કથા સપ્તાહ - હૃદયેશ્વરી (મિરૅકલ ગર્લ - ૧)

Published: 10th October, 2011 19:25 IST

ધીમા સ્વરે પ્રસરતા લતાનાં મધુર ગીતો, થરમૉસ ભરીને ચા અને ચાર-છ છાપાંની પૂર્તિ ઉપરાંત સરસ મજાની ફિક્શન બુક - અતુલ્ય માટે રવિવારની બપોરનો આ જ સાર! વહેલો જમી-પરવારી તે દીવાનખંડની ભારતીય બેઠક પર લંબાવી દે. રિમોટથી ડીવીડી પ્લેયર ચાલુ કરી વારાફરતી સન્ડે સપ્લિમેન્ટ્સનાં પાનાં ફેરવતો જાય.

 

- સમીત (પૂર્વેશ) શ્રોફ

 

‘હમ આપકે હૈં કૌન...’


અંગ્રેજી અખબારોનો દોર પતે ત્યાં સુધીમાં યશોદાબહેન આદુવાળી ચાનો સ્ટૉક ધરતાં રાબેતા મુજબ દીકરાને ટકોરી લે : સપ્તાહના છ દિવસ તો ઊંધું ઘાલીને તારી એન્જિનિયરિંગ ફર્મનાં કામોમાં ડૂબ્યો હોય છે, રજાના દા’ડે ઊંઘ પૂરી કરતો હોય તો!

માનું ચાલે તો મોટા થયેલા દીકરાનેય નાનપણની જેમ હાલરડું ગાઈ સુવાડી દે! સંતાનને સ્વાશ્રયના પાઠ ભણાવતી મા તેના આરામની પણ એટલી જ ખેવના રાખતી હોય છે. જોકે વયમાં વધતાં છોકરાંવને માની જરા સરખી આળપંપાળ પણ વધુ પડતી લાગવા માંડે છે, પરંતુ એથી કંઈ માની મમતા બદલાતી નથી! એમાંય યશોદાબહેન માટે તો અતુલ્ય એકનો એક. વૈધવ્યનો તાપ વેઠીને ઉછેરેલો લાડકવાયો.‘રજાના દિવસની મારી ફિલસૂફી જુદી છે, મૉમ.’ અતુલ્ય કહેતો, ‘રજા એટલે નિજાનંદનો સમય. કામનો વખત આપણે નિદ્રામાં વેડફતા નથી, એમ ફુરસદની ઘડીઓને ઊંઘમાં ગુમાવવાને બદલે મનગમતી પ્રવૃત્તિઓમાં વિતાવવાનું મને ગમે છે. બાકી રવિવારની સવારે મોડો ઊઠી હું આખા અઠવાડિયાની નીંદરનું સાટું વાળી જ લેતો હોઉં છુંને!’

ઠાવકા દીકરાના ડહાપણ પર પોરસાતાં યશોદાબહેન વામકુક્ષિ માણવા પ્રસ્થાન કરે ને અતુલ્યની વાંચનયાત્રા આગળ વધે. સાથે ચાના ઘૂંટડાનો સંગાથ હોવા છતાં ક્યારેક મસ્તમજાનું ઝોકું આવી પણ જાય! માના જીવને આનો અણસાર આવી જતો હોય એમ યશોદાબહેન હળવા પગલે બહાર આવી દીકરાની છાતીએ પડેલું પુસ્તક બાજુ પર મૂકે, ટેપ બંધ કરી બારીના પડદા ઢાળી એસીનું કૂલિંગ વધારી ચોરસો ઓઢાડી દે એટલે સાંજે પાંચ-છ વાગ્યા સુધી અતુલ્ય લહેરથી સૂતો હોય. તેને ખલેલ ન પહોંચે એટલા ખાતર તો ચાર વાગ્યે ચાની આદત હોવા છતાં યશોદાબહેન અવાજ થવાની બીકે ચા બનાવવાનુંય ટાળતાં. એને બદલે ગૂંથણકામ કે પ્રભુસ્મરણની ચોપડીમાં ચિત્ત પરોવે.

આજે આમાં નાનકડો અપવાદ સર્જાયો. લગભગ સાડાચારના સુમારે ડોરબેલ રણક્યો. સાદી નોટમાં શ્રીકૃષ્ણ શરણં મમનો મંત્ર લખતાં યશોદાબહેન ચમક્યાં : અત્યારે કોણ હશે! આમ તો વરલી સી ફેસની કુંજવિલા સોસાયટીમાં મા-દીકરો સેવાભાવી ગણાતાં, પાડોશીઓની મુસીબતમાં ખડા પગે ઊભા રહેવાનો સજ્જન ધર્મ તેમણે અતુલ્યમાં સીંચ્યો હતો. સ્નેહીસંબંધી કે અતુલ્યના મિત્રો માટે ઘરના દરવાજા ચોવીસ કલાક ખુલ્લા રહેતા. જોકે એથી કંઈ રવિવારે કોઈના ઘરે જતાં પહેલાં ફોન કરવાની ઍટિકેટ મુંબઈગરા ચૂકતા નથી. આવા કોઈ ફોન વિના આજે કોણ પધાર્યું! ઝડપથી નોટ ને પેન ડ્રૉઅરમાં સરકાવી ઉતાવળી ચાલે યશોદાબહેન દરવાજા તરફ વધ્યાં : નહીંતર આવનાર બેલ વગાડી મારા લાલની નીદર ઉડાડી મૂકશે!

આગંતુક નીકળી અજાણી યુવતી. ૨૨-૨૩ની વય, ગોરો વાન, સ્ટેપ-કટ હેરસ્ટાઇલથી ઓપતી આકર્ષક મુખમુદ્રા, મેંદી રંગના સલવાર-કુર્તામાં શોભી ઊઠતું દેહલાલિત્ય...‘નમસ્કાર માતાજી...’ દરવાજો ઊઘડ્યા પછી જાળી ખોલવામાં વાર થઈ એટલે આવનારીએ કહેવું પડ્યું, ‘અનુકૂળ હોય તો હું આપની પાંચ મિનિટ લઈશ.’છોકરીના રણકાભર્યા અવાજમાં વિવેક ડોકાય છે અને એ જ તેનું સંસ્કારીપણું પણ છતું કરે છે. પ્રોડક્ટ વેચવા આવેલી સેલ્સગર્લ જેવી તો બિલકુલ નથી. એવો સામાન પણ ક્યાં છે તેની પાસે? ત્યાં પેલીએ ખભે લટકતી પર્સની ચેન સરકાવતાં થયું કદાચ સુધરાઈ તરફથી કશા સર્વે માટે આવી હશે... પરંતુ આજે તો તેમનેય રજા નહીં!

‘માજી, હું દાદરની કુમાર આશ્રમશાળા તરફથી આવી છું.’ તેણે આમ કહેતાં યશોદાબહેનને થયું પોતાનાં સઘળાં અનુમાનો ખોટાં ઠર્યા. શાળા એટલે બાળકોનું જ્ઞાનધામ. એની સાથે સંકળાયેલી વ્યક્તિ સન્માનનીય જ ગણાય... જાળીનો આગળો ખોલી તેમણે આવકાર આપ્યો, ‘આવોને.’ બીજા સંજોગોમાં યશોદાબહેન સાવધાનીથી વત્ર્યા હોત, છોકરીનું આઇકાર્ડ જોવા માગ્યું હોત. આખરે મુંબઈમાં બનાવો જ એવા બનતા રહે છે કે સાવધ રહેવું જ પડે. આજે આમ ન કરવાનાં બે કારણ હતાં. એક તો, દીકરો ઘરે હાજર હોવાની નચિંતતા ને બીજું કેટલીક વ્યક્તિની પારદર્શિતા પ્રથમ નજરે જ પરખાઈ જતી હોય છે. દીવાનખંડની બેઠકે ગોઠવાતી યુવતીને તેમણે પૂછ્યું, ‘શું નામ તમારું?’

‘હું નીમા શાહ, નજીક શિવાજીપાર્ક ખાતે રહું છું, મારા ફાધર ટૅક્સ કન્સલ્ટન્ટ છે.’ ત્યારે તો છોકરી પામતા-પહોંચતા ઘરની હોવી જોઈએ. ‘શાહ એટલે જૈન? અમારા વૈષ્ણવમાં પણ શાહ સરનેમ હોય એટલે પૂછું છું.’ ‘જી, અમે જૈન છીએ. જોકે છેવટે તો ઈશ્વર એક જ છે. તેને મહાવીર કહો કે કૃષ્ણ! આવું મારી મમ્મી કહેતી હોય છે.’ ‘તો મને કહેવા દે કે તેમની વાણીમાં ભારોભાર સત્ય છે.’

આછું સ્મિત ફરકાવી યશોદાબહેન પાણી લેવા રસોડામાં ગયાં એ દરમ્યાન નીમા હૉલની સજાવટ નિહાળી રહી. એલ આકારનો વિશાળ ખંડ, મુખ્ય દરવાજો ધરાવતી સામી દીવાલની મધ્યમાં જડેલા એલઇડી, એની બન્ને બાજુ ત્રણેક ફૂટના સ્ટૅન્ડ પર ગોઠવેલું ફિશ ઍક્વેરિયમ, સ્ટૅન્ડમાં શણગારેલાં હાથી-ઘોડા, ઢીંગલીની સજાવટ અને અહીં સંખંડાનો સોફાસેટ... બધું ચોખ્ખું, સાદગીસભર અને છતાં વૈભવી!

આળસ મરડવાના આછા સ્વરે નીમાની નજર જમણે ફંટાઈ. અરે, ભારતીય બેઠક પર આ કોણ સૂતું છે! ચહેરો દીવાલે લટકતી સુખડના હારવાળી છબિમાં મલકતા પુરુષ સાથે સામ્યતા ધરાવે છે. માજી વિધવા છે એટલે ફોટો તેમના પતિનો હોવો જોઈએ ને આ જનાબ તેમના પુત્ર! માજી ધીમેથી કેમ બોલતાં હતાં એ હવે સમજાયું. દીકરાની ઊંઘ ઊડવાની તેમને ફિકર હશે.

ત્યાં તો આદત મુજબ જોરથી બગાસું ખાઈ, હાથ-પગના ટચાકા ફોડતાં અતુલ્યે આંખો ખોલી. અર્ધજાગૃત અવસ્થામાં પાંપણ પટપટાવી તે મલક્યો. નિર્દોષતાભર્યો મલકાટ સીધો જ હૈયે ઊતરી જાય એવો હતો.

‘હલ્લો.’

‘હાય’ કહ્યા પછી ખ્યાલ આવ્યો કે પોતે નીંદમાં નથી, સામે સ્વપ્નસુંદરી નથી, કોઈ મુલાકાતી આવ્યું હોવાના ખ્યાલે તે ઝડપભેર બેઠો થયો, ‘સૉરી,

હં. મૉમ...’

‘અરે, તું જાગી ગયો!’ ટ્રે લઈ યશોદાબહેન કિચનમાંથી પ્રવેશ્યાં, ‘નીમા, આ મારો દીકરો અતુલ્ય.’

વળી પરસ્પર હલ્લો-હાય થયું. ચોરસો ખભે રાખી અતુલ્ય અંદર તરફ ગયો, નીમાએ પર્સમાંથી નિમંત્રણપત્ર કાઢ્યું. પંદરેક મિનિટ પછી ફ્રેશ થઈ અતુલ્યે ડ્રૉઇંગરૂમમાં ડગ મૂક્યું ત્યારે નીમા-મા વચ્ચે જવા-રોકાવાની આનાકાની ચાલતી હતી. ‘લે, આ અતુલ્ય આવ્યો. હવે ચા વિના જવાનું નથી. તારા માટે ખાસ નથી મૂકતી, અમારો ચાનો ટાઇમ થયો એટલે મૂકું છું, રાજી? તમે બન્ને બેસો.’ કહી તે ઊઠ્યાં, ‘અતુલ્ય, નીમા નજીકની આશ્રમશાળામાં સંગીતશિક્ષિકા તરીકે માનદસેવા આપે છે. અનાથ, તરછોડાયેલાં બાળકો માટે ઘણાં કાર્યો કરે છે આશ્રમનું ટ્રસ્ટીમંડળ. આવતા રવિવારે દીનાનાથ નાટ્યગૃહમાં એમણે કલ્ચરલ પ્રોગ્રામ રાખ્યો છે...’

માના જતાં અતુલ્યે ટિપાઈ પર પડેલું ઇન્વિટેશન કાર્ડ ઉઠાવ્યું. મિસિસ યશોદા કાપડિયા ઍન્ડ ફૅમિલીને આમંત્રિત કરતા કાર્ડ પર પ્રવેશમૂલ્ય નહોતું એટલે અતુલ્ય ગૂંચવાયો : ચૅરિટીના કાર્યક્રમમાં વિનામૂલ્યે ઓછુંં જવાનું હોય! ઓહ,
તો-તો કદાચ અમારે ડોનેશન આપવાનું હશે. મા જોકે ગુપ્તદાન કરતી હોય છે ખરી... ઈશ્વરે આપણને અઢળક આપ્યું છે તો જરૂરતમંદને થોડુંક વહેંચવામાં શું કંજૂસાઈ કરવી! આવું માનનારી માએ નીમાને કેટલાકનો ફાળો લખાવ્યો હશે?
‘હું ચેકબુક લઈ આવું.’ બબડતો હોય એમ બોલી અતુલ્ય ઊઠ્યો કે...

‘હું સખાવતનો ચેક લેવા નથી આવી અતુલ્ય.’

વાહ, છોકરી આટલામાં મારો ઇરાદો પામી ગઈ! રૂપાળી નીમા અતુલ્યને સ્માર્ટ જણાઈ.

‘અલબત્ત, ડોનેશન અમે લઈશું, પરંતુ એ તો અમારો પ્રોગ્રામ નિહાળી આશ્રમની પ્રવૃત્તિઓમાં તમને ભરોસો બેસે પછી. ખાસ તો આપણા ગુજરાતી સમાજના પામતા-પહોંચેલા વર્ગના થોડાક પ્રતિનિધિઓને આગ્રહભેર નિમંત્રણનો આ જ આશય છે.’
દાનના સદુપયોગ વિશે ડોનરને ખાતરી આપવાનો સ્વમાની અભિગમ અતુલ્યને ગમ્યો.

‘જીવનમાં પૈસો કમાવાની તકો તો ઘણી આવે, પણ રળેલી લક્ષ્મીને સદ્માર્ગે વાળવાનું બહુ ઓછાને સૂઝે.’

ફાળો ઉઘરાવનારાઓ દાતાઓ સમક્ષ આવું બોલતા જ હોય, પણ નીમાની વાણીમાં યાચકનો મસકો નહોતો. તેણે સ્વયં અપનાવેલી પૉલિસી હોય એવી ઢબે નીમા બોલી એથી અતુલ્ય પ્રભાવિત બન્યો.

‘અરે!’ એકાએક નીમાનો રણકો બદલાયો, ‘રાજાધિરાજ-!’ પુસ્તક તરફ આંગળી ચીંધતા તે હરખાઈ ઊઠી, ‘કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા તમે વાંચો છો!’

નવી પેઢીનો જુવાન ગુજરાતી સાહિત્ય વાંચે, એ પણ ગઈ શતાબ્દીનું, એ મુંબઈ જેવા શહેરમાં બહુ રૅર ગણાતી ઘટના હશે! અતુલ્યને તેની કબૂલાતમાં જોકે સંકોચ ન થયો, ‘જી.’

‘તમને કાક ગમે કે મંજરી?’

અરે, આ છોકરી તો વાર્તાની રસિયણ લાગે છે! સાહિત્યની ચર્ચા માંડી શકાય એવો કોઈ મિત્ર અતુલ્યને નહોતો. સમાન શોખવાળી બે વ્યક્તિ વચ્ચે બહુ ઝડપભેર આત્મીયતા સ્થપાઈ જતી હોય છે.

‘અફકૉર્સ મંજરી. કથાની નાયિકા નાયકથી ચડિયાતી હોવાની સો દલીલ હું કરી શકું એમ છું.’

‘જાઓ હવે કાકના સમર્થનમાં બસો વાક્યો તો હું આમ બોલી શકું એમ છું.’ નીમાએ ચપટી વગાડી.

ચા લઈને આવતાં યશોદાબહેન અચંબો પામ્યાં. પહેલી જ મુલાકાતમાં અતુલ્ય-નીમા આ શું જીભાજોડી માંડી બેઠાં! આમંત્રણપત્રિકા આપવા આવેલી નીમા અજાણ્યા ઘરે નવલકથાનાં પાત્રોની દલીલ કરવા બેસી જાય એ શોભે ખરું?

‘નીમા, અતુલ્ય સાથે પુસ્તકોની ચર્ચા માંડવા બેસીશ તો એનો ક્યારેય આરો નહીં આવે... ચા માટે તું માંડ રોકાઈ, હવે મોડું નથી થતું?’

તેમની હળવી ટકોરે નીમા સચેત બની. ઉતાવળે ચાનો પ્યાલો ખાલી કરી તેણે રુખસદ લીધી. અતુલ્ય ફરી ચોપડીમાં પરોવાયો.

‘કેમ અલ્યા! આજે ફરવા નથી જવાનો?’ રવિની સાંજ અતુલ્ય મિત્રો જોડે ગાળતો. મૂળે ગર્ભશ્રીમંત અને સિવિલ એન્જિનિયર થઈ હવે તો મોટા-મોટા બિલ્ડિંગ્સ, સ્થાનકની ડિઝાઇન્સ બનાવી આપતી પોતાની ફર્મ જમાવ્યા પછી અઢળક કમાતા દીકરાને નાઇટલાઇફનો ચસકો નથી લાગ્યો એની યશોદાબહેનને રાહત હતી. એ દૃષ્ટિએ અતુલ્યના શોખ થોડા જુનવાણી ગણાય.

‘જઈશ મમ્મી, પણ થોડો મોડો. જાણે છે નીમાને આખી કથા કંઠસ્થ છે. તેણે આપેલો રેફરન્સ જરા ચકાસી લઉં...’

સમાન રુચિના બહાને દીકરાને નીમામાં તો રસ નથી પડ્યોને! આજના જુવાનિયા આમ પાછા ફાસ્ટ ખરા જ! જોકે એવું હોય તોય હરખાવાની જ વાત હતી, દીકરાને પરણાવવાની હોંશ માના હૈયે પણ વળ ખાતી હતી, પરંતુ જીવનભરના બંધનમાં ઉતાવળ ન ચાલે. છોકરી વિશે પૂરતી તપાસ કર્યા પછી જ આગળ વધવાનું હોય. અમીર-ગરીબના ભેદમાં હું માનતી નથી, પરંતુ મા-દીકરા વચ્ચે અંતર ઊભું ન કરે એવા ગુણ-સંસ્કાર તો હોવા જ જોઈએ... યશોદાબહેને માથું ખંખેર્યું : હુંય ખરી છું, નીમાની એક મુલાકાતમાં ક્યાંનું ક્યાં વિચારવા લાગી! શક્ય છે આવતા શનિવાર સુધીમાં અતુલ્ય ચૅરિટી પ્રોગ્રામ વિશે ભૂલી પણ જાય!

જોકે એવું બન્યું નહીં. માને લઈ વેળાસર દીનાનાથ હૉલ પહોંચવાની ચીવટમાં યશોદાબહેનને જવાનીનો જાદુ જ દેખાયો. પ્રવેશદ્વારે કતારબંધ ઊભેલાં આશ્રમશાળાનાં બાળકો ફૂલની પાંખડી વરસાવી મહેમાનોનું સ્વગાત કરતાં હતાં. ટ્રસ્ટીમંડળના એકાદ પરિચિતે તેમને આવકાયા઼હૃ. ખુરસી પર બેઠક લીધી ત્યાં સુધી અતુલ્યની આંખો નીમાને શોધતી હોવાનું યશોદાબહેનના ધ્યાનબહાર ન રહ્યું. યૌવન એનો રંગ દાખવવા માંડે એ પહેલાં મારે કન્યા વિશે તપાસ કરી લેવી ઘટે, આમ તો નીમામાં કશું કહેવાપણું લાગતું નથી, છતાં તે જૈન છે એટલે... પડદો ખૂલતાં તેમણે વિચારો સમેટવા પડ્યા. વેલકમ સ્પીચ, શાળાની પ્રવૃત્તિઓનો ચિતાર અને દાનની ટહેલ પછી મનોરંજનનો કાર્યક્રમ શરૂ થયો. પહેલી જ આઇટમ નીમાની હતી.

‘કોઈ મતવાલા આયા મેરે દ્વારે, અખિયોં સે કર ગયા અજબ ઇશારે...’ શાસ્ત્રીય બંદિશ પર છટાદાર નૃત્ય કરતી નીમાની ભાવભંગિઓથી અતુલ્ય બંધાતો ગયો. તેને હજી જાણ નહોતી કે બે જ મુલાકાતમાં હૃદયને ગમવા લાગેલી છોકરી ઉછીના હૃદયે જીવી રહી છે!

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK