ચંદ્રકાંત શેઠ જન્મદિવસઃ આધ્યાત્મ અને જીવનનાં સત્વથી સર્જન કરતા કવિ

Updated: Feb 03, 2020, 17:34 IST | Chirantana Bhatt | Mumbai

ચંદ્રકાંત શેઠ વિષે રઘુવીર ચૌધરીએ લખ્યું છે કે, 'ચંદ્રકાંત એટલે કુમારયુગની કવિતાનું છેલ્લું શિખર.'

તસવીર સૌજન્ય - વિકીપિડીયા
તસવીર સૌજન્ય - વિકીપિડીયા

ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠનો જન્મ 3જી ફેબ્રુઆરી 1938ના દીવસે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં થયો. તેમનું મૂળ વતન ખેડા જિલ્લામાં આવેલું ઠાસરા. ચંદ્રકાંત શેઠ વિષે રઘુવીર ચૌધરીએ લખ્યું છે કે, 'ચંદ્રકાંત એટલે કુમારયુગની કવિતાનું છેલ્લું શિખર.' તેમણે કવિતા, નાટક, નિબંધો, વિવેચન, વર્ણન, ચરિત્ર, સંશોધન, અનુવાદો અને સંપાદન જેવા સાહિત્યનાં અનેક પાસાને પોતાના ભાષા જ્ઞાનથી સુંવાળા કર્યા છે. જે કવિને ગાવાનો શોખ હોય તેના પદ્ય જ નહીં પણ ગદ્યમાં પણ રિધમ હોય. તેમણે એક કરતા વધુ ઉપનામોનો ઉપયોગ કરીને લખ્યું છે.લલિત નિબંધો માટે નંદ સામવેદી, ગઝલ સર્જન માટે દક્ષ પ્રજાપતિ તથા આર્યપુત્ર અને બાલચંદ્રના તખલ્લુસથી તેમણે ગદ્યલેખન કર્યા છે.  ઉમાશંકર જોશી પર નિબંધ લખી તે પીએડી થયા અને અમદાવાદમાં પ્રાધ્યાપક તરીકે કાર્યરત રહ્યા. તેમની સૌથી પહેલી રચના હતી "મુંગા તે કેમ રહેવું?" અને તે કુમાર સામાયિકમાં પ્રકાશિત થઇ હતી. તેમનો પહેલો કાવ્ય સંગ્રહ 'પવનરૂપેરી' હતો. 

તેમની રચના શાળાનાં અભ્યાસક્રમમાં પણ આવી છે અને ગુજરાતી માધ્યમમાં ભણેલા તમામને કદાચ આ કાવ્ય યાદ પણ હશે. યોસેફ મેકવાન સાથેનાં એક ઇન્ટરવ્યુમાં તેમણે સુગંધ અને ફુલ વચ્ચેનાં સંબંધને બે વ્યક્તિ વચ્ચેનાં પ્રેમ સંબંધને સમાંતર મુકીને આ રચના કરી હતે તે પ્રકારની વાત કરી હતી. 

શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.

ક્યાંક રે આંબો ટહુક્યો
એની મનમાં મ્હેકી વાત,
કમળ જેવો ખીલતો દિવસ,
પોયણા જેવી રાત.

શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.

તેમની કવિતાઓમાં બંધનો નથી હોતા. તેમનું માનવું છે કે લાગણીઓ ક્યાારેય બંધિયાર નથી હોઇ શકતી અને તેમણે અગાઉના મુલાકાતોમાં પણ જીવનની સાર્થકતાનું મહત્વ ટાંક્યં છે. તેમની રચનાઓમાં અવારનવાર આધ્યાત્મિક છાંટ પણ આબાદ રીતે વણાયલી હોય છે. કવિ-લેખકની દરેક રચનામાં તેનું અસ્તિત્વ હંમેશા ડોકાય છે તેમ પણ તેમનું માનવું હતું. મોટા કુટુંબમાં ઉછરેલા ચંદ્રકાંત શેઠ અભાવની જિંદગીમાં ઉછર્યા પણ તેમના મતે આવા સંજોગો માણસને મજબૂત બનાવે છે જો કે સતત હકારાત્કમ રાખી શકાય તેવી દ્રષ્ટિને તે હાનિ પહોંચાડે છે તેવું પણ તેમણે અગાઉ એક મુલાકાતમાં અન્યત્ર સ્વીકાર્યું છે. તેમણે પોતાના બાળપણનાં  સંસ્મરણો 'ધૂળમાંની પગલીઓ' નામે પુસ્તકમાં ઉતાર્યાં છે. તેમની રચના ઊંડું જોયું... પણ કાવ્ય પ્રેમીઓમાં પ્રચલીત છે. 

ઊંડું જોયું, અઢળક જોયું;
મનમાં જોયું, મબલખ જોયું.

ઝાકળજળમાં ચમકી આંખો, એ આંખોમાં જ્યોતિ,
કોક ગેબના તળિયાનાં મહીં ઝલમલ ઝલમલ મોતી!

તળિયે જોયું, તગતગ જોયું;
ઊંડે જોયું, અઢળક જોયું.

 તેમની રચના ચંદ્રકાંતનો ભાંગીને ભુકો કરીએમાં પ્રતિત થાય કે રચનાકાર પોતે કોઇ કપરાં સંજોગોમાંથી પસાર થયા છે અને તેમણે આ રચના લખી છે. જો કે આવા પ્રકારની વાત તેમણે યોસેફ મેકવાન સાથેની એક મુલાકાતમાં કબુલ સુદ્ધાં કરી છે. 

ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ.
એના મનમાં ખાલી સમય સડે છે.

ચપટી નભ ને ચપટી માટી,
ચપટી વાયુ, ચપટી તેજ,
જરા મળ્યો જે ભેજ,

                     – બધુંયે વ્યર્થ વ્યર્થ બગડે છે.
              દેશકાળને દર્પણ એના ડાઘ પાડે છે:
                      ચંદ્રકાંતનો ચ્હેરો ભૂંસી દઈએ;
એને વેરવિખેર કરીને આ ધરતીમાં ધરબી દઈએ.

આધ્યાત્મિક વિચારમાં ઝબોળાઇને સર્જેલી કવિતાઓના આ સર્જકને કુમાર સુવર્ણંં ચંદ્રક, નર્મદ સુવર્ણ ચંદ્રક, રણજિતરામ સુવ્રણ ચંદ્રક, ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર, સાહિત્ય અકાદમી પુરસ્કાર, ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક, નરસિંહ મેહતા એવોર્ડ, સાહિત્ય ગૌરવ પુરસ્કાર એનાયત થયા છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK