કથા સપ્તાહ - કાવાદવા (કહાં સે કહાં તક ૨)

Published: 25th October, 2011 18:12 IST

‘કલ તો મૈં બાલ-બાલ બચ ગઈ...’ માનસિંહના ખોળામાં બેસી રેશમાએ તેના હોઠ પર આંગળી ફેરવી, ‘મિલનની નાજુક ક્ષણે ઓમના બદલે તારું નામ મુખમાંથી સરી ગયું...’‘અરેરે... પછી?’

‘સદ્ભાગ્યે ઓમે સાંભળ્યું હોય એવું લાગ્યું નહીં...’

અથવા તો સાંભળીને અજાણ રહ્યો હોય!

‘અને આજે સવારે અચાનક જ બૅન્ગલોરના કામે જવા નીકળી ગયો, એટલે બે દિવસની પૂરી આઝાદી!’

ઓમના ધંધા જ એવા છે કે ગમે ત્યારે જવું પડે, પણ રાતની ઘટના પછી અચાનકના સંજોગ જાણીને ઊભા કર્યા ન હોય? માનસિંહને જોખમ બેવડાતું લાગ્યું. ઓમ જેવો આડી લાઇનનો પુરુષ પત્નીની બેવફાઈનો બદલો ખૂનખરાબાથી જ વાળે... થથરી ઊઠ્યો માનસિંહ!

‘મા...ન... અરે, માનસિંહજી!’

ત્રણ મહિના અગાઉ, મકાન નજીકથી પસાર થતો માનસિંહ ઔરતના સાદે અટક્યો. નજર ઉઠાવી બારી પર ટેકવી : અરે આ તો રેશમા! ગામની સૌથી ખૂબસૂરત છોકરી મુંબઈ પરણી હોવાનું તો યાદ છે, પણ ઝૂંપડાનું રતન આવા મહેલમાં! ગામની તળાવડીમાં અંગો ચોળી નહાતી રેશમાને પોતે ચોરીછૂપીથી નિહાળતો હોવાનું તેને જ્ઞાન હશે કે?

અવશપણે માનસિંહ દોરાયો.

‘તમે અહીં, મુંબઈમાં!’ પાણીનો ગ્લાસ ધરતી રેશમા કાબેલ ગૃહિણી જેવી જણાઈ, ત્યાં પ્યાલો લેતાં તેની સાડીનો પાલવ સરક્યો... માનસિંહનું ગળું સુકાયું. મીઠું હસી રેશમાએ છેડો ગોઠવ્યા પછી જ તેની જીભ ખૂલી.

‘ઉપરાઉપરી દુકાળ પછી ગામમાં રોજી ન રહી, છ મહિનાથી મુંબઈમાં ભટકું છું, નાનું-મોટું સુથારીકામ કરી પેટિયું રળું છું.’

‘એમ કહોને વૈતરું કરો છો!’ અર્થપૂર્ણ નજરે તેને નિહાળતી રેશમાએ દાણો ચાંપ્યો, ‘તમે તો હટ્ટાકટ્ટા જુવાન છો, કશુંક ‘કામનું કામ’ કેમ નથી કરતા!’

કામનો શ્લેષ માનસિંહને બરાબર પહોંચ્યો. પતિની ગેરહાજરીમાં છૂટથી વર્તતી રેશમાના વર્તને વમળ સરજ્યાં : શું રેશમા તેના પતિથી સંતુષ્ટ નહીં હોય? બાકી ફોટામાં તો તેનો વર કસાયેલો ને કામણગારો દેખાય છે...

‘પરણ્યા તો નહીં જ હોવ.’

‘ના રે.’

‘વળી, મુંબઈમાં છોકરીઓ સ્વિમિંગ પૂલમાં નહાય છે, અહીં તળાવડી છે નહીં એટલે આંખોય નહીં શેકાતી હોય!’

પોતાની હમઉમ્ર ગણાય એવી સ્ત્રી સામે તે શરમાયેલો.

‘લો, થોડા રૂપિયા રાખો.’ બ્લાઉઝના પોલાણમાંથી તેણે પાંચસોની ચાર-છ નોટ કાઢી માનની હથેળીમાં ધરેલી. ‘મારે એની રેલમછેલ છે... લક્ષ્મી ક્યાં સીધે રસ્તે આવે છે કે ઉડાડવાથી ડરું?’

ઓમના આડા ધંધા વિશે જાણી માનસિંહને સહાનુભૂતિ જન્મેલી.

‘મને ઓમના ધંધાની છોછ નથી.  મને ફૂલની જેમ રાખે છે અને આખલો બની મસળે છે. સ્ત્રીને બીજું શું જોઈએ? હા, તે નહીં હોય ત્યારે...’

રેશમાની દુખતી રગ તરત ધ્યાનમાં આવી ગઈ.

‘હજીયે આઘેરા રહેશો, માન? તમે તરસ્યા છો ને હું પ્યાસી... ચાલો, આપણી તરસ જ વહેંચી લઈએ!’

સાંભળીને ન માને દેર કરી, ન સ્ત્રીને રીઝવવામાં ઊણપ રહેવા દીધી અને પછી તો એ નિયમિત ક્રમ બની ગયો... ઓમ વિનાનાં દિવસ-રાતનો આધાર રેશમાને માનસિંહમાં જડ્યો!

‘સાચું કહેજે, રેશમા તળાવડીમાંથી બહાર નીકળેલી તને હું ઝાડની ઓથે ખેંચી જાત...’

‘અહં, હું મારું કૌમાર્ય તો ન જ ગુમાવત. રામ જાણે એ દિવસોમાં મારો સંયમ કેમનો ટક્યો! હવે કુંવારું બદન એક વાર પતિનું થઈ જાય પછી રંગરેલિયા મનાવવાનો વાંધો નહીં...’

અતિકામી સ્ત્રી જ આવું માની શકે. કીડી જેટલો કામ પહાડ જેવી ભૂલ કરાવે, તો કામનો અતિરેક તો શું ન કરે! અગાઉ ઓમની ગેરહાજરીમાં કલ્પનાસુખ માણી લેતી રેશમાને માનસિંહની સોબત સ્વાભાવિકપણે વધુ વ્યવહારુ લાગી. ઓમની ઍબ્સન્ટમાં માનસિંહ રેશમાના મકાનમાં પડ્યોપાથર્યો રહેતો. ત્રણ મહિનામાં તો બન્ને એકમેકની અનિવાર્યતા બની ગયાં જાણે. ચાર વર્ષના સહજીવન પછીયે ઓમ સાથેનો સંસર્ગ આહ્લાદક રહેતો હોવા છતાં ઘરેડમય બની ચૂક્યો, જ્યારે નવશિખાઉ માનસિંહ નિતનવા તુક્કા લડાવી કામક્રીડામાં નવીનતા બક્ષતો... એટલે અનન્ય લાગતો. આજની તારીખે બેમાંથી વધુ માર્ક્સ માનસિંહને જ મળે!

રેશમાને જાણ નહોતી કે પોતાની અસામાન્ય કામવૃત્તિનો ખટકો માનસિંહના પ્રવેશનાયે ત્રણ મહિના અગાઉનો ઓમના મનમાં ઘૂમરાઈ રહ્યો છે!

‘મારા ખ્યાલથી આપણે અહીં અટકવું જોઈએ...’

પોતાના ચહેરા પર ફરતો રેશમાનો હાથ હટાવી માનસિંહે પીછેહઠની મરજી જતાવી.

‘નાહક ઓમને શક થયો હોય તો તમારું લગ્નજીવન હોડમાં મૂકવાની શી જરૂર?’

રેશમાએ મક્કમપણે ડોક ધુણાવી, ‘હું તારા ખાતર ઓમને ત્યજી શકું. ઓમ માટે તને નહીં.’

‘હોશમાં આવ રેશમા... ઓમ છૂટતાં વૈભવ પણ છૂટશે. ખરું પૂછે

તો કામધંધા વિનાનો હું ઓમની લક્ષ્મી પર નભું છું...’

‘તો તેની લક્ષ્મીને રાખો, ઓમને જવા દો.’

ઠંડા કલેજે રેશમા આ શું બોલી ગઈ? માનસિંહ હેબતાયો. અનાયાસે સ્ફુરેલા કથનનો મર્મ રેશમાની છાતી થડકાવી ગયો, પરંતુ વિચારબીજને ઊગતું ડામવાથી દૂર રહી. ‘એક મ્યાનમાં બે તલવાર ક્યાં સુધી રહેવાની? ઓમ આપણા સંબંધ પર ઘા કરે એ પહેલાં આપણે વાર કરવો ઘટે... મરદ માણસ છો, રસ્તામાંથી બીજા મરદને હટાવી ન શકો!’

રેશમાની વાણીમાં પાણી ચડાવતો જુસ્સો હતો. બન્નેમાં પાછું રાજસ્થાનનું તપતું ખમીર, બૉર્ડર પાસેના ગામમાં રહેલાં એટલે ઘૂસણખોરી, ધીંગાણાની નવાઈ ન મળે. રેશમાને ઓમનો ધંધો વાંધાજનક લાગ્યો ન હોવાનું આ પણ એક કારણ ખરું જ.

‘કાયાનો ભોગવટો કરનાર જ મરદ નથી ગણાતો માન, છપ્પનની છાતીવાળો હોય તો ઓમને હટાવી બતાવ!’

રેશમાના પડકારમાં પછી તો યૌવનનું આહ્વાન ભળ્યું. તેની જવાની રગદોળતા માનસિંહના મનમાં ઓમનો કાંટો ખેરવવાનો વિચાર ખદબદવા માંડ્યો!

* * *

‘ભૂલ થઈ ગઈ, શેઠ...’

હોટેલ પ્રિન્સેસની કૅબિનમાં કાસિમ વીલા મોંએ કાદુશેઠ સમક્ષ બેઠો હતો. તેની ચોખ્ખી બેદરકારીને કારણે દહાણુની હોટેલમાં રેઇડ પડતાં કૂટણખાનાનો ભેદ ઉજાગર થઈ ગયો...

‘આ ભૂલ નહોતી, કાસિમ નરી નફિકરાઈ હતી... રેઇડના પ્લાનિંગની બાતમી મેં તને આપી હતી, તેં એના પર કોઈ ઍક્શન ન લીધા. વાય?

‘મને હતું દહાણુનો ઇન્સ્પેક્ટર ભાવ ખાવા જૂઠી બાતમી પહોંચાડી આપણને ખંખેરવા માગતો હશે...’

‘નૉનસેન્સ,’ કાદુશેઠે વિકરાળ અવાજે ટેબલ પર થાપટ મારી, ‘વૉટ ડુ યુ મીન બાય મને હતું? તું મુલાજિમ છે કાસિમ, શેઠ હું છું! અને મને આંખ મીંચીને મારા ઑર્ડર્સ ફૉલો કરનારા મુલાજિમ પસંદ છે, નહીં કે પોતાનું ડહાપણ ડહોળનારા. દહાણુના મૅનેજરને તેં ચેતવી દીધો હોત તો ઇન્સ્પેક્ટર એની મેળે ભોંઠો પડત... હવે છાપે ચડેલી બીના દબાવવા છ મહિના ધંધો બંધ રાખવાનો - કાસિમ, કાસિમ હાઉ કુડ યુ ડુ ધીસ! મગજ કામ ન આપતું હોય તો બ્રેક લઈ તારા દોસ્ત પાસેથી કંઈ શીખ...’

કાસિમને દરેક વાક્ય ખંજરની જેમ ભોંકાતું હતું. કાદુની ટુકડીમાં બધા તેને નેક્સ્ટ ટુ કાદુશેઠ માનતા, હંમેશાં મને બિરદાવતા શેઠ આજે મને મારું સ્થાન બતાવી રહ્યા છે! થોડાક લાખની નુકસાનીમાં મેં રળી આપેલા કરોડોનો હિસાબ ભૂલી ગયા?

ત્યાં ઓમના ઉલ્લેખે બત્તી થઈ: સવાલ માત્ર નુકસાનીનો નથી, એનો આધાર લઈ શેઠ દાખવવા માગે છે કે મને તારી જરૂર નથી રહી, ઓમ તારી જગ્યા સંભાળી શકે એમ છે...

એક તો નિષ્ફળ ગયાનો ખટકો, એમાં ઓમનાં વખાણે અસલામતી પ્રેરી. અહીં સુધી પહોંચવા મારી જિંદગીનાં અમૂલ્ય વર્ષો આપ્યાં છે મેં... કાલનો આવેલો ઓમ મને પછાડશે? નેવર, હું એવું નહીં થવા દઉં... પણ કઈ રીતે? ઓમનાં કામો કાબિલે તારીફ રહ્યાં છે, નીયતનો તે સાફ છે...

- તો હું તેને બૂરો સાબિત કરીને રહીશ!

અને કાદુશેઠ તમે મુલાજિમ ગણતા હો તો સૉરી, તમનેય મારી ઔકાત બતાવી દેવી પડશે... બાપુને ઘણી ખમ્મા!નો પાઠ પૂરો થયો. હવે બાવડાંના જોરે બાપુને ખદેડવાની વેળા આવી ગઈ. ઓમનું પત્તું સાફ કરી, સાથીઓને ફેવરમાં લઈ બળવો પોકારીશ ત્યારે ભાન થશે કાદુશેઠ કે કોઈ માઈનો લાલ મળ્યો હતો!

* * *

‘આવ - આવ ઓમ.’

બૅન્ગ્ાલોર ટ્રિપથી પાછા ફરેલા ઓમને ઉમળકાભેર આવકારી કાદુશેઠે બિરદાવ્યો, ‘મારા ધંધામાં તારા જેવો કાબેલ કોઈ નથી.’

‘કાસિમ ખરોને.’ ઓમને દહાણુની રેઇડના ખબર બૅન્ગ્ાલોરમાં મળ્યા હતા, પણ એ બહાને શેઠે કાસિમને કટ-ટુ- સાઇઝ કરવાની કવાયત આદર્યાની જાણ નહોતી.

‘ઓમ, તું જ બીજાને પોતાનાથી હોશિયાર માનીશ તો ટોચે કેમ પહોંચીશ? કરીઅરના મામલે દોસ્તી-ભાઈબંધી ભૂલી જવાની...’ (ભૂલવાનું બન્ને પક્ષે હોય...)

‘મને તો તારામાં મારા વારસદાર બનવાનાં લક્ષણ દેખાય છે.’

સાંભળીને ઓમનો ચહેરો ઝળહળતો જોઈ કાદુશેઠ મૂછમાં

મલક્યા : કાસિમનું વધતું કદ શેઠના ધ્યાનમાં હતું. ઓમના આગમનમાં તેમને કાસિમનો વિકલ્પ દેખાયો. ધીરજ ધરી તેમણે ઓમને ઘડાવા દીધો ને કાસિમની ચૂકની રાહ જોતા રહ્યા. દહાણુનો કેસ બનતાં જ તેમણે બાજી બિછાવી દીધી. એક તરફ કાસિમને હતોત્સાહ કર્યો અને બીજી બાજુ ઓમને પ્રોત્સાહન આપ્યું... હવે બીજા સ્થાન માટે તમે બન્ને બથ્થંબથ્થા કરતા રહો એટલે મારું આસન સલામત!

* * *

‘કેમ, બહુ મલકાય છેને!’

‘મલકાટ સરપ્રાઇઝનો છે, દોસ્ત... બૉસે મને આજે તેમના ઉત્તરાધિકારી પદને લાયક ગણાવ્યો!’ હરખ વાગોળી ઓમે કાસિમ જોડે નજર મેળવી. ‘અહીં જોડાતી વખતે મનેય એવાં અરમાન હતાં, પણ આપણી દોસ્તી થયા પછી તને ઓવરટેક કરવો ગદ્દારી જેવું લાગે...’

‘યે હુઈ ન યારોંવાલી બાત!’ ઓમને ભેટતાં કાસિમે કપટ છુપાવ્યું. કાદુને નખશિખ જાણનારા કાસિમને શેઠની બે બિલાડીને લડાવવાની રમતનો અંદાજ આવી ગયો. ઓમની આકાંક્ષા સળવળતી થાય એ પહેલાં તેની કાબેલિયતને શકના દાયરામાં મૂકી સાબિત કરી દઈ શકે . દર વખતે બિલાડીઓને લડાવનારો વાંદરો જ ફાવે એ જરૂરી નથી, કાદુશેઠ!

* * *

ના, ઓમની વર્તણૂક સહજ છે, ક્યાંય માન વિશે જાણી ગયાની ગંધ વર્તાતી નથી... નચિંત થતી રેશમાએ સંવનનમાં ચિત્ત પરોવ્યું અને...

‘રેશમા’ ઓમે નાક સંકોર્યું, ‘તારા બદનમાં મને કોઈ બીજાની ગંધ કેમ આવે છે!’

રેશમા ધોળીધબ્બ.

‘મારી પ્રીતની જ મ્હેક હશે!’

ઓમે ફેરવી તોળ્યું કે પછી તે સાચે જ અમસ્તું બોલી ગયા? રેશમાને સમજાયું નહીં!

* * *

‘બહુ અગત્યનું કામ છે ઓમ, અને એ તું જ કરી શકશે.’

સામે બેઠેલા કાસિમની ગણતરી જ ન હોય એમ કાદુશેઠ તેની બાજુમાં ગોઠવાયેલા ઓમને કહેવા લાગ્યા, ‘આવતા અઠવાડિયે બેસતા વર્ષને દિવસે દિલ્હી જવું પડશે. પાંચ કરોડના હીરા શેઠ જૌહરીમલને પહોંચાડવાના છે અને મીરચંદાની પાસેથી હવાલાની કૅશ લેવાની છે. જઈશને?’

ના પાડવાનો સવાલ જ ક્યાં હતો? અગાઉ આના કરતાંય કીમતી માલમતાની કામગારી પોતે સંભાળી ચૂક્યો છે... ઓમના હકારે જોકે કાસિમના દિમાગમાં જુદો જ પડઘો પાડ્યો:

ઓમને ડિગ્રેડ કરવાનો આ ગોલ્ડન ચાન્સ બની રહેવાનો... ઓમ દિલ્હી જરૂર પહોંચશે, હીરા નહીં!

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK