કથા સપ્તાહ - જીવનરેખા (કદી સાગર, કદી કિનારો - ૩)

Published: 16th November, 2011 08:35 IST

‘વેલકમ સર, વૉટ કૅન આઇ ડુ ફૉર યુ?’ ગોરો વાન, નમણું રૂપ અને છલકતા આત્મવિશ્વાસમાં ભળતી માફકસરની મુસ્કાન... ‘મેક માય ટ્રાવેલ’ના કાઉન્ટર પર બેઠેલી યુવતી આતુરને પહેલી જ નજરમાં પોતીકી લાગી. નામ તેનું નિયતિ જરીવાલા.- સમીત (પૂર્વેશ) શ્રોફ

‘મારે અમેરિકાના પૅકેજિસ વિશે માહિતી જોઈએ છે. માય સન વૉન્ટ્સ ટુ વિઝિટ ડિઝનીલૅન્ડ.’

‘પરફેક્ટ ચૉઇસ. જોકે ઓરલૅન્ડોમાં આવેલા ડિઝનીવર્લ્ડમાં મોટેરાંઓને રસ પડે એવું પણ ઘણું બધું છે. એમાંય ‘મેક માય ટ્રાવેલ’ના પૅકેજમાં, યુ વિલ ઍન્જોય યૉર ટ્રિપ લાઇક ઍનીથિન્ગ.’

ગ્લોબલાઇઝેશનના દોરમાં ભારતમાં કરોડપતિઓ વધ્યા છે એમ દેશ-વિદેશના પ્રવાસનું ચલણ પણ વધ્યું. સાથે જ પ્રવાસના ઓવરઑલ લુકઆઉટમાં પણ તબદીલી આવી. ધરમશાળા કે લૉજનો વસવાટ હવે તો મધ્યમવર્ગીનેય સ્પર્શતો નથી.

એટલે તો ઓછામાં ઓછા સમયમાં પર્યટનસ્થળનો મહત્તમ લુત્ફ માણી શકવાનો કાર્યક્રમ ઘડી આપતી ટૂરિસ્ટ કંપનીઓનો ધંધો જોરમાં છે. પાછા ગર્ભશ્રીમંતથી માંડીને મધ્યમવર્ગીય આદમીને પરવડે એ રીતના એમનાં પૅકેજિસ હોય છે.

અમેરિકા ફરવા માટે આતુરે પણ સ્વાભાવિકપણે ટૂરકંપનીનું શરણું સ્વીકાર્યું. એકાદ કલીગની ચીંધવણીએ તે ‘મેક માય ટ્રાવેલ’ની મુલાકાતે આવ્યો હતો. સૅટેલાઇટના પૉશ વિસ્તારમાં આવેલી ઑફિસ આલીશાન જણાઈ, નિયતિએ સમજાવેલાં પૅકેજિસ આકર્ષક લાગ્યાં. તેણે જોકે શરૂમાં જ કહી દીધેલું કે હું મધ્યમવર્ગીય માણસ છું એટલે મને પરવડી શકે એ મતલબનું જ કંઈ બતાવજો.

‘ખરેખર તો તમે ખરા સમયે આવ્યા આતુરજી. અમારી કંપનીનાં પાંચ વર્ષ પૂરાં થાય છે એ નિમિત્તે બૉસ અનુરાગ શાહે દરેક પૅકેજમાં દસ ટકાનું માતબર ડિસ્કાઉન્ટ રાખ્યું છે. આ રેટ્સ તમને ભારતભરમાં બીજે ક્યાંય નહીં મળે. એપ્રિલથી જૂનની વેકેશન સીઝનમાં મળનારી છૂટને પ્રતાપે અમે રેકૉર્ડબ્રેક બુકિંગ મેળવ્યું છે.’

‘ગ્રાહકને સમજવાની અને સમજાવવાની તમને ખાસ્સી ફાવટ જણાય છે, નિયતિ.’

‘થૅન્ક્સ. જોકે મારી આ પ્રથમ જૉબ છે ને નોકરીના પૂરા પંદર દિવસે નથી થયા.’

પહેલી નોકરીના પખવાડિયામાં જ આટલી કાબેલિયત! આતુર પ્રભાવિત બન્યો.

‘અમારા બ્રોશરમાં મેં પ્રાઇસ ક્વૉટ કરી છે. જોડે વીઝા ઍપ્લિકેશન માટે જોઈતાં ડૉક્યુમેન્ટ્સનું લિસ્ટ પણ છે. ફુલ પેમેન્ટ ઍડવાન્સમાં ભરી દેવાનું રહેશે એ તો હું તમને જણાવી જ ચૂકી છું. વીઝા ન મળે એવા કેસમાં વીઝા પ્રોસેસ ચાર્જિસ બાદ કરી બાકીની રકમ પરત થઈ જશે. આજે સત્તરમી ફેબ્રુઆરી થઈ... ઇફ એવરીથિન્ગ ગૉઝ રાઇટ નેકસ્ટ મન્થ તમારા હાથમાં ઍરટિકિટ હશે ને પહેલી એપ્રિલે તમે ફૅમિલી જોડે ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં અમેરિકા જઈ રહ્યા હશો...’

‘અમેરિકા તો અમારે જવાનું જ હતું, પણ આ રીતે...’ નિ:શ્વાસ ખાળી આતુરે સ્મિત ઊપજાવ્યું. ‘હું બે-ત્રણ દિવસમાં ફાઇનલ જવાબ આપું, ચાલશે?’

‘ઓકે. આઇ વિલ કીપ યૉર નેમ ફૉર લાસ્ટ મોમેન્ટ.’

રાત્રે નિનાદના સૂતાં બાદ પતિ-પત્ની વચ્ચે ચર્ચા ચાલી. અમેરિકાની આ એક ટ્રિપ પછી તેમની પાસે ઘર સિવાય કશું જ બચવાનું નહોતું, પણ એમ તો નિનાદ પણ ક્યાં રહેવાનો હતો? તેના વિના જોયું શું ને જીવ્યું શું!

‘આપણો દીકરો અધૂરી આશ સાથે નહીં મરવો જોઈએ... અંત સમયનો તેનો સંતોષ જ આપણી બાકીની જિંદગી માટે આશ્વાસનરૂપ રહેશે.’

‘છતાં એક વાર આતુર, તમે ડૉક્ટર્સને પણ કન્સલ્ટ કરી લો.’

આતુર પોતે એમઆર હતો એટલે અમદાવાદના મોટા-મોટા ડૉક્ટર્સ સાથે ઓળખાણ હતી. એમાંય કૅન્સર સ્પેશ્યલિસ્ટ ડૉ. રશીદ શેખ પાસે નિયમિતપણે જવાનું થતું. નિનાદનો કેસ ડૉ. શેખના હસ્તક જ હતો.

‘તમારો નિર્ણય ઇમોશનબેઝ્ડ છે આતુર... અમેરિકાથી આવ્યા પછી નિનાદ પાસે અઠવાડિયાથી વધુ સમય નહીં હોય એમ તેની છેવટની ટ્રીટમેન્ટ માટે તમારી પાસે રૂપિયા પણ નહીં હોય એ યાદ રાખવું ઘટે.’ ડૉ. શેખે વડીલની રૂએ સમજાવ્યું.

‘નો ટ્રીટમેન્ટ ઍટ લાસ્ટ સ્ટેજ, સર. નિનાદ છેવટ સુધી બીમારીથી અજાણ, મોતથી બેફિકર જ રહેશે.’

‘તો પછી જાઓ, આતુર. તમારા લાડલાની ખ્વાહિશ પૂરી કરો.’

બીજી સાંજે આતુર ‘મેક માય ટ્રાવેલ’ની ઑફિસે પહોંચ્યો. ‘વી હૅવ સિલેક્ટેડ ધીસ પૅકેજ.’

આતુર નિયતિ જોડે ચર્ચામાં મશગૂલ હતો ત્યાં એકાએક તે ઊભી થઈ. ‘ગુડ ઇવનિંગ સર!’

આતુરે નજર ઘુમાવી. ચાર્મિંગ પ્રિન્સ જેવો દેખાતો અઠ્ઠાવીસેક વર્ષનો જુવાન તેની બાજુમાંથી પસાર થયો. તે હતો ‘મેક માય ટ્રાવેલ’નો સર્વેસર્વા અનુરાગ શાહ પોતે!

નિયતિની વિશના જવાબમાં અછડતું સ્મિત ફરકાવી અનુરાગ તેની કૅબિનમાં અદૃશ્ય થયો.

બૉસના જતાં વીઝા માટે જરૂરી એવી અકાઉન્ટ ડીટેલ્સ ચકાસતી નિયતિ અસમંજસમાં પડી.

‘આતુરજી, મને ધોખો તો નથી થતોને! તમારી બધી બચત તમે આ પ્રવાસ માટે ખર્ચી નાખવા માગો છો?’

‘વેલ, ટૂર માટે જોઈતી રકમ જેટલી લોન તાત્કાલિક મને મળે એમ નથી એટલે...’

પળવાર નિયતિ તેને તાકી રહી.

‘આઇ ઍમ સૉરી, મારે તમારા અંગત મામલામાં દખલ ન દેવી જોઈએ, પણ... બધું વેચીસાટી ફરવા જવામાં શાણપણ નથી.’

નિયતિની ચિંતામાં તેની લાગણીશીલતા જ છતી થઈ. આતુર ફિક્કુ મલક્યો.

‘નિયતિ, દીકરાની આખરી ઇચ્છા પૂરી કરવામાં તો શાણપણ છેને?’

દસ વર્ષના છોકરાની આ...ખરી ઇચ્છા! નિયતિ હચમચી ગઈ.

‘નિનાદને બ્લડકૅન્સર છે, નિયતિ.’ દર્દઘૂંટ્યા સ્વરે આતુરે પ્રવાસ પાછળની કથા કહી, ‘હવે બોલ, મારા લાડકવાયાની આરજૂ પૂરી કરવી જોઈએ કે નહીં?’

નિયતિની આંખના ખૂણા ભીંજાયા.

‘તમે નિનાદને પ્રવાસ વિશે કહ્યું છે ખરું?’

‘અહં. ટિકિટ આવે પછી...’

‘ટિકિટ પહેલાં તમારે વીઝા મેળવવો પડશે અને વિઝાના ઇન્ટરવ્યુમાં તો તમારે તેને લાવવો જ પડશેને, આજે તમે ફુલ પેમેન્ટ ચૂકવી જ દો છો તો નિનાદને કહેવામાં વાંધો શું? હી વિલ બી મોર હૅપી!’

વળતી સવારે આતુર-સુનયનાએ દીકરાને પોંખી ખુશખબર આપ્યા.

‘વા...ઉ! આપણે સાચે જ જવાનાં? પપ્પા. એકાએક આટલા બધા પૈસાનો બંદોબસ્ત થઈ ગયો?’

‘પૈસાની ફિકર તું શું કામ કરે છે દીકરા? મને કંપનીમાંથી લોન મળી ગઈ છે.’

‘ગ્રેટ, પણ પપ્પા, હું અમેરિકામાં દવા નહીં લઉં. હવે કંટાળો આવે છે. ઘરે રહી બોર થાઉં છું. મારે એક્ઝામ પણ આપવાની છેને.’

સુનયના રસોડામાં દોડી ગઈ. નિનાદના કાને બીમારીનું નામ ન પડે એટલા ખાતર તો પોળમાંય કોઈને સત્ય કહ્યું નહોતું. ટાઇફોઈડ છે કહી ટૂંકમાં પતાવી દેતાં.

‘નો એક્ઝામ્સ ધીસ યર. સ્કૂલમાં નવો પરિપત્ર આવ્યો છે. આતુરભાઈ, તમે દીકરાને હજી એની જાણ નથી કરી!’

નિયતિના અણધાર્યા આગમને ચેતના પ્રગટાવી. છોટા ભીમની વાર્તા કહી તેણે નિનાદને હસતો કરી દીધો.

‘આતુરની કંપનીના સહકર્મચારી તરીકે તેં નિનાદ સાથે દોસ્તી સર્જી એ મને ગમ્યું.’ તેને વળાવતી વેળા સુનયનાએ અંતરથી આભાર માન્યો, ‘મારા દીકરાને હસાવવા આમ જ આવતી રહેજે બહેન.’

‘એ જ ઇરાદાએ તો મેં ગઈ કાલે આતુરજીને પેમેન્ટની રસીદ નહોતી આપી... સંસારમાં હું પણ એકલી છું, છતાં સ્વમાનભેર જીવી જાણું એટલી સંસ્કાર મૂડી મારાં સદ્ગત મા-બાપે જરૂર આપી છે. આતુરભાઈમાં મને આવા જ એક પિતાનાં દર્શન થયાં. દીકરા પર સર્વસ્વ ન્યોછાવર કરનારી માને વંદન કરવા હતાં એટલે રસીદના બહાને આવી ચડી. નિનાદ તમારી કૂખે જન્મી ધન્ય થયો. તેના મૃત્યુને મોક્ષ તરીકે જ નિહાળજો, સુનયનાબહેન.’

આશ્વસ્ત કરવાની તેની ઢબથી

પતિ-પત્ની ગદ્ગદ બન્યાં.

કલાક પછી તેણે આતુરનો મોબાઇલ રણકાવ્યો.

‘આતુરભાઈ, તમારા ધ્યાનમાં હશે જ, મારે કહેવાનું ન હોય... પણ સુનયનાબહેન મને બહુ ડિસ્ટબ્ડર્ લાગ્યાં. નિનાદનો આઘાત કદાચ જ તેઓ જીરવી શકે. તમે સમજો છોને? તેમને જાળવજો, પ્લીઝ...’

અડધો-પોણો કલાકના સહેવાસમાં નિયતિએ સુનયનાનું મન વાંચી લીધું!

આતુર અંજાયો.

‘તારી હમદર્દી સ્પર્શે છે નિયતિ. પારકાના દર્દને પારખનારા ભાગ્યે જ મળે આ સંસારમાં. બીજું તો શું કહું, સુનયનાને જાળવવામાં મારો સાથ આપજે એટલું જ માગું છું.’

‘જરૂર. જોજોને, અમેરિકાની યાત્રા માટે થોડુંઘણું શૉપિંગ કરવા પણ હું તેમને મનાવવાની.’

- એની જોકે નોબત જ ન આવી... આતુરે ચૂકવેલું પેમેન્ટ સ્વીકારવાના ચોથા દિવસે વીજળી ત્રાટકી હતી...

‘આતુરજી, ગજબ થઈ ગયો.’ મોબાઇલમાં ગુંજતો નિયતિનો સ્વર રઘવાટભર્યો હતો.

‘શું થયું? વીઝાની ઍપ્લિકેશન જ રિજેક્ટ થઈ કે શું...’

‘ઇટ્સ મોસ્ટ વર્સ્ટ ધેન યુ બિલીવ... અમારો બૉસ અનુરાગ શાહ... તે ચીટર નીકળ્યો. ડિસ્કાઉન્ટ સ્કીમમાં દોઢેક કરોડનું ફુલેકું કરી રાતોરાત પરિવાર સહિત અમદાવાદમાંથી ઉચાળા ભરી ગયો!’

હેં!

‘ઑફિસનું શટર ઉઘાડનારું કોઈ નથી. આખો સ્ટાફ રસ્તા પર ઊભો છે. આગેવાની લઈ મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.’

પછી તો છાપાંમાં, લોકલ ન્યુઝ-ચૅનલ પર અનુરાગ શાહનાં કારનામાં ચમકી ગયાં. પાછળથી સચ્ચાઈ સામે આવી. અનુરાગનો ટૂર-બિઝનેસ જામી ગયેલો, પણ શૅરબજારના સોદામાં તેણે મોટો માર ખાધો. ઉઘરાણીના પ્રેશરમાં જાનનુંય જોખમ હતું એટલે બદમાશે લોભામણી સ્કીમથી લોકોને લલચાવ્યા અને એ રૂપિયા ઉસરડી, દેવું ચૂકતે કરી પલાયન થઈ ગયો ધુતારો!

‘આજે સમજાય છે કે અનુરાગની ચાર્મિંગ પર્સનાલિટીમાં સામા માણસને શીશામાં ઉતારવાની આવડત હતી. પોણા કરોડના દેવા સામે એ બીજા પોણા કરોડ પોતાના સુખદ ભાવિ માટે જ તાણી ગયોને! એના ધોખામાં રોનારા માલેતુજારો જ નથી, આપણા જેવા મધ્યમવર્ગીય લોકોય સામેલ છે.’

લગભગ રોજ સાંજે ઘરે આવતી નિયતિ અનુરાગ વિરુદ્ધની દાઝ ઠાલવતી.

‘બીજાના તો ખબર નથી, અમારું જોકે સર્વસ્વ લૂંટાઈ ગયું...’

લૂંટાવાથી વિશેષ વસમું હતું નિનાદને સમજાવવું. ઘટનાથી બેખબર નિનાદ રોજ અમેરિકા જવાના દહાડા ગણતો. વિમાનમાં ઊડવાનાં ખ્વાબ સજાવતો... તેનું હૈયું કેમ તોડવું?

‘આતુર, એક આશકિરણ દેખાયું છે.’ એક સવારે ડૉ. શેખે ફોન રણકાવ્યો, ‘ચેન્નઈની કેનાર હૉસ્પિટલમાં રેડિયેશનની ટ્રીટમેન્ટમાં ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ થકી બ્લડકૅન્સરના પેશન્ટને ફાયદો થયાનું જાણવા મળ્યું છે. એનાથી નિનાદની આવરદાના છ-આઠ મહિના અચૂક વધી શકે...’

સંતાનને બચાવવાની તમામ ઇચ્છા છતાં સારવાર માટેનો ખર્ચ ક્યાંથી કાઢવો? સખાવત પણ મળી-મળીને કેટલી મળે? કમ્બખ્ત અનુરાગ અમારી આર્થિક ઓથ જ નહીં, દીકરાના આયુષ્યના છ મહિના પણ છીનવી ગયો!

ન દીકરાનું સ્વપ્ન પૂરું કરી શક્યાં, ન તેની આવરદા વધારી શક્યાં... બેવડા આઘાતે સુનયનાની સાન બધિર થઈ.

‘પપ્પા, આપણે અમેરિકા... મને ગભરાટ થાય છે... મમ્મી... મને રોક... કોઈ મને લેવા આવે છે... મને... પપ્પા...’ છેલ્લા શબ્દ સાથે નિનાદે મેની એક રાત્રે ડોક ઢાળી દીધી.

સુનયનાએ પછડાટ ખાધી. દીકરાની પાંપણના પડદા ઢાળતા આતુરની આંખો કોરીધાર જ રહી. બે દિવસ પછી દીકરાના ગમમાં હિજરાતી સુનયનાએ દમ તોડ્યો ત્યારે પણ તે રડ્યો નહોતો.

‘આતુર પ્લીઝ, થોડું રડી લો. હૃદયને પથ્થર બનાવી દેવાથી છેવટે તો લાગણી જ જખમી થતી હોય છે!’

‘તું રડવાનું કહે છે, નિયતિ? મારી ભીતર તો જ્વાળામુખી ધગી રહ્યો છે... મારા દીકરાનું મોત અનુરાગે બગાડ્યું. એના આઘાતે મારી સુનયનાને છીનવી લીધી... આનું વેર નહીં વાળું ત્યાં સુધી મારી આંખેથી અશ્રુ નહીં ખરે!’

‘પોલીસ જેનો પત્તો નથી મેળવી શકી તેને તમે ક્યાં શોધશો?’

‘તું મને મદદરૂપ થઈ શકે, નિયતિ... તેં તેની સાથે કામ કર્યું છે, તેની ટેવ-કુટેવ, પસંદ-નાપસંદ પરથી અડસટ્ટો તો લગાવી જ શકાય.’

‘મેં માંડ પખવાડિયું ત્યાં કામ કર્યું... અનુરાગની ફૅમિલી વિશેય હું કશું જાણતી નથી... તમે કહો છો એવી કોઈ હિન્ટ...’ નિયતિ અટકેલી. ચપટી વગાડી ઊછળેલી, ‘હા એક-બે વાર તે બોલી ગયેલા કે ધંધાની મજા મુંબઈમાં આવે...’

મુંબઈ અથવા તો કોઈ પણ મેટ્રોસિટી... આતુર મુંબઈ સહિત અનેક મોટાં શહેરોમાં દિશાહીન ભટ્કયો. નોકરી છોડી ચૂકેલો, પોળ પણ છૂટી. જીવનના એક જ ઉદ્દેશ્ય માટે ન ટાઢ- તડકો દીઠાં, ન મજૂરી કરવામાં નાનમ જોઈ. ફૅમિલી ફોટોગ્રાફ તેના ઇરાદાને વજ્રનો બનાવવા પૂરતો હતો. ઈશ્વરને એટલી જ પ્રાર્થના કરતો : વેર વાળ્યા વિના મારી જીવનરેખા તોડીશ નહીં!

અનુરાગની લાઇફસ્ટાઇલ વૈભવી રહેવાની એટલું તો નક્કી હતું. ફ્રૉડ કરીને છટકેલો આદમી અન્યત્ર પગદંડો જમાવવામાં વરસ-બે વર્ષનો ગૅપ રાખે એય ગળે ઊતરે એમ હતું... આતુર મૉલ્સ, હોટેલ્સ, ઍરર્પોટની આસપાસ મંડરાતો રહેતો... એમાં આઠ મહિના અગાઉ પેડર રોડના હીરાપન્ના માર્કેટમાં અનુરાગ નજરે ચડ્યો! ‘હવે તું છટકી નહીં શકે!’ ઝનૂનથી આતુરે પાછળ પડી માહિતી ભેગી કરી. શિર્ડીની જાત્રા દરમ્યાન રવજીને હટાવવાનો પ્લાન પણ કામિયાબ રહ્યો. રવજીની જગ્યા લેવા મેં જ તેને દારૂભેગો કર્યાની કોને જાણ છે! અનુરાગે મને ઓળખવો સંભવ નહોતો, છતાં દાઢી-મૂછની સાવધાની મેં રાખી. બધું બરાબર ગોઠવાઈ ચૂક્યું, પરાકાષ્ઠા ઢૂંકડી હતી ત્યાં આજે સંન્યાસ આશ્રમના મંદિરમાં નિયતિ ક્યાં ભટકાઈ? કોણ જાણે આમાં ઈશ્વરનો શું સંકેત હશે?

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK