ગુજરાત: નવરાત્રીમાં વિધ્ન બનશે વરસાદ! બે દિવસ ભારે વરસાદની આગાહી

Published: 16th October, 2020 11:52 IST | Gujarati Mid-day Online Correspondent | Gandhinagar

વરસાદની વિદાય વચ્ચે 16 અને 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

ગુજરાતમાં ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી છે પરંતુ ફરી એકવાર વરસાદી માહોલની પરિસ્થિતિ સર્જાઈ છે. આવતીકાલથી એટલે કે 17 ઓક્ટોબરથી આસો નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. એટલે આ વર્ષે નવરાત્રીમાં વરસાદ વિધ્ન બનવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આગામી પાંચ દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જોકે, ગઈકાલે રાત્રે કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસ્યો પણ છે. આમ આ વર્ષે ચોમાસું વિદાય લેવાનું નામ નથી લઈ રહ્યું. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. આ વખતે નવરાત્રિના પ્રારંભિક નોરતામાં વરસાદનું વિઘ્ન નડે તેની પૂરી સંભાવના છે.

15થી 17 ઓક્ટોબર દરમિયાનની વરસાદની આગાહી અંતર્ગત 16 અને 17 ઑક્ટોબર ભારે વરસાદ વરસી શકે છે. તારીખ 16 અને 17 ઑકટોબર દરમિયાન સૌરાષ્ટ્રના અમરેલી-ભાવનગર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં અગાઉ ગાંધીનગર ખાતે મળેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં પણ આ આગાહી જાહેર કરવામા આવી હતી. સાર્વત્રિત રીતે 15થી 17 ઑકટોબરમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. જોકે, 15મી ઑક્ટોબરની મધ્યરાત્રિએ રાજ્યના કેટલાક જિલ્લામાં હળવો વરસાદ વરસ્યો હોવાના પણ અહેવાલ છે. દરમિયાન અમદાવાદમાં આગામી શનિવારથી વાદળછાયું વાતાવરણ રહેશે અને રવિવારથી મંગળવાર દરમિયાન હળવા વરસાદની સંભાવના છે.

તમને જણાવી દઈએ કે, ચાલુ વર્ષે 12 ઓક્ટોબર સુધીમાં અંદાજીત 87.24 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. જે ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન 86.77 લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 102.76 ટકા વાવેતર થયુ છે.

સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું હતુ કે, સરદાર સરોવર જળાશયમાં 2,93,503 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના 87.85 ટકા છે. રાજયનાં 205 જળાશયોમાં 5,35,296 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના 96.10 ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ 173 જળાશય, એલર્ટ ૫ર કુલ 10 જળાશય તેમજ વોર્નીગ ૫ર પાંચ જળાશય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK