સુરતના બીજેપીના નગરસેવકનો દારૂ ઢીંચીને પાર્ટી કરતો વિડિયો વાઇરલ

Published: Feb 04, 2020, 07:44 IST | Surat

કૉર્પોરેટરે કહ્યું, અમારા સમાજમાં દારૂ પીવાની પરંપરા છે પણ મેં દારૂ પીધો નહોતો

દારૂ ઢીંચીને પાર્ટી કરતો વિડિયો વાઇરલ
દારૂ ઢીંચીને પાર્ટી કરતો વિડિયો વાઇરલ

એક તરફ ગુજરાતમાં રૂપાણી સરકાર દારૂબંધીના નિયમોની વાતો કરી રહી છે ત્યારે હાલમાં જ સુરતમાં દારૂબંધીને લઈને એક અલગ જ વાત જોવા મળી છે. અહીં પ્રજા નહીં પણ બીજેપીના નગરસેવક પીયૂષ શિવશક્તિવાળા પણ દારૂની મહેફિલ માણી રહ્યા છે. હવે રૂપાણી સરકારનો કાયદો ક્યાં? સુરતના નારગોલમાં પીયૂષ શિવશક્તિવાળાએ દારૂના નશામાં ડાન્સ કર્યો. આ મહેફિલમાં ૧૨ જણમાં પુત્ર-પિતા-કાકા પણ નશામાં સામેલ હતા.

હાલમાં જ સુરતના સગરામપુરા વિસ્તારમાં બીજેપીના નગરસેવકે પીયૂષ શિવશક્તિવાળાની દારૂની મહેફિલ માણવાનો વિડિયો સામે આવ્યો છે. ૨થી ૫ જાન્યુઆરીની વચ્ચે આ મહેફિલ યોજાઈ હતી. મહેફિલમાં નગરસેવકે દારૂના નશામાં ડાન્સ પણ કર્યો હતો. એવું કહેવાય છે. આ માટે નારગોલમાં પારસી પંચાયતનું મકાન ભાડે રાખીને પાર્ટી કરી હતી. વાઇરલ વિડિયોમાં દેખાઈ રહેલી વ્યક્તિઓને હોંશ હોય તેવું દેખાતું નથી. તમામ લોકો ફિલ્મી ગીતો પર નાચી રહ્યા છે. વિડિયોમાં હાજર લોકો શોલે ફિલ્મનું ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે’ અને ડિસ્કો ડાન્સરનું ગીત ‘આઈ એમ અ ડિસ્કો ડાન્સર’ ગાતા હોવાનું પણ સંભળાઈ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે જે જગ્યાએ પાર્ટી યોજાઈ હતી તેમાં ૧૨ વ્યક્તિનું ગ્રુપ હતું. આ ગ્રુપમાં પુત્ર-પિતા અને કાકા પણ સામેલ હતા. દારૂ પીવા મુદ્દે નગરસેવક પીયૂષ શિવશક્તિવાળાએ કહ્યું કે મારા માટે દારૂ પીવો એ મોટી વાત નથી. અમારા સમાજમાં પ્રસંગોપાત દારૂ પીવો એ પરંપરા છે. જોકે મેં દારૂ પીધો નહોતો. પીયૂષભાઈ સુરતના વૉર્ડ-૧૯ના નગરસેવક છે અને ત્રણ વાર નગરસેવક બન્યા છે. તેઓ આ કામ કરે ત્યારે પ્રશ્ન સર્જાય તે સ્વાભાવિક છે.

આ પણ વાંચો : ગુજરાત: સુરતમાં વરરાજાએ CAAના સપોર્ટમાં મેંદી મુકાવી

બીજેપીના નેતા હોય કે કાર્યકર, સસ્પેન્શન સુધીની કાર્યવાહી થશે : ભજિયાવાલા

સુરતમાં કૉર્પોરેટરનો દારૂની મહેફિલ માણવાનો વિડિયો વાઇરલ થયો છે ત્યારે હવે આ મામલે બીજેપીના શહેર પ્રમુખ નીતિન ભજિયાવાલાએ પ્રતિક્રિયા આપી છે કે આવી કોઈ પણ વસ્તુ ચલાવવામાં નહીં આવે. દારૂબંધી પર સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. બીજેપીના નેતા હોય કે કાર્યકર્તા, તમામ સામે સસ્પેન્શન સુધીની કાર્યવાહી કરાશે. બીજેપીની છબિ ખરડાય તેવી એક પણ પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે. સાથે જ તેમણે લોકોને આ પ્રકારની ઘટનાઓને ઉજાગર કરવા માટે અપીલ પણ કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK