Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સુરત: પહેલી વાર 100થી વધુ મુમુક્ષુઓ એક જ દિવસે દીક્ષા લેશે

સુરત: પહેલી વાર 100થી વધુ મુમુક્ષુઓ એક જ દિવસે દીક્ષા લેશે

29 January, 2020 07:55 AM IST | Surat
Tejash Modi

સુરત: પહેલી વાર 100થી વધુ મુમુક્ષુઓ એક જ દિવસે દીક્ષા લેશે

સુરત: પહેલી વાર 100થી વધુ મુમુક્ષુઓ એક જ દિવસે દીક્ષા લેશે


દીક્ષાનગરી સુરતમાં ઐતિહાસિક અને વિશ્વમાં પ્રથમ વાર એકસાથે ત્રણ જગ્યાએથી ૧૦૦થી વધુ મુમુક્ષો દીક્ષા લઈને સંયમનો માર્ગ અપનાવશે. આ દીક્ષા કાર્યક્રમમાં એકસાથે ૬ પરિવાર દીક્ષા લેશે, જેમાં ૨૦થી વધુ યુવક-યુવતીઓ ગ્રૅજ્યુએટથી લઈને સીએ કરી ચૂક્યાં છે. ડાયમન્ડ અને ટેક્સટાઇલના પરિવારમાંથી આવતા હાઈ-પ્રોફાઇલ મુમુક્ષો પણ દીક્ષા લેવાના છે.

સુરતના વેસુ વિસ્તારમાં આચાર્ય શ્રી વિજય શ્રેયાંશપ્રભુસૂરીશ્વરજીના સાંનિધ્યમાં ૭૧ મુમુક્ષુઓ દીક્ષા લેશે, જ્યારે પાલ રામ પાવનભૂમિ ખાતે આચાર્ય અભયદેવસૂરીશ્વરજીના સાંનિધ્યમાં પાંચ મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરશે, તો પાલ ઓમકાસુરી આરાધના ભવન ખાતે ૨૨ મુમુક્ષુઓ આચાર્ય શ્રી યશોવિજયસૂરીશ્વરજીના સાંનિધ્યમાં દીક્ષા લેશે. સુરતમાં યોજાનારા આ ઐતિહાસિક દીક્ષા સમારોહમાં ૧૦ બાળકોથી લઈને ૮૪ વર્ષના વૃદ્ધો જીવનની આધુનિક મોહમાયા છોડશે, જેમાં ૧૦થી ૧૭ વર્ષનાં ૧૭ બાળકો, ૧૮થી ૪૫ વર્ષનાં ૪૦ યુવાન-યુવતીઓ, જ્યારે બાકીના લોકો ૪૦થી વધુની ઉંમરના છે.

આ દીક્ષાર્થીઓ પૈકી ડાયમન્ડના એક વેપારી પોતાની આજીવન કમાયેલી સંપત્તિ છોડી પત્ની અને બે દીકરીઓ સાથે સંયમના માર્ગે ચાલશે. પહેલી ફેબ્રુઆરીએ સુરત પાલ વિસ્તારમાં આચાર્ય ગુણરત્નસૂરીશ્વર મહારાજસાહેબના સાંનિધ્યમાં મહેતાપરિવારના ચાર સભ્યો જૈન દીક્ષા લઈને સાંસારિક માયાથી દૂર થઈ જશે.



પોતાના જીવનનાં ૨૦ વર્ષ હીરા ઉદ્યોગને આપનાર વિજય મહેતા પત્ની સંગીતા અને બે દીકરીઓ સાથે દીક્ષા લેવાના છે. વિજય મહેતા હીરાના વેપારી છે અને તેઓ કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતા હતા, પરંતુ ૬ વર્ષ પહેલાં તેઓએ વેપારને મહત્વ આપવાનું ઓછું કરી દીધું હતું, કારણ કે એ સમયે તેમને લાગ્યું કે ક્ષણિક સુખ માટે આટલી મહેનત શા માટે કરવી? આ જ કારણ છે કે તેમણે પરિવાર સાથે દીક્ષા લેવાનો વિચાર કર્યો, એટલું જ નહીં, પોતાની તમામ સંપત્તિ જેમણે પોતાની મહેનતથી વર્ષોમાં ઊભી કરી હતી એને પણ વેચવાનો નિર્ણય કરી લીધો છે.


ડાયમન્ડના વેપારીની પત્ની હોવાને કારણે સંગીતાબહેનને કપડાંનો ખૂબ શોખ હતો. તેમણે એક વાર જે સાડી પહેરી હોય એ બીજી વાર નહોતાં પહેરતાં. કાર, બંગલા, મોંઘા ગૅજેટ્સ, સાડી, આભૂષણ અને લક્ઝુરિયસ લાઇફ જીવનાર સંગીતાબહેનને લાગ્યું કે તેઓ આ સંસારમાં થનારા પાપમાં પોતાની દીકરીઓને આવવા નહીં દે. આ જ કારણસર તેમણે પોતાની બન્ને દીકરીઓ સાથે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.

દૃષ્ટિ અને આંગીનું કહેવું છે, ‘અમે નાની ઉંમરમાં દુનિયાભરનું સુખ જોયું છે અને સ્થળો પણ જોયાં છે, પરંતુ જ્યારથી અમે ગુરુભગવંતોના સાંનિધ્યમાં આવ્યાં છીએ ત્યારથી દુનિયાનાં આધુનિક સુખ અમને ફિક્કાં લાગવા માંડ્યાં હતાં. બીજી તરફ અમારી એક બહેન અને માતા-પિતા જે ધર્મના રસ્તે જઈ રહ્યાં છે એના પર ચાલવાનો અમે નિર્ણય લીધો છે જેનો અમને વિશેષ આનંદ છે.’


ઉલ્લેખનીય છે કે અગાઉના પરિવારની એક દીકરીએ દીક્ષા લીધી હતી. પોતાની બહેનને દીક્ષા લીધા બાદ આનંદિત અને સુખમય જોઈને વિજય મહેતાની અન્ય બે દીકરીઓએ પણ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે, જેમાંથી ૧૭ વર્ષની દૃષ્ટિ ૧૨મા ધોરણમાં ૭૦ ટકા મેળવી ચૂકી છે અને તે સીએ બનવા માગતી હતી, પરંતુ પોતાની બહેનની દીક્ષા જોયા બાદ તેને લાગ્યું કે સીએ બન્યા પછી પણ તે આનંદ તો મેળવી શકશે નહીં, તો બીજી દીકરી ૧૪ વર્ષની આંગી પણ દીક્ષા અંગીકાર કરીને ભૌતિક સુખને ત્યાગ કરવા આતુર છે.

સૌથી નાની ઉંમરનો દીક્ષાર્થી

૧૧ વર્ષની નાની ઉંમરે હીરાના વેપારીનો એકનો એક દીકરો તત્વ મુંબઈમાં ૪ માર્ચે દીક્ષા લેશે. તત્વએ જણાવ્યું કે સંસારમાં આપણે પાપ જ કરીએ છીએ અને જેકોઈ પ્રવૃત્તિ છે એ પાપની જ પ્રવૃત્તિ છે એટલે મારે કર્મ સામે લડવું છે એટલે હું દીક્ષા લેવાનો છું. તત્વના પિતા દેવાંગ મોરખિયા સુરતમાં હીરાના બિઝનેસ સાથે જોડાયેલા છે અને તેમનો  એકનો એક દીકરો ૧૧ વર્ષની ઉંમરે દીક્ષા લેવાનો છે.

આ દીક્ષા સમારોહમાં ૫૦થી વધુ જૈન સાધુ-સાધ્વીઓ હાજર રહેશે. ૫૨૮ વર્ષ બાદ ભારતમાં આટલી મોટી સંખ્યામાં દીક્ષા લેવાશે. આ તમામ લોકો દેશના આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી સુરત આવશે. આ દીક્ષાંત સમારોહમાં ૯ જેટલા લોકો સુરતના છે. દીક્ષા સમારોહ જોવા માટે ૫૦,૦૦૦થી વધુ લોકો હાજર રહેશે, જેમાં દેશ-વિદેશના લોકો પણ સામેલ હશે. સૌથી અગત્યની વાત એ છે કે આ દીક્ષાંત સમારોહમાં ૬ એવા પરિવાર છે જે તમામ સભ્યો સાથે દીક્ષા લેશે. એમાં સુરતના ડાયમન્ડ ઉદ્યોગ સાથે સંકળાયેલો પરિવાર પણ છે.

આ પણ વાંચો : ચીનમાં કોરોના વાઈરસનો હાહાકાર: ગુજરાત સરકારે હેલ્પલાઈન નંબર કર્યો જાહેર

છેક ૧૫૪૮ના વર્ષમાં ૫૦૦ દીક્ષા એકસાથે થઈ હતી

સુરતમાં યોજાનારી દીક્ષા એટલા માટે મહત્વની છે, કારણ કે જૈન સમાજના ઇતિહાસમાં ૫૨૮ વર્ષ બાદ એકસાથે સૌથી વધુ દીક્ષાર્થીઓ દીક્ષા લેવા જઈ રહ્યા છે. જૈન સમાજના અગ્રણીઓનું કહેવું છે કે જૈન શાસન માટે દુર્લભ માનવામાં આવતા દીક્ષામાર્ગને દીક્ષા યુગ પ્રવર્તક આચાર્ય વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે સરળ બનાવ્યા બાદ અનેક દીક્ષા થઈ છે. ૧૫૪૮માં ઇડરમાં ૫૦૦ દીક્ષાર્થીઓએ એકસાથે દીક્ષા લીધી હતી એટલે કે ૫૨૮ વર્ષ બાદ ૧૦, ૨૦, ૪૦ કે ૭૦ દીક્ષાર્થીઓએ દીક્ષા લીધી છે. આમ એકસાથે ૧૦૦થી વધુ લોકો દીક્ષા લેતા હોય એવું બીજી વખત બની રહ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

29 January, 2020 07:55 AM IST | Surat | Tejash Modi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK