કથા સપ્તાહ - હૃદયેશ્વરી (મિરૅકલ ગર્લ - ૨)

Published: 11th October, 2011 19:59 IST

સૌ એકઅવાજે નીમાને વખાણતું હતું. મુખ્ય ટ્રસ્ટીએ કાર્યક્રમની સફળતાનો શિરપાવ નીમાની ધગશ, લગન, મહેનતને આપ્યો. મધ્યાંતરમાં પોતે જેને-તેને નિમંત્રેલા એ તમામને મળી નીમા યશોદાબહેન, અતુલ્ય પાસે આવી હતી.

- સમીત (પૂર્વેશ) શ્રોફ

‘યુ ડાન્સ વેરી વેલ.’ અતુલ્યની પ્રશંસામાં ‘તમે બહુ ગમ્યાં’ની લાગણી છાની નહોતી રહી.

નીમા એન્ગેજ્ડ હોવાનું લાગતું નહોતું એટલે ત્વરિત નિર્ણય લેવાની ઢબે યશોદાબહેને પૂછી લીધેલું, ‘નીમા, તારા પેરન્ટ્સ નથી આવ્યા!’
‘પપ્પા-મમ્મી પેલી તરફ છે... આવોને.’

પરસ્પરનો પરિચય આપી-મેળવી વડીલો વાતે વળગ્યા એ દરમ્યાન અતુલ્ય-નીમા સહેજ દૂર સરક્યાં.

‘તારો ડાન્સ જોઈ એવું લાગ્યું જાણે મંજરી તેના કાકને આવકારતી હોય.’

‘તમારી મંજરી કંઈ સહેલામાં કાક પર રીઝી નહોતી!’

અતુલ્યનો નીમા પ્રત્યેનો તુંકાર સાહજિક હતો તો નીમાનું તમારી મંજરી કહેવું અનાયાસ હતું. સિદ્ધરાજ જયસિંહના સમયગાળાને આલેખતી મુનશીજીની કથાશ્રેણીમાં આમ તો મુંજાલ મહેતા, મીનળદેવી, ત્રિભુવનપાલ જેવાં શાસનપાત્રોની ભરમાર છે, પરંતુ વાંચનારાના મનમાંથી કાક-મંજરીની બેલડી હટતી નથી. સંસ્કારગર્વિતા મંજરી શરૂમાં કાકને તિરસ્કૃત કરે છે, પણ પછીથી એ જ કાકને પ્રીતઘેલી થઈ હૃદયસિંહાસને સ્થાપે છે. કાકના પાત્રને ઐતિહાસિક સમર્થન છે, જ્યારે મંજરી સંપૂર્ણપણે લેખકની કલ્પના છે... મનગમતાં પાત્રો પ્રત્યેનો અનુરાગ બે વ્યક્તિને નિકટ આણવામાં નિમિત્ત બને એવું અતુલ્ય-નીમાની કથામાં બન્યું.

ડોનેશનનો ચેક આપવા અતુલ્ય આશ્રમાશાળામાં પહોંચ્યો, એની રસીદ આપવા નીમા અતુલ્યના ઘરે ગઈ અને આ મુલાકાતોએ તેમને વધુ નજીક આણ્યાં. ગુજરાતી, અંગ્રેજી, હિન્દીનાં બારસો  જેટલાં પુસ્તકો ધરાવતી અતુલ્યની હોમ લાઇબ્રેરી જોઈ નીમા દંગ થઈ ગઈ. અહીં બુક્સ સ્ટેટસ દેખાડવાના હેતુસર નહોતી, કેટલીક તો વારંવાર વંચાઈ હોય એમ બાઇન્ડિંગમાંથી છૂટીયે પડેલી હતી.

‘અતુલ્ય, મેં આઇ હૅવ સમ બુક્સ?’

પોતાના કલેક્શનમાંથી કદાપિ કોઈને એક ચોપડી સુધ્ધાં નહીં આપવામાં માનતા અતુલ્યે હોંશભેર નીમાની પસંદનું પુસ્તક કાઢી આપ્યું. ‘હરકિશન મહેતાની અંત-આરંભ મારી પણ પ્રિય નવલકથા છે. શિવરાજ-સત્યજિત, વીરાંગના-સુરીલી, આકાશ-બીજલી...’

‘બસ... બસ... કથાનાં પાત્રોની યાદી લાંબી છે એમ નૉવેલ બે ભાગમાં પ્રગટ થઈ છે. તમે ફક્ત પહેલો પાર્ટ આપ્યો,’ નીમા હસી, ‘બન્ને ભાગ લઈ જઈશ તો પાછી નહીં આપું એમ માનીને તો ટુકડામાં નથી આપતાને!’

‘અંહ. તું બીજો ભાગ લેવા આવીશ એટલે મેળાપનો યોગ વહેલો થશે.’

હૈયાનો ભેદ ખૂલ્યાનું ભાન થયું હોય એમ અતુલ્ય એકાએક અટક્યો. તારામૈત્રક રચાયું. નીમાએ સહેજ લજાઈને નજર વાળી.

‘નીમા...’ યશોદાબહેન ડોકાયાં, ‘મારા દીકરાને પહેલી વાર કોઈને પુસ્તક આપતો  જોઉં છું.’

કલ્ચરલ પ્રોગ્રામમાં નીમાના પેરન્ટ્સને મળી-જાણી યશોદાબહેનને સંતોષ થયેલો. ટૅક્સ કન્સલ્ટન્ટ જયેશભાઈ ઝિંદાદિલ ઇન્સાન જણાયા, તો નીમાનાં માતુશ્રી જિજ્ઞાબહેન સંસ્કારવિદુષી લાગ્યાં. ખાનદાની ગરવાઈ બન્નેના વ્યક્તિત્વમાં નીતરતી હતી. યશોદાબહેને અમસ્તું જ પૂછતાં હોય એમ પ્રશ્ન સરકાવેલો : નીમા માટે તમને જૈન કુટુંબનો જ મુરતિયો ખપતો હશે, કેમ... ત્યારે જિજ્ઞાબહેને નકારમાં ડોક ધુણાવેલી, ‘નીમાનાં લગ્ન વિશે અમે ઝાઝો વિચાર નથી કર્યો, છતાં તમે પૂછી એવી સંકુચિતતા તો નહીં જ હોય.’  આટલું સાંભળ્યા પછી યશોદાબહેનનો સંતાપ ઓસરી ગયેલો. અતુલ્ય-નીમાની વધતી મુલાકાતોથી તે રાજી થતાં. ઘરે આવતી નીમાને તેઓ આગ્રહભેર ડિનર માટે રોકી રાખતાં. ગૃહકાર્યોમાં નીમાની કુશળતા પોરસ જન્માવતી. રોકાયેલી નીમાને ડ્રૉપ કરવાનો આદેશ દીકરાને દેતાં તે મલકાઈ ઊઠતાં. સદા હસવું-હસાવવાનું પણ લીધું હોય એમ મીઠી શરારતોથી નીમા વાતાવરણ ભર્યું બનાવી મૂકતી.

‘માસી, અતુલ્યના એક્સપ્રેશન જોજો.’ એક દિવસ ભારે ગમ્મત થઈ. યશોદાબહેનના કાનમાં ગણગણી નીમા અતુલ્ય તરફ વળી, જે લૅપટૉપ પર કશાક કામમાં બિઝી હતો.

‘અતુલ્ય, આજે મેં લતાજીનું જૂનું ગીત સાંભળ્યું, કબૂતર જા... જા... જા... કઈ ફિલ્મનું છે?’

‘મૈને પ્યાર કિયા.’

‘કૉન્ગ્રેચ્યુલેશન.’

હેં! અતુલ્ય બઘવાયો. આડું જોઈ યશોદાબહેન હસી પડ્યાં, અભિનંદન માટે લંબાવેલા નીમાના હાથમાં હથેળી ભીડતા અતુલ્યના સ્પર્શે ઝણઝણાટી પ્રસરાવી દીધી. નીમાના ચિત્તમાં પડઘો ઊઠ્યો... મૈત્રીની લાગણી રૂપ બદલી નાજુક વળાંકે વળવાના આરે છે. ટર્નિંગ પહેલાં મારા દિલની ચોખવટ કરી લેવાનો સમય આવી પહોંચ્યો!

***

નીમાએ આજે થયું છે શું! અતુલ્યને સમજાતું નથી. શનિવારની આજની સાંજે નીમા વંટોળિયાની જેમ અણધારી ઑફિસમાં ધસી આવેલી : કામ વહેલું બંધ કરો એન્જિનિયરસાહેબ, આજે તમને કિડનૅપ કરવાનો ઇરાદો છે! તેની વાણીમાં રાબેતા મુજબની મસ્તી હતી, પણ વર્તન રહસ્યમય લાગતું હતું. આપણે ક્યાં જવાનાં એમ પૂછ્યું તો જવાબ ટાળી ગઈ. માને ઇન્ફર્મ કરવાનો પ્રસ્તાવ સાંભળી બોલી ગઈ, માસી અત્યારે ઘરે નહીં હોય, તેઓ મારે ત્યાં પહોંચ્યાં હશે... મમ્મીએ જોકે અડધો કલાક પહેલાં તેમને નિમંત્રણ પાઠવતાં કહ્યું છે ખરું કે નીમા અતુલ્યની ઑફિસે જવાની હોવાથી બન્ને મોડાં ઘરે પહોંચશે. જુવાનિયા તેમની રીતે મળી લે. આપણે વડીલો અંદરોઅંદર ચર્ચા કરી લઈએ. એવી સમજૂતી થઈ છે...
તો-તો ચર્ચાનો વિષય અમારો સંબંધ જ હોવો  જોઈએ! અતુલ્યે મનગમતું ધારવાનો રોમાંચ અનુભવ્યો હતો. બે-અઢી માસના આ ટૂંકા ગાળામાં અમે એકમેક પ્રત્યે આકષાર્ઈ ચૂક્યાનો અહેસાસ બન્ને પક્ષે છે, અરે, હું તો નીમાને ચાહવા લાગ્યો છે એમ નીમા પણ મને... ચોક્કસ આજે ચાહતનો એકરાર થવાનો! કદાચ નીમાને સ્ત્રીસહજ લજ્જા રોકે, પણ હું તો શબ્દો ર્ચોયા વિના કહી દઈશ કે મારી હૃદયેશ્વરી તું જ હોઈ શકે નીમા!

પરંતુ હૈયું ખોલવાનું આવે ત્યારે જીભને તાળું લાગી જતું હોય છે, ક્યારેક. પાલવાની પાળે બેસી બન્ને સાગરનું ગુંજન માણી રહ્યાં.

‘ભરતીનાં મોજાં આપણને ભીંજવી રહ્યાં છે, ખરેખર તો અંતરને લાગણીથી ભીનું કરવાની આ પળો છે.’

અતુલ્યના શબ્દોનો ધક્કો લાગ્યો હોય એમ નીમાની ભીતર હલચલ સર્જાઈ ગઈ. અતુલ્ય પ્રણયનો સ્વીકાર કરે એ પહેલાં મારે સત્ય કહી દેવું જોઈએ, પરંતુ જેના ઉચ્ચારણનો પ્રત્યાઘાત હંમેશાંના વિયોગમાં પણ સંભવી શકે એમ હોય એ ભેદ પરથી પડદો ઉઠાવવા બહુ મથવું પડ્યું તેણે.

‘નીમા, ઘૂઘવતા દરિયાની સાક્ષીએ, આભમાં ઊગેલા તારલિયાની સંગાથે હું એકરાર કરું છું...’

નીમા હાંફવા માંડી. મારી વાત સાંભળી અતુલ્ય તરછોડશે તો હું સહી લઈશ, પણ તેમની ચાહનાની કબૂલાત પછી, મારું બયાન સાંભળી તેમનો નિર્ણય બદલાયો, તો એ રિજેક્શન મારા હૃદયને ચૂર-ચૂર કરી મૂકશે!

‘અતુલ્ય...’ ત્વરાથી તેણે અતુલ્યને અટકાવ્યો, ‘કહો તો, ૨૯ સપ્ટેમ્બરે શું છે?’

અણીના સમયે આવેલું વિષયાંતર અતુલ્યને ખટક્યું. નીમાનો બર્થડે ૩ ડિસેમ્બરે હોવાની જાણ હતી, પણ ૨૯મી કદાચ બીજા અર્થમાં સ્પેશ્યલ હશે, મે બી તેના પેરન્ટ્સનો જન્મદિન કે એવું કંઈક... કદાચ નીમા પ્રીતનો પોકાર એ દિવસે પાડવા માગતી હોય!

‘વેલ, ૨૮એ લતાજીનો બર્થડે હોવાની જાણ છે. ૨૯ની સ્પેશ્યલિટીથી અજાણ છું.’

‘ઇટ્સ વલ્ર્ડ હાર્ટ ડે ઑન ટ્વેન્ટીનાઇન્થ. આમ તો સપ્ટેમ્બરનો છેલ્લો રવિવાર વિશ્વ હૃદય દિન તરીકે ઊજવાતો હોય, આ વખતે ૨૯મી તારીખનું મુરત નીકળ્યું છે.’

વાહ, હૃદયની લેતીદેતીનો હિસાબ વલ્ર્ડ હાર્ટ ડેના રોજ જ થવો શોભેને!

‘હૃદય ધરાવતા, અર્થાત્ જીવનથી ધબકતા પ્રત્યેક માટે હાર્ટ ડેની ઉજવણીનું મહત્વ હોવું ઘટે, બાકી અમારે મન તો એ વિશેષ હોય છે જ.’

(‘અમે’થી નીમા શાયદ આશ્રમશાળાના બાળકોને સાંકળી રહી છે.’)

‘અતુલ્ય, આ તસવીર જુઓ તો.’ પર્સમાંથી ફોટોફ્રેમ કાઢતાં નીમાનો હાથ સહેજ કાંપ્યો.

‘બતાવ.’ ઉતાવળે ઝાપટ મારતો અતુલ્ય ભોંઠો પડ્યો. પોસ્ટકાર્ડ સાઇઝના ફોટોમાં પોઝ દેતી ફૅમિલી અજાણી હતી. ચાલીસીમાં પ્રવેશેલું દંપતી અને તેમની બાર-ચૌદ વરસની મીઠડી દીકરી. કોણ હશે?

‘તસવીરમાં દેખાતા સજ્જન મુંબઈના એક સમયના જાણીતા કાર્ડિયાક સજ્ર્યન છે, ડૉક્ટર અમૂલખ ત્રિવેદી. હાઉસવાઇફ હષાર્ અને એકની એક દીકરી સાથેનો તેમનો સંસાર ભર્યોભાદર્યો હતો.’

‘હતો?’

‘યા, આજે ત્રણમાંથી કોઈ હયાત નથી, જોકે દીકરી નિશા અન્ય સ્વરૂપે શ્વસે છે ખરી.’

ઉખાણા જેવી ભાષામાં નીમા કોની કહાણી ઉખેળી બેઠી?

‘અતુલ્ય, લગભગ નિશાની જ વયની એક અન્ય છોકરી ધારી લો. દાખલા તરીકે તેનું નામ છે ઉષા...’ ઊંડો શ્વાસ લઈ નીમાએ કહેવા માંડ્યું, ‘ઉષા નાનપણથી હેલ્થમાં નબળી. સતત માંદી રહે. મુંબઈની દરેક હૉસ્પિટલ, પ્રત્યેક પીર-ફકીરની મુલાકાતે ફરી વળેલાં મા-બાપને છેવટે બ્રીચ કૅન્ડીના પીડિયાટિશ્યને સલાહ આપી - આ કેસ બાળરોગ નિષ્ણાત નહીં, નીવડેલો હાર્ટ સ્પેશ્યલિસ્ટ જ સંભાળી શકે એમ છે. આટલું સાંભળતાં જ માએ ઠૂઠવો મૂક્યો. પિતા ભાંગી પડ્યા. આજથી લગભગ દસ-બાર વરસ પહેલાંની આ વાત.’

અતુલ્યનાં નેત્રોમાં કરુણા ઝબકી.

‘જાત-જાતના ટેસ્ટને અંતે નિદાન થયું - દસ વરસની તમારી  બેબીને હૃદયની અસાધ્ય બીમારી છે. તેનું હાર્ટ એટલી હદે નબળું પડી ચૂક્યું છે કે છ મહિનાથી વધુ નહીં જીવે! જેની પાસે દરદીનાં સગાં ચમત્કારની મીટ માંડી બેઠાં હોય તે વ્યક્તિ હાથ ઊંચા કરી દે ત્યારે ઈશ્વરને ભજવા સિવાય બીજું થઈ પણ શું શકે?’

‘લગભગ દર અઠવાડિયે કોઈ ને કોઈ કારણસર ઉષાને તેડી હૉસ્પિટલનાં પગથિયાં ચડવા પડતાં. ડૉક્ટરી તપાસથી ટેવાઈ ગયેલી, ઇન્જેક્શનની સોયથી ડરતી નહીં. કઠણ કાળજું રાખી મા-બાપ દીકરીથી અશ્રુ છુપાવતાં, તેની હિંમત બંધાવતાં વાક્યો વાપરી પોતેય આશ્વસ્ત થવાની ચેષ્ટા કરતાં. દીકરીનો સાથ છૂટ્યો તો અમેય ઝેર ઘોળી તારા દરબારમાં આવી પહોંચીશુંની ચૅલેન્જ સર્જનહાર સમક્ષ ફેંકી ચૂકેલાં. માવતર માટે આશાકિરણ બની પધાર્યા હતા ડૉ. ત્રિવેદી. તેમના નામની સલાહ ઘણાએ ઉષાનાં મા-બાપને આપી હતી, ડૉક્ટર્સ ખુદ તેમને રેકમન્ડ કરતા : હી ઇઝ ધ અલ્ટિમેટ વેન ઇટ કમ્સ ટુ હાર્ટ-ડિસીઝ... ઉષાના પેરન્ટ્સ આર્થિક દૃષ્ટિએ સધ્ધર ને દીકરીને જિવાડવા પ્રત્યે એટલા જ કટિબદ્ધ! જશલોકમાં ફરજ બજાવતા ડૉ. અમૂલખ  ત્રિવેદી તેમને જોતાંવેત દેવદૂત જેવા લાગ્યા. અત્યંત સ્નેહાળ સ્વભાવ, વ્યસ્તતાનો ભાર નહીં, મોટા ડૉક્ટર હોવાનું ગુમાન તો સહેજે નહીં. પહેલી જ મુલાકાતમાં પેશન્ટ સાથે દોસ્તી પાડી લીધી - મારેય તારા જેવડી એક બેબી છે... જોકે તેને હજીય એબીસીડી નથી આવડતી. તું શીખવીશ?’

‘ખરેખર તો તેમની પુત્રી મંદબુદ્ધિ હતી, પણ ઉષાને ક્યાં તેની જોડે નિસ્બત હતી! બીજા ડૉક્ટર્સની સરખામણીએ તેને ડૉ. ત્રિવેદી નિરાળા લાગ્યા હતા. પિતા જેવા જ વહાલસભર. ડૉક્ટર પાસે જવામાં બીક તો શરૂથી નહોતી, પણ એમાં હવે ઉમળકાનું તત્વ ભળ્યું. બીજા કડવી દવા આપે. આ ડૉક્ટર તો ઉષાના જતાં જ કૅડબરી થમાવી દેતા, હેતથી ચૂમી ભરતા. પેશન્ટની ગમે એટલી લાંબી કતાર હોય, ઉષા સીધી જ તેમની કૅબિનમાં ઘૂસી જતી. ટેબલ પર બેસી સ્ટેથોસ્કોપથી રમ્યા કરતી. ‘મારી લાડલીને કોઈ વઢશો નહીં.’ ડૉક્ટર ઉષાના પેરન્ટ્સને કે પોતાના સ્ટાફને વારતા, ‘મારી ઉષા મોટી થઈને ડૉક્ટર બનવાની છે એની પ્રૅક્ટિસ અત્યારથી જ થવા દો!’

જવાબમાં ઉષાનાં મા-બાપના ચહેરા ઝંખવાઈ જતા, ડૉ. ત્રિવેદીએ તેમને કહી દીધેલું : હું જૂઠી આશા આપવામાં માનતો નથી. કરવા યોગ્ય દરેક ટ્રીટમેન્ટ થઈ ચૂકી છે. દવાના પ્રતાપે હસતી-રમતી લાગતી છોકરી ખરેખર તો પળે-પળે મૃત્યુ તરફ ધકેલાઈ રહી છે. તેનું નબળું હૃદય હવે વધુ ઝીંક ઝીલી શકે એમ નથી.

‘જેની પાસે મહિનાદહાડાથી વધુ આયુષ્ય નથી એ શું ડૉક્ટર થવાની! માએ બળબળતો નિસાસો નાખ્યો, પિતા લાચારી છુપાવી શક્યા નહીં : પણ ડૉક્ટર  ત્રિવેદીના  વદનમાં હવે સંકલ્પબળ ઝબૂક્યું, ‘શ્વાસ છે ત્યાં સુધી આશ છોડશો નહીં.’

જૂઠી આશા નહીં બંધાવવામાં માનતા ડૉક્ટરનો હવાલો માવતરને અચરજ પમાડી ગયો હશે...

અતુલ્યે અનુમાન બાંધ્યું. તેની નજર સમક્ષ ઘટના ફિલ્મની પટ્ટીની જેમ સરકતી હતી, ધડકતા હૈયે સાંભળી રહ્યો.

ડૉક્ટરે ધડાકો કર્યો. ‘ઉષાને બચાવવાનો એક અને આખર ઉકેલ હજી સાબૂત છે : હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ!’

હેં! અતુલ્યે ધક્કો અનુભવ્યો, જાણે હમણાં ઑપરેશન થવાનું હોય એવો ફફડાટ ફેલાઈ ગયો.

નીમા શ્વાસ લેવા રોકાઈ, કથા એની પરકાષ્ઠાએ પહોંચી ચૂકી હતી. હૃદયના પ્રત્યારોપણથી જીવી ગયેલી ઉષા બીજું કોઈ નહીં, નીમા સ્વયં છે એ જાણ્યા પછી અતુલ્ય શો નિર્ણય લે છે એના પર મારું ભાવિ ટક્યું છે!

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK