અન્ય ભાગ વાચો
સમીત (પૂર્વેશ) શ્રોફ
‘તાનિયાનું કંઈક કરવું જોઈએ...’
‘કાગળ લખવાને બદલે દીદીએ મને ત્યારે જ મોઢામોઢ તેમનું દર્દ સંભળાવ્યું હોત તો હું તેમને સમજાવત કે પ્રણયમાં ધોકો મળ્યાના મોલ પ્રાણ દઈને ન ચૂકવવાના હોય... તમારે તો છડેચોક તે પુરુષને પડકારવો જોઈએ, સંતાનને જન્મ આપી તેના હક માટે લડવું જોઈએ... આટલું કહી તાનિયા પોતે જ સઢ બદલતી, ‘જોકે એક જિંદગીમાં માણસ કેટકેટલા મોરચે લડે! ક્યાં સુધી લડે? મૃત્યુમાં દીદીએ છુટકારો જોયો... અનંતયાત્રા ક્યારેક તો આરંભાવાની જ હતી, દીદીએ વહેલો છેડો ફાડ્યો એટલું જને! મરવા માટેય હિંમત જોઈએ... જીવન સંઘર્ષનું બીજું નામ છે, જ્યારે મોતને પામવા સંઘર્ષની જરૂર નથી, રસ્સી પર લટક્યા કે ખેલ ખતમ!
‘મૃત્યુના સાક્ષાત્કારે તાનિયાની મતિ મૂંઝવી દીધી છે,’ વિઠ્ઠલભાઈએ સંમતિ પુરાવી, ‘એમાંય મૌનવીના આપઘાતે જીવનથી વિશેષ મહિમા મોતનો લાગે છે, જે વિચારસરણી ખોટી ગણાય.’
‘હું ઘણી વાર તેને લઈ હીંચકે બેસું છું. મહાપુરુષોનાં ઉદાહરણ આપી આડકતરી રીતે જીવનનું માહાત્મ્ય સમજાવું છું, પણ લાગે છે કે માત્ર ઉપદેશથી વાત નહીં વળે...’
ગુણસુંદરીબહેનની ચિંતા વ્ાાજબી હતી. જીવનથી મૃત્યુને મહાન ગણનારી વ્યક્તિ કોઈક નબળી ક્ષણે મોતને પામવા અધીરી બની તો... થથરી જવાયું તેમનાથી.
‘તાનિયાના ડહાપણમાં મને વિશ્વાસ છે. સ્વભાવે સંવેદનશીલ છે એટલે મૌનવીને બચાવી ન શક્યાનું દરદ પણ તેને પજવતું હશે. છોકરી બહુ એકાકી બનતી જાય છે... મૃત્યુનું ખેંચાણ તેને વૈરાગી તો નહીં બનાવી દેને?’
‘આમાં મૌનવીનો વાંક પણ ઓછો નથી...’ માનો જીવ બોલી ઊઠ્યો, ‘તાનિયાની નજર સામે મરવાની શી જરૂર હતી! બિચારી મારી દીકરી કેવી હેબતાઈ ગઈ છે!’
‘આને પણ મરનારનો તરંગ જ ગણી શકાય, સુંદર... બાકી મૌનવીની વ્યથા ઓછી દુ:ખદાયક નથી. તે છોકરીએ શું સુખ જોયું?’
ગુણસુંદરીબહેને નિ:શ્વાસ નાખ્યો. તાનિયાને કૉલેજથી મૂકવા કે મળવા ક્વચિત ઘરે આવતી મૌનવી સુશીલ-સંસ્કારી જણાયેલી... મુંબઈ શહેરમાં એકલી રહેવાની ખુમારી દાખવનારી પુરુષની રમતે ભાંગી પડી... બિચારી!
‘દીકરી મૃત્યુના વમળમાં ઊંડી
ઊતરે એ પહેલાં તેને બહાર ખેંચી લો, વિઠ્ઠલ નહીંતર...’
અને વળતી સવારે વિઠ્ઠલભાઈએ સાઇકિયાટ્રિસ્ટ મયૂર દાસાણીની અપૉઇન્ટમેન્ટ મેળવી લીધી.
* * *
‘મન કન્સલ્ટિંગ ક્લિનિક’નું પાટિયું વાંચી તાનિયાનાં નેત્રો પહોળાં થયાં, ‘આ તમે મને ક્યાં લઈ આવ્યા પપ્પા! તમે તો કોઈ યોગીને ત્યાં લઈ જવાના હતાને...’
‘ડૉક્ટર પણ એક અર્થમાં યોગી જ કહેવાય.’
‘પણ આ ડૉક્ટર તો મનોચિકિત્સક
છે - ઓહ, પપ્પા તમને તો કંઈ...’
વિઠ્ઠલભાઈએ ધીરજથી કામ લીધું. તાનિયા આનાકાની ન કરે એટલા ખાતર તો જૂઠનો આશરો લઈ પોતે તેને અહીં લાવ્યા. મનની સારવાર માટે માનવી ઝટ તૈયાર નથી થતો, કેમ કે પોતાનું મગજ બગડ્યાનું કોઈને કદી નથી લાગતું!
‘આપણે તારી ટ્રીટમેન્ટ માટે આવ્યા છીએ, તાનિયા.’
‘મને શું થયું છે?’ ધાર્યા મુજબ તાનિયાએ નારાજગી જતાવી, ‘હું કંઈ ગાંડી થઈ ગઈ છું?’
‘વેલ... એ તો ડૉક્ટર જ કહેશે!’ વિઠ્ઠલભાઈ હસ્યા, પછી તાનિયાના માથે લાગણીથી હાથ મૂક્યો, ‘બેટા મારામાં વિશ્વાસ છેને?’
આ એક પ્રશ્ને તાનિયાનો રોષ, નારાજગી ઓસરી ગયાં.
* * *
પ્રૌઢ વયના ડૉ. દાસાણી જોડેની પહેલી બે સેશન બહુ ઇઝી રહી. ક્લિનિકનું વાતાવરણ, ડૉક્ટરની બોલી પ્લેઝન્ટ લાગતી. ચિત્તને આનંદમાં રાખતી દવાના નાનકડા ડોઝ પછી તાનિયા પહેલાંની જેમ ઉદાસ, એકલી, ગુમસૂમ રહેતી નહોતી એનો મા-બાપને આનંદ હતો.
‘વિઠ્ઠલભાઈ...’ ત્રીજા વીકની ત્રીજી બેઠક પછી તાનિયાને બહાર મોકલી
ડૉ. દાસાણીએ ગંભીર વદને ચર્ચા છેડી, ‘દીકરીને સાઇકિયાટ્રિસ્ટ પાસે લઈ આવવાની તમારી હિંમતને દાદ દઉં છું, ઘણા પેરન્ટ્સ વગોવણીની બીકે આ તબક્કો ટાળતા હોય છે, જે છેવટે તો વધુ નુકસાનકારક નીવડે છે. મેં શરૂથી કહ્યું એમ તાનિયાનો કેસ કોમ્પલિકેટેડ નથી જ.’
‘જી, આપની દવાથી ખાસ્સો ફેર છે.’
‘પરંતુ એ ફેર ઉપરછલ્લો છે વિઠ્ઠલભાઈ. દવા લેશે ત્યાં સુધી ફેર રહેશે અને આખી જિંદગી કંઈ દવા લઈ શકાય નહીં... મૂળ તો આપણે તાનિયાની માનસિકતા બદલવાની છે.’
‘જી...’ વિઠ્ઠલભાઈએ હોંકારો પૂર્યો. ડૉ. દાસાણી એરિયાના બેસ્ટ મનોચિકિત્સક ગણાતા. તેમની લાઇન ઑફ ટ્રીટમેન્ટ અસરદાર જ નીવડવાની.
‘તમે જોયું હશે. હું તાનિયાને અમુક ઑપિનિયન-બેઝ્ડ પ્રશ્નો પૂછું છું, તેની ટેસ્ટ લઉં છું - આ બધાનો નિષ્કર્ષ એટલું જ સૂચવે છે કે આપણે મૂળ મકસદથી જોજનો દૂર છીએ. તાનિયા માટે આજેય મૃત્યુ જીવનથી મહાન છે.’
‘ઓહ.’
‘તમારાં વાઇફનો દૃષ્ટિકોણ સાચો છે, માત્ર ઉપદેશથી સુધારો નહીં આવે, જીવનનું મહત્વ તાનિયાને પ્રૅક્ટિકલી સમજાવવું પડશે... એ માટે પહેલાં તો તાનિયાના મનને ડાયવર્ટ કરવું ઘટે. નાતાલ આવે છે. તમે તેને કોઈ હિલસ્ટેશને શા માટે નથી મોકલતા? નિસર્ગના સાંનિધ્યમાં તેને જીવન પ્રત્યે અનુરાગ જન્મેય ખરો!’
તેમની ચર્ચા બીજો અડધો કલાક ચાલી. વિઠ્ઠલભાઈએ ફોન જોડી પત્નીનો અભિપ્રાય પણ માગ્યો. છેવટે નક્કી થયું કે તાનિયા માટે ડૉક્ટરસાહેબે વિચારેલી ટ્રીટમેન્ટ યોગ્ય જ છે, તેને તેમના સૂચન મુજબ આપણા બદલે વિશ્વાસુ આયા કંચન જ તેની સાથે મહાબળેશ્વર જાય એ વધુ હિતાવહ છે!
અંદર આવો તખ્તો ગોઠવાતો હતો ત્યારે રિસેપ્શનમાં બેઠેલી તાનિયા અકળાતી હતી : મને બહાર ધકેલી ડૉક્ટર પપ્પાને શી પટ્ટી પઢાવતા હશે? હવે તો મને સારું છે. કૉલેજ જાઉં છું, અભ્યાસમાં નિયમિત છું... ડૉક્ટર્સની તો આદત છે શ્રીમંત પેશન્ટ્સને ખંખેરવાની!
ત્યાં પિતા બહાર નીકળ્યા. તેમને ખુશહાલ ભાળી તાનિયાને ધરપત થઈ. બાપ-દીકરી પૅસેજ વટાવી પગથિયે વળતાં તાનિયાને યાદ આવ્યું - અરે, હું પર્સ ભૂલી ગઈ! પપ્પા, તમે નીચે જઈ કાર કાઢો, હું હમણાં આવી...
પર્સ લઈને ઉતાવળે પગથિયાં કુદાવતી તાનિયા કોઈની સાથે અથડાઈ પડી. ‘સૉરી’ કહી, સામી વ્યક્તિ પર ઝાઝું લક્ષ્ય આપ્યા વિના તે બાકીનાં પગથિયાં ઊતરી ગઈ.
સમય કાઢી, પાછું વળી તેણે જોયું હોત તો અત્યંત સોહામણો દેખાતો જુવાન આછું મલકતો દેખાત... જોકે તેના જમણા હાથે છ આંગળી જોઈ તાનિયાએ શું વિચાર્યું હોત?
* * *
પોતાને મહાબળેશ્વર ધકેલવાની મા-બાપની ઉતાવળ કહો કે ઉમળકો, તાનિયાની સમજ બહાર હતો. પપ્પાએ વ્યાપારની વ્યસ્તતાનું બહાનું કાઢ્યું. માએ ઉરવની પરીક્ષાને કારણે ન આવી શકવાની લાચારી જતાવી, પણ મારે તો નાતાલ વેકેશનમાં ક્યાંક ફરવા જવું જ એવો દૃઢાગ્રહ બેમાંથી કોઈએ ત્યજ્યો નહીં!
‘ડૉ. દાસાણીની પણ સલાહ છે, તાનિયા આઉટિંગનો ચેન્જ તારા માટે પૉઝિટિવ રહેશે. ખરેખર તો તેમણે તને એકલી મોકલવા કહ્યું છે, પણ અમારો જીવ નથી માનતો એટલે કંચન તારા ભેગી આવશે.’
ઘરની આખા દિવસની આયા કંચન આમ તો તાનિયાની હમઉમ્ર જેવી હતી અને તેની માતાના સમયથી ઘરે આવતી-જતી એટલે વિશ્વાસુ પણ ખરી.
‘એમ કહોને આ બધું મારી ટ્રીટમેન્ટના ભાગરૂપે થાય છે! મા, મને કશું નથી, ડૉક્ટર કાગનો વાઘ કરે છે.’
‘જાણું છું બેટા, બસ. આ એક વખત તેમની સલાહ માની લે...’
ત્યારે આનાકાની પડતી મૂકી તાનિયાએ સંમતિ દર્શાવી. મહાબળેશ્વર તો આમેય તેનું માનીતું હિલસ્ટેશન.
બીજા સંજોગોમાં દીદી એકલી ફરવા જાય એ સામે ઉરવે વિરોધ નોંધાવ્યો હોત, પણ માએ તેને સમજાવી દીધો હશે... બસ મહાબળેશ્વર તરફ ધપતી હતી, પણ મનથી મુંબઈ છૂટતું નહોતું.
‘બહેન જુઓ તો... કેવા ઊંચા પહાડ! કેવી લીલીછમ લીલોતરી...’
પર્વતનો ઢાળ ચઢતી બસમાંથી પ્રવાસીઓને ધરવ થાય એવાં મનોહર દૃશ્યો જોવા મળે છે. કુદરતના ખોળે જતો માનવી પોતાનાં નિજ દુ:ખદર્દો ભૂલી જાય એમ તાનિયાએ બારીમાંથી નજર ફેરવી.
ચિત્તમાં શાતા પ્રસરાવી દેનારું વાતાવરણ હતું. ઊગતી સવારની મીઠી મ્ાહેક, આભમાં વહેતાં શ્વેત વાદળ, મંદ પવનનમાં ડોલતાં વૃક્ષપર્ણો, પહાડની ઓથેથી ડોકિયું કરતો સૂરજ... આમ જુઓ તો બધું નિર્જીવ, છતાં કેટલું જીવંત!
એકાએક મનને સારું લાગવા માંડ્યું ત્યાં...
નજર ખીણ તરફ વળતાં થયું, બસ પલ્ાટી મારી ખાઈમાં પડી તો અમે સૌ સાગમટે મૃત્યુને પામી શકીએ, માટી માટીમાં ભળી મહેકી ઊઠે, કુદરતના અદ્ભુત કૅન્વાસનો અમે અનિવાર્ય હિસ્સો બની જઈએ... ઓહ, જીવનમાં ક્ષણભંગુરતા છે, જ્યારે મૃત્યુ શાશ્વત છે!
* * *
હિલસ્ટેશન માટે વિન્ટર આમ તો ઑફ-સીઝન ગણાય, પરંતુ નાતાલ અને યરએન્ડિંગના બેવડા પ્રસંગને કારણે ડિસેમ્બરના અંત ભાગમાં સહેલાણીઓનો ધસારો રહેતો જ હોય છે. કદાચ એટલે જ સિટીમાં બુકિંગ નહીં મળતાં પપ્પાએ ભીડથી અલાયદો આવાસ શોધ્યો હશે... ‘ગણેશ કૉટેજ’ના પ્રવેશદ્વારે ઊભી તાનિયાને પહેલી નજરે રહેણાક ગમ્યું.
શહેરથી દૂર પંચગીનીને રસ્તે, નાનકડી ટેકરી પર આઠ-દસ જેટલાં બેઠા ઘાટનાં ક્વૉર્ટર્સનો સમૂહ હતો. ટીવી, ફ્રિજ, એસીની સગવડ સાથેના રૂમ્સ વૈભવી હતા. કૉટેજની રેસ્ટોરાંમાં પીરસાતું ખાણું લાજવાબ હતું. બધાં કૉટેજીસ બુક હોવા છતાં જરા સરખોય ઘોંઘાટ નહીં... દૂર-દૂર સુધી માણવી ગમે એવી એકલતા, ચોગાન બહાર ટેકરીની ટોચે લઈ જતી પગદંડી ક્યાં અદૃશ્ય થઈ જાય એ કળાય નહીં એવી ગાઢ વનરાજી.
તાનિયાને વાદી પોકારતી જણાઈ. અહીં ક્યાંક ખોવાઈ જવાના ઉન્માદમાં સાંજની વેળાએ પેલી પગદંડી ખૂંદવા લાગી. તેણે જોકે માન્યું એમ યાત્રાનો થાક ઉતારતી કંચન ઊંઘમાં નહોતી... તાનિયાના નીકળતાં જ ગુણસુંદરીબાએ પઢાવેલી ડ્યુટી નિભાવવામાં જોતરાઈ ગઈ હતી!
* * *
આહા!
ટેકરીના શિખરે પહોંચતો આદમી અભિભૂત થયા વિના ન રહે એવું નયનરમ્ય દૃશ્ય હતું. જમણી તરફ પર્વતની શિરા પરથી ખાબકતું ઝરણું, સામે ઊંડી ખીણ, ડાબે શિવમંદિરની ફરફરતી ધજા... ચોતરફ સન્નાટો. અરે, સ્ાહેજ નીચે આવેલાં કૉટેજીસનો તો અણસારે ન આવે.
‘ઝિંદગી તો બેવફા હૈ, એક
દિન ઠુકરાએગી...’
નીરવતામાં ગુંજતી કડીએ તાનિયાને ભડકાવી. હળવેથી અવાજની દિશામાં નજર ફેરવી તો ચોંકી જવાયું. પોતે શિખર પર એકલી ન્ાહોતી... થોડે દૂર પર્વતની ધારે, વ્હીલચેર પર બેઠેલો જુવાન આંખો મીંચી લલકારતો હતો. દબાતાં પગલે તાનિયા તેની તરફ વધી. વૃક્ષોની આડશને કારણે પહેલાં મારું તેના પર ધ્યાન નહીં ગયું હોય...
‘મૌત મહેબૂબા હૈ અપને સાથ લેકે જાએગી...’
અત્યંત સોહામણા દેખાતા જુવાનના કંઠનું દર્દ તાનિયાને પોતીકું લાગ્યું. આપોઆપ તે પૂછી બેઠી, ‘બહુ દુ:ખી જણાવ છો.’
જુવાન ચોંક્યો : ‘તમે...’
‘હું તાનિયા. મુંબઈથી આવી છું.’ તાનિયા બોલી, ‘તમે હમણાં ગાયું એમ મોત મને પણ જિંદગીથી વધુ વફાદાર લાગે છે.’
‘હં!’ જુવાન ફિક્કું હસ્યો.’ આખી જિંદગી હું તો જુદા જ દૃષ્ટિકોણથી જીવ્યો. જિંદગી મને ખૂબસૂરત લાગતી, મેઘધનુષથી સભર, મોતનો તો એક જ રંગ - કાળો! બહુ ઝઝૂમ્યો હું, શૂન્યમાંથી સર્જન કરી કરોડો બનાવ્યા, પણ મહિના અગાઉ પક્ષઘાતના હુમલામાં ઘૂંટણ નીચેના પગ સાવ જ નકામા થતાં હામ હારી ગયો છું... કોઈની દયા પર, બિચારા બની મારે નથી જીવવું. એટલે તો મુંબઈથી ભાગતો ફરું છું. બે દિવસથી રોજ અહીં આવી બેસું છું, મૃત્યુમાં મારો છુટકારો છે અને એ અહીંથી પડતું મૂકવા જેટલું જ દૂર છે! પણ બસ, પડતું મુકાતું નથી... જાણે કઈ જિજીવિષાએ?’
તાનિયાએ આંખોથી હમદર્દી જતાવી.
‘તાનિયા, તમે મને મદદ કરી શકો...’ જુવાને હાથ જોડ્યા, ‘જીવન-મૃત્યુની સંધિએ ઊભેલા મને એક ધક્કો દઈ દો... નાલેશીભર્યા જીવનમાંથી મુક્ત કરી, મૃત્યુની ગોદમાં પોઢાડી દો... અહીં કોઈ જોનારું નથી, મારી મરજીનું મોત આપી તમે કોઈ ગુનો કરતાં નથી...’ વચન માગવાની ઢબે તેણે જમણો હાથ લંબાવ્યો, આટલું કરશોને તાનિયા?’
તાનિયા શું બોલે? જુવાનના હાથમાં છ આંગળીની ગણતરીએ તેના ચિત્તમાં ઝંઝાવાત જાગી ચૂક્યો હતો. હોઠ ભીડી તેણે વ્હીલચૅરના હાથા પકડ્યા.
(આવતી કાલે સમાપ્ત)
અન્ય ભાગ વાચો
બૉડી બનાવવા વપરાતાં ફૂડ-સપ્લિમેન્ટ્સનો ભેળસેળવાળો જથ્થો જપ્ત
25th February, 2021 09:06 ISTસ્કૂલની હૉસ્ટેલમાં રહેતા 229 વિદ્યાર્થીઓ કોરોના-પૉઝિટિવ
25th February, 2021 09:06 ISTપોલીસ-સ્ટેશનમાં પચાસ ટકાની હાજરીનો આદેશ કેટલો વાજબી?
25th February, 2021 09:06 ISTઑડિયો-ક્લિપ અને પૂજા ચવાણ સાથેના ફોટો વાઇરલ થતાં સંજય રાઠોડની મુશ્કેલીઓ વધી
25th February, 2021 09:05 IST