કથા સપ્તાહ - જીવન-મૃત્યુ (ઘાત-આઘાત ૧)

Published: 17th October, 2011 20:23 IST

તેની છાતી હાંફવા માંડી, શ્વાસ બહેકવા લાગ્યો. કળીનું સૌંદર્યપાન કરતાં-કરતાં ભ્રમરે માંડેલો ગુંજારવ એની પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો. એક તરફ રણઝણતું રૂપ, ને બીજી બાજુ થનગનતી જવાની... બેપરવાપણે પૃથ્વીપટનાં બે વિરુદ્ધ તત્વોની એકમેકમાં ગૂંથાવાની રમતમાં મસ્તીનું ઘોડાપૂર ઊમટ્યું, જેમાં લાજ-શરમ, નીતિ-નિયમ સર્વ કંઈ તણાઈ ગયું!

 

 

અન્ય ભાગ વાચો

1 | 2

 

- સમીત (પૂર્વેશ) શ્રોફ

સહશયન પુરુષ માટે મોટા ભાગે મનગમતી ક્રીડાથી વિશેષ હોતું નથી, જ્યારે સ્ત્રી માટે બહુધા એ સ્નેહ-સમર્પણના પર્યાયરૂપ આકાર પામતું હોય છે. કદાચ એટલે જ સમાગમના અંત સાથે તેની ઊર્મિઓનો અંત આવતો નથી.

અહીં પણ એવું જ થયું. કામતૃપ્તિના ઘેનમાં સરકતા પુરુષની ઉઘાડી છાતી પર તેણે માથું ટેકવ્યું.

‘તમારી અપેક્ષા અનુસાર પ્રણયને આજે આપણે નિર્બધપણે માણી લીધો...’

‘હં... સો નાઇસ ઑફ યુ. તું માત્ર બ્યુટિફુલ નથી હની, પુરુષને રીઝવવાની કુનેહ છે તારામાં. થોડી ક્ષણો પહેલાં સુધી તું વર્જિન હતી એ માનવું મુશ્કેલ થઈ પડે એટલી હદની એક્સપર્ટાઇઝ...’ વળી થોડી છેડખાની.

‘મનના માણીગરને પરિતૃપ્ત કરવાના પાઠ સ્ત્રીને શીખવવા ન પડે! આત્માના ઐક્યનો રસ્તો દેહમિલનના માર્ગે જતો હોવાની તમારી ફિલસૂફી ગળે ઊતર્યા પછી દ્વિધા પણ ક્યાં રહી!’

સાંભળીને ૨૭-૨૮ વર્ષના સોહામણા પુરુષના મુખ પર ન કળાય એવું સ્મિત ફરકીને અદૃશ્ય થઈ ગયું.

‘સાચું કહું તો મને કિસ્મતની મહેરબાની પર ભરોસો નથી પડતો... ક્યાં હું એક સામાન્ય કુટુંબની કન્યા અને ક્યાં તમે કરોડોના વારસદાર!’

‘તું કોઈ ઍન્ગલથી સામાન્ય નથી, ડાર્લિંગ. પગથી માથા સુધી ઢાકાની મલમલ જેવી સુંવાળી કાયામાં ઠેર-ઠેર હીરા-પન્ના જડ્યા છે, લૂંટતાં લૂંટાય નહીં એટલો ખજાનો છે તારી પાસે.’

‘એ ખજાનો મારો ક્યાં? એ તો હવે તમારે નામ થયો...’

- અને પછી તો હોટેલની બંધ રૂમમાં બપોર કે સાંજની વેળાએ રૂપની બેસુમાર દોલત છાશવારે લૂંટાતી રહી.

‘આપણે ક્યાં સુધી આમ ચોરીછૂપી મળતાં રહીશું!’

છેવટે સ્ત્રીની ધીરજ ખૂટી. નિરાવૃત બદન પર સરકતો પુરુષનો હાથ પકડી તેણે નજર સમક્ષ ધર્યો. જમણા હાથની એ હથેળીમાં પાંચને બદલે છ આંગળાં હતાં. અંગૂઠા સાથે જોડાયેલી નિર્જીવ, ટચૂકડી આંગળીને કારણે પોતે લાડથી એને હૃતિક (રોશન) કહેતી, પાછી તેની આંખો પણ માંજરી...

‘કેમ, હવે હું નથી ગમતો?’ પુરુષની પૃચ્છામાં ગજબની નટખટતા હતી, સ્ત્રીને પરવશ કરી મૂકે એવી...

‘મને શું નથી ગમતું એ તમે હજીયે ન સમજ્યા! સમાજથી છાનો રાખી થતો મેળાપ છાનગપતિયાં કહેવાય, આપણી પાવન પ્રીતને લોકમ્હેણાંથી શા માટે અભડાવવી?’

‘અર્થાત્...’

‘લેટ્સ ગેટ મૅરિડ!’

ઓહ! સત્વર પુરુષે ભાવપલ્ટો સંતાડ્યો. લગ્ન ટાળવા બ્હાનાંની તેની પાસે ક્યાં અછત હતી? સ્ત્રીને રમાડવામાં ઉસ્તાદ થઈ ચૂકેલો પુરુષ આજે પણ પોતાના કસબમાં પાર ઊતર્યો. લગ્નનો આગ્રહ પડતો મૂકી તેની સોડમાં ભરાતી સ્ત્રી પર હસવાનું મન થયું - હું ધનવાન પરિવારનો નબીરો તારા જેવી મામૂલી કન્યા જોડે પરણતો હોઈશ! છટ્!

સ્ત્રીના સમર્પણ અને પુરુષના છળની કહાણી ત્રીજી વ્યક્તિને સ્પર્શવાના સંજોગ ઢૂંકડા હતા.

* * *

‘ગજબ થઈ ગયો, તાનિયા.’

ચર્ની રોડની ખીમચંદ મૂળજી આર્ટ્સ કૉલેજના કમ્પાઉન્ડમાં પ્રવેશતી તાનિયાને સહાધ્યાયીઓએ બૂરા ખબર આપ્યા.

‘પંડ્યાસર ઇઝ નો મૉર.’

‘હેં!’

તાનિયા આંચકો છુપાવી ન શકી.

અંગ્રેજી સહિત્યમાં ગ્રૅજ્યુએશન કરતી તાનિયા બીએના સેકન્ડ યરની પ્રતિભાશાળી યુવતી તરીકે કૉલેજમાં પંકાયેલી હતી. લિટરેચરમાં તેને ઊંડો રસ. જગપ્રસદ્ધિ કવિ-લેખકોએ સર્જેલા ભાવવિશ્વમાં ખેડાણ કરવું તેને ગમતું. ગર્ભશ્રીમંત ખાનદાનનું કન્યારત્ન હોવા છતાં લક્ષ્મીની મોહમાયાથી અલિપ્ત રહેવાનું તે શીખી ગયેલી. તાનિયાનાં આરાધ્ય હતાં સરસ્વતીદેવી. સાદગી તાનિયાને મન કેળવવા જેવો સદ્ગુણ હતો. સ્વભાવે ઋજુ અને વાણીથી મૃદુ હોવા છતાં છલકતા આત્મવિશ્વાસને કારણે તાનિયાના વ્યક્તિત્વમાં આપોઆપ રુઆબ ઊભરાતો. કદાચ એટલે જ વયસહજ લોભામણી લાગતી તાનિયાને કુદૃષ્ટિથી જોવાની કોઈ હિંમત નહીં કરતું. ખરેખર તો પ્રાણીમાત્ર પ્રત્યે અનુકંપા દાખવનારી તાનિયામાં ધબકતી સંવેદનશીલતાએ તેને સૌની ફેવરિટ બનાવી દીધેલી. આમાં કૉલેજનો અધ્યાપકગણ પણ સામેલ હતો.

‘તાનિયા, તારા જેવી દંભ વિનાની પારદર્શિતા બહુ રૅર જોવા મળે.’ અંગ્રેજીના મુખ્ય પ્રાધ્યાપક પ્રોફેસર ડૉ. હૃષીકેશ પંડ્યા ઘણી વાર કહેતા. તીખા, કડક અને શિસ્તપ્રિય ગણાતા પંડ્યાસાહેબની પ્રિયતા પામવી સરળ નહોતી. બીજું કોઈ હોત તો તેની દાનતમાં શક જાગે, વિદ્યાને વરેલા ડૉ. પંડ્યા જેવા પ્રૌઢ પુરુષ માટે ગમે એમ ધરાય પણ કેમ! અને ગ્રેડ માટે કે પછી પીએચડી થવા તાનિયા પ્રોફેસરને પલોટે એવું તો કોઈ સ્વીકારે નહીં.

‘સર, પ્લીઝ, મને ઝાઝી વખાણો નહીં. પ્રશસ્તિ મીઠા ઝેર જેવી છે. સ્વાદમાં ગળચટી, પણ ગુણથી જીવલેણ! આવું મારી મમ્મી કહેતી હોય છે.’

‘તો-તો તને ડહાપણનો વારસો મા તરફથી જ મળ્યો, એમ કહેને.’

‘અંહ, એમાં પપ્પાનો પણ ફાળો ખરો.’

તાનિયાના ખુલાસામાં સ્હેજે અતિશયોક્તિ નહોતી. મહેતાકુટુંબ મુંબઈના લાડ સમાજમાં સંસ્કારવારસા માટે જાણીતું હતું. તાનિયાનાં મધર નામ પ્રમાણે ગુણસુંદરી હતાં, જ્યારે પિતા વિઠ્ઠલભાઈએ કપડાંના કરોડોના કારોબારમાં સિદ્ધાંતનિષ્ઠા જાળવી રાખી હતી. આવાં મા-બાપનાં સંતાનોની કેળવણીમાં કહેવાપણું ન જ હોય. તાનિયાથી ચારેક વર્ષ નાનો ભાઈ ઉરવ પણ મૂળિયાથી અળગો નહોતો.

તાનિયા ધારે તો ડૉક્ટર બની શકે એવો ઊંચો તેનો બુદ્ધિઅંક હતો, પરંતુ શરૂથી જ તેની રુચિ આર્ટ્સમાં હતી. લતાનાં ગીતોને તે ભાવથી માણતી, પિકાસોની ચિત્રકલાને સમજવા મથતી, શેક્સપિયરની કલમે તેને સાહિત્યના રંગે રંગી.

એવું તો હરગિજ નહોતું કે તાનિયા હંમેશાં કલ્પનાવિશ્વમાં રત રહેતી હોય... વ્યાવહારિક સૂઝ તાનિયામાં હતી જ. મિત્રો જોડે નિર્દોષ

મસ્તી-મજાક કરવા જેટલી સાહજિકતા પણ ખરી. મુંબઈના યુથ માટે સામાન્ય છે એવી નાઇટલાઇફ માણવાની ઘરે સખત પાબંદી હતી એનો જોકે તાનિયાને વસવસો પણ નહોતો. ફ્રેન્ડસર્કલમાં મૂવી જોવા જવું, હોટેલમાં ડિનરપાર્ટી માણવા જેવી છૂટછાટો તેને મન પૂરતી હતી. ગ્રુપમાં જોકે છોકરાઓ ખરા. વિઠ્ઠલભાઈ માનતા કે ચોક્કસ વય પછી છોકરા-છોકરી વચ્ચે મિત્રતા કેળવવાથી ઑપોઝિટ સેક્સ પ્રત્યે તંદુરસ્ત અભિગમ કેળવી શકાય છે.

માતાપિતાની શ્રદ્ધાનાં રખોપાં કરવાનો વિશ્વાસ ધરાવતી તાનિયા આજે કૉલેજના પ્રવેશદ્વારે પિતાતુલ્ય પ્રોફેસરસાહેબના ઓચિંતા નિધનના સમાચારે વિચલિત બની. આંખોમાં અશ્રુ છલકાયાં.

‘તાનિયા, હૅવ કરેજ.’

નજીકથી પસાર થતી મૌનવી અટકી, હેતથી તાનિયાનો પહોંચો દબાવ્યો, ‘જીવનની ક્ષણભંગુરતા અમારે તને સમજાવવાની ન હોય.’

તાનિયાથી ત્રણેક વરસ મોટી મૌનવી એમએના લાસ્ટ યરમાં હતી. પંજાબી ફૅમિલીને બિલૉન્ગ કરતી મૌનવી ચંડીગઢના વતનથી દૂર, મરીન ડ્રાઇવની ગલ્ર્સ હૉસ્ટેલમાં રહેતી. તાનિયા જાણતી કે વિધવા મા અને નાની ત્રણ બહેનોના ભરણપોષણની જવાબદારી મૌનવીના શિરે છે, એટલે તો મૉર્નિંગ કૉલેજ પછી બે જગ્યાએ ટ્યુશન્સ આપી જુનિયર ક્લર્ક તરીકે એકાદ કંપનીમાં પાર્ટટાઇમ જૉબ પણ કરે છે. કપરા સંજોગોમાં હિંમત હાર્યા વિના મૌનવીએ અભ્યાસ ચાલુ રાખ્યાનો તાનિયાને વિશેષ આનંદ હતો તો મૌનવી તાનિયાનાં વાણી-વર્તનથી પ્રભાવિત થયેલી. સિનિયર હોવાને નાતે તે તાનિયાને અસાઇનમેન્ટ્સમાં, પરીક્ષાટાણે માર્ગદર્શન પણ પૂરું પાડતી. આજે પણ સાંત્વના પાઠવવામાં તે અગ્રેસર હતી.

‘માણસમાત્રનું મૃત્યુ પૂર્વનર્ધિારિત હોય છે, એ કેમ ભૂલી ગઈ, તાનિયા!’

‘પણ દીદી, હજી કાલે તો તેમણે અમારો ક્લાસ લીધો, દિવાળી વેકેશનમાં વાઇફ સાથે કાશ્મીર ફરવા જવાનું પ્લાનિંગ હતું તેમનું... મૃત્યુ જરાય અણસાર આપ્યા વિના આવે એ કેમ ચાલે? યમરાજના એક આદેશે જીવનલીલા સંકેલી લેવાની, અધૂરા ખેલે બાજી સમેટી લેવાની?’

તાનિયાના સ્વરમાં આઘાત હતો.

‘તાનિયા, આવતી કાલનાં સમણાં જોવાની માણસની ફિતરત છે એમ અચાનક આવી પોતાનું ધાર્યું કરી જવાની મૃત્યુદેવની ખાસિયત.’ મૌનવીએ તટસ્થભાવે આશ્વાસન આપ્યું.’

‘દુનિયામાં રોજ લાખો મનુષ્યો મરતા હોય છે. મરનાર પરિચિત સુધીમાં હોય એટલા પૂરતું દુ:ખ થાય, તારા જેવી સંવેદનશીલ યુવતીને થોડું વધુ દુ:ખ અનભવાય.’

આંખની અટારીએથી ટપકતાં આંસુ લૂછી તાનિયાએ સ્વસ્થ થવા પ્રયત્ન કર્યો. જાહેરમાં નિજ લાગણીના પ્રદર્શનને તે આમેય યોગ્ય નહોતી માનતી.

‘મૃત્યુની વાસ્તવિકતા સ્વીકારવાથી જનારાની ખોટ ભલે ન પુરાય, તેમની ચિરવિદાયને સહેવાની શક્તિ તો મળી જ રહે છે.’

‘તમારી વાણીમાં અનુભવની પીઢતા છે, દીદી.’

‘કેમ કે મેં મૃત્યુને નિકટથી નિહાળ્યું છે, તાનિયા...’ પળવાર પૂરતો મૌનવીનો કંઠ રૂંધાયો.

‘ત્યારે હું માંડ ચૌદ વરસની હોઈશ... શ્રાવણની અંધારી રાત હતી, પિતાજીને છાતીમાં દુ:ખાવો ઊપડ્યો. આજુબાજુવાળાને સહાયના પોકાર પાડી મા ડૉક્ટરને તેડવા ખુલ્લા પગે દોડી ને કહેતી ગઈ - તારા પિતાની છાતી પસવારતી રહેજે. તેમની સાથે વાત કરતી રહેજે, જેથી હોંશ ટકી રહે, કહેજે મા ડૉક્ટરને લઈ હમણાં આવે છે, થોડું ખમી જાવ...’

થોડું ખમી જાવ... સ્વજનોની વિનંતીએ મોત ખમતું હશે?

‘ઘટનાથી બેખબર નાની બ્ાહેનો બીજા રૂમમાં સૂતી હતી. ન જાણે કઈ હિંમતે હું પપ્પાના પડખે બેઠી, રૂમાલથી તેમના શરીરે બાઝેલો પસીનો લૂછતાં બોલતી ગઈ : ચિંતા ન કરશો, પપ્પા, ડૉક્ટરની દવાથી ઝટ સારું થઈ જશે... જવાબમાં પાર વિનાની પીડા વચ્ચેય તેમના મુખ પર સ્ાહેજસાજ સ્મિત

ફૂટ્યું અને બીજી પળે તો ડોક ઢળી ગઈ! તાનિયા, હું નાદાન ત્યારે લવતી હતી - તમે સૂઈ કેમ ગયા, પપ્પા? હવે દુ:ખતું નથીને!’

હાય રે. પિતાના ખોળિયામાં પ્રાણ નથી રહ્યા, વીજળી ત્રાટકી ચૂકી છે એનો દીકરીને અંદાજો સુધ્ધાં નથી!

‘અરે, ડૉક્ટરને લઈને મા આવી ત્યારે હું કહું છું કે અંકલને ખોટો ફેરો થયો, પિતાજી તો શાંતિથી સૂતા છે!’ મૌનવીએ ગળું ખંખેર્યું. એ તો માએ ઠૂઠવો મૂકી ચૂડલો ભાંગ્યો ત્યારે સમજાયું કે પિતાજી એવી નીંદરમાં પોઢ્યા છે જેમાંથી ક્યારેય કોઈ જાગી શક્યું નથી!’

અરે રે.

‘મને તો આનાથીયે વરવો અનુભવ છે.’ સુચિત્રા બોલી ઊઠી, ‘બે વર્ષ અગાઉ અમારું આખુ કુટુંબ બાય રોડ શ્રીનાથજીનાં દર્શને જવા નીકળેલું. કુલ ત્રણ ક્વૉલિસ ભાડે કરેલી. એમાંની એકને અમદાવાદ નજીક અકસ્માત નડ્યો એમાં મારા પિતરાઈ કાકાને ટ્રક નીચે કચડાતા મેં જાતે જોયેલા.’

ઊંહ. તાનિયા અરેરાટીમાં આંખો મીંચી ગઈ.

પ્રોફેસર પંડ્યાના દેહાંતને કારણે કૉલેજ બંધ હતી. અડધી રાત્રે બાથરૂમ ગયેલા પ્રાધ્યાપક ભીની લાદી પર લપસતાં બ્રેઇન હૅમરેજનો ભોગ બન્યા. પામતા પહોંચેલા હોવા છતાં જીવ બચાવવામાં લક્ષ્મી કામ ન આવી એ શ્રીમંતોએ યાદ રાખવા જેવું છે. સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કરી ગ્રુપ વિખેરાયું.

‘તાનિયા, હું તને ડ્રૉપ કરી દઉં.’ તાનિયાને અપસેટ ભાળી તેને એકલી જવા દેવાનું મૌનવીને ઠીક ન લાગ્યું.

‘દીદી, સાચું કહેજો,’ સ્કૂટીની પછવાડે બેઠેલી તાનિયાએ પૂછ્યું, ‘ખોળિયામાંથી પ્રાણ નીકળે એની જાણ સરખી આસપાસ ઊભેલાને નથી થતી? માનવદેહનું ચેતનતત્વ વાતાવરણમાં ભળ્યાનો સ્ાહેજે ચમકારો નથી વર્તાતો? મૃત્યુને મેં કોઈ દિવસ જોયું નથી...’

‘ઈશ્વર કરે કદી જોવાનું ન બને.’ મૌનવીએ કહ્યું તો ખરું, પરંતુ તાનિયાને મૃત્યુનો સાક્ષાત્કાર તે ખુદ કરાવે એવું કંઈક બનવાનું હતું!

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK