રાજ્યસભાની 4 બેઠકોમાંથી બીજેપીનો 3 અને કૉન્ગ્રેસનો એક બેઠક પર વિજય

Published: 20th June, 2020 13:40 IST | Agencies | Gandhinagar

છોટુ વસાવાની ગૂગલીમાં કૉન્ગ્રેસ ક્લીન બોલ્ડઃ ઍડવાન્ટેજ બીજેપી: ચૂંટણીમાં નંબર ગેમમાં કૉન્ગ્રેસ કરતાં બીજેપી આગળ નીકળતાં બીજેપીના તમામ ૩ ઉમેદવારો નરહરિ અમીન, રમીલાબહેન બારા અને અભય ભારદ્વાજ જીતી ગયા

રમત રાજકારણની : ગુજરાતમાં ગઈ કાલે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ગાંધીનગરમાં મતદાન કર્યા પછી વિક્ટરીની સાઇન દેખાડતા કૉંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર અને અપક્ષ વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણી. તસવીર : પી.ટી.આઈ.
રમત રાજકારણની : ગુજરાતમાં ગઈ કાલે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ગાંધીનગરમાં મતદાન કર્યા પછી વિક્ટરીની સાઇન દેખાડતા કૉંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર અને અપક્ષ વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણી. તસવીર : પી.ટી.આઈ.

ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ-ચાર બેઠકો માટે ગઈકાલે સાંજે મતદાન પૂરું થયા બાદ જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવી ત્યારે કૉન્ગ્રેસે બીજેપીના બે ધારાસભ્યો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને કેસરીસિંહ સોલંકીના વોટ સામે વાંધો ઉઠાવ્યો હતો અને પરિણામ રોકી રાખવા માગણી કરી હતી. અલબત્ત, જે રીતે મતદાન થયું છે એમાં સ્પષ્ટ નિર્દેશ મળે છે કે બીજેપીએ ત્રણ બેઠકો મેળવી, જ્યારે કૉન્ગ્રેસે એક બેઠક ગુમાવી છે.

ગુજરાતમાં રાજ્યસભાની ૪ બેઠકોની રસાકસીભરી રીતે યોજાયેલી ચૂંટણીમાં નંબર ગેમમાં કૉન્ગ્રેસ કરતાં બીજેપી આગળ નીકળતાં બીજેપીના તમામ ૩ ઉમેદવારો નરહરિ અમીન, રમીલાબહેન બારા અને અભય ભારદ્વાજ વિજેતા થયાં હતાં. આ ત્રણેય ઉમેદવારોને ૩૬-૩૬ ફર્સ્ટ પ્રેફરન્સના વોટ મળ્યા છે તો બીટીપીના છોટુભાઈ વસાવા છેક છેલ્લી ઘડીએ મતદાનથી દૂર રહેતાં કૉન્ગ્રેસની તરફેણમાં બે વોટ ઘટતાં કૉન્ગ્રેસને એક બેઠક ગુમાવવી પડી હતી. આ ઉપરાંત નંબર ગેમમાં બીજેપીની સરળતા માટે કૉન્ગ્રેસના ૮ ધારાસભ્યોએ રાજીનામાં આપતાં કૉન્ગ્રેસને મળવાપાત્ર બન્ને બેઠકો પૈકી એક બેઠક ગુમાવવી પડી છે. ભરતસિંહ સોલંકી હાર્યા છે અને કૉન્ગ્રેસ જેમને રાજ્યસભામાં લઈ જવા માગે છે તે શક્તિસિંહ ગોહિલ જીત્યા હતા. પરિણામ પહેલાં સોલંકીએ મીડિયા સાથેની વાતચીચમાં પોતાની હાર સ્વીકારી લીધી હતી અને એ માટે બીજેપી પર દોષારોપણ કર્યું હતું. ખાસ કરીને વસાવાને મતદાન નહીં કરવા દેવા બીજેપીએ દબાણ કર્યું હોવાનો સોલંકીએ દાવો કર્યો હતો. બીજેપીના ૧૦૩, કૉન્ગ્રેસના ૬૫, અપક્ષના ૧ અને એનસીપીના એક ધારાસભ્યે મતદાન કર્યું હતું. મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું.

પાંચ વાગ્યે રાજ્યસભાની ચૂંટણીની મતગણતરી થવાની હતી, પણ એ સમયે કૉન્ગ્રેસ દ્વારા બીજેપીના બે ધારાસભ્યોના મત મામલે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કેસરીસિંહના મતને લઈને કૉન્ગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો. ભૂપેન્દ્રસિંહની મૅટર સબજુડિશ્યલ હોવાનો અને કેસરીસિંહની તબિયત નાદુરસ્ત હોવાને કારણે તેમના મત ન ગણવા સામે કૉન્ગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો. કેસૅરીસિંહ ફિટ હોવાછતાં અનફિટના ખોટા પુરાવા આપ્યા છે. જેને કારણે કારણે મત ગણતરીમાં વિલંબ થયો હતો. કોંગ્રેસનું કહેવું છે કે પ્રોક્સી મત માટે અગાઉથી એટલે કે ત્રણ દિવસ પહેલા મંજૂરી લેવાની હોય છે, જે લેવામાં આવી નથી.જોકે ચૂંટણી પંચે કૉન્ગ્રેસના તમામ વાંધાને ફગાવ્યા હતા અને એ પછી મત ગણતરી શરૂ થઈ હતી.

ગુજરાતમાં રાજ્યસભાની ૪ બેઠક માટે બીજેપીના ૩ અને કૉન્ગ્રેસના બે મળીને એમ કુલ પાંચ ઉમેદવારોની વચ્ચે ભારે રસાકસીભર્યા રાજકીય વાતાવરણની વચ્ચે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. એક-એક વોટનું અતિ રાજકીય ગણતરીનું મહત્ત્વ હોવાથી બન્ને પક્ષોએ પોતપોતાના ધારસભ્યોને જીવની જેમ સાચવીને રાખ્યા હતા અને મતદાન માટે એક પછી એક સભ્યને મોકલવામાં આવ્યા હતા. બીજેપીએ અભય ભારદ્વાજ, નરહરિ અમીન અને રમીલાબહેન બારાને મેદાનમાં ઉતાર્યાં હતાં તો કૉન્ગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને ટિકિટ આપી હતી.

ગઈ કાલે મતદાનની પ્રક્રિયા શરૂ થયા બાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત મંત્રીઓએ પણ મતદાન કર્યું હતું. બીજેપી પાસે ૧૦૩ મતો એટલે કે ધારાસભ્યો હતા તો કૉન્ગ્રેસ પાસે માત્ર ૬૫ સભ્યો હતા. કૉન્ગ્રેસને મળવાપાત્ર બન્ને બેઠકોમાંથી એક બેઠક આંચકી લેવા બીજેપીએ ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને મેદાનમાં ઉતારતાં રાજકીય પરિમાણો બદલાયાં હતાં અને કૉન્ગ્રેસમાં કુલ ૮ ધારાસભ્યોએ નંબર ગેમની રમતમાં બીજેપીની સરળતા માટે ચૂંટણી પહેલાં રાજીનામાં આપતાં ભારે રસાકસી સર્જાઈ હતી. બીજેપી અને કૉન્ગ્રેસના સભ્યોની સાથે એનસીપી અને એક અપક્ષે પણ મતદાન કર્યું હતું. એનસીપીના કાંધલ જાડેજાએ દાવો કર્યો કે તેમણે પક્ષના આદેશ પ્રમાણે કૉન્ગ્રેસને વોટ આપ્યો છે. જોકે તેઓ મતદાન માટે બીજેપીના એક પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાની સાથે કારમાં બેસીને આવ્યા હતા. કેસરીસિંહ મતદાન કરવા ઍમ્બ્યુલન્સમાં પહોંચ્યા હતા.

ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી)એ વોટ ન આપતાં કૉન્ગ્રેસને રાજકીય નુકસાન થયું છે. મતદાનની ૨૦ મિનિટ બાકી હતી ત્યારે વસાવાએ પ્રેસ-કૉન્ફરન્સ કરીને કહ્યું કે અમારા પ્રશ્નો હલ ન થતાં અમે નારાજ છીએ. છોટુ વસાવાના મત ન મળવાના કારણે આ સ્થિતિનો સીધો ફાયદો બીજેપીને થશે. એક રીતે જોતાં કૉન્ગ્રેસની ગેમ ઊંધી પડી હતી. કૉન્ગ્રેસે એક બેઠક ગુમાવી હતી.

બીજેપીના ૩ ધારાસભ્ય બીમાર, સહાયક થકી મતદાન કર્યું

માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીને છાતીમાં દુખાવાના કારણે હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમણે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. બલરામ થવાણીને પણ વ્હીલ-ચૅરમાં લાવવામાં આવ્યા હતા. ગઈકાલે ૩ ધારાસભ્યોએ સહાયકની મદદથી મતદાન કર્યું હતું જેમાં કેસરીસિંહ અને બલરામ થવાણીએ મતદાન કર્યું છે. રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે એક-એક મત મહત્ત્વનો હોવાથી જે ધારાસભ્યોનું સ્વાસ્થ્ય હાલ સારું નથી તેમને પણ ખાસ વ્યવસ્થા સાથે મતદાન મથકે લાવવામાં આવ્યા હતા. પરંતુ તેઓ સહાયકની મદદથી મતદાન કરી રહ્યા છે. આ ત્રણ ધારાસભ્યોમાં પરસોત્તમ સોલંકી, શંભુજી ઠાકોર અને કેસરીસિંહ ચૌહાણનો સમાવેશ થાય છે.

‘કિંગમેકર’ છોટુ વસાવાએ મતદાન પૂર્વે શેડ્યુલ પાંચની ગૂગલી ફેંકી

બીટીપી પાર્ટીના છોટુ વસાવાએ મતદાન પહેલાં શરત મૂકી હતી કે બંધારણનો શેડ્યુલ પાંચ લાગુ કરીને અમલ કરવા લેખિતમાં ખાતરી આપે પછી મતદાનનની વાત. એસટી, એસસી અને ઓબીસી વિરોધી સરકાર છે, કૉન્ગ્રેસની સરકાર પણ સંઘ ચલાવતી હતી. આજે બીજેપીની સરકાર છે તો પણ સંઘ જ ચલાવે છે. પત્રકારે પૂછ્યું, નાક દબાવો છો? તો છોટુભાઈ કહે, ‘એ લોકોનું મોટું નાક છે, અહીં દબાવે તો બીજેથી શ્વાસ લે.’

મેં પક્ષના વિપ મુજબ મતદાન કર્યું : કાંધલ જાડેજા

રાજ્યસભાની ચૂંટણીમાં કુતિયાણાના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તેમણે નિવેદન આપતાં જણાવ્યું કે પોતાની પાર્ટીના વિપ મુજબ મતદાન કર્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK