો જતાવેલો : તમારી સેવા લેવાનું સાધુજીવને ન શોભે! મને કંઈ કામ ચીંધતા હો તો?

‘કામ!’ જાણે આવા જ કોઈ પ્રસ્તાવની રાહ જોતી હોય એમ તેજલે આંગળી ચીંધી હતી, ‘જુઓને, પ્રાઇમસ પેટાવાતો નથી.’

એન્જિનિયરની કુશળતાથી ખામી શોધી મેં સ્ટવ રિપેર કરી આપ્યો. ‘તમને ઇજનેરીકામની ફાવટ લાગે છે. જુઓને, તમારા હાથ પણ કેવા બરડ છે.’ અધીરાઈભેર તેણે ઉમેરેલું, ‘સાધુને પૂર્વાશ્રમ પૂછવાનો નિષેધ ન હોત તો તમારાં ગામ-કુળ જાણવા ગમત.’

- તેજલે પૂછ્યું હોત તોય મારાથી એમ ઓછું કહેવાત કે ભૂતકાળની મારી પાટી સાવ કોરી છે!

‘યોગીજી...’

તેજલના સાદે રાજ વિચારમાંથી ઝબક્યો.

‘જાગો છોને? એક કામ કરશો? હું લખાવું એ પ્રમાણે પૂજા-પ્રસાદની યાદી બનાવી દોને, નોરતામાં સવાર-સાંજ ભક્તોની ભીડ રહેશે. કાલથી નવ દિવસ માટે નાળિયેર-ફૂલહારની વ્યવસ્થા આપણે જ કરવાની રહેશે. તમામ આવક લોકકલ્યાણનાં કામોમાં વપરાય છે.’ રાજને પેડ-પેન ધરી તેજલ સૂકવેલાં કપડાંની ગડી વાળવા બેઠી ‘લખો.’ અને તેની નજરે આંચકો અનુભવ્યો. હૈયે ઝંઝાવાત ફૂંકાયો : યોગીજીએ ડાબા હાથે પેન પકડી હતી - મારો ઓમ પણ ડાબોડી જ હતોને! આમ, સાધુનાં કેટલાંય લક્ષણ મારા ઓમને મળતાં આવે છે, માત્ર ચહેરો જ જુદો છે!

‘ક્યાં ખોવાયાં, દેવી?’

જેમ-તેમ યાદી પૂરી કરાવી, કાગળ લઈ તેજલ મેડીનાં પગથિયાં ચડી ગઈ. પટારો ખોલી પત્રોનું પોટલું કાઢતાં હાંફી જવાયું. ઓમે લખેલા પ્રેમપત્રોની લિખાવટ પણ નિત્યાનંદના લખાણ સાથે હૂબહૂ મેળ ખાતી જોઈ. તેજલની છાતી ભીંસાવા લાગી : યોગીજી પરસ્ત્રી તરીકે મને દેવી કહીને સંબોધે એ સ્વાભાવિક ગણાય, પણ એમાં ઓમના સંબોધનની મીઠાશ કેમ પડઘાય છે મને? ઓમ શરૂથી મને દેવી કહી સંબોધતો. પ્રસાદ લેતી વેળા જય અંબે બોલવાની તેને ટેવ હતી. રીંગણનું ભડથું તેને બહુ ભાવતું... બે વ્યક્તિ વચ્ચે આટઆટલી સામ્યતા માત્ર ને માત્ર જોગાનુજોગ કઈ રીતે હોઈ શકે?

તો શું યોગીજીના રૂપમાં મારો ઓમ પાછો આવ્યો છે! દરિયાઈ અકસ્માતની ઈજાને કારણે ચહેરાની સર્જરી કરવી પડી હોય, અને એ જ ઈજાને પ્રતાપે તેમની યાદદાસ્તે દગો દેતાં સાધુ બની ભટકતાં હોવાનું શક્ય છે ખરું?

શક્ય-અશક્યની એક અંતિમ પરીક્ષા હજી થઈ શકે... ઓમના જમણા સાથળે લાખું હતું. એ નિશાની યોગીજીને પણ હોય તો આટલા દિવસોની મારી દ્વિધાનો અંત આવે! આવેશમાં આવી ગયેલી તેજલે માંડ હોશ સંભાળ્યા : યોગીજીને આવું સીધેસીધું પુછાય નહીં અને કોઈની ગુપ્ત નિશાની નિહાળવાનો અર્થ... તેજલને કમકમાં આવ્યાં: ઓહ, મારા સતની આ તે કેવી કસોટી!

***

વેજપુરમાં થયેલા સ્વાગતે અવનિને રોમાંચિત કરી મૂકી. વિરલે બરાબર હવા જમાવી હતી : આપણો આનંદ તો મુંબઈ જઈ બહુ મોટો ઉદ્યોગપતિ થઈ ગયો છે.’ ગણેશોત્સવમાં મોટો ફાળો મોકલ્યો એમ દશેરાનું ભોજન પણ તેના તરફથી યોજાવાનું છે. ભવિષ્યમાં ગામમાં શાળા-તળાવ બંધાવે પણ ખરો કહી મહાજનની કોણીએ ગોળ ચોંટાડવાનુંય ન્ાહોતો ચૂક્યો! પરિણામે માતાની આઠમે આવી પહોંચેલાં આનંદ-અવનિને ઉમળાકભેર વધાવવામાં આવ્યાં. સમય વર્તી વીર-શૌર્યે પણ આવકારનું શાણપણ દાખવ્યું. દેરાણી-જેઠાણી વચ્ચે અવનિને રાજી રાખવાની જાણે હોડ જામી. આ બધામાં આનંદની કરણી કે તેજલના તમાચાનો ભૂતકાળ ક્યાંય નહોતો!

***

‘બપોરે કુળદેવીને પગે લાગી સાંજે આપણે ડુંગરે માતાનાં દર્શને જવાનું છે,’ અવનિ વામકુક્ષિ માણતા આનંદના પડખે ગોઠવાઈ, ‘ત્યાંનાં સાધ્વીની વાત નીકળતાં સ્મિતાભાભી કંઈક એવું બોલી ગયાં કે તમને તેની ખાસ ઓળખ છે...’

આવું કશુંક બનવાની ભીતિ હતી જ, પણ એથી કંઈ અવનિને સત્ય ન કહેવાય!

‘તેજલ, નવરાત્રિમાં અમારા મંડળને ઊલટભેર મદદ કરતી હોવાનું સાંભળી ભાભી બોલ્યાં હશે...’

બપોરે વારાફરતી તેણે બન્ને ભોજાઈઓને લાગમાં લીધી : ભાભી, સોનાની સાંકળ વિના તમારી ડોક સૂની લાગે છે! આ લો રૂપિયા, પણ જોજો અવનિને ચાડી ન ખાતાં હં! તેને તેજલ વિશે વ્ાહેમ ન જાય... અરે હા, ડુંગર પર કોઈ જુવાન સાધુ રોકાયો છે તેની સાથે તેજલનું કોઈ ચક્કર...’

જમાનાની ખાધેલી ભોજાઈઓએ રૂપિયાની થોકડી સાડલાના છેડામાં છુપાવી. તેજલની આબરૂ ઉઘાડવાની કામગીરી મોઘમમાં જ સ્વીકારી ચૂકી એટલે તેજલ, ચોવીસ કલાકમાં તો તું વગોવાઈ જવાની!

***

આકાશમાં સંધ્યાના રંગ વિખેરાયા હતા. ડુંગરની ટોચેથી તેજલનો મધુર સ્વર માતાની સ્તુતિ રેલાવી ર?ાો હતો. સમગ્ર વાતાવરણમાં પવિત્રતાનાં છાંટણાં હતાં. નજીક જવાનું થાય છે એમ હૈયે દ્વેષ મંદ કેમ પડતો જાય છે? શું હું પણ તેજલના સતના પ્રભાવમાં આવી ગયો? આનંદે બળપૂર્વક ડોક ધુણાવી : છટ્! જોકે તેજલથી થોડે દૂર જ તે થંભી ગયો. તેનું યૌવન, તેનો ઠસ્સો હજીયે એવો જ લાગ્યો, આજેય તે પ્હોંચની બહાર જ જણાઈ!

અવનિ તેજલને મળી અભિભૂત થતી દેખાઈ. અરે, બન્ને મારી પાસે આવી રહ્યાં છે!

‘તમને નવા રૂપે, સુખી જોઈ સંતોષ થયો, આનંદ.’

તેજલના ઉદ્ગારમાં બનાવટ નહોતી. તમાચાના તમાશા પછી આનંદે ઘર-ગામ છોડ્યાનો તેજલને સંતાપ થયેલો, પોતે વધુપડતી આક્રમકતા દાખવ્યાનું અનુભવેલું. જોકે કાકાના પાકીટમાંથી હજાર રૂપિયા લઈને નીકળેલો આનંદ આપઘાત નહીં જ કરે એટલું આશ્વાસન હતું. આનંદ જેવા અળવીતરાને જીવનસાથી તરીકે સ્વીકારવાનો તો સવાલ જ નહોતો. હા, રોષનું સ્થાન અનુંકપાએ લીધેલું : મારો તમાચો તેનું જીવન સુધારે એવું કરજે, માવડી!ની પ્રાર્થના પણ તે કરતી. ઓમ સાથેના લગ્નજીવન પછી આખો કિસ્સો નેપથ્યમાં ધકેલાઈ ગયેલો. અમારા સહજીવનમાં ત્રીજાનો અવકાશ જ ક્યાં હતો? જૉબને કારણે વેઠવાનો થતો છ મહિનાનો વિરહ તેમની યાદોથી મીઠો બની જતો અને સહવાસમાં અમે વૃક્ષ-વેલ બની જતાં. તે મારા દેવ, હું તેમની દેવી. આમ તો મેં કશું ખોટુ કર્યાનું હું માનતી નથી, પણ ક્યાંય આનંદની ચાહત સાચી હોય અને તેના નિ:સાસા મને નડતા હોય તો મારે માફી માગી લેવી જોઈએ, અવનિ નિત્યાનંદના આર્શીવાદ લેવા જતાં એ મોકો પણ મળ્યો :

‘આનંદ, તમારી ભાવનાને મેં તમાચાનો શિરપાવ આપ્યો, એ ભૂલ સુધારી શકું એમ તો નથી, છતાં અંત:કરણપૂર્વક એની માફી જરૂર માગું છું.’ તેજલે બે હાથ જોડ્યા, પાંપણે બે બુંદ જામ્યાં. ‘અવનિને સુખી કરજો એટલું વચન પણ હકથી માગું છું.’

ભક્તિના ધામમાં, કદી જેના પ્રત્યે હૈયું ઢYયું હોય તે  સ્ત્રી ભાવભીના સ્વરે આમ કહે ત્યારે વેર-ઝેરને સ્થાન રહેતું નથી. બદલો ઘૂંટતો માણસ પળમાં નિવૈર્ર થઈ જાય એ સતનો ચમત્કાર નહીં તો શું?
‘તારો - તમારો તમાચો મને ફYયો તેજલ. મને અવનિ મળી.’ વિરલે અગાઉ દર્શાવેલો દૃષ્ટિકોણ આનંદે આજે અંતરથી અપનાવી લીધો.

‘સાધુ સાથે મારે વાત થઈ, એ તો મહાન તપસ્વી છે. આપણા તરફથી તેમની કે તેજલની બદનામી ન થવી જોઈએ.’ દમામથી કહીને આનંદે ભાભીઓ સમક્ષ ફેરવી તોYયું. રાજને તેજલને હાનિ પહોંચાડ્યા વિના સરકી જવાની આજ્ઞા આપી આનંદ હળવો થઈ ગયો.

***

આનંદે ખરા ટાણે મને ધર્મસંકટમાંથી ઉગાર્યો! તેજલનું સત જ પોકાર્યું હશે. જોકે મારા મનમાં તેના પ્રત્યે ભક્તિભાવને બદલે સ્નેહભાવ કેમ ઊપજે છે? જાણે પૂર્વજન્મનો ઋણાનુબંધ હોય!

રાજે રાત્રિનો સૂનકાર માપ્યો. નવરાત્રિના છેલ્લા ગરબા સમેટાઈ ચૂક્યા હતા. મારેય હવે ખેલ સમેટી લેવો જોઈએ... પણ જતાં પહેલાં તેજલની ક્ષમા તો પ્રાર્થી લઉં! આનંદ તરફથી જોખમ રહ્યું નથી, એટલે તેના ઉલ્ેલખ વિના હું એટલું તો કહી શકું કે જેની સાધુ માની તમે સેવા કરી તે ખરેખર તો આડા રસ્તાનો આદમી છે!

દેવજીની નીંદરમાં ખલેલ ન પડે એમ રાજ પ્રથમ વાર મેડીનાં પગથિયાં ચડ્યો. ‘આટઆટલા દિવસથી મૂંઝાઉં છું. મે માર્ગ ચીંધો, ઓમ!’ શબ્દોભેગું ડૂસ્ાકું અફળાયું. કોણ, દેવી રડે છે! વિહ્વળ થતાં રાજે બારણાંની તિરાડમાંથી જોયું તો ફોટોફ્રેમને સીનાસરસી ચાંપી આંસુ સારતી તેજલે છેવટે એ ફ્રેમ ટિપાઈ પર મૂકી અને એમાંની તસ્વીર જોતાં જ દિમાગમાં ખળભળાટ મચ્યો હોય એમ ‘દેવી!’નો સાદ પાડી બારણું હડસેલી તે રૂમમાં દાખલ થયો.

‘આ તસવીર તમારી પાસે ક્યાંથી? આ તો હું છું. આંદામાનના દરિયાકિનારે મળેલો હું ત્યાંની સરકારી હૉસ્પિટલમાં છ મહિને કૉમામાંથી જાગ્યો ત્યારે પુરાણા અસ્તિત્વની ઓળખરૂપ માત્ર એક તસવીર હતી; પ્લાસ્ટિક સર્જરીના ઑપરેશન પહેલાં ડૉક્ટરે પડાવેલી, જેમાં જમણો ગાલ ચિરાયેલો હતો... ભૂતકાળ ભૂલેલો હું વરસોથી ધ્યેયહીન મુસાફરની જેમ આડા રસ્તે ભટકું છું... આજે આશાનું કિરણ મYયું. બોલો દેવી, હું કોણ છું?’

‘ધન્ય છે માવડી!’ અશ્રુધારા વહાવતી તેજલ દોડી ગઈ. ‘ઓમ! મારા ઓ...મ’ હર્ષના આવેગમાં તણાતી તે રાજ-ઓમના આગોશમાં બેહોશ થઈ ઢળી પડી.

ઉપસંહાર : રાજ ઓમ હોવાનું સાબિત થતાં શંભુમામાના ઘરમાં ઓમ-તેજલના ગૃહસંસારને અનુસંધાન સાંપડ્યું. તેજલે આનંદને તમાચો માર્યો ન હોત, આનંદના મનમાં બદલાની ગાંઠ પડી ન હોત તો કદાચ અસતના રૂપમાં ઓમનું પુનરાગમન શક્ય ન બનત! આમાં

રાજ-આનંદની કડી તેજલ-અવનિ-વિરલ સમક્ષ ખૂલી, પણ તેનો અફસોસ નહોતો. મા અંબાના આશિષથી વીર-શૌર્ય સહિત બધા વચ્ચે હવે સંપ, સ્નેહ અને સદ્ભાવના છે. એ છેવટે તો સતનો જ પ્રભાવને!

(સમાપ્ત)


અગાઉના ભાગ વાંચો

ભાગ 1 | ભાગ 2 | ભાગ 3 | ભાગ 4

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK