‘બેટા, પપ્પાને આજે ઘણું કામ છે. લોરી હું ગાઈ સંભળાવીશ, આવતો રહે મારી પાસે.’
સુનયનાના લંબાયેલા હાથ સામે ખભા ઉલાળી તે ઇનકાર ફરમાવી દે : ના મમ્મી, તને પપ્પા જેવું ગાતાં નથી આવડતું. હું સૂઈ જાઉં પછી પપ્પા તેમનું કામ પતાવી દેશે, હેંને પપ્પા? કેડે હાથ વીંટાળી આશાભરી મીટ માંડતા દીકરાને નારાજ કરવાનું સામથ્ર્ય કદાચ દુનિયાના કોઈ બાપમાં નહીં હોય...
‘યસ, માય સન. સુનયના, તું તો જાણે છે, એમઆર (મેડિકલ રિપ્રેઝન્ટેટિવ)ની જૉબને કારણે મને ઘરે રિટર્ન થતાં ક્યારેક તો રાતના દસ થઈ જાય છે, ડિનરથી બેડટાઇમ સુધીનો સમય જ અમને બાપ-દીકરાને સાથે ગાળવાનો મળે છે, એમાં કટૌતી
નહીં ચાલે! હેડઑફિસે ઑર્ડર્સ ફૉર્વર્ડ કરવાનું કામ નિનાદના સૂતાં પછી હું કરી લઈશ...’
‘યે! લવ યુ પપ્પા.’ ઉભડક બેઠો થઈ કોટે બાઝી નિનાદ તેનો ગાલ ચૂમી લે.
પછીની પંદર-વીસ મિનિટમાં દિવસઆખાનું હેત ઠલવાઈ જાય. સ્કૂલમાં શું થયું, બ્રેકફાસ્ટમાં શું ખાધું, મમ્મીએ હોમવર્ક કરાવતાં કેટલી ડાંટ આપી - નિનાદ તેનાં બધાં સીક્રેટ્સ પિતાને કહી દે. દરમ્યાન વહાલઘૂંટ્યા સ્વરે તે હાલરડું શરૂ કરે, પુત્રના કપાળે હથેળી મૂકી ખોળો હલાવે એટલે લોરી પતતાં સુધીમાં નિનાદ મીઠી નીંદરને શરણે થઈ ચૂક્યો હોય!
ત્યાર બાદ મંડાય પતિ-પત્નીની મીઠી ગોઠડી. થોડું ટીવી, થોડી સાંસારિક ચર્ચા અને થોડી પ્રણયચેષ્ટા...
‘અરે! તમારું કામ બાકી છે...’ સુનયના છટકીને હસીને યાદ અપાવે.
‘અંહ, ઑફિસવર્કને માર ગોલી, આ કામ તો મારું મનગમતું છે...’ કાંડું પકડી સુનયનાને નજીક ખેંચી તે ભીંસી દેતો...
હવે ક્યાં એ દીકરો, ક્યાં એ પત્ની, ક્યાં અમારો મધુર સંસાર!
આતુરની પાંપણે ભીનાશ છવાઈ.
ના, હું રડીશ નહીં. ત્રણ-ત્રણ વરસથી પત્ની-પુત્રને ગુમાવવાનું દર્દ હૃદયમાં વેર બની ઘૂંટાઈ રહ્યું છે, એની વસૂલાત ન થાય ત્યાં સુધી અશ્રુને સરવાની ઇઝાજત નથી...
રેડિયો બંધ કરી આતુરે સ્વસ્થતા કેળવી. અમદાવાદની પોળમાં જિવાયેલું જીવન, આઠેક મહિનાથી મુંબઈની સાંકડી ખોલીના એકાકીપણામાં બંધાયાનો જોકે અફસોસ નહોતો, કેમ કે આતુરને શિકાર સાંપડી ચૂક્યો હતો. જાળ બિછાવાઈ ચૂકી હતી, હવે બસ, જનોઈવાઢ વારની જ તક ઝડપવાની હતી!
ઊંડો શ્વાસ લઈ આતુરે બેડશીટ નીચે છુપાવેલો ફૅમિલી ફોટોગ્રાફ કાઢ્યો. પોતે, સુનયના અને વચમાં નિનાદ - ત્રણે એકમેકને એવાં વળગ્યાં હતાં જાણે કદી છૂટાં પડવાનાં ન હોય! તસવીરના જમણા ખૂણે તારીખ-ટાઇમની નોંધ પણ હતી : ૧૯ ડિસેમ્બર, ૨૦૦૭, સાંજે સાડાછ!
નિનાદનો દસમો, અને છેલ્લો બર્થ-ડે!
પોળની મધ્યમવર્ગીય લાઇફસ્ટાઇલમાં ઊછેરલા આતુરને બાપ-દાદાના ખોરડા સિવાય વારસામાં ઝાઝું કંઈ મળ્યું નહોતું. છતાં જાતમહેનતે પરિવારનું પૂરું કરવાની આપત્રેવડ તેનામાં અવશ્ય હતી. એમઆરની જૉબ તેને ફાવી ગયેલી. વિધવા માના દેહાંત પછી ઘરમાં ઈન, મીન ને તીન જણ રહ્યા, આતુરનો પગાર સારો હતો, તો ધણીની આવકમાંથી બે પૈસા બચાવવાની સુનયનામાં સૂઝ હતી. તેમના જીવનનું કેન્દ્ર હતો એકનો એક દીકરો નિનાદ! તેની પ્રત્યેક વર્ષગાંઠે ક્યાં તો ગોલ્ડ ક્યાં તો પોસ્ટની કોઈ સ્કીમમાં રોકાણ કરવાનો નિયમ આતુર-સુનયના પાળતાં આવેલાં : ભવિષ્યમાં નિનાદને આર્થિક તાણ વર્તાવી ન જોઈએ!
સાથે જ, જન્મદિને નિનાદને મોંમાંગી ગિફ્ટ આપવાના રિવાજમાં પણ કદી અપવાદ નહોતો સર્જાયો. છોગામાં સરપ્રાઇઝ પાર્ટી, કાંકરિયાની સેર તો ખરી જ. માત્ર સંપત્તિની સગવડથી જ પ્રસંગ યાદગાર નથી બનતો. મા-બાપનો ઉમંગ ધબકતો હોય તો સુખડીના બટકામાંય દીકરાને ફાઇવસ્ટારના જમણનું સુખ વર્તાવાનું! આતુર-સુનયના આમાં ક્યારેય ઊણાં ન ઊતરતાં. એટલે તો નિનાદ આતુરતાથી બર્થ-ડેની વાટ જોતો હોય!
‘હા’ ખરેખર તો સુનયના ભૂલી ગયેલી, પણ આતુરને યાદ હતું. રવિવારની સવારે આવતો ‘રંગોલી’ કાર્યક્રમ તેનો ફેવરિટ, ચા-નાસ્તો બનાવી સુનયના પણ આતુરને ટીવી જોવામાં કંપની આપે, હરતો-ફરતો નિનાદ ગીતમાં કંઈક ગમી જાય એવું લાગે તો બેસે ખરો.
પણ ‘રંગોલી’ના પ્રોગ્રામને બર્થ-ડે ગિફ્ટ સાથે શું કનેક્શન હોય!
‘પપ્પા, એમાં તમારી માનીતી હિરોઇન હેમા માલિનીનું એક સૉન્ગ આવેલું - વર્ડ્સ તો મને યાદ નથી, પણ ડિઝનીવલ્ર્ડમાં એનું શૂટિંગ થયેલું...’
આતુર માટે આટલી હિન્ટ પૂરતી હતી:
‘ઓહ, એ તો પેલું ‘ડ્રીમગર્લ’ ફિલ્મનું ગીત... ‘દુનિયા કે લોગ કિતને અચ્છે હોતે, બડે ન હોતે કાશ સારે બચ્ચે હોતે!’ કડી લલકારી તેણે દીકરાને પૂછ્યું, ‘તને એ ફિલ્મની ડીવીડી જોઈએ છે?’
ત્યારે ડોક ધુણાવી નિનાદ ઝડપભેર બોલી ગયો, ‘મારે તો ડિઝનીલૅન્ડ જવું છે.’
‘નિનાદ, એ જમાનામાં લોકોને અમેરિકાના ડિઝનીલૅન્ડનું આકર્ષણ રહેતું, હવે તો આપણા દેશમાં એકથી એક ચડિયાતા એમ્યુઝમેન્ટ પાર્ક્સ છે... વી કૅન ગો ધેર. મારા ખ્યાલથી મુંબઈનું એસ્સેલવલ્ર્ડ બેસ્ટ ઑપ્શન રહેશે. શું કહો છો, આતુર?’
‘યા... ડેફિનેટલી.’
જોકે નિનાદ એથી હરખાયો નહીં.
‘લુક માય સન,’ આતુર દીકરા સામે ઘૂંટણિયે ગોઠવાયો, ‘ડિઝનીલૅન્ડ જવા માટે પાસર્પોટ જોઈએ, વીઝા જોઈએ, ને બ...ઉ બધા રૂપિયા જોઈએ, જે અત્યારે આપણી પાસે નથી.’
યોગ્ય સમયે સંતાનને સાચો આર્થિક ચિતાર આપવામાં શાણપણ રહેલું છે, ક્યારેક.
‘એટલે તો મેં પહેલાં કહ્યું,
પપ્પા કે મારે ગિફ્ટ આજ ને આજ નથી જોઈતી... તમારી પાસે પૈસાની વ્યવસ્થા થાય ત્યારે અમને લઈ જજો. પણ મારે ડિઝનીલૅન્ડ જવું છે. વિમાનમાં બેસવા મળશે. હું ત્યાં મિકીમાઉસને મળીશ. વાઉ!’
નિનાદની થિ્રલ, તેનું ભોળપણ અને બન્નેના સમન્વય જેવી સમજદારી
‘નિનાદની માગને હું ખોટી જીદ કે ગજા બહારનાં લાડ તરીકે નથી જોતો... ટીવી પર ગીત જોયું ત્યારની તેના દિમાગમાં ડિઝનીલૅન્ડ જવાની ઇચ્છા વળ ખાતી હોવા છતાં તેણે આપણને ગંધ ન આવવા દીધી, બર્થ-ડેના અવસર સુધી રાહ જોઈ ને ગિફ્ટ માગતાં પહેલાં ત્વરિત ન જોઈતી હોવાની ચોખવટ પણ કરવાનું ન ચૂક્યો... દીકરો મોટો થાય છે, સુનયના, તેને તેના બાપનું કદ નાનું નહીં લાગે એ માટે તમામ પ્રયત્નો હું તો કરવાનો. દીકરાને દુનિયા દેખાડવાની હોંશ કયા બાપને ન હોય? નિનાદને હતોત્સાહ કરવાને બદલે ઉત્સાહભેર મારે વધુ કમાવાની ધગશ કેળવવી રહી, શું કહે છે?’
સુનયનાનો પણ એવો જ અભિગમ હતો.
‘હું તમારા દૃષ્ટિકોણથી પૂર્ણપણે સંમત છું. તમે મહિને બે ઓવરટાઇમ વધુ કરવાના રાખો તો મારા ખ્યાલથી નિનાદના ટેન્થના વેકેશનમાં આપણે જરૂર અમેરિકાની યાત્રા માણી શકીએ...’
આવી થોડી નક્કર ગણતરીના આધારે બપોરે ઊઠતાંવેંત નિનાદને તેમણે પ્રૉમિસ કરેલું : તારી દસમાની પરીક્ષા પતે કે તરત આપણે અમેરિકા ફ્લાય કરીશું, એ વખતે તું થોડો મોટો પણ હોઈશ એટલે લાઇફટાઇમ મેમરીમાં પણ રહેશે...
‘આઇ ન્યુ ઇટ!’ નિનાદ ઊછળેલો. સાંજે સ્ટુડિયોમાં ફોટો પડાવી બહાર નીકળતાં તેણે પૂછેલું, ‘હેં પપ્પા, હું દસમામાં ક્યારે આવીશ?’
તેની આતુરતા પર મલકતાં મા-બાપને સ્ાહેજે અંદાજો નહોતો કે દીકરાના માથે કાળ મંડરાઈ રહ્યો છે!
વર્ષગાંઠના બીજા જ મહિનાથી નિનાદની તબિયત અસ્વસ્થ રહેવા લાગી. મામૂલી મનાયેલો તાવ મોટી બીમારીની એંધાણી લઈ પધાર્યો હતો. જાત-જાતની ટેસ્ટ્સ, દવાને અંતે એક્સપર્ટનો ચુકાદો આવી ગયો.
બ્લડ-કૅન્સરનું નિદાન અને છ મહિનાની આવરદાની મહેતલરૂપ બેવડી વીજળીએ માવતરનાં હૈયાં ભસ્મીભૂત કરી નાખ્યાં. કોણ-કોને સંભાળે?
‘મમ્મી, મને નથી ગમતું. તું પહેલાંની જેમ હસતી નથી. કામ છોડી પપ્પા મારી પાસે બેસી રહે છે. આમ ચાલ્યું તો આપણે અમેરિકા કેમ જઈશું?’
હાય રે, હજીયે અમેરિકા જવાનું સમણું પંપાળતા લાડકવાયાને કેમ કહેવું કે તારી તો અનંતયાત્રાની ટિકિટ કપાઈ ચૂકી છે!
‘કંઈક કરો, આતુર. મને ક્યાંકથી ઝેર આણી દો, નિનાદની બિડાતી આંખો હું નહીં જોઈ શકું, મારામાં એટલી હામ નથી.’ રાતના એકાંતમાં દિવસભરની વ્યથા આતુરના ખભે આંસુ બની ઠલવાતી. ‘નિનાદ લેસન બગડ્યાની વાત કરે કે એક્ઝામ્સની ફિકર કરે એ તો ઠીક, અમેરિકા જવાનું ડ્રીમ વાગોળે ત્યારે પીડા અસહ્ય બની જાય છે... ઈશ્વર જેવું કંઈ હોય તો એને જશોદામૈયાની આણ, મારા લાલને આયુષ્ય બક્ષ! માતૃત્વનો મહિમા પણ મૃત્યુને પરાજિત નહીં કરી શકે, આતુર?’
આતુર શું જવાબ આપે? જીવનરેખામાં લખ્યા હોય એટલા જ શ્વાસોની મૂડી લઈ માનવી ધરા પર જન્મ લે છે અને કોને-કેટલા શ્વાસ આપવા એ સર્જનહારનો અબાધિત અધિકાર છે, એમાં માણસમાત્રનું કશું ચાલતું નથી!
‘બીજું તો કંઈ આપણા હાથમાં નથી, સુનયના, પણ જે આપણે કરી શકીએ છીએ એમાં હવે દેર નથી કરવી.’ એક રાતે આતુરે આંસુ ખાળી નર્ધિાર જાહેર કર્યો. એની દૃઢ મુખાકૃતિએ સુનયનાને ચમકાવી, ‘એટલે?’
‘આપણા દીકરાની આરજૂ અધૂરી નહીં રહે... વર્ષગાંઠના દિવસે તેણે માગેલું વચન આપણે પૂરું કરવું રહ્યું! ઍટ ઍની કૉસ્ટ...’ આતુરનાં જડબાં તંગ થયેલાં, ‘વી આર ફ્લાઇંગ ટુ અમેરિકા ઍટ ધ અર્લિયેસ્ટ! જોઈએ તો આપણે વેચાઈ જઈશું, પણ નિનાદના ઓરતા પૂરા કર્યા વિના જંપીશું નહીં. તેની આખરી ઇચ્છા સામે આપણું જીવતર દઈએ તોય ઓછું પડે, બોલ, હું સાચું કહું છેને?’
હંમેશ મુજબ સુનયનાએ પતિને ટેકો આપ્યો હતો, ત્યાં સુધી કે પોતાનાં ઘરેણાં પણ ધરી દીધાં. નિનાદને અલબત્ત, બધું પાકે પાયે થયા પછી જ જાણ કરવાની હતી. પોતાની બીમારી જીવલેણ હોવાનો અહેસાસ તો તેને છેવટ સુધી આવવા દેવાનો નહોતો.
બે-ત્રણ જગ્યાએ તપાસ કરી આતુરે ‘વિશાલ ફ્લાયર્સ’વાળાને અર્જન્ટ પાસર્પોટ કાઢવાનું કામ સોંપ્યું. વીસ દિવસમાં પાસર્પોટની હોમડિલિવરી થતાં હવે અમેરિકાના પ્રવાસ માટે ટ્રાવેલ કંપનીની મદદ લેવાની હતી, જે અનુભવી પણ હોય ને ટૂરિસ્ટ વીઝા સહિતના તમામ ડૉક્યુમેન્ટ્સમાં હથોટી ધરાવતી હોય.
‘યુ ગો ટુ ‘મેઇક માય હૉલિડે’ ટૂર કંપની. સૅટેલાઇટમાં એની ઑફિસ છે. એના ઓનર અનુરાગ શાહ ડાયનૅમિક પર્સન છે. ગયા વરસે તેમણે અમારી શિમલાની ટ્રિપ પ્લાન કરી આપેલી, વિચ વૉઝ સુપર્બ. પાંચેક વરસથી તેઓ આ ફીલ્ડમાં છે, યંગ છે અને અબ્રૉડની ટૂર પણ હૅન્ડલ કરે છે...’ કંપનીના એકાદ કલીગે ચીંધેલા રાહે પોતાને આજે ક્યાં લાવીને મૂકી દીધો!
નિ:શ્વાસ દબાવી આતુરે ફોટોફ્રેમ ફરી પથારી નીચે સંતાડી. વળી પાછો પાઠમાં ઢળવાનો વખત આવી ગયો હતો!
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK