અન્ય ભાગ વાચો
1 | 2
- સમીત (પૂર્વેશ) શ્રોફ
માસ્ટર માઇન્ડ.
અંગ્રેજી નવલકથા એની પરાકાષ્ઠાએ પહોંચી ચૂકી હતી. પોતાના તીક્ષ્ણ દિમાગનો સ્વાર્થી ઉપયોગ કરતા ઍન્ટિ-હીરોને નાયિકા કઈ રીતે તેની જ જાળમાં ફસાવે છે એ જાણવા હવે બસ પચાસેક પાનાં જ વાંચવાનાં રહેતાં હતાં, પણ...
‘બુક બંધ કર, બિરાદર. ટ્રેન કાંદિવલીના પ્લૅટફૉર્મ પર પ્રવેશી ચૂકી.’
સાથે અપ-ડાઉન કરનારામાંથી એકાદે ટકોર કરતાં બુકમાર્ક મૂકી ઓમે પુસ્તક બંધ કર્યું. ઇચ્છા તો એવી થઈ કે બોરીવલી સુધી યાત્રા લંબાવી આ જ ટ્રેનમાં પરત થઈ નૉવેલ પતાવી દેવી, પરંતુ આજે મોડું કરવું પરવડે એમ નહોતું.
‘ઓમ, તું તો ખરો વાંચનરસિયો. નવલકથાથી વછૂટતા એવો જણાય છે જાણે પ્રિયતમાનો વિરહ આવી પડ્યો હોય!’
કહેનારે ભલે હસવામાં કહ્યું હોય, ઓમ સાચું મલકી ન શક્યો. તેના દિમાગમાં હજીયે વાર્તાનો પરિસર ઘૂમરાતો હતો.
રીડિંગ ઓમની ફેવરિટ હૉબી હતી. રાતનો ઉજાગરો વેઠી પુસ્તક પૂરું કરે એવો તેને શોખ. ઇંગ્લિશ ફિક્શનમાં ઓમને વિશેષ રસ. બી.ફાર્મ થઈ દાદરમાં પાર્ટનરશિપમાં મેડિકલ એજન્સી શરૂ કર્યા પછી લાઇબ્રેરી જવાનો અવકાશ ભાગ્યે જ મળતો એટલે સ્ટેશન નજીકમાં ફેરિયા પાસે મન્થ્લી હપ્તેથી બુક્સ લઈ, વાંચી, પાછી આપવાનો શિરસ્તો તેને ફાવી ગયેલો. નેટસર્ફિંગમાં ઓમના ડાઉનલૉડ્સમાં મોટા ભાગે ક્યાં તો લતા મંગેશકરનાં ગીતો હોય અથવા તો નૉવેલ્સ! આમેય જેને વાંચવાની આદત હોય તે તો ભેળના પડીકાનો કાગળ પણ વાંચ્યા વિના નથી ફેંકતો, ઓમનું પણ એવું જ.
ધંધાર્થે લગભગ વરસેકથી થતા કાંદિવલી-દાદરના અપડાઉનમાં ઓમની મુખ્ય ઍક્ટિવિટી વાંચનની જ. બીજા પત્તાં રમતા હોય, માર્કેટની વાતોમાં મશગૂલ હોય ત્યારે ઓમ કિતાબમાં ખોવાયેલો જોવા મળે. અલબત્ત, ઓમ ઓછાબોલો કે અતડો નહોતો અને તેનો શોખ જાણ્યા પછી સાથીઓ સામેથી ફસ્ર્ટ-ક્લાસના ડબ્બાની વિન્ડો સીટ ઓમને સોંપી દેતા. અપવાદરૂપે કદી બુક ન હોય તો રસાળ શૈલીમાં એકાદ વાર્તા કે નવલકથાની સ્ટોરી કહી ઓમ સૌને ખુશ કરી દેતો.
‘દવાના ધંધાને બદલે તારે તો બુકસ્ટોર ખોલવા જેવો હતો. આવક ભેગો શોખ પણ સચવાઈ જાય!’ કોઈ આવી ટિપ્પણી કરે ત્યારે જવાબમાં ઓમ કહેતો : અજાણ્યા પાણીમાં તરવા ન પડાય એમ બિઝનેસમાં પણ જાણીતી લાઇનમાં ઝંપલાવવામાં વધુ ફાયદો છે... મારા ફાધરે એમઆર (મેડિકલ રિપ્રેઝન્ટેટિવ) તરીકે વરસો સુધી કામ કર્યું, તેમના અનુભવ અને કૉન્ટૅક્ટ્સ મને એજન્સીનો બિઝનેસ જમાવવામાં કામ લાગ્યા એ કદાચ બીજા ધંધામાં શક્ય ન બન્યું હોત! મારો પાર્ટનર પણ પપ્પાના મિત્રનો જ દીકરો છે, નસીબજોગે અમારી પાર્ટનરશિપ જામી ગઈ છે.
‘ઓકે, ધંધો ભલે ભણતર અનુસાર અજમાવ્યો, પરણવાનું શોખપ્રેરિત રાખજે,’ કોઈ વળી હસીને સંભળાવતું, ‘લગ્ન કોઈ લેખિકા જોડે જ કરજે.’
આછું શરમાવાની આડમાં ઓમ ભીતરની કંપારી છુપાવી રાખતો. પચીસની ઉંમરે કારકર્દિીના મામલે થાળે પડી ચૂકેલા દીકરાનાં લગ્નની મા-બાપને હોંશ હોય જ, પરંતુ ઓમમાં જોઈતો ઉમળકો ઊછળતો નહીં અને તેના મૂળમાં હતાં બહેનનાં પ્રેમલગ્ન!
ઓમના ઘરમાં પિતા નારાયણ શાહનો કડપ વર્તાતો. સુખી-સંપન્ન પરિવારના મોભી તરીકે તેમનું એકહથ્થુ વર્ચસ એવું કે પત્ની સુલેખા પણ તેમના ફેંસલા વિરુદ્ધ હરફ ઉચ્ચારી ન શકે. મોટી દીકરી હેત્વી ને નાનો પુત્ર ઓમ પિતાનું વ્હાલ અનુભવી શક્યા છતાં તેમની વિરુદ્ધ વર્તવાનું સાહસ ભાગ્યે જ દાખવી શકતાં. પિતાનો સ્વભાવ જાણીનેય હેત્વીથી એક ભૂલ થઈ - મરાઠી છોકરા સાથે પ્રેમમાં પડવાની ભૂલ!
યશ કેળકર આમ તો હેત્વીનો સહાધ્યાયી. ઘરથી બીજી ગલીમાં તેમણે રહેવાનું. ઇલેક્ટ્રૉનિક્સનો વિશાળ શો-રૂમ ધરાવતા શ્રીમંત પરિવારનું તે એકમાત્ર ફરજંદ. રૂપે-રંગે રૂડા ને ગુણોમાં ચોખ્ખા યશને જમાઈ તરીકે નકારવાનું કોઈ કારણ નહોતું, પરંતુ તેની પરપ્રાંતીયતાના મુદ્દે નારાયણ અડી બેઠા: આપણે વૈષ્ણવ, ચુસ્ત શાકાહારી, માંસ-મચ્છી ખાનારા જોડે આપણા મેળ ન જામે! નાહી નાખજે યશના નામનું...’
પિતાનાં વેણ હેત્વીના કાળજે વાગ્યાં. અન્યત્ર પરણાવી દેવાની તેમની ઝુંબેશ ખટકવા લાગી. સદ્ભાગ્યે યશના ઘરમાં તેમના પ્રેમસંબંધનો વાંધો નહોતો એટલે એક સાંજે લાગ જોઈ હેત્વી યશ જોડે ભાગી છૂટી! ચિઠ્ઠીમાં પિતાને સંબોધી લખી ગયેલી : તમારી જોહુકમીની વેદીમાં મારા પ્રેમનું બલિદાન દઈ નથી શકી એ બદલ ક્ષમા કરશો. જાણું છું, મારે પસ્તાવું નહીં જ પડે. છતાં અંતર તો તમારા આશિષને જ ઝંખતું જ રહેશે...’
એ આશિષ જોકે તેનાં લગ્નનાં બે વરસે આજેય સાંપડ્યા નથી! દીકરીનું કૃત્ય પિતાને ક્ષમાયોગ્ય લાગતું નથી : પારકાના મોહમાં આંધળી બનેલી હેત્વીએ પિતાની આબરૂને ઠોકરે મારી? એવી દીકરીનું હોવું શું ને ન હોવું શું!
ઓમ સહેમી ગયેલો. દીદીના નર્ણિયમાં તેને કશું ભૂલભરેલું લાગ્યું નહોતું. શરૂમાં પિતાની જાણબહાર મોબાઇલ-ટૉકથી તેમનો સંપર્ક રહ્યો : ઓમ, હું સાસરામાં સમાઈ ગઈ છું. મારી સ્હેજે ફિકર કરીશ નહીં. જોકે આમ મળતાં રહેવામાં પિતાને જાણ થવાનો ભય છે. તેમનો પ્રકોપ ફાટ્યો તો તનેય ઘરનિકાલ દેતાં ખચકાશે નહીં. આપણે મમ્મીનો વિચાર કરવાનો. જરૂર પડ્યે હું તને રિંગ કરીશ, ત્યાં સુધી માની લેજે કે તારી દીદી મોજમાં છે!
બળેવના દિવસે બન્ને માર્કેટમાં ભેગાં થતાં, દીદીએ બાંધેલી રાખડી તેણે જોકે ઘરે પહોંચતાં પહેલાં ઉતારી લેવી પડતી, પરંતુ આમાં મા-બાપથી છાનું રાખવાનો ડંખ નહોતો.
ન ફોન પર સંપર્ક, ન રક્ષાબંધનના અપવાદ સિવાય રૂબરૂ મળવાનું... પોતાનાં લગ્નની ચર્ચા ઘરમાં પ્રથમ વાર નીકળી ત્યારે ઓમે પિતાને પૂછેલું, ‘પપ્પા, મારાં મૅરેજમાં તો દીદી હશેને? બહેનને હું તો વળાવી ન શક્યો, પણ મારાં લગ્નની દીદીની હોંશ જરૂર પૂરી કરજો.’
જવાબમાં એક જ વાક્ય : ‘આ શક્ય નથી.’
‘મારા ખ્યાલથી ઓમ સાચું કહે છે...’ સુલેખાબહેન હજી આટલું બોલ્યાં ત્યાં...
‘મરેલા કદી પાછા આવતા નથી એ સત્ય તમે કદાચ ભૂલી ગયાં છો.’
દીકરીના આઘાતે બાપનું હૈયું પાષાણનું બનાવી દીધાનું સમજાયા પછી દલીલનો અર્થ નહોતો. પત્નીભાવે સુલેખાબહેને તો મન વાળી લીધું, પણ ઓમ હજીયે લગ્ન માટે તૈયાર નહોતો. દીદી વિના ઘોડે ચડવામાં શું મજા! પરિણામે છોકરી જોવાનો ઉત્સાહ ઊમડતો નથી, એકાદ-બે ઇન્ટરવ્યુ લીધા એ પણ કમને. જોકે પોતે ક્યાં સુધી લગ્નને ટાળી શકશે? દીદીની હાજરીનો આગ્રહ મા-બાપથી છૂટવામાં નિમિત્ત બને એ તો દીદીનેય નહીં ગમે... આ મડાગાંઠનો કોઈ ઉકેલ નહીં હોય?
‘શું વિચારમાં પડ્યો, ઓમ? તારે ખરેખર કોઈ પ્રિયતમા છે ખરી?’
પીઠ પર ધબ્બા સાથે પુછાયેલા પ્રશ્નને ઓમ જાગ્રત બન્યો.
‘અરે યાર, છોકરી ફિદા થાય એવી મારી સૂરત ક્યાં!’
હળવા અંદાજમાં અપાયેલા જવાબ પછી વધુ કંઈ બોલવા-પૂછવાનો અવકાશ ન રહ્યો. ટ્રેન પ્લૅટફૉર્મ પર થંભતા ધડાધડની ધાડમાં ઊતરી સૌ પોતપોતાના રસ્તે ચાલવા માંડ્યા. ઓમે પણ પહેલા પ્લૅટફૉર્મના દરવાજેથી બહાર નીકળી રિક્ષા પકડી હોત, પણ આજનું આયોજન થોડું જુદું હતું.
રિક્ષા સ્ટૅન્ડને બદલે ઓમ ડાબી તરફ વળ્યો.
‘માજી, તૈયાર છોને?’
લગભગ મહિનોમાસથી ઓમ બુકસ્ટૉલના ફેરિયાથી થોડે દૂર અડિંગો જમાવી બેઠેલી સિત્તેરેક વરસની વૃદ્ધાને નિહાળતો. ભાગ્યે જ કોઈ તેના વિશે જાણતું.
‘જે હોય એ, માજી છે સ્વમાની. પોતાના વિશે કે પરિવાર વિશે કશું કહેતાં નથી, પણ ઓમે દાળ-રોટીનો પ્રબંધ કરવા ચાહ્યો તો રણકાભેર કહી દીધું : હું લાચાર છું, પણ માગણ નથી! મારું ભલું ઇચ્છતા હો તો કામનો બંદોબસ્ત કરી આપો!’ ફેરિયાએ કથા કહેલી, ‘ત્યારથી સામેની દુકાનોમાં ઝાડુ-પોતું બંધાવ્યું છે, કામ પતાવી અહીં બેસી જાય, સાંધવા મૂકવાનું કામ કરતી વેળા હોઠે હરિનામ જ હોય. ચોખ્ખાઈ ઘણી.’
કયા દુ:ખે ડોશીએ આમ ફૂટપાથ પર દિવસો કાઢવાના આવ્યા હશે? ઓમને અનુકંપા જાગી. ઘરે એક વાર વાત નીકળી, તો બીજે દા’ડે સુલેખાબહેને ભાથું આપ્યું : પેલાં વૃદ્ધાને આપજે. કોને ખબર, તેમની દુવાથી હેત્વીના આગમનનો માર્ગ મોકળો બને!
માના તર્કે દીકરામાં જુસ્સો પ્રેર્યો. અજાણ્યાના મદદગાર થવામાં પિતાય વાંધો લે એમ નહોતું.
‘માજી, તમારા માટે ભાણું લાવ્યો છું.’
ઓમે આટલું કહેતાં તેમનો કરચલીવાળો ચહેરો હસી પડેલો,
‘ઘણું જીવો, દીકરા, પણ હું કોઈનું અન્ન લેતી નથી.’
‘અરે બા, તમે ગુજરાતી છો!’ ઓમના અચરજમાં આગ્રહ ભળ્યો, ‘મને દીકરો કહી મારો હાથ પાછો ઠેલશો?’
ત્યારે અવઢવ ખંખેરી માજીએ ડબ્બો લઈ લીધેલો. બે દિવસ પછી ઓમ ફેરિયા પાસે પુસ્તક લેતો હતો ત્યાં તેમણે સાદ પાડેલો, ‘દીકરા, જરા આમ આવ તો.’
‘બોલો, બા.’
‘આ લે. તારી બા તરફથી.’ હતું તો એ અઢીસો ગ્રામ ભૂંસાનું પડીકું, પણ એમાં આપનારની ખાનદાની છતી થતી હતી. ‘મને તો આ નારી વખાની મારી લાગે છે... ઓમ, શિયાળો ચાલે છે, બિચારી બાઈ માટે ધાબળા-સ્વેટર લેતો જજે.’
સુલેખાબહેને મોકલાવેલાં ગરમ વસ્ત્રો લેવામાં વૃદ્ધાએ આનાકાની કરતાં ઓમે વચલો તોડ કાઢેલો : એવું હોય તો તમે આ ભાડાપેટે રાખી લો. તમારો દીકરો હોત તો તેનું દીધું આમ ઠુકરાવત?
‘દીકરા તો મારા બબ્બે, પણ તે તો વહુઓના! હશે. તે લોકો સુખી રહે. મારે હવે કેટલા દા’ડા!’
આંસુભર્યા સ્મિત સાથે તેમણે વસ્ત્રો સ્વીકારેલાં.
બાના શબ્દે ઓમ સમસમી ઊઠેલો. બબ્બે દીકરાએ માની આવી હાલત! નરાધમો. ને તોય માતૃહૃદય તેમને શ્રાપ ન દઈ શકે એ કેવી કરુણતા!
‘મને તો બાઈ ઉજળિયાત ઘરની લાગે છે. બેટા, તું તારે તેના ખબરઅંતર પૂછતો રહેજે.’
દર બીજે-ત્રીજે દિવસે પુસ્તક બદલાવવાનું થતું ત્યારે ઓમ બા સાથે ગોષ્ઠિ કરી લેતો. આજે બપોરે ફેરિયા મનોહરનો ફોન આવ્યો : ઓમભાઈ, તમારાવાળાં બા બે દિવસથી તાવમાં ધખે છે. ડૉક્ટરને ત્યાં લઈ જવાનું કહ્યું, પણ માનતાં નથી. શરીરમાં કમજોરી આવી ગઈ છે. પગમાં ખીલીનો ઘા થયો છે એય પાક્યો જણાય છે... તમે આવો, તમારું જ તે સાંભળશે... ત્યારે જ ઓમે કહી દીધેલું : માજીને કહેજો સાંજે દવાખાને જવાનું છે, તૈયાર રહે...
અને સાચે જ, ઓમ સામે બાની હઠ હારી ગઈ. મનોહરની મદદથી ડોશીને રિક્ષામાં બેસાડી ઓમ સુધરાઈના દવાખાને લઈ ગયો.
ત્રણ દિવસની ભરતીમાં પંદરેક હજારનો ચાંલ્લો થયો ત્યાં સુધી તો ઠીક, પણ પગના ઑપરેશન અને ન્યુમોનિયાની સારવારનો અંદાજિત ખર્ચ દોઢ-બે લાખ સુધી પહોંચવાના અડસટ્ટાએ નારાયણભાઈનેય વિચારતા કરી મૂક્યા. પારકી વ્યક્તિ માટે આટલો ભાર વેંઢારવો વ્યવહારુ તો ન જ ગણાય... ઓમે અપ-ડાઉનવાળા ગ્રુપમાં મંૂઝવણ મૂકતાં માર્ગદર્શન મળ્યું : અખબારમાં અહેવાલ આપી મદદની ટહેલ કેમ ન નાખીએ! એકાદે પોતાના ઓળખીતા જર્નલિસ્ટને વાત કરી, ઓમે બાને વૃદ્ધાશ્રમમાં મૂકવા સુધીના ખર્ચનો અંદાજ કાઢ્યો ને હેવાલ પ્રગટ્યાના ચાર દિવસમાં તો ચાર લાખની જરૂરિયાત સામે સાડાપાંચ લાખનું ભરણું થઈ ગયું!
આ દરમ્યાન બાએ પોતાના દીકરાઓ વિશે હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નહોતો : મારું નામ વૃંદા. ખેતવાડીની ખોલીમાં ભાડાની રૂમ હતી, કેટલાય મહિનાથી આજીવિકાના સાંસાને કારણે ભાડું ભરી ન શકી એટલે હાંકી કઢાઈ... મને જોકે કોઈ સામે ફરિયાદ નથી. મદદરૂપ થનાર સર્વનો અંત:કરણપૂર્વક આભાર! બસ, આટલું જ તેમનું નિવેદન. છાપે ચડેલી બીના મુંબઈમાં જ રહેતા દીકરાઓ સુધી પહોંચી જ હોવા છતાં બેમાંથી કોઈ માની ખબર પૂછવા ફરક્યું નહીં એનો ઓમને ગુસ્સો પણ હતો.
‘મારો ખરો મદદગાર તું. ઈશ્વવર તને સુખી રાખે.’ પંદર દા’ડે વૃદ્ધાશ્રમમાં થાળે પડેલાં વૃંદાબાએ આર્શીવાદ પાઠવ્યા ત્યારે ઓમને થયું, દીદી સાથેના સંબંધમાં હવે સુખદ વળાંક સર્જાવો જોઈએ! તો જ મારી મહેનત ફળી ગણાય.
‘ઓમ, કહેવું પડે. પબ્લિકે પાઠવેલી પાઈએ પાઈનો હિસાબ તેં પ્રામાણિકપણે જાળવ્યો.’ ગ્રુપમાંના એકાદે વખાણતાં ઓમને કંઈક જુદું જ સ્ફર્યું :
મારા બદલે ‘માસ્ટર માઇન્ડ’ના હીરો જેવું કોઈ હોય તો આમ જ વિચારે - ધિસ કુડ બી અ ગુડ બિઝનેસ!
(ક્રમશ:)
દિવ્યાંકા ત્રિપાઠી પણ થઈ ચૂકી છે દુર્વ્યવહારનો શિકાર, જાણો શું કહ્યું એક્ટરે
7th March, 2021 15:57 ISTBCCIએ જાહેર કર્યું IPL 2021નું શેડ્યૂલ, જાણો ડિટેલ્સ
7th March, 2021 14:17 ISTમુંબઇમાં આજે નહીં લાગે Corona Vaccine, જાણો વધુ
7th March, 2021 13:45 ISTPMની ચૂંટણી રેલીમાં મંચ પર દેખાયા મિથુનદા, BJPમાં થયા સામેલ
7th March, 2021 13:05 IST