કથા સપ્તાહ : સત-અસત (શક્ય-અશક્ય - 2)

Published: 27th September, 2011 19:27 IST

પંદરેક દિવસથી ગામમાં આવેલી તેજલે સૌનાં મન મોહી લીધાં છે. વડીલોની હાથલાકડી બને, આસપાસની ભાભીઓને શાકપાંદડુ ચૂંટવામાં મદદરૂપ થાય, કામમાં ઝડપ અને વાણીમાં મીઠાશ સામાને દંગ કરી મૂકે એવી. આટલા દિવસોમાં તેજલ મહોલ્લામાં હળી ગયેલી એટલે તેની અવરજવરની નવાઈ ન લાગવી જોઈએ

 

 

અગાઉના ભાગ વાંચો

ભાગ 1


સમીત (પૂર્વેશ) શ્રોફ


‘કેફિયત’માં ગોઠવાયેલો આનંદ વિરલના આવી ચડવાથી વિસ્મૃતિમાંથી સ્મૃત થયેલા ભૂતકાળને વાગોળતો ઉત્તરાર્ધના પડાવે પહોંચ્યો છે...

 

***

‘માસી, આવું કે?’


સુરીલો રણકાર કાને પડતાં જ મેડીએ આડો થયેલો આનંદ ચમક્યો: આ તો તેજલ!

પંદરેક દિવસથી ગામમાં આવેલી તેજલે સૌનાં મન મોહી લીધાં છે. વડીલોની હાથલાકડી બને, આસપાસની ભાભીઓને શાકપાંદડુ ચૂંટવામાં મદદરૂપ થાય, કામમાં ઝડપ અને વાણીમાં મીઠાશ સામાને દંગ કરી મૂકે એવી. આટલા દિવસોમાં તેજલ મહોલ્લામાં હળી ગયેલી એટલે તેની અવરજવરની નવાઈ ન લાગવી જોઈએ, પણ આનંદની હાજરીમાં તો આ પ્રથમ આગમન હતું. જુવાન છોકરાઓવાળા ઘરમાં તેમની ગેરહાજરીમાં જ જવાય એટલી સૂક્ષ્મ સમજ તે છોકરીમાં હતી.

‘આવ, આવ તેજુ.’

તેજુ! અરીસામાં જોઈ પટિયાં પાડતા આનંદને ગોમતીકાકી પહેલી વાર વહાલાં લાગ્યાં : થનારી વહુને તેમણે કેટલા પ્રેમથી બોલાવી!

‘માસી, શૅર જેટલું દૂધ મળશે? માને આજે ઉપવાસ છે અને બિલ્લીએ મોં મારતાં ઘરનું દૂધ નકામું ઠર્યું.’

મેડી ઊતરતો આનંદ અડધા પગથિયે ઊભો રહ્યો. અહીંથી રસોડામાં બોઘરણું ધરી ઊભેલી તેજલ સાફ દેખાતી હતી.

‘તમારા આગમનથી શંભુભાઈનું ઘર હર્યુંભર્યું થઈ ગયું. બાકી તમને કદી મોસાળ આવતી અમે ભાળી નથી.’

‘શું થાય. પહેલાં દાદી અને પછી પિતાજીની બીમારીવશ મા કદી જંબુસરથી નીકળી જ ન શકી. મામા અમને મળવા આવી જતા. હવે તેમનેય શરીરે અસુખ રહે છે. મામી તો વર્ષો પહેલાં ગુજરી ગયેલાં... અરે, અરે, બસ માસી. તમે તો શૅર ઉપર દૂધ આપ્યું.’ બોઘરણા પર સ્ટીલનું ઢાંકણ ઢાંકી તેણે હાથની મુઠ્ઠીમાં જકડેલી નોટ લંબાવી, ‘લો માસી દૂધના પૈસા.’

ગોમતીકાકીએ ઘણું કહેવા છતાં તે એકની બે ન થઈ : રૂપિયા તો તમારે લેવા જ પડે, વ્યવહાર એ વ્યવહાર!

‘મામાની બચતમૂડી અને પપ્પાના પેન્શનને કારણે અમારો નર્વિાહ શાંતિથી ચાલે છે.’ એમ કહેનારી તેજલ સ્વમાની જણાઈ.
‘કાકી, તેજલ આટલું કહેતી હોય તો લઈ લોને પૈસા.’

આનંદના સાદે બન્ને સ્ત્રીઓ ચોંકી. વિનાકારણ દુપટ્ટો સરખો કરતી તેજલે વિદાય લીધી. બહાર જવા તેણે પરસાળ વટાવી મેડીનાં પગથિયાં આગળથી પસાર થવાનું આવે. હમણાં તે નજીકથી નીકળવાની... સ્મિત આપવા આનંદ ટાંપીને બેઠો, પણ પેલી તો નીચી મૂંડી રાખી સડસડાટ નીકળી જતાં તે છોભીલો પડ્યો. ‘થાંભલાની જેમ ઊભો છે શું?’ કાકીના કરડા અવાજે તેની સમાધિ ભંગ થઈ, ‘છોકરી જોતાં જ હરાયા ઢોરની જેમ ભટકવાનાં લક્ષણ સારાં ન ગણાય!’

‘તો મને ખીલે કેમ બાંધી નથી દેતાં? તેજલ જેવો ખીલો ગમેય ખરો!’

‘મારા રોયા’થી શરૂ કરી કાકીએ મારો ચલાવ્યો, ‘હજી કૉલેજના છ મહિના બાકી છે, પાઈની કમાણી નથી અને ભાઈસાહેબે ઘોડે ચઢવું છે!’

તેમના બબડાટની આનંદ પર અસર થવાની નહોતી છતાં મુદ્દો વિચારવાયોગ્ય જણાયો : તેજલ જેવી કન્યા મારા જેવા રખડુ, અળવીતરા ગણાતા છોકરાથી પ્રભાવિત ન જ બને, મારે કરીઅરમાં સેટલ થવું પડે, કંઈક બન્યા પછી જ તેને પ્રપોઝ કરી શકાય...

પરંતુ સમય એટલો અવકાશ આપવાનો નહોતો, કેમ કે બન્નેની તકદીરમાં કંઈક જુદું જ લખાયું હતું!

***

‘આનંદ, નોરતાં આવવાનાં...’

ગામમાં નવરાત્રિની રંગત અનેરી રહેતી. શહેરની ડિસ્કો ધાંધલના સદંતર અભાવમાં શેરીગરબાની રમઝટ જામતી. સ્ત્રીઓ પરંપરાગત ઘાઘરા-ચોળીમાં અને પુરુષો કેડિયું ચડાવી ગરબે ઘૂમતા. કાળિયા ડુંગરની ટોચે અંબે માના મંદિરે સંધ્યાઆરતીમાં આખું ગામ ભેગું થતું. સહિયારા મહોત્સવના આયોજનમાં આનંદની ટોળી મોખરે રહેતી. ફંડફાળો ઉઘરાવવાનું કામ તેના મિત્રો કરતા. દશેરાની રાતે સમૂહભોજન થતું. અનંતચૌદશના દિવસથી નવરાત્રિની તૈયારી શરૂ કરાવી દેતો મિત્ર આ વખતે કેમ ઢીલો જણાય છે?

‘સાંભળ્યું છે કે ભાભીને પણ ગરબાનો શોખ છે...’ વિરલે આંખ મીંચકારી, ‘ત્યારે તો તમારી જોડી જામવાની.’

‘જોડી એમ નહીં જામે,

વિરલ. તેજલને પામવા મારે તેને લાયક બનવું પડે.’

‘એટલે! આનંદ તું આટલી હદે સિરિયસ છે? હું તો આને ઉંમરસહજ આકર્ષણ જ ગણતો હતો.’ વિરલે ટકોર કરેલી, ‘એક છોકરી ફક્ત આપણી મનગમતી હિરોઇન જેવી થોડીઘણી દેખાતી હોય એટલા માત્રથી ન પ્રેમ જાગે, ન પરણવું હિતાવહ ગણાય.’

વિરલની દલીલ ખોટી નહોતી.

‘આઇ વિલ થિન્ક ઑન ધૅટ.’

અને પછી બન્ને મિત્રો નવરાત્રિના આયોજનમાં પડ્યા.

***

‘એકસો અગિયાર રૂપિયા લખો.’

ફાળો ઉઘરાવવા આવેલા આનંદ-વિરલ સાથે નજરો મેળવવાનું ટાળી તેજલે ભીંતકબાટમાં મૂકેલા સ્ટીલના ડબ્બામાંથી રૂપિયા કાઢી ગણ્યા.

‘આમ તો મામા એકત્રીસનો ફાળો આપતા હોય, પણ આ વખતે દશેરાના ભોજનમાં અમે મા-દીકરી પણ હોવાનાં એટલે...’

‘થૅન્ક્સ, તેજ...લ, અત્યારે સગવડ ન હોય તો...’

તેજલનાં ભવાં સહેજ તંગ થયાં. આનંદ થોથવાયો,

‘આઇ મીન અમે બધાને બે દિવસનો ટાઇમ આપીએ છીએ.’

‘એ હશે, પણ હું તો રકમ આપી જ દઉં છું.’ તેજલ બહુ સલૂકાઈથી બોલી, પણ એમાં સ્વમાનની આણ વર્તાયા વિના ન રહી.

‘તમે ગરબા તો રમો છોને?’ દાનનો ફાળો ચોપડે નોંધતાં વિરલે પૂછી લીધું.

‘રમશેય ખરી અને રમાડશેય ખરી.’ માએ પોરસ જતાડેલો, ‘મારી તેજુ તો ડુંગરના મંદિરે આરતી પણ કરવાની છે. પંડિતજીએ ખાસ આગ્રહ કર્યો છે.’

પંડિતજી એટલે માતાના મંદિરનાં રખોપાં કરતા પૂજારી વિશ્વાનંદ મહારાજ. વર્ષો અગાઉ એકાદ રાજવીએ બંધાવેલા મંદિરની જોડે, ચોગાનમાં પૂજારીને રહેવા કાજેનું એક માળનું પાકું મકાન પણ ચણાવેલું. વિશ્વાનંદ પોતે અપરિણીત હતા. તેજલના શાસ્ત્રજ્ઞાને તેમનું મન જીતી લીધેલું.

‘ત્યારે તો આ વખતની નવરાત્રિ સુધરી જવાની. પહેલાં ડુંગરિયે આરતી અને પછી તળેટીમાં ગરબા.’ આનંદે તેજલ પર દૃષ્ટિપાત કર્યો.

‘અરે, અમારા જંબુસરમાં તો...’

‘મા! તેમને મોડું થતું હશે. આખા ગામમાં ફરવાનું તેમણે.’જવાનો સ્પષ્ટ ઇશારો છતાં જાકારો ન લાગે એવી ઠાવકાઈ.

‘આનંદ...’ એકલા પડતાં વિરલે સ્પષ્ટપણે કહ્યું, ‘આ છોકરીને પામવી લોઢાના ચણા ચાવવા જેવું છે.

તારા-મારા વિશે તેને બહુ ઊંચો અભિપ્રાય નહીં જ હોય, જોયું નહીં, આપણી સામે જોવાનુંય તે ટાળતી હતી!’

‘હં. કાકા-કાકીના પાપે અને અમુક અંશે મારા પોતાના વાંકે મારી ઇમેજ એવી થઈ છે ગામમાં કે...’ આનંદે નિશ્વાસ નાખ્યો, ‘જોઈએ, હવે મા અંબાએ શું કરવા ધાર્યું છે!’

***

‘મારું માનો તો પહેલા નોરતાએ જ વાત મૂકી દો... તેજલ જેવી કન્યા મારા વીરના ભાગ્યમાં જ શોભે...’

કાકીના ધીમા શબ્દોએ આનંદના પગ જકડી રાખ્યા. દરવાજો અડકાવી મસલત કરવા બેઠેલાં કાકા-કાકીની ચર્ચાનો સાર એ હતો કે તેજલને તેમના દીકરા જોડે પરણાવવી!

શંકર-ગોમતીને બે દીકરા. વીર આનંદથી મોટો, જ્યારે શૌર્ય નાનો.

વીર-શૌર્ય એકલગંધા હોવા છતાં ગામમાં તેમની છાપ ઊજળી હતી. બન્ને ડાહ્યા-વિવેકી ગણાતા. વીરે તો પાછો કાકાનો કારોબાર પણ સંભાળ્યો છે... તો શું તેજલનો હથેવાળો વીર સાથે થશે?

આનંદના બળવાખોર દિમાગની કમાન છટકી. મારે તેજલને ભાભી કહેવી પડે એવું તો થવા જ કેમ દેવાય! નેવર.

***

શ્રાદ્ધના બે દિવસ રહ્યા... પહેલા નોરતે કાકી કહેણ લઈને પહોંચે એ પહેલાં મારે તેજુને વશ કરવી રહી... અધીર થયેલો આનંદ વિરલની સમજાવટ, પોતાનો સંકલ્પ બધું વિચારી આંધળૂકિયું કરી બેઠો.

‘તેજલ, ક્યાં જાય છે?’

કાળિયા ડુંગરની પગદંડી ચડતી તેજલ અચાનક પ્રગટેલા આનંદને ભાળી સહેજ ચમકી છતાં સ્વસ્થતા જાળવી રાખી, ‘ઉપર પંડિતજીને ટિફિન આપવા. તેમનું સ્વાસ્થ્ય સારું નથી અને દેવજીભાઈ બે દિવસ માટે તેમના ગામ ગયા છે.’

છેલ્લા થોડાક વખતથી ગામવાળાએ પંડિતજીના સંગાથમાં ગામનો ચાકર દેવજી મૂક્યો હતો, જેથી રાતવરત કશી જરૂર પડે તો મદદ રહે. બાકી વિશ્વાનંદજીએ સ્થાનક છોડવાનો ઇનકાર કરેલો : મારો દેહ તો માનાં ચરણોમાં જ છૂટશે!

‘લાવ, ટિફિન હું દઈ આવું.’

‘આભાર, પણ મારે પૂજાની તૈયારી પણ કરવાની છે. તમતમારે નીકળો, આ રસ્તો મારા માટે અજાણ્યો નથી.’ થોડું અંતર જાળવવાની સાવધાની સાથે તે બોલી ગઈ.

‘તેજલ, તું મને ટાળતી કેમ હોય છે?’

અને તેની ચાલ થંભી.

‘લોકો માને છે, કહે છે એટલો હું ખરાબ નથી... મારો વિશ્વાસ કર, તું મને ગમે છે.’ એક શ્વાસમાં આનંદે કહી નાખ્યું.

‘શાબાશ, આનંદ. એકલી નારીને એકાંતમાં રોકી લાગણી જતાવવાની તમારી બહાદુરી વખાણવાયોગ્ય ગણાય.’ તેના સ્વરમાં ભારોભાર કટાક્ષ હતો. કેટલો તુચ્છ સમજતી હશે આ છોકરી મને! આનંદનું પૌરુષ ઘવાયું, તેની તોફાની વૃત્તિ ઉશ્કેરાઈ.

‘તને એમ જ હોય તો આ પ્રસ્તાવ હું જાહેરમાં મૂકીશ, એ પણ પહેલા નોરતે!’

‘તમારો પ્રસ્તાવ મને તો પણ સ્વીકાર્ય નહીં રહેશે, આનંદ. મારી પાછળ ભટકતી તમારી આંખોને મેં અનુભવી છે, પણ એથી મારા મનમાં સ્પંદન નથી ઊઠતાં, કેમ કે એમાં વિકાર છે, પ્રણયની શુદ્ધતા નથી. તમને મારા દેહનો મોહ થયો હશે આનંદ, મારા આત્માને જાણવાની; પામવાની આમાં દરકાર ક્યાં?’ તેજલ હાંફી ગઈ, ‘મારો હાથ થામનારો મારા મનનો માણીગર હશે, આનંદ અને તે તમે નથી. માટે મહેરબાની કરી તમાશો સર્જવાથી દૂર રહેજો.’ કહી તેણે સડસડાટ ડુંગર ચડવા માંડ્યો.

આનંદ સમસમી ઊઠ્યો. આટલું અભિમાન! કઈ બાબતે આટલી મુસ્તાક છે આ છોકરી! પોતાના સૌંદર્ય પર? વિદુષી હોવાના ગુણ પર? આને ખાતર હું લાયકાત કેળવવા માગતો હતો! બહુ ભાઈ-બાપા કરીએ એમાં જ છોકરીઓને ફાવતું જડે છે... વરણાગી તેજલ, તને મારા ઘરે રોટલા ઘડવા ન બેસાડું તો ફટ કહેજે!

તેજલનો ઇનકાર આનંદ પચાવી શક્યો નહીં. પહેલાં પ્રિયતમાને કારણે અને હવે અહમ્નો ઇશ્યુ બનાવી આનંદ તેજલને પરણવા ચાહે એ માનવમનની જ વિચિત્રતાને!

આખો દિવસ આનંદ ધૂંધવાયેલો રહ્યો. સાંજની આરતી પછીના ગરબામાં તેજલ જાણે કશું બન્યું જ ન હોય એમ વર્તી એટલે ઉશ્કેરાટ વધ્યો : ‘તેજલ’ વચ્ચેના વિરામમાં તેજલ પાણી પીવા ઘરે જતાં આનંદ પણ બીજાની નજર ચૂકવી અંદર ઘૂસ્યો, ‘કેમ આટલો ભાવ ખાય છે!’ પાણી પીતી તેજલ ભડકી. પાણી ડ્રેસ પર છલકાતાં ચોલી ભીની થઈ. સંયમ તૂટતો હોય એમ તેને ભીંસી આનંદે તેના ગાલે હોઠ ચાંપ્યા. ‘બોલ, આટલી મર્દાનગી માણ્યા પછીયે હું નથી ગમતો?’

‘તમારે જવાબ જાણવો છે? તો ચાલો.’ આનંદનો હાથ પકડી તેજલ બહાર દોરવા લાગી. તેની છાતી હાંફતી હતી અને બદન ધમતું હતું. મારા સ્પર્શે જન્માવેલો આવેગ હશે! શંખચલનની જેમ આનંદે બીજું અનુમાન કર્યું : જોયું, અત્યારે ને અત્યારે અમારું સગપણ જાહેર કરવા કેવી અધીરી થઈ ગઈ, એક જ આલિંગનમાં!

‘અહીં ઊભા રહો.’ ચોકની વચ્ચોવચ લઈ જઈ તેજલે હાથ છોડ્યો. તેના તીણા અવાજે ફળિયામાં સોપો પડ્યો. માત્ર આનંદને બત્તી ન થઈ.

‘તમારા કહેવાતા પ્રણયનો જવાબ બધાની વચ્ચે વાળું છું.’ કહી તેણે ડાબા હાથે જમણા કાંડની બંગડીઓ ચડાવવા માંડી તોય આનંદને ઝબકારો ન થયો. ‘આ છે મારો જવાબ!’
- ગાલ ચીરતા સણસણતા તમાચાના પડઘા પડતા હોય એમ રેસ્ટોરાંમાં બેઠેલો આનંદ ઝંખવાઈ ગયો!

(ક્રમશ:)

(આ વાર્તા સાથે મૂકવામાં આવેલી તસવીરો માત્ર પ્રતીકાત્મક છે)

 

અગાઉના ભાગ વાંચો

ભાગ 1

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK