સુરતની આ બે છોકરીઓ છે ગુજરાતીઓનું ગૌરવ

Published: 28th July, 2020 12:59 IST | Shailesh Nayak | Ahmedabad

વૈદેહી વેકરિયા અને રાધિકા લાખાણીએ શોધેલા ઍસ્ટરૉઇડને નાસાની માન્યતા

ઍસ્ટરૉઇડ શોધનાર સુરતની રાધિકા લાખાણી અને વૈદેહી વેકરિયા.
ઍસ્ટરૉઇડ શોધનાર સુરતની રાધિકા લાખાણી અને વૈદેહી વેકરિયા.

ગુજરાતનું ડાયમન્ડ સિટી સુરત કોરોનાગ્રસ્ત બની ચૂક્યું છે ત્યારે કોરોનાની મહામારી વચ્ચે પણ સુરતની બે વિદ્યાર્થિનીઓ વૈદેહી સંજય વેકરિયા અને રાધિકા પ્રફુલ લાખાણીએ લગભગ એક મહિના સુધી સ્પેસમાં ગ્રહોની ગતિવિધિઓ પર સંશોધન કરીને ઍસ્ટરૉઇડ શોધી કાઢ્યો છે, જેને અમેરિકાની જગપ્રસિદ્ધ સંસ્થા નાસાએ સ્વીકૃતિ આપીને તેમને બિરદાવી છે. ઍસ્ટરૉઇડ શોધવામાં સફળતા મેળવનાર વૈદેહી અને રાધિકા ગુજરાતની પ્રથમ વિદ્યાર્થિનીઓ બની અને તેમણે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી પી. પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ સ્કુલના ૧૦મા ધોરણમાં અભ્યાસ કરતી વૈદેહી અને રાધિકાએ સ્પેસ સંસ્થાના માર્ગદર્શનમાં નાસા સાથે જોડાયેલા ‘ઑલ ઇન્ડિયા ઍસ્ટરૉઇડ સર્ચ કૅમ્પેન’માં ભાગ લઈને એક મહિનાના સંશોધનના અંતે ઍસ્ટરૉઇડ શોધ્યો છે, જે ભવિષ્યમાં પૃથ્વી પરથી પસાર થઈ શકે છે. વૈદેહી વેકરિયા અને રાધિકા લાખાણીએ મંગળની નજીક ભ્રમણકક્ષામાં ફરતો એક ઍસ્ટરૉઇડ શોધી કાઢ્યો હતો જેને નાસાએ સ્વીકૃતિ આપી છે.

વૈદેહી અને રાધિકાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ઑલ ઇન્ડિયા ઍસ્ટરૉઇડ સર્ચ કૅમ્પેનમાં ભાગ લીધો હતો. ઍસ્ટ્રોમેટ્રિકા ઍપ અમે પીસીમાં ડાઉનલોડ કરી હતી અને અમને ડેટા મોકલવામાં આવ્યા હતા. એને ઍનલાઇઝ કરતાં હતાં અને રિપોર્ટ મોકલતાં હતાં. આ પહેલાં અમે ટ્રેઇનિંગ લીધી હતી. યુટ્યુબ પર બે કલાક લાઇવ સેશન ઉપરાંત વિડિયો-કૉન્ફરન્સિંગથી ટ્રેઇનિંગ લીધી હતી. કોઈ ક્વેરી હોય તો અમારી સંસ્થામાં પૂછતા હતા અને અમને માર્ગદર્શન મળતું હતું. છેલ્લા એક મહિના દરમ્યાન અમે સર્ચ કરતાં રહ્યાં હતાં અને છેવટે અમને સફળતા મળી અને અમે ઍસ્ટરૉઇડ શોધ્યો હતો. પછી એનો રિપોર્ટ નાસામાં સબમિટ કર્યો હતો. ૨૩ જુલાઈએ નાસામાંથી સાયન્ટિસ્ટ પૅટ્રિક મિલરની ઈ-મેઇલ આવી હતી કે તમે ઍસ્ટરૉઇડ ફાઇન્ડ કર્યો છે, અભિનંદન.’

વૈદેહી વેકરિયાએ કહ્યું કે ‘મને પહેલેથી જ ઍસ્ટ્રોનૉટ બનવાનો વિચાર હતો. આ બધા માટે મને ક્યુરિયોસિટી થતી હતી અને જાણવાની ઇંતેજારી હતી. અમે ઍસ્ટરૉઇડ શોધ્યો એની અમને બધાને બહુ ખુશી છે.

રા‌ધિકા લાખાણીએ કહ્યું કે ‘મને સ્પેસ વિશે જાણવામાં રસ છે. સ્પેસ કેવું હોય, એમાં શું હોય એ જાણવાનો ઇન્ટરસ્ટ છે. આ બધું જાણવાની મને જિજ્ઞાસા રહેતી. જોકે મારે મોટી થઈને બિઝનેસ-વુમન બનવું છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK