કથા સપ્તાહ : સત-અસત (શક્ય-અશક્ય - 4)

Published: 29th September, 2011 16:02 IST

વિરલનો તેજલ બાબતનો ખુલાસો તપ્ત જિગર પર અમીછાંટણાં જેવો નીવડ્યો હતો આનંદ માટે. જોકે કુદરતે બદલો લીધાનું તેનું કથન આનંદને સ્વીકાર્ય નહોતું : તેજલને વૈધવ્ય આવ્યું, કેમ કે તેના પતિની આવરદા ઓછી પડી, તેને મારી માનહાનિ સાથે શું લાગેવળગે? મને માનભંગ કરવાના અપરાધનો દંડ તો મારે જ આપવાનો હોયને!

 

 

અગાઉના ભાગ વાંચો

ભાગ 1 | ભાગ 2 | ભાગ 3


- સમીત (પૂર્વેશ) શ્રોફ

તેજલ વિધવા છે!

વિરલનો તેજલ બાબતનો ખુલાસો તપ્ત જિગર પર અમીછાંટણાં જેવો નીવડ્યો હતો આનંદ માટે. જોકે કુદરતે બદલો લીધાનું તેનું કથન આનંદને સ્વીકાર્ય નહોતું : તેજલને વૈધવ્ય આવ્યું, કેમ કે તેના પતિની આવરદા ઓછી પડી, તેને મારી માનહાનિ સાથે શું લાગેવળગે? મને માનભંગ કરવાના અપરાધનો દંડ તો મારે જ આપવાનો હોયને!

બદલાની ભાવના શરૂમાં કેમ નહોતી જન્મી એની આનંદનેય નવાઈ લાગેલી. બળાત્કારથી હું તેની કાયાને ભોગવી શક્યો હોત, તેજાબથી તેજલનો ચહેરો બાળીને ભાગવાનું ત્યારે કેમ ન સૂઝ્યું?

- કેમ કે ત્યારે મારી પ્રાથમિકતા અલગ હતી! ગામની વચ્ચે અપમાનિત થયેલો હું ભીતરથી ભાંગી ચૂક્યો હતો. પહેલાં મારે સંધાવું હતું અને એ પ્રક્રિયામાં ન અપમાન, ન તેજલ, ન વેજપુર - કોઈને સ્થાન નહોતું. સાપ કાંચળી ઉતારે એમ પોતે ભૂતકાળથી અળગો થયાનું માનતો હતો, પણ મિત્રના આગમને આખો ખંડ તાદૃશ્ય કરી દીધો એમાં પોતે ભોગવેલી અવહેલના કઠવા લાગી, તમાચો હૈયે ચચવવા લાગ્યો:

શૂન્યમાંથી સર્જન કરવાનું મારામાં કૌવત... ને તોય મેં છોકરીના હાથનો માર ખમી લીધો? અંહ હવે તો વળતો વાર કર્યા વિના ચેન નહીં પડે! બદલાનો નર્ધિાર મનોમન તો વિરલ સાથેની હીંચકા-બેઠકમાં જ લેવાઈ  ગયેલો.

‘આનંદ તારે જાણવું ન હોય તો પણ હું કહ્યા વિના રહી નથી શકતો,’ વિરલે વાત આગળ વધારેલી, ‘તારા ગયાના વરસેક પછી તેજલનાં લગ્ન લેવાયાં ત્યારે શંભુગોર હયાત નહોતા. બહુ સાદાઈથી વળાવેલી માયાબહેને દીકરીને. ભાવનગરથી આવેલી જાનમાં ચોવીસ-પચીસ માણસો જ હશે, પણ તેજલને પરણનારો નિ:શંક લાખોમાં એક જેવો હતો.’

આનંદે હોઠ કરડેલો, મન મનાવેલું : એમ તો મારી અવનિય તેજલ કરતાં ચડિયાતી સાબિત થઈ છે!

‘તેં ઓમને જોયો હોત, મળ્યો હોત તો કદાચ સમજી શકત તેજલને કેવો ભરથાર ખપતો હતો...  દેખાવમાં પૂર્ણ પુરુષોત્તમ ને ગુણોમાં બત્રીસલક્ષણો! પાર્વતી તો શિવની જ થાય, આનંદ!’

‘આટલો અહોભાવ!’ આનંદે મોં વંકાવેલું, ‘તેજલનું સતીત્વ સાચું હોત તો આમ અકાળે તેની માગ ન ઉજડત!’

‘તું કે હું ભલે એને કુદરતનો બદલો ગણીએ, તેજલ સાથે થયું તો દુર્ભાગ્યપૂર્ણ જ. ઓમ શિપ એન્જિનિયર હતો. વરસના છ-આઠ મહિના સાગરખેડુ બની જહાજ પર વિતાવવાની એની જૉબ લગ્નના બીજા વરસની ખેપમાં ઘાતક નીવડી. મધદરિયે ત્રાટકેલા તોફાનમાં કાર્ગો શિપ ડૂબતાં કરોડોના માલસામાન સાથે સાઠ જેટલા ક્રૂ મેમ્બર્સની જીવતેજીવ  જળસમાધિ થઈ. ઓમ સહિત મોટા ભાગનાની લાશ સુધ્ધાં ન મળી, શાર્કનો શિકાર બની ગયા હશે બિચારા!’

સાંભળીને અનુકંપા જાગવી જોઈએ, આનંદ ઊંધું જ બોલ્યો, ‘મેં તો કદી તેજલને નિસાસા નાખ્યા નથી, પણ પાર્વતીનું બદનસીબ મહાદેવને ભરખી ગયું!’

‘તેજલે ઓમની વિદાય ક્યાંય સુધી નહોતી સ્વીકારી. ઓમની લાશ હાજર કરો, તો જ હું માનું!’ સાસરામાં નિકટનું સ્વજન કોઈ હતું નહીં એટલે માયાબહેન તેજલને પિયર પાછી લાવ્યાં. બિચારાં બીજાં લગ્ન્ાની વાત ઉખેળતાં તો તેજલ વીફરી જતી : તેં ભલે શ્રદ્ધા ગુમાવી હોય, મને મારી માવડી પર વિશ્વાસ છે, મારો ચૂડી-ચાંદલો એ નહીં જ ભાંગવા દે! પરંતુ આનંદ, ગુમ થયેલાને કાયદો પણ સાત વરસે મૃત સ્વીકારી લેતો હોય છે, ત્યારે એકલી સ્ત્રી સમાજ સામે કેટલી ઝીંક ઝીલે? માની વિદાય પછી તેણે સોહાગણના શણગાર ત્યજ્યા, સફેદ સાડલો ન પહેરતાં ભગવાં વસ્ત્રો ધારણ કરી મહાજનની મંજૂરી માગી : સંસારમાં બાંધી રાખનારું કોઈ તત્વ રહ્યું નથી, સાધ્વી બની કોઈ પંથ કે સંપ્રદાયમાં જોડાવાને બદલે મા અંબેની સેવામાં જીવન વ્યતીત કરવા ચાહું છું. તેની માગણીનો થોડોઘણો વિરોધ થયો. વિધવાને માની સેવા કેમ સોંપાય એવી દલીલો બહુમત આગળ ટકી ન શકી, અને પંડિતજી, દેવજી જોડે ત્રીજી તેજલ કાળિયા ડુંગરે રહેવા લાગી.’

શ્વાસ લેવા પૂરતું રોકાઈ વિરલે કથન સાંધ્યું હતું,

‘પંડિત વિશ્વાનંદ પણ હવે તો નથી રહ્યા. તેમની ખોટ તેજલે પડવા નથી દીધી. અરે, તેજલ તો ગઈ કાલનું નામ છે, આજે તો તે ગુરુમા તરીકે આખા પંથકમાં પૂજનીય મનાય છે. તે પોતે જોકે વ્યક્તિપૂજામાં નથી માનતી, ચમત્કારોથી દૂર ભાગે છે. ચારિhયના બળથી, સતના તપથી તેણે આ મકામ હાંસલ કર્યો છે.’

(એથી કંઈ તે મારી ગુનેગાર મટતી નથી! તેનાં ભગવાંથી હું અંજાવાનો નથી.)

‘ગુરુમાએ ક્યારેક કોઈ જુવાનને તમાચો માર્યાનું ગામમાં કોઈને યાદે નહીં હોય! મેં કહ્યું એમ તારી પાસે તો લક્ષ્મીનો રુઆબ છે.’

‘કોણ, કોને રુઆબ દેખાડી રહ્યું છે?’ રસોડામાંથી પરવાયેલી અવનિએ ડોકિયું કરતાં બહાનું બનાવી મિત્રો વચ્ચેની ચર્ચા સમેટાઈ ગયેલી.

પણ એમાંથી નિષ્પન્ન થતી બદલાની ભાવનાએ આનંદને કેટલીયે રાતો જંપવા નહોતો દીધો. વિધવા થઈનેય તેજલે તો સમાજનો સત્કાર જ મેળવ્યો ને જાહેરમાં હડધૂત થવાની વ્યથાથી તે વંચિત રહે એ કેમ ચાલે?

આ દલીલથી બદલાને દિશા સાંપડી હતી : ખૂન કા બદલા ખૂનની જેમ, માનહાનિ સામે માનભંગ!

તેજલનું માન તેના સત થકી છે, તેનું સતીત્વ કલંકિત થાય તો તેનું ચારિhય જાહેરમાં ઉછાળી શકાય... ધૅટ વિલ બી માય રિવેન્જ!

‘શું વાત છે આનંદ, હમણાંના તમે બહુ વિચારવશ જણાવ છો...’

પત્નીની કાળજી પતિને સચેત કરી જતી : ના, અવનિ કે પછી વિરલ સુધ્ધાંને મારા ઇરાદાની જાણ ન થવી જોઈએ, નહીંતર બન્ને મને વારવાની કોશિશ કરશે. અવનિ મને ઘાતકી ધારી લે એ તો ન
જ પરવડે...

‘વિચારોમાં તારી જ સૂરત ભમતી હોય છે...’ આનંદ અવનિને ગૂંગળાવી નાખતો. અને તેના સૂતાં ફરી યોજના ઘડવા બેસતો:

તહેવારિયા ઢૂંકડા છે. પહેલા નોરતે મને તમાચો મારનારની આબરૂ નવરાત્રિમાં જ ઉતરડી હોય તો... સાઉન્ડ્સ ગ્રેટ. હવે પ્રશ્ન છે તેને બેઆબરૂ કરવી કેમ? મંદિરમાં માતાનાં કીમતી આભૂષણો છે, જેની ચોરીના નકલી આરોપમાં તેને ફસાવી શકાય... અંહ, આવા કેસમાં પોલીસતપાસ થાય, એનો રેલો મારા સુધી પહોંચે એ સ્વાભાવિકપણે ન પોસાય. બાઈ ચમત્કારી હોવાનો દાવો કરતી હોત તો તેને ઢોંગી ઠેરવી શકાત... એ વખતે ઊંઘતી અવનિએ પતિને થામવા હાથ ફેલાવ્યો અને આનંદના ચિત્તમાં અજવાળું પથરાયેલું : કામ!

ભગવાં ધારણ કરવા માત્રથી માનવી ભોગથી પર નથી બની જતો. એમાં તેજલે તો સંસારસુખ પણ શું માણ્યું? વિશ્વામિત્રનો તપોભંગ કરવા ઇન્દ્રે મેનકાને મોકલી હતી, એમ મારે એવું પ્યાદું શોધવું રહ્યું, જે તેજલની સુષુપ્ત કામના ઝંકૃત કરી શકે... સમાજથી છૂપા બન્ને સખ્ય માણતાં હોય અને હું ગામઆખાને ડુંગરે દોરી તેમનો ભાંડો ફોડું, કઢંગી અવસ્થામાં ઝડપાયેલી તેજલ કોઈને મોં દેખાડવાને લાયક નહીં રહે! મનોચક્ષુ સમક્ષ એ દૃશ્ય ઉપસાવતાં આનંદે નર્ણિય પર મહોર મારી દીધી : ધીસ હૅઝ ટુ બી ડન!

બીજી સવારે અવનિને સાક્ષીમાં રાખી વિરલને ગણેશોત્સવના ફાળાપેટે પચીસ હજારનો ચેક મોકલી ચિઠ્ઠીમાં લખ્યું હતું: આ વખતે નવરાત્રિમાં સજોડે ગામ આવવાની ઇચ્છા છે. દશેરાનું ગ્રામભોજન અમારા તરફથી... પછી ફોન પર અલાયદું કહ્યું હતું - તારી સમજાવટે રૂપિયાનો રુઆબ દાખવી રહ્યો છું. મારો વટ પડે એટલું જોજે! વેજપુર જવાનું જાણી અવનિ હરખાયેલી : મારે કેટલી તૈયારીઓ કરવી પડશે... વતનના ઘરે વહુ તરીકે પહેલી વાર જવાનું થશે એ પ્રસંગ નાનોસૂનો ન ગણાય. ગિફ્ટ્સ લઈ જઈશું, મીઠાઈ તો લેવાની જ હોય... આનંદ, મારી ઇચ્છા તો વીર-શૌર્યની પત્નીઓ વચ્ચે સમાધાન કરાવવાનીયે છે. ખાનદાન ખોરડાનાં બૈરાં જાહેરમાં ઝઘડે નહીં એવું હું મારી દેરાણી-જેઠાણીને સમજાવી શકુંને?

‘આઠમથી અગિયારસ સુધીના ચાર દિવસમાં તને બધી છૂટ!’ બાકીનું આનંદ મનમાં બોલ્યો હતો : એ દરમ્યાન મારું ફોકસ તો તેજલની ચાલચલગત પર શંકા પ્રગટ કરવાનું જ રહેશે, બસ ત્યાં સુધીમાં મારા સૈનિકે બરાબર મોરચો જમાવી દીધો હોવો જોઈએ! તો જ લોકમાનસ ડહોળી શકે અને હું શંકાથી પર ગણાઉં...

આનંદે પ્યાદાની ખોજ આરંભી : તેજલ પાસે જનારો પુરુષ અત્યંત કામણગારો હોવો જોઈએ; તેજલના સતત સહેવાસ માટે તેણે ડુંગરિયે જ રહેવાનું થાય એવા સંજોગો ઘડી આપવા ઘટે.

ઈજાયુક્ત સાધુ મંદિરનો આશરો માગે તો તેજલથી ઇનકાર નહીં થાય અને શુશ્રૂષાના બહાને બન્નેની નિકટતા પણ કેળવાય... આનો અર્થ એ કે માત્ર પુરુષવેશ્યાથી કામ નહીં બને, ત્યાં જનારાને સાધુવેશમાં ઢળતાં પણ આવડવું જોઈએ... પછી તો એક મેઇલ પ્રોસ્ટિટ્યૂટે જ આંગળી ચીંધી હતી : મારી ઓળખમાં એક આદમી છે, તમારા તમામ ક્રાઇટેરિયામાં ફિટ થાય તેવો. લોકોને છેતરવામાં તેની ઉત્સાદી છે. નામ છે રાજ ચૌધરી. વરસેકથી જાણું છું તેને એટલે દૃઢતાપૂર્વક ભલામણ કરું છું...

રાજને જોતાં જ અંજાઈ જવાયું. ગોરો વાન, સશક્ત બાંધો અને આકર્ષક મુખમુદ્રા! તેનું પ્રભાવશાળી વ્યક્તિત્વ સાધુવેશમાં તો ખીલી ઊઠવાનું...

‘રાજ, મને ઝાઝી પૃચ્છા પસંદ નથી. હું તને હાયર કરું પછી મારા કહ્યા મુજબ તારે કરવાનું. કારણમાં ઊંડા ઊતરવાનું નથી.’ જરૂરી ચોખવટ કરી તેણે પૂછ્યું હતું, ‘સાધુ બની સાધ્વીને અભડાવવાનું ફાવશેને!’
‘દામ મળતા હોય તો સાધ્વી શું, સાધુનેય અભડાવી જાણું.’ તેની મજાકમાં આત્મવિશ્વાસ છલકતો હતો, ‘એકલવાયી જિંદગીના અજાણપટને આ રસ્તો સદી ગયો છે.’

રાજના રણકા પર આનંદને ભરોસો બેઠો હતો. સોદાની શરત પ્રમાણેનું ઍડવાન્સ આજે સાંજની ‘કેફિયત’ની મુલાકાતમાં ચૂકવાઈ ગયું.

અબ દેખો તમાશા!

***

ડુંગરની ટોચેથી તેજલ સંધ્યાના સોનવર્ણી પ્રકાશથી ઓપતાં કાવેરીનાં જળબિંદુ નીરખી રહી. જિંદગીનો પ્રવાહ નદીના પ્રથમ વ્ાહેણ જેવો હોય છે,

ક્યારે - ક્યાં ફંટાશે કહી ન શકાય! મારે તો દરેક ફાંટે સ્વજનોનો વિયોગ જ આવ્યો. પિતા, શંભુમામા, પંડિતજી, મા અને... ઓમ! ના, ના. ઓમ મારાથી અળગા થયાનું હું માનતી જ નથી, ભલે કાયદો ગમે એ કહેતો હોય! તેની ગેરહાજરીમાં સંસાર મારે મન સંન્યાસ જેવો જ, ભગવાં પહેરવાનું આ એકમાત્ર કારણ. બાકી હું જીવું છું એટલે મારો ઓમ પણ ક્યાંક તો શ્વસતો જ હોવો જોઈએ...

અંતરમાં દૃઢતા ગૂંથતી તે માના મંદિર તરફ વળી. આરસમઢ્યાં ચાર પગથિયાં ચઢી ગર્ભદ્વારે પહોંચી શ્વેત, શીતળ લાદી પર ગોઠવાઈ હાથ જોડી આંખો મીંચી માતાને નમન કયાર઼્ : તારા અખંડ દીવાની જેમ મારી શ્રદ્ધાની જ્યોતને કદી બૂઝવા ન દઈશ, માવડી!

માતાની સન્મુખ બેસવાથી ગજબની શાંતિ છવાતી. માની આંખોમાં છલકતી કરુણા હૈયું ગદ્ગદ કરી જતી, રોમેરોમમાં ભક્તિભાવ ઊભરાવા લાગતો. વ્યક્તિત્વમાં નવું તેજ પ્રગટતું. લોકો એને જ કદાચ સત કહેતા હશે... મંજીરા લઈ માની સ્તુતિ ગાતી ત્યારે નાભિમાંથી ઊઠતા સ્વરમાં અદીઠી જગ્યાએથી ઓમનો સૂર ભળતો જણાતો. તેજલ માટે આકાર-નિરાકાર એક થઈ જતા. વિરહવેદના, મિલનનો તલસાટ સર્વ કંઈ એક

બિંદુએ આણી મા આદ્યશક્તિનાં ચરણોમાં સમર્પિત કરી

દેતી : આ ભવ તારા ભરોસે મૂક્યો, મા! તારનારી પણ તું ને ડુબાડશે તો એમાંય મારું હિત જ હોવાનું! ખાસ્સી વારે તેની ભક્તિસમાધિ તૂટી. ઘૂંટણિયે થઈ શીશ ઝુકાવી તેજલ ઊલ્ાટી ફરી ત્યાં દેવજીકાકાને પગથિયે ઊભા ભાળ્યા.

‘તારા કંઠમાં મા સરસ્વતીનો વાસ છે, બેટી!’ ગમછાથી ભીની આંખો લૂછતાં તેમણે વિનવણી કરી, ‘થોડો ફળાહાર કરી લે. આખા દિવસની તું ભૂખી.’

પચાસીમાં પ્રવેશેલા દેવજીકાકા મારા પિતા જેવી કાળજી રાખે છે, છતાં ચાકર તરીકેની અદબ ક્યારેય ચૂકતા નથી. અનાજ-પાણીની વ્યવસ્થા, મંદિર-કોટડીની સાફસફાઈ જાતે જ કરશે. જરૂર પડ્યે આઠ-દસ વાર ડુંગર ચડ-ઊતર કરવામાંય આળસ નહીં... તેજલે હેતાળ સ્મિત ફરકાવ્યું, ‘મારો નકોરડો ઉપવાસ છે, કાકા. તમે જમી લો.’

ખરેખર તો આજે બારસનું શ્રાદ્ધ હતું.- લૌકિક દૃષ્ટિએ ઓમનું શ્રાદ્ધ! પરંતુ પોતે જેને જીવિત માનતી હતી તે પતિનું શ્રાદ્ધ ભોજન આરોગવાને બદલે ઉપવાસનો વિકલ્પ તેજલે અપનાવી લીધેલો.

‘ભારે હઠીલી તું!’ ડોક ધુણાવતો દેવજી બબડ્યો અને એ જ ક્ષણે આભમાં મેઘગર્જના થઈ, ‘હાથિયો આજે બરાબર ગાજવાનો! મને તો ભારે તોફાનના અણસાર વર્તાય છે!’

ડુંગરની પગદંડીએ ત્યારે સાધુવેશે રાજ પગલાં પાડી રહ્યો હતો. સતની અãગ્નપરીક્ષા લેવા અસતનો ચહેરો બની કોણ આવવાનું હતું એની તેજલને ક્યાં ખબર હતી?

(આવતી કાલે સમાપ્ત)

 

અગાઉના ભાગ વાંચો

ભાગ 1 | ભાગ 2 | ભાગ 3


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK