ગુજરાત: દિલ્હી બાદ હવે સુરતની નિર્ભયના આરોપીનું ડેથ વૉરન્ટ

Updated: Jan 31, 2020, 09:45 IST | Surat

બળાત્કારી હત્યારો લટકશે ફાંસીના માંચડે : ૨૦૧૮માં લિંબાયતમાં ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર કરીને હત્યા કરી હતી

પ્રતીકાત્મ તસવીર
પ્રતીકાત્મ તસવીર

દિલ્હીના નિર્ભયાકેસમાં ચારેય આરોપીઓને ફાંસીની સજા આપવા માટેની તારીખ તો નક્કી થઈ ગઈ છે, પરંતુ ખરેખર એ દિવસે ચારેય નરાધમોને ફાંસીના માંચડે લટકાવાશે કે નહીં એને લઈને અસમંજસ છે ત્યારે સુરતમાં ત્રણ વર્ષની નિર્ભયા સાથે થયેલા બળાત્કાર અને હત્યા કેસમાં સુરતની કોર્ટે આરોપીનું ડેથ વૉરન્ટ જારી કર્યું છે. ૨૦૨૦ની ૨૯ ફેબ્રુઆરીએ બળાત્કારી હત્યારાને અમદાવાદની જેલમાં ફાંસીના માંચડે લટકાવવાનો આદેશ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. બળાત્કાર અને હત્યાના કેસમાં કોઈ આરોપીનું ડેથ વૉરન્ટ ઇશ્યું થયું હોય એવી આ પહેલી ઘટના છે.

anil-yadav

સમગ્ર ઘટના સુરતના લિંબાયત વિસ્તારમાં બની હતી જેમાં ૨૦૧૮ની ૧૪ સપ્ટેમ્બરે લિંબાયત વિસ્તારમાં રહેતા નારાયણભાઈની ત્રણ વર્ષની બાળકી અચાનક ઘર પાસેથી ગુમ થઈ ગઈ હતી. રાત્રે પોતાની દીકરી ઘરે નહીં આવતાં માતાએ બાળકીની શોધખોળ શરૂ કરી હતી. જોકે તે મળી ન હતી જેથી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે આસપાસના વિસ્તારમાં બાળકીને શોધી હતી જેમાં સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચેક કરતાં બાળકી સોસાયટીની બહાર ન ગઈ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સોસાયટીમાં જ શોધખોળ શરૂ કરી હતી, જેમાં બાળકી જે બિલ્ડિંગમાં રહેતી હતી એના ગ્રાઉન્ડ ફ્લૉર પર આવેલા મકાનમાં રહેતી વ્યક્તિ ગુમ થઈ હતી જેથી પોલીસને આશંકા ગઈ હતી કે આ ઘરમાં જ બાળકી હોવી જોઈએ. તપાસ કરતાં આ ઘરમાં અનિલ યાદવ રહેતો હોવાનું સામે આવ્યું હતું.

બાળકી પર બળાત્કાર કર્યા બાદ તેની હત્યા અનિલ દ્વારા કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું.અનિલ બાળકીના મૃતદેહને કોથળામાં ભરીને પોતાના જ ઘરમાં સંતાડીને પોતાના વતન બિહારના દરભંગા ખાતે ભાગી છૂટ્યો હતો. સુરત પોલીસની અલગ-અલગ ટીમ અનિલને શોધવામાં લાગી હતી. દરમ્યાન સીસીટીવી કૅમેરાનાં ફુટેજ અને મોબાઇલ સર્વેલન્સના આધારે પોલીસને માહિતી મળી હતી કે અનિલ બિહારના દરભંગા ખાતે આવેલા પોતાના ગામમાં છુપાયો છે. બિહાર પોલીસની મદદથી અનિલ યાદવને ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો : CAA અને NRCના વિરોધમાં બંધને મિશ્ર પ્રતિસાદ, સુરતમાં પથ્થરમારો

સુરત જિલ્લા કોર્ટના નામદાર ઍડિશનલ સેશન્સ કોર્ટના જજ પી. એસ. કાલાએ તમામ પુરાવાને ધ્યાનમાં રાખી એક એવો ચુકાદો આપ્યો છે જે આવનારા દિવસોમાં મહત્ત્વનો સાબિત થશે. જોકે હવે ૨૯ ફેબ્રુઆરીએ અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે ફાંસી અપાશે, પરતું નરાધમ અનિલ હવે પોતાના બચાવ માટે સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકે છે. જો સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવશે તો કોર્ટના આદેશ મુજબ કાર્યવાહી કરાશે, પરંતુ જો સુપ્રીમ કોર્ટમાં અરજી નહીં થાય તો ૨૯ ફેબ્રુઆરીએ ફાંસી નિશ્ચિત છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK