Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાત ગોટાળે ચડ્યું: કાલથી લૉકડાઉનમાં છૂટછાટ આપવાની શરૂઆત થઈ, પણ..

ગુજરાત ગોટાળે ચડ્યું: કાલથી લૉકડાઉનમાં છૂટછાટ આપવાની શરૂઆત થઈ, પણ..

20 May, 2020 08:51 AM IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ગુજરાત ગોટાળે ચડ્યું: કાલથી લૉકડાઉનમાં છૂટછાટ આપવાની શરૂઆત થઈ, પણ..

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


આંશિક છૂટ આપવાના નામે ગઈ કાલથી લૉકડાઉનમાં છૂટછાટ આપવાની શરૂઆત થઈ, પણ આ છૂટછાટમાં ક્યાંય આંશિક છૂટછાટ દેખાતી નથી. ગુજરાત સરકાર બરાબરની કન્ફ્યુઝ છે એ સતત પુરવાર થઈ રહ્યું છે. જો સમયસર સાવચેતીનાં પગલાં લેવામાં નહીં આવે તો અણધારી રીતે હર્ડ ઇમ્યુનિટીનો પ્રયોગ ચાલુ થઈ ગયેલો ગણાશે. અલબત્ત એવું છે નહીં, પણ અત્યારે અસર તો એવી જ ઊભી થઈ રહી હોય એવું લાગી રહ્યું છે.

રવિવારે દેશભરમાં લૉકડાઉન કન્ટિન્યુ કર્યા પછી લૉકડાઉનમાં છૂટછાટ કેટલી અને કેવી આપવી એની સત્તા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને સોંપી છે, પણ એ સત્તાનો ઉપયોગ કરતી વખતે ગુજરાત સરકાર બરાબરની ગોટાળે ચડી ગઈ હોય એ રીતે સરકારે છેક સોમવારે સાંજે છૂટછાટ જાહેર કરી, પણ એ છૂટછાટ પછીનું ગઈ કાલનું દૃશ્ય એ પ્રકારનું હતું કે એવું જ પ્રતીત થાય કે ગુજરાત સરકાર છૂટછાટને નામે હર્ડ ઇમ્યુનિટીનો પ્રયોગ કરી રહી છે. આવું લાગવા પાછળ એક નહીં, અનેક કારણ છે અને એ કારણોની સાથોસાથ લાંબા સમય પછી મળેલી છૂટછાટને કારણે ગુજરાતની જનતાએ લીધેલી છૂટનો ગેરલાભ પણ એટલો જ જવાબદાર છે.



surat-gujarat


ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટમાં કોઈ જાતની સ્પષ્ટતા નહીં હોવાને કારણે પણ ગઈ કાલે હર્ડ ઇમ્યુનિટીની સ્પષ્ટ અસર દેખાતી હતી. અલબત્ત, સરકાર દ્વારા હર્ડ ઇમ્યુનિટીનો પ્રયોગ નથી થયો એ પણ એટલું જ સાચું છે, પણ ગુજરાત સરકાર ગોટાળે ચડી છે અને સરકાર મોટા ભાગની બાબતમાં સ્પષ્ટ નહોતી એ પણ ક્રિસ્ટલ ક્લિયર દેખાઈ રહ્યું હતું. સરકાર દ્વારા જેકોઈ ભાંગરા વાટવામાં આવ્યા એ જોવા જેવા છે.

હીટ વેવની આગાહી વચ્ચે ટાઇમિંગમાં ગોટાળો?


ગુજરાત સરકારના હવામાન વિભાગ દ્વારા ઑલરેડી રવિવારે જ આગાહી કરી દેવામાં આવી છે કે ગુજરાતમાં ગઈ કાલથી ચાર દિવસ માટે હીટ વેવ શરૂ થઈ રહ્યો છે. આ આગાહી મુજબ આ સમયગાળા દરમ્યાન ગુજરાતમાં મહત્તમ તાપમાન ૪૩થી ૪પ ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ આગાહી વચ્ચે ગુજરાત સરકારે લૉકડાઉનમાં આપવામાં આવેલી છૂટછાટમાં સવારે ૮થી બપોરે ૪ વાગ્યા સુધી દુકાનો ખોલવાની પરમિશન આપી છે. એક તરફ હૉસ્પિટલ કોરોના પેશન્ટ્સથી ઊભરાઈ રહી એવા સમયે હીટ વેવ વચ્ચે દુકાન બંધ કરીને ઘરે પાછા આવનારાને લૂ લાગવાની પૂરતી શક્યતા છે. જો એવું બન્યું તો એ પેશન્ટના પણ સિવિલ પર ધાડાં ઊતરશે અને ઊલમાંથી ચૂલમાં પડવા જેવો ઘાટ ઘડાશે.

૪થી ૭ શું કરવાનું?

હજી આગળની વાત કરીએ. ૪ વાગ્યે ધંધા બંધ કરવાના છે અને સાંજે ૭થી સવારે ૭ વાગ્યા સુધી કરફ્યુ જેવા લૉકડાઉનનું પાલન કરવાનું છે તો વચ્ચેના આ ત્રણ કલાકનો સમયગાળો શા માટે રાખવામાં આવ્યો છે એની કોઈ સ્પષ્ટતા ગુજરાત સરકાર દ્વારા કરવામાં નથી આવી, જે દર્શાવે છે કે સરકાર ખરેખર મૂંઝવણ વચ્ચે નિર્ણય લઈ રહી છે.

bhavnagar

ઑડ અને ઈવન નંબર શાને માટે?

ગુજરાત સરકારે આપેલી સૂચના મુજબ ઑડ અને ઈવન નંબરની દુકાનો ઑડ અને ઈવન પ્લાનિંગ સાથે ખોલવાની રહેશે, પણ ગુજરાતના કોઈ વેપારીને એ ખબર નથી કે આ ગણતરી કોણે કરવાની રહેશે. આ અસ્પષ્ટતા વચ્ચે જ ગઈ કાલે અમદાવાદ અને આંશિકપણે સુરતને બાદ કરતાં આખું ગુજરાત ખૂલી ગયું હતું અને રસ્તા પર લોકોનાં ધાડેધાડાં ઊતરી આવ્યાં હતાં. ભૂલ સમજાયા પછી ગુજરાત સરકારે તાત્કાલિક અસરથી સ્થાનિક કલેક્ટર અને કમિશનરને કામે લગાડ્યા હતા, જે ગઈ કાલે સાંજ સુધી ચાલ્યું હતું. હવે સ્થાનિક મ્યુનિસિપલ કૉર્પોરેશન કે સ્થાનિક સરકારી ઑફિસ દ્વારા ઑડ અને ઈવનનાં સ્ટિકર્સ બનાવવામાં આવશે જે દુકાન પર લગાવવાનાં રહેશે, પણ આ બાબતમાં હજી પણ સ્પષ્ટતા થઈ ન હોવાથી આજે પણ ગુજરાતઆખું ખૂલશે અને હર્ડ ઇમ્યુનિટી જેવી અસર પણ ઊભી કરશે.

ઑડ-ઈવન નંબરને કારણે પ્રજાને પણ સ્પષ્ટતા રહેશે નહીં એટલે કારણ વગર એ પણ બહાર આવશે તો પ્રજાને રોકવાનું કામ પણ પોલીસ નહીં કરી શકે, કારણ કે એની પાસે પણ સ્પષ્ટતા નહીં હોય કે કઈ દુકાન કયા સમયે ખુલ્લી હશે અને કયા સમયે બંધ હશે. ઑડ-ઈવનના દુકાનદાર પણ કોણ છે એની પણ ખબર રહેશે નહીં એટલે બહાર ભટકનારાની સંખ્યામાં પણ ઘટાડો થવાની સંભાવના નહીંવત્ રહેશે.

બંધ વખતે વધારે ફાઇન, ઓપનમાં ફાઇનમાં ઘટાડો?

થૂંકવા પર ૫૦૦ રૂપિયાનો દંડ જાહેર કરવામાં આવ્યો હતો, પણ ગઈ કાલે બજારો ખૂલે એ પહેલાં ગુજરાત સરકારે આ દંડ ઘટાડીને ૨૦૦ રૂપિયાનો કરી નાખ્યો. બજારો ખૂલવાની પરમિશન જેને આપવામાં આવી એમાં પાન-માવાને પણ પરમિશન આપવામાં આવી છે. પાન-માવા ખાવાનું શરૂ થાય ત્યારે પિચકારી મારવાનું અને બહાર થૂંકવાનું વધી જાય એવા સમયે થૂંકવા પર જે ફાઇન નક્કી થયો હતો અને એનો ઘટાડો કયા કારણસર કરવામાં આવ્યો એની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. અફકોર્સ, હવે પાન જોકે માવાની દુકાને મળવાનાં નથી. એનું પાર્સલ લઈને ઘરે જવાનું છે એટલે લોકો થૂંકશે નહીં એવી આર્ગ્યુમેન્ટ જો કરવાની ગણતરી હોય તો યાદ રહે કે લૉકડાઉન સમયે તો પાન-માવાની દુકાનો ખુલ્લી જ નહોતી એટલે લોકો થૂંકે તો ફાઇન લેવાની જે જાહેરાત હતી એ પણ ગેરવાજબી જ લાગે અને એમ છતાં એ ગેરવાજબી જાહેરાત કરવામાં આવી હતી. આ બન્ને જાહેરાતો વચ્ચે રહેલા મતભેદ જ દર્શાવે છે કે ગુજરાત સરકાર પાસે સ્પષ્ટતાનો અભાવ છે.

લગ્નમાં ૫૦ અને મરણમાં ૨૦ લોકો!

લૉકડાઉનમાં છૂટછાટ આપી એમાં લગ્નપ્રસંગમાં ૫૦ વ્યક્તિને છૂટ છે, પણ મરણ જેવા શોકની ઘટનામાં માત્ર ૨૦ જ વ્યક્તિ હાજર રહી શકશે. મરણની પ્રક્રિયાને જો જુઓ તો એમાં ૧૦ જણની તો આવશ્યકતા મિનિમમ રહેતી હોય છે. ગુજરાત સરકારે પ્રસંગ અને મોકાણ વચ્ચેના ભેદમાં પ્રસંગને મહત્ત્વ આપીને આંખમાં આવવાનું કામ કર્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

20 May, 2020 08:51 AM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK