કથા સપ્તાહ : સત-અસત (શક્ય-અશક્ય - 3)

Published: 28th September, 2011 15:02 IST

મોં વકાસી ગયા હતા ફળિયાવાળા! આનંદ પોતે હતપ્રભ હતો. ગામલોકોની વચ્ચે એક છોકરી પોતાને તમાચો મારી દેશે એવું કદી કલ્પ્યું પણ ન હોયને! ‘તેજલ, પ્લીઝ,’ એકમાત્ર વિરલ આનંદની તરફેણમાં આગળ આવ્યો હતો.

 

અગાઉના ભાગ વાંચો

ભાગ 1 | ભાગ 2

સમીત (પૂર્વેશ) શ્રોફ

મોં વકાસી ગયા હતા ફળિયાવાળા! આનંદ પોતે હતપ્રભ હતો. ગામલોકોની વચ્ચે એક છોકરી પોતાને તમાચો મારી દેશે એવું કદી કલ્પ્યું પણ ન હોયને!

‘તેજલ, પ્લીઝ,’ એકમાત્ર વિરલ આનંદની તરફેણમાં આગળ આવ્યો હતો, ‘તારી મરજી ન હોય તો શાબ્દિક ઇનકાર કરવો હતો, આમ બધાની હાજરીમાં આનંદનું અપમાન કરવાનો તને હક નથી.’

‘અપમાન? વિરલભાઈ, જેને પોતાનું માન-સ્વમાન જ ન હોય તેનું અપમાન કોઈ કરી પણ કઈ રીતે શકવાનું? આનંદમાં સેલ્ફ-રિસ્પેક્ટ જેવું કંઈ હોત તો કાકા-કાકીનાં મહેણાંટોણાં ખમવા કરતાં ઘર છોડી પોતાની નવી ઓળખ ઊભી કરી હોત.’

‘હાય-હાય,’ ગોમતીકાકીએ ટલ્લા ફોડ્યા, ‘બેશરમ ચોકમાં ખડી થઈ અમને વગોવે છે? અને હું મૂઈ મારા વીર માટે તારું માગું નાખવાની હતી. બાપ રે, આવી મોંફાટ છોકરી આપણને ન ખપે.’

‘ચૂપ કર ગોમતી,’ લાભુડોશીએ ડારો આપ્યો, ‘તું ને તારો વર કેવાં છે એ આખું ગામ જાણે છે, પણ બેટા તેજલ...’

‘જાણું છું. મારો પ્રત્યાઘાત સૌને વધુ પડતો લાગતો હશે, પણ વિરલભાઈ, તમે કહી એવી શાબ્દિક ‘ના’ તો હું આજ સવારે ડુંગરના રસ્તે વાળી ચૂકેલી, તોય આનંદને ધરવ ન થયો, પોતાની મર્દાનગી જતાવવા હમણાં તે મારી પાછળ ઘરમાં આવ્યા...’

તેજલના ખુલાસાએ આનંદે આબરૂના કાંકરા થતા અનુભવ્યા. જે ગામમાં પોતે દાદાગીરીથી ફરતો ત્યાં હવે આંખ ઊંચી કરી ચલાશે કેમ!

‘કપાતર... તેં કુળની મર્યાદા ધૂળધાણી કરી!’ શંકરકાકા લાકડી લઈ તૂટી પડ્યા. ગોમતીકાકીએ શ્રાપ વરસાવ્યા. ચોરી-ખૂન જેવા ગુના સહ્ય બને, પણ ગામની બહેન-દીકરીની ઇજ્જત પર બૂરી નજર કરનારને ગામવાળા બક્ષતા નથી. ચારેબાજુથી ફિટકાર વરસતો હતો. અરે, ગામનું કૂતરું પણ પોતાના પર ભસતું લાગ્યું આનંદને! સાવ જ એકલોઅટૂલો હતો તે.

ક્યાંય સુધી પોતાના નિરાધારપણા પર આંસુ સારી આનંદ અડધી રાતે ઊભો થયો. નાનકડી ચિઠ્ઠી લખી:

વેજપુર સાથેનાં અંજળ-પાણી પૂરાં થયાં. ગામ છોડીને જાઉં છું. આપઘાત નહીં કરું, કેમ કે શરમથી ડૂબી મરવા જેવું મેં કંઈ કર્યું હોય, કમ સે કમ હું તો એવું નથી માનતો. ખર્ચપેટે કાકાના પાકીટમાંથી હજાર રૂપિયા લીધા છે. તમારા આટલા ઉપકારમાં એક વધારે!

- આનંદ!

- ત્યારનું ગામ છૂટ્યું એ છૂટ્યું!

‘કેફિયત’ રેસ્ટોરાંમાં ગોઠવાયેલા આનંદે પાણીનો ઘૂંટ ગળી ભૂતકાળ સાથે અનુસંધાન સાંધ્યું:

ગામના પાદરેથી મળસકાની બસ પકડી વંથળી પહોંચ્યો, ત્યાંથી જૂનાગઢ પહોંચતાં સુધીમાં ‘ક્યાં જવું’ તો જવાબ તૈયાર હતો - મુંબઈ!

સૌરાષ્ટ્ર મેલમાં મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને ઊતરતીવેળા હૈયે રંજ, વિષાદ કે ડર રહ્યા નહોતા. લાખોની તકદીર ચમકાવી દેનાર શહેરમાં હવે મારે નસીબ અજમાવવાનું છે...

અને તેની નજર સ્ટેશનના બુકસ્ટૉલ પર પડી. એકાદ ફિલ્મી ચોપાનિયાના કવરપેજ પર માધુરી દીક્ષિત મલકતી હતી. બીજી પળે એ ચહેરો તેજલનો બન્યો. આનંદનાં જડબાં ભીંસાયાં : મોહની પટ્ટી ઊતર્યા પછી ભાન થાય છે કે બે ચહેરામાં કેટલો તફાવત હતો!

‘અભી લાસ્ટ મોમેન્ટ પે તુમ ઇનકાર કરોગે તો કૈસે ચલેગા? ઇતની સારી કૉપિયાં ડિલિવર કૌન કરેગા?’ મૅગેઝિન-શૉપની પડખે સફારી સૂટમાં ઊભેલો પચાસેક વર્ષનો આદમી કૉઇન બૉક્સવાળા ટેલિફોનના ડબ્બામાં બરાડતો હતો.

આનંદ નજીક ગયો.

‘સર, તમારું કામ હું કરીશ. આઇ નીડ જૉબ.’

- અને દોઢ દાયકા અગાઉ

છાપાં-મૅગેઝિન વહેંચનારો ડિલિવરી બૉય આજે ચેમ્બુરમાં પોતાનો વિશાળ બુકડેપો ધરાવે છે! એમાં મારી કાળી મજૂરી, કૉન્ટૅક્ટ્સ બનાવવાની કુનેહ, લીધેલું કામ પાર પાડવાના જુસ્સાનો મોટો ફાળો છે. જિંદગીનાં દસ વર્ષ મેં ટાઢ, તડકો દીઠા વિના ગુજાયાર઼્ છે ત્યારે આ સાહેબી, આ વૈભવ રળી શક્યો છું! બિઝનેસ સર્કલમાં આનંદ દવેનું ઉદાહરણ ધ અધર ધીરુભાઈ તરીકે અપાતું હોય છે...

ડેપો શરૂ કર્યા પછી, બે વર્ષ અગાઉ ઘાટકોપરમાં ચાર બેડરૂમવાળો આલીશાન ફ્લૅટ વસાવ્યો ત્યારે પહેલી વાર થયું કે ઘરને હવે ગૃહલક્ષ્મીની જરૂર છે!

ના, હવે તે વેજપુરનો આનંદ નહોતો. રાધર, વેજપુર તેનામાં ક્યારનું ક્યાંય દફનાઈ ચૂકેલું. માધુરીને જોઈ હૈયું ધડકી ઊઠે એવી અવસ્થા પણ નહોતી રહી, ને તેજલને તો સંભારવાનો પ્રશ્ન જ નહોતો... આનંદે મૅરેજબ્યુરોમાં કૉન્ટૅક્ટ કર્યો અને એક બપોરે-

‘મે આઇ કમ ઇન, સર?’

પૂછતી યુવતીને તે નિહાળી રહ્યો. થોડી વાર પહેલાં જ બ્યુરોમાંથી ફોન હતો કે આજે એક કન્યા મુલાકાત માટે આવશે... જોકે આને કન્યા નહીં, યુવતી કહેવું જોઈએ... સાડીમાં આકર્ષક દેખાય છે,
નાક-નકશો ઘાટીલો છે, ચહેરા પર સંસ્કારની આભા છે... ગુડ.

‘પ્લીઝ, કમ ઇન. હૅવ અ સીટ. અને હા, મને સર કહેવાની જરૂર નથી. આનંદ કહેશો તો ચાલશે.’

‘જી?!’

‘બી કમ્ફર્ટેબલ,’ આનંદે સ્મિત વેર્યું, ‘માફ કરજો, તમારો બાયોડેટા મને મળ્યો નથી.’

‘ઓહ, હું બીજી કૉપી લાવી છું.’ ઉતાવળે તે પર્સ ખોલવા ગઈ ત્યાં આનંદે રોકી, ‘એની જરૂર નથી, તમે જ કહી દો તમારા વિશે.’

‘સર - આનંદ, મારું નામ અવનિ નિરંજન નાયક. સરનામું - શિવશક્તિ બિલ્ડિંગ, ત્રીજે માળે, એસ. વી. રોડ, અંધેરી. પિતા હયાત નથી. વિધવા માતાની જવાબદારી મારા શિરે હોવાથી સત્તાવીસની વય થવા છતાં પરણી નથી.’ પઢાવેલા પોપટની જેમ તે બોલી ગઈ. આનંદને થોડું અજુગતું લાગ્યું, થોડું રમૂજી.

‘હવે તમારો ઇરાદો બદલાયો લાગે છે.’

‘જી?’ પૂછ્યા પછી આનંદની પૃચ્છા સમજાઈ હોય એમ તેણે સત્વર ડોક ધુણાવી, ‘જી, મોઘવારીને કારણે ઇરાદો બદલવો પડ્યો.’

આનંદનાં નેત્રો સહેજ પહોળાં થયાં : કમાલ છોકરી છે, મોંઘવારીમાં મા-દીકરીનો ગુજરબસર નથી થતો. એનો બોજો પતિ પર નાખવા માગે છે!

‘વેલ, તમે હસબન્ડ પાસેથી શું એક્સપેક્ટ કરો છો એ તો પરખાઈ ગયું... હવે કહો છોકરાંઓ, વિથ ધૅટ આઇ મીન, સંતતિ બાબત તમારો દૃષ્ટિકોણ...’

‘વૉટ નૉનસેન્સ,’ ટેબલ ઠોકતી તે ઊભી થઈ ગઈ, ‘સેલ્સગર્લના જૉબ ઇન્ટરવ્યુમાં આ બધા પ્રશ્નોનો શો અર્થ છે?’

ઓત્તારી!

આનંદે ડ્રૉઅર ખોલ્યું. એમાં કૅન્ડિડેટ્સના બાયોડેટા ક્લિપ કરીને મૂક્યા હતા, જેમાં પહેલું જ નામ અવનિનું હતું! ઓહ જૉબ ઇન્ટરવ્યુ વિશે કેમ ભૂલી જવાયું?

આનંદ ખુલાસો કરે એ પહેલાં ડોર ખૂલ્યું.

‘હાય આનંદ, માયસેલ્ફ મીતા કાણકિયા. હું શ્રદ્ધા મૅરેજબ્યુરોમાંથી આવું છું.’

આનંદ-અવનિની નજરો મળી. આંધળે બહેરું કુટાયાનો મેસેજ પ્રગટ્યો. પહેલાં આંખો અને પછી હોઠ હસી પડ્યા. હાસ્યની એ છોળ વચ્ચે આનંદે પૂછ્યું, અવનિ, વિલ યુ મૅરી મી?
અવનિ સ્ટૅચ્યુ બની ગઈ હતી!

લગ્ન પછીના સમયગાળામાં અવનિએ તન-મનથી મને જાળવ્યો છે. સાચા અર્થમાં સહધર્મચારિણી બનીને રહી છે. લગ્નના છઠ્ઠા મહિને સાસુમાનો દેહ પડ્યો ત્યારે અવનિએ વિલાપ નહોતો કર્યો : માનો જીવ મારામાં અટવાયો હતો, મને સુખી જોતાં તેની સદ્ગતિ થઈ. મારી માનું મોત તમે સુધાર્યું!

પતિ-પત્નીના સંસારમાં કલેહ, કંકાસનું નામોનિશાન નહોતું. પોતાના વતન બાબત આનંદે કાકા-કાકીના સ્વભાવનો હેવાલ આપી કહી દીધેલું કે તેમની સાથેનો સંબંધ ફરી સાંધવામાં મને સહેજે દિલચસ્પી નથી... આટલા ખુલાસા પછી વેજપુરનો કદી ઉલ્લેખ નહોતો થયો.

‘શાંત પાણીમાં તેં કંકર માર્યો.’

મહિના અગાઉ, શનિવારની સાંજે મૉલના પાર્કિંગમાં ભટકાઈ ગયેલા વિરલની મુલાકાતે વેજપુરની યાદો જીવંત કરવાની સાથે સુષુપ્ત થયેલા અંગારાઓ ફરી દહેકાવ્યા હતા. બાલ્કનીના હીંચકે ગોઠવાઈ આનંદે ગત કાળ વાગોળ્યો હતો, રવિવારે લંચ માટે આવેલા વિરલ જોડે ખાણા પછી ફરી હીંચકાની બેઠકે પહોંચી અવનિની ગેરહાજરીમાં ચર્ચા ઉખેળી હતી :

‘એનાથી જે વમળ સર્જાયાં

એમાં મિત્રમિલનનો આનંદ પણ અનુભવી નથી શકતો.’

‘સીધું કેમ નથી કહેતો આનંદ કે હું ભાભી સમક્ષ તમાચાનું સચ ખુલ્લું કરી દઈશ એની તને ધાસ્તી હતી? આ તારો વિશ્વાસ!’

‘વિશ્વાસ તો તેં પણ ક્યાં મૂક્યો... નોરતાની રાતે આખું ગામ મારા પર થૂ થૂ કરી રહ્યું હતું. તું પણ સામેલ હતોને?’

આનંદના પ્રશ્નમાં આક્ષેપ નહીં, પીડા વર્તાઈ. વિરલે હેતથી દોસ્તના ખભે હાથ મૂક્યો.

‘તું ભૂલ્યો મિત્ર કે તેજલના વર્તન સામે અવાજ ઉઠાવનાર હું એકલો હતો... પણ પછી તેના આરોપ સામે તારી ગરદન ઝૂકી જતાં મારે બચાવ કરવા જેવું રહ્યું શું? બાકી વેજપુરમાં તારા જવાથી દુ:ખી થનારો એકમાત્ર હું હતો. જૂનાગઢમાં તપાસ કરી, બે વાર મુંબઈ આવી ફિલ્મ-સ્ટુડિયોનાં ચક્કર કાપ્યાં. અરે, માધુરી દીક્ષિતના ઘર આગળ પણ પહેરો ભર્યો કે કદાચ તું મળી આવે...  થાકી-હારીને એમ મન મનાવ્યું કે તારાથી મારું સરનામું ક્યાં અજાણ્યું છે? મિત્રની જરૂર વર્તાતાં તું મારો જ સંપર્ક સાધવાનો. ઈશ્વરકૃપાથી તને એની જરૂર ન વર્તાઈ એનો મને આનંદ છે. બાપાનો હજામતનો ધંધો અપનાવવાને બદલે હું હાર્ડવેરના બિઝનેસમાં પડ્યો, થોડુંઘણું કમાયોય ખરો, પણ આનંદ તારી જાહોજલાલીને તોલે તો ન જ આવું. દરેક સુખના પ્રસંગે મેં તને યાદ કર્યો છે...’

‘અને હું સર્વ કંઈ વીસરી ગયેલો! વિરલ, તારું, તારી ફૅમિલીનું મારે ત્યાં સ્વાગત છે, પણ પ્લીઝ, વેજપુર જવાનું અવનિના દિમાગમાં ભરાયેલું ભૂત ભગાવજે. તમને મળવાને બહાને તે મને ત્યાં ખેંચી લાવશે જે ગામમાં મારે પગ નથી મૂકવો.’

‘પણ શું કામ? ઊલટું તારે તો વટ કે સાથ ગામમાં આવવું જોઈએ. લોકોની યાદદાસ્ત બહુ ટૂંકી હોય છે અને પંદર વર્ષ કંઈ નાનો ગાળો નથી. લક્ષ્મીનું જોર વાપરીશ તો ગઈ કાલે થૂંકનારા આજે તારાં તળિયાં ચાટશે!’

‘એ બધામાં તેજલ તો નહીં હોયને?’

‘તારાં કાકા-કાકી તો નહીં જ હોય... વર્ષોનાં વહેણમાં બન્ને ગુજરી ચૂક્યાં છે. ગોમતીકાકીની વહુઓ પણ તેમના જેવી જ નીકળી એટલે વીર-શૌર્ય એક જ ઘરમાં અલગ રસોડે જમતા હોવા છતાં ધંધો એક હોવાથી દર બે-ચાર દિવસે બોલાચાલી, તડાફડીનો તમાશો જોવા મળે છે. ઘરડું કો’ક આ બધું જોઈ બોલી જાય : શંકર-ગોમતીને અનાથ છોકરાની આંતરડી ઠારતાં ન આવડ્યું એનું પાપ નડ્યું!’

‘આવું હતું તો તો કાકા-કાકીને મૃત્યુમાં મુક્તિ મળી કહેવાય. નૉટ ફેર. વિરલ, મેં પ્રશ્ન તેજલ માટે કરેલો.’

‘તેજલ...’ નામ ઉચ્ચારી વિરલે આંખો પહોળી કરી, ‘આનંદ સાચું કહેજે તું ચાહે છે તેજલને? કદી ખરેખર ચાહી હતી ખરી તેને?’ જવાબ તેણે જ વાળ્યો, ‘ના. ચાહી હોત તો તારા હૈયે તેના માટે કસક હોત. ગામ છોડવાને બદલે તું તારો પ્રેમ સાચો ઠેરવવા મથ્યો હોત... તેના પ્રત્યે તને જે કંઈ હતું એ આકર્ષણ હતું, થોડી જીદ હતી, થોડો અહમ્ હતો અને બધું જ પાછું અપરિપક્વ. એ સિવાય તેં બાલિશ હરકત કરી હોત? અરે, વર્ષો પછી લગ્નના ખ્યાલે પણ તારા દિમાગમાં તેજલ નથી સળવળતી.’

‘પણ તેનો તમાચો જરૂર તાજો થયો છે...’

‘એ તમાચાના પ્રતાપે જ આજે તું સ્ટેટસ પામી શક્યો છે. અવનિભાભી જેવી પત્ની છે...’

‘મારું સ્ટેટસ મારી મહેનતના પરિણામે છે, અવનિનો સંગાથ મારી સદ્નસીબી છે, એની ક્રેડિટ તેજલને આપવાની જરૂર નથી... અભિમાનની પૂતળી.’

‘તેજલે કરેલા અપમાનના અંગારા તને આજેય દઝાડી રહ્યાનું જોઈ શકું છું. યાદ છે? મેં કહ્યું હતું કે છોકરી અગ્નિશિખા જેવી છે... તું સ્પર્શવા જતાં દાઝ્યો એમાં માત્ર તેનો જ વાંક કેમ કઢાય?’

સાડીસત્તર વાર તેનો જ વાંક! આનંદના મનમાં પડઘો પડ્યો હતો : મેં તેની આબરૂ જાહેરમાં નહોતી ઉછાળી, એમ બંધબારણે એક શું, એક ડઝન તમાચા માર્યા હોત તો હું જતું કરત. જાહેરમાં મારી માનહાનિ કરવાનો તેને શો હક હતો? સફળ થયેલા માણસનો સંઘર્ષ જાહેરમાં સુવર્ણ અક્ષરે લખાતો હોય એમ તેમણે ઝેલેલા અપમાનનો બદલો પણ ખાનગીમાં લેવાતો હોય છે! એ ક્ષણે પ્રથમ વાર આનંદને ઝબકારો થયો હતો - બદલો!

‘છતાં તારો બદલો કુદરતે લઈ લીધો છે આનંદ. તેજલ વિધવા છે.’

- વીજળીના શૉક જેવા શબ્દોએ આનંદને અત્યારે પણ કંપાવી દીધો. એ જ વખતે નજર ‘કેફિયત’ના પ્રવેશદ્વાર પર ગઈ. બ્લુ જીન્સ-શર્ટમાં સોહામણા દેખાતા આદમીને પ્રવેશતો નિહાળી થયું કે વૈધવ્યના ફટકાથી
તેજલમાંથી ગુરુમા બની કાળિયા ડુંગરે રહેવા ગયેલી તેજલનું સતીરૂપ સત ઉતારવા માટે આ શખસ પર્ફેક્ટ છે!’

(ક્રમશ:)

અગાઉના ભાગ વાંચો

ભાગ 1 | ભાગ 2

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK