કથા સપ્તાહ - અંત (અગનકસોટી - ૨)

Published: 8th November, 2011 19:48 IST

‘મારા તો માનવામાં નથી આવતું!’ શકુંતલાબહેનનો હરખ શમવાનું નામ નહોતો લેતો. બૅન્કમાં કારકુની કરતા સામાન્ય સ્થિતિવાળા પિતાની દીકરી માટે રાજમહેલથી માગું આવ્યું હતું, એ કંઈ જેવી તેવી વાત હતી? મારી નિરાલીનાં તો ભાગ્ય ઊઘડી ગયાં!

 

- સમીત (પૂર્વેશ) શ્રોફ

ખુદ નિરાલી અચંબિત હતી. રવિવારની ગઈ કાલની બપોરે મોબાઇલ રણક્યો હતો : હાય, નિરાલી!

‘અમર સ...ર તમે!’ નિરાલી ઝડપભેર કિચનમાં સરકી ગયેલી, નાનકડા ઘરમાં ત્યાં જ એકાંત મળે એમ હતું.

‘હું આજે સમજ્યો છું નિરાલી કે પ્રણય પોતે એટલી પાવન ભાવના છે કે એનો સાક્ષાત્કાર કોઈ પરંપરા, કોઈ દસ્તૂરને અપવિત્ર કરી ન શકે.’

આટલું સાંભળતા જ નિરાલીનો હૃદયપતંગ ઉમંગના આકાશમાં ઊડવા લાગ્યો હતો.

પહેલી નજરમાં ગમી જાય તેવો દેખાવડો તો અમર હતો જ. અધ્યાપનશૈલીને કારણે વિદ્યાર્થીપ્રિય પણ ખરો. બહુ જલ્દી અમર નિરાલી માટે ‘ફેવરિટ સર’ બની ગયો, પછી ધીરે-ધીરે સમજાયું કે લાગણીની ધાર ધારવા કરતાં જુદી અને વધુ ઊંડી છે! અમરની એક ઝલક જોવા આંખો તરસે, તેના આછા સ્મિતથી હૈયું ઊભરાઈ ઊઠે; સાવ જ ફાલતુ સવાલોનો આશરો લઈ મન તેના સાંનિધ્યનો મોકો શોધે, રજાનો દિવસ દુશ્મન જેવો લાગે, રાત્રે સપનામાં આવી મીઠું પજવતો અમર વધુ ને વધુ વ્ાહાલો લાગે... આ બધાનો સરવાળો એટલે બીજું કંઈ નહીં, પણ પ્રેમ!

નિરાલી લજાયેલી. અમરના અંતરનો પણ તાગ મળવા લાગ્યો. નિરાલીને જોઈ હસી પડતાં તેના હોઠમાં પ્રણયનો સંદેશ નહોતો? કૅન્ટીન કે લાઇબ્રેરીમાં અભ્યાસને સ્થાને પસંદ-નાપસંદ જેવા વિષયો ચર્ચાવા માંડ્યા એ પ્રીત નહીં તો બીજુ શું? પ્રણયના ઉદ્ગારનો ઍસિડ ટેસ્ટ ગોવાના બનાવે થઈ ગયો. બેમાંથી કોઈને એ વિશે શક નહોતો. સ્ત્રીસહજપણે નિરાલીએ પુરુષની પહેલની રાહ જોઈ, પછી મન મક્કમ કરી ‘આઇ લવ યુ’ની કાપલી થમાવી દીધી! ત્યારે અમરનો ખંચકાટ ઊઘડ્યો : ગુરુ-શિષ્યાને પ્રેમનો અધિકાર હોય ખરો!

બીજું કોઈ હોત તો અમરના આદર્શમાં વેવલાવેડા દેખાયા હોત, નિરાલી અભિભૂત થઈ હતી : તમારી વિકારહીન વિચારસરણીએ મને જીતી લીધી, શિષ્યા ગણો કે પ્રિયતમા, હું રહીશ તો તમારી જ!

કૉલેજમાં ત્રીજાની નજરે હૈયાના જકડાયેલા તાર ન ચડે એ માટે બન્ને સાવધ રહેતાં.

‘સર, આપણા બેમાંથી કોઈ કૉલેજ બદલે તો ન ચાલે? પછી આપણે ક્યાં ગુરુ-શિષ્યા  રહેવાનાં?’

‘કૉલેજ બદલાવવાથી આપણો એક વખતનો સંબંધ ઓછો છેકાઈ જવાનો? આ મામલે મારા મનનું સમાધાન ન થાય ત્યાં સુધી ક્યાં ધીરજ હોય અથવા તો મન મારામાંથી વાળી લે...’

‘મને ચિર-પ્રતીક્ષા ખપશે, અમર, પણ મહેરબાની કરી મન વાળવાનું ફરી ન બોલશો.’

નિરાલીની દૃઢતા વજ્રની હતી.

ભારતીય સંસ્કાર મુજબ ગુરુ-શિષ્યાની પ્રણાલી અત્યંત પૂજનીય રહે છે. ગુરુને દેવ ગણવાના આપણા સંસ્કાર છે. ગુરુ શિષ્યાના મોહમાં પડે કે શિષ્યાને ગુરુ પ્રત્યે આકર્ષણ અનુભવાય એમાં નૈતિકતા કેટલી? જોકે આ કૃત્ય ગમે એટલું અનૈતિક ગણાય, સમાજમાં આવા કિસ્સા છાશવારે ગાજતા આપણે જોયા-જાણ્યા છે. ‘આધેડ શિક્ષકે કર્યો કુમળી વિદ્યાર્થિની પર બળાત્કાર!’, ‘વિદ્યાર્થિનીના પ્રેમમાં અંધ બનેલા પ્રોફેસરે પત્ન્ાીને પતાવી દીધી!’, ‘ટીચરે વિદ્યાર્થી જોડે સેક્સ માણ્યું!’ જેવા સમાચાર છાપામાં ચમકતા જ રહે છે.

‘આપણે એમાં શા માટે  ઉમેરો કરવો?’ અમર પૂછતો.

‘આપણી વાત જુદી છે, સર... અહીં વિકાર નથી, લગ્ન્ોતર સંંબંધની વિકૃતિ નથી, માત્ર તનની માયા નથી, સર, આપણો મનનો મેળ છે.’

‘મને થોડો સમય આપ, નિરાલી.’

‘મારા આખા જન્મારા જેટલો સમય આપ્યો, અમર તમારા હૈયે સ્ાહેજે અણખટ, અવઢવ ન રહે ત્યારે મને સાદ પાડજો, હું બીજી પળે તમારે પડખે હોઈશ!’

એ સાદ ગઈ કાલે ફોન પર પડ્યો હતો.

‘દીદીના એક વાક્યે મારી સમજબારી ખોલી દીધી,  નિરાલી... શિષ્યાને પત્ન્ાી તરીકે સ્વીકારી હું મારા શિક્ષકપણાને લાંછન નથી લગાડતો, ખોટો દાખલો નથી બેસાડતો એ સમજાઈ ગયું. સાચા હૈયાની પ્રીત કદી ખોટું કરી જ ન શકે!’

પછી જે સાંભળવા કાન તરસતા હતા એ શબ્દો બોલાયા : ‘હું તને ચાહું છું નિરાલી, વિલ યુ મૅરી મી?’

નિરાલીને થયેલું જાણે સર્વત્ર વસંત છવાઈ ચૂકી હોય.

‘નિરાલી...’

‘અંહ. આ પ્રશ્નનો જવાબ તરત નહીં મળે... હવે ધીરજ ધરવાનો વારો તમારો! ’

‘તો-તો મારે કાલ સવારથી વધુ રાહ નહીં પડે... દીદી  જોડે મારા પેરન્ટ્સ કાલ સવારે લાભપાંચમના શુભ મુહૂર્તમાં તારા ઘરે આવી રહ્યા છે, મારા માટે તારો હાથ માગવા!’

હાય રામ! નિરાલીની છાતી ધડકી ઊઠેલી. જે સુખની ચાતક સ્વરૂપે વાટ નિહાળી હોય એ અચાનક સામે આવી ચડે ત્યારે કિસ્મત પર ભરોસો કરવો મુશ્કેલ લાગે એવી તેની હાલત હતી.

જોકે સાંભળ્યું એ હકીકત હોવાની ખાતરી રાત્રે, ડિનર પછી રાજવીદીદીના ફોન થકી થઈ ગઈ. પહેલાં તેમણે, પછી અમરના પેરન્ટ્સે પપ્પા-મમ્મી જોડે વિગતે વાત કરી, વિધિવત્ માગું મૂકવા કાલે સવારની અનુકૂળતા પૂછી... ત્યારનું ઘર જાણે હિલ્લોળે ચડ્યું હતું!

‘આ અમર એટલે એ જ સાહેબને, જેનાં વખાણ કરતાં તું થાકતી નહોતી?’ માએ લાડથી કાન આમળ્યો હતો.

‘શશીભાઈ તો આપણા સમાજનું મોખરાનું નામ... શકુ, આપણી દીકરી તો રાજ કરવાની રાજ!’ મહાદેવભાઈએ વ્ાહાલથી દીકરીના માથે હાથ ફેરવ્યો હતો. નાનો ભાઈ વૈદિક એટલું સમજ્યો કે જિજુ આવતાં દીદીને ચીડવવાની મજા પડવાની. જોકે વાત પાકી થાય ત્યાં સુધી અન્ય કોઈને કહેવામાં શાણપણ નહોતું એટલે તો આજ સવારથી મોંઘેરા મહેમાનોના સ્વાગતની પૂર્વતૈયારીમાં વ્યસ્ત શકુંતલાબહેને ઘર બહાર કદમ નહોતું મૂક્યું : નાહક મારો ચહેરો જ ખુશખબરીની ચાડી ખાઈ જશે.

ભાઈખલાના ‘સત્યશિવ’ અપાર્ટમેન્ટમાં એક માળે છ રૂમ ધરાવતા કુલ ચાર ફ્ર્લોસ હતા. રહેનારામાં મોટા ભાગના મિડલક્લાસ, પાછા ગુજરાતી એટલે વાટકીવહેવાર સાથે આડોશપાડોશને સાચવી જાણવાનો સંપ સારો. નોરતાંમાં ગરબા, દિવાળીમાં સમૂહભોજન જેવા કાર્યક્રમોમાં સૌ રંગેચંગે ભાગ લેતા.

એમાંય શકુંતલાબહેનના મીઠા સ્વભાવને કારણે બિલ્ડિંગમાં બધાને તેમની જોડે ફાવે.

‘અરે, શકુંતલાબહેન...’

જાળી ખખડતાં  નિરાલી ઝબકી : શું મહેમાન આવી ગયા!

‘ઉપરવાળાં નયનામાસી લાગે છે.’ રસોડેથી આવતાં શકુંતલાબહેને ઘડિયાળમાં નજર ફેંકી દીકરીને ઇશારો કર્યો, ‘જા, તું તૈયાર થવા માંડ!’

પછી આગળિયો ખોલી પાડોશણને આવકાર્યા,

‘આવો, નયનાબહેન.’

બેઠક લેતાં નયનાબહેન હૉલની સુઘડતા જોતાં વહેમાયાં,

‘હજી તો દિવાળી હમણાં ગઈ, ત્યાં તમે ફરી સાફ-સફાઈ કરવા માંડી! કોઈ વીઆઇપી તો નથી આવતુંને!’

નિરાલીને જોવા છોકરાવાળા આવ્યા હોવાના ખબર બિલ્ડિંગમાં છાના નહોતા રહેવાના, પરંતુ અત્યારથી એનો ઢંઢેરો પીટવાનો ન હોય. લેધરના સોફા પર ગોઠવાતાં તેમણે નરો વા કુંજરો વા જેવો જવાબ ઊપજાવી કાઢ્યો,

‘મહેમાન તો ઠીક મારા ભાઈ, આવતાં આવશે, પણ આ તો એ બહાને વેકેશનમાં નવરી બેઠેલી નિરાલી થોડીઘણી ઘરકામમાં કેળવાય એટલે...’

‘તમારી નિરાલી તો કેળવાયેલી જ છે, શકુંતલાબહેન. જેવી રૂપમાં એવી ગુણમાં,’ નયનાબહેન ઝડપથી મૂળ મુદ્દે આવી ગયાં, ‘સાચું પૂછો તો આજના શુભ ચોઘડિયે નિરાલી વિશે જ વાત કરવા આવી છું.’

તેમની મલકાટભરી સ્વરલહેરીએ શકુંતલાબહેન અંદરખાને ચોંક્યાં, ઉપલા માળે રહેતાં નયનાબહેન વરસોનાં પાડોશી, આઠેક વરસ અગાઉ તેમના પતિનો સ્વર્ગવાસ થતાં સંસારમાં એકલાં પડેલાં મા-દીકરાને બિલ્ડિંગવાળાએ જાળવી લીધેલાં. નયનાબહેન પોતે નજીકની પ્રાથમિક શાળામાં ટીચર હતાં એટલે આર્થિક દૃષ્ટિએ પગભર પણ હતાં. દીકરો અજ્ઞેય મોટો થઈ કૉર્પોરેશનની નોકરીમાં જોડાયા બાદ તો નાની કાર પણ વસાવી હતી. સ્વભાવે અંતમુર્ખી અજ્ઞેય ઝાઝું હળતો નહીં, પરંતુ નયનાબહેન મિલનસાર હતાં, એમાંય શકુંતલાબહેન જોડે તેમને ખાસ બેઠક.

‘તમે તો જાણો છો, મારો અજ્ઞેય ગવર્નમેન્ટ જૉબમાં પર્મનન્ટ થઈ ચૂક્યો છે. બને એટલાં જલ્દી મારે તેનાં લગ્ન લેવાં છે.’

‘જરૂર, તમારાં જેવાં સાસુ ને અજ્ઞેય જેવો વર નસીબવંતીને જ મળે’

શકુંતલાબહેનના શબ્દોએ નયનાબહેનની હિંમત બંધાવી.

‘હવે તમારાથી શું છુપાવવું... દહિસર રહેતી મારી બહેને ત્રણેક પ્રસ્તાવ મોકલ્યા, પણ દીકરાને કોઈ પાત્ર પસંદ જ ન પડે!’

લ્ો, આ તો અમરકુમાર જેવો જ કિસ્સો! શકુંતલાબહેન મલક્યાં, ‘જો-જો બહેન, ક્યાંક તમારો દીકરો કોઈના પ્રેમમાં ન હોય!’

‘સાચી વાત, પ્રેમમાં હોય તોય ખબર ન પડવા દે તેવો અંતમુર્ખી છે મારો અજ્ઞેય. પિતા તેને મન મિત્ર જેવા હતા, તેમના જતાં તે કોચલામાં પુરાતો ગયો,’ ગળું ખંખેરી નયનાબહેને ઉમેર્યું, ‘તેનું મન જાણવા મારેય બહુ મથવું પડે. જોકે મારો અજ્ઞેય દિલનો સાફ. આવનારીને હથેળીમાં રાખશે.’  ‘ગમે તેમ તોય સંસ્કાર તમારા ને એમાં કહેવાપણું ન હોય,’  શકુંતલાબહેન મનોમન અકળાતાં હતાં, કેમ કે ગમે ત્યારે અમરના પરિવારજનો આવી ચઢવાની શક્યતા હતી ને આ બાજુ નયનાબહેન અજ્ઞેયની પારાયણ ક્યાં માંડી બેઠાં!

‘બહેન, દીકરાનું મન ફંફોસ્યું

ત્યારે જાણ થઈ કે...’ નયનાબહેન એકશ્વાસમાં બોલી ગયા, ‘તેને આપની નિરાલી પસંદ છે, મારો અજ્ઞેય તમારી નિરાલીને ચાહે છે!’

હેં!

અણધાર્યું સાંભળી શકુંતલાબહેન હેબતાયાં. અમરનો પ્રસ્તાવ મળ્યો ન હોત તો અવશ્ય હરખાત, અજ્ઞેયની યોગ્યતા વિશે સંદેહ હોય જ નહીં, પણ હવે... તમે મોડાં પડ્યાં! એવું કહેવાને બદલે મોળું વિધાન કર્યું, ‘નિરાલી તો હજી ભણે છે...’

‘તે ભલેને પરણીને આગળ ભણવું હોય કે નોકરી કરવી હોય તો તેનેયે છૂટ. સાસરા-પિયરમાં તેને અંતર નહીં લાગવા દઉં એટલો વિશ્વાસ રાખજો.’

ઓહ, આ તો ઊંધું સમજી બેઠાં!

‘પરણીનેય દીકરી નજર સામે રહે એ જેવુંતેવું સુખ ન ગણાય...’

બીજા સંજોગોમાં શકુંતલાબહેને પણ આ મુદ્દો ફેવરમાં જ ગણ્યો હોત!

‘તમારી બધી વાત સાચી, નયનાબહેન, પણ મારે નિરાલીના પપ્પાને પૂછવું પડે, નિરાલીની મરજી...’

‘તમારી ‘હા’ હોય તો તેમની ‘ના’ થવાની નથી એટલું હું જાણું છું અને અજ્ઞેય માટે તમારી ‘ના’ હોય નહીં, ખરુંને.’

અરેરે. આ તો ગેરસમજ વધતી જ જાય છે! નયનાબહેનના ઉમળકાએ તેમની જીભ ઝલાઈ ગઈ.

‘તમે મારા વૈધવ્યની લાજ રાખી,

હવે ઝટ જઈ અજ્ઞેયને ખુશખબર

આપું...’ ખુશીનાં અશ્રુ લૂછતાં તે સડસડાટ નીકળી ગયાં.

‘મમ્મી, આ તેં શું કર્યું!’ રૂમના દરવાજે કાન માંડી બધું સાંભળી ચૂકેલી નિરાલી દોડી આવી, ‘માસીને ફોડ પાડી કહ્યું કેમ નહીં કે નિરાલી તમારા

દીકરાને નથી ચાહતી, ચાહી શકે એમ નથી, કેમ કે તે અમરના પ્રેમમાં છે, જેની સાથે તેનું વેવિશાળ આજે નક્કી થવાનું છે. ખરા વખતે તારી જીભને લકવો કેમ લાગી ગયો?’

નિરાલીની છાતી હાંફતી હતી. નયનામાસીના કહેણે દિલદિમાગમાં ઝંઝાવાત જન્માવ્યો હતો. અપાર્ટમેન્ટમાં આમ તો બીજાય જુવાનો હતા. આવતાં-જતાં હાય-હલ્લો કરવા જેટલા સંબંધ બધા સાથે સ્વાભાવિક હતા. એકમાત્ર અજ્ઞેય ઝાઝું બોલતો નહીં, ચહેરાથી પરિચિતતાનું સ્મિત ફરકાવે કદી એ જ માપ. બીજાની જેમ પોતે તેનેય ભાઈના છોગા સાથે ‘અજ્ઞેયભાઈ’ કહી બોલાવતી, તોયે! તેના મનમાં જે હોય એ, મારા મનમંદિરમાં અમરનું સ્થાન એ ધ્વસ્ત્ કરી શકે નહીં. કદાપિ નહીં!

‘માની મમતાએ મને થીજવી દીધી, નયનાબહેનને હું વારી શકત, એક માને કેમ વારુ?’

શકુંતલાબહેને ઊંડો શ્વાસ લીધો,

‘તું ચિંતા ન કર, હું તેમને પછીથી સમજાવી દઈશ...’

‘નહીં મા? આ કામ અત્યારે જ થવું  ઘટે, ને એ હું જ કરીશ.’

મક્કમપણે સાડીનો પાટલો ઊંચો ખોસી તેણે દોટ મૂકી. અજ્ઞેયભાઈનો સાદ પાડી તે પગથિયાં ચડવા માંડી. એ જ ક્ષણે અમરની ફૅમિલી સીડીના નીચેના વળાંકે આવી ઊભી. નાસ્તો લેવા ગયેલા પિતા તેમની જોડે જ હતા.

‘અજ્ઞેયભાઈ, સૉરી ટુ સે -’ ઉપર જઈ નિરાલીએ એકશ્વાસે ખુલાસો કર્યો, તમારાં મધરને બહુ મોટી ગલતફહમી થઈ છે. મારાં લગ્ન તમારી સાથે થઈ શકે નહીં, કેમ કે હું તમને ચાહતી નથી, હું અમરને ચાહું છું, જેનો પરિવાર અત્યારે મને જોવા આવી રહ્યો છે...’

અજ્ઞેય સ્થિર થઈ ગયો. માએ

આપેલો રાજીપો વાગોળતાં પહેલાં જ છીનવાઈ ગયો! પળવારમાં મારી દુનિયા બદલાઈ ગઈ.

(ક્રમશ:)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK