જીવંત દંતકથા જેવા ગુજરાતીઓની જીવનગાથા
ધ ગ્રેટ મૅજિશ્યન કે.લાલ - લિવિંગ લેજન્ડ
સૂત્રધાર : રશ્મિન શાહ
પ્રકરણ ૧૦૮
શોના મધ્યાંતર સમયે જાદુગુરુ ગીતાકુમાર બૅકસ્ટેજ પર આવ્યા. એ સમયે મારી આજુબાજુ સંસ્થાના ટ્રસ્ટીઓ અને અન્ય મહેમાનો વીંટળાયેલા હતા. બધાના મોઢે એક જ વાત હતી કે શો બહુ સરસ જઈ રહ્યો છે.
‘કાન્તિ, આજે તો તેં મજા કરાવી દીધી ભાઈ. અમે તારો છેલ્લો શો જોવા આવ્યા ત્યારે તેં જે આઇટમ કરી હતી એમાંથી એકેય આઇટમ અત્યારે કરી નથી. બધી નવી જ આઇટમ છે ભાઈ... જામી ગયું.’
મેં હસીને અભિવાદન ઝીલ્યું અને બીજા લોકોનાં પ્રોત્સાહક વિધાન સાંભળવા લાગ્યો. જોકે મને એ સમયે જો કોઈની રાહ હતી તો એ આઇએનટીના ત્રણ મહેમાનોની અને ગીતાકુમારની અને એટલે જ હું વારંવાર દરવાજા તરફ જોયા કરતો હતો. ત્રણ-ચાર મહેમાનો સાથે વાત થઈ હશે ત્યાં મારું ધ્યાન ગીતાકુમાર તરફ ગયું. ગીતાકુમાર દરવાજા પાસે ઊભા હતા. તેમણે આંખોથી મને ઇશારો કર્યો એટલે બધા વચ્ચેથી સરકીને હું તેમની પાસે પહોંચ્યો.
‘શો સરસ જાય છે અને હજી સુધી અંદર પણ કંઈ ચિંતાજનક દેખાયું નથી...’ ગીતાકુમારે દબાયેલા અવાજે મને કહ્યું, ‘પણ કાન્તિ, સાચું કહું તો મને આ મુંબઈવાળાનું કંઈ સમજાતું નથી. શો જેટલો સરસ ગયો છે એ જોઈને તો મને એમ હતું કે અત્યારે તે ત્રણેય અંદર આવી જવા જોઈએ, પણ આ ત્રણેય મહાનુભાવો તો ઑડિટોરિયમની બહાર નીકળી ગયા છે...’
ગીતાકુમારની વાત સાંભળીને હું ખળભળી ગયો. મારા માટે આ ખબર મોટા અને ગમખ્વાર ધરતીકંપ જેવા હતા. બહુ સીધી વાત છે કે માણસ ત્યારે જ શોની બહાર નીકળે જ્યારે શો તેને ગમ્યો ન હોય.
‘આવું થવાનું કારણ શું હોઈ શકે?’ ગીતાકુમારને સવાલ પૂછ્યા પછી મેં જ જવાબ આપી દીધો, ‘કદાચ તેમને આ શો નહીં ગમ્યો હોય. તેમણે એવી ધારણા રાખી હશે કે નવાંની સાથે થોડાં જૂનાં, પણ જાણીતાં થયેલાં મૅજિક પણ જોવા મળશે. જૂનાં તો કોઈ મૅજિક મેં હજી સુધી હાથ પર લીધાં જ નથી...’
‘હા, બની શકે...’ ગીતાકુમારે મૂંઝવણભરી એ પરિસ્થિતિ વચ્ચે ત્વરિત નર્ણિય લીધો, ‘જો કાન્તિ, હવે તારો શો ચાલુ થઈ ગયો છે. ચાલુ શોએ તારા મૅજિક લિસ્ટમાં કોઈ ફેરફાર કરતો નહીં. હું અહીં નથી બેઠો, જો હું હોઉં તો થોડોક ફરક પડે. અત્યારે બધા બિચારા અસિસ્ટન્ટ જેવા બૅકસ્ટેજમાં છે એ લોકો કોઈ ગોટાળો કરશે તો આખી બાજી હાથમાંથી જશે.’
‘હં...’
‘તારો હોંકારો સાંભળ્યા પછી પણ મને તારા પર વિશ્વાસ નથી બેસતો...’
હું માનું છું કે મને રગ-રગથી ઓળખનારા ત્રણથી ચાર લોકો જ હતા, જેમાંથી એક મારા જાદુગુરુ ગીતાકુમાર હતા. ગીતાકુમાર મને અનેક વખત કહી ચૂક્યા હતા કે કાન્તિ, તું ભારોભાર જિદ્દી છે. તેમની આ વાત બિલકુલ સાચી છે. મેં મારી આ જ લેખમાળામાં અગાઉ સ્વીકાર્યું પણ છે કે હું ભારે જિદ્દી છું. મારી જીદના કારણે જ મને આજનું આ સામાજિક અને પારિવારિક સ્તર મળ્યું છે. હું માનું છું કે માણસમાં જીદ હોવી જ જોઈએ. મહાત્મા ગાંધીને મેં બહુ નજીકથી જોયા છે. ગાંધીજી ભારોભાર જિદ્દી હતા. અણ્ણા હઝારે વિશે બહુ સાંભળ્યું છે, ટીવી પર તેમનાં વ્યાખ્યાન પણ સાંભળ્યાં છે. આ સાંભળેલી વાતો અને વ્યાખ્યાનોના આધારે કહું છું કે અણ્ણાજી પણ બહુ જિદ્દી છે. હું ફરીથી કહું છું કે જિદ્દી હોવામાં કંઈ ખોટું નથી. જીદ તો માણસને કોઈ એક કામ કે ધ્યેયપ્રાપ્તિ માટે ઇજન પૂરું પાડતી હોય છે. જો જરૂરી હોય તો એ કે માણસમાં રહેલી આ જીદ સાચી દિશામાં વપરાય. મેં મારી જીદથી ક્યારેય કોઈને હાનિ પહોંચાડવાના પ્રયત્ન નથી કર્યા. મનમાં નકારાત્મક ભાવ ક્યારેય લાવ્યો નથી એટલે જીદને એ નકારાત્મક ભાવનાની સાથે બેસવા મળ્યું નથી અને એવું નથી બન્યું એટલે મારી જીદને કુસંગત લાગી જ નહીં.
‘તારો હોંકારો સાંભળ્યા પછી પણ મને તારા પર વિશ્વાસ નથી બેસતો...’ ગીતાકુમારે મારા ખભા પર હાથ મૂક્યો, ‘જો દોસ્ત, કહું છું એ તું આ વખતે માનજે. નહીં તો જો કંઈ આડુંઅવળું થયું તો એ ભૂલનું પરિણામ તારે એકલાએ ભોગવવું પડશે.’
‘પરિણામ નબળું કે ખરાબ આવશે એવી બીકે પરીક્ષાથી દૂર ભાગવાનું ન હોય...’ મેં ગીતાકુમારને હૈયાધારણ પણ આપી, ‘તમે સહેજ પણ ચિંતા નહીં કરો... મને ખબર છે કે જાહેરમાં જશ મને મળે છે, પણ મને મળેલા એ જશના તમે સરખા હિસ્સેદાર છો... હું કોઈ એવું પગલું નહીં લઉં કે જેનાથી તમારા બુશકોટનો કૉલર નીચો થાય.’
‘મને મારા બુશકોટના કૉલરની સહેજ પણ ચિંતા નથી...’ ગીતાકુમારનો અવાજ ધીમો હતો, પણ અવાજની દૃઢતા
પથ્થર જેવી હતી, ‘... બસ માત્ર એક ઇચ્છા છે કે જાદુના આ ખેલમાં જે લોકો કારણ વિના પોતાના બુશકોટના કૉલર ઊંચા રાખીને ફર્યા કરે છે એ સૌના કૉલર તું ક્યારે તાણીને બહાર ખેંચી કાઢે છે.’
‘જેટલી રાહ જોઈ એટલી રાહ હવે તમારે નહીં જોવી પડે...’ હું ગીતાકુમારને પગે લાગ્યો, ‘આ મારું વચન અને તમને આપેલી ગુરુદક્ષિણા છે...’
બરાબર એ જ સમયે શો શરૂ થવાનો ઢોલ વાગ્યો. ધ્રબાંગ...
ગીતાકુમાર મને ભેટ્યા અને બૅકસ્ટેજમાં રહેલા મારા સાથીઓને ઝડપથી થોડીક સૂચનાઓ આપી ઑડિટોરિયમ તરફ ભાગ્યા. ગીતાકુમારના ગયા પછી મેં પણ જરૂરી સૂચના આપી દીધી અને આદેશ્વરદાદાનું નામ લઈને સ્ટેજ તરફ પ્રયાણ કર્યું. સ્ટેજનો પડદો ધીમે-ધીમે ખૂલ્યો. મારી આંખો ઑડિયન્સ તરફ હતી અને મનમાં ભગવાનનું નામ ચાલતું હતું. ઊંડે-ઊંડે એવો ભાવ હતો કે આઇએનટીના ત્રણે મહેમાન ઇન્ટરવલ સુધીનો શો જોઈને ચાલ્યા ન ગયા હોય તો સારું.
નવા ખેલ વિશે વાત કરતાં-કરતાં જ મેં ઑડિયન્સમાં નજર દોડાવી લીધી અને ઑડિયન્સમાં જોઈને મને હાશકારો થયો.
મહેમાનો પોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા હતા. તેમના હાથમાં નાસ્તાનાં પડીકાં હતાં, પણ તેમનું ધ્યાન સ્ટેજ પર હતું. આવી જ હાલત બાકીના પ્રેક્ષકોની પણ હતી. મોટા ભાગના પ્રેક્ષકોના હાથમાં પડીકાં હતાં, પણ પડદો ખૂલી ગયો હતો એટલે બધાની નજર સ્ટેજ પર ખોડાઈ ગઈ હતી, જે એક લાઇવ-પર્ફોર્મર માટે સારી વાત હતી. મેં આ તકને સહેજ પણ ગુમાવ્યા વિના વાણી પર કાબૂ કરીને નવા ખેલની તૈયારીઓ આરંભી દીધી અને ખેલ ચાલુ કરી દીધા. પહેલી આઇટમ પૂરી થઈ કે તરત જ હું બૅકસ્ટેજમાં પહોંચ્યો હતો, જે ખરેખર જવાનું નહોતું. હું અંદર ગયો એટલે ગીતાકુમાર પારખી ગયા હતા કે મેં મારી રીતનાં કોઈ નવાં ગતકડાં શરૂ કર્યા છે.
‘આ છોકરો દુખી નહીં થાય ત્યાં સુધી સમજવાનો નથી.’
ગીતાકુમારે તેમની બાજુમાં બેઠેલા એક બુઝુર્ગને કંઈક આવું કહી દીધું હતું. પેલા બુઝુર્ગને ત્યારે કંઈ સમજાયું નહોતું એટલે તેમણે સવાલ કર્યો હતો.
‘કેમ? હવે કંઈ મોટું થવાનું છે?’ ગીતાકુમારે જવાબ આપ્યો નહીં એટલે બુઝુર્ગે સવાલ દોહરાવ્યો, ‘હું તમને પૂછું છું... હવે કંઈ મોટું થવાનું છે?’
‘હા...’ ગીતાકુમારે મારી અકળામણ તે બુઝુર્ગ પર કાઢી હતી, ‘...અને શું થવાનું છે એ મને નહીં પૂછતા... હવે સ્ટેજ પર જે કંઈ થશે એ બધું મારા માટે પણ નવું હશે.’
મને સ્ટેજ પરથી પાછો આવેલો જોઈને બૅકસ્ટેજના બધા સાથીઓ પણ એકઠા થઈ ગયા હતા. તેમને મનમાં એમ હતું કે તેમનાથી કોઈ ભૂલ થઈ હશે, પણ એવું કંઈ નહોતું.
‘જુઓ, શાંતિથી સાંભળો... આજે મારી એકલાની નહીં, પણ તમારા સૌની પણ પરીક્ષા છે... મારી ઇચ્છા છે કે આપણે જેટલી આઇટમ દેખાડવાનું નક્કી કર્યું છે એનાથી પાંચ-સાત આઇટમ આ મધ્યાંતર પછી વધુ દેખાડીએ...’ મેં મારા સાથી-કલાકારોને કહ્યું હતું, ‘આ તો જ શક્ય બને કે જો તમે પગમાં અને હાથમાં ચપળતા રાખો... મંજૂર છે?’
‘પાક્કું સાહેબ... તમારા કયા ખેલ પછી અમારે કયો ખેલ લઈને આવવાનું છે એની સૂચના અમને કોણ આપશે?’ મારા પહેલા શોથી મારી સાથે જોડાયેલા એક સાથીએ મને પોતાના મનની શંકા વ્યક્ત કરી અને પછી રસ્તો પણ દેખાડ્યો, ‘આપણે ગીતાકુમારને ઑડિયન્સમાંથી બોલાવી લેવા છે? અમને બધાને રાહત થશે...’
‘ના, ગીતાકુમારને બોલાવવા જતાં ઑડિયન્સનું ધ્યાન તેમના તરફ જશે, જે મારે નથી કરવું...’ મેં ચોખવટ પણ કરી લીધી, ‘આપણે કુલ આઠ છીએ. હું સ્ટેજ પર હોઈશ એટલે બાકી વધ્યા સાત. તમારામાંથી કોઈ પણ પાંચ વ્યક્તિ આપણા મૂળ પ્લાન મુજબના ખેલની આઇટમ મને આપ્યા કરશે અને આપણે જે લિસ્ટ બનાવ્યું છે એ લિસ્ટને ધ્યાનમાં રાખીને ચાલશે... બાકી વધ્યા બે. તમારામાંથી કોઈ પણ બે વ્યક્તિએ આપણા જૂના અને જે આપણે નિયમિત કરીએ છીએ એ ખેલની આઇટમ મને આપ્યા કરશે. સમજાયું?’
બધા મૂંગા રહ્યા, ધીમેકથી એકે મને કહ્યું, ‘કંઈક ભૂલ થઈ તો?’
‘ભૂલની બધી જવાબદારી મારી અને જો ભૂલ ન થાય અને જશ મળે તો એ બધો જશ તમારો... બોલો, મંજૂર છે? જલદી, બોલો... બહાર બધા રાહ જુએ છે.’
સૌથી પહેલાં એક હાથ આવ્યો અને પછી બે જ સેકન્ડમાં બધાના હાથ આગળ આવ્યા. હવે બધા સહમત હતા. બધા સાથે હાથ મિલાવીને હું ફરીથી સ્ટેજ પર આવ્યો. હું જેવો સ્ટેજ પર આવ્યો કે ફરીથી બધાની નજર મારા પર ગોઠવાઈ ગઈ.
‘સજ્જનો અને સન્નારીઓ... નવો ખેલ શરૂ કરતાં પહેલાં તમને એક વાત કહેવી છે.’ મેં માઇક હાથમાં લીધું. મારી નજર મુંબઈના ત્રણ મહેમાનો પર હતી અને ગીતાકુમાર પાંપણને સ્થિર રાખીને મને જોઈ રહ્યા હતા, ‘ભગવાને આંખો બે આપી છે, પણ આ બે આંખથી દૃશ્ય એક જ દેખાતું હોય છે. કહેવાય છે કે જે હોશિયાર છે તે લોકો બે આંખે એક નહીં, પણ બે દૃશ્ય જોઈ શકતા હોય છે... મને ખબર છે કે અહીં બેઠેલા સૌ હોશિયાર છે અને એટલે જ હવે હું તેમની બે આંખો માટે એક નહીં, પણ બબ્બે ખેલ એકસાથે રજૂ કરવાનો છું...’
પાંચેક સેકન્ડનો સન્નાટો અને પછી આખું ઑડિટોરિયમ તાળીઓથી ગુંજી ઊઠ્યું. આ તાળીઓ વચ્ચે પણ મને ગીતાકુમારના તેજ થયેલા ધબકારા છેક સ્ટેજ પર સંભળાતા હતા.
(વધુ આવતા શનિવારે)
મોટા સમાચાર: ટીમ ઈન્ડિયાના ઑલરાઉન્ડર ખેલાડી યુસુફ પઠાણે લીધો સંન્યાસ
26th February, 2021 17:11 ISTદર્શકો પસંદ કરી રહ્યા છે આ ટૉપ 5 શૉઝ, આ સીરિયલે મારી બાજી
26th February, 2021 16:39 ISTશૅર માર્કેટમાં હાહાકાર, સેન્સેક્સ 2000 અંક નીચે બંધ, આ રહ્યું કારણ
26th February, 2021 16:10 ISTકંગના રણોત કેસમાં ક્રાઇમ બ્રાન્ચ સામે કાલે નિવેદન નોંધાવશે હ્રિતિક રોશન
26th February, 2021 15:47 IST