કથા સપ્તાહ - કાવાદવા (કહાં સે કહાં તક ૧)

Published: 24th October, 2011 19:06 IST

આ જિસ્મ! સંગેમરમરની પ્રતિમાસમો નારીદેહ નિરાવૃત થઈ બિસ્તર પર ફેલાયો હતો. તેનાં અંગોના ઉભારમાં લલચામણું આમંત્રણ હતું, કમસીન વળાંકોમાં સમાઈ જવાનું ઇજન હતું. ચાર વર્ષ અગાઉ, સુહાગસેજ પર તેના યૌવનનો રસથાળ પ્રથમ વાર ખુલ્લો થતાં પોતાના લોખંડી બદનમાંથી સનસનાટી પ્રસરી ગયેલી એ યાદ આવતાં ઓમના હોઠ સ્મિતમાં વંકાયા.

 


સમીત (પૂર્વેશ) શ્રોફ


અને આજે?

આ એક પ્રશ્ને સ્મિત સુકાયું, કપાળે કરચલી ઊપસી.

ના, પત્નીની દેહલતામાં સ્હેજે ઘટાડો ન્હોતો નોંધાયો, બલ્કે કસાવદાર કામણતા વધી જ હતી. આખેઆખું ચોમાસું છલકાવા છતાં તેની પ્યાસ જાણે નિરંતર હતી...

એવુંય હરગિજ ન્હોતું કે ઓમ વરસવાથી થાક્યો હોય કે પછી તેને સજાતીયતાનો ચસ્ાકો ચડ્યો હોય! રાતને રંગીન બનાવવાની ત્રેવડ ઓમમાં બરકરાર હતી, પણ હું મુંબઈમાં ન હોઉં ત્યારે?

આજકાલ કરતાં પાછલા છ મહિનાથી ઓમના દિલ-દિમાગમાં આ સવાલ ઉત્પાત મચાવી રહ્યો છે. માણસ પોતે આડી લાઇને ચાલતો હોય એટલે તો તેને બીજાના ચારિત્ર્યમાં એબ નહીં દેખાતી હોયને? ઓમને આનો પણ જવાબ નથી મળતો.

જોકે પોતાની મરજીથી કોઈ આડો ધંધો નથી અપનાવતું, સંજોગોની મજબૂરી માર્ગ પલટાવતી હોય છે... ઓમના કિસ્સામાં એવું જ બન્યું.

મૂળે તો ઓમ ગુજરાતી, સંસ્કારી પરિવારનું ફરજંદ. ભાયખલાની ચાલની ભાડાની રૂમમાં તેનું બાળપણ વીત્યું. મિલમાં નોકરી કરતા પિતા નર્મદાશંકર દવેએ દમની વ્યાધિમાં દમ તોડતાં મા જમનાએ કામ-વાસણ કરી દીકરાને ઉછેરવાનો આવ્યો. જિંદગીની વિષમતા વચ્ચેય માને કદી મૂરઝાતા જોઈ નહોતી ઓમે. ઈશ્વર સિવાય બીજા કોઈની ઓથ નહોતી મા-દીકરાને, પણ ભગવાનેય સામું ન જોયું.

‘દીકરા ભણીગણીને મોટો માણસ બનજે, સારો માણસ બનજે.’ રોજ સવારે હેતથી જમાડી, માથે હાથ ફેરવી મા જમના આ એક વાક્ય સૂચક કહેતી. અક્ષરજ્ઞાન વિનાની મા ઓમને ત્યારે તપસ્વિની જેવી લાગતી. તેના વાક્યમાં શ્રદ્ધાની જ્યોત ચમકતી. માના ચહેરા પર ઓમે સતત એક નિરાળી આભા જોઈ હતી - ચારિત્ર્યની આભા.

એક રાત્રે એ આભા હંમેશ માટે સ્થિર થઈ ગઈ. રોજ દીકરાને ઉઠાડનારી મા પોતે જ ન ઊઠી! એ સાથે જ ઓમના અંતરમાં ઈશ્વર પ્રત્યે રહેલો થોડોઘણો સદ્ભાવ પણ સદા માટે નષ્ટ પામ્યો. ચાલવાળાએ એકજૂટ થઈ હમદર્દીપૂર્વક ચૌદ વર્ષના ઓમને દાદરના અનાથાશ્રમમાં મૂક્યો, પણ નિયમોની જડતા, સ્થિરતા કે ઠરેલતા માફક આવે એવો ઓમનો સ્વભાવ રહ્યો નહોતો. મુંબઈની ઊંચી ઇમારતો જોતો, પાણીના રેલાની જેમ રસ્તે સરકતી રંગબેરંગી મોટરો નિહાળતો અને જિગરમાં ન સમજાય એવો સળવળાટ સર્જાતો.

આશ્રમની સામે આવેલી ચાની રેંકડીવાળાને તે પૂછતો, ‘ચાચા ઐસી એક ગાડી કિતને મેં આતી હોગી?’

શરૂમાં તો રામપ્રસાદે તેને હસી કાઢ્યો, પછી ગંભીર થઈ સમજાવ્યું, ‘દેખો બબુઆ, ગાડી કે લિયે બહોત પૈસા ચાહીએ ઔર પૈસા કમાને કે લિયે બહોત બડા જિગર... તુમ્હારે પાસ અગર જિગર હૈ તો મેરે પાસ રાસ્તા હૈ...’

એ રસ્તો ઓમને ક્યાંથી ક્યાં લઈ ગયો!

અશ્લીલ સાહિત્યસામગ્રી એકથી બીજા સ્થળે પહોંચાડવાના કૅરિયર બૉય તરીકેની પહેલી જૉબમાં તગડું કમિશન મળ્યું. ચોથા ફેરે પોલીસે ઝડપતાં આશ્રમને બદલે બાળસુધારગૃહમાં ભરતી થવું પડ્યું, પરંતુ અહીં સુધરવું કોને હતું?

ગરીબ માણસની પ્રાર્થના તો સુવર્ણાસને બેઠેલો ઈશ્વર પણ નથી સાંભળતો! માની સાચની કમાણીએ તેને શું સુખ આપ્યું? ઓમે વૈભવમાં સુખ જોયું, અમીરાતની સીડી આડા માર્ગે જ ચડી શકાય...

અઢારની ઉંમરે ચિલ્ડ્રન-હોમમાંથી બહાર નીકળી ઓમે સંસ્કાર-ઉપદેશનું ભાથું ઝાંપે જ ત્યજી દીધેલું... તેના જિગરમાં ગાડી-બંગલાનો આતશ સળગતો હતો!

પછી તો પૉર્ન મટીરિયલથી માંડીને ડ્રગ્સનાં પાઉચ સુધીની હેરફેરમાં ઓમ ઘડાતો ગયો. મુંબઈની અંધારીઆલમ તેની સમક્ષ ઊઘડતી ગઈ. ખુનામરકીમાં નહીં પડવાની મર્યાદા તેણે આપમેળે સ્વીકારી લીધેલી, ગૅન્ગસ્ટર બનવાની ચાહ નહોતી... કૅરિયર તરીકેની તેની કરીઅરમાં મહત્વનો વળાંક સાતેક વર્ષ અગાઉ, કાદુશેઠના નિમંત્રણે આવ્યો.

ઓમથી દોઢેક દાયકો મોટા કાદુશેઠની પર્સનાલિટી ડાયનૅમિક હતી. નૅશનલ હાઇવે નંબર આઠ પર મુંબઈ-દિલ્હીની વચ્ચે તેમની ઘણી હોટેલ્સ પથરાયેલી હતી, જેમાં ગેરકાયદે કૂટણખાનું, જુગારના અડ્ડા ચાલતા. નાના હવાલદારથી મોટા-મોટા નેતા સુધી કાદુશેઠની પહોંચ હોવાનું કહેવાતું એ સાવ જ ખોટું નહીં હોય એની ખાતરી તેમની સાથે જોડાયા પછી ઓમને થવા લાગી. ખરેખર તો પહેલી જ મુલાકાતમાં કાદુશેઠે ઓમ પર પોતાનો પ્રભાવ પાથરી દીધો હતો : ‘જો ઓમ, ગેરકાયદે કામ કરનારા બે જણ વચ્ચે દંભનો પડદો ન હોવો જોઈએ... તારો આખો બાયો-ડેટા મેં મેળવ્યો છે, એમાં કરેક્શન હોય તો કહેજે...’ કહી કાદુશેઠે સંભળાવેલી પ્રત્યેક વિગત સાચી ઠરેલી ત્યારે ઓમથી મનોમન શેઠના નેટવર્કને દાદ આપ્યા વિના ન રહેવાયું.

દાદર (ઈસ્ટ)માં હાઇવેને અડીને આવેલી ‘હોટેલ પ્રિન્સેસ’નો પહેલો માળ કાદુશેઠના હેડક્વૉર્ટર જેવો હતો. ત્યાંની એન્ટ્રી-એક્ઝિટ પણ હોટેલથી અલાયદી હતી. અજાણ્યા માટે પ્રવેશબંધી અને શેઠની કૅબિનની બહાર બે સશસ્ત્ર ચોકિયાતોનો પહેરો. આ માણસે મને શું કામ બોલાવ્યો હશે?

‘મારા વિશે એટલું કહીશ કે મારો બિઝનેસ કાનૂની રીતે ગેરકાનૂની છે. તારા જેવા હોનહાર આદમીની મને હંમેશ જરૂર રહે છે. બૉસગીરી મને નથી ફાવતી. કામ પસંદ કરવાની તને પૂરી આઝાદી, પગાર-કમિશનનું કોઈ બંધન નહીં. કામ પાર પાડવાની ધગશ તારામાં છે, હવે વફાદારીનો વાયદો આપે તો તારું સ્વાગત છે... એટલું કહી દઉં કે આપણા ધંધામાં આવેલા માર્ગે પાછું જઈ શકાતું નથી, ઇટ્સ ઑલ્વેઝ વન-વે. ગદ્દારીની એક જ સજા હોય - મોત!’

બધાં પાસાંનો અભ્યાસ કર્યા પછી ઓમને લાગ્યું કે શેઠની ઑફરમાં દમ છે. ફ્રીલાન્સ રહેવામાં લાંબા ગાળે કામની આવક અત્યાર જેટલી ન રહે એ શક્ય છે, શેઠના આદમી તરીકે આવી અસલામતી નહીં હોય... શેઠનો વિશ્વાસ જીતી શકું તો ચાંદી જ ચાંદી! પાછા અપરિણીત કાદુશેઠની ગાદીનો કોઈ વારસ નથી... મર્ડર-સોપારી શેઠના ધંધામાં સામેલ નથી, મારે કામ તો કૅરિયર તરીકે જ કરવાનું રહેશે... અને ઓમ શેઠ સાથે જોડાઈ ગયો. પહેલાં તો ઓમ બે-ચાર મહિના શેઠની જુદી-જુદી હોટેલોમાં ફર્યો, નેટવર્કિંગથી માહિતગાર બન્યો. ચરસ-ગાંજાની હેરફેરના ત્રણેક મોટા દાવ પાર પાડી તે શેઠનો માનીતો બની ગયો. ‘કાસિમ, મને લાગે છે હવે આપણે ઓમની જવાબદારીનું વતુર્ળ વિસ્તારવું જોઈએ.’

એક સાંજે શેઠના વૉર્ડન રોડના બંગલે બિયરની ચુસ્કી માણતાં મંડાયેલી વાતમાં ઓમને કશુંક રહસ્ય લાગ્યું હતું. પ્રશ્નાર્થ નજરે તે કદી શેઠને તો કદી કાસિમને તાકી રહેલો. ઓમથી બે-પાંચ વર્ષ મોટો કાસિમ શેઠનો સૌથી અંગત આદમી ગણાતો. શેઠ એકાદ (કે બે-ચાર) છોકરીને પડખે ઘાલી ઐયાશી આદરતા હોય ત્યારે પણ બેરોકટોક પહોંચી જવાની સત્તા એકમાત્ર કાસિમને હતી.

શેઠના ઇશારે કાસિમે ધંધાનું નવું પાસું ખોલ્યું - હવાલાનું! દુનિયાભરમાં હવાલાથી વેપાર-વાણિજ્ય થાય છે, જે કાયદાની રૂએ સજાપાત્ર છે. મોટા ભાગે હવાલામાં ચલણની નોટનું અડધિયું સંકેતરૂપે વપરાતું હોય છે. અડધિયાની સામે ડિલિવરી મગાય. માલ આપનાર પોતાની પાસેના અડધિયા સાથે આવેલું અડધિયું મૂકી નંબરની ચકાસણી કરી લે. બસ, આટલું થતાં અડધિયું લાવનારને અગાઉથી નક્કી ઠેરવેલો માલ સોંપી દેવાય! ફૉરેન કરન્સીથી માંડીને

હીરા-પન્ના સુધીની ચીજો આ વ્યવહારમાં ફરતી હોય છે. કૅરિયર તરીકે ઓમનો મહત્તમ ઉપયોગ આમાં થવાનો હતો અને આ કામ માટે દેશ-વિદેશ ફરવાનું બનવાનું હતું. કસ્ટમ્સને ભુલાવામાં નાખવાની મહારથ કેળવવાની હતી.

ઓમે આ પડકારમાં પણ સફળતાનો ઝંડો લહેરાવ્યો. કાદુશેઠના તેના પર ચાર હાથ થયા, કાસિમ જોડે યારી ગાઢ થતી ગઈ.

હવે ઓમ પાસે શિવાજી પાર્ક ખાતે પોતાનું નાનકડું છતાં વૈભવી સવલતવાળું મકાન હતું. આંગણે હૉન્ડાસિટીનો દબદબો હતો. એ પળે તેને લગ્નની ઇચ્છા જાગી.

‘લગ્ન!’ કાસિમ તેનો ઇરાદો જાણી ખડખડાટ હસ્યો હતો. પ્રિન્સેસમાં જ પડ્યાપાથર્યા રહેતા કાસિમ જોડે મોટા ભાગની સાંજ પસાર થતી. કાસિમ અનાથ હતો અને સમજણો થયો ત્યારથી તેણે પોતાને કાદુશેઠની નિગેહબાનીમાં જોયો હતો. બિયર-બેઠકમાં તે ઘણા કિસ્સા ઉખેળતો, ખુલ્લા શબ્દોમાં સેક્સની ચર્ચા થતી અને એકંદરે મિત્રતાનો માહોલ બંધાઈ જતો. પછી તો કાસિમ જોડે અંતરંગ થવાની ઓમને ટેવ પડી ગઈ.

‘યાર, આપણે ત્યાં કન્યાઓની ક્યાં કમી છે! જોઈએ તો રોજ નવી છોકરી તારી ખિદમતમાં પેશ કરું... મૅરેજ-બૅરેજનો વિચાર છોડી દે, આપણી લાઇફસ્ટાઇલ સાથે એનો કદી મેળ નહીં બેસે.’

પરંતુ ઓમ રોજ રાત્રે બદલાતા સંબંધથી કંટાળ્યો હતો. બૈરી-છોકરાં વગર ગમે એટલો વૈભવ હોય, શું કામનો! સાથે જ બારબાળા કે પછી એવી-તેવી કન્યા જોડે પરણવું ન્ાહોતું. મને તો ઘરગથ્થુ સ્ત્રી જોઈએ!

ખાનદાન ઘરનું કન્યારત્ન તો પોતાને મળવાથી રહ્યું. એટલે કામે નીકળતો ઓમ છોકરી શોધવાનું અભિયાન પણ ચાલુ રાખતો. એવામાં રાજસ્થાનની રેશમા તેની નજરમાં વસી. સરહદ પરના ગામમાં ગરીબ કાકાની ઓશિંગણ બની રહેતી રેશમા પાસે રૂપની બેસુમાર દોલત હતી, ભારે પડતી ભત્રીજીનો સોદો ઓમની ખણકતી દોલત સાથે કરી કાકાએ કન્યાદાનનો લ્ાહાવો લીધો. પોતે સીધી લાઇનનો આદમી નથી એટલો ઇશારો તો ઓમે ફેરા ફરતાં પહેલાં રેશમાને આપી દીધેલો અને તારા સિવાય મારી જિંદગીમાં બીજી સ્ત્રી ક્યારેય નહીં આવેનું વચન આપ્યું, પરણ્યાની પહેલી રાત્રે!

ધીરે-ધીરે નવા પરિસરમાં રેશમા ગોઠવાતી ગઈ. ઘરનાં કામ જાતે કરવાની તેને ફાવટ હતી. ઘર ચોખ્ખુંચણક રાખે અને રસોઈમાં વેજ-નૉનવેજ બધું રાંધવામાં પારંગત. મૂળ ગામડાની એટલે વાતરસિયણ બહુ. દૂધવાળો, શાકવાળો કે પછી ઘરે આવતા પ્લમ્બર-મિસ્ત્રી જોડેય લ્ાહેરથી ખપાવે, એમાયં રાજસ્થાન બાજુનો કોઈ મળ્યો તો-તો પૂછવું જ શું! પત્નીની ટેવ ઓમને મન નિર્દોષ હતી.

લગ્ન પછી ઘરે જવામાં ઓમ નિયમિત બન્યો. પોતાના અસાઇનમેન્ટ્સ વિશે રેશમાને શક્ય એટલું સમજાવતો. પોતે મુંબઈ બહાર હોય ત્યારે સાવચેત રહેવું. જરૂર પડે તો કાસિમને મોબાઇલ કરવા જેટલી સૂચના પણ આપતો. રેશમાએ ન કદી ફરિયાદ કરી, ન રાવનો મોકો આપ્યો. ‘બૈરી આવતાં યાર ભુલાઈ ગયો!’ની ટકોર કરી ક્યારેક કાસિમ મદિરાની મહેફિલમાં પરાણે રોકી નાખે એનોય રેશમાને વાંધો નહીં... આટલી હદે પતિપરાયણ પત્ની કોને ન ગમે? ઓમ પણ સુખી લગ્નજીવનની ધન્યતા અનુભવતો હતો, ત્યાં...

‘ઓમ ધંધાના કામે તું અઠવાડિયું બૅન્ગકૉક રોકાયો અને ત્યાંની સુંદરીનો સંગ માણ્યા વિના પાછો આવ્યો! કેમ મનાય? આઇ મીન, તારા જેવો પુરુષ સાત-સાત દિવસ સુધી કોરો રહી કેવી રીતે શકે?’

કાસિમે તો ટીખળમાં અમસ્તું જ પૂછ્યું, પણ તેના પ્રશ્ને ઓમના ચિત્તમાં જુદો જ સળવળાટ સજ્ર્યો હતો : રેશમા!

પતિ તરીકે ઓમને રેશમાની શરીરભૂખનો સુપેરે ખ્યાલ હતો, ત્યાં સુધી કે એ મેન્સિસમાં હોય ત્યારે પણ પડખું સેવ્યા વિના રહી ન શકતી! પહેલાં તો ઓમને આમાં પોતાની મર્દાન્ાગીનો પરચો જણાયો, પછી થયું કે આ તો રેશમાની નૈસર્ગિકતા છે! તોય, લગ્નજીવનમાં કદી નહીં સ્ફુરેલો સવાલ છ મહિના અગાઉની કાસિમની ટિપ્પણી પછી સતત વળ ખાય છે : મારી ગેરહાજરીમાં પોતાની કામના સંતોષવા રેશમા પરપુરુષનું પડખું તો નહીં સેવતી હોયને?

‘ક્યા હુઆ!’

રેશમાના સાદે ઓમ ઝબક્યો. રેશમાને ગુજરાતી હજી પલ્લે ન્હોતું પડ્યું, તેની રાજસ્થાની લઢણવાળી હિન્દી ઓમને ગમતી.

‘સિર્ફ ઘૂરતે હી રહોગે?’ તેના અવાજમાં કામવાસનાની ધ્રુજારી હતી. રેશમાએ બાંહો ફેલાવી અને પ્રગાઢ આલિંગનમાં ભીંસાતો ઓમ વધુ એક વખત પત્ની સાથે ખુલ્લા મનની ચર્ચાનો નર્ણિય પડતો મૂકી કામક્રીડામાં મશગૂલ બન્યો. ક્ષણો યુગોમાં પરિવર્તિત થઈ. બેડરૂમની દીવાલો માટે આ બેશરમ ખેલ જોકે નવો નહોતો.

‘ઓહ, મા...ન!’ અસ્ફુટસા સ્વરે બબડી માનુની પરમતૃપ્તિમાં આંખો મીંચી ગઈ.

પતિના બદલે પરપુરુષનું નામ...

પરમસુખના ઘેનમાં સરકતા ઓમે સાંભળ્યું કે પછી...

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK