એસીપી તરીકે બાકી રહેલું કામ આઇપીએસ વિધિ ચૌધરીએ ડીસીપી બની પૂરું કર્યું

Published: Jan 28, 2020, 07:21 IST | Surat

નવ વર્ષથી ફરાર બળાત્કારીને એક વર્ષની સખત મહેનતથી ઝડપી પાડ્યો

એસીપી વિધિ ચૌધરી
એસીપી વિધિ ચૌધરી

પોલીસ કોઈ કેસમાં દિલથી મહેનત કરે તો સફળતા જરૂરથી મળતી હોય છે, તેમાં પણ કોઈ એવો કેસ કે જે ઘટનાને નવ વર્ષનો સમય થઈ ગયો હોય અને આરોપીનો કોઈ સીધો સંપર્ક થઈ શકતો ન હોય. આવા જ એક બ્લાઇન્ડ કહેવાતા સુરતના ચકચકિત ગૅન્ગરેપ કેસમાં ચોથા આરોપીને એક વર્ષની સખત મહેનત બાદ સુરત પોલીસે ઝડપી પાડ્યો છે.

આ ઘટના એક ઘૃણાસ્પદ સામૂહિક બળાત્કાર કેસ અને એક મહિલા આઇપીએસ અધિકારી સાથે જોડાયેલી છે. વર્ષ  ૨૦૧૧માં ડુમ્મસ દરિયાકિનારે એક યુવતી પોતાના ભાવિ પતિ સાથે ફરવા ગઈ હતી, દરમ્યાન ચાર જેટલા અજાણ્યા શખસોએ યુવકને મારી લૂંટી લીધો હતો, યુવકને ઘટના સ્થળેથી ભગાડ્યા બાદ ચારેય અજાણ્યા શખસોએ યુવતી પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. પોતાની બદનામીના ડરે આ સમગ્ર મામલો છુપાવવામાં આવ્યો હતો. જોકે આ ઘટનાની જાણકારી સ્થાનિક મીડિયા દ્વારા પોલીસ સુધી પહોંચી હતી અને પોલીસે આ સંવેદનશીલ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. યુવતીની હાલત ખૂબ ગંભીર હતી, સાથે જ ઘટનાથી એટલી ડરી ગઈ હતી કે તે પોલીસને કંઈ પણ કહેવા તૈયાર નહોતી. વિધિ ચૌધરીએ યુવતી અને તેના ભાવિ પતિ સાથે વાતચીત કરી સમગ્ર ઘટનાની માહિતી એકત્રિત કરી હતી. બનાવના સ્થળે અનેક મુલાકાતો બાદ એક રિક્ષાવાળાની મદદથી પોલીસ બે આરોપીઓ સુધી પહોંચવામાં સફળ થઈ હતી. જોકે આ કેસના અન્ય બે આરોપીઓ નાસી જવામાં સફળ થયા હતા. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી. આરોપી જિતેન્દ્રકુમાર સિંગ અને કમલનયન ભૂમિહારને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે બાદમાં પેરોલ જમ્પ કરીને બન્ને આરોપીઓ ભાગી ગયા હતા. આમ આ કેસના તમામ આરોપીઓ ફરાર હતા.

મહત્ત્વનું છે કે એસીપી તરીકે સુરતથી બદલી થયા બાદ આઇપીએસ વિધિ ચૌધરી ફરી સુરતમાં ડીસીપી તરીકે આવ્યાં હતાં. તેમના તાબામાં આવતા ઉમરા પોલીસ મથકમાં જ આ કેસ નોંધાયો હતો જેથી ભાગેડુ આરોપીઓને પકડવાનું તેમણે ફરી મન બનાવ્યું હતું. આ અંગે ‘મિડ ડે’ સાથે વાત કરતાં વિધિ ચૌધરીનું કહેવું છે કે આ કેસ ખૂબ સંવેદનશીલ હતો અને એક પોલીસ અધિકારી તરીકે આરોપી જેલના સળિયા પાછળ રહે તે માટે સમાજ માટે જરૂરી હતું, જેથી પેરોલ પર ભાગેલા અને વૉન્ટેડ આરોપીઓને શોધવા ખાસ ટીમ બનાવી હતી, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઇલેક્ટ્રૉનિક સર્વેલન્સના આધારે અમે ૨૦૧૯માં એક વૉન્ટેડ આરોપી કનૈયાકુમાર ભૂમિહારને પકડી પાડ્યો હતો, જેથી અમને આશા હતી કે અન્ય આરોપી રાજકુમાર પણ પકડાઈ જશે. જોકે આ કામ ખૂબ મુશ્કેલ હતું, કારણકે નવ વર્ષ પછી આરોપી કેવો દેખાય છે તે જાણવું અઘરું હતું.

આ પણ વાંચો : વાહનમાં પાછળ બેસનારે પણ હવે હેલ્મેટ ફરજિયાત પહેરવી પડશે

આખરે થોડા દિવસ અગાઉ એક ટેક્નિકલ માહિતી મળી હતી કે રાજકુમાર હરિયાણાના ફરીદાબાદમાં મજૂરીનું કામ કરે છે, જેને આધારે એક ટીમ ફરીદાબાદ ગઈ હતી અને રાજકુમારની ધરપકડ કરી હતી.. જોકે હાલમાં ફરાર બે આરોપીને પકડવા માટે પણ વિધિ ચૌધરી પ્રયાસ કરી રહ્યાં છે, આ ઘટના સાબિત કરે છે કે જો કોઈ પોલીસ અધિકારી ખરા અર્થમાં મહેનત અને લગનથી કામ કરે તો સફળતા જરૂર મળે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK