કથા-સપ્તાહ - મદદગાર (દેવ કે દાનવ - ૨)

Published: 27th December, 2011 08:12 IST

કાંદિવલી સ્ટેશન નજીક ફૂટપાથને આશરે રહેતી વૃંદા નામની વૃદ્ધા બીમાર પડતાં તેને સુધરાઈના દવાખાનામાં ઍડમિટ કરાઈ. બબ્બે દીકરા છતાં માની આ કેવી મજબૂરી! સારવાર ઉપરાંત વૃદ્ધાના સ્વમાનભેર નિર્વાહ માટે ચારેક લાખની રકમની જરૂર હતી.

 

 

અન્ય ભાગ વાચો

1 | 2 | 3-સમીત (પૂર્વેશ) શ્રોફ

સાડાપાંચ લાખનું ડોનેશન!

છાપાનો અહેવાલ વાંચી શ્રીકાંત હૉસ્પિટલના ડૉ. શ્રીકાંત નાણાવટી અંજાયા.

કાંદિવલી સ્ટેશન નજીક ફૂટપાથને આશરે રહેતી વૃંદા નામની વૃદ્ધા બીમાર પડતાં તેને સુધરાઈના દવાખાનામાં ઍડમિટ કરાઈ. બબ્બે દીકરા છતાં માની આ કેવી મજબૂરી! સારવાર ઉપરાંત વૃદ્ધાના સ્વમાનભેર નિર્વાહ માટે ચારેક લાખની રકમની જરૂર હતી. અખબારના પાને દાનની ટહેલ નખાઈ. વૃંદાબહેનની તસવીર સાથે પ્રગટ થયેલો અહેવાલ જનમાનસને સ્પર્શી ગયો. દીકરાઓ વિશે હરફ નહીં ઉચ્ચારનારી મા પ્રત્યે સહાનુભૂતિનો એવો જુવાળ ઊમટ્યો કે ગણતરીના દા’ડામાં દાનનો ધોધ સાડાપાંચ લાખનો ફિગર ક્રૉસ કરી ગયો ત્યારે અખબારે વાચકોને વિનંતી કરવી પડી, હવે ખમૈયા કરો, બાજીને મન આટલી મદદ પૂરતી છે!

જાણીતા ન્યુઝપેપરના બન્ને રિપોર્ટ્સનાં કટિંગ્સ ઉપરાંત વૃદ્ધાશ્રમમાં વૃંદાબહેન સાથે પડાવેલો ફોટો રજૂ કરનાર ઓમ શાહ મારી કઈ મદદની અપેક્ષા રાખે છે?

‘મને પબ્લિસિટીનો મોહ હોત તો છાપામાં મારોય ફોટો ચમકાવ્યો હોત...’

‘મુખ્ય મદદગાર તરીકે છાપામાં તમારું નામ અવશ્ય છે.’ ડૉક્ટરે ટિપ્પણી કરી.

‘તોય, તમને ભરોસો બેસે એટલા ખાતર વૃંદાબા જોડેનો ફોટો બતાવ્યો... મારો આશય સેવાનો છે, ડૉક્ટર.’ જુવાનના સ્મિતમાં નરી નિખાલસતા લાગી. પ્રૌઢ વયના ડૉક્ટરને.

‘એક અનુભવે મને સમજાવી દીધું કે મદદગાર થવાની આગેવાની લેનાર કોઈ હોય તો જનતાજનાર્દન તેને ઊંધા મોંએ પડવા નથી દેતી... એકલા મુંબઈ શહેરમાં જ કેટલાય જરૂરતમંદો છે!’

‘તમારો આશય બેશક ઉમદા છે, ઓમ...’ ડૉક્ટરે રિસ્ટવૉચ જોઈ. ‘એના કારણે મેં તમને દસ મિનિટનો સમય આપ્યો છતાં હું તમે શું હેલ્પ કરી શકું એ સમજાતું નથી. ઇફ યુ નીડ ડોનેશન...’ ‘નો સર,’ તેણે ગરદન ટટ્ટાર કરી,’ મને તમારી એક્સપર્ટાઇઝ જોઈએ.’

એટલે? ‘અમારી ગલીના નાકે એક ભિખારણ બેસે છે. નામ તેનું ગંગુબાઈ. સંસારમાં એકલી-અટૂલી બિચારી મહિનાદા’ડાથી બીમાર છે. આ રહ્યા તેના રિપોર્ટ્સ.’

તેણે ધરેલી ફાઇલ જોતાં ડૉ. શ્રીકાંતના કપાળે કરચલી ઊપસી : ‘ધીસ ઇઝ વેરી કૉમ્પ્લિકેટેડ કેસ... ઓમ, શી નીડ્સ ઇમિજિયેટ સર્જરી.’ ‘યા, ધૅટ્સ વાય આઇ ઍમ હિયર, તમે બોરીવલીના ટૉપમોસ્ટ સજ્ર્યન ગણાવ છો.’

‘વેલ...’ ડૉક્ટરે હડપચી પસવારી, ‘સખાવતી દવાખાનામાં સસ્તું પડશે, ઓમ. હું મારો ચાર્જ જતો કરું તો પણ આ કેસમાં પ્રાઇવેટ હૉસ્પિટલની સારવાર ત્રણેક લાખમાં પડે.’

‘નો ઇશ્યુ સર. હું મારી સાથે ‘જનજાગૃતિ’ અખબારના પ્રતિનિધિને પણ લાવ્યો છું. તમે તેને કેસની ડીટેલ્સ, ખર્ચનો અડસટ્ટો આપો એટલે કાલની આવૃત્તિમાં મદદનો પોકાર પાડી દઈએ... મને ખાતરી છે, મુંબઈની જનતા આ વખતે પણ મને નિરાશ નહીં જ કરે.’

પેશન્ટને જોયા-તપાસ્યા વિના કેસ ચર્ચવો અરુચિકર લાગ્યો હોત, પણ મદદગાર નીવડવાની હોંશમાં ડૉક્ટરે પત્રકારને મુલાકાત આપી : એ બહાને હૉસ્પિટલની પણ પબ્લિસિટી થશે!

બીજી બપોરે વળી તે હાજર થયો, ‘જનજાગૃતિ’નો રિપોર્ટ લઈ. ‘ઓમ ગંગુબાઈની તસવીર સાથેનો સચિત્ર અહેવાલ મેં સવારે જ વાંચી લીધો... મારા પર સંબંધીઓના ફોન પણ આવ્યા, મેં તેમને તારો કૉન્ટૅક્ટ નંબર આપ્યો છે.’

‘થૅન્ક્સ, આ જૉબ માટે મેં નવો નંબર (સિમ-કાર્ડ) ખરીદ્યો છે, જેથી હેલ્પકૉલ્સ જુદા તારવી શકાય. દર વેળા એકના એક વાચકવર્ગ પાસે જવું ઠીક નહીં એમ માની આ વખતે ન્યુઝપેપર પણ જુદું સિલેક્ટ કર્યું. મારા નામ સુધ્ધાંનોય ઉલ્લેખ ટાળ્યો છે. સેવાનો ઢંઢેરો ન હોય...’

‘નવી પેઢીમાં તારા જેવા જુવાન પણ છે, જાણી રાહત થઈ, ઓમ.’ ડૉક્ટર શ્રીકાંતે કૅલેન્ડર નિહાળ્યું.’ હવે પેશન્ટને ક્યારે લાવે છે? આઇ મીન, વી હૅવ ટુ હરી.’

‘શ્યૉર ડૉક્ટર. ત્રણેક દિવસમાં ફન્ડ ભેગું થવાનો અંદાજ છે, ધેન આફટર...’

‘ફન્ડ તો આવવાનું જ ઓમ, આપણે ગંગુબાઈની ટ્રીટમેન્ટ શરૂ કરી દેવી ઘટે.’

‘સો કાઇન્ડ ઑફ યુ ડૉક્ટર, પણ શું છે કે હૉસ્પિટલના નામથી બિચારી ડોશી ભડકે છે. તે કન્વિન્સ થતાં જ હું તેને લાવ્યો સમજો.’ ડૉક્ટર રાહ જોતા રહ્યા, પણ ઓમ શાહ ફરી કદી ફરક્યો નહીં!

* * *

‘હાય.’

‘હલ્લો.’

ઓમના સ્મિતમાં આત્મીયતા છલકાઈ, જાહ્નવીની મુસ્કાનમાં હૂંફ વર્તાઈ.

વૃંદાબાને અંધેરીના વિશ્રાંતિ ઘરડાઘરમાં દાખલ કરાવ્યા પછી પંદરેક દિવસે ઓમ આંટોફેરો કરી જતો. જાહ્નવી અહીંનું રિસેપ્શન કાઉન્ટર સંભાળતી.

‘તમે જ ઓમ?’

ઓમની ત્રીજી મુલાકાતમાં પીઠ પાછળ સાદ દઈ વાતચીતની પહેલ જાહ્નવીએ કરી હતી.

‘જી, હું ઓમ.’

‘રિયલી. વૃંદાબાનો કિસ્સો પહેલી વાર અખબારમાં વાંચ્યો ત્યારની તમને જોવા-મળવાની ઇચ્છા હતી. ઉમદા કાર્ય માટે તમને અભિનંદન પાઠવવાં હતાં. મને આજે જ જાણ થઈ, તમે બાને મળવા હજીયે આવો છો.’

જાહ્નવીના સ્વરમાં છલકતી પ્રશસ્તિથી ઓમ સાહેજ નર્વસ બનેલો.

‘આ મામલે હું બહુ વખાણ સાંભળી ચૂક્યો છું.’

‘કેમ કે પ્રશંસાના તમે હકદાર છો. તમે પારકા માટે દાખવી એવી ચિંતા તો કોઈ પોતાનાની નથી કરતું. એ વિના આ ઘરડાઘર હાઉસફુલ હોત?’

તેના પ્રશ્નમાં રોષ-વ્યથા બન્ને હતાં.

‘ને આટલું થવા છતાંય અહીં રહેતાં ઘણાં મા-બાપ દીકરા-વહુનું ઘસાતું બોલી શું, સાંભળીયે નથી શકતાં એને માવતરનું ગાંડપણ જ ગણવું જોઈએ, મને એમાં મહાનતા નથી લાગતી. જુઓને, તમારાં વૃંદાબા પણ દીકરાઓ વિશે ક્યાં કશો ફોડ પાડે જ છે?’

‘સંતાને આપેલો ઘા આકરો એટલો જ અંગત હોય છે, એનું જાહેર પ્રદર્શન ભાગ્યે જ કોઈને ગમે. માવતરને મૂલવતાં પહેલાં માવતર બનવું પડે, જાહ્નવી.’

જાહ્નવી પ્રભાવિત બનેલી.

‘વાઉ, ‘ધ ક્લાયન્ટ’ એટલે જૉન ગ્રિસમની ક્લાસિક ગણાતી નવલકથા...’ ત્યાર પછીની વિઝિટમાં જાહ્નવીને નોવેલ વાંચતી નિહાળી ઓમે આનંદ દર્શાવેલો, ‘તમને રીડિંગનો શોખ છે?’

‘વેલ. અહીં ઝાઝું કામ તો હોતું નથી. ટીવીની સગવડ છે, પરંતુ બકવાસ સિરિયલ્સ જોવા કરતાં વાંચનની ટેવ સારી.’

પછી તો ઓમ-જાહ્નવી વચ્ચે હાય-હલ્લોનો રિવાજ પડી ગયો. ક્યારેક બન્ને વરંડાની બેઠકે કૉફી શૅર કરતાં, ઓમ કદી પોતાને ગમતું પુસ્તક રેકમન્ડ કરતો.આજે પણ તેણે બુક ધરી.

‘માસ્ટર માઇન્ડ’ ટાઇટલ વાંચી જાહ્નવીએ પાનાં ફેરવ્યાં, ‘ઑથર જાણીતો નથી લાગતો.’

‘યા, પણ નૉવેલ ફૅન્ટૅસ્ટિક છે... પોતાની માનસિક ક્ષમતાનો દુરુપયોગ કરનારા ઍન્ટિ-હીરોએ કેવા-કેવા કિસ્સામાંથી પ્રેરણા લઈ લોકોને બેવકૂફ બનાવી લૂંટા એનો આબાદ ચિતાર આપ્યો છે લેખકે આમાં. અલબત્ત, ક્રાઇમ નેવર પેઝના મેસેજ સાથે.’

‘સંદેશા આજે કોને સ્પર્શે છે?’ જાહ્નવી જુદું જ બોલી, ‘ઊલટું પુસ્તકની ટ્રિક્સ વાપરી કોઈ ક્રાઇમ કરવા લલચાય એવું ન બને?’

ઓમને થયું આ તો મારા જ વિચારો.

- રૂમની બારીમાંથી બન્નેને ગહન ચર્ચામાં વ્યસ્ત ભાળી વૃંદાબહેનનું મોં મલકી પડ્યું.

‘અરે ઓમ...’ તેમણે સાદ પાડ્યો, ‘કાલે તારાં મમ્મીને મોકલજેને, મારે થોડું કામ છે.’

‘જી, બા.’ હોંકારો પૂરી ઓમે જાહ્નવી તરફ દૃષ્ટિ કરતાં તે ગૂંચવાઈ, ‘કમાલ છે, બાએ કાલે મારી મમ્મીને પણ તેડાવી છે, જાણે શું કામ હશે?’

બન્નેની નજરો મળી, જવાબ પડઘાતો હોય એમ શરમાઈને પાછી વળી.

* * *

‘આવો સુલેખાબહેન.’

ભાવથી ઓમનાં મધરને આવકારી વૃંદાબહેને ખાટલે બેસાડ્યાં.

વૃંદાબહેનનો કિસ્સો છાપામાં વાંચ્યા પછી ઘણા મુલાકાતીઓ તેમને મળવા આવતા. મદદની ઇચ્છા જતાવતા.

‘તમે તે તમામથી જુદાં છો, સુલેખાબહેન.’ પહેલી વાર તેમને મળવાનું થયું ત્યારે વૃંદાબહેને કહેલું, ‘મારી દરકારની ખેવના દાખવનાર લગભગ દરેકને મારા પુત્રોની જાણ મેળવવામાં પણ એટલો જ રસ હતો, જે મને મંજૂર નહોતું. તમારો તો હક બને છે, તોય તમે પૂછતાં નથી.’

‘ક્યાંથી પૂછું? મા છું, માનું દર્દ સમજું છું.’

‘તમે મા ખરાં સુલેખા, પણ ભાગ્યશાળી મા કે તમારી કૂખે ઓમ અવતર્યો...’

‘માત્ર દીકરો નહીં, મારે એક દીકરી પણ ખરી.’ હેત્વીનો કિસ્સો કહી સુલેખાબહેને ઉમેરેલું, ‘તમને મદદરૂપ થવા પાછળ ઓમનો આશય તો બહેન માટે દુવા ભેગી કરવાનો જ હતો... મમત્વ તો પછી બંધાયું.’

એ બંધન જાળવવું હોય તેમ સુલેખાબહેન કદી ફોનથી તેમના ખબર પૂછતાં, કદી ઓમ જોડે સૂકો નાસ્તો કે પૂરણપોળી જેવું કંઈક મોકલતાં. જોકે તેમણે સામેથી મને બોલાવવી પડે એવું તો આ આઠ માસમાં પહેલી જ વાર બન્યું... વિચારતાં સુલેખાબહેન ઝબક્યાં, વૃંદાબહેન કહેતાં સંભળાયાં :

‘આજે તમારી સમક્ષ હૈયાનો જખમ ઉઘાડું છું. મૂળ અમે સૌરાષ્ટ્રનાં. મારા પતિ વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયેલા, વરલી ખાતે અમારું પોતીકું મકાન હતું. હા, અમારે બે દીકરા- નીરજ અને સારંગ. હું અભણ, પણ મારા પુત્રો ભણવામાં હોશિયાર. જમીન લે-વેચનો ધંધો કરતા મારા પતિને પહેલો હાર્ટઅટૅક આવ્યો ત્યારનાં તેમણે કાગળિયાં કરી નાખેલાં : મારા મર્યા પછી બધું મારી પત્નીને નામે થશે. વૃંદાની સારસંભાળ નહીં રાખનારાં દીકરા-વહુ આપોઆપ મિલકતમાંથી ફારેગ ગણાશે ત્યાં સુધીની કલમ વિલમાં લખી ગયેલા મારા દૂરંદેશી પતિ!’ વૃંદાબહેને હળવો નિ:શ્વાસ નાખ્યો, ‘પણ હું વાલામૂઈ શું કાગળિયાંની ભાષા જાણું! દીકરાઓ કૉલેજમાં હતા ત્યારે મને વૈધવ્ય આવ્યું... વહુઓ પણ તેમણે પોતાની મેળે શોધી લીધી. શું કહે છે પેલું - હા લવમૅરેજ. મારા તો એમાંય આર્શીવાદ. બિઝનેસ શરૂ કરવાના બહાને ફિક્સ્ડ તોડવી પડશે એમ જણાવી કેટલાંય કાગળિયાં પર મારો અંગૂઠો લઈ લીધો, એમાં ખરેખર તો છળ હતું.’

હાંફી ગયાં વૃદંબહેન.

‘વહુઓ બેઠી-બેઠી રોટલા તોડે, ટૂંકાં વસ્ત્રો પહેરી પાર્ટીમાં જાય - મેં કશાનું ખોટું આણ્યું નહોતું. દીકરાઓની કાનભંભેરણી કરવાથી દૂર રહી. છેવટે વીજળી ત્રાટકી : ‘મા, અમે આ ઘર વેચી નાખ્યું છે. હું મારી વાઇફ સાથે પેડર રોડના નવા ફ્લૅટમાં રહેવા જાઉં છું. સારંગ તેની પત્ની જોડે ગ્રાન્ટ રોડના પેન્ટહાઉસમાં જાય છે.’ નીરજે આમ કહેતાં મારું હૈયું ડૂબવા લાગ્યું : ‘અને હું?’ આ માત્ર પ્રશ્ન નહોતો, સુલેખાબહેન, મારા માતૃત્વનો ચિત્કાર હતો!’

સુલેખાબહેને તેમનો પહોંચો દબાવ્યો.

‘જવાબમાં મોટી વહુ બોલી ગઈ - તમારો વર જે કંઈ છોડી ગયો હોય એ અનુસાર તમે તમારું ફોડી લેજો!’

વૃંદાબહેને નિ:શ્વાસ નાખ્યો, ‘જોકે હું વહુઓને દોષ નથી દેતી. પેટના જણ્યા જ્યારે માનાં મોલ વીસરે ત્યારે જ પારકી આવેલી ફાવતી હોય છેને! સદ્ગત પતિ વિરુદ્ધના બોલ હું સાંખી ન શકી. ઘવાયેલી મમતા સ્વમાનને ઝુકાવી દે એ પહેલાં ઘરેથી નીકળી ગઈ : આજથી આપણો સંબંધ પૂરો. તમારી મા આજે મરી ગઈ. બચ્યું છે ફક્ત ખોળિયું, જેના અગ્નિસંસ્કારનો હક પણ તમને નહીં મળે!’

એક માની કેવી ખુમારી!

‘અંગ પર સોનાની સાંકળ હતી, એ વેચી ખેતવાડીમાં ભાડાની ખોલી રાખી. રોટલો રળવા ફોલ-બીડિંગનાં કામ કરતી, આંખ નબળી પડતાં એય છૂટ્યું ને રખડતી-ભટકતી હું સ્ટેશનની ફૂટપાથે...’ વૃદંબહેને ગળું ખંખેર્યું, ‘પારકાની મદદ લેવી મારા સ્વભાવમાં નહોતું બહેન, પણ તમારો ઓમ પોતીકો બની આવ્યો... કંઈકેટલા અજાણ્યાઓએ ટહેલના બદલામાં મારી ઝોળી છલકાવી. તેનું પણ કદાચ ક્યારેય નહીં ફેડી શકું. ઘણાને થયું હશે કે મારે કપાતર નીવડેલા દીકરાઓને ખુલ્લા પાડવા જોઈએ... સાચું કહું તો ત્યારે હું આશ પંપાળતી હતી - છાપે ચડેલો કિસ્સો તેમના ધ્યાન પર કોઈક ને કોઈક રીતે તો આવવાનો જ... કદાચ મારી હાલત જાણી તેમનો માતૃપ્રેમ જીવંત થાય, લોકલાજ ખાતરે મારી ખબર પૂછવા આવે તો તેમનું મોં જોવા પામું એવી લાલચ હતી એક માને, પણ રે નસીબ, કોઈ ન ફરક્યું.’

કેવો બળબળતો અફસોસ!

‘મારાં દીકરા-વહુ બહુ કહ્યાગરાં નીવડ્યાં, સુલેખાબહેન, મેં કહ્યું એટલે માની લીધું કે મા મરી ગઈ છે!’ બહુ ધારદાર વ્યંગ હતો એ. ‘આવાં સંતાનોને ઢાંકવાં શું ને ઉઘાડવાં શું! આપણે ગમે એટલું કરીએ, પણ માવતરથી કમાવતર નથી થવાતું એ હકીકત છે!’

‘તમારી પીડા મને સ્પર્શે છે.’

‘જોકે આજે તમને મેં પીડા વહેંચવા નથી બોલાવ્યાં.’ વૃંદાબહેનનો રણકો બદલાયો, ‘ઓમ માટે મારા ધ્યાનમાં એક છોકરી છે. તમારી જ જ્ઞાતિની. આર્થિક રીતે સાધારણ, પણ ખોરડું ખાનદાની, કારકુન પિતા અને ગૃહિણી માતાની એકની એક દીકરી.

રૂપે-રંગે-ગુણે ઓમને બરાબર અનુકૂળ થાય તેવી છે... કન્યાની માતાને પણ મેં આજે તેડાવી છે. તમે તેમને મળો તો ખરાં.’

જાહ્નવીની માતાને મળી સુલેખાબહેનને લગ્નનો પ્રસ્તાવ બધી રીતે પરફેક્ટ લાગ્યો.

‘આ વખતે ઓમ ઇનકાર નહીં કરે...’ વૃંદાબહેને ભેદ ખોલ્યો, ‘મને ખાતરી છે, બન્ને એકમેકને પસંદ કરે છે.’

અર્થાત્ ઘરમાં બીજો પ્રેમવિવાહ? સુલેખાબહેનનું હૈયું ધડકી ગયું.

(ક્રમશ:)Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK