અન્ય ભાગ વાચો
સમીત (પૂર્વેશ) શ્રોફ
‘બા, ટૅક્સી આવી ગઈ.’
વૉચમૅનના સાદે રિસેપ્શનરૂમમાં ટૅક્સીની વાટ જોતાં વૃંદાબા ઊઠ્યાં. બે ડગલાં ચાલ્યાં હશે ત્યાં ફોન રણક્યો. રવિવારે જાહ્નવીની રજાને કારણે ફોન રિસીવ કરવાની જવાબદારી વૉચમૅનની રહેતી. તે બહારથી આવે એ પહેલાં વૃંદાબાએ રિસીવર ઊંચક્યું, ‘હલો’. ‘જાહ્નવી દવે નથી આજે?’
વૃંદાબા ચમક્યાં : આ અવાજ...
‘આજે તેની સગાઈ છે.’
‘ઓહ! બેવકૂફ છોકરી. કેટલું સમજાવી તેને કે ઓમ એક નંબરનો લબાડ છે... પબ્લિક પાસેથી ઉઘરાવેલા ફન્ડમાં તેણે ગોટાળા જ ગોટાળા કર્યા છે. જેવાં તેનાં નસીબ, બીજું શું!’
આટલું કહી ફોન કરનારે તો કનેક્શન કાપી નાખ્યું, પણ વૃંદાબહેનના દિલદિમાગમાં ખળભળાટ સર્જાઈ ચૂક્યો હતો!
‘નહીં ભાઈ, આપણે કાંદિવલી નથી જવું.’ ટૅક્સી ગલીની બહાર નીકળતાં તેમણે શ્વાસ ઘૂંટ્યો, ‘તું તારે પેડર રોડ લઈ લે.’
દીકરાના અપરાધને મા એક અવાજમાં પારખી ગઈ હતી!
€ € €
‘ઓમ...’
જાહ્નવીએ બે હાથની હથેળીમાં ધરેલો દુપટ્ટો ઓમે જમણા હાથે ઉઠાવતાં જ...
ધડધડાધડ અંદર વીંટેલાં બંડલ્સ વીખરાયાં. ઓમ ઊભો થઈ ગયો, જાહ્નવીએ હોઠ કરડ્યો, તમામેતમામની નજર ચકાચૌંધ થઈ. ગણગણાટ શમી ગયો. હૉલમાં ફરતા પંખા સિવાય જાણે સર્વ કંઈ સ્થિર બન્યું.
‘આ શું ઓમ! આ...ટલા બધા રૂપિયા?’ નારાયણભાઈએ અચરજ જતાવતાં જાહ્નવીની શંકા ખાતરીમાં ફેરવાઈ.
‘ઓમબેટા, તારા વૉર્ડરોબમાં કૅશ હોય જ ક્યાંથી? ધંધાના પૈસા પણ તું મને આપતો હોય છે.’
સુલેખાબહેનના ઉદ્ગારે ઓમ ગુનેગાર હોવા બાબત કોઈ સંદેહ ન રહ્યો.
‘જી...’ ઓમને ફાંફાં પડ્યાં, કતરાઈને જાહ્નવી તરફ દૃષ્ટિપાત કરી લીધો.
‘રહેવા દો ઓમ, તમારી જીભ નહીં ઊપડે સત્ય કહેતાં...’
તંગ મુખમુદ્રા સાથે બોલતી જાહ્નવીના તેવરે સૌને ચોંકાવ્યા. નયનાબહેન દીકરીને વારવા ગયાં, પણ જાહ્નવી હવે વારી વળે એમ નહોતી.
‘અંકલ-આન્ટીજી...’
પપ્પા-મમ્મીજીમાંથી આણે અમને અંકલ-આન્ટી બનાવી દીધાં! બદલાતા સંબોધનમાં સગાઈ બાબત જાહ્નવીનો બદલાયેલો નિર્ણય પડઘાતો હોવાનું સુલેખાબહેનની જેમ બાકીનાનેય પરખાયું.
‘તમારી જેમ અમનેય ઓમના મદદગાર હોવાના ગુણનું અભિમાન હતું, મારા માટે તો આકર્ષણનો તે મુખ્ય આધાર હતો... પણ વૃંદાબાની એ એક સફળતાએ ઓમને કેટલો બદલી નાખ્યો એ તમે નહીં જાણતાં હોવ... તમારો ઓમ ‘માસ્ટરમાઇન્ડ’ નવલકથાના હીરો જેવો બની ગયો!’
‘નૉવેલ! હીરો! આ શું બકવાસ છે?’ નારાયણભાઈ તપી ગયા.
‘આ...ઈ ડોન્ટ નો!’ ઓમનો પિત્તો ઊછળ્યો, ‘જાહ્નવી...’
‘અવાજ ઊંચો કરવાથી સચ્ચાઈ બદલાઈ નથી જતી, ઓમ,’ જાહ્નવી જુસ્સાથી બોલી, ‘અજાણ્યા આદમીએ મને ફોન કરી ચેતવી, હું ન માની. ડૉ. નાણાવટીએ તમને ફ્રૉડ કહ્યા તોય કો’ક ખૂણે મારી આશા જીવંત હતી, પણ રૂપિયાના પુરાવાએ ભ્રમ ભાંગી ભેદ ખોલી દીધો, ઓમ!’
‘મહેરબાની કરી જાહ્નવી, કંઈ સમજાય એમ બોલીશ?’
‘હજીયે બનાવટ, ઓમ! મારા મોંએ જ બોલાવવા માગો છો તો સાંભળો. વૃંદાબાના કેસમાં લાખોનું ડોનેશન મળતાં તમારી દાઢ સળકી. ભિખારણ ગંગુબાઈનો બનાવટી કિસ્સો ઊપજાવી તમે...’ જાહ્નવી એકશ્વાસે ઘટના વર્ણવી ઉમેરે છે, ‘કોને ખબર, ત્યાર પછીયે તમે ભોળી જનતાને મૂરખ બનાવી હશે! તમારા પાપે ઓમ, લોકો સાચા જરૂરતમંદને પણ મદદ કરતાં ખંચકાશે.’
સુલેખાબહેન ધબ દઈને બેસી પડ્યાં. નારાયણભાઈ આવેશમાં હાથની મુઠ્ઠી ઉઘાડબંધ કરતા હતા. ઓમ પૂતળા જેવો ઊભો હતો.
શી પ્રતિક્રિયા પાઠવવી એ કોઈને સૂઝતું નહોતું, ત્યાં...
‘બેબુનિયાદ છે તારા આરોપ, જાહ્નવી!’
હૉલને દરવાજો ખુલ્લો હતો. વાસેલી જાળી ઉઘાડી હેત્વી ધસી આવી, ‘ક્યારની બહાર ઊભી સાંભળું છું, તારી રામાયણ.’ તેની છાતી હાંફતી હતી, ‘તને મેં આટલા કાચા કાનની નહોતી ધારી. દેવ જેવા મારા ભાઈને દાનવ ચીતરવાનો તારો પ્રયાસ નિંદનીય છે.’
માહોલ જ એવો સર્જાયો હતો કે દીકરી પોતાની પરમિશન વિના ઘરમાં દાખલ થઈ ચૂક્યાનો નારાયણભાઈને ઝબકારો સુધ્ધાં ન થયો.
‘દીદી, કૅશના પુરાવા પછી પણ...’
‘પુરાવાનું તારું આશ્વાસન જ ખોટું છે, જાહ્નવી. મારો ભાઈ ચૂપ છે તો મારી ખાતર.’
એટલે?
‘યાદ છે, જાહ્નવી? પહેલી વાર તું ઘરે આવી ત્યારે એક ફોનને કારણે ઓમ તને ડ્રૉપ કરવા આવી નહોતો શક્યો? એ મારો ફોન હતો. બહેનની મુસીબતમાં મદદે પહોંચવા ભાઈ દોડ્યો હતો.’ હેત્વીએ ગળુ ખંખેર્યું, ‘મારા સાસરે ઇન્કમ-ટૅક્સની રેઇડ પડે એમ હતું. ત્યારની આ રોકડ રકમ મેં ઓમને સાચવવા આપી છે.’
હેં!
‘આનો અર્થ તો એ થયો દીદી, કે ભાઈ-બહેન વચ્ચે સંપર્કસેતુ...’
‘સજીવ હતો. આ જ એ સત્ય, જાહ્નવી, જે ઓમ પોતાની પત્નીને જણાવી શકે, પ્રેમિકા કે વાગ્દત્તાને નહીં. પિતાના વિરોધને કારણે ઓમના નિર્ણયની વહેવારુતા તને સમજાવી જોઈએ.’
પિતાનો વિરોધ. હવે બધાની નજર નારાયણભાઈ પર ખોડાઈ.
‘નહીં, પપ્પા, આજે ગુસ્સો નહીં.’ હેત્વીએ હાથ જોડ્યા, ‘મનચાહ્યા સાથીને પરણવાની સજારૂપે ત્રણ-ત્રણ વરસથી પિયરનો વિરહ સહું છું, પણ ભાઈના અવસરે કેમ આઘેરી રહું? વિનાનિમંત્રણે આવી ચડી છું, પપ્પા ને સ્વીકાર પામ્યા વિના જવાની નથી.’
નારાયણભાઈનાં જડબાં તંગ થયાં. ગમે તે ઘડીએ ભારેલો અãગ્ન ભભૂકશે એની ધાસ્તીમાં સુલેખાબહેનનું હૈયું ભીંસાતું હતું.
‘મારી ભૂલ એ થઈ કે દૂર રહી હું પિતાના ક્રોધનો પર્વત પીગળવાની રાહ જોતી રહી... ભૂલી ગઈ કે પિતૃહૃદયને પિગાળવા દીકરીનાં આંસુ કાફી હોય છે! આજે મારાં અશ્રુ અને તમારા અંતરની પરીક્ષા છે, એમ માની લો, પપ્પા.’ હેત્વીએ ઘૂંટણિયે બેસી તેમનાં ચરણ પકડ્યાં, ‘માથે આર્શીવાદનો હાથ મૂકશો નહીં ત્યાં સુધી હું હટવાની નથી, આખરે તમારું જ લોહી મારામાં વહે છે, પપ્પા, હુંય તમારા જેટલી જ જિદ્દી.’
સુલેખાબહેન ઊભાં થયાં. લથડાતી ચાલે બે ડગલાં ભરી પતિની પીઠે માથું ટેકવ્યું. સામે ઓમ હાથ જોડી આજીજી દાખવતો હતો. ઘડીભર સગાઈમાં આવેલી બાધા વીસરી જવાઈ ને દીકરીના પુનરાગમનનો મુદ્દો અગત્યનો બની ગયો.
‘દીકરીને જેટલી વાંકી વાળેલી રાખશો, પપ્પા, એટલો શ્રમ તેના ગર્ભમાં પોષાતા તમારા દોહિત્રને પડશે.’
ખલાસ!
હવે પિતૃજીવ હાથ ન રહ્યો. ખુશખબરીની હેલીમાં ક્રોધ, રીસ વહી ગયાં, નારાયણભાઈએ દીકરીને છાતીસરસી ચાંપી દીધી.
‘પપ્પા, હું તો વગરબોલાવ્યે આવી ગઈ, તમારા જમાઈ હજી બહાર જ ઊભા છે.’
નારાયણભાઈ હેતપૂર્વક યશને દોરી લાવ્યા. સ્નેહમિલનનાં દૃશ્યો દરમ્યાન જાહ્નવી સંકોચાઈને બાજુએ ઊભી રહી.
‘દીદી, તમે તો મનેય સરપ્રાઇઝ આપી. શુભ સમાચારનો તમારો ઇશારો અત્યારે ખૂલ્યો.’
‘ઓમ, અમારું આગમન તમને ફળવું પણ જોઈએ.’ યશે જાહ્નવી તરફ નજર ફેરવી, ‘જાહ્નવી હવે તો તને...’
યશ પ્રશ્ન પૂરો કરે એ પહેલાં...
‘ક્યાં છે? ક્યાં છે ઓમ શાહ?’
ડોરબેલ રણકાવી વંટોળિયાની જેમ ધસી આવનારા હતા ડૉ. શ્રીકાન્ત નાણાવટી. ઓમના કબાટમાં નોટનાં બંડલ દેખાતાં જાહ્નવીએ તેમને મોબાઇલ કરી બોલાવી લીધેલા : ઓમ વિરુદ્ધનું સૌથી સબળ સબૂત તમે જ હોઈ શકો, ડૉક્ટર!
‘ડૉક્ટર...’ જાહ્નવી આગળ આવી, ‘તમે ઓમને નથી ઓળખી શકતા?’
ડૉક્ટરે દરેક પુરુષચહેરાને ધારી-ધારીને નિહાળ્યો. હમણાં બૉમ્બ ફાટશે એવી ભીતિ ઓછાવધતા અંશે સૌને રહી, પણ- ‘મને તેનો ચહેરો આછોપાતળો યાદ છે - અંહ, આમાં તે ઓમ શાહ નથી.’
હાશ!
‘ઓ માય ગૉડ...’ ઓમે ચિત્કાર નાખ્યો, ‘આનો અર્થ તો એ કે મારા નામે તમને
કોઈએ છેતર્યા.’
‘મને જ નહીં, બેટા, આમ જનતાને તેણે છેતરી. પારકાં દુ:ખ દૂર કરવા ઉદાર જીવે મદદનો ધોધ વહાવી જાણતી પ્રજાને ચીટ કરી એ માનવતાનો ગુનેગાર બન્યો...’
જાહ્નવી મૂઢ હતી.
‘જાહ્નવી, હવે તો ખાતરી થઈને કે ભાઈને છાવરવા હું જૂઠ નહોતી બોલી? હજીયે તારા મનમાં સંશય હોય...’
નજર નીચી રાખી જાહ્નવીએ ડોક ધુણાવી.
‘કૅશનો ખુલાસો થયો, પરંતુ ઓમને ફ્રૉડ કહેનારા ડૉ. નાણાવટી એકલા નહોતા...’
‘બસ થયું, જાહ્નવી,’ નયનાબહેને દીકરીને ડારો આપ્યો, પણ જાહ્નવી કંઈક જુદું જ કહેવા માગતી હતી, ‘શુભચિંતક બની મને ફોન કરનારે ઓમ વિરુદ્ધ ચેતવી હતી, તમે ફસાયાં છો એમ કહીને.’
‘ઓહ, એટલે તું મને હિસાબ-કિતાબ પૂછતી હતી!’
‘જી. પણ હવે એવી ભૂલ નહીં કરું.’ હેત્વીનો હાથ હાથમાં લઈ જાહ્નવીએ ઓમ પર નજર ટેકવી, ‘આ બધા પાછળ ઓમનો કોઈ હિતશત્રુ હોવાનું હું પામી ચૂકી છું. તેના ભુલાવામાં પડી મેં સૌનાં દિલ દૂભવ્યાં. કયા મોઢે માફી માગું? હા, એટલું જરૂર કહીશ કે જ્યાં સુધી આપણી ખુશીઓના દુશ્મનનો પર્દાફાશ નહીં કરું ત્યાં સુધી મારી આંગળીમાં ઓમની વીંટી નહીં ચઢે. મારું આ જ પ્રાયિત્ત હોઈ શકે!’
સૌ અભિભૂત બન્યા. ઓમ જાહ્નવી સામે હૂંફાળું મલકી પડ્યો.
‘અરે મૉમ, આ બધી ધમાલમાં આપણે વૃંદાબાને તો વીસરી જ ગયાં! સાડાછ થવાના. બા કેમ હજી પહોંચ્યાં નહીં?’
‘તેં નામ દીધું, ઓમબેટા, ને હું આવી પહોંચી.’
બેઠક લઈ, પાણી પી વૃંદાબહેને હાથ જોડ્યા, ‘પહેલાં તમારા સૌની માફી માગી લઉં.’
ઓમ-જાહ્નવી તેમની પાસે દોડ્યાં, ‘શેની માફી, બા?’
‘મારા દીકરાઓની કરણીની!’ વૃંદાબાએ વિગતે ખુલાસો કર્યો. સમારંભનું પ્રમુખપદ બીજાને મળતાં છંછેડાયેલા નીરજ-સારંગે માને કારણે સાંપડેલી બદનામીમાં ઓમને નિમિત્ત ઠેરવી દુ:ખી કરવા ઇચ્છ્યો, એ માટે મારી કાનભંભેરણીનો રસ્તો અપનાવ્યો તેમણે! જાહ્નવી ડઘાઈ ગઈ.
‘નીરજનો અવાજ પરખાતાં હું સીધી તેના ઘરે પહોંચી...’
માને જોઈ નીરજ-લાવણ્યા ભેગાં ત્યાં હાજર સારંગ-મોહિની પણ આંચકો પામી ગયેલાં. ખરેખર તો જાહ્નવીની સગાઈનું સાંભળી ચારેય ‘હવે શું કરવું’ની ચર્ચા માટે ભેગાં થયેલાં.
‘અમે તો પહેલેથી કે’તાં’તાં, માત્ર ફોન કરવાથી જાહ્નવી કંઈ ઓમને દોષી માની ન લે...’ બૈરીઓએ કકળાટ શરૂ કરી દીધેલો. બીજા પ્લાનમાં ઓમને ભાડૂતી આદમીઓ રોકી ખોખરો કરવાનું વિચાર્યું ત્યાં મા ક્યાં આવી પડી!
‘બા તું...’
‘બસ, ભાવુક થવાની જરૂર નથી, નીરજ.’ લાવણ્યાએ શબ્દોના ચાબુકથી પતિને વશ કરી સાસુ તરફ સઢ ફેરવ્યો, ‘કેમ રે ડોસી, પાછી કેમ આવી?’
જવાબમાં ન ધારેલું, ન કલ્પેલું બન્યું હતું. આગળ વધી વૃંદાબાએ બન્ને પુત્રોને કચકચાવીને લાફો વીંઝી દીધો, ‘આ તમાચાની ગુંજ જીવનભર યાદ રાખજો ને મારા ઓમથી દૂર રહેજો. તેને કે જાહ્નવીને કંઈ પણ થયું તો તમારી આ મા દૂધનું સગપણ વીસરી જશે એટલું સ્મરણમાં રહે.’
સાસુના દીદારે વહુઓની જીભ ઝલાઈ ગઈ. ઝડપથી બન્નેએ પતિની આડશ લઈ
લીધી હતી!
‘ઓ બા, તમે તો ખરેખર બાઉન્ડરી ફટકારી!’ ઓમ-જાહ્નવી તેમને
વીંટળાઈ વળ્યાં.
‘જાહ્નવી, હવે તું ને ઓમ બાકી બચેલા ગુનેગારની શોધમાં લાગી જાઓ.’ હેત્વીએ બાકીના વતી ભાવનાને વાચા આપી, ‘તમને હોય કે ન હોય, અમને ઉતાવળ છે તમને પરણાવવાની, શું સમજ્યાં!’
€ € €
‘ઓમ, ધૅટ ફ્રૉડે શ્રીકાન્તસાહેબને વૃંદાબા સાથેનો ફોટો બતાવેલો, જે સાચો હોય તો બદમાશે એ તસવીર ‘વિશ્રાંતિ’માં જ પાડી હોવી જોઈએ...’ જાહ્નવીએ ભેજું કસ્યું, ‘અર્થાત્ તે શખસ બાને મળવા આશ્રમ આવ્યો હોવો જોઈએ, ને તો-તો આશ્રમના ક્લોઝ્ડ-સર્કિટ ટીવી (સીસીટીવી) કૅમેરામાં ઝડપાયો પણ હોય! આઇ હૉપ, આટલો પુરાણો બૅકઅપ ક્યાંક જળવાયો હોય.’
‘વિશ્રાંતિ’માં વૃદ્ધોની સુરક્ષાના પગલારૂપે સીસીટીવી કૅમેરાની સવલત ઘણા સમયથી હતી. સદ્ભાગ્યે પાછલા નવ મહિનાનો બૅકઅપ કમ્પ્યુટરમાં સચવાયો હતો, જે નિહાળતાં ડૉ. નાણાવટી એક તબક્કે ચિલ્લાયા : આ રહ્યો સો કોલ્ડ ઓમ શાહ!
‘અરે, આ તો વિરાટ જાગીરદાર!’ ઓમનો ચહેરો સહેજ ફિક્કો પડ્યો, ‘અમારા અપ-ડાઉનનો એક સમયનો સાથી. હવે યાદ આવે છે, જાહ્નવી, મેં સંભળાવેલી ‘માસ્ટરમાઇન્ડ’ બુકની સ્ટોરીમાં તેને ખૂબ રસ પડેલો. વૃંદાબાના કેસ વિશેય મને ઘણી પૂછપરછ કરેલી... છ-સાત મહિનાથી ટ્રેનમાં દેખાતો નથી, અન્ય સાથીઓ એમ પણ કહેતા કે તેને લૉટરી લાગી છે! કોઈએ કહ્યું તે ગુજરાત મૂવ થઈ ગયો છે... ટ્રેનમાં રોજ નવા ચહેરા આવતા હોય ત્યાં વિદાય લેનારાનો ચહેરો યાદ કેટલો વખત રહે!’
જે હોય તે, વિરાટ જાગીરદાર, હવે તું જનતાને વધુ છેતરી નહીં શકે!
€ € €
ઉપસંહાર
ડૉ. નાણાવટી સાથે ઓમે લખાવેલી પોલીસ-ફરિયાદને આધારે મહિના પછી વિરાટની નવસારીથી ધરપકડ થઈ ત્યાં સુધીમાં તે મુંબઈ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં દાનની ટહેલના ખેલ રચી લાખો રૂપિયા ઉસરડી ચૂકેલો... મિ. નટવરલાલના નામે તેની કરમકથની અગ્રણી દૈનિકમાં છપાઈ એના અંતમાં સગાઈના બંધને બંધાઈ ચૂકેલાં ઓમ-જાહ્નવીની વાચકોજોગ સહિયારી અપીલ હતી.
આ કિસ્સા પરથી, મદદ માગનાર ફ્રૉડ હોઈ શકે એવું ધારી હાથ પાછો વાળશો નહીં, કેમ કે છેતરાવાના ભય છતાં આ પુણ્ય કમાવા જેવું છે! અને આજ સુધી મદદગાર નીવડેલા આપ સૌ ધન્યવાદને પાત્ર છો... અસ્તુ
(સમાપ્ત)
સૂપ, કટલેટ કે પરાઠાંને ફ્લેવર આપવી હોય તો ઘરે જ બનાવો ડ્રાય હર્બ્સ
Dec 12, 2019, 13:52 ISTજૈન નવરત્ન કુરમા બનાવવાની રીત
Dec 10, 2019, 13:19 ISTઆલૂ મેથી, તડકા દાલ અને પનીરની લઝીઝ પંજાબી વાનગીઓ ખાવા ચાલો
Dec 10, 2019, 13:11 ISTભવ્યાતિભવ્ય ગુજરાતી આઇકૉનિક ફિલ્મ અવૉર્ડ્સ ૨૫ ડિસેમ્બરે યોજાશે અમદાવાદના આંગણે
Dec 10, 2019, 10:11 IST