સાપુતારામાં પણ હવે માણી શકાશે પૅરાગ્લાઇડિંગની રોમાંચક સફર

Published: 22nd December, 2011 07:51 IST

રોમાંચક સાહસનો લ્હાવો માણવા માટે ગુજરાત સરકારે સાપુતારા હિલ સ્ટેશનમાં નાતાલના વેકેશનમાં પૅરાગ્લાઇડિંગ ટેન્ડમ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. એમાં ઇન્ડિયન સાથે રશિયન, ચાઇનીઝ અને ફ્રેન્ચ પાઇલટ સહેલાણીઓને પૅરાગ્લાઇડિંગની રોમાંચક સફર કરાવશે.

 

શૈલેશ નાયક

અમદાવાદ, તા. ૨૨

ગુજરાત સરકારના પ્રવાસનપ્રધાન જયનારાયણ વ્યાસે પત્રકારોને માહિતી આપતાં કહ્યું હતું કે ‘૨૫થી ૩૧ ડિસેમ્બર દરમ્યાન ગુજરાતના હિલ સ્ટેશન સાપુતારામાં પૅરાગ્લાઇડિંગ ટેન્ડમ ફેસ્ટિવલ યોજાશે. પૅરાગ્લાઇડિંગ સ્ર્પોટ્સને પ્રમોટ કરવા અને ગુજરાતમાં પણ પૅરાગ્લાઇડિંગ માટે સારાં સ્થળો આવેલાં છે એનો પર્યટકોને અહેસાસ કરાવવાના ભાગરૂપે પાવાગઢ અને સાપુતારામાં પૅરાગ્લાઇડિંગ માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં સાપુતારા હિલ સ્ટેશન પૅરાગ્લાઇડિંગ માટે વધુ અનુકૂળ જણાયું છે. સાપુતારામાં મહિને અંદાજે ૨૫,૦૦૦ કરતાં પણ વધુ પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે ભારતીય પાઇલટ સાથે રશિયન, ચીન અને ફ્રેન્ચના અનુભવી પાઇલટો પ્રવાસીઓને ટેન્ડમ ફ્લાઇટની મજા માણવાનો લ્હાવો પૂરો પાડશે.’

ટેન્ડમનો અર્થ સમજાવતાં કૅપ્ટન રાજીવે કહ્યું હતું કે પૅરાગ્લાઇડિંગની સફરમાં પાઇલટ સાથે અન્ય એક પ્રવાસી પણ પૅરાગ્લાઇડિંગ લઈને ઊડે એને ટેન્ડમ કહેવાય. એક ચાઇનીઝ મહિલા પાઇલટ સાથે કુલ ૧૮ પાઇલટ આ અદ્ભુત સફરનો લ્હાવો સહેલાણીઓને કરાવશે.

ગુજરાત પ્રવાસનને મળ્યો બેસ્ટ ટૂરિઝમ ર્બોડ ઑફ ઇન્ડિયાનો અવૉર્ડ

ગુજરાતને પ્રવાસન વિકાસ ક્ષેત્રે રાષ્ટ્રકક્ષાનો પ્રતિષ્ઠિત અવૉર્ડ મળ્યો છે. ટ્રાવેલ એજન્સી અસોસિએશન ઑફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલો બેસ્ટ ટૂરિઝમ ર્બોડ ઑફ ઇન્ડિયાનો અવૉર્ડ ગુજરાતના પ્રવાસન નિગમને કેન્દ્રીય પ્રવાસનપ્રધાન સુબોધકાંત સહાયે આપ્યો હતો.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK