અન્ય ભાગ વાચો
- સમીત (પૂર્વેશ) શ્રોફ
‘જાહ્નવી, આપણી આજની મુલાકાતનું પ્રયોજન તમે જાણો છો?’
જુહુની સી-ફેસ રેસ્ટોરાંમાં શનિવારના પૂર્વઆયોજિત સંધ્યામિલનમાં ઓમ સીધો જ મુદ્દે આવી ગયો એ જાહ્નવીને ગમ્યું.
‘જી. આપણા વડીલો ઇચ્છે છે કે આપણે...’ કહેતાં તેનાં નેત્રો ઝૂકી ગયાં.
વાઇટ-પિન્ક કૉમ્બિનેશનના અનારકલી ડ્રેસમાં જાહ્નવી બેહદ ખૂબસૂરત લાગી.
‘મને તો છોકરી જોતાવેંત ગમી ગઈ...’ માએ પિતાને ભલામણ
કરેલી, ‘ઓમ જોડે ઊભી હોય તો
રાજા-રાણીની જોડી લાગે.’
સુલેખાબહેનના વજનદાર અભિપ્રાયે નારાયણભાઈને તપાસ કરવા પ્ર્રેયા, આર્થિક ભેદ જતો કરાય તો ઠેકાણું ઉત્તમ હોવાનું જણાતાં તેમણેય ગ્રીન સિગ્નલ આપ્યું : વહુના ગુણ જોવાના હોય, તેના પિયરની લક્ષ્મી નહીં!
‘ઓમ, લવમૅરેજના નામે તારા પપ્પા ભડકશે, એટલે મેં હજી જણાવ્યું નથી કે તમે બન્ને એકમેકને પસંદ કરી ચૂક્યાં છો.’
‘મૉમ, વૃંદાબાના અનુમાનને
સાચું માની...’
‘તને જાહ્નવી પસંદ નથી?’
‘મા, કેટલાક પ્રfનોના જવાબ માત્ર ‘હા’ કે ‘ના’માં આપી શકાતા નથી. જાહ્નવી કોઈને પણ ગમી જાય તેવી રૂપાળી છે, પરંતુ જીવનસાથી તરીકે તેને સ્વીકારતાં પહેલાં અમારી વચ્ચે અમુક ચોખવટ કરવી ઘટે.’
‘ઓહો, તો તમે બન્ને ક્યાંક મળીને કરવા ઘટતા ખુલાસા કરી લો.’
- એ મુલાકાત આજે ગોઠવાઈ હતી.
‘જાહ્નવી, તું મને પસંદ નથી એમ કહીશ તો હું ખોટાબોલો ગણાઉં.’ ઓમે જ્યુસના ગ્લાસમાં સ્ટ્રો હલાવી. ‘છતાં એ પણ સાચું કે લગ્નનો મને સહેજે ઉમળકો નથી.’
‘તો-તો એની પાછળ કોઈ સબળ કારણ હોવું જોઈએ.’ જાહ્નવીએ તટસ્થતા દાખવી, ‘ઓમ, તમે નિખાલસપણે સત્ય કહેશો... એવી શ્રદ્ધા છે અને અપેક્ષા પણ.’
જાહ્નવી કમાલ છે. અપેક્ષાઓને છુપાડવાનો દંભ આચર્યા વિના વર્તી શકે છે!
‘હવે તો તું મારી સિસ્ટર વિશે જાણતી હોઈશ...’ ઓમને તુંકારો ફાવી ગયો, ‘પ્રેમલગ્નને કારણે પપ્પાએ હેત્વીદીદી સાથેનો સંબંધ કાપી નાખ્યો છે.’
‘હું જાણું છું, ઓમ.’ ‘તું મા-બાપનું એકમાત્ર સંતાન છે એટલે ભાઈ-બહેનના હેતનો અંદાજ તને કદાચ ન હોય...’
‘નહીં ઓમ? ઊલટું ભાઈ ન હોવાને કારણે બળેવનો ખાલીપો આકરો અનુભવ્યો છે મેં.’
‘તો તું ભાઈ તરીકે બહેનને સાસરે વળાવવાનાં મારાં અરમાન પણ સમજી શકીશ. એ અરમાન જે પૂરાં ન થયાં... છતાં એટલું ચોક્કસ કે મારાં લગ્નમાં બહેનની હાજરી શક્ય ન બને ત્યાં સુધી મારાં લગ્ન પણ શક્ય નહીં બને.’
જાહ્નવી બે પળ વિચારમાં સરી.
‘ઓમ, તમે એવી મુદત નાખો છો, જેની કોઈ નિશ્ચિતસીમા નથી.’
‘એનું કારણ છે. હેત્વીદીદીની વાપસી વિશે પિતાને કેમ કન્વિન્સ કરવા એ વિશે હજી મેં કશું વિચાર્યું નથી.’
‘ઓમ, આમાં હું કોઈ રીતે મદદરૂપ થઈ શકતી હોઉં...’
આમ કહી જાહ્નવીએ પોતાની મરજી આડકતરી રીતે પ્રગટ કરી દીધી... ઓમ દેખાવડો હતો,
પણ જાહ્નવી આકર્ષિત થઈ હતી તેના ગુણોથી. ખાસ કરીને વૃંદાબા જેવા અજાણ્યાના મદદગાર બનવાના તેના કૃત્યથી.
‘ઓમ, હું હેત્વીદીદીને મળી શકું?’
ઓમની આંખોમાં ચમકારો ઊપસ્યો.
€ € €
‘મને જાહ્નવી ગમી ઓમ.’
માર્કેટમાં શેરડીનો રસ પીતાં હેત્વીએ નાના ભાઈ સામે હરખ જતાવ્યો, ‘ઘણી બધી તે તારા જેવી લાગી - મીઠડી, આત્મવિશ્વાસુ અને નિષ્ઠાવાન.’
ઓમ સહેજ શરમાયો.
‘મેં જોકે તેને જણાવ્યું નથી કે આપણે રક્ષાબંધનના તહેવારે મળતાં હોઈએ છીએ...’
‘આપણી વચ્ચેનો સંપર્કસેતુ જાણવાનો હક તેને લગ્ન બાદ જ મળે.’ ઓમની વ્યવહારુ સમજદારી બોલી.
‘કરેક્ટ. એક વાર સગાઈ થઈ જવા દે, ઓમ. લગ્ન સુધીમાં કોઈક રસ્તો જરૂર સૂઝશે...’
હેત્વીએ મોઘમ કહ્યું, ‘ઈશ્વરની ઇચ્છા હશે તો શુભ સમાચાર પણ આમાં નિમિત્ત બને!’
એ સાંજે ઓમે ઘરમાં પોતાનો હકાર જણાવી દીધો ને બન્ને પક્ષની ‘હા’ થતાં દસ દિવસ પછી સગપણનું મુરત નીકળ્યું.
€ € €
‘તમારી માએ તો આપણને ક્યાંયનાં ન રાખ્યાં.’ લાવણ્યાએ ધૂંધવાટ ઠાલવ્યો.
મોટા નીરજને ત્યાં બન્ને કપલ ભેગાં થયાં હતાં. ન્યાતના વાર્ષિક મેળાવડામાં પ્રમુખપદે બન્ને ભાઈઓને બેસાડવાની જાહેરાત ગયા વર્ષના સમારંભમાં થઈ ચૂકેલી, હવે જાણ થાય છે કે પંદર દિવસ પછીના એ સમારંભમાં પ્રમુખની ખુરસીએ બેસવા નહીં મળે! કારણ? ‘તમે જાણો તો છો...’ પ્રોગ્રામની આયોજન સમિતિના અધ્યક્ષે ફોડ પાડેલો, ‘વૃંદાબહેનનો કિસ્સો છાપે ચડીને ગાજી ચૂક્યો છે. ભલે ઘટનાને આઠ મહિના વીતી ચૂક્યા હોય, તમને જોતાં જ બધાની સ્મૃતિમાં એનો ઉછાળ આવવાનો. માને રખડતી મૂકનારા દીકરાઓને સામાજિક મેળાવડાનું પ્રમુખપદ સોંપી અમારે હાસ્યાસ્પદ નથી ઠરવું!’
સમસમી ગયેલા નીરજ-સારંગ ને એવો જ ચચરાટ વહુઓને થતો હતો.
‘નીરજભાઈ, તમે છાપામાં વાંચ્યું?’ અખબારી હેવાલ પર ઘરમાં સૌ પહેલી નજર સારંગની પત્ની મોહિનીની પડેલી. તેણે જેઠનો ફોન રણકાવેલો, ‘તમારાં માતુશ્રી ને અમારાં સાસુમાએ તો નાક કાપ્યું આપણું.’
ભાઈઓ ભેગા મળે એ પહેલાં ભોજાઈઓને એક થઈ નક્કી કરી દીધેલું : કોઈ પણ ભોગે સાસુને પાછી ઘરમાં ઘાલવી નથી, લોકો તો બે દા’ડા બોલીને બેસી જશે!
વૃંદાબહેને દીકરાઓ વિશે હરફ ન ઉચ્ચાર્યો એ રાહતરૂપ હોવા છતાં વહુઓ તો એમ જ કહેતી : જોઈ તેમની એંટ! ડોસીને હજીયે આપણી જરૂર ન વર્તાતી હોય તો છોને મરતી! સગાં-સંબંધીમાંથી કોઈ છાપાના સમાચારનો ઉલ્લેખ કરવા જતું તો વૃંદાબહેનના ત્રાસનું બનાવટી લિસ્ટ ઉઘાડી બન્ને વહુઓ શરૂ થઈ જતી:
એ તો અમે સંસ્કારી મા-બાપની દીકરીઓ એટલે મૂંગા મોંએ બધું સહન કર્યું, ઘર છોડીને સાસુમા પોતે ગયેલાં, નાકલીટી તાણીને આવતાં હોય તો અમને ક્યાં વાંધો છે!’
એ વાયરો વીત્યો, પણ આજનો માર અસહ્ય હતો! જનસ્મૃતિ આપણે માનીએ છીએ એટલી પાંગળી નથીહોતી, લોકોની બુદ્ધિએ દેવાળું નથી ફૂંક્યું. એનો પરચો આવી પળે મળતો હોય છે.’
‘જોકે વાંક માત્ર આપણી ડોસલીનો નથી...’
મોહિનીના વાક્યે વમળ સર્જ્યા.
‘આપણો ખરો ગુનેગાર તો છે માનો મદદગાર!’
હેં!
‘શી જરૂર હતી ઓમ શાહ નામના તે જુવાનને માની મદદે જવાની! આપણને બદનામ કરી હીરો બનનાર ઓમ સામો મળે તો તેને ખાસડું ફટકારું એવો ગુસ્સો આવે છે મને. તેણે હોળી ન સળગાવી હોત તો ફંક્શનમાં આપણી દિવાળી પુરજોશમાં થઈ હોત...’
તેનો તર્ક સૌને ઠસી ગયો.
પોતાનો વાંક નજરઅંદાજ કરી, બીજાને ગુનેગાર ઠેરવી સજા દેવા તત્પર બને એ સભ્ય સમાજની કેવી માનસિકતા!
€ € €
‘આવ-આવ.’
સુલેખાબહેને હેતપૂર્વક થનારી વહુને આવકારી.
સગપણ નક્કી થયા પછી પ્રથમ વાર ગૃહપ્રવેશ કરતી જાહ્નવીની પાંપણે લજ્જાનો ભાર હતો.
‘જીવતી રહે દીકરા.’ નારાયણભાઈએ પાયલાગણ કરતી ભાવિ વહુને આશિષ પાઠવ્યા, ‘દીકરીની ખોટ તારા થકી સરભર થશે.’
‘પપ્પાજી, ઇચ્છો તો તમે બે દીકરાઓ પર સ્નેહવર્ષા વરસાવી શકો એમ છો.’
જાહ્નવીના વાક્યે બાકીના ત્રણેને સડક કરી દીધા. સુલેખાબહેનનું હૈયું કાંપવા લાગ્યું : પહેલા આગમને જ વહુએ સસરાના મર્મસ્થાને ક્યાં ઘા કર્યો! ઓમને આમાં ઉતાવળ લાગી અને નારાયણભાઈ...
‘આદર્શ વહુનું પ્રથમ લક્ષણ સાસુ-સસરાની મર્યાદા જાળવવાનું હોય છે એ હવેથી યાદ રાખજો, જાહ્નવીવહુ.’
ઠંડકથી બોલાયેલા શબ્દોમાં સર્વસત્તાધીશપણાનો રણકો હતો.
વધુ બોલવાની જાહ્નવીની હિંમત ફસકી ગઈ.
‘જાહ્નવી, મેં બટાટા બાફી રાખ્યા છે. જોઈએ તો ખરાં, તારા હાથનાં બટાટાવડાં કેવાંક બને છે?’ વખત વર્તી સુલેખાબહેન તેને કિચનમાં દોરી ગયાં. ‘જો બેટા, જૂનો જખમ રુઝાયો ન હોય ત્યારે મલમપટ્ટી પણ ચીસ પડાવી દે એવું બને. એનું માઠું ન લગાડીશ. બાકી તારી નીયત મને ગમી.’
‘મમ્મીજી, હું દીદીને મળી ચૂકી છું.’
સુલેખાબહેન અચરજભયાર઼્ નેત્રે તેને નિહાળી રહ્યાં.
‘તેમણે મને શુકનનું કવર પણ આપ્યું.’
પુત્રીની ઠાવકાઈ પર મા ગદ્ગદ બની.
‘મમ્મી, ઓમ દીદીને મળી શકે ખરા?’ ખંચકાતાં પુછાયેલા પ્રfને સુલેખાબહેને મક્કમતા દાખવી પડી, ‘હું એટલું જ કહીશ જાહ્નવી કે પપ્પાના આદેશ વિના હવે તારે પણ હેત્વીને મળવું નહીં.’
જાહ્નવી ત્યારે તો કંઈ ન બોલી, પણ બાલ્કનીમાં ઓમ સાથે એકાંત મળતાં મન ખોલ્યું, ‘ઓમ માનો આ તે કેવો પત્નીધર્મ! મારો પતિ ખોટો હોય તો હું તો તેની સામેય બળવો કરું!’
‘મૅડમ, મારા માટે આ પૂર્વચેતવણી નથીને!’ ઓમની મશ્કરીનો જાહ્નવી જવાબ વાળે એ પહેલાં ઓમનો મોબાઇલ રણક્યો.
ફ્રેન્ડ કૉલિંગનું ટૅગ જાહ્નવીએ નોંધ્યું. ઓમનો ચહેરો સહેજ ફિક્કો પડતો અનુભવ્યો.
જાહ્નવીને ક્યાંથી માલૂમ હોય કે દીદીનો નંબર ઓમે ફ્રેન્ડના નામે નોંધ્યો છે! આજ સુધી મેં દીદીને ફોન કર્યાનું બન્યું છે, દીદીએ કદી કૉલ કરવો નથી પડ્યો. ઊલટું હેત્વીદીદી તો કહેતી - જ્યાં સુધી હું ફોન ન રણકાવું, માની લેજે તારી દીદી મોજમાં છે!
આજે ફોન રણકાવ્યો એનો અર્થ એ જ કે દીદી કશી મુસીબતમાં છે!
જાહ્નવી પહેલી વાર શ્વશુરગૃહે આવે ત્યારે જ ઘરની દીકરીને માથે મુસીબત ત્રાટકે એ કેવો જોગાનુજોગ!
‘જી... બોલ...’ ઓમ થોડો દૂર સરક્યો. ‘ઓહ...હં...હા... હમણાં જ આવ્યો.’ જેવાં ઉદ્ગાર-વાક્યોથી મિનિટની અંદર વાર્તાલાપ પતાવી તેણે જાહ્નવી તરફ કદમ ઉપાડ્યાં, ‘મારા મિત્રનો ફોન હતો, થોડી તકલીફમાં છે, આઇ નીડ ટુ ગો.’
જાહ્નવીથી તો કંઈ ન બોલાયું, પણ સુલેખાબહેન બગડ્યાં.
‘આમ ક્યાં ચાલ્યો, ઓમ? સંધ્યાકાળ થયો, જાહ્નવીને અંધેરી મૂકવા જવાનું છે...’
‘નો, નો. હું જતી રહીશ, મમ્મીજી. મદદગાર થવાની તેમની નીતિથી હું વાકેફ છું. એમાં આ તો મિત્રનો સાદ!’
નજરથી તેનો આભાર માની ઓમ હેત્વીને ત્યાં જવા રવાના થયો.
જોકે ઇચ્છવા છતાં જાહ્નવી હૈયે ઊઠતા સવાલોથી જાતને મુક્ત રાખી ન શકી. એવું તે શું કામ આવી પડ્યું કે થનારી વાગ્દત્તા સાથેની પ્રથમ સાંજનો સથવારો ત્યજી તમે મિત્ર પાસે દોડી ગયા ઓમ?
રાતે ફોન પર પૂછ્યું તો ઓમે એટલું જ કહ્યું : એ તો ફ્રેન્ડનો પર્સનલ મામલો હતો.
‘એટલો પર્સનલ કે જે મારી સાથેય ચર્ચી ન શકાય?’ જાહ્નવીની પૃચ્છામાં અધિકારભાવ પ્રગટ્યો.
‘ચર્ચવા જેવું હોત તો મેં તને કહ્યું જ હોત, એટલો તને વિશ્વાસ હોવો ઘટે, જાહ્નવી.’ ઓમના સ્વરમાં સહેજે દ્વિધા નહોતી.
‘અને વિશ્વાસનું પોત નિખાલસતાના તાંતણે મજબૂત બનતું હોય છે, એ તમે કેમ ભૂલો છો, ઓમ?’ જાહ્નવીની જીદ બરકરાર રહી.
‘તારા સ્વભાવનું આ પાસું મારા માટે નવું છે, જાહ્નવી.’ ઓમે ગળું ખંખેર્યું, ‘હા, એટલું ચોક્કસ કે કશુંક એવું છે, જે હું મારી પત્નીને કહી શકું, વાગ્દત્તાને નહીં. આટલું જાણી તારે લગ્નનો નિર્ણય ફેરબદલ કરવો હોય તો છૂટ છે.’
‘અરે પણ...’ જાહ્નવી વધુ બોલી ન શકી, સામેથી રિસીવર મુકાઈ ચૂક્યું હતું!
(ક્રમશ:)
Women’s Day: મળો રાધિકા ઐય્યર તલાટીને જેની જિંદગી બદલી છે પર્વતોએ
3rd March, 2021 16:05 ISTજયપુર:90 લાખનું પ્લૉટ ખરીદી,ડૉ.ના ઘરમાંથી 400 કિલો ચાંદી ચોરી,4ની ધરપકડ
3rd March, 2021 15:46 ISTબ્રિટેનમાં BBCના લાઇવ રેડિયો શૉમાં PM મોદીનાં માતા માટે વપરાયા અપશબ્દ
3rd March, 2021 14:55 ISTમહારાષ્ટ્ર: કોવિડ વેક્સિનનો બીજો ડૉઝ લીધાની થોડીવારમાં વ્યક્તિનું નિધન
3rd March, 2021 14:44 IST