અન્ય ભાગ વાચો
1 | 2
(સમીત (પૂર્વેશ) શ્રોફ)
‘ખ્વાહિશેં તમામ હો ચૂકી જિંદગી કી,
બસ એક મૌત કા લુત્ફ બાકી હૈ...’
કૉલેજ કૅન્ટીનમાં શેર લલકારતા સત્યેનને સાંભળી તાનિયાને થયું મૃત્યુનો તે વળી આનંદ હોય!
બંગલેથી પંદરેક મિનિટના અંતરે આવેલી કૉલેજે પગપાળા પહોંચવાનું એ પ્રિફર કરતી, રિટર્નમાં જોકે ટૅક્સી પકડી લેતી. તાનિયા પોતે કાર ચલાવી જાણતી, અઢારમી વર્ષગાંઠ પર પિતાએ તેને ખાસ સ્મૉલ કાર વસાવી આપેલી, પણ કાર હંકારી કૉલેજ જવામાં તાનિયાને શ્રીમંતાઈનું વરવું પ્રદર્શન જ લાગતું.
‘તાનિયા, સાચવીને જજે.’
બંગલાના પહેલા માળે, એક્સરસાઇઝ રૂમમાં બારી તરફ મોં રાખી સાઇકલિંગ કરતા વિઠ્ઠલભાઈ રોજ જ આ રીતનો સાદ પાડતા હોય. જવાબમાં હાથ હલાવી, ધરપતનું સ્મિત ફરકાવી તાનિયા ઝાંપો બંધ કરી નીકળી જાય, એને બદલે હમણાંની એ ઝાંપાનો આગળિયો ભીડતાં અટકી જતી : પપ્પાને હું ફરી મળી શકીશ ખરી! કસરત કરતા પપ્પા અચાનક સાઇકલ પર જ ઢળી પડ્યા તો... મોત શ્વાસ લેવાની ફુરસદ નથી આપતું એટલે તો માણસ મૃત્યુ પામે છે!
મૃત્યુ મારા પિતાને છીનવી ગયું તો...
રાત્રે બધાને સુવાડી છેલ્લે સૂતી મા સવારે ઊઠી જ નહીં તો...
તાનિયા કંપી ઊઠતી. મોતની આહટ સંભળાઈ શકતી હોત તો હું બંગલાના ઝાંપેથી એને કાઢી નાખું... પરંતુ મૃત્યુને કોણ પામી શક્યું છે? બીમારી, અકસ્માત જેવા કિસ્સામાં એની એંધાણી સાંપડે છે ખરી ક્યારેક, પણ એને ટાળી ક્યાં શકાય છે? આપણી નજર સમક્ષ જીવતો-જાગતો માનવી ક્ષણાર્ધમાં નિશ્ચેતન થઈ જાય એ કેવું! ઘડી પહેલાં સજીવ, ઘડી પછી નિર્જીવ. મહિમા આ બે ઘડીઓના સંધિકાળનો જને! દેહ ત્યાગનારાને ખોળિયામાંથી પ્રાણ છૂટા પડી રહ્યાની સૂધ રહેતી હશે ખરી? સાચે જ પાડા પર સવાર યમરાજ પ્રાણતત્વ હરવા આવતા હશે કે પછી માનવીને ધર્મભીરુ બનાવતી બાલિશ કલ્પનાઓ હશે આ બધી? મર્યા પછી શું થયું એ કહેવા કોઈ જીવતું થતું હોય તો!
મૃત્યુના વિચારોમાં આજે નવું પરિમાણ ઉમેરાયું - આનંદનું!
‘સત્યેન, મૃત્યુમાં આનંદનો મુદ્દો સમજાયો નહીં.’
‘કેમ, મૃત્યુ જેને મન મુક્તિસમાન હોય તેને મરવામાં આનંદ જ મળવાનો.
સાધુ-સંતો અન્ન-જળ ત્યાગે એ છેવટે તો દેહોત્સર્ગનો જ મહોત્સવને.’
સત્યેનની દલીલ તર્કબદ્ધ જણાઈ.
‘સ્વૈચ્છિક જીવનત્યાગ પર માત્ર સંન્સાસીઓનો ઇજારો છે એવું કોણે કહ્યું?’ ત્રિશલાએ ધ્યાન ખેંચ્યું, ‘ફરક એટલો કે સંન્યાસી મોક્ષની કામનાથી દેહ મૂકે, જ્યારે સંસારી દુ:ખ, દર્દ, ઉપાધિથી ત્રસ્ત, હારી, કંટાળીને જિંદગીનો અંત આણે!’
‘યુ મીન...’ તાનિયાને ઝબકારો થયો ‘આત્મહત્યા!’
પરમૃત્યુથી વાત હવે સ્વમૃત્યુના કૂંડાળામાં પહોંચી હતી.
‘અફર્કોસ! દુનિયાભરમાં સુસાઇડના કેસો સામાન્ય છે. આવી પડેલું દુ:ખ અસહ્ય હોય કે પછી જિંદગી આપણી મરજી મુજબ જીવી શકાય એમ ન હોય ત્યારે આપઘાત જ હાથવગો ઉકેલ થઈ પડતો હોય એમ હવે તો આત્મહત્યાની ટકાવારી વધી પણ છે.’
પૃથ્વી પર શ્વસતી પ્રજાતિઓમાં સૌથી બુદ્ધિશાળી ગણાતી માનવજાતમાં જ આત્મહત્યાનું ચલણ જોવા મળે એ કેવો વિરોધાભાસ! ફૉરેનમાં તો મર્સી કિલિંગની પ્રથા પણ પ્રચલિત છે...! મૃત્યુમાં દયાભાવ નિહાળવાનું મનુષ્યોને જ સૂઝે!
‘હું નથી માનતી,’ તાનિયાએ ડોક ધુણાવી, ‘મૃત્યુ મોટી ઉંમરના વડીલને ખૂંચવી જાય...’
‘તાનિયા, મોતને ક્યાં વય-જાતિના ભેદ નડે છે? આપણા દેશમાં થતાં બાળમરણના આંકની તને ખબર છે?’
‘ઓહ! તાનિયાને થયું. આજ સુધી હું પપ્પા-મમ્મીના અંતિમ પ્રયાણની ધાસ્તી સેવતી રહી, ઝાંપો બંધ કરતી વેળા કદી એમ કેમ ન વિચાર્યું કે ફરી આ ઝાંપો ખોલવા પામીશ ખરી! જોકે ડેથ નૅચરલ હોય કે પછી આપઘાત, અકસ્માત કે હત્યાથી સર્જાતું હોય એનું છેવટ તો જાનને બેજાન બનાવવાનું જને!
‘ગમે એ કહો,’ સુચિત્રાએ ઝંપલાવ્યું, ‘આત્મહત્યાને મારું સમર્થન નથી. અલબત્ત, હું એને કાયરતા તો નહીં કહું, પણ એમાં ડામાડોળ માનસિકતા તો છે જ, પલાયનવૃત્તિ પણ ખરી...’
‘કહેવું આસાન છે, સુચિત્રા...’
ગ્રુપથી સ્ાહેજ દૂર બેઠેલી, પણ ક્યારનો આ વાર્તાલાપ સાંભળતી મૌનવીના ઉદ્ગારે તાનિયાનું ત્વરિત ધ્યાન ખેંચ્યું : દીદી આપઘાતની તરફેણ કરે છે! તો-તો જરૂર કોઈ વજનદાર કારણ હશે...
‘જિંદગીની ચોપાટમાં સર્વ કંઈ હારી જનારને બચેલી શ્વાસોની મૂડી બોજારૂપ લાગવા માંડે છે, જે કશા ખપની નથી એનું જતન શા માટે? આખરે આ મૂડી ક્યારેક તો ખૂટવાની જ છે, તો પછી કાલની દોર આજે ટૂંકાવી દેવામાં કયું પાપ થયું?’ મૌનવીની વાણીમાં છૂપો આક્રોશ હતો. ‘જીવન સૌને વ્ાહાલું છે ને મરવું કોઈને ગમતું નથી, પરંતુ જિંદગી જ્યારે મોતથીયે બદતર બની જાય ત્યારે જ આપઘાતનો રસ્તો લેતો હોય છે માનવી એ યાદ રાખવું ઘટે.’
મૃત્યુ... મૃત્યુ... મૃત્યુ! તાનિયાને થયું ભીતર ક્યાંક ઉદાસી ઘૂંટાતી જાય છે.
‘ઓહ ગૉડ,’ તાનિયા બોલી પડી, ‘જેની ચર્ચા માત્ર મનને વિચલિત કરે છે એ મૃત્યુનો સાક્ષાત્કારનો જાણે કેવો હશે!’
મૌનવી કેટલીયે પળો સુધી તાનિયાને અપલક નેત્રે નિહાળી રહી.
* * *
‘એક મિનિટ દીદી...’
બપોરે કૉલેજ છૂટતાં જ તાનિયા સાદ પાડી મૌનવીની સાથે થઈ ગઈ.
‘બહુ બિઝી છો આજકાલ? વચમાં બે દિવસ કૉલેજમાં દેખાયાં પણ નહીં.’
ખરેખર તો તાનિયા પૂછવા માગતી હતી કે સવારે કૅન્ટીનમાં આત્મહત્યાની તરફેણ તમે માત્ર દલીલ ખાતર કરી હતી કે પછી... જો મૌનવીનું એ અંગત મંતવ્ય હોય તો સાઇકિયાટ્રિસ્ટને મળવાની સલાહ પણ આપવી હતી. આખરે, સુસાઇડની ટેન્ડન્સી જોખમી જ ગણાય! જોકે હંમેશાં હકારાત્મક અભિગમ દાખવનાર દીદી આટલી મક્કમતાથી આપઘાતવૃત્તિને જસ્ટિફાય કરે એ જ અચરજજનક છે. મૂળ મુદ્દો સેન્સિટિવ હોય ત્યારે માણસ લાંબી પ્રસ્તાવના માંડે એમ તેણે ઊંધી પૃચ્છાથી શરૂઆત કરી, જેના જવાબમાં મૌનવીએ કળાય નહીં એવો નિ:શ્વાસ નાખ્યો.
‘તું જે બે દિવસનો હવાલો આપે છે, તાનિયા. એણે તો મારી જિંદગી બદલી નાખી...’
‘અચ્છા. નોકરીમાં પ્રમોશન મળ્યું લાગે છે.’ મૌનવીના રણકા સાથે પ્રમોશનનો મેળ બેસે એમ જ નહોતો છતાં તાનિયાને બીજું અનુમાન કેમ સૂઝે?
‘દીદી, મને યાદ છે.’ મૌનવી ચૂપ રહેતાં તાનિયાએ જ બોલવું પડ્યું, ‘ગયા વર્ષે તમને જૉબ મળ્યા પછી તમે કેવા ઉમંગમાં રહેતાં. થોડાક વખતમાં તો તમારા ચહેરાની રોનક બદલાઈ ગયેલી...’
‘મને તો હતું, મારી કિસ્મત બદલાઈ ગઈ, પણ...’
મૌનવીનો બબડાટ તાનિયાને સમજાયો નહીં. મૌનવી પાર્કિંગ એરિયા તરફ ફંટાઈ જાય એ પહેલાં તેનો હાથ પકડી તે નજીકના ગુલમહોરની છાયામાં દોરી ગઈ.
‘કંઈક તો બન્યું છે દીદી. તમે મને હંમેશાં નાની બહેન જેવી ગણી છે, આજે બેસ્ટ ફ્રેન્ડ સમજીને કહી દો, કોઈ ફાઇનૅન્શિયલ પ્રૉબ્લેમ છે? નોકરી છૂટી ગઈ હોય તો ચિંતા ન કરશો. મારા પપ્પા જૉબનો બંદોબસ્ત કરી આપશે. તમારાં મધરની તબિયત તો...’
તાનિયાની અકળામણમાં તેની લાગણી છતી થતી હતી. મૌનવી ભીનું મલકી.
‘તું આટલી ચિંતા કરે છે મારી એ ગમ્યું... તું હંમેશાં મીઠી સ્મૃતિરૂપે રહીશ, તાનિયા.’
‘એટલે! તમે ક્યાંક જાવ છો, દીદી? કદાચ તમારા ગામ... ક્યાંક એવું તો નથીને દીદી કે દિવાળીની રજામાં તમારે ગામ જવું હોય ને નોકરીમાં રજા ન મળી હોય...’
‘નોકરી તો હું છોડી ચૂકી, તાનિયા.’
હેં! ક્યારે?
‘તેં કહ્યું એમ, ઘણુંબધું ઘટી ગયું આ એક અઠવાડિયામાં મારા જીવનમાં... સ્ત્રીની જિંદગીના સૌથી શ્રેષ્ઠ ખુશખબર ગણાય એવા સમાચાર સાંપડ્યા અને પછી એ જ ખબરે મારા ભાગ્યને દુર્ભાગ્યમાં ફેરવી નાખ્યું!’
મૌનવીનો સંકેત તાનિયાની સમજ બહાર હતો.
‘હવે તો બસ, મૈં ઓર મેરી તન્હાઈ...’
દીદીનું હૈયું જખ્મી થયું લાગે છે... શું તેમણે પ્રણયમાં ચોટ ખાધી? પરંતુ દીદીએ ક્યાં કદી તેમનો પ્રેમસંબંધ દાખવ્યો છે?
‘દીદી, તમે બહુ નિરાશ લાગો છો. નો, આઇ મીન ઇટ. યુ લુક ડિપ્રેસ્ડ,’ સાચું કહેવામાં તાનિયા કદી પાછીપાની નહીં કરતી, ‘શૅલ વી મીટ અ સાઇકિયાટ્રિસ્ટ? તમારી નેગેટિવિટી મને સરપ્રાઇઝ્ડ પણ કરે છે અને ચિંતિત પણ.’
‘થૅન્ક્સ, થૅન્ક યુ સો મચ તાનિયા ફૉર યૉર ફીલિંગ્સ ઍન્ડ કૅર... તને હું નિરાશ લાગતી હોઉં, પણ એમ પાછી હું ધાર્યું કરનારી છું, હં!’ મૌનવીના સ્વરમાં વિચિત્રસી ઘેલછા ઊભરી, ‘આ તો દિલનો જખમ છે, બહેન, એમાં મનની સારવાર કામ ન લાગે!’
ત્યારે તો આ પ્રીતની જ પીડા... દીદીની પીડાને તેમની નોકરી સાથે સંબંધ હોઈ શકે ખરો? કે પછી પીડાને કારણે નોકરી છોડ્યાનું બન્યું હશે? ના, આ બધી ચર્ચા અધરસ્તે ન થાય, દીદી સાથે નિરાંતે ગોઠડી માંડવી પડશે એ બ્ાહાને મારા મનનેય મૃત્યુના વિચારોમાંથી ડાયવર્ઝન મળશે! તાનિયાની મનસા તરત જ પૂરી થઈ ગણાય, કેમ કે...
‘બાય ધ વે, તાનિયા, કાલે તારો શું પ્રોગ્રામ છે?’
‘કાલે તો રવિવાર... અંહ, કાલે કોઈ વિશેષ એન્ગેજમેન્ટ નથી.’
‘તો-તો તું મારી હૉસ્ટેલની રૂમ પર આવી જ શકે... આમેય કાલનો દિવસ મારા માટે બહુ સ્પેશ્યલ છે. તારું આગમન ખુશી રેલાવી દેશે. એ બ્ાહાને તારી જિંદગીમાં આજ સુધી નથી બન્યું એવું પણ કંઈક બની જશે.’
આટલું બધું! તાનિયાનાં નેત્રો પહોળાં થયાં, ‘સાન્તાક્લોઝના મૂડમાં લાગો છો દીદી. કાલે તમારો બર્થ-ડે છે?’
‘કાલે શું છે એની ખબર આજે દઈ દઉં તો સરપ્રાઇઝ શું રહે?’
મૌનવીના ઉતારચડાવ સમજ બહાર હતા છતાં કાલની મુલાકાતમાં દીદીનું અંતર જાણી શકવાની આશ જરૂર બંધાઈ.
જોકે મૌનવીએ કેવી સરપ્રાઇઝ આપવા ધારી છે એની તાનિયાને ક્યાં જાણ હતી?
* * *
‘આવ તાનિયા, આવ.’
રવિવારની સવારે દસ વાગ્યે ગલ્ર્સ હૉસ્ટેલની ત્રીજા માળની રૂમે પધારેલી તાનિયાને ઉમળકાભર્યો આવકાર આપતી મૌનવી ખુશખુશાલ જણાઈ.
‘સનડે ઑફને કારણે મોટા ભાગની હૉસ્ટેલ ખાલી છે. એમાંય થર્ડ ફ્લોર પર તો આપણને પૂરી આઝાદી છે.’
ચાર માળના બિલ્ડિંગમાં એક ફ્લોર પર સિંગલ અકોમોડેશનવાળી દસ રૂમ્સ ઉપરાંત કૉમન ટૉઇલેટ બ્લૉક હતો. હૉસ્ટેલમાં પ્રથમ વાર આવેલી તાનિયાને મૌનવીની નાનકડી રૂમ સ્વચ્છ, સુઘડ જણાઈ. બે ગાદીવાળી ભારતીય બેઠક, નાનકડી લાકડાની ઘોડી, પતરાની મોટી પેટી, ઉપરાંત પ્લાસ્ટિકની બે ખુરશી... ઘોડીની બાજુમાં પડેલા ઊંચા ટેબલનો શો ખપ હશે એ જોકે સમજાયું નહીં. ખૂણામાં થોડાં વાસણ સાથે પ્રાઇમસ જોઈ ખ્યાલ આવી ગયો કે ભોંયતળિયે આવેલી હૉસ્ટેલની કૅન્ટીનમાં જ ખાણીપીણીનો રૂલ હોવા છતાં દીદીએ રૂમ પર કદીમદી કશુંક પકવવાનો બંદોબસ્ત રાખ્યો હોવો જોઈએ.
‘દીદી, સામાન તો તમે એવો તૈયાર રાખ્યો છે જાણે ક્યાંક જવાનાં છો.’ મૌનવીએ બનાવેલા ચા-નાસ્તાને ન્યાય આપતાં તાનિયાએ ટકોર કરી. એમાં સાક્ષી પૂરતો દરવાજો ઠોકાયો. ઇસ્ત્રીનાં કપડાં આપવા આવેલા ધોબીને તેણે બાકીનો હિસાબ ચૂકતે કરતાં પેલાનેય અચરજ થયું : દીદી, ચાલુ મહિનાનો હિસાબ તો આવતા મહિને કરવાનોને...’
‘મારે કોઈનું લેણું બાકી નથી રાખવું... તાનિયા, લોકોને પૈસા લેવામાં નવાઈ લાગે એ કેવું!’
મૌનવીએ વસ્ત્રો પતરાની પેટીમાં ગોઠવ્યાં ત્યાં સુધીમાં તાનિયાએ નજીક પડેલી ડાયરીમાં અછડતી નજર ફેરવવાની તક ઝડપી : દૂધ, છાપાં, ફૂલ, ઇસ્ત્રી... કમાલ છે. દીદીએ આજની તારીખ સુધીનો હિસાબ ક્લિયર કરી રાખ્યો છે! મહિનાની અધવચ હિસાબ સેટલ કરવાનો અર્થ શું? ચોક્કસ દીદી મુંબઈ છોડવાનાં!
મૌનવીએ જોકે છેવટ સુધી એનો ફોડ ન પાડ્યો.
‘આજે તો ઘૂમવા-ફરવાની ઇચ્છા છે!’ જાણે જીવનની પળેપળને માણવી હોય એવા ઉલ્લાસભેર મૌનવી તાનિયાને ખેંચી ગઈ. પાલવાની પાળે ચાલી, ઘોડાગાડીની સેર કરી, ચાટ ખાઈ પેટ ભર્યું. શૉપિંગમાં તો તેણે હદ કરી નાખી. તાનિયાને પરાણે વિન્ડચીટર અપાવ્યું એ તો ઠીક, પણ-
‘તાનિયા, જાણે છે, નાની હતી ત્યારે હું દુકાનમાં મુકાતા પૂતળાથી બહુ ડરતી... વિચારેલું, મોટી થયા પછી એની સાથે જબ્બર ફાઇટ કરીશ!’ કહી ખરેખર તેણે મેની ક્વીનને ધક્કો દેતાં પૂતળું ભાંગ્યું, નુકસાનીપેટે ચાર હજારનો દંડ ભરીનેય તે ખુશ હતી. ‘હાશ, બાળપણની ઇચ્છા આજે પૂરી થઈ!’ પછી તાનિયાના ચહેરા પર ફેલાયેલું વિસ્મય જોઈ ખુલાસો કર્યો, ‘હું શીખી છું, તાનિયા કે જિંદગીના પ્રત્યેક દિવસને તમે લાઇફનો અંતિમ દિન જાણીને જીવો તો કોઈ દિવસ ક્યારેય અપ્રિય નહીં લાગે!’
સમથિંગ ઇઝ ટેરિબલી રૉન્ગ! તાનિયા આટલું જ તારવી શકી.
‘ભૈયા, જરા પોસ્ટઑફિસ પે રુકના.’ હૉસ્ટેલ રિટર્ન થતાં તેણે ટૅક્સીવાળાને આદેશ આપ્યો.
રવિવારે ડાકખાનું બંધ જ હોય, પણ મૌનવીને ક્યાં એની જરૂર હતી? તેણે તો ટપાલપેટીમાં એક પત્ર જ સરકાવવાનો હતો.
એ પત્ર, જે તાનિયાના જ નામ-સરનામે લખાયો હતો!
(ક્રમશ:)
અન્ય ભાગ વાચો
1 | 2
બૉડી બનાવવા વપરાતાં ફૂડ-સપ્લિમેન્ટ્સનો ભેળસેળવાળો જથ્થો જપ્ત
25th February, 2021 09:06 ISTસ્કૂલની હૉસ્ટેલમાં રહેતા 229 વિદ્યાર્થીઓ કોરોના-પૉઝિટિવ
25th February, 2021 09:06 ISTપોલીસ-સ્ટેશનમાં પચાસ ટકાની હાજરીનો આદેશ કેટલો વાજબી?
25th February, 2021 09:06 ISTઑડિયો-ક્લિપ અને પૂજા ચવાણ સાથેના ફોટો વાઇરલ થતાં સંજય રાઠોડની મુશ્કેલીઓ વધી
25th February, 2021 09:05 IST