કથા-સપ્તાહ - મદદગાર (દેવ કે દાનવ - 4)

Published: 29th December, 2011 06:47 IST

કશુંક એવું છે, જે હું મારી પત્નીને જ કહી શકું, વાગ્દત્તાને નહીં! કશુંક એવું છે, જે હું મારી પત્નીને જ કહી શકું, વાગ્દત્તાને નહીં!

 

અન્ય ભાગ વાચો

1 | 2 | 3 | 4

-સમીત (પૂર્વેશ) શ્રોફ

કશુંક એવું છે, જે હું મારી પત્નીને જ કહી શકું, વાગ્દત્તાને નહીં!

ઓમના શબ્દો રાતભર જાહ્ન્વીના ચિત્તમાં સળવળ્યા કર્યા.

અરેન્જ્ડ મૅરેજમાં પતિ-પત્ની એકમેકને જાણે-સમજે એમાંથી વિfવાસની ધરી રચાય, જે પ્રેમના ઉદ્ગમનું કારણ બને. જાહ્ન્વીમાં આની સમજ હતી. તેના સંસ્કાર, કેળવણીમાં કહેવાપણું નહોતું. ઓમ સાથે આત્મીયતા અનુભવાતી, પણ એથી તેની કરણીને આંખ મીંચી સ્વીકારી લેવાની? ઓમ તેમની વાગ્દત્તાને વિfવાસમાં લઈ શક્યા ન હોય તો મારે શા માટે મારા ફિયાન્સ પર આંધળો ભરોસો મૂકવો જોઈએ!

ના, ના, આવી સરખામણી અર્થહીન છે... ઓમના વાક્યનું હું ગલત અર્થઘટન કરું છું. આમાં વિfવાસનો નહીં, સંબંધની અંગતતાનો મુદ્દો છે. ઓમ પત્નીથી કશું છાનું રાખવા નથી માગતા એટલું તો સ્પષ્ટ થાય છે જ.

તો પછી મને વાંધો શું છે?

ક્યાંક મને અવગણી ઓમે મિત્રને આપેલું મહત્વ ખટક્યું હોય એટલે તો...

ધીરે-ધીરે જાહ્ન્વીના ગાલે સુરખી છવાઈ : આ તો પઝેસિવનેસ થઈ! ઓમ મને આટલા પ્રિય થઈ પડ્યા?

તારે લગ્નનો નિર્ણય ફેરબદલ કરવો હોય તો છૂટ છે!

કેવી સલૂકાઈથી તમે કહી દીધું, ઓમ! પણ હવે તમને છોડે તે બીજા... જાહ્ન્વીને થયું, વહેલી પડે સવાર ને હું ઓમની માફી માગી લઉં!

€ € €

‘ઓમ, હું પત્ની થવા સુધી રાહ જોઈશ,’ જાહ્ન્વી.

ઓમ હળવો થઈ ગયો.

€ € €

ઓમ જોડે વાત થયા પછી જાહ્ન્વીને બધું ગમતીલું લાગવા માંડ્યું.

‘અરે વાહ, આજે તો બીટિયા કોયલની જેમ ટહુકે છેને!’

વૃંદાબહેને જાહ્ન્વીનાં ઓવારણાં લીધાં.

‘સાસરિયાના આમ્રકુંજમાં પણ આમ જ ચહેકતી રે’જે.’

‘મને એ સુખ તમારા થકી જ સાંપડ્યું છે, વૃંદાબા.’

‘જોડી સ્વર્ગમાં બનતી હોય છે, આપણે મનુષ્યો તો નિમિત્ત માત્ર.’

એ જ વખતે રિસેપ્શનનો ફોન રણકતાં જાહ્ન્વીએ દોડવું પડ્યું. લગ્ન પછી જૉબને બદલે ઓમ જોડે દાદરની ઑફિસે જવાનો પ્લાન હતો. નવી નિમણૂક ન થાય ત્યાં સુધી ઘરડાઘરની નોકરી જોડે ચાલુ રાખવી પડે એમ હતું.

‘યસ, પ્લીઝ...’ તેણે રિસીવર ઉઠાવ્યું.

‘કોણ, મિસ જાહ્ન્વી દવે બોલો છો?’ સામે છેડેથી ભરાવદાર સ્વરે ગુજરાતીમાં થતી પૃચ્છા જાહ્ન્વીને સહેજસાજ અચરજ પમાડી ગઈ, ‘જી... આપ કોણ?’

‘તમારો શુભચિંતક. તમે કાંદિવલીના ઓમ શાહ જોડે પરણવાનાં છોને? તો તમે ફસાયાં છો. તે છોકરો એક નંબરનો બદમાશ છે. મદદગાર થવાને બહાને તેણે પબ્લિક ડોનેશનમાં ગફલો કર્યો છે, તેનું ચારિhય પણ સાફ નથી. મેં તમને ચેતવી દીધાં, હવે તમે જાણો!’ ફોન કટ થયો.

જાહ્ન્વી સ્તબ્ધ બની.

€ € €

‘ઓમ, વૃંદાબાના કેસમાં કેટલું ડોનેશન આવેલું? એનો હિસાબકિતાબ તમે રાખ્યો જ હશેને!’

‘ઓહ જાહ્ન્વી. પરમ દિવસે આપણા એન્ગેજમેન્ટ છે, એના શૉપિંગની મજા માણવાને બદલે

તું અકાઉન્ટ્સની હિસ્ટરી ક્યાં ઉખેળવા બેઠી!’

ઓમે જતાવેલો કંટાળો સ્વાભાવિક છે કે સૂચક છે, જાહ્ન્વીને સમજાયું નહીં!

સગાઈના શુભ દિવસની સવાર સુધી તેના દિમાગમાં તો અજાણ્યા આદમીની ચેતવણી સમુદ્રનાં મોજાંની જેમ અફળાતી રહી : તમે ફસાયાં છો!

€ € €

નો. ઓમમાં મારો વિશ્વાસ હું ડગવા નહીં દઉં. ઓમ વિરુદ્ધ ઝેર ઓકનારો મારા શુભચિંતકને બદલે ઓમનો હિતશત્રુ પણ હોઈ શકે!

ઘરમંદિરમાં શીશ ઝુકાવી જાહ્ન્વીએ સંકલ્પ ઘૂંટ્યો.

આજે રવિવારની રજા હતી, સગાઈનું મુહૂર્ત બપોરે સાડાચારનું હતું. ખરેખર તો ઘર-ઘરના ગણાય એવા પંદર-વીસ સ્વજનોની હાજરીમાં ઓમને ત્યાં જ ફંક્શન નર્ધિાર્યું હતું. જાહ્ન્વીનાં ફોઈ આગલી રાતે વલસાડથી આવી ગયેલાં. ત્રણેક વાગ્યે ટૅક્સીમાં નીકળી, ઘરડાઘરમાંથી વૃંદાબાને પિક-અપ કરી ચાર વાગ્યા સુધીમાં કાંદિવલીના સાસરે પહોંચવાનું પ્લાનિંગ બોરીવલીથી રણકેલા ફોને ડહોળી નાખ્યું.

બોરીવલી રહેતા જાહ્ન્વીના કાકા બાથરૂમમાં સ્લિપ થતાં હૉસ્પિટલાઇઝ્ડ થવાની નોબત આવી હતી. આ સંજોગોમાં ભાઈ-ભાભી, બહેને જવું રહ્યું એટલે સાથે જાહ્ન્વીનેય લઈ લીધી: વિવાહનાં વસ્ત્રો-સામગ્રી પણ લઈ લઈએ, કાકાને ત્યાંથી જ તારા સાસરે જવા નીકળી જઈશું... જાહ્ન્વીએ વૃંદાબાને ફોન જોડી બદલાવ સમજાવી દીધો : વૉચમૅન તમને ટૅક્સીની વ્યવસ્થા કરી આપશે, સરનામાનો કાગળ તો તમારી પાસે છે જ... 

આ બાજુ સુલેખાબહેને ચિંતા જતાવી : ઓમને તો હું કાકાને ત્યાં મોકલું જ છું, પણ ફંક્શન પોસ્ટપોન કરવું પડે એવું તો નથીને? ત્યારે જાહ્ન્વીનાં મધરે કહેવું પડ્યું : ના, ના. એટલું સિરિયસ નથી, હા કાકા-કાકી કદાચ હાજરી નહીં પુરાવી શકે. તેમના આશિષ ફરી ક્યારેક મળી રહેશે, બીજું શું?

€ € €

‘કાકા, થોડું જમી લો.’

બાથરૂમમાં ઊંધા માથે પટકાયેલા રમણીકભાઈનાં હાડકાં સલામત રહ્યાં, પણ માથામાંથી પુષ્કળ લોહી વહેતાં હૉસ્પિટલમાં દાખલ થવાનું બન્યું. સર્જરીની જરૂર નહોતી, ડ્રેસિંગ કરી ૨૪ કલાક ઑબ્ઝર્વેશનમાં રાખવાના હતા.

‘મારા વિવાહના દિવસે જ તમે પડવાના થયા!’ કોળિયો ભરાવતાં જાહ્ન્વીએ મીઠી રીસ દાખવી. ઘરમાં તે સૌની લાડકી હતી.

દવેપરિવાર અહીં પહોંચ્યો ત્યારે ઓમને બદલે નારાયણભાઈ હાજર હતા : સાંજના પ્રસંગની તૈયારીને કારણે ઓમ આવી ન શક્યો...

‘કે’વું પડે હોં તારા સસરાનું. અમારી સાથે ખડેપગે રહ્યા.’ તેમના નીકળ્યા બાદ કાકીએ વખાણ શરૂ કરી દીધાં એ દીકરીની મા તરીકે નયનાબહેનને પોરસાવા જેવું લાગેલું. થોડી વારે તમામને ઘરે મોકલી જાહ્ન્વી દવાખાને રોકાઈ હતી : કાકાને હું જમાડી દઈશ, કલાક પછી મને છોડાવવા મીતેશભાઈ, તમે આવી જજો...

કાકાને જમાડી-સુવડાવી જાહ્ન્વી સમય પસાર કરવા લૉબીમાં ઊભી રહી.

‘રે મારા દેવ, આટલો મોટો ખર્ચો કેમ કાઢીશું?’

સામા બાંકડે આંસુ સારતાં દંપતી ફરતે બે-ચાર સગાંનું ટોળું હતું. જાહ્ન્વીએ પૂછતાં જાણવા મળ્યું કે ટ્રક-ઍક્સિડન્ટમાં તેમના એકના એક દીકરાને મલ્ટિપલ ઇન્જરી થતાં અહીં ઍડમિટ કર્યો છે ને તેની સારવારના અધધધ ગણાય એવા ખર્ચને પહોંચી વળવા મા-બાપ સમર્થ નથી...

‘મને એક ઉપાય સૂઝે છે.’

જાહ્ન્વીનો રણકારભર્યો સ્વર સાંભળી બાજુમાંથી પસાર થતા ડૉક્ટર થંભી ગયા.

‘આપણે લોકોને અપીલ કરી શકીએ. સમાચારપત્રમાં હેવાલ છપાવી દાનની ટહેલ નાખીએ, લોકલ ચૅનલ પર જાહેરાત આપીએ...’

‘આઇ ઍમ સૉરી, આ બધા સાથે મારી હૉસ્પિટલને સાંકળવાની જરૂર નથી.’

આ કોણ, હૉસ્પિટલના સર્વેસર્વા ગણાતા ડૉક્ટર શ્રીકાન્ત નાણાવટી પોતે બોલે છે!

‘ડૉક્ટર, જરૂરતમંદને મદદગાર થવા પબ્લિક તૈયાર હોય એમાં તમને શો વાંધો છે? જાહ્ન્વી આવેશભેર પૂછી બેઠી.

‘વાંધો છે, કેમ કે ભૂતકાળમાં આ વિશે મને બહુ બૂરો અનુભવ થઈ ચૂક્યો છે. બ્લડી ઓમ શાહ. હી વૉઝ અ બિગ ફ્રૉડ!’

જાહ્ન્વીના કાનમાં ધાક પડી ગઈ.

€ € €

‘ભિખારણ ગંગુબાઈના મદદગાર થવાને બહાને ઓમ મને મળ્યો...’

કૅબિનમાં મળવા આવેલી જાહ્ન્વી સમક્ષ ડૉક્ટરે કિસ્સો ઉખેળ્યો, ‘વૃંદાબહેનવાળી ઘટનાને ત્યારે દોઢ-બે મહિના થયા હશે... ઓમની વાતોથી હું પ્રભાવિત થયો, પેશન્ટને જોયા-મળ્યા વિના માત્ર ટેસ્ટ રિપોટ્સને આધારે સારવારખર્ચનો અડસટ્ટો કાઢી તેના જર્નલિસ્ટ મિત્ર સમક્ષ બયાન પણ આપ્યું...’

‘પછી?’

‘જનજાગૃતિ’ નામના અખબારમાં બીજી સવારે હેવાલ આવ્યો પણ ખરો... બસ, પછી ઓમ શાહ એવો અંતધ્ર્યાન થયો કે આજ સુધી દેખાયો નથી!’

આનો અર્થ...

‘સ્કૅમ, ફ્રૉડ. જાહ્ન્વી, અહેવાલમાં ઓમનું નામ ક્યાંય નહોતું, પહેલાં ચારેક દિવસ તેનો મોબાઇલનંબર કામ લાગ્યો, પેશન્ટ કન્વિન્સ થાય એટલે લઈ આવું છું એમ કહેતો રહ્યો, પછી એ નંબર હંમેશાં કવરેજ ક્ષેત્રની બહાર જ આવ્યો! તેને ડોનેશન પહોંચાડનારા મારા સંબંધી-મિત્રો મને પેશન્ટના સ્ટેટસ વિશે પૂછતા ત્યારે મારી સ્થિતિ કફોડી થઈ જતી.’

પછી?

‘અઠવાડિયા પછી મેં ‘જનજાગૃતિ’માં ફોન રણકાવ્યો ત્યારે જાણ થઈ કે અહેવાલના ફૉર્મેટમાં છપાયેલી ખબર ખરેખર તો જાહેરખબર હતી!’

હેં!

‘‘જનજાગૃતિ’ને એની સાથે કશું લાગતુંવળગતું નહોતું, તંત્રીવિભાગે હાથ ઊંચા કરી દીધા. તમે પોલીસ-ફરિયાદ નોંધાવશો તો અમે સર્પોટ કરીશું એવી સલાહ મળી માત્ર, પણ એટલો સમય કોની પાસે છે!’

અરેરે...

‘કેટલું પરફેક્ટ પ્લાનિંગ. અમારા સંવાદદાતા તરફથીના કૌંસ સાથે જાહેરખબર એવી આબાદ છપાઈ હતી કે મારા જેવો ભણેલો માણસ પણ સમાચાર અને જાહેરાતનો ભેદ પારખી ન શક્યો. બદમાશે ઍડ્વર્ટાઇઝ પણ માત્ર ‘જનજાગૃતિ’માં જ આપેલી, એવો તે માસ્ટરમાઇન્ડ.’ માસ્ટરમાઇન્ડ!

જાહ્ન્વીના દિમાગમાં ઝંઝાવાત ફૂંકાયો. ઓમની આ ફેવરિટ નૉવેલ. પોતાની તીક્ષ્ણ બુદ્ધિમત્તાનો આડે રસ્તે ઉપયોગ કરતા નવલકથાના ઍન્ટિ-હીરોનાં વિષાણુ ઓમે પચાવ્યાં નથીને? ઓહ, ડૉક્ટરને ફસાવી ચૂકેલો ઓમ તેમની જ હૉસ્પિટલમાં પાછો આવે જ શાનો. એટલે તો પપ્પા આવ્યા!

અરે, ડૉક્ટરસાહેબ થોડા ઊંડા ઊતર્યા હોત, વૃંદાબાના ઠેકાણે પહોંચ્યા હોત તો પણ ઓમ સુધી પહોંચવાનો રસ્તો મળી જાત!

ને એવું થાત તો આજે અમારી સગાઈની નોબત ન આવી હોત!

‘તું ઓમ વિશે કશુંક જાણતી લાગે છે.’

‘જે નહોતી જાણતી એ જાણી લીધું,’ આંસુ ખાળતી જાહ્ન્વી બહાર દોડી ગઈ, ડૉક્ટર વિચારમાં સરી ગયા!

€ € €

‘જાહ્ન્વી થોડી નર્વસ લાગે છે.’ સુલેખાબહેન.

‘શરમાતી હશે.’ નયનાબહેન.

વેવાણોની કાનાફૂસી જાહ્ન્વીને થોડું પજવી ગઈ. મારી ભીતર જ્વાળામુખી ધગે છે, જે ગમે ત્યારે ફાટી પડવાનો! મન મનાવી હું અહીં સુધી આવી તો છું, પણ... ઓમના મુગ્ધ સ્મિતમાં મને લુચ્ચાઈ જણાય છે, 

માવતરના દુ:ખનો વિચાર કરી હું ચૂપ રહી શકીશ ખરી?

‘મારા ખ્યાલથી વૃંદાબા સિવાય બધા મહેમાનો પધારી ચૂક્યા...’ સુલેખાબહેને ઘડિયાળ જોઈ, ‘દસ મિનિટ પછીનું મુરત શ્રેષ્ઠ છે. વૃંદાબાએ કહ્યું જ છે, તેમને વહેલુંમોડું થાય તો પણ સગાઈનું મુરત ચૂકવાનું
નથી.’

દસ મિનિટ... જાહ્ન્વીની નજર દીવાલઘડિયાળે જકડાઈ : સમય સરકતો જાય છે! ઓમને એક વાર પૂછી તો જો... લગ્ન પછી ઓમ પોતાનાં પાપ જ કબૂલવા માગતો હોત તો એ સગપણ પહેલાં કબૂલાઈ જવાં ઘટે! પત્ની તરીકે ઓમને તરછોડવું મુશ્કેલ બનશે, આ ઘડીએ જો ઓમનો મુખવટો ચિરાય છે તો સંબંધ તૂટ્યાનો આઘાત સૌ માટે સહ્ય ગણાશે.

‘જાહ્ન્વી, તારો ચોલીસૂટ ઝમાકેદાર છે, હોં. જો તો, ઓમની નજર હટતી જ નથી,’ મીઠી મશ્કરી કરી સુલેખાબહેને કાનમાં ફૂંક મારી, ‘ઓમની શેરવાની ગમી? તેણે ખેસ નથી નાખ્યો, મારું કહ્યું સાંભળતો નથી, તું તેને આણી આપ તો ઇનકાર નહીં કરે. ખેસ (દુપટ્ટા)ને કારણે ઉઠાવ અલગ જ આવશે.’ પછી દીકરાને આદેશ આપ્યો, ‘ઓમ, તારા વૉર્ડરોબની ચાવી આપજે તો.’

‘કંઈ જોઈએ છે મૉ’મ? હું લાવી આપું...’ ચાવી દેતાં ઓમ ખચકાય છે કેમ? જાહ્નવી શંકિત બની.

‘અંહ, ચાવીની માલિકી વહુને આપવી છે, લાવ હવે.’

ચાવીનો ઝૂડો લઈ જાહ્ન્વી ઓમની રૂમમાં પહોંચી. દુપટ્ટો ખોળવા કબાટ ફંફોસ્યું ત્યાં-તેનાં નેત્રો પહોળાં થયાં, છાતી ધડકી ગઈ. કપડાંની થપ્પી વચ્ચે હજારની નોટનાં બંડલ્સ છુપાવ્યાં હતાં. નાખી દેતાંય ચાર લાખથી ઓછી રકમ નહીં હોય! ના, લગ્નને કારણે ઉપાડ કર્યો હોય તો એ મમ્મીના કબજામાં હોત...

દાંત ભીંસી દુપટ્ટામાં બંડલ સમેટતી જાહ્ન્વીનાં નાખોરાં ફૂલી ગયાં : તમારી પાપની કમાણી, તમારા પાપનો ઘડો, આજે અત્યારે ફોડી નાખવાની, ઓમ!

(આવતી કાલે સમાપ્ત)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK