‘દેવુભા, આજે આપણી જોડે મહેમાન પણ છે.’ નજીક આવી વિશાખાએ ટહુકો કરતાં કૅપ કપાળ સુધી સરકાવી, નમસ્કારની મુદ્રામાં હાથ જોડી દેવજી (આતુર) આગળ વધી ગયો, ‘હું જરા ગણપતિબાપાનાં દર્શન કરીને આવ્યો.’
- સમીત (પૂર્વેશ) શ્રોફ
‘વિઘ્નહર્તાનાં દર્શને એવો ભાગે છે જાણે જીવનમાં વિઘ્ન આવ્યું હોય!’
પીઠ પાછળ અફળાયેલી સગુણાબહેનની ટકોર સામે મનમાં પડઘો પડ્યો : નિયતિ વિઘ્નરૂપ ન બને એની જ પ્રાર્થના કરવા જાઉં છું!
અને તેની પ્રાર્થના ફળી હોય એમ નિયતિને ઓળખનો અણસાર સુધ્ધાં જણાયો નહીં. બાકી તે તો આતુરની પડખે, આગલી સીટ પર જ બેઠી હતી!
‘મારાં દૂરનાં માસી અહીં નજીકમાં રહે છે...’ વિનાકારણ ખુલાસો કરવાની ઢબે તે બોલી, ‘કેટલા વખતે હું મુંબઈ આવી! અમદાવાદથી દૂર ખરુંને.’
‘તું અમદાવાદની છે!’
નિયતિ મુંબઈમાં મહેમાન તરીકે પધાર્યાનું જાણી ચૂકેલાં સાસુ-વહુને તેના મૂળનો ખ્યાલ નહોતો. અમદાવાદના નામે ફાળ પડવી સ્વાભાવિક હતી. ક્યાંક તે અનુરાગને ઓળખી ગઈ તો!
ત્રણ-સાડાત્રણ વર્ષ અગાઉ અમદાવાદમાંથી ઉચાળા ભરી બે વર્ષ તો દિલ્હી-કલકત્તા બાજુ ભટકી, વર્ષએકથી માંડ મુંબઈમાં થાળે પડ્યાં છીએ... અનુરાગે પાર્લામાં ફાઇનૅન્સ કંપની ખોલી બિઝનેસ જમાવ્યો છે. શૅરબજારમાં ફરી સટ્ટો નહીં રમવાનું વચન સિદ્ધાંતના માથે હાથ મૂકી તેમણે આપ્યું છે... શાંત થયેલી જિંદગીમાં નિયતિનું આગમન કાંકરીચાળો નહીં સર્જેને? શું ભૂતકાળ પીછો ક્યારેય નહીં છોડે?
સાસુ-વહુને ફફડતાં જોવામાં આતુરને મજા પડી. અનુરાગનો ગુનો છાવરી તેમણે પણ પાપમાં ભાગીદારી જ વ્હોરી કહેવાય... એટલે તો ત્રણેત્રણ સાથે મળે એવો પ્લાન પોતે ઘડી રાખ્યો છે! પણ નિયતિનું આગમન બાજી પલટાવી નહીં દેને? આ સમયે જોકે અનુરાગ ઘરે હોતો નથી અને નિયતિ અમદાવાદની વતની હોવાનું જાણી સાસુ-વહુ તેને અનુરાગની ગંધે ન વર્તાય એટલી સાવધાની તો જરૂર રાખશે...
‘દેવુભા, નિયતિને તેમનાં માસીને ત્યાં ડ્રૉપ કરી દેજો.’
‘જી, મૅડમ.’
બસ, આ પંદર-વીસ મિનિટની ડ્રાઇવ હેમખેમ પતે એટલે ગંગા નાહ્યા!
આતુર આશ પંપાળે છે ત્યાં-
‘દેવુભા, કાર જરા સાઇડ પર લેજો તો.’
કાર થોભતાં જ પાછળ બેઠેલી તે આગળની સીટ પર ગોઠવાઈ ગઈ.
‘હવે કોઈ એવી જગ્યાએ લઈ લો, જ્યાં કલાકેક નિરાંતે બેસી વાતો થઈ શકે, આતુર!’
ખલાસ!
આતુરની ગરદન ઢીલી થઈ, નજરને લકવો લાગ્યો હોય એમ પાંપણ ઊંચકાઈ નહીં.
‘તમને મંદિરમાં જોતાં જ હું ઓળખી ગયેલી આતુર... દાઢી-મૂછથી મારી નજરને ઓછો ધોખો થાય? ડ્રાઇવરની જૉબને કારણે તમે નામ બદલ્યાનું મેં માન્યું, વિશાખાની હાજરીમાં પૂછવું અસભ્ય લાગ્યું એટલે અજાણ રહી...’
ઘૂંટાતા સ્વરે તે બોલતી રહી.
‘બીજા સંજોગોમાં તમને ભાળી હરખનાં અશ્રુથી મારી આંખો છલકાઈ ગઈ હોત... પાછલાં ત્રણ વર્ષથી તમે અમદાવાદ બહાર છો. આમાં તો એકેય દિવસ એવો નથી ગયો જ્યારે મેં તમારા પાછા ફરવાની આશ ન પંપાળી હોય!’
નિયતિના સ્વરમાં લાગણીનો રણકો ભળ્યો.
‘અમેરિકાના ટૂર-બુકિંગ નિમિત્તે આપણી મુલાકાત થઈ. નિનાદની બીમારીનું જાણી હું ઘરે આવરોજાવરો કરતી થઈ ત્યારે સુનયનાદીદીએ કદી મને પરાયું લાગવા દીધું નહોતું... સંજોગો ફરી પલટાયા. શક્ય છે નિનાદની બીમારી કે તમારી આર્થિક સ્થિતિને જોતાં જ વીઝા ન મળ્યા હોત, પણ અનુરાગના ફુલેકાએ તમારું સર્વસ્વ ડૂબ્યું, નિનાદને અલ્પાયુ બક્ષવાની શક્યતા પણ નિમૂર્ળ થઈ. બેવડા આઘાતે ભાંગી પડેલાં દીદી મને શું કહેતાં એની તમને ક્યાંથી જાણ હોય...’
આતુરની કીકીમાં સળવળાટ સર્જાયો.
‘નારીના હૃદયને નારી જ સમજી શકે... નિનાદના અંત પછી પોતે ઝાઝું નહીં ખેંચે એનો અણસાર દીદીને આવી ચૂક્યો હોય એમ મારી સમક્ષ લવતાં:
હું ન હોઉં ત્યારે મારા આતુરને તું સંભાળી લેજે!
પત્નીને નખશિખ જાણતા આતુરને આનો અચંબો ન થયો. જીવતેજીવ પતિની ભલામણ અન્ય સ્ત્રીને કરવાની મહાનતા સુનયના જ દાખવી શકે!
‘દીદીનાં પાછાં થયાં પછી પણ હું તમારે ત્યાં આવતી, તમને રડવા મારો ખભો ધરતી, તોય તમને ખ્યાલ ન આવ્યો આતુર કે હું...’
‘અને એવું જ થયું. નિનાદના ગયા પછી ગણતરીના કલાકોમાં દીદીનો દેહ પડ્યો. નિનાદ પ્રત્યે મને જાગેલો અનુરાગ, દીદી જોડે બંધાયેલી માયા એ ઘટના પછી તમારા માટે જન્મેલી સહાનુભૂતિને પ્રણયઝંઝામાં ફેરવી ગઈ... નહીં, આજે મને કહેવા દો, આતુર... ત્રણ-ત્રણ વરસથી હૈયે બાઝેલો ડૂમો આજે વહાવી દેવો છે મારે.’
વિધિની અકળ લીલા પર ખુશ થવું કે નારાજ? આતુરને સમજાયું નહીં. એક તરફ વેરની વસૂલાત ઢૂંકડી હતી ત્યારે બીજી બાજુ નવજીવનની વસંતનાં પડઘમ વાગી રહ્યાં હતાં. ના, મારા વેરમાંથી હું નહીં વળું, મારો સાથ પામવા તારે ઔર ઇંતજાર કરવો રહ્યો, નિયતિ!
‘માસીને ત્યાં મુંબઈ આવવામાં પણ મારો સ્વાર્થ હતો. અનુરાગની શોધમાં ભટકતા તમે મને ક્યાંક ભટકાઈ જાવ એનાં વલખાંમાં બે-ચાર મહિને મુંબઈમાં આંટોફેરો પાછલા વરસેકથી કરતી રહી છું.’
નિયતિના પ્રણયમાં સમર્પણ હતું કે સમર્પણમાં પ્રણય? હું આટલી લાગણીને લાયક નથી, મારું ધ્યેય વેર છે, પ્રેમ નહીં, અત્યારે, આ પળે તો નહીં જ!
‘છેવટે આજે આપણો મેળાપ થયો.’
આંખો કોરી કરી નિયતિએ દૃષ્ટિ ફેરવી,
‘કેવી વિચિત્રતા. આપણા મેળાપમાં અનુરાગ શાહની જ ફૅમિલી કારણભૂત બની!’
હેં!
વિશ્વની આઠમી અજાયબી જોતો હોય એમ આતુર નિયતિને નિહાળી રહ્યો.
‘તું... જાણી ગઈ.’
‘સગુણાઆન્ટી અને વિશાખાએ તો બનતી કોશિશ કરી. તમારા હસબન્ડ શું કરે છે એમ પૂછ્યું તો જવાબ ગળી ગઈ. અનુરાગનો ઉલ્લેખ સિદ્ધુના પપ્પા તરીકે જ કરતી રહી... મને એમાં જોકે સ્હેજે સંશય ન્હોતો જાગ્યો. ત્યાં-’
આતુર ટટ્ટાર બન્યો.
‘દીવાનખંડના શોકેસમાં મૂકેલી તેમની સજોડે તસવીર મારી નજરે ચડી ગઈ! અનુરાગને જોતાં જ તમે ડ્રાઇવરના વેશે છ મહિનાથી અહીં કેમ ગોઠવાયા હોવાનો ભેદ ઉકેલ્યો ને હું સચેત થઈ.’
‘થૅન્ક ગૉડ કે તેં બધું મોઘમ રાખવાની સાવધાની સેવી, નહીંતર મારી છ મહિનાની મહેનત પર પાણી ફરી વળત!’
‘તમારા બોલમાં વેરપિપાસા ગંધાય છે, આતુર...’ નિયતિએ આતુર સાથે નેત્રમિલન રચ્યું, ‘છ મહિનાથી તમે અનુરાગને ત્યાં છો એટલે તેને કાનૂનને હવાલે નથી કરવા માગતા એટલું તો મને સમજાય છે...’
‘ખરું કહું નિયતિ તો અનુરાગને મુંબઈમાં પહેલી વાર જોતાં જ ખુન્નસે માઝા મૂકેલી, એક ઘા ને બે કટકાથી ફેંસલા કરી નાખવાનો આવેશ જન્મેલો...’ આતુરના દિમાગમાં ફાસ્ટ ગણતરી ચાલતી હતી.
નિયતિના કપાળે કરચલી ઊપસી.
‘પછી થયું, મોતમાં તો મુક્તિ છે, મારે અનુરાગને મુક્તિ નથી આપવી.’
હા...શ! નિયતિનું કંપન શમ્યું.
‘મોતથીયે બદતર સજા એના માટે વિચારવી રહી... વેરની આગમાં હું તડપ્યો એનાથી ક્યાંય વધુ અનુરાગ તડપે એવો કોઈ ખેલ રચવો જોઈએ.’
નિયતિ એકકાન હતી.
‘ખોલીના ઉતારે જઈ શાંત મને વિચાર્યું. પ્લાન ઘડતાં પહેલાં અનુરાગ વિશે માહિતી મેળવવી આવશ્યક લાગી, ખાસ કરીને તેના વીક પૉઇન્ટ્સ... એટલું થતાં મેં યોજના બનાવી.’
શું હતી એ યોજના?
‘વિશ્વાસઘાત!’
નિયતિને સમજાયું નહીં.
‘ગ્રાહક-વેપારીનો સંબંધ વિશ્વાસનો હોય છે. સેંકડો ગ્રાહકોનો ભરોસો તોડનારને મારે વિશ્વાસઘાતનો પરચો આપવો હતો. એટલે તો ડ્રાઇવર બની તેનો વિશ્વાસ જીતવાનો લૉન્ગ રૂટ લીધો.’
નિયતિને હજીયે બધું અસંબદ્ધ લાગતું હતું.
‘આજે હું શાહ ફૅમિલીનો એટલો વિશ્વાસુ થઈ ચૂક્યો છું કે સિદ્ધુબાબાને નજીકના ગાર્ડનમાં એકલો ઘુમાવાનું કામ પણ મને વિનાસંશય સોંપાય છે... સિદ્ધુને લઈને નીકળેલો હું ઘરે પહોંચું જ નહીં તો અનુરાગને એ પીઠમાં છૂરો ભોંકાયા જેવું લાગે કે નહીં? વિશ્વાસઘાતીની વ્યાખ્યા આનાથી સચોટપણે સમજાવવાનો બીજો માર્ગ હોય તો કહે.’
બાપ રે. સિદ્ધાંતને કિડનૅપ કરી આતુર અનુરાગને જીવનભરનું દર્દ આપવા માગે છે એટલું સમજાતાં નિયતિ પાણી-પાણી થવા લાગી.
‘આતુર, વેરની ચોપાટમાં નાના છોકરાને શું કામ પ્યાદું બનાવો છો?’
આતુરની આંખોમાં ચમકારો ઊપસ્યો: આખરે મેં ધાર્યો એવો જ પ્રત્યાઘાત નિયતિએ વાળ્યો... સિદ્ધાંતના કિડનૅપિંગનો બનાવટી પ્લાન કહી મેં ચકાસી લીધું નિયતિ કે યોજનામાં બાળકની સંડોવણી તું સાખી નહીં શકે... પણ સિદ્ધાંત જ તો મારું હુકમનું પત્તું છે! અંહ, આ તબક્કે મારી યોજનામાં મીનમેખ નહીં થાય...
‘મારો નિનાદ નાનો ન્હોતો, નિયતિ? અમારી સાથે વિશ્વાસઘાત કરતી વેળા અનુરાગે અમારાં બાળ-બચ્ચાંનો લગીરેય વિચાર ન્હોતો કર્યો, એવાની સાથે વિશ્વાસઘાતની રમત રમવામાં હું શા માટે નાના-મોટાના નિયમો પાળું?’
નિયતિને દલીલ ન સૂઝી, છતાં કંઈક તો કહેવું ઘટે,
‘મને અનુરાગ પ્રત્યે હમદર્દી નથી. તેને સજા આપવા તમે કાયદો હાથમાં લો એમાંય કદાચ વાંધો નથી, પણ રાવણને રામ રહીને પણ હણી શકાય, એ માટે આપણે રાવણ બનવાની જરૂર શી?’
તારો કોઈ તર્ક મને સ્પર્શી નહીં શકે... તારું સ્ત્રીહૃદય જીરવી નહીં શકે એટલા માટે સત્ય નથી કહેતો, બાકી મારા બદલાની દિશા સ્પષ્ટ છે!
ખૂન કા બદલા ખૂન!
અનુરાગના પાપે મારા દીકરાની આયુડોર લંબાઈ ન શકી, એમ તેના દીકરાની જીવનરેખા હું કાપીશ!
૧૯ નવેમ્બર, શનિવાર, સિદ્ધાંતનો ત્રીજો બર્થ-ડે!
આવતા અઠવાડિયે આવતો સિદ્ધાંતની વર્ષગાંઠનો દિન તેની જિંદગીનો આખરી દિન બની રહેશે! સાંજે પાંચ વાગ્યે શાહ પરિવારે ઘરમેળે પાર્ટીનું આયોજન કર્યું છે, ખાસ ત્રણ મજલાની ડિઝાઇન ધરાવતી કેકનો ઑર્ડર આપ્યો છે, પણ એ કાપવા સિદ્ધુ જીવતો નહીં હોય! તૈયાર થયેલા સિદ્ધાંતને ગિફ્ટના બહાને હું અલાયદા ઓરડામાં લઈ જઈ મફલરના ફાંસાથી તેની ગરદન ભીંસી નાખીશ, ગણતરીની મિનિટમાં તેનો ખેલ ખતમ!
હૉલમાં સૌ કેક કાપવા તેની રાહ જોઈ રહ્યા હશે, વિશાખા બ્હાવરી બની દીકરાને શોધતી હશે ત્યારે તેની લાશ લઈ હું પ્રગટ થઈશ... સ્ત્રીઓ તમ્મર ખાઈ જશે ને અનુરાગની છાતી ચિરાય એવું અટ્ટહાસ્ય વેરી હું વિશ્વાસાઘાતનો ફોડ પાડીશ, એ પળનો અનુરાગ, મને બેસબરીથી ઇંતજાર છે! તારા દીકરાને જન્મદિને મૃત્યુની ભેટ આપવા હું આતુર છું, સિદ્ધાંતની કુમળી ગરદન ભીંસવા મારાં કાંડાં તડપી રહ્યાં છે! અને કારના સ્ટિયરિંગ પર ભિડાયેલાં આતુરનાં કાંડાંની ઊપસતી નસોને નિયતિ નિ:શબ્દપણે નિહાળી રહી.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK