જો આપણે ક્રિકેટ-ફૅન્સ હોઈએ અને આપણા મનગમતા પ્લેયરની કોઈ વસ્તુ આપણને મળે તો રાજીના રેડ થઈ જઈએ અને એેને આપણા કલેક્શનમાં રાખીને જીવનભર એને માણતા રહીએ. આમાં ક્યારેક કોઈક એક સ્ટેજ આગળ જઈને એ વસ્તુની હરાજી કરીને એમાંથી મળતા પૈસા સારા કામ માટે વાપરી દેતા પણ હોઈએ છીએ. આવું જ કંઈક ઑસ્ટ્રેલિયાના સિડની શહેરની ૧૬ વર્ષની ગુજરાતી યુવતી અદી શાહ કરવા જઈ રહી છે. છઠ્ઠી ડિસેમ્બરે સિડનીમાં પરિવાર સાથે સ્ટેડિયમમાં મૅચ માણી રહેલી અદી શાહે હાર્દિક પંડ્યાએ ફટકારેલી વિનિંગ-સિક્સરનો કૅચ પકડેલા બૉલની હરાજી કરીને ઑસ્ટ્રેલિયન લેજન્ડ પેસબોલર ગ્લેન મૅક્ગ્રાની એનજીઓને ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે.
આજે આ ઑક્શનની જાહેરાત થવાની છે અને એ આવતી કાલથી સિડની ટેસ્ટના છેલ્લા દિવસ સુધી ચાલશે. આ ઑક્શનમાં દરેક ખેલાડીઓ કંઈક ને કંઈક ડોનેટ કરે છે. ભારતીય કૅપ્ટન અજિંક્ય રહાણેએ પણ સાઇન કરેલું ટીશર્ટ આપ્યું છે. આ બધા વચ્ચે અદી શાહે આપેલા બૉલનું પણ ઑક્શન થશે.
રાતોરાત સેલિબ્રિટી બની ગઈ
૬ઠ્ઠી ડિસેમ્બરે સિડનીની વન-ડેમાં અદી શાહે કૅચ કરેલા એનો વિડિયો ઑસ્ટ્રેલિયન બ્રૉડકાસ્ટર ફૉક્સ સ્પોર્ટ્સ અને ચૅનલ સેવને એ વિડિયો મેદાનમાં જાયન્ટ સ્ક્રીન પર બતાવ્યો હતો. આ સંદર્ભે સિડનીથી અદી શાહ જણાવતાં કહે છે કે ‘શરૂઆતમાં તો જ્યારે મેં બૉલ કૅચ કર્યો ત્યારે મને પોતાને કશી ખબર ન પડી, પરંતુ જ્યારે સ્ટેડિયમની મોટી સ્ક્રીન પર આ દૃશ્ય દેખાડવાનાં આવ્યું ત્યારે મારા પૂરા પરિવારના આનંદનો પાર નહોતો રહ્યો. મારી આજબાજુ બેઠેલા તમામ ક્રિકેટ-ફૅન્સ મને શાબાશી આપી રહ્યા હતા. હું પોતાની જાતને લકી ફીલ કરી રહી હતી.’
હાર્દિકની એ સિક્સરે ભારતને એ મૅચમાં જીત અપાવી હતી અને એ બૉલ એક ક્રિકેટ-ફૅન માટે પ્રાઇસલેસ હતો. અદીના હરખનો કોઈ પાર નહોતો, પરંતુ એવામાં સ્ટેડિયમમાં ઉપસ્થિત અમુક લોકોએ અદીને એ બૉલ વેચી દેવા જણાવ્યું. અદીએ આ બાબતે કહ્યું કે ‘અમુક લોકોએ જણાવ્યું કે ઑનલાઇન પૉર્ટલ પર આવી વસ્તુઓના ચાહકો ઘણા હોય છે. તને આ બૉલની સારીએવી રકમ મળશે. એટલું જ નહીં, મને સ્ટેડિયમમાં જ અમુક લોકો તરફથી આ બૉલના ૫૦૦ ડૉલર ઑફર કરવામાં આવ્યા હતા. મારે શું કરવું એની મને ખબર પડતી નહોતી. મેં તો આ બૉલને મારા કલેક્શનમાં રાખવાનું મન બનાવી લીધું હતું.’
ઑસ્ટ્રેલિયા બ્રૉડકાસ્ટરે અદીનો વિડિયો વાઇરલ કર્યો ત્યારે તેની સ્કૂલના તમામ લોકોએ આ
વિડિયો જોયો હતો. અદી પોતાની સ્કૂલમાં પણ ફૅન્સ-સેલિબ્રિટી બની ગઈ હતી. આ બાબતે અદીએ કહ્યું કે ‘હું જ્યારે સ્કૂલમાં ગઈ ત્યારે તમામ લોકોએ મને શુભેચ્છા આપી હતી. સાથોસાથ મને એ બૉલ ઑનલાઇન વેચવાનું સજેશન પણ આપ્યું હતું. ઑનલાઇનમાં આ બૉલ વેચવાથી મને ઘણા સારા પૈસા મળી શકે છે. એ સમયે મને કોઈકે મૅક્ગ્રા ફાઉન્ડેશન વિશે જણાવ્યું. જો આ બૉલની હરાજી કરીને એમાંથી મળતા પૈસા સદ્કાર્ય માટે ઉપયોગી થાય એનાથી વિશેષ બાબત બીજી કઈ હોઈ શકે.’
અદીએ તરત ઈ-મેઇલ દ્વારા મૅક્ગ્રા ફાઉન્ડેશનનો સંપર્ક કરી આ બૉલ ચૅરિટીમાં આપવા ઇચ્છે છે એની જાણ કરી હતી. તરત જ જવાબ મળતાં તે ખૂબ ખુશ થઈ ગઈ હતી અને કહ્યું હતું કે ‘મૅક્ગ્રા ફાઉન્ડેશન તરફથી મને તરત રિસ્પૉન્સ મળ્યો હતો. મારા આ નિર્ણયનાં તેમણે ભરપૂર વખાણ કર્યાં હતાં.’
મમ્મી-પપ્પાને થાય છે ગર્વ
અદી શાહના આ નિર્ણયને લીધે તેમના પપ્પા રોનક અને માતા સપના શાહ ખૂબ ગર્વ અનુભવી રહ્યાં છે. નડિયાદના રહેવાસી ખડાયતા વૈષ્ણવ જ્ઞાતિના રોનક શાહનો પરિવાર ૧૯૯૮માં ઑસ્ટ્રેલિયા શિફ્ટ થયો હતો. ૨૦૦૪માં જન્મેલી અદી ભણવામાં પણ ખૂબ હોશિયાર છે અને ટૂંક સમયમાં જ ૧૧મા ક્લાસની શરૂઆત કરવાની છે. મમ્મી સપના શાહ કહે છે કે ‘એક ૧૬ વર્ષની ટીનેજર આ રીતે વિચારી શકે એ અંગે ભાગ્યે જ કોઈ વિચારતું હશે. અદીએ આ વિશે અમારી સલાહ લીધી હતી અને અમે તેને પ્રોત્સાહિત કરી હતી. તેનું મન કેટલી હદે મોટું છે એ આ ઘટનાથી દેખાઈ આવે છે. એક મમ્મી કરીકે મને અદી પર ગર્વ છે.’
સિડની ટેસ્ટ ઓળખાય છે ‘પિન્ક ટેસ્ટ’
સાતમી જાન્યુઆરીથી સિડનીમાં રમાનારી ટેસ્ટ મૅચને ૨૦૦૯થી પિન્ક ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ૨૦૦૮માં ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મૅક્ગ્રાની પત્ની જેનનું બ્રેસ્ટ કૅન્સરને લીધે મૃત્યુ થયું હતું. તેની યાદમાં મૅક્ગ્રાએ એક ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. આ ફાઉન્ડેશન ક્રિકેટ ઑસ્ટ્રેલિયા સાથે મળીને સિડની ટેસ્ટ અગાઉ એક ચૅરિટી કાર્યક્રમનું આયોજન કરે છે. આ કાર્યક્રમમાં તમામ ક્રિકેટરો દ્વારા મળેલી વસ્તુઓની હરાજી કરીને એ રકમ બ્રેસ્ટ કૅન્સરના દરદીઓ માટે વાપરવામાં આવે છે. જેકોઈ પ્રવાસી ટીમ ઑસ્ટ્રેલિયાના પ્રવાસે આવે એની સામે નવા વર્ષની પહેલી ટેસ્ટનું આયોજન સિડનીમાં કરવામાં આવે છે જે ‘પિન્ક ટેસ્ટ’ તરીકે ઓળખાય છે. આ પરંપરા છેલ્લાં અનેક વર્ષોથી ચાલી રહી છે. આ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ રેગ્યુલર કૅપને બદલે પિન્ક કૅપ પહેરીને મેદાનમાં ઊતરશે. અધિકારીઓ અને પ્રેક્ષકો પણ મોટા ભાગે પિન્ક કલરના ડ્રેસમાં મૅચ માણે છે. આ ઉપરાંત આ ટેસ્ટના ત્રીજા દિવસને જેન મૅક્ગ્રા ડે તરીકે ઊજવવામાં આવે છે.
બૉલ પર હાર્દિકના ઑટોગ્રાફ ન લઈ શકી, હાર્દિકનો સંપર્ક કરવામાં આવશે
અદીને એ બૉલ પર હાર્દિક પંડ્યાના ઑટોગ્રાફ લેવાની ઇચ્છા હતી, પણ કોરોના મહામારી અને હાર્દિક ટેસ્ટ સિરીઝમાં રમવાનો ન હોવાથી ભારત પાછો આવી જતાં એ શક્ય નહોતું બન્યું. હવે તે આ ઑક્શન દરમ્યાન હાર્દિક સાથે ગમે મ ઑનલાઇન મીટિંગ કરીને તેને સાંકળી લેવા માગે છે. આને માટે તેણે ઑસ્ટ્રેલિયન અને ભારતીય ક્રિકેટ બોર્ડનો સંપર્ક કર્યો છે અને તેને વિશ્વાસ છે કે હાર્દિક સાથે સંપર્ક કરી શકાશે.
પ્રધાન મંત્રી આવાસ યોજનાનો બીજો તબક્કોનો પ્રારંભ
21st January, 2021 14:18 ISTએલઆઇસી ઑફ ઇન્ડિયાના વેસ્ટર્ન ઝોને મુંબઈ પોલીસને પોલીસ ચોકી ભેટ આપી
21st January, 2021 13:24 ISTગુજરાત હવે બનશે ગોવા
21st January, 2021 11:51 ISTતેજીનો તોખાર:સેન્સેક્સ લૅન્ડમાર્કથી હવે માત્ર ૨૦૮ પૉઇંટના જ અંતર પર છે
21st January, 2021 10:59 IST