ડાંગના ચીખલા ગામે વર્ષોની માગ બાદ રસ્તો બન્યો અને વરસાદમાં ધોવાઈ ગયો

Published: Aug 22, 2019, 09:16 IST | રોનક જાની | નવસારી

ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ ભેખળો ધસી પડવાના બનાવો બન્યા હતા સાથે ડામરના માર્ગો પણ ધોવાયા હતા.

વરસાદમાં ધોવાયેલો રસ્તો
વરસાદમાં ધોવાયેલો રસ્તો

ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ ભેખળો ધસી પડવાના બનાવો બન્યા હતા સાથે ડામરના માર્ગો પણ ધોવાયા હતા. જિલ્લા વહીવટી તંત્રએ મુખ્ય સ્ટેટ અને નૅશનલ હાઇવે પર પડેલાં ભેખડ અને વૃક્ષો તાત્કાલિક હટાવી લીધાં. જોકે ભાલખેતથી મહાલ માર્ગ પર ભેખડો અને વૃક્ષો આજે દસ દિવસ થવા છતાં માર્ગ વચ્ચેથી હટાવી લેવાયાં નથી, જેના કારણે પ્રવાસીઓ તેમ જ સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. 

ગુજરાતના ડાંગ જિલ્લામાં રાજ્યનો સૌથી વધારે વરસાદ પડે છે. અહીં ધોધમાર વરસાદને પગલે વહીવટી તંત્રને દર વર્ષે ભારે નુકસાન થાય છે, જેમાં સૌથી વધુ માર્ગમકાન વિભાગને નુકસાન થાય છે. ડુંગરાળ વિસ્તાર ધરાવતા જિલ્લાના ત્રણ તાલુકામાં અનેક જગ્યાએ માર્ગ ધોવાણ અને ભેખડ ધસી પડવાના કારણે અમુક ગામડાંઓ આજે ૧૦ દિવસે પણ મુખ્ય મથકેથી સંપર્ક વિહોણાં છે. સ્કૂલ જતા વિદ્યાર્થીઓ સહિત ગામોના લોકો જંગલના માર્ગે અવરજવર કરવા લાચાર બન્યા છે. ખાસ કરીને કાલીબેલ નજીકનો ભાલખેતથી મહાલ જવાનો રસ્તો આજે ૧૦ દિવસથી બંધ છે. આ રસ્તે વરસાદથી માર્ગ પર અનેક  વૃક્ષો, ભેખડો, મોટા પથ્થરો ધરાશાયી થયાં છે. પૂર્ણા નદીના આશરે ૬ કિલોમીટર સુધીના ડામરના રસ્તા પ્રોટેક્શન વૉલ સહ‌િત નદીના ધસમસતા પ્રવાહમાં ધોવાઈ ગયા છે જ્યાં મહાલ તરફથી બે કિલોમીટર અને ભાલખેતથી ચીખલા ગામ સુધીના ૪ કિલોમીટર માર્ગ પરથી માર્ગમકાન વિભાગ દ્વારા માટી અને પથ્થર હટાવી લઈ રસ્તા ખુલ્લા કરી દેવામાં આવ્યા છે, પરંતુ ત્યાર બાદ અહીં કામકાજ બંધ કરી દેવામાં આવ્યું છે અને પર્યટક સ્થળ મહાલને જોડતા માર્ગ પરથી હજી બે કિલોમીટર સુધી વૃક્ષો તથા મોટા પથ્થરો ખસેડવામાં આવ્યાં નથી. ૧૦ દિવસ કરતાં વધુ સમય થયો છતાં હજી સુધી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો નથી, જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે જેઓ વહેલી તકે અહીં કામ ચાલુ થાય એવી માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : એક લાખ વાહનો સાથે ગુજરાત લાવશે ઈલેક્ટ્રિક ક્રાંતિ

અમારા નસીબમાં રસ્તાનું સુખ નથી. વર્ષોની માગ બાદ રસ્તાની સુવિધા મળી હતી. બે વર્ષ અગાઉ બનાવેલો ડામરનો રસ્તો અને કોઝવે આ વર્ષે વરસાદમાં સંપૂર્ણ ધોવાઈ જતાં છેલ્લા ૧૫ દિવસથી અહીં વાહનવ્યવહાર બંધ છે. આ વિસ્તારની એસટી સેવા, આરોગ્યલક્ષી ૧૦૮ની સેવા પણ સંપૂર્ણ ઠપ થઈ ગઈ છે. તંત્ર દ્વારા વહેલી તકે રસ્તાનું કામ શરૂ કરવામાં આવે એ જરૂરી છે. 

- જયવંત મોકાસી (ભૂતપૂર્વ સરપંચ - ચીખલા ) 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK