કથા સપ્તાહ - જીવન-મૃત્યુ (ઘાત-આઘાત - ૩)

Published: 19th October, 2011 20:11 IST

‘જોકે ભાડાની રૂમ ઘર ઓછું ગણાય? ઘર તો એ જ્યાં મા હોય, નાની બહેનો હોય...’ મૌનવીએ ડોક ધુણાવી, ‘ના, ના... અત્યારે તેમને યાદ કરી મારે સેન્ટિમેન્ટલ નથી થવું. બપોરના ચાર વાગવાનો મારો સમય થઈ ચૂક્યો.’ તેણે ઝડપથી સુધાર્યું, ‘આઇ મીન, ચાનો સમય થયો.’અન્ય ભાગ વાચો

1 | 2 | 3

સમીત (પૂર્વેશ) શ્રોફ

‘હોમ, ઍટ લાસ્ટ!’

હૉસ્ટેલની રૂમમાં દાખલ થઈ, પંખો ચાલુ કરી મૌનવીએ પથારીમાં પડતું મૂક્યું. તાનિયા ખુરસી પર ગોઠવાઈ.

‘જોકે ભાડાની રૂમ ઘર ઓછું ગણાય? ઘર તો એ જ્યાં મા હોય, નાની બહેનો હોય...’ મૌનવીએ ડોક ધુણાવી, ‘ના, ના... અત્યારે તેમને યાદ કરી મારે સેન્ટિમેન્ટલ નથી થવું. બપોરના ચાર વાગવાનો મારો સમય થઈ ચૂક્યો.’ તેણે ઝડપથી સુધાર્યું, ‘આઇ મીન, ચાનો સમય થયો.’

‘દીદી, મને સહેજે ઇચ્છા નથી. આખા દિવસનું આપણે ખાઈ-પી લીધું.’

‘થોડી ચા તો ચાલે,’ પ્રાઇમસ તરફ વળતી મૌનવી અટકી, ‘અરે, પણ જોને ઘરે દૂધ નથી... એક કામ કરીશ, તાનિયા? લે આ પૈસા, સામેની લારી પરથી બે કપ ચા લઈ આવ. ત્યાં સુધીમાં હું ચેન્જ કરી ફ્રેશ થઈ જાઉં.’

આનાકાની વિના તાનિયા પચાસની નોટ લઈ નીકળી, તેના જતાં જ દરવાજાની સ્ટૉપર બંધ કરી મૌનવીએ દુપટ્ટો માથે નાખી ગુરુ નાનકની છબિ તરફ શીશ ઝુકાવ્યું, ફૅમિલી ફોટોગ્રાફને છાતીએ ચાંપી મક્કમતા કેળવી. બે હાથમાં એક-એક પ્યાલો ઊંચકી આવતી તાનિયા રૂમ પર પહોંચે ત્યાં સુધીમાં કરવા જોગ તમામ તૈયારી મૌનવી પાર પાડી ચૂકી...

‘દીદી...’

‘તાનિયા, બારી આગળ આવ.’

રૂમમાં બે બારી હતી. લોખંડની િગ્રલવાળી એક બારી લૉબીમાં ખૂલતી, જ્યારે બીજી વરંડામાં. દરવાજેથી હટી તાનિયા ઝડપથી બારી તરફ પહોંચી. અંદરનું દૃશ્ય જોતાં સ્ટીલના પ્યાલા વચકી પડ્યા, િગ્રલ પર મુઠ્ઠી ભીડતાં તે ચિલ્લાઈ ઊઠી, ‘દીદી, આ શું કરો છો?’

મૌનવી ઊંચા ટેબલ પર ચડી હતી, ઉપર પંખાના હૂકમાં જાડા દોરડાનો ગાળિયો તૈયાર હતો...

‘તાનિયા, તને કદી મોેતનો સાક્ષાત્કાર નથી થયોને! આજે એ અપવાદ પરિપૂર્ણ થશે.’ ઘેલછાયુક્ત અવાજે બોલતી મૌનવીએ ગળામાં ગાળિયો નાખ્યો.

‘જો, તાનિ આંખો ખોલીને જો... મૃત્યુ મારી સામે છે, છતાં આ પળે મને યમરાજ દેખાતા નથી...’

તાનિયાની ચીસ, શબ્દો થીજી ગયા.

‘બસ, હવે પળવારનો ખેલ છે...’ ગાળિયો ભીડતી મૌનવીએ કૉમેન્ટરી ચાલુ રાખી. થોડી વારમાં આ ખોળિયું નિષ્પ્રાણ બની જશે, એમાંનું પ્રાણતત્વ ક્યાં જાય છે એ જોઈ શકે તો જોજે...’

તાનિયાની બુદ્ધિ બહેર મારી ગઈ. ધ્રૂજતા પગ ગમે ત્યારે રેવડાઈ પડવાનો ધ્રાસકો આપતા હતા.

‘અલવિદા, તાનિયા!’

તાનિયા વિસ્ફારિત નેત્રે જોઈ રહી. સ્ટૂલને ધક્કો મારી મૌનવી હવામાં અધ્ધર થઈ, ગરદનનું હાડકું ભાંગવાનો અવાજ આવ્યો ને...

ઘડી પહેલાંનું સજીવ શરીર હવે નર્જિીવ થઈ લટકતું હતું! મૃત્યુ આટલું સરળ? જીવન આટલું દોહ્યલું? પ્રાણ નીકળવાની ઘટના રિવર્સિબલ હોતી હોત તો!’

પરંતુ આજની તારીખમાં એ શક્ય નહોતું. મૃત મૌનવી ફરી જીવિત થવાની નહોતી... આ વિચારે વાસ્તવિકતાનું ભાન થયું હોય એમ તાનિયાના અંતરમાં વ્યથા ઊમટી, દિમાગમાં અંધારપટ સર્જાયો.

* * *

મૃત્યુને સાક્ષાત્ જોવાની પ્રથમ ઘટના તાનિયાની સંવેદનાને હલબલાવી ગઈ. આપઘાતનો વહેમ દીદીએ

સાચો ઠેરવ્યો ને પોતે કંઈ જ કરી ન શકી એનો વસવસો ગાઢ બનતો ગયો : દીદી હવે ક્યારેય નહીં આવે!ના વિચારે તે કૉલેજના પ્રવેશદ્વારે અટકી જતી, પાછી વળતી.

‘શી વૉઝ ટુ મન્થ્સ પ્રેગ્નન્ટ.’

મૌનવી આપઘાતની રાબેતા મુજબની ચિઠ્ઠી છોડી ગઈ હતી : હું પૂરા સાનભાનમાં, મારી રાજીખુશીથી જીવનનો અંત આણું છું. આ માટે કોઈને જવાબદાર ગણશો નહીં... છતાં સુસાઇડ કેસ બન્યો એટલે પોસ્ટમૉર્ટમ પણ થયું. એમાં દીદીની ગર્ભાવસ્થાનું રહસ્ય ઉજાગર થતાં તાનિયાનો આઘાત બેવડાયેલો : દીદીએ ગર્ભમાં પોષાતા પિંડનોય વિચાર ન કર્યો! કે પછી કુંવારી અવસ્થામાં મા બનવાથી આબરૂ જવાનો ભય લાગતાં મોત વહાલું કર્યું? અરે, એવું હોત તો અબૉર્શનથી પેટનો ભાર હળવો કરી શકાત...

ચંડીગઢથી બે-ત્રણ પાડોશીઓ સાથે દોડી આવેલાં માજી દીકરીની લાશને વળગી હૈયાફાટ રડતાં હતાં. કઠણ કાળજાનેય પિગળાવી દે એવા તેમના વિલાપે તાનિયા પણ ભાંગી પડેલી. પોતે પરિવારનો આધારસ્તંભ હોવાનું જાણવા છતાં દીદી સામેથી મોતને ભેટ્યાં! જીવનથી મૃત્યુ વહાલું લાગે એવું તે શું બન્યું... મૌનવીનાં માતાજીને પણ આ જ સવાલ સતાવતો હોય એમ તાનિયાને પડખે બેસાડી તેમણે વારંવાર પૂછ્યું

હતું : મૌનવીની આખરી પળોમાં તું જોડે હતી એવું મેં સાંભળ્યું... તેની વાતોમાંથી તને અણસાર ન આવ્યો?

માની પૃચ્છા ઊલટતપાસ જેવી હતી. મારી લાડલીને તેં કેમ ન બચાવીનો આક્ષેપ પણ ખરો. બીજું કોઈ હોત તો સમસમી જાત, તાનિયા માની લાગણીને વખોડી નહોતી શકી : માજી, દીદીનો ઉલ્લાસ મને વિચિત્ર તો લાગ્યો જ હતો... જીવનની કોઈ અબળખા બાકી રાખવી ન હોય એમ મની ક્વીન તોડવાનું બાળપણનું તોફાન પણ તે આદરીને ગયાં! ન કોઈનું લેણું રાખ્યું, ન શ્વાસોની લેણદેણ રહેવા દીધી!

‘બિટિયા તારી કંપનીથી મારી મૌનવીને આનંદ મળ્યો, તે હસીને ગઈ એટલો જ સંતોષ માણવો રહ્યો! બિચારીના જીવનમાં સુખ જ નહોતું! નાની ઉંમરે પરિવારની જવાબદારી, કમાવાનો બોજો, લગ્નની વીતતી વય... જિંદગીથી સમાધાનો કરી-કરીને થાકો ત્યારે એક તબક્કે મોત વહાલું લાગ્યા વિના નથી રહેતું! ઈશ્વર તેના આત્માને રિબાવે નહીં એટલું જ માગું છું, તું પણ તારી સખી માટે પ્રાર્થના કરજે!

માજીએ મૌનવીની પ્રેગ્નન્સી બાબત હરફ ઉચ્ચાર્યો નહોતો. કદાચ પરદેશ રહેતી દીકરીએ યૌવનસહજ છૂટછાટો લીધી હોવાનું સ્વાભાવિક લાગ્યું હોય, કદાચ જાહેર ચર્ચા છેડી ગામગજવણું કરવું ન હોય... આખરે તેમણે તો નાની દીકરીઓને પરણાવાની! કદાચ એટલે જ બધું મોઘમ રાખવા તેમણે સાથે આવેલા પાડોશીઓને વિનવ્યા હશે... પોલીસતપાસમાં પણ માજીએ હાથ જોડી વિનંતી કરી હતી : મને કોઈના પર વહેમ નથી, મારી મૌનવી ધાર્યું કરનારી હતી, કોઈની બળજબરીને વશ થનારી નહોતી... તે ચિઠ્ઠીમાં સઘળો દોષ પોતાના શિરે નાખીને ગઈ છે, પછી શું કામ તમે ચોળીને ચીકણું કરો છો!

‘મૌનવીનાં ક્રિયાપાણી ગામ જઈ કરીશું.’ કહી ત્રીજે દા’ડે માજી રૂમ ખાલી કરી ચંડીગઢ ભેગાં થઈ ગયાં, જીવનનો એક ટુકડો હંમેશ માટે છૂટો પડ્યાનું તાનિયાએ અનુભવેલું.

ડૉ. પંડ્યાના મૃત્યુનો ઘા રુઝાયો નહોતો ત્યાં મૌનવીએ નજર સામે આપઘાત વર્હોયાના આઘાતે જખમ કોતર્યો. વારંવાર રવિવારની સવારની પળો તાજી હતી : અમે કેટલી મજા કરી! એ પળોમાં દીદી તો જાણતાં હતાં કે હું આજની સાંજ નથી જોવાની! મોતનો પડછાયો સાવ ઢૂંકડો, ને તોયે હું કેટલી અજાણ રહી... જીવનનો ખેલ પળમાં રગદોળી શકતા મૃત્યુના તાંડવને જોયા પછી તાનિયા જીવનથી વિશેષ મોતના ખ્વાબોમાં રત રહેવા લાગી.

જીવન ખુલ્લી કિતાબ જેવું છે, જ્યારે મૃત્યુમાં રહસ્ય છે. મોત ગમે ત્યારે, ગમે તે દિશામાંથી, ગમે તે સ્વરૂપે ત્રાટકી શકે... જીવનના અનેક પડકારોને પહોંચી શકતો માનવી મૃત્યુને નાથી નથી શક્યો. મૃત્યુ અજેય છે, મોત સામે પરાજિત થવાનું જિંદગીનું લક્ષણ છે...

વિચારો જ વિચારો. કૉલેજમાં અભ્યાસમાં ચિત્ત ચોંટતું નથી. માણસના હૃદયવનમાં પાનખર બેઠી હોય ત્યારે એકાંતવાસ વધુ પ્રિય થઈ પડે એમ તાનિયા વધુ ને વધુ વખત રૂમમાં જ ભરાઈ રહેતી. છાપાંમાં આપઘાત, ખૂન, અકસ્માતના ખબરો પ્રત્યે જ ધ્યાન ખેંચાતું, બેસણાની જાહેરાત વાંચી જે-તે મૃત્યુનાં સ્થિતિ-સંજોગો કલ્પવા બેસી જતી... સાહિત્યની નોટ્સને બદલે કોરા કાગળ પર જુદું જ ચિતરામણ થઈ જતું :

મૃત્યુનો મહિમા અપરંપાર છે. જીવનમાં માયા છે, મૃત્યુમાં મોક્ષ છે! માયાની કાંચળી ઊતર્યા પછી મોક્ષનું આકર્ષણ જાગે છે. જીવનનું સાચું સુખ એટલે મૃત્યુ! શાયરે ઠીક જ કહ્યું છે -જિંદગી તો બેવફા હૈ, એક દિન ઠુકરાએગી મૌત મેહબૂબા હૈ અપને સાથ લે કે જાએગી...

‘તાનિયા.’

દરવાજે નૉક કરી રૂમમાં પ્રવેશતી માના સાદે તાનિયા ચમકી. પોતના લખાણ પર ઝડપથી બુક મૂકી, ઢાંકપિછોડા જેવી તેની ચેષ્ટા ગુણસુંદરીબહેને નોંધી. દીકરીમાં આવેલું પરિવર્તન તેમના ધ્યાન બહાર નહોતું, પણ અત્યારે એ ચર્ચાનો અવકાશ નહોતો.

‘જો તો તારા નામે પત્ર આવ્યો છે - મૌનવીનો પત્ર!’

તાનિયાની છાતી ધડકી ગઈ.

* * *

વહાલી સખી તાનિયા,

તને આ પત્ર મળશે ત્યારે હું હયાત નહીં હોઉં... (ધારો કે જીવી જાઉં તો પત્ર લઈ દોડતી આવજે, આપણે સાથે મળીને વાંચીશું) તું હંમેશાં મારી પ્રિય રહી છે એટલે જીવનનો અંતિમ સંવાદ તારી સાથે માંડું છું.

તાનિયા, પિતાના દેહાંત પછી મેં પાર વિનાની મુસીબતો ઉઠાવી છે, પરિવારના પાલનપોષણ માટે ઝઝૂમી છું... એનું ભારણ જોકે મેં ક્યારેય કોઈને દેખાવા નથી દીધું. હા, મુંબઈમાં નોકરી મળ્યા પછી હું સાચે જ રિલૅક્સ્ડ થઈ. એનું કારણ માત્ર પગાર નહીં, મારા જીવનમાં આવેલો એક પુરુષ હતો! એનું નામ... જવા દે,

નામ-ઓળખના વ્યવહારનું શું કામ! હું સામાન્ય કુટુંબનું રત્ન, તો તે કરોડપતિનો નબીરો. પાછો કામદેવના અવતાર જેવો કામણગારો. તેના જમણા હાથે અંગૂઠા જોડે જોડાયેલી છઠ્ઠી આંગળીને કારણે હું લાડથી તેને હૃતિક કહેતી! પ્રણયમાં સ્ત્રી કેવી ઘેલી બની જાય તાનિયા, એ તો પ્રીત કર્યે જ તને પરખાશે. આંખોમાં પ્રેમનું આંજણ અંજાયા પછી પ્રીતમની કોઈ એબ, કોઈ અવગુણ નજરે ચડતો નથી. હુંય મૂરખી જાણી ન શકી કે મૂડીપતિને મારા યૌવનની મૂડીમાં જ રસ હોય, જે તેણે બેફામપણે લૂંટી, મેં લૂંટાવા દીધી, તેની વાતોના કેફમાં, વચનોની ખેરાતમાં... હૉસ્ટેલના નિયમોને કારણે રાતે હું બહાર રોકાઈ ન શકું, એટલે અમે બપોરે કે સાંજે હોટેલની રૂમમાં ભેગાં થતાં... ‘ખાનદાન’ ગણાતા પુરુષની સંગતમાં મેં મારી આબરૂને બટ્ટો લગાડ્યો! પણ એનો વસવસો ક્યાં હતો? મારા મતે તો હું મારા ભાવિ પતિને જ અઘ્ર્ય આપતી હતીને! હું લગ્નનો આગ્રહ કરતી ને એ કોઈ ને કોઈ બહાને ટાળી જતો : તારી પરીક્ષી પતવા દે... અભ્યાસ પૂરો કરી લે... તોય મને બત્તી ન થઈ કે આ માણસ મને ટાળી રહ્યો છે!

છતાં, પ્રીતની પોકળતા હંમેશ માટે છાની નથી રહેતી. અમારા પ્રણયફાગનું બીજ ગર્ભમાં રોપાયાના ખબરે તેનો મુખવટો ચિરાયો : હૅવ અબૉર્શન, મને બચ્ચાનાં લફરાં નહીં જોઈએ! તાનિયા, માતૃત્વના ખબર સ્ત્રી માટે જિંદગીના શ્રેષ્ઠતમ સમાચાર ગણાય, પણ મારા માટે તો એ બૂંદિયાળ નીવડ્યા. મારા ભાગ્યને દુર્ભાગ્યમાં પલોટી નાખ્યું! મેં જેને ચાહ્યો, શ્રદ્ધાપૂર્વક જેને તન-મન સોંપ્યાં તેણે કદી મને ચાહી જ નહોતી. મારે મન જે પ્રેમ, એ તેને મન માત્ર વાસના હતી!

જિંદગીનો આ સિતમ મને સૌથી બેરહેમ લાગ્યો. હૉસ્ટેલની રૂમમાં જાતને કેદ કરી મેં ખુદને પૂછ્યું - હજી કેટલાં સમાધાનો કરવાં છે તારે! જે જીવને સુખના નામે છળ જ આપ્યું એનો મોહ શું કામ? કેટલાક જીવ સુખ માટે સર્જાયા જ નથી હોતા. તું એમાંની જ એક છે, તારી આવતી કાલ કદી આજથી બદલાવાની નથી, તો પછી શા માટે જિંદગીને શિકસ્ત દઈ તું મોતની આગોશમાં પોઢી નથી જતી! અને બસ, મૃત્યુનો ઇરાદો ઘૂંટાતો ગયો.

કૉલેજ-કૅન્ટીનની ચર્ચાએ એમાં સ્પષ્ટતા આણી, મારા એ દિવસનાં વાક્યોનો મર્મ હવે તને સમજાયો હશે...

કૅન્ટીનની ચર્ચામાં તું બોલી ગઈ કે મૃત્યુનો સાક્ષાત્કાર તને કદી થયો નથી... તો મને થયું, શા માટે તને એનો લહાવો ન આપું! જાણું છું, તું સંવેદનશીલ છે, તારી માનસસ્થિતિ ડહોળવાનો મારો આશય હોય જ નહીં... જિંદગીનો અંતિમ દિવસ મારે દુ:ખી થઈ, ફરિયાદોમાં ગાળવો નહોતો. આખરે હું સામેથી એને તરછોડતી હતી, મારે તો વિજયના ગુમાનમાં જ રહેવાનું હોયને! અને જેની સાથે જીવનનો છેલ્લો દિવસ ગાળવાનું મન થાય એવી વ્યક્તિ તું જ હોઈ શકે, તાનિયા! તું આવશે જ એવી શ્રદ્ધા સાથે પત્ર પૂરો કરું છું. મોતને નિહાળવાનું દૃશ્ય ભૂલી જજે, ને ફક્ત તારી આ સહિયરને યાદ રાખજે. એટલું વચન માગી લઉં છું તું બહુ પ્યૉર છે, તાનિયા. તારી હાજરીથી મારું મોત સુધરે એવો સ્વાર્થ પણ ખરો. ઘણું બધું આધુંઅધૂરું છોડીને જાઉં છું, તાનિયા. ખાસ તો મારા પરિવારને... પણ સૌના નસીબનું સૌ મેળવી લેશેનું આશ્વાસન મેં સ્વીકારી લીધું છે. મારી જિંદગીની સફર અહીં સુધી જ લખાઈ હશે. હવે છેડો ફાડવામાં મોડું નથી કરવું!

મર્યા પછી મારી ગર્ભાવસ્થા કદાચ જાહેર થઈ તો પણ લાંબું વિચારી મારી મા એની ઝાઝી હો-હા ન કરે. તું પણ વેરની ભાવના પોષે નહીં એટલા ખાતર તે પુરુષની ઓળખનું રહસ્ય મારી સાથે જ લેતી જાઉં છું - અલવિદા, સખી!

- પત્ર વાંચી તાનિયાની આંખો વરસી પડી.

(ક્રમશ:)

 

અન્ય ભાગ વાચો

1 | 2 | 3

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK