કથા સપ્તાહ - હૃદયેશ્વરી (મિરૅકલ ગર્લ - ૩)

Published: 12th October, 2011 19:12 IST

હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ! ઈશ્વરદત્ત જિંદગીને વધુ ને વધુ આરામદાયક બનાવવા, શ્વાસની દોર શક્ય એટલી લંબાવવા માનવજાત આદિકાળથી મથી રહી છે. મૃત્યુને પરાજિત કરવાની  આ અનંતયાત્રામાં હૃદયના પ્રત્યારોપણની સફળતાને મનુષ્યની પરમ સિદ્ધિ તરીકે પોંખી શકાય. મગજથી મૃત્યુ પામેલી વ્યક્તિનું ધબકતું હૃદય જરૂરતમંદ પેશન્ટના  ડિફેક્ટિવ હાર્ટ સાથે રિપ્લેસ કરવાની ઘટના કેટલી આર્શીવાદરૂપ છે એ તો હૃદય હોય તેને જ સમજાય!

 

 

- સમીત (પૂર્વેશ) શ્રોફ

‘૧૯૬૭માં ડૉ. બર્નાર્ડે પ્રથમ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પાર પાડ્યું ત્યાર પછીના દાયકાઓમાં આ ક્ષેત્રે મેડિકલ સાયન્સ ઘણું આગળ વધ્યું. એકવીસમી સદીમાં મુંબઈ જેવા  શહેરમાં હૃદયનું રિપ્લેસમેન્ટ અશક્ય કે નવાઈભર્યું ન ગણાય...’ નીમાએ કથન સાંધ્યું, ‘દીકરીને બચાવવાનો આ અંતિમ ઉપાય અજમાવવા મા-બાપ તૈયાર  હતાં, કાર્ડિયાક સજ્ર્યન તરીકે ડૉ. ત્રિવેદીને પોતાના કસબમાં વિશ્વાસ હતો, છતાં પોસ્ટ સર્જરી રિસ્ક્સથી ઉષાના પેરન્ટ્સને વિગતે માહિતગાર કરવાનું પણ તે  ચૂક્યા નહોતા...’ થોડું અટકી તેણે આગળ ચલાવ્યું.

‘તેમણે સાફ કહ્યું, હું પોતે આવી આઠ સર્જરી કરી ચૂક્યો છું, જેમાંથી પાંચ સફળ રહી છે, અને મારું એક પેશન્ટ તો ટ્રાન્સપ્લાન્ટના દાયકાથી હેમખેમ જીવે છે.  જોકે પીડિયાટ્રિક ટ્રાન્સપ્લાન્ટનો આ પ્રથમ કેસ હશે. અન્યના અંગને આપણી બૉડી સ્વીકારી લે તો ખાસ વાંધો નથી આવતો, માણસ હસીખુશીથી નૉર્મલ લાઇફ માણી  શકે છે. અલબત્ત, દવાના હેવી ડોઝ સાથે.... મનુષ્ય તરીકે આપણે કોશિશ કરી શકીએ, બાકી આયુષ્યની દોર છેવટે તો ઈશ્વરના હાથોમાં જ હોયને!’ રૂબરૂ મળ્યા વિના અતુલ્યને ડૉ. અમૂલખ ત્રિવેદી દેવદૂત જેવા લાગતા હતા.

‘હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ એક એવું ઑપરેશન છે, જેમાં માનવીના નિર્ધરમાં કુદરતનો સાથ પણ ભળવો ઘટે. વખત વીતી જાય એ પહેલાં હૃદયનો દાતા પણ મળવો  જોઈએને! આપણા માણસને જિવાડવા ઈશ્વરને કંઈ એવી પ્રાર્થના ઓછી થાય કે હે જગતના નાથ, તું કોઈને બ્રેઇન ડેડ બનાવી દે, જેથી તેનું હાર્ટ અમને કામ  લાગે! પાછું ડોનરની ઉંમર, હાર્ટની સાઇઝ, બ્લડગ્રુપ સુધીના કંઈકેટલા ફિગર્સ તપાસવા પડે... ઉષાનાં મા-બાપ ભગવાનને એટલું જ કહેતાં : બીજાનું બૂરું  કર્યા વિના અમારી દીકરીનું ભલું કરજો!
હૉસ્પિટલમાં ઍડમિટ થયેલી ઉષાને તો એમ જ કે થોડાક દિવસમાં મને છુટ્ટી મળી જવાની, પછી હું બીજાં બાળકોની જેમ  દોડી શકીશ, રમી શકીશ, સ્કૂલની પિકનિકે જઈ શકીશ...’

(બાળક કેટલું નાદાન હોય છે!)

‘અને દાખલ થયાની ચોથી સાંજે ડૉ. ત્રિવેદીની કૅબિનનો ફોન રણક્યો. સામેથી જે કંઈ કહેવાયું એ મનાતું ન હોય એમ ‘હેં!’ ‘ક્યારે!’ ‘અરેરે!’નો  ચિત્કાર નાખી પૂરી એક મિનિટ તો ડૉક્ટર શૂન્યમનસ્ક થઈ ગયા. ઉષાનાં મા-બાપ ત્યાં હાજર હતાં. કશુંક આઘાતજનક બન્યાનો અંદેશો તેમને આવી ગયો.  પૃચ્છા માટે તેમની જીભ સળવળે એ પહેલાં તો સ્ટેથોસ્કોપ હાથમાં લઈ ડૉક્ટર સફાળા ઊભા થયા - ‘કદાચ આપણને ડોનર મળી ગયો!’ તેમના એક વાક્યે  માવતરની આંખો છલકાઈ ઊઠી, પરંતુ દસ મિનિટ પછી ધમધમી ઊઠેલી હૉસ્પિટલમાં વીજળીવેગે ખબર ફરી વળ્યા કે ડૉ. ત્રિવેદીની મંદબુદ્ધિ દીકરી ટેરેસની પાળ  પરથી પડી જતાં તેને આઇસીયુમાં ઍડમિટ કરી છે ત્યારે ડૉક્ટરની મહાનતાએ મનોમન વંદી રહ્યાં : ધન્ય હો તમે, દીકરી બ્રેઇન ડેડ હોવાનું જાણી આઘાતથી પડી  ભાંગવાને બદલે બીજાની લાડકવાયીને બચાવવાની કાળજી દાખવો છો!

ડૉ. ત્રિવેદીને કૉલ કરનાર તેમના ડૉક્ટરમિત્રે નિશાની હાલતનો ચિતાર આપી દીધેલો, છતાં પોતાનાને બચાવવા માણસ માત્ર છેવટે સુધી ચમત્કારની આશા રાખતો  હોય છે. વળી ડૉક્ટરપત્ની સામાન્ય ગૃહિણી. પોતે સહેજ બેધ્યાન રહ્યાં એમાં નિશા અગાસીની પાળેથી કૂદી પડી, પાડોશમાં રહેતા ડૉ. ખત્રીએ નિશાને પડતી  જોઈ. હર્ષાબહેન તો બેહોશ થઈ ગયેલાં. જસલોકમાં લવાયેલી દીકરી મગજથી મૃત્યુ પામી ચૂક્યાની હકીકત ડૉક્ટર તરીકે ત્રિવેદીસાહેબ સમજતા હતા, પણ માના  હૈયાને કેમ સમજાવવું? સાનભાન ભૂલી હર્ષાબહેન કૉરિડોરમાં પતિને ઝંઝોડતાં હતાં. ખબરદાર જો મારી દીકરીને કશું થયું તો! તેને પહેલાં જેવી કરી દો, નહીં  તો તમે ડૉક્ટર શું કામના!

કેવી કટોકટી હતી! મગજથી મૃતપ્રાય થઈ ચૂકેલી લાડલીનું ધબકતું હૃદય કોઈની જીવાદોરી બની શકે એમ હતું. મધરાતના સૂનકારામાં ડૉક્ટરે માંડ જંપી ગયેલી  પત્નીને હલબલાવી, ‘હર્ષા, ચાલ મારી સાથે.’ પતિ-પત્ની બન્ને ઉષાના રૂમના દરવાજે આવી ઊભાં : આપણી દીકરીને તો બચાવી શકાય એમ નથી, પરંતુ  તેનું હૃદય હંમેશાં ધબકતું રહે એટલું થઈ શકશે.

અતુલ્ય, વિજ્ઞાનની દૃષ્ટિએ હૃદય એક પંપ ભલેને ગણાય, આપણા માટે તો એ લાગણીનું કેન્દ્ર છે. હૃદયની ધડકન આપણે મન હૈયાના ધબકારા જેવી છે.  હૃદયના રિપ્લેસમેન્ટને આત્માના સ્થળાંતરસરખું માની હર્ષાબહેને મંજૂરી આપી હતી: ભલે, મારી નિશા કાલથી ઉષા બની જશે!

પછી તો ફટાફટ આદેશો છૂટ્યા. અનેક જાતની તપાસણી, પરવાનગીની ફૉર્માલિટી જેવી વિધિઓ શરૂ થઈ. ડૉ. ત્રિવેદીની આખી ટીમ ખડે પગે હતી. કોઈએ  એમ પણ કહ્યું કે પોતાની જ દીકરીના હૃદયને બીજે રોપવાનું ઑપરેશન પિતાએ ન કરવું જોઈએ... ઉષાના પેરન્ટ્સને આની સહેજસાજ ચિંતા હતી : છેલ્લી  ઘડીએ, ઑપરેશન ટેબલ પર ચીરફાડ કરતાં ડૉક્ટરે લાગણી પરથી કાબૂ ગુમાવ્યો તો ક્યાંક ઉષા માટે એ પ્રાણઘાતક ન નીવડે!

નિશાનું હૃદય ઉષા માટે ફિટ રહેશેનું તારણ નીકળતાં ઑપરેશનની તૈયારી શરૂ થઈ. ઍનેસ્થેસિયાના ઘેનમાં સરેલી ઉષા અને લાઇફસર્પોટ સિસ્ટમ પર ટકેલી નિશાને  ઓટી (ઑપરેશન થિયેટર)માં લઈ જવાઈ. અંદર જતા ડૉક્ટર પત્ની પાસે અટક્યા. ઉષાનાં મધરે નજીક જઈ હર્ષાબહેનના ખભે હાથ મૂક્યો : ઈશ્વરનું નામ  લઈ આગળ વધો, ડૉક્ટરસાહેબ. અમારી ઉષામાં તમારી નિશાને ધબકતી જોવા અમે મીટ માંડીને બેઠાં છીએ!

નજરથી તેમનો આભાર માની ડૉક્ટર ઉષાના પિતા પાસે પહોંચ્યા, ‘મારી દીકરીના હૃદયને બંધ નહીં થવા દઉં એટલો વિશ્વાસ રાખજો!’ ત્રિવેદીસાહેબ ઓટીમાં  દાખલ થયા, દરવાજો બંધ થતાં મથાળે લાલ લાઇટ ચાલુ થઈ.

સૌપ્રથમ ડોનરનું હાર્ટ કાઢી સ્પેશ્યલ સૉલ્યુશનમાં પ્રિઝર્વ કરાયું. હવે નિશાને સર્પોટ સિસ્ટમની જરૂર નહોતી, જીવનનો ધબકારો સાવ જ શૂન્ય થયો. નિેત  દીકરીનું કપાળ ડૉક્ટરે હેતથી ચૂમ્યું : અલવિદા નથી કહેતો મારી લાડલી, કેમ કે તું તો હૃદયસ્વરૂપે અમારી વચ્ચે જીવંત જ રહેવાની!’

અતુલ્યની પાંપણ ભીની થઈ. તમને કોટિ કોટિ વંદન, ડૉક્ટરસાહેબ!

‘મગજને સાબૂત રાખી, હૃદયને સહેજે ચસવા દીધા વિના ડૉક્ટર ત્વરિત પેશન્ટ તરફ વળ્યા. ઉષાની હાર્ટ-લંગ સિસ્ટમ બાયપાસ કરી તેમણે નકામું થયેલું હૃદય  કાઢી મિકેનિક વેહિકલના સ્પેરપાર્ટ બદલે એમ દીકરીનું હૃદય આરોપી દીધું. એના પ્રથમ ધબકારે ઓટીમાં સૌ કોઈની આંખો ભીની હતી! ઉષાને આઇસીયુમાં  પહોંચાડી ડૉ. ત્રિવેદી નીકળ્યા હતા, નિશાના ફ્યુનરલ માટે! ખરખરે આવનારને દંપતી કહેતું - મંદબુદ્ધિની અમારી દીકરી તો શાણા માણસ કરતાંય વધુ પુણ્યનું  કામ કરી ગઈ છે, હૃદયનું દાન તો કન્યાદાનથીયે મહાન ગણાવું જોઈએ. નિશાનો શોક ન કરશો, તે તો ઉષામાં ધબકારારૂપે જીવંત છે!

ડૉ. ત્રિવેદીના પુરુષાર્થને શંકાની નજરે જોનારા પણ ઓછા નહોતા, પરંતુ છેવટે તો સારપ જીતે જ છે, કરેલું ફોગટ જતું નથી.. ઑપરેશન પછીના અત્યંત  ક્રિટિકલ ગણાતા પ્રથમ છ મહિનાની વૈતરણી ઉષા હેમખેમ પસાર કરી ગઈ એનો ડૉ. અમૂલખ ત્રિવેદીને સવાયો હરખ હતો. બીજા સંજોગોમાં કદાચ મને સફળતા  ન મળત, પણ અહીં તો દીકરીના હાર્ટને સાબૂત રાખવાનું પિતાનું ઝનૂન હતુંને! ધીરેધીરે ઉષાનાં સઘળાં સમણાં સાચાં પડ્યાં, દોડવાનાં, રમવાનાં, પિકનિક  જવાનાં... ડૉક્ટરે ઉષાના પેરન્ટ્સને સ્ટિ્રક્ટલી વૉર્ન કરેલા : ઉષાનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયાનું તમે ભલે યાદ રાખો, ઉષાને ભૂલી જવા દેજો. શી ઇઝ જસ્ટ  લાઇક ઍની અધર નૉર્મલ ચાઇલ્ડ... મા-બાપને આટલું સ્વીકારતાં થોડો સમય લાગ્યો, પણ પછી તેઓ જ ઉષાને એન્કરેજ કરતાં થયાં. હા, ભારે દવાનો  ડોઝ કમ્પલ્સરી હતો, દર ત્રણ મહિને ચેક-અપ માટે અચૂક જવાનું રહેતું, પણ એનું ભારણ રહ્યું નહોતું.

મોટી થતી ઉષાને બબ્બે પેરન્ટ્સનાં વહાલ પામવાનો લહાવો મળ્યો. ડૉ. ત્રિવેદી તેને ‘મિરેકલ ગર્લ’ કહેતા. પીડિયાટ્રિક હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં પાંચથી વધુ  વરસ જીવનારી તે ઇન્ડિયાની પ્રથમ ચાઇલ્ડ બની. મુંબઈના એક અંગ્રેજી અખબારે તેના પર કવર સ્ટોરી પણ બનાવેલી.

ખેર, ઉષા દસમા ધોરણમાં આવી ત્યારે એક કરુણાંતિકા ઘટી. નેપાળ ફરવા ગયેલાં અમૂલખ-હર્ષા પ્લેનક્રૅશની દુર્ઘટનામાં ખપી ગયાં.’

અરેરે! સેવાભાવી દંપતીનો આવો કરુણ અંજામ?

‘પછી શું થયું, નીમા?’

‘સ્ટોરીમાં હવે બે-ચાર વાક્યો જ રહ્યાં છે, અતુલ્ય... ઉષાને યૌવન આવ્યું. મનમાં સલોણાં અરમાન ઊઠતા ને હૈયે દ્વંદ્વ જામતો : ઉછીના હૃદયે જીવતી હું  કોઈની જીવનસંગિની બનવા લાયક ગણાઉં ખરી? આખરે મારું આયખું કેટલું! હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પછી પેશન્ટ ત્રણ દાયકાથી વધુ જીવે એવું હજી સુધી બન્યું નથી,  એ હિસાબે મારે તો બે દાયકા જ રહ્યા... પછી થતું કે સ્નેહના સગપણને સમયની ફૂટપટ્ટીથી શું કામ માપવું! મારા મિજાજને અનુકૂળ આવે એવો સાથી પાણીદાર  જ હોય, લંબી લંબી ઉમરિયાને બદલે પ્યાર કી એક ઘડીમાં માનતો હોય... હૃદયના પ્રત્યારોપણને કારણે સ્વાભાવિકપણે તોળાતી મર્યાદાઓને ઉદારતા નહીં,  પ્રેમપૂર્વક સ્વીકારી શકનારો છપ્પનની છાતીવાળો પુરુષ ધરતી પર ક્યાંક તો શ્વસતો હશે, તો હું શું કામ તેનો ઇન્તેજાર ન કરું? કુંવારી ઉંમરનાં સમણાંથી શા માટે  મારી આંખો વંચિત રહે!’

‘વાહ, કેવી દમામદાર છોકરી, નીમા. મને તો ઉષામાં તારું પ્રતિબિંબ કળાય છે. તને પહેલાં ન મળ્યો હોત તો હું આંખ મીંચીને તેના પ્રેમમાં ખાબક્યો હોત!’  અતુલ્યના શબ્દોમાં આડકતરો પ્રણયસ્વીકાર હતો, જેને નીમાએ સહજતાથી અવગણ્યો,

‘પ્રેમની એ કમનસીબી જ કહેવાય કે લોકો એમાં આંખો મીંચીને પડે છે! અને એટલે જ મોટા ભાગે પ્રેમ વાસ્તવિકતા સામેનાં આંખમીંચામણાં જેવો ઠરે છે. હું તમને  જણાવી દઉં અતુલ્ય, ઉષા આજેય દર ત્રીજા મહિને જસલોકના કાર્ડિઍક સેન્ટરમાં ચેક-અપ માટે જાય છે, રેગ્યુલર લેવી પડતી મેડિસિનથી તેની રોગપ્રતિકારક  શક્તિ ઘટે છે, કિડની ડૅમેજ થઈ શકે, કૅન્સરની શક્યતાઓ અનેકગણી વધી જાય, અને લગ્નજીવન માટે સૌથી મહત્વની વાત - પ્રેગ્નન્સી! હાર્ટ  ટ્રાન્સપ્લાન્ટથી જીવતી યુવતીને ગર્ભ ધારણ કરવાની સલાહ દુનિયાનો કોઈ ડૉક્ટર નહીં આપે! બોલો વહુ તરીકે, પત્ની તરીકે ઉષા શું કામની!’

હાંફી ગઈ નીમા. અતુલ્ય વિચારમાં સર્યો.

‘નસીબજોગે ઉષા ઝંખતી’તી એવું પાત્ર કલ્પનામાંથી સાકાર થઈ હકીકતમાં આવ્યું. ગર્વીલી માનુનીનો ગર્વ ભાંગે તેવો, કોમળતાનો પડઘો કુમાશથી પાડનારો,  સ્ત્રીના ચરણે સંસારનાં સર્વસુખ ધરી દેવાનું સામથ્ર્ય ધરાવનારો, પૌરુષત્વથી ઓપતો સાયબો જડ્યો ત્યારે ઉષાને સમજાતું નથી કે બાંહો ફેલાવી તેને આવકારવો કે  પીઠ ફેરવી દૂર થઈ જવું?’

‘પ્હેલા મને કહે, નીમા, પેલો યુવક ઉષાને ચાહે છે?’

‘કદાચ!’ નીમાએ નિશ્વાસ નાખ્યો. ‘કદાચ એટલા માટે કહું છું, કેમ કે યુવાનને ઉષાના હૃદય પ્રત્યારોપણની જાણ નથી. મે બી, જાણ થયા પછી તેની  ચાહના જે આકર્ષણ નાશ પામે..’

‘તો સૌપ્રથમ તો ઉષાએ યુવાન સાથે સઘળી ચોખવટ કરી લેવી ઘટે. પ્રણયમાં છેતરપિંડી ન ચાલે.’

નીમાની આંખોમાં ચમક ઊપસી. બિલકુલ મારા જ વિચારો. પોતે પણ અત્યારે આ જ કરી રહી છેને!

‘પેલો યુવક સાચે જ ઉષાને ચાહતો હશે તો પીછેહઠ નહીં જ કરે. અને જો કરે તો એવા યારના બદલાવાનું દુ:ખ શું!’ અતુલ્યે ખભા ઉલાળ્યા, પછી પૂછ્યું,  ‘નીમા, ઉષાને મળવું હોય તો?’

નીમાએ ઊંડો શ્વાસ લીધો. સૂર્ય આથમી ચૂક્યો હતો, દરિયાની ભરતી મંદ થઈ ને આભમાં તારલા મલકી રહ્યા હતા. રહસ્યસ્ફોટની આ જ ઘડી હોઈ શકે.

‘ઉષા તમારી બાજુમાં બેઠી છે, અતુલ્ય.’

હેં! હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર નીમા પોતે જ!

‘અને ઉષાને - એટલે કે તને ગમેલો યુવાન..’

ત્યારે નીમાએ નજરે વાળી, ‘તમારા સિવાય બીજું કોણ હોય!’ થોડી પળો ચુપકીમાં વીતી.

‘તમારે અત્યારે, આજે જ નિર્ણય નથી આપવાનો, અતુલ્ય, અને ખરેખર તો તમારે એકલાએ નિર્ણય લેવાનો પણ નથી... માસીને આ જ વાતથી માહિતગાર  કરવા આજે ઘરે નિમંhયાં છે. તેમની આજ્ઞા વિના આપણો હથેવાળો સંભવ જ નથી..’

અતુલ્યની ભીતર થથરાટી થઈ : માએ સદાય મારા રણકતા સંસારનાં સમણાં સેવ્યાં છે. પોતરા રમાડવાની મનસા તેણે કદી છુપાવી નથી. નાની વયે વૈધવ્ય  વેઠનારી મા દીકરોય ઓછી ઉંમરમાં ઘરભંગ થાય એવું કદાપિ ન ઇચ્છે ને એટલે જ, કાચના વાસણ જેવી ગણાતી કન્યાને વહુ તરીકે કદી આવકારી ન શકે! એક  બાજુ પ્રેયસી, બીજી તરફ માવતર.. ઓહ, પ્રણયગાથાનો આ તે કેવો સનાતન સંઘર્ષ!

‘અતુલ્ય, સ્ત્રીસુલભ દૃષ્ટિથી તમારી લાગણી પામી છે મેં.’ વધુ આગળ વધીએ એ પહેલાં આટલો ખુલાસો આવશ્યક હતો, કેમ કે ઇચ્છીએ તો અહીંથી પાછાં  વળી શકાય એમ છે. આપણે જીવનમરણના કૉલ નથી આપ્યા. અરે, પ્રણયનો એકરાર સુધ્ધાં નથી થયો! છતાં એટલું કહી દઉં, મારો અસ્વીકાર હું ખમી  લઈશ, પરંતુ દયાભાવ કે પછી મારું હૃદય ડૂબવાના ડરથી નકાર સંભળાવવાનું ટાળી મને સ્વીકારશો તો મારા માટે એ મૃત્યુ જેટલું જ વસમું બની રહેવાનું!’

અને આંખો મીંચી એ જ ક્ષણે અતુલ્યે અંતરમાં ફેંસલો ઘૂંટ્યો.

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK