કથા સપ્તાહ - જીવનરેખા (કદી સાગર, કદી કિનારો - ૨)

Published: 15th November, 2011 09:48 IST

‘દેવુભા...’ પહેલા માળની બાલ્કનીમાંથી વિશાખાએ ડ્રાઇવરને સાદ પાડ્યો, ‘કાર કાઢજો, આપણે સંન્યાસ આશ્રમ જવાનું છે.’


- સમીત (પૂર્વેશ) શ્રોફ

‘જી મૅડમ.’ એક જ સાદે ગેટકીપર પાસેથી દોડી આવેલા દેવુભાએ શીશ ઝુકાવી આજ્ઞા માનવાની અદબ દાખવી.

‘કહેવું પડે,’ વહુની પીઠ પાછળથી સાસુએ પોરસનો ટહુકો પૂર્યો, ‘આપણને ડ્રાઇવર સરસ મળી ગયો. જુવાન, સંસ્કારી ને વળી ગુજરાતી. છ મહિનામાં તો આપણો વિશ્વાસુ બની ગયો છે દેવુભા.’

સગુણાબહેનના ઉદ્ગારમાં તથ્ય હતું. વિશાખાના ચિત્તમાં છ-એક મહિના અગાઉની એ ઘટના ઝબકી ગઈ:

ઉનાળાના દિવસો હતા. સાસુ-વહુ શર્ડિીની જાત્રાથી પરત થઈ રહ્યાં હતાં. સાથે વિશાખાનો બે વર્ષનો બાબો સિદ્ધાંત પણ ખરો. ઘરની ગાડી લઈને નીકળેલાં એટલે સમયનું બંધન નહોતું.

‘રવજીકાકા, ક્યાંક સારી હોટેલ દેખાય તો થોભજો. થરમૉસમાં સિદ્ધ માટે દૂધ ભરી લઉં. તમનેય ચાની તલપ લાગી હશે. બે પ્યાલા ગટગટાવી જાવ એટલે સાંજના ટ્રાફિકમાં દિમાગ જાગૃત રહે!’

તલપ શબ્દે સાસુ-વહુએ એકમેક સામે ઇશારામાં મલકી લીધેલું. અડધાએક વર્ષથી ડ્રાઇવરી કરતા રવજીમાં બે જ મર્યાદા હતી - એક તો તેની વધતી વય, અને બીજી દારૂની લત! ક્યારેક તો રાતે પીધેલી સવારે ઊતરી ન હોય તો તેને પાછો રવાના કરી દેવો પડતો. જોકે શેઠને ત્યાંના બાઈમાણસો સાથે ત્રણ દિવસની યાત્રાએ નીકળવાનું આ પ્રથમ વાર બન્યું હતું. શેઠે કડક શબ્દોમાં ચેતવણી આપેલી એટલે બે રાતથી બિચારાએ ટીપુંય ચાખ્યું નહોતું. એમાં તો બંધાણની તલપ જાણનારાની આંખે વળગે એવી હાલત હતી.

હાઇવેની શ્રીનાથ હોટેલના પથરાળા પ્રાંગણમાં કાર ઊભી રહી. સૂઈ ગયેલા સિદ્ધુને ખભે તેડી વિશાખા સાસુ જોડે પૉર્ચનાં પગથિયાં ચડી. ‘રવજીકાકા, આપણે પંદર મિનિટથી વધુ રોકાવાનું નથી, સમજ્યાને!’

પંદરને બદલે પચીસમી મિનિટે બન્ને સ્ત્રીઓ કાર નજીક પહોંચી ત્યારે રવજીનો ક્યાંય અત્તોપત્તો નહોતો. જાગી ગયેલા સિદ્ધુની સોંપણી સાસુમાને કરી વિશાખા આમતેમ ફરી વળી, ત્યાં...

‘મૅડમ, તમે એજેડ અંકલને શોધો છો? માથે આછા વાળ, ડ્રાઇવરનો સફેદ પોશાક... ’

‘અરે, એ તો અમારા રવજીકાકા!

તમે જોયા? ક્યાં છે?’

જવાબમાં દાઢી-મૂછમાં પણ સોહામણા લાગતા જુવાને સહેજ સંકોચભેર ખુલાસો કર્યો, ‘મૅડમ, તમારો ડ્રાઇવર પીને ધૂત થઈ પડ્યો છે વૉશરૂમના દરવાજા પાછળ!’

‘હાય-હાય...’ વિશાખાએ મોં પર હાથ દાબ્યો, ‘રવજીએ તો ખરા વખતે ધોખો દીધો!’

ઝડપથી દોડી જઈ તેણે સાસુ સાથે મસલત માંડી. આભમાં રાત ઊગી રહી હતી, મુંબઈ હજી ચાર કલાક છેટું હતું અને આવા ઠેકાણે રાતવાસો ન જ થાય.

‘રવજીને હોટેલના ખાટલે નાખ્યો છે, તેનું ભાડુંય ચૂકવી દીધું છે, પણ આપણે કેમ જઈશું? આમ તો હું ડ્રાઇવિંગ શીખી છું, પણ હાઇવે પર મુંબઈ સુધી હંકારવાની હામ નથી.’

‘એક કામ થઈ શકે. કાર અહીં છોડી આપણે મુંબઈ જતી બસમાં બેસી જઈએ.’

સગુણાબહેનનો વિકલ્પ વિશાખાને બહુ જચ્યો નહીં. એમ કંઈ આઠ-દસ લાખની ગાડી પીધેલા ડ્રાઇવરના ભરોસે ઓછી છોડી જવાય! પાછો બધો સામાન...

‘ઇફ યુ પરમિટ મી મૅડમ, હું તમને હેલ્પફુલ થઈ શકું.’

અત્યંત વિનમ્રભાવે વળી પેલો જુવાન નજીક આવ્યો હતો. રવજીને વૉશરૂમમાંથી ઊંચકી લાવી તેણે સાસુ-વહુ પર ઉમદા છાપ જમાવી હતી.

‘મારે પણ મુંબઈ જ પહોંચવું છે ને મારો વ્યવસાય પણ ડ્રાઇવરગીરીનો જ છે. ટૂરિસ્ટ ટૅક્સી ફેરવું છે. જોકે મુંબઈ સેટ થયે મને થોડો જ સમય થયો. આ રહ્યું મારું ડ્રાઇવિંગ લાઇસન્સ.’

વિશાખાએ અછડતી નજર ફેંકી : દેવજી ચુડાસમા. સરનામું જૂનાગઢનું હતું.

‘તમે ક્યો તો તમારી કાર હું હાંકી લઉં.’ તેણે કાઠિયાવાડી લહેજામાં કહ્યું.

‘લઈ લે, ભાઈ.’ સગુણાબહેને લીલી ઝંડી ફરકાવી. વહુને સાનમાં સમજાવી દીધું : અહીં રોકાવામાં પણ જોખમ હોય તો અજાણ્યા પર ભરોસો મૂકી પાર ઊતરવાનું રિસ્ક કેમ ન લઈએ?

‘આભાર બાજી.’ ડ્રાઇવરની સ્ટાઇલથી તેણે પાછલો દરવાજો ખોલ્યો હતો. ત્રણે ગોઠવાયાં પછી છટાભેર આગળ ગોઠવાઈ તેણે રિવર્સ લઈ કારને મુખ્ય રસ્તે ચડાવી. કારની સિસ્ટમથી તે માહિતગાર જણાયો. બેસનારને સહેજે અણખટ - આંચકા ન લાગે એટલું સ્મૂધ ડ્રાઇવિંગ હતું તેનું.

‘મૅડમ, સ્પીડ બરાબર છેને? બાજી ક્યાંક રોકાવું હોય તો કહેજો. તમારો બાબો બહુ સુંદર છે. શું નામ છે?’ રિઅર વ્યુ મિરરમાં નજર ફેંકી તે પૂછી લેતો. ડ્રાઇવર આમેય વાતોડિયા હોવાના.

‘સિદ્ધાંત.’

‘વાહ, તો-તો તેના પિતા સાચે જ સિદ્ધાંતવાદી હોવા જોઈએ.’

સાંભળીને સાસુ-વહુ ઓઝપાયેલાં. સગુણાબહેને ત્વરિત વાત બદલી હતી, ‘મુંબઈમાં તમારે ક્યાં રહેવાનું?’

‘જોગેશ્વરીની ચંદન બા ચાલમાં.’

‘તો-તો એ આપણા અંધેરીના અપાર્ટમેન્ટથી ઝાઝું દૂર નહીં હોય... ઘરે બીજું કોણ છે?’

‘સાવ એકલપટો છું. કૉલેજની ડિગ્રી નથી એટલે બેકાર બેસવા કરતાં ભાડાની ગાડી ફેરવવા લાગ્યો. વતનમાં કાકાઓને એ નોકરી ખાનદાનનું નામ ડુબાડનારી લાગી એટલે તેમની કચકચથી ત્રાસી મિત્રનો આશરો લઈ મુંબઈ આવ્યો છું. જોકે અહીં જૉબનું કંઈ જામ્યું નથી... જોઈએ હવે, શર્ડિી જઈ બાબાનાં ચરણે માથું ટેકવ્યું છે એટલે જલદી કશે ગોઠવાવું જોઈએ!’

વચમાં એક હોલ્ટ દરમ્યાન સાસુ-વહુએ ગુફતેગૂ આદરી હતી : જુવાન સભ્ય જણાય છે, ખાનદાન છે, રવજીને પાણીચું દઈ આને ગોઠવી દેવા જેવો ખરો!

‘દેવજી, અમારો ત્રણ જણનો પરિવાર - હું ને મારાં દીકરા-વહુ.’

‘કેમ બાજી, દૂધપૌંઆ જેવો સિદ્ધાંત ખરોને!’

મોટેરાંની રમતમાં બાળકો માટે વપરાતો દૂધપૌંઆ શબ્દ બન્ને સ્ત્રીઓને મલકાવી ગયો.

‘સિદ્ધુ તો અમારા સૌના હૈયાનો હાર!’ સગુણાબહેને ઉમળકો જતાવેલો, ‘એમાંય તેના બાપના તો જાણે પ્રાણ વસેલા દીકરામાં...’

‘દેવનો દીધેલ કોને વહાલો ન હોય?’

વાહ, જુવાન આસ્થાળુ પણ જણાય છે!

પછી તો અપાર્ટમેન્ટના પાર્કિંગ-પ્લૉટમાં ઊતરતાં જ સગુણાબહેને કહી દીધેલું : અત્યારે તો મોડું થયું દેવજી, પણ કાલ સવારે વહેલો આવી જજે. કદાચ તારી નોકરીનો બંદોબસ્ત થઈ જાય!

અને થયો પણ ખરો. મા-પત્નીનો વૃત્તાંત સાંભળી ઘરના એકમાત્ર પુરુષે બીજી સવારે ચાર-છ ઔપચારિક પ્રશ્નો પૂછી દેવજીને નોકરીએ રાખી લીધો : આપણે ત્યાં બે કાર છે. મારી હૉન્ડાસિટી માટે મેં ડ્રાઇવર નથી રાખ્યો, તારે લેડીઝ માટેની બીજી કારનો હવાલો સાચવવાનો...

‘વિશ્વાસ રાખજો શેઠ, હું ફરિયાદનો મોકો નહીં આપું.’

- દેવજીની ખાતરી આજ સુધી તો યથાર્થ ઠરી છે!

વિચારવમળમાંથી બહાર નીકળી વિશાખાએ સાડીનો છેડો સરખો કર્યો, ‘મમ્મી, તમે તૈયાર છો?’

‘તેં કહ્યું એટલે તૈયાર તો થઈ છું, વહુ, પણ...’ સગુણાબહેન વિશાખાનો હાથ પકડી ડાઇનિંગ હૉલમાં દોરી ગયાં, ‘બેસ જરા.’

આજ્ઞાંકિત વહુની જેમ વિશાખા ખુરસી ખેંચી ગોઠવાઈ. સાસુ શું સમજાવવા માગે છે એનો અંદાજ આવી ગયો અને સામે બેઠક લેતાં સગુણાબહેને ધાર્યા મુજબની શરૂઆત કરી.

‘મારે કહેવું ન જોઈએ, વિશાખા, પણ બપોર સુધીની તારી સવાર પૂજાપાઠમાં વીતતી હોય છે. ઘરે પૂજા, મંદિરે દેવદર્શન. આજે સંન્યાસ આશ્રમ તો કાલે સિદ્ધિવિનાયક.’

‘ઘરનાં કામોમાં ધ્યાન નથી આપી શકતી એનો ઠપકો આપવો છે, મમ્મી? તો જરા ઊંચા અવાજે બોલો, જેથી મનેય સાસુની હાજરીમાં બેઠી હોવાનું લાગે.’

વિશાખાના આછા સ્મિત સામે સગુણાબહેન હસી ન શક્યાં.

‘તારી સાસુ સાસુપણું દાખવવામાં સાવ ઢ છે, વિશાખા. મેં તને હંમેશાં દીકરી જેવી માની છે.’

‘મારેય તમારા સિવાય બીજું કોણ છે મમ્મી, જેની સાથે સુખદુ:ખ વહેંચી શકું?’ વિશાખાએ ભાવથી સાસુનો પહોંચો દબાવ્યો. સાસુ-વહુ વચ્ચે શરૂથી જ અદ્ભુત મનમેળ રહ્યો છે.

‘ઘરના કામ બાબત મારે તને શો ઠપકો આપવાનો હોય વહુ! એને માટે આયા છે, મહારાજ છે,’ સગુણાબહેને ઉમેર્યું, ‘મારે તો એટલું જ સમજાવવું છે વહુ કે ઈશ્વર પરની આસ્થા પૂજન-અર્ચનની મોહતાજ નથી હોતી... પ્રભુને ભજવામાં કશું ખોટું નથી, પરંતુ સંસાર લઈને બેઠાં હોઈએ ત્યારે આપણે એમાં ક્યાંક તો મર્યાદા આંકવી રહી.’

વિશાખાનાં નેત્રો ઝૂક્યાં.

‘ભગવાન તો ભાવના ભૂખ્યા ગણાય. મારું માને તો સાચા અંતરથી કરેલી બે મિનિટની પ્રાર્થના પણ એમની કૃપા પામવા પૂરતી ગણાય. અરે, વિનાકહ્યે ભક્તની પીડા જાણનારાને એટલે તો અંતરયામી પણ કહે છે. એ હિસાબે, ક્યાં તો તને પોતાની પ્રાર્થનામાં શ્રદ્ધા નથી અથવા તો ઈશ્વરના પ્રત્યુત્તરનો વિશ્વાસ નથી! બન્ને સંજોગોમાં તેં ગાળેલા કલાકો નિરર્થક ઠરે છે. અલબત્ત, તને એનાથી શાંતિ મળતી હોય તો...’

‘સવાલ, માત્ર મારા મનની શાંતિનો નથી, મમ્મી...’ વિશાખાએ ગળું ખંખેર્યું, ‘તમે જાણો છો, સમજો છો છતાં આજે ચર્ચા ઉખેળી જ છે તો સાંભળી પણ લો...’

સગુણાબહેન પુત્રવધૂને ટાંપી રહ્યાં.

‘મારી મમતા મને ઈશ્વર સમક્ષ ખોળો પાથરવા મજબૂર કરે છે. ને એમાં નિમિત્ત બન્યું છે મારું જ સુહાગ.’

સગુણાબહેનની ગરદન ઢીલી થઈ.

‘તમારા દીકરા અને મારાં પતિનાં કર્મો આપણે બન્ને સારી રીતે જાણીએ, સમજીએ છીએ. તેમના પ્રતાપે કોઈની આંતરડી કકળી હશે, કોઈએ બળબળતા નિ:સાસા નાખ્યા હશે... એમાંના કોઈની હાય મારા દીકરા સુધી ન પહોંચે એટલું જ વિનવતી હોઉં છું સૃષ્ટિના સર્જનહારને, એમાં વખતનું ભાન નથી રહેતું.’

થોડી પળો પૂરતી ધારદાર ખામોશી છવાઈ ગઈ સાસુ-વહુ વચ્ચે.

‘તેં મારી મમતાનો હવાલો આપ્યો વહુ, પછી હું શું બોલું? ગલત રસ્તે ડગ માંડનાર દીકરાનો કાન પકડી સીધોદોર કરવાનો હોય એને બદલે મમતાવશ મેં આંખ આડા કાન કરવાનું સ્વીકાર્યું. વક્રતા એ કે આજેય કરેલી ભૂલ સુધારવાની મને હિંમત નથી.’

‘ભૂલમાં હું પણ તમારી ભાગીદાર ખરીને...’ વિશાખાએ પસ્તાવામાંય સાથ નિભાવી જાણ્યો.

‘તમે મમતાથી લાચાર બન્યાં. હું પત્નીધર્મ સમજીને ચૂપ રહી. હવે તમે જ કહો, ભગવાનને ભજવા સિવાય મારાથી બીજું થઈ પણ શું શકે?’

‘સાચી વાત છે વહુબેટા, પણ આપણે એટલું જ કરી શકીએ એમ હોય તો મંદિરે જવામાં શાનું મુરત જોવાનું?’

અને તેમની જોડી સંન્યાસ આશ્રમનાં દ્વારે પહોંચી.

‘દેવુભા...’ વિશાખા ડ્રાઇવરને નામથી ન બોલાવતાં પાછળ ભાનું છોગું લગાડી માનથી બોલાવતી , ‘તમે પણ દર્શન કરી લો.’

‘જી મૅડમ.’ દેવુભાએ શિસ્તથી ઉત્તર વાળ્યો, ‘કાર પાર્ક કરીને આવ્યો. કૉન્ટૅક્ટ માટે મોબાઇલ તો હાથવગા છે જ.’

સાસુ-વહુ ભીતર પ્રવેશ્યાં.

‘સિદ્ધુને નીચે મૂકી દે વહુ. એ બહાને થોડું ચાલશે. તેની આંગળી ઝાલી રાખ માત્ર.’

જોકે દર્શનની લાહ્યમાં આંગળી છૂટી. વિશાખા આંખો મીંચી, હાથ જોડી પ્રાર્થનામાં લીન હતી. સગુણાબહેન પૂજારી જોડે કથાનો મેળ ગોઠવવામાં વ્યસ્ત બન્યાં એ દરમ્યાન સિદ્ધાંત દીવાના સ્ટૅન્ડ નજીક જઈ ચડ્યો.

‘અરે! નો બેટા, ડોન્ટ ડુ ઇટ!’

આછા ગુલાબી રંગના ચૂડીદારમાં શોભતી નમણી યુવતીએ વખતસર સિદ્ધુને ઊંચકી લીધો ન હોત તો છોકરો દીવડાની જ્યોતથી દાઝી જાત.

ફફડતા હૈયે વિશાખાએ દીકરાને છાતીસરસો ચાંપ્યો

‘મારા લાલના માથેથી ઘાત ગઈ! જોયું મમ્મી, મારી પૂજા આજે ફળીને! કોઈના નિશ્વાસથી સિદ્ધુને બચાવવા ઈશ્વરે પરચો દેખાડ્યો. એણે જ તને દૂત બનીને મોકલી બહેન!’

વિશાખાનાં વાક્યોનો સંદર્ભ એકઠા થઈ ગયેલા આઠ-દસ ભક્તો માટે સમજબહાર હતો. ગદ્ગદ કંઠે આભાર માનતી માને જોઈ સૌ વીખરાયા. સિદ્ધુને ચૂમી ભરી પરત થતી પેલી યુવતીનો હાથ વિશાખાએ પકડ્યો, ‘આમ ક્યાં ચાલી? આજે ઘરે પ્રસાદ લીધા વિના જવાનું નથી. જોડે કોઈ હોય તો તેનેય લઈ લે.’

- અરે, આ તો નિયતિ! દર્શને આવેલા દેવજી ઉર્ફે આતુરે એક જ નજરમાં દૂરથી વિશાખા સાથે ઊભેલી તે યુવતીને ઓળખી લીધી, ‘મેઇક માય ટ્રાવેલ’ ટૂર કંપનીમાં અનુરાગ શાહની મદદનીશ તરીકે પખવાડિયું કામ કરનારી નિયતિ દાઢી-મૂછના ઓઠા છતાં મને તો ઓળખી જ જવાની! અરે, પોતે અત્યારે અનુરાગની ફૅમિલી સાથે હોવાનું જાણતી હોત તો સીધી પોલીસથાણે જઈ ચડે એવી ખુમારી ધરાવતી છોકરીનું અંતર મેં પારખ્યું છે... નિયતિનું આગમન પોતાના ખેલમાં કેવા રંગ પૂરશે એ આતુરને સમજાયું નહીં!

ત્યાં નિયતિને વિશાખા સાથે પોતાની તરફ વધતી જોઈ આતુરે ચહેરો ફેરવી લીધો, છતાં કાળજું તો ધક્ ધક્ થઈ જ રહ્યું!

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK