કથા સપ્તાહ - જીવન-મૃત્યુ (ઘાત-આઘાત - ૫)

Published: 21st October, 2011 17:47 IST

અજાણ્યા યુવાનના જમણા હાથની છ આંગળીઓએ તાનિયાનાં દિલ-દિમાગમાં સળવળાટ સર્જી દીધો. મૌનવીના પ્રેમીને પણ છ આંગળાં હતાં... મૌનવીનો પ્રેમી પણ કરોડોમાં આળોટનારો હતો... આને પૅરેલિસિસનો હુમલો મહિના અગાઉ, અર્થાત્ મૌનવીની આત્મહત્યા પછી થયો છે... એ દીદીની કકળતી આંતરડીનો શ્રાપ કેમ ન હોય?

અન્ય ભાગ વાચો

1 | 2 | 3 | 4 | 5

- સમીત (પૂર્વેશ) શ્રોફ


શક્યતા-સમાનતાના ગુણાકારે જુવાન તાનિયાની નજરમાં દીદીનો ગુનેગાર ઠરી ચૂક્યો : જેને કારણે મૌનવીએ મરવું પડે તે સામેથી મોત માગે છે તો શા માટે તેની ઇચ્છા પૂરી ન કરવી! તેણે સાચું જ કહ્યું, અહીં અમને જોનારું કોઈ નથી અને પાપીને સજા દેવાનો હૈયે પસ્તાવો જાગતો નથી!

આગળ વધી તેણે વ્હીલચેરના હાથા પકડ્યા, ત્યાં...

દુનિયામાં હમ આયે હે તો જીના હી પડેગા
જીવન હૈ અગર ઝહર તો પીના હી પડેગા...

લતાનો કંઠ ગુંજ્યો. ઓહ, જુવાનના મોબાઇલનો રિંગટોન! કમાલ છે, મૃત્યુ ઇચ્છતા માણસને જિવાડી દે એવી પંક્તિ શા માટે પસંદ કરવી જોઈએ?

‘તાનિયા, લકવો લાગ્યો ત્યારથી માએ પરાણે આ ટોન મારા સેલફોનમાં મુકાવ્યો છે, છાશવારે મિસ-કૉલ કરી મને યાદ અપાવતી રહે છે કે જીવન ભલે ઝેર જેવું હોય, પીધા વિના છૂટકો નથી...  જીવતરનું ઝેર પી જાણનારા નીલકંઠ ગણાય એવી મારી માની ફિલોસૉફી વિશે તારું શું કહેવું છે, તાનિયા?’

મૃત્યુને મોક્ષ માનતી થયેલી તાનિયા પાસે જવાબ તૈયાર જ હોય,

‘હું તો એટલું જાણું કે મરનારા એ જીવવાની માયા ત્યજી દેવી જોઈએ...’

‘માયા એટલે શું તાનિયા?’

તાનિયાની જાણ બહાર તેનું મન ખોતરાઈ રહ્યું  હતું.

‘સ્વજનો પ્રત્યેનું મમત્વ. એટલે જ માયા એવું તું માનતી હોય તો ઈશ્વર પ્રત્યેની ભક્તિને શું કહીશ? મારી દૃષ્ટિએ તો મૃત્યુ પ્રત્યેનું વળગણ પણ એક પ્રકારની માયા જ થઈ તો એનો ત્યાગ કેમ નહીં?’

તાનિયા ગૂંચવાઈ.

‘આમ તો આપણે કહેતાં હોઈએ છીએ કે જન્મ-મૃત્યુ સર્જનહારના હાથમાં છે. તો શા માટે બન્નેને સમાન સ્તરે ન ચાહ્યાં? જીવનને ઈશ્વરના પ્રસાદરૂપે સ્વીકારીએ ને મૃત્યુને એની સત્તા સમજી નતમસ્તક થઈ જઈએ... મનુષ્યદેહ ધારણ કરવાનું આ જ સારસર્વસ્વ હોવું ઘટે!’

તાનિયા પહેલી વાર પ્રભાવિત થઈ. જીવન-મૃત્યુને સમાન ગણવાની થિયરી ગળે ઊતરી જનારી હતી.

‘આવું બધું મારી મા મને સમજાવતી હોય છે. દીકરાના મનમાં ઘૂંટાતો ઇરાદો મા આંતરચક્ષુથી વાંચી લેતી હશે?’

તાનિયાને પોતાની મા યાદ આવી. તે પણ બીજા શબ્દોમાં મને આવું જ સમજાવતી હોય છેને! મારી સારવાર ખાતર સાઇકિયાટ્રિસ્ટની મદદે લીધી... મૃત્યુની ફેવરમાં રાચતી દીકરીની મા તરીકે તે કેવા ફફડાટમાં જીવતી હશે એ અત્યારે સમજાય છે!

‘જોકે મારે તો મરવું જ છે. આજે જીવતો પાછો નહીં જાઉં એમ ધારી શિખરે આવું છું, પણ ધારે પહોંચી અટકી જવાય છે... શું કામ?’

તાનિયાને પણ ઉત્તર ખપતો હતો.

‘અહીં આવી હું ખીણમાં નજર ફેંકું છું, ને મને પતંગિયાં ઊડતાં દેખાય છે... તળેટીમાં રહીને પણ કેટલો કિલ્લોલ, કેવો આનંદ! સુખ શિખરે જ હોય એવું કોણે કહ્યું? આપણે ધારીએ તો દુ:ખની ખીણમાં પણ મ્હોરી ઊઠીએ, સવાલ માત્ર નજરિયાનો છે, પરિસ્થિતિના સ્વીકારનો છે.’

પતંગિયાની ગતિવિધિનું કેટલું સચોટ અર્થઘટન!

‘પતંગિયા પરથી મારી નજર આકાશ પર ખોડાય છે... થોડી વારમાં સંધ્યા જામશે, રાત આવશે... બસ, આ રાત વીતી જવા જેટલી આશ હૈયે હોવી જોઈએ, તાનિયા, તો કુદરતે દરેક રાત્રિને સવાર આપવાનો ક્રમ વિના અપવાદે જાળવ્યો જ છે! જીવનમાં આશાનો ધબકાર છે, તાનિયા, ધબકતું રહે એ જીવન.’

તાનિયાની સમજદારી ખૂલતી હતી, વિકસતી હતી, જૂનાં જાળાં ખંખેરાઈ વિચારોમાં સ્વચ્છતા પ્રવેશતી હતી.

‘કોને ખબર, કાલે પૅરેલિસિસનો ઇલાજ શોધાય, હું ફરી ચાલતો-દોડતો થઈ જાઉં...’

(કાશ! મૌનવીએ પણ આમ વિચાર્યું હોત... મનના માનેલા પુરુષના હૃદયપરિવર્તનની આશા પંપાળી હોત, એ દિશામાં પ્રયત્નો આદર્યા હોત... આવતી કાલને ચાન્સ આપ્યા વિના બાજી સમેટવામાં નરી નાદાની છે!)

‘મૃત્યુ મહાન છે, તાનિયા, એ કાળધર્મ છે. કાળને કાળનું કામ કરવા દઈએ, એની સર્વોપરિતાને પડકાર્યા વિના આપણે જીવનધર્મ નિભાવીએ...’

તાનિયાની ભીતર બાઝેલો મૃત્યુનો મેરુ ચળી રહ્યો હતો.

‘મારું જ્ઞાન, મારી સમજ મને પડતું મૂકતાં રોકે છે, એટલે તને વીનવું છું, તાનિયા...’ તેણે હાથ જોડ્યા, ‘બસ, એક ધક્કો દઈ દે...’

હેં! આ માણસ હજીયે...

‘જુઓ તમે...’

‘અનુરાગ.’

‘અનુરાગ!’ તાનિયાએ તક ઝડપી, ‘તમારી સિક્સ્થ ફિંગરને કારણે મને તો હૃતિક યાદ આવી ગયો.’

ધ્યાનથી અનુરાગના હાવભાવ નિહાળતી તાનિયાને થયું, પોતાનો વાર ખાલી ગયો... હૃતિકના ઉલ્લેખની કોઈ અસર અનુરાગ પર ન થઈ. શું આ મૌનવીનો પ્રેમી નહીં હોય? ઓહ ગૉડ, માત્ર છઠ્ઠી આંગળીની સામ્યતાને કારણે હું અનુરાગને ધક્કો દઈ દેત તો કેવો અનર્થ સર્જાઈ જાત!

અનર્થ નહીં થયાનો અર્થ શું? તાનિયાએ ખુદને પૂછ્યું

-એ જ કે માનવીની પહોંચ બ્હાર કોઈક એવી અગમ્ય શક્તિ છે, જેને ઈશ્વર કહો, ભાગ્ય કહો કે નિયતિ, એ ન્હોતી ઇચ્છતી કે અનુરાગ આજે, આ પળે, ખીણમાં પડી મૃત્યુ પામે... તો પછી જેની દોર આપણા હાથમાં જ નથી એ મૃત્યુનો મોહ કે ઓથાર શું કામ? અને જે આપણને મળ્યું છે એ જીવન પ્રત્યે અભાવ કે અણગમો શાને?

‘ક્યાં ખોવાઈ, તાનિયા? જલ્દી કર; જો, સૂરજદેવ પણ ડૂબી રહ્યા છે, તું મારી જિંદગીને પણ ડુબાડી દે.’

અનુરાગના સ્વરમાં કાકલૂદી હતી, સાથે આજ્ઞાનો રણકો પણ હતો. તાનિયા માટે હવે ફક્ત એક કસોટી બાકી રહેતી હતી.

‘અનુરાગ, મૌનવી યાદ છે?’

‘મૌનવી? તાનિયા, મેં મૌનીબાબા વિશે સાંભળ્યું છે.’

તાનિયા મલકી પડી,

‘મને લાગ્યું જ. તમે દીદીના હૃતિક હોઈ જ ન શકો.’

‘એટલે?’

‘એ બહુ લાંબી સ્ટોરી છે, અનુરાગ, કૉટેજના વરંડામાં બેસીને સાંભળીએ?’

અનુરાગના ચહેરા પર ઘેલછા પ્રગટી,

‘હું તો આજે જીવતો નથી જવાનો, તાનિયા...’

‘ અને હું તમને મરવા નથી દેવાની.’ તાનિયાના સ્વરમાં સહેજે દ્વિધા ન્હોતી. ભીતરનો મેરુ ધ્વસ્ત થઈ ચૂક્યો હતો; તેની સંવેદનાને નવો આયામ સાંપડી ચૂક્યો.

‘માય ફેર લેડી, મેં એક પુશ માગ્યો છે, ઉપદેશ નહીં.’

‘મને લેક્ચરની ફાવટ પણ નથી, મહાશય.’ વ્હીલચૅરના હાથા પકડી તેણે પગદંડી તરફ ઘુમાવી.

‘ડાહ્યા છોકરાની જેમ નીચે ચાલો, આજનું મુરત પણ શુભ નથી મરવા માટે.’

કેટલો ફરક હતો ટેકરી પર આવેલી ને ટેકરીએથી ઊતરતી તાનિયામાં- મૃત્યુ અને જીવનમાં હોય એવો!

‘હં! પુરુષ આગળ એક સ્ત્રી ધાર્યું કરી જાય એનાથી વિશેષ નીચાજોણું શું હોય મારી મરદાનગી માટે?’

અનુરાગે ખોળામાં મુઠ્ઠી પછાડી, ‘પણ તું રોજ ઓછી મને બચાવવા આવવાની!’

તાનિયા કંઈ ન બોલી છતાં અનુરાગને મૃત્યુના પંથેથી વાળવાનો સંકલ્પ તો હૈયે ઘૂંટાઈ જ ગયો.

* * *

પછી તો તાનિયાની સવાર, બપોર, સાંજ પડખેના ક્વાર્ટરમાં ઊતરેલા અનુરાગની કંપનીમાં વીતવા માંડી. ઉત્તમ સાહિત્યકારોના જીવન વિશેના વિચારો કહેતી, પ્રેરણાદાયી ગીતોની ચર્ચા માંડતી, સ્વર્ગ-નર્ક, પુરાણકથાનો હેવાલ દઈ સમજાવતી કે આત્મહત્યા કરનારને મર્યા પછીયે તૃપ્તિ નથી મળતી... તેનું દરેક વાક્ય જીવન માણવા પ્રેરતું, તેની વર્તણૂકમાં જીવન ધબકતું. અનુરાગને દેવાતી શિખામણ તેના ખુદના હૈયે પથ્થરની લકીરની જેમ અંકાતી. અરે, ફોન કરી ડૉ. દાસાણીની સલાહ પણ માગતી. વિઠ્ઠલભાઈને કહેતી, ‘પપ્પા, તમારા મનોચિકિત્સક ડૉક્ટરનું કામ હું કરું છું અને જાણો છો, મારી સારવારનો પોઝિટિવ રિસ્પૉન્સ પણ મળી રહ્યો છે!’

સામા છેડે પિતાની આંખો હરખથી ભીની થઈ જતી.

* * *

‘બહેન સાપ...’

હજી તો સવારની ચા પિવાઈ રહે ત્યાં કંચનની બૂમાબૂમે કૉટેજ કૅમ્પસમાં હો-હા મચાવી દીધી. આમ તો ડુંગરાળ વિસ્તારમાં સાપ-વીંછીની નવાઈ ન હોય, પણ જોવા ન ટેવાયેલા શહેરીઓને તો આઘાત લાગે જને! સપેરો આવ્યો, સાપને ટોકરીમાં પકડી લઈ ગયો ત્યારે સૌ એની ચર્ચા કરતાં છૂટા પડ્યા.

‘પછી મળીએ અનુરાગ’ કહેતી તાનિયા અટકી. દિમાગને ઝાટકો લાગ્યો. આ બધી દોડધામમાં ધ્યાન બહાર રહેલી બીના અત્યારે ઝબકી.

અનુરાગ વ્હીલચેર વિના પોતાના પગ પર ઊભો હતો!

* * *

વળી પાછી એ જ ટેકરી, વળી પાછી ખીલતી સંધ્યા ને પાત્રો પણ એ જ... હા, પાત્રોનો મિજાજ થોડો જુદો છે.

‘આઇ ઍમ સૉરી, તાની.’

‘હું તમારી સાથે નથી બોલતી, ડૉ. અનુરાગ મહેતા - લંડન-રિટર્ન સાઇકિયાટ્રિસ્ટસાહેબ.’ તાનિયાની રીસ જોકે ઉપરછલ્લી હતી. માનવામાં ન આવે એવો ચમત્કાર પોતાની સાથે બન્યો એનો હરખ હોવા છતાં રોષની બનાવટ ચાલુ રાખી, ‘તમે મને મૂરખ બનાવી. પાછી મારા ઘરનાએ, ચિબાયેલી કંચને તમને સાથ આપ્યો અને સહાયકને પ્રણયમાં મદદરૂપ થવાનો કારસો ઘડ્યો. ડૉ. દાસાણીએ!’

તાનિયાના વિધાનમાં તથ્ય હતું. અનુરાગની કઝિન ત્રિશલા તાનિયાની સહાધ્યાયી હતી. કૉલેજના ફંક્શનમાં તાનિયાને નિહાળી અનુરાગને પ્રથમ દૃષ્ટિનો પ્રેમ જાગ્યો. એનાં થોડાં જ પખવાડિયાંમાં તાનિયાને ક્લિનિકમાંથી નીકળતી જોઈ, લંડનથી ડિગ્રી લઈ,

ડૉ. દાસાણીના અસિસ્ટન્ટ તરીકે જોડાયેલા અનુરાગે વિનાસંકોચે દાસાણીને કહી દીધું, ‘આઇ લવ હર.’ બસ, પછી તો પિતાતુલ્ય મયૂરભાઈએ મધ્યસ્થી કરી વિઠ્ઠલભાઈને વાકેફ કર્યા. ગુણસુંદરીબહેનની સલાહ લેવાઈ અને... બાકીનું કામ મહાબળેશ્વરની ખૂબસૂરતીએ પૂરું કર્યું.

‘મારું લકવા પેશન્ટ તરીકે ગોઠવાવું તારી ટ્રીટમેન્ટના ભાગરૂપે હતું, તાનિયા... પોતાનું શીખેલું માણસ કદી ભૂલતો નથી. મને સારવાર આપી ખરેખર તો તું સારવાર મેળવી રહી હતી; તાનિયા, એ હતી અમારી લાઇન ઑફ ટ્રીટમેન્ટ.’

‘જાણો છો - કેટલી જોખમી ટ્રીટમેન્ટ હતી? તમારી છ આંગળીના પ્રતાપે હું તમને મૌનવીનો પ્રેમી ધારી સાચે જ ધક્કો દઈ દેત તો.’

‘તો? પ્રેયસીના હાથે મળેલું મોત પણ મને વ્ાહાલું લાગ્યું હોત!’

તાનિયા લજાઈ, મહાબળેશ્વરના સહવાસમાં અનુરાગ આમેય ગમવા લાગ્યો હતો. પ્રેમની કૂંપળ તેના હૈયે પણ ફૂટી ચૂકી. પ્રણયમગ્ન બે આકાર એક થયા ત્યારે સૂરજે પ્ાહાડી પાછળ પડતું મૂકી દીધું.

* * *

કૉલેજના પ્રોફેસર ડૉ. પંડ્યાના અણધાર્યા અવસાને તાનિયાને હચમચાવી, પોતે કદી કોઈને મૃત્યુ પામતાં જોયા ન હોવાનું કહેતાં મૌનવીએ આપઘાત વેળા તાનિયાને હાજર રાખી મોતનો સાક્ષાત્કાર કરાવતાં સંવેદનશીલ તાનિયા મૃત્યુના મહિમામાં રાચવા લાગી. આત્મહત્યાની એ પૂર્વનિશાની કહેવાય... તેની સારવારમાં અપંગનો રોલ ભજવી અનુરાગે જીવનની ફિલસૂફી સમજાવી, તાનિયા જીવનના રસ્તે પાછી વળી ને પછી તો, પિયુને પણ પામી...

હવે તે અનુરાગમય છે... જીવન-મૃત્યુ વિશે વિચારવાની ફુરસદ કોને છે!

હા, દિલ્હી-આગ્રાના હનીમૂન વખતે ચંડીગઢ જઈ મૌનવીની ફૅમિલીના ખબરઅંતર કાઢવાનું ન ચૂકી. મૌનવીની એક બ્ાહેને ટ્યુશન શરૂ કયાર઼્ હતાં, બીજી મંેદીના ક્લાસ ચલાવતી, ત્રીજી માને ટિફિન-સર્વિસમાં મદદરૂપ થતી.

‘ઈશ્વર સૌને સંભાળી લે છે. ત્યાં મારી મૌનવીને પણ તેણે સંભાળી જ હશે...’ માજીની આસ્થામાં શ્રદ્ધાનો રણકો હતો.

‘માજી, તમને મૌનવીના દગાબાજ પ્રેમી પ્રત્યે આક્રોશ નથી? તમે તેની તપાસ કરી?’

ત્યારે ફરી માજીએ આકાશ તરફ આંગળી ચીંધી, ‘બધું એના પર છોડ્યું!’

હોટેલ રિટર્ન થતી વેળા તાનિયાનું અંતર સ્ાહેજ બોઝિલ હતું. ‘અનુરાગ, મૌનવીના પ્રેમીને આપણે શોધી ન શકીએ? દીદી કઈ કંપનીમાં કામ કરતી’તી એ ખબર હોત તો...’

‘જાણીને આપણે કરી પણ શું શકવાનાં, તાની? અને જેમાં આપણે કંઈ કરી શકીએ એમ ન હોઈએ એનો હવાલો ઈશ્વરને આપવામાં જ શાણપણ છે. તું એટલું યાદ રાખ, પાપનો ઘડો ફૂટ્યા વિના નથી રહેતો!’

* * *


‘વોય રે!’ ચીસ નાખતાં તેની માંજરી આંખો મીંચાઈ, જાંઘના મૂળમાં દબાયેલી છ આંગળીવાળી હથેળી લોહીભીની થઈ. એનાથી વસમી પીડા જોકે પુરુષાતન વઢાયાની હતી.

‘તારી ફિતરત હું જાણી ચૂકી છું... કંઈકેટલીય કળીને તું મસળી ચૂક્યો છે! પણ હું બીજી સ્ત્રીઓની જેમ હાર માનનારી નથી; મારી લાગણી સાથે રમત રમનારને મેં ભોગવટા માટે સક્ષમ રહેવા દીધો નથી, તારા જેવા કામીની આ જ સજા હોય! જોરથી થૂંકી તે વીરાંગના હોટેલરૂમની બહાર નીકળી ગઈ.

પુરુષને મળેલી સજામાં મૌનવીની બદદુઆઓનો ફાળો નહીં હોય એમ કોણ કહેશે?

અને હા, તાનિયા મળે તો એટલું કહેજો કે પાપનો ઘડો ફૂટી ચૂક્યો છે!

(સમાપ્ત)


અન્ય ભાગ વાચો

1 | 2 | 3 | 4 | 5

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK