રાજકોટ: તલબ કરાવે કેવી વેઠ…

Published: May 25, 2020, 08:22 IST | Rashmin Shah | Rajkot

આ ફોટોગ્રાફ જોઈને એવું નહીં ધારતા કે પોલીસ જુલમ કરી રહી છે. આખી વાત વાંચ્યા પછી સમજાશે કે તમાકુની લત માણસને કયા સ્તરે મજબૂર કરી દે છે

તમાકુના તલબને આધીન થઈને પોલીસના પગ પાસે બેસીને હાથ જોડ્યા હતા
તમાકુના તલબને આધીન થઈને પોલીસના પગ પાસે બેસીને હાથ જોડ્યા હતા

ગુજરાતમાં છએક દિવસથી લૉકડાઉન આંશિકપણે ખૂલ્યું છે, પણ એમ છતાં તમાકુના કારણે અંધાધૂંધી એવી જ ફેલાઈ રહી છે. સવારે આઠથી ચાર વચ્ચે ખૂલતી માર્કેટમાં તમાકુ લેવા માટે સવારે છ વાગ્યાથી લાઇન લાગે છે અને એ લાઇન લગાવ્યા પછી તમાકુ ન મળે અને પોલીસ આવી જાય તો લોકો રીતસર કાકલુદી કરવા પર આવી જાય છે. સૌરાષ્ટ્રભરમાં આ પરિસ્થિતિ છે તો રાજકોટમાં તો એક આધેડ વયના ભાઈએ તો તમાકુ મળી રહે અને પોલીસ દુકાન બંધ ન કરાવે એ માટે તલબને આધીન થઈને પોલીસના પગ પાસે બેસીને હાથ જોડ્યા હતા. પોતે ચાર કલાકથી લાઇનમાં ઊભો છે એટલે મહરેબાની કરીને તેને તમાકુ મળી જાય એવી વિનંતી કરતાં એ ભાઈને પોલીસ-કર્મચારી સમજાવવાની કોશિશ કરતા રહ્યા અને નિયમોથી માંડીને કોરોનાની બીમારી અને તમાકુનું વ્યસન કેટલાં જોખમી છે એ બધું સમજાવવાની કોશિશ કરી તો પણ એ ભાઈ કોઈ વાતે સમજવા તૈયાર નહોતા. પગ પાસે રીતસર આળોટવાની તૈયારીમાં આવી ગયેલા એ ભાઈની તલબની આ ચરમસીમા નહીં જોવાતાં પોલીસે પોતે જઈને દુકાનદારને વિનંતી કરીને પેલા ભાઈને તમાકુ આપવાની પરમિશન આપવી પડી હતી. તમાકુ હાથમાં આવ્યા પછી એ ભાઈના જીવમાં જીવ આવ્યો અને તે ઘરે જવા માટે રવાના થયા.

તમાકુના કારણે હાલત કફોડી

બે મહિનાના લૉકડાઉનમાં તમાકુ નહીં મળવાના કારણે ગુજરાતભરમાં કફોડી પરિસ્થિતિ સરજાઈ હતી. લૉકડાઉન ખૂલ્યા પછી એમાં સામાન્ય રાહત થઈ છે, પણ ટબૅકો પ્રોડક્ટ આવતી નહીં હોવાને લીધે અછત વર્તાય છે અને કાળાબજાર પણ એવા જ થઈ રહ્યા છે. પાન, માવા અને સિગારેટના વ્યસનીઓ એના વિના રહી શકતા નહીં હોવાથી અનેક લોકોએ ડૉક્ટરની ઍડ્વાઇઝ લઈને નિકોટીન ચ્યુઇંગ ગમનો ઉપયોગ પણ શરૂ કર્યો હતો, જેને લીધે નિકોટીન ચ્યુઇંગ ગમના વેચાણમાં ચાલીસથી પચાસ ટકા જેવો ઉછાળો આવ્યો છે.

તમાકુનું વ્યસન ધરાવતા મોટા ભાગના લોકોના કુદરતી હાજતના ટાઇમિંગથી લઈને હાર્ટ બીટ્સ વધારે રહેવાના પ્રશ્નો શરૂ થયા છે, જે હજી પણ યથાવત્ છે.

ચ્યુઇંગ ગમ વ્યસન છોડવા માટે છે, પણ આ તબક્કે શરૂ થયેલી ચ્યુઇંગ ગમની આદતને કારણે લોકોને ટબૅકોની આદત છૂટે એવી શક્યતા ઓછી દેખાય છે

- ડૉક્ટર ચિરાગ કાથરોળિયા

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK